25 જુલાઈ 2025ના રોજ ભા.જ.પ.ના આઇ.ટી. સેલના વડા અમિત માલવિયાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે “એક અબજથી વધુ ભારતીયો દ્વારા પ્રેમ અને વિશ્વભરના લાખો લોકો દ્વારા આદર પામેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર મોર્નિંગ કન્સલ્ટ ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકરમાં ટોચ પર છે. વિશ્વભરમાં સૌથી વધુ રેટિંગ ધરાવતા અને સૌથી વિશ્વસનીય નેતા.”
બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની ‘મોર્નિંગ કન્સલ્ટ’ અનુસાર, મોદીજીને 75% approval rating મળી છે. આ સર્વે 4 થી 10 જુલાઈ 2025 દરમિયાન ‘ઓન લાઇન’ હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં 20 થી વધુ દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ 59% સાથે બીજા અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મેઇલી ત્રીજા સ્થાને હતા. આ સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 8મા ક્રમે હતા, જ્યારે ફ્રાન્સના ઇમેન્યુઅલ મેક્રોન અને ચેક રિપબ્લિકના પેટ્ર ફિઆલા નીચા રેટિંગમાં હતા. 2023માં મોદીજીને 76-78% એપ્રૂવલ રેટિંગ સાથે ટોચ પર દર્શાવેલ હતા.
મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં વૈશ્વિક નેતાઓની તુલના માટે 500થી 45,000 લોકોનો સમાવેશ થાય છે.
થોડા મુદ્દાઓ :
[1] મોદીજી લોકપ્રિય છે તે રીતે ગોદી મીડિયા દેખાડે છે એટલે સ્વાભાવિક રીતે તેઓ લોકપ્રિયતામાં આગળ જ રહે. માની લઈએ કે મોર્નિંગ કન્સલ્ટન્ટ સર્વે સાચો છે. પરંતુ ભારત જ્યારે Hunger indexમાં 105માં સ્થાને / freedom of press indexમાં 151માં સ્થાને / happiness indexમાં 108માં સ્થાને / Human Development Indexમાં 134માં સ્થાને / GDP per capitaમાં 148માં સ્થાને આવે ત્યારે અમિત માલવિયા અને મોદીભક્તો તે બધા ઈન્ડેક્સને ખોટા કેમ કહે છે?
[2] આ સર્વે 4 થી 10 જુલાઈ 2025 દરમિયાન ‘ઓન લાઇન’ થયો. આ સમય દરમિયાન મોદીજીએ લોકશાહી મજબૂત બને તેવો કોઈ નિર્ણય કરેલ ન હતો. મોંઘવારી / બેરોજગારી ઘટે તેવો નિર્ણય કર્યો ન હતો. આ સમય દરમિયાન ડોલરના મુકાબલે રૂપિયો નબળો પડ્યો. તો લોકપ્રિયતાનું કારણ શું? આ સમય દરમિયાન, 8 જુલાઈ 2025ના રોજ તો ડબલ એન્જિન વાળા ગુજરાતમાં પુલ તૂટી ગયો તેમાં નિર્દોષ 20 લોકોના જીવ ગયા હતા તેના કારણે લોકપ્રિયતા મળી હશે? 9 જુલાઈ 2025ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળ-ભારત બંધમાં 25 કરોડથી વધુ શ્રમિકો જોડાયા હતા; એટલે લોકપ્રિયતા મળી હશે? 4 જુલાઈના રોજ, કાશ્મીરમાં એક પોલીસ અધિકારી પર મોહરમના શોભાયાત્રા દરમિયાન હિઝબુલ્લાહનો ધ્વજ હટાવવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો, તેના કારણે મોદીજીની લોકપ્રિયતા વધી હશે? 9 જુલાઈના રોજ, હરિયાણામાં મુસ્લિમોના ઘરોને આગ લગાડવામાં આવી, બિહારમાં મોહરમના શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો અને હરિદ્વારમાં કાવડિયાઓ દ્વારા મુસ્લિમ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો; આ કારણે મોદીજીની લોકપ્રિયતા વધી હશે?
[3] મોદીજીએ પોતાના 11 વરસના કાર્યકાળ દરમિયાન વૈજ્ઞાનિક, ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્ય, અર્થતંત્ર, કૃષિ, સંરક્ષણ, બેરોજગારી નાબૂદી, મોંઘવારી નિયંત્રણ, ડોલર સામે રૂપિયાની મજબૂતી અને આંતરરાષ્ટ્રીય શાંતિમાં કોઈ યોગદાન આપ્યું છે ખરું?
[4] શું એપ્રુવલ રેટિંગ નેતૃત્વનું અંતિમ માપદંડ છે? આ રેટિંગ નીતિ અસરકારકતા, આર્થિક વિકાસ અથવા સામાજિક સમાનતાને ધ્યાનમાં લે છે? મોદીજીનું એપ્રુવલ રેટિંગ બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય જેવા મુખ્ય માપદંડો પર છે કે ગોદી મીડિયાની વાહવાહી પર? ભક્તોની સ્તુતિ પર? લોકશાહીમાં, વિરોધ પક્ષો, નાગરિક સમાજ જૂથો અથવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો તેમના નેતૃત્વ વિશે શું કહે છે? તે મહત્ત્વનું ન હોય? મોર્નિંગ કન્સલ્ટનો સર્વે ભારતના જટિલ સામાજિક-રાજકીય લેન્ડસ્કેપને સંપૂર્ણપણે કેપ્ચર કરે છે? આપણા રોજિંદા જીવનમાં આપણી સામે ઊભા રહેલા પ્રશ્નો – બેરોજગારી, મોંઘવારી અને સામાજિક તણાવને ભૂલી જવાના?
[5] શું આ ઓનલાઈન સર્વે આંકડાનો ખેલ નથી? વાસ્તવિક સ્થિતિ જુદી નથી? જો ટ્રમ્પ 44 % પર છે તો ‘લોકપ્રિય મોદીજી’ને છોડીને અમેરિકા જવા ભારતના લોકો લાઈનમાં કેમ ઊભા રહે છે? મોદીજીથી બહુ ઓછા લોકપ્રિય ટ્રમ્પના આદેશ પર મોદીજી સીઝફાયર કેમ કરતા હશે?
[6] મોદીજી લોકપ્રિય હોય / વિશ્વસનીય નેતા હોય તો પ્રેસ કોન્ફરન્સમાં ભંજકે છે કેમ? સંસદ સત્ર શરૂ થાય ત્યારે મોદીજી વિદેશ કેમ ભાગી જાય છે?
[7] અમિત માલવિયાએ ‘X’ પર મૂર્ખામીભર્યું પોસ્ટર મૂક્યું છે, શું આથી ભારતના વિદેશો સાથેના સંબંધોને નુકસાન ન થાય? પહેલગામ આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર સમયે ભારતની બાજુમાં કોઈ દેશ ઊભો રહ્યો ન હતો; આવા પોસ્ટરથી મોદીભક્તો જરૂર રાજીરાજી થાય પણ વિદેશના કોઈ નેતાને આવી મિથ્યાભિમાનથી ભરપૂર સરખામણી ન ગમે.
[8] મોદીજી લોકપ્રિય હોય તો ત્રીજી ટર્મમાં બેઠકો ઘટી કેમ? મોદીજી સક્ષમ હોય તો પુલવામા, ઉરી, પઠાણકોટ અને પહેલગામ આતંકી હુમલા કેમ થયા અને હુમલાખોરો પકડાયા કેમ નહીં?
[9] અમિત માલવિયાએ જે પોસ્ટર મૂક્યું છે, તેમાં દરેક દેશની માથાદીઠ આવકનો ઉલ્લેખ કર્યો હોત તો મોદીજીની નકલી લોકપ્રિયતાનો પર્દાફાશ થઈ જાત !
[10] મોદીજી વિશ્વસનીય નેતા હોય તો સતત જુઠ્ઠું કેમ બોલે છે? નફરત કેમ ફેલાવે છે? મોદીજી વાસ્તવમાં લોકપ્રિય હોય તો ‘ટાઇમ’ મેગેઝિનના વિશ્વ રેટિંગમાં સૌથી પ્રભાવશાળી નેતાઓમાં મોદીજી પ્રથમ 100માં પણ કેમ ન હતા? શું નાગરિકોના દૈનિક સંઘર્ષ કરતાં વૈશ્વિક છબી વધુ મહત્વની છે?
[કાર્ટૂન સૌજન્ય : રાકેશ રંજન]
27 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર