Opinion Magazine
Number of visits: 9663470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતના યુવકોને કેનેડા કેમ રહેવું છે? 

રમેશ સવાણી|Opinion - Opinion|30 November 2025

કેનેડાના Ontario રાજ્યના Guelph-ગ્વેલ્ફ સિટીથી 28 કિલોમીટર દૂર Kitchener સિટી છે. ત્યાંથી સ્મિત ખૂંટે મેસેન્જર મારફતે મેસેજ કર્યો કે સમય હોય તો મળવું છે. 29 નવેમ્બર 2025ના રોજ બપોરે દોઢ કલાક માટે તેમને મળવાનું થયું.

સ્મિત ખૂંટનું મૂળ ગામ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું માલપરા ગામ. તેની સાથે હેત કાકડિયા રહે છે, તેનું મૂળ ગામ વલ્લભીપુર તાલુકાનું મેવાસા ગામ. બન્ને યુવાનો B Com કરી આગળ અભ્યાસાર્થે કેનેડા આવ્યા છે. બન્ને ફેસબૂક પર મને વાંચે છે. 

બન્ને યુવાનો પાસે 2 વર્ષની વર્ક પરમિટ છે. બન્નેની ઇચ્છા PR-permanent residencyની છે. 

મેં પૂછયું : “અહીં કેમ રહેવું છે? ગુજરાતમાં કેમ નહીં?”

બન્ને યુવાનો સહમત હતા કે “અહીં સંઘર્ષ ઘણો છે, છતાં અહીં રહેવું છે. જેટલું કામ અહીં કરીએ છીએ, એટલું કામ ગુજરાતમાં કરીએ તો વળતર ઓછું મળે. ગુજરાત કરતાં અહીં સલામતી વધુ છે. ગુજરાતનાં ગામડાઓમાં રહી શકાય તેવી સ્થિતિ નથી. શિક્ષણની સવલત માટે સૌરાષ્ટ્રના લોકો સુરત / અમદાવાદ સ્થાયી થાય છે. શહેરમાં ખાનગી શાળા-કોલેજની ફી મોંઘી છે. ગરીબ, મધ્યમ વર્ગ ગળે આવી ગયો છે. લોકો પણ અવાજ ઉઠાવતા નથી, કેમ કે સરકાર તેમને ધર્મના નશામાં ગળાડૂબ રાખે છે.”

રમેશભાઈ સવાણી જોડે સ્મિત ખૂંટ અને હેત કાકડિયા

બન્ને યુવાનો વૈચારિક સ્તરે સ્પષ્ટ હતા. મોટા ભાગે ગુજરાતી યુવાનો અમેરિકા / કેનેડા આવે છે તેમની પર ધાર્મિક સંપ્રદાયોનો પ્રભાવ હોય છે. અને આ ધાર્મિક સંપ્રદાયો તેમને મોદીજીના ભગત બનાવે છે ! અહીં ઘણા ગુજરાતી યુવકો કપાળમાં તિલક-ચાંદલાવાળા જોવા મળે છે. તેઓ માને છે કે ‘ભક્તિથી જ ક્રાંતિ થશે, અને ભક્તિથી જ બધી સમસ્યાઓનો હલ આવશે ! બધી સમસ્યાઓ પ્રગટ બ્રહ્મસ્વરૂપ દૂર કરશે !’

આપણા સંપ્રદાયો તેમના ગુરુઓને પ્રગટ બ્રહ્મસ્વરૂપ માને છે, અને તેઓ બ્રહ્માંડનું સંચાલન કરે છે તેમ માને છે. પરંતુ તેમના ધર્મગ્રંથોમાં બેવકૂફી ભરેલી વાતો લખેલી હોય છે કે ‘શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવી. વિધવાએ પુનર્લગ્ન ન કરવા. મહિલાઓએ માસિકધર્મ સમયે અસ્પૃશ્યતા પાળવી’. આવી બાબતો લોકશાહી વ્યવસ્થા વિરુદ્ધની છે. ‘શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવી’ આવો આદેશ કરનાર સંપ્રદાય-પુસ્તક ‘શિક્ષાપત્રી’નું રોજ સવારે પૂજા કરનાર સમાજ માટે ખતરનાક હોય છે. તેઓ ધર્મ-ઢોંગીઓને મત આપી નબળા અને ક્રિમિનલ શાસકો પસંદ કરે છે. પછી એ શાસકો લોકોની સલામતી / શિક્ષણ / આરોગ્યની ચિંતા કરવાને બદલે માલેતુજારોના ચોકીદાર બની જાય છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપમાં માનનારાઓ દલિતો પ્રત્યે પૂર્વગ્રહ રાખે છે. માણસને અસ્પૃશ્ય માને છે અને ગાયને પવિત્ર માને છે ! આપણી શાળા-કોલેજો પણ આ પૂર્વગ્રહો દૂર કરી શકતી નથી; પરંતુ અમેરિકા / કેનેડામાં શાળા-કોલેજમાં ભણનાર વિદ્યાર્થી; પોતાના માતાપિતા જો ‘બ્લેક-કાળિયા’ વિશે અજુગતી કોમેન્ટ કરે તો તરત જ તેમને ટોકે છે. આ છે સાચું શિક્ષણ. માણસાઈનું શિક્ષણ. 

30 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

કિરણ કાપુરે|Gandhiana|30 November 2025

સંપાદકીય

સરદાર-નેહરુને આમનેસામને મૂકવાનો વાયરો એટલો ચાલ્યો છે કે આ બંનેની જોડીએ લાંબા સમય સુધી ખભેખભા મિલાવીને કરેલાં કાર્યોને અવગણી દેવાય છે. આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન રહેનારા આ બંને આગેવાનો વચ્ચે મતભેદ હતા; પરંતુ તેમના માટે સર્વોપરીતા દેશની હતી. સરદાર-નેહરુના સંબંધો વિશે લખાયેલા ઇતિહાસમાં થોડા ઊંડા જઈએ તો તેમની વહીવટી જુગલબંદીના અજોડ દાખલા મળે છે. એકસાથે આ પ્રકારના દાખલા જોવા હોય તો તેમના વચ્ચેનો પત્રવ્યવહાર સહજ-સરળ માર્ગ છે. સરદાર-નેહરુના સંબંધોમાં સૌથી કટોકટીનો સમય દેશની આઝાદી કાળનો હતો; જેમાં દેશનું વિભાજન થયું, ઠેરઠેર રમખાણો થયાં, દેશ-નિર્માણની જવાબદારી આવી અને તે દરમિયાન ગાંધીજીની હત્યાથી વાત ઓર વણસી હતી. આ બંને આગેવાનોનો રાજકીય કાળ સાથે-સાથે આરંભાયો અને ચાલ્યો. એક પાક્કા કર્મવીર બન્યા અને બીજા સ્વપ્નદૃષ્ટા. બંને અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. બંનેની વિચારવાની ઢબ જુદી હતી. વિવિધ મુદ્દા વિશે તેમનો દૃષ્ટિકોણ વેગળો હતો. આ કારણે તેમના ભેદ વિશે ખૂબ ચર્ચાઓ તે વખતે પણ થઈ અને આજે પણ તે દોર અટક્યો નથી.

સરદાર-નેહરુના વ્યક્તિત્વને સામસામે જોઈએ તેમ છતાં આ બંને તે સમયના દેશવ્યાપી જનસમર્થન ધરાવનારા કૉંગ્રેસ પક્ષના અગ્રહરોળના આગેવાન હતા. અનેક ચૂંટણીઓમાં તેમણે સાથે રહીને રણનીતિ ઘડી હતી. અંગ્રેજોને જાકારો દેવા એકસાથે લડત ચલાવી હતી. ગાંધીજીના નિષ્ઠાવંત શિષ્યો બનીને રહ્યા. આવી અસંખ્ય ઘટનાઓ તેમનાં જીવનની આસપાસ ઘટી હતી. પરંતુ તેમના મતભેદોની વાત આવે છે ત્યારે તેમનાં સઘળાં કાર્યોને સમેટીને જોવાય છે. જો કે સ્વતંત્ર રીતે સરદાર-નેહરુના દેશ પ્રત્યેના યોગદાનનો ક્યાસ કાઢીએ તો તેમાં તેમના વચ્ચેના મતભેદો સાવ નગણ્ય ઘટના છે. આ મતભેદોનું અસ્તિત્વ તેમના જીવનમાં કેટલું હતું તે જોવું હોય તો ય તેમના પત્રવ્યવહારમાં જોઈ શકાય.

સરદાર-નેહરુ વિશેના મતભેદ અંગે આટલું ઠોસ રીતે કહી શકાય તેનું એક કારણ વી. શંકર દ્વારા સંપાદિત ‘સરદાર પટેલ : પસંદ કરેલો પત્રવ્યવહાર, ૧૯૪૫-૧૯૫૦’ના બે ગ્રંથ છે. આ બે ગ્રંથ ખરેખર તો દુર્ગાદાસ સંપાદિત ‘Sardar Patel Correspondence’ના દસ ભાગમાંથી પસંદ કરેલા પત્રોનો અનુવાદ છે. આ પત્રવ્યવહારમાં દેશ અંગેના અગત્યના મુદ્દાની ચર્ચા સરદાર-નેહરુ વચ્ચે કેવી રીતે થઈ હતી તે વાંચી શકાય છે. આ પત્રવ્યવહારમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે સરદાર-નેહરુ પાસે કેટકેટલી બાબતોનું સમાધાન કરવાનું આવ્યું હતું. પ્રધાનમંડળના મતભેદ હોય, જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ જેવાં દેશી રાજ્યોના વિલીનીકરણની પ્રક્રિયા હોય, કેન્દ્રીય સરકારની સમસ્યાઓ, આઝાદ હિંદ ફોજ અને કોમી હુલ્લડો … આવા અગણિત વિષયો હતા જે અંગે આ બંને આગેવાનો વચ્ચે પત્રવ્યવહાર થયો હતો. આ પત્રવ્યવહારમાં સરદાર-નેહરુએ પોતાના મુદ્દા મક્કમ રીતે મૂક્યા છે. એકબીજા સાથેના મતભેદ દર્શાવવાનું ખુલ્લાપણું પણ તે પત્રોમાં દેખાય છે. આ મતભેદમાં પરસ્પર એકબીજા પ્રત્યેનું વલણ ગાંધીજીની હત્યા બાદ સાવ બદલાયું હતું.

