બુઘોએ ચાર-પાંચ વ્યક્તિને અમુલખ શેઠનું સરનામું પૂછ્યું, બધાએ ના પાડી કે તે ઓળખતા નથી. બુઘો વિચારમાં પડી ગ્યો, સાલું, આ તે કેવું, સુખપર ગામમાં તો નાનું છોકરું પણ શેઠને ઓળખતું હતું. આમ વિચારતો હતો, ત્યાં એક ભાઈએ પૂછ્યું, “તમે સુખપર ગામ વાળા અમુલખ શેઠની વાત કરો છો?”
“હા, ભાઈ હું સુખપર વાળા અમુલખ શેઠની વાત કરું છું. તમે મને શેઠશ્રીનું ઘર બતાવશો?”
“હા, ચાલો. મેં જોયું છે.”
“જો સામે રહ્યું એ અમુલખ શેઠનું ઘર છે પણ શેઠ તો આઉટ હાઉસમાં રહે છે.” બુઘો મુંઝાણો, શેઠ આવડો મોટો બંગલો છોડી આઉટ હાઉસમાં કેમ રહેતા હશે? ઠીક છે મોટા માણસની આપણને ખબર ન પડે. બુધાએ આઉટ હાઉસ પહોંચી, બહારથી અવાજ દીઘો, “અમુલખ શેઠશ્રી છે?”
“હા, ભાઈ કોણ છે?”
“હું, સુખપર ગામવાળો, બુધો.” અમુલખ શેઠ, સુખપર ગામનું નામ સાંભળી ઊભા થયા અને આવકાર આપ્યો, “આવો ભાઈ.” બુઘો વિચારમાં પડ્યો. શેઠની ઉંમર છે એ કરતાં વધી ગઈ લાગે છે, જરૂર કંઈક ગડબડ છે.
“શેઠશ્રી, એક સવાલ પૂછવાનું મન થાય છે, પૂછું?”
“હા, પૂછ.”
”શેઠશ્રી, આવડો મોટો બંગલો છોડીને તમે આ આઉટ હાઉસમાં કેમ રહો છો?”
“બુધા, તને ખબર છે કે સુખપર ગામમાં મારો ધીકતો ધંધો હતો. એક દિવસ મને કમત સુજી અને મેં ગામની પેઢી, ધંધો સંકેલી આ શહેરમાં આવ્યો, અહીં પણ મેં ખૂબ કમાણી કરી હતી. પણ એક નબળી પળે મને શેર બજારમાં ઝંપલાવાનું મન થયું. મને શેર બજારમાં ઝાઝી ખબર નહોતી પડતી પણ મિત્રો અને સલાહ સૂચન વાળાના ભરોસે મેં ઝંપલાવ્યું. શેર બજારના ધંધામાં બહુ મોટી ખોટ ગઈ અને મેળવ્યું હતું તે કરતાં પણ વધુ ખોઈ બેઠો. મેં, બંગલો વેચી લેણિયાતનું બધું લેણું તો ચૂકવી દીધું પણ મારે જેની પાસેથી લેવાના હતા એ બધાએ હાથ ઊંચા કરી દીધા, કે સંબંધો કાપી નાખ્યા.”
“પણ બુધા તું શું કામે આવ્યો છે?” બુઘો તો શેઠની વાત સાંભળી હતપ્રદ થઈ ગયો હતો. વિચારમાં પડી ગયો હતો કે સારા માણસો સાથે જ કેમ આવું બનતું હશે? શેઠે ફરી પૂછ્યું, “બુધા શું થયું તને? ક્યાં ખોવાઈ ગયો?” પણ બુધો ભૂતકાળમાં સરી પડ્યો હતો.
વાત, જાણે એમ હતી કે જ્યારે અમુલખ શેઠનો સુખપરમાં ધીકતો ધંધો હતો ત્યારે બુઘો શેઠને ત્યાં છૂટક મજૂરી કામ કરતો હતો. શેઠ માણસ પારખું હતા. તેણે જોયું કે બુધાને જો આર્થિક મદદ મળે તો તે નામ કમાય એવો છે. એક દિવસ શેઠે બુધાને બોલાવ્યો, “લે બુધા, આ પચાસ હજાર રૂપિયા, તું નાના પાયે ધંધો શરૂ કર.” “પણ શેઠશ્રી, મારી પાસે જામીનગીરીમાં આપવાનું કાઈ નથી.” “તારે કશું લખાણ કે જામીનગીરી આપવાની જરૂર નથી, બસ તું ધંધો શરૂ કર.” બુધાએ નાના પાયે શરૂ કરેલ ધંધામાંથી આજે તે નાની તેલની મિલનો માલિક થઈ ગયો હતો. આજે એ અમુલખ શેઠનું ઋણ ચૂકવવા માટે સુખપરથી શહેરમાં શેઠશ્રી પાસે આવ્યો હતો.
બુઘો ઘરેથી નિકળ્યો ત્યારે બે લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો. એક લાખ રૂપિયા શેઠને દેવા માટે. શેઠે તો પચાસ હજાર રૂપિયા આપ્યા હતા પણ બુધાએ વિચાર્યું, કે શેઠની મદદથી આજે હું સુખી છું, તો બમણા તો આપવા પડે. શેઠની વાત સાંભળી એણે જે એક લાખ રૂપિયા ખરીદી કરવા વધારે લીધા હતા તે પણ શેઠને આપી દેવાનું નકકી કરી થેલી શેઠના ચરણે ધરી. અમુલખ શેઠે પૂછ્યું, “બુધા, શું છે આ થેલીમાં?”
“શેઠશ્રી, તેમાં રૂપિયા છે.”
“રૂપિયા? કેમ અને શા માટે? મને શું કામ આપવાના છે તારે?”
“કેમ, ભૂલી ગયા, શેઠશ્રી? તમે મને જે રૂપિયા આલ્યા હતા તે.”
“કેટલા છે?”
“બે લાખ.”
“પણ મેં તો તને પચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને તે તારે ક્યાં પાછા આપવાના હતા.”
“શેઠશ્રી, એ વાત હું કંઈ ના સમજુ, હું રહ્યો અભણ, મને ક્યાં કાંઈ ગણતરી કરતા આવડે છે એટલે આટલા રૂપિયા લાવ્યો છું. બાકી મને કાઈ ખબર ન પડે.”
અમુલખ શેઠે સજળ નયને બુધા સામે જોયું, બુધાની આંખમાં પણ ઝળઝળિયાં હતાં. એણે ભારે અવાજે કહ્યું, “શેઠશ્રી, હું તો બવ નાનો માણસ છું તમને સલાહ તો શું આપું પણ તમે મારો હાથ પકડીને બહાર કાઢ્યો, એમ હું તમારો હાથ તો ન પકડી શકું. શેઠશ્રી તમારી સામે, તમારી આભા સામે, પ્રતિભા સામે મારી કોઈ હેસિયત નથી. પણ મારી આ નાનકડી વાત સ્વીકારો એવી મારી ભાવના છે.”
“બુધા, હું તારી વાત સમજી ગયો. તે નાની વાત કરીને મને ઘણો મોટો સંદેશ આપ્યો છે. તે મારી ચેતનાને જગાડી દીધી છે. બુધા, આજે મને સમજાઈ ગયું કે કરેલું કર્મ ક્યારે ય નિષ્ફળ જતું નથી. એ કોઈને કોઈ સ્વરૂપે પાછું મળે જ છે, જે આજે મને તારા સ્વરૂપમાં પાછું મળ્યું. તારું નામ બુઘો નહીં બુદ્ધિધન હોવું જોઈએ. હું તને આજથી બુઘો નહીં પણ બુદ્ધિધન કહીશ.”
બુધો પણ મનોમન ખુશ થઈ ગયો કે આવડા મોટા શેઠે મારી નાની એવી વાત સ્વિકારી લીધી.
અમુલખ શેઠ મનોમન વિચારતા હતા, ‘હે! પ્રભુ તારી મદદ કરવાની પદ્ધતિ પણ તારી જેવી જ અલગારી છે. તું તારા ભક્તને ક્યારે ક્યાં સ્વરૂપમાં મદદે આવી જાય, એ તારી સિવાય કોઈ ના જાણી શકે!’
ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com