“ચીમન”, …”એ ય ચીમન”….
ચીમનને અવાજ સંભળાયો. ચીમન વિચારમાં પડી ગયો કે અહીયાં રૂખી ક્યાંથી હોય, મને તેનો ભ્રમ થયો લાગે છે. ના, ના પણ અવાજ તો રૂખીનો જ લાગે છે.
ફરી અવાજ આવ્યો, “ચીમન,” ….”એ ય ચીમન, આ તરફ જરા નજર તો કર.”
હવે, ચીમને અવાજની દિશામાં જોયું તો દૂરથી રૂખી ચીમનને બોલાવી રહી હતી. ચીમન, કેશુકાકાની દુકાને મંગળસૂત્રને નિરખતો ઊભો હતો. ચીમને રૂખીને પાસે બોલાવી. કેશુકાકાએ ચીમન સામે જોયું અને કહ્યું, “રૂખી, તને આ મંગળસૂત્ર ગમે છે ને એટલે ચીમને મારી પાસે તેની અમાનત, થાપણ તરીકે રાખ્યું છે અને મને તાકીદ કરી છે, કે મંગળસૂત્રને તેની સિવાય કોઈને વેચવાનું નથી.”
“હા કાકા, મને પૂરો વિશ્વાસ છે કે ચીમનનો વાયદો જરૂર પૂરો થશે.”
ચીમન અને રૂખી નાનપણથી સાથે રમતાં હતાં. બંનેના ઘર પાસે-પાસે અને એક જ શેરીમાં હતાં. બંને સાથે રમતાં, સ્કૂલે પણ સાથે જતાં. ગામડાની સ્કૂલમાં સહ-શિક્ષણ હતું એટલે અભ્યાસ પણ સાથે જ કરવાનો હતો. આમ તોફાન, મસ્તી કરતાં કરતાં બંનેએ યુવાનીમાં ક્યારે ડગ માંડી દીધા એ ખબર ન પડી. બંનેના મનમાં યુવાનીના ભાવો ઉપસવા લાગ્યા. એક બીજાને ગમવાં લાગ્યાં હતાં અને બંનેને પ્રેમસહજ શરમ જેવી અનુભૂતિ સમજાવા લાગી હતી.
બંનેના ભાવ હવે બચપનના ભાવથી કંઈક અલગ છે, એમ બંનેને પ્રતીતિ થવા લાગી હતી, પણ બંને વચ્ચે ભાવો હજી અવ્યક્ત હતાં. મનમાં તો પ્રેમની ઊથલપાથલ શરૂ થઈ ગઈ હતી. બંને અલગ અલગ જ્ઞાતિનાં હતાં, તો પણ બંને એક બીજાને ન મળે તો અસ્વથ થઈ જતાં હતાં. આ યુવાસ્થાની વિડબ્મણા હતી એ બંને જાણતાં હતાં. મનના ભાવ બંનેએ પારખી લીધા હતાં.
સમયે તેનું કામ કર્યું. બંનેના ઘરમાં ખબર પડી; પણ બંને કુટુમ્બને આ પ્રેમ સંબંધ સામે કોઈ વાંધો નહોતો, પણ જ્ઞાતિ બાધ નડતો હતો. બંને સંયમી હતાં એટલે બીજો કોઈ સવાલ નહોતો પણ કોઈ રસ્તો મળતો નહોતો. વડીલો પણ મૂંઝવણમાં હતાં.
ચીમનને આગળ અભ્યાસ માટે શહેર જવાનું થયું. ચીમને રૂખીને મળીને કહ્યું, રૂખી, વડીલોની સંમતિ મળે ત્યાં સુધી તારી હું રાહ જોઇશ. તારી શું ઈચ્છા છે?” રૂખીએ પણ એ જ નિર્ણય આપ્યો. એમ બંને પ્રેમી એક બીજાને વચન આપી બંધાયાં.
ચીમન અને રૂખીનાં માતાપિતાએ બંનેને ઘણી વખત બીજે લગ્ન કરવાના નિર્ણય માટે પૂછી જોયું હતું, પણ બંનેનો એક જ જવાબ હતો, અમારે તમારા આશીર્વાદ જોઈએ છે. અમે બંને ત્યાં સુધી રાહ જોઈશું. બંનેનો અતૂટ અને શુદ્ધ પ્રેમ જોઈને બંને જ્ઞાતિનાં વડીલોએ પણ આડકતરી અનુમતિ આપી દીધી હતી. આ વાતની રૂખીને જાણ હતી પણ ચીમન શહેરમાં હોવાથી એ આ વાતથી અજાણ હતો. ચીમનનાં માતાપિતાએ પણ ચીમન આવે ત્યારે નિરાંતે જાણ કરશું, એમ વિચારી જાણ નહોતી કરી. તેઓના મનમાં એવી ઈચ્છા હતી કે આ વાતની જાણ રૂખી ચીમનને કરે.
રૂખીને ખબર પડી કે ચીમન ગામમાં આવ્યો છે, એટલે તલપાપડ થતી ચીમનને શોધતી હતી. એને ખબર હતી કે ચીમન ક્યાં ય નહીં મળે તો તે કેશુકાકાની દુકાને મંગળસૂત્ર નિરખતો જરૂર મળશે. આ પહેલાં પણ ચીમનને ઘણીવાર દુકાને મંગળસૂત્ર નિરખતો જોયો હતો. રૂખીનો અંદાજો સાચો પડ્યો ચીમન કેશુકાકાની દુકાને મળી ગયો.
“કેમ, રૂખી આવી વાત કરે છે?”
કેશુકાકાને પણ વાતનો અંદાજો આવી ગયો હતો. કાકાએ કહ્યું, “રૂખી, ચીમનને તડપાવમાં. તું વાત કરે છે? કે હું કરું.”
“ના, કાકા, હું વાત કરું છું.” રૂખીએ ચીમનને બધી વાત કરી. ચીમન ખુશ, ખુશ થઈ ગયો.
ચીમને કહ્યું, “કેશુકાકા આ તમારા આશીર્વાદનું પરિણામ છે. તમે મારી થાપણને સાચવીને રાખી.”
“ના બેટા, તમારો પ્રેમ મંગળસૂત્રમાં સંચવાયેલો હતો, એ આજે ફળીભૂત થયો. આ તમારા ઉત્કૃષ્ટ પ્રેમનો પુરાવો છે. બેટા, આપણી લગ્નપ્રથામાં મંગળસૂત્રનું ખૂબ ઊંચું મૂલ્ય છે એ આજે તાદૃશ્ય થઇ ગયું.”
કેશુકાકા, ચીમન અને રૂખીના ચહેરા પર આનંદની રેખાઓ છવાઈ ગઈ.
ભાવનગર
e.mail : Nkt7848gmail.com