સરદાર-નેહરુનો સ્નેહ તેમના પત્રોમાં સતત ઝળકે છે. ૩ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ જવાહરલાલ નેહરુ સરદારને લખેલા પત્રમાં એક ઠેકાણે લખે છે કે, ‘… આપણે પચીસ વર્ષ કરતાંયે વધુ સમયથી એકબીજા સાથે સંકળાયેલા છીએ અને ઘણાંયે તોફાનો અને જોખમોનો આપણે સાથે મળીને સામનો કર્યો છે. મારે પૂરેપૂરી પ્રામાણિકતાપૂર્વક કહેવું જોઈએ કે આ સમય દરમિયાન તમારે માટેનાં મારાં સ્નેહ અને માનમાં વધારો થયો છે, અને એને ઘટાડે એવું કંઈ પણ બની શકે એમ હું માનતો નથી …’ 

આ પત્રનો ઉત્તર સરદાર પટેલે એટલા જ ઉમળકાથી આપતાં લખ્યું હતું  : ‘ …આપણે બંને એક સહિયારા ધ્યેય માટે જીવનભરના સાથીદારો રહ્યા છીએ. આપણા દેશનાં સર્વોપરી હિતો અને પરસ્પરનાં પ્રેમ અને માન જે કોઈ વિચારભેદ અને સ્વભાવભેદ હતા તેનાથી પર જઈ આપણને ભેગા રાખી શક્યા છે. આપણે બંને પોતપોતાનાં દૃષ્ટિબિંદુઓને અને કામ કરવાની પદ્ધતિઓને ચુસ્તપણે વળગી રહ્યા છીએ; છતાં આપણે હંમેશાં હૃદયની એકતા જાળવી શક્યા છીએ, અને એ એકતા ઘણા બોજાઓ અને પ્રહારો સામે ટકી રહી છે અને કૉંગ્રેસ તથા સરકારની અંદર સંયુક્ત રીતે કામ કરવા આપણને શક્તિમાન બનાવ્યા છે. …’

સરદાર-નેહરુએ અરસપરસ એકબીજા પ્રત્યેનો પ્રેમ વરસાવે રાખ્યો છે. મતભેદ-સ્નેહ સિવાય પણ તેમના પત્રોમાં દેશના આઝાદી કાળ, તે વખતની કટોકટી અને તેમાંથી દેશને ઉગારવાની પ્રક્રિયા દરમિયાન થયેલો પત્રવ્યવહાર આજે આપણો અમૂલ્ય દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાંથી જૂજ પત્રો આ અંકમાં સમાવ્યા છે. આ દિગ્ગજ આગેવાનો વચ્ચેના સંબંધોનો બોધપાઠ આજે ય લેવા જેવો છે. તેમને સામસામે દર્શાવવાની જે રમત થઈ રહી છે તેના પર પૂર્ણવિરામ મુકાવવું જોઈએ. સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના પ્રસંગે કમસે કમ આટલું થાય તો ય તેમના પ્રત્યેની આપણી સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે.

સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”; ઑક્ટોબર – નવેમ્બર 2025
 e.mail : kirankapure@gmail.com 

Loading

ગઝલ 

પરેશ દવે 'નિર્મન'|Opinion - Opinion, Poetry|30 November 2025

કોઈ પણ વાતે ગુજારો ના થયો,
ખિન્ન છું કે હું ય મારો ના થયો.

ઢગ વળી ચાલ્યો હતો અંધારનો,
એ બુલંદી પર સિતારો ના થયો.

શ્વાસ ધીમેથી સતત ઠરતા ગયાં,
જિન્દગીમાં કૈં તિખારો ના થયો.

કૈંક કલ્પોથી સતત ચાલ્યા કર્યું,
ક્યાં ય અમથો આવકારો ના થયો.

ભૂલ સિજદામાં હતી કોને ખબર,
ઓ ખુદા તું પણ અમારો ના થયો.

30.11.25
વૃન્દાવન બંગલોઝ, 15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ, તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

...102030...57585960...708090...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved