Opinion Magazine
Number of visits: 9665049
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં તમામ સ્તરે શિક્ષણમાં શેખચલ્લીઓ જ કારભાર કરી રહ્યા છે …

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|27 September 2024

રવીન્દ્ર પારેખ

ગુજરાતમાં શિક્ષણનો સર્વનાશ થયો છે, પણ કુલપતિઓથી માંડીને આચાર્યો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ માણસ તરીકે કશું જ અનુભવતા નહીં હોય તેમ નિર્જીવ છે. શ્વાસ ચાલે છે એટલું જ, બાકી નિશ્વાસ મૂકવા જેટલી સમજ પણ બચી નથી. શિક્ષણની સાર્વત્રિક શોકસભા હોય તેમ સૌ આજીવન મૌન પાળી રહ્યા છે. આ કેળવેલી નિષ્ક્રિયતા મતલબી અને ઘાતક છે. શિક્ષણમાં પણ સૌથી વધુ હાનિ પ્રાથમિક શિક્ષણમાં છે. બધી જ સ્કૂલો ડેટા ભરવામાં ખર્ચાઈ રહી છે. આ ડેટાને દાટા મારવા જેવા છે, કારણ એમાં આંકડા સાચા હોય તો પણ, તે વર્ગશિક્ષણની કશી વાસ્તવિક ખાતરી આપતા નથી. સાહેબો આંકડાઓ જોઈને સંતુષ્ટ રહે છે છે, પણ કોઈ શિક્ષણ વિભાગ સિવાયનો અધિકારી ઓચિંતી કોઈ શાળાની મુલાકાત લે છે તો તેને સંતાપ જ થાય છે.

જૂનાગઢની વંથલી તાલુકાની એક પ્રાથમિક શાળાની જિલ્લા કલેકટરે મુલાકાત લીધી ને શાળાનાં વાર્ષિક પરીક્ષાનાં પેપર્સ ચેક કર્યાં તો બધાંમાંથી જ એક સરખા જવાબ નીકળ્યા. આ અંગે શિક્ષકને પૂછ્યું તો જવાબ મળ્યો કે એ તો એવું જ હોય. છોકરાઓને બધી જ શાળામાં લખાવતા જ હોય છે. જિલ્લા કલેકટરે શાળા પર પગલાં લઈ પોતાને જાણ કરવા સંબંધિત અધિકારીને તાકીદ કરી. પરિણામે એ શાળાના 6 શિક્ષકોની બદલી આવી. DDOએ તપાસ કરી ને આચાર્યોની ઝાટકણી કાઢતાં કહ્યું કે શાળામાં માવા ખાઈને થૂંકો છો, શરમ નથી આવતી? શિક્ષકો દાઢાં વધારીને આવે છે તે તમે શિક્ષકો છો કે ગુંડા? બાળકો તમારી પાસેથી શું શીખે છે તે તો જુઓ? આ તો મુલાકાત લેવાઈ તો આટલું બહાર આવ્યું. જેની મુલાકાત નથી લેવાઈ એવી શાળાઓની હાલત પણ આનાથી કૈં બહુ સારી નહીં જ હોય. શિક્ષકો કલેકટરને પૂરી બેશરમીથી કહી શકે છે કે બધી જ શાળામાં લખાવતા હોય છે. સારું છે કે એમ ન કહ્યું કે શિક્ષકો જ પેપર લખી આપે છે, કારણ કે એ દિવસો પણ દૂર નથી કે શિક્ષકે પરીક્ષામાં જવાબ લખી આપવા પડે. વિદ્યાર્થીને લખતાં આવડશે તો સાહેબ પરીક્ષામાં લખાવે તે લખશેને ! આવી શાળાના ડેટા પરફેક્ટ હશે, પણ શાળામાં તો લબાચા જ હશે. સાહેબો ડેટા જોઈને રાજી રહેવાનું નહીં છોડે ને પ્રત્યક્ષ અનુભવ નહીં લે ત્યાં સુધી પરિસ્થિતિ નહીં સુધરે. શિક્ષકો વર્ગમાં મોબાઈલ પર પોતાના બીજા ધંધાની વાતો કરતા રહેતા હોય ને વિદ્યાર્થીઓને મોબાઈલ ન વાપરવા કહેતા હોય તો કોના ગળે ઊતરે?

જૂનાગઢમાં તો DDOએ છ શિક્ષકોની બદલીથી સંતોષ માન્યો, પણ ખરેખર તો આખા શિક્ષણ વિભાગની બદલી કરવા જેવી છે, કારણ કે બગાડ સૌથી વધુ તો ત્યાં છે. કાલના જ સમાચાર છે કે શૈક્ષણિક વર્ષ 2025-2026થી હાલનાં પુસ્તકો રદ્દ થશે. ધોરણ 1થી 8માં કોર્સ બદલાશે એટલે 19 પુસ્તકો રદ્દ થશે ને નવાં પુસ્તકો લાગુ થશે. ધોરણ 12માં અર્થશાસ્ત્રમાં નવું એક પ્રકરણ ઉમેરાતાં આખું પુસ્તક બદલાઈને નવું આવશે. આ તો એક કેરી માટે આંબા ઉગાડવા જેવું છે. એક ચેપ્ટર માટે ફરી ચોપડું વસાવવાનું? આ બરાબર છે? 18 મે, 2024ને રોજ સમાચાર હતા કે જૂનથી 2024-2025 માટે ધોરણ 1થી 12માં 16 નવી ટેક્સ્ટ બુક આવશે, એટલે કે અગાઉની બુક બદલાશે. 18 મેને રોજ 2024-2025 માટે 16 પુસ્તકો બદલવાની વાત અગાઉ આવી જ છે ને 25 સપ્ટેમ્બરે 2025-2026 માટે 19 પાઠ્ય પુસ્તકો 1થી 8માં બદલવાની વાત પણ છે.

આ તબક્કે સવાલ એ છે કે 2025-2026 માટે પાઠ્ય પુસ્તકો બદલાવાનાં હોય તો 2024-2025 માટે જે 16 પુસ્તકો બદલવાની વાત હતી તે પુસ્તકો 2025-2026 માટે કામનાં ખરાં કે એને રદ્દ ગણવાના? પુસ્તક બદલવાની આવી જ જાહેરાતો અગાઉના વર્ષમાં પણ થઈ છે. GCERT(ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ)નું તો ગજું નથી, પણ તે NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) પાય એટલું પાણી પીએ છે. એ પુસ્તક બદલે તો ગુજરાતમાં પણ પુસ્તકો બદલાય. સવાલ એ છે કે પાઠ્ય પુસ્તકો હવે એક એક વર્ષની મુદ્દતે જ આવશે? એનું આયુષ્ય એક જ વર્ષનું હશે? એટલે કે એક જ વર્ષમાં લાખો પાઠ્ય પુસ્તકો પસ્તી થઈ શકે ને તે પણ તમામ ધોરણોનાં ને વિષયોનાં?

એક તરફ સત્ર પૂરું થવા આવે ત્યાં સુધી પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચતાં નથી ને વગર પાઠ્ય પુસ્તકે જ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ પાસ કરે છે. સવાલ તો એ પણ છે કે પાઠ્ય પુસ્તકો વગર પણ પરીક્ષાઓમાં પાસ થવાતું હોય તો પાઠ્ય પુસ્તકની જરૂર જ કેટલી? કદાચ વર્ષોવર્ષ પાઠ્ય પુસ્તકો બદલવાની ઝંઝટ જ ન રહે, પણ એમ થાય તો NCERT અને GCERTની હોજરી અધૂરી રહે. વારંવાર પાઠ્ય પુસ્તકો બદલાતાં ન હોય તો છાપનાર સાથેનું (ક)મિશન પૂરું ન થાય. વારુ, વરસેકમાં ચોપડું પસ્તી થઈ જતું હોય તો ગંજાવર પસ્તીની ઉપરની કમાણી પણ કોણ છોડે? ટૂંકમાં, જરૂરિયાત હોય ને ટેક્સ્ટ બુક બદલાય તે સમજી શકાય, પણ અહીં તો હેતુ જ ધંધાનો છે ને તે ઉપરથી તે નીચે સુધી ધમધોકાર ચાલે છે, તો કોણ ઈચ્છે કે પાઠ્ય પુસ્તક વર્ષે વર્ષે ન છપાય?

બીજા એક સમાચાર પણ 25 સપ્ટેમ્બરે આવ્યા. સારો હેતુ પણ વિપરીત અસર કેવી રીતે કરી શકે એનું ઉદાહરણ સુરતના મેયર સાહેબે પૂરું પાડ્યું છે. સાહેબને લાગ્યું કે બાળકોને અંગ્રેજીમાં તકલીફ પડે છે તો તેમણે શિક્ષણ સમિતિની 28 શાળાઓમાં 6,500 વિદ્યાર્થીઓને ‘સ્ટેપ અપ ફોર ઇન્ડિયા એન.જી.ઓ.’ના સહયોગથી અંગ્રેજી શીખવવાની વ્યવસ્થા કરી. એને માટે અભિનંદન જ ઘટે, પણ આ આખી વ્યવસ્થા સવાલો પણ ઊભા કરે છે. શિક્ષણ સમિતિની 28 સ્કૂલો જ નથી. 28 સ્કૂલોનું જે પુણ્ય તપ્યું તે પાત્રતા અન્ય સ્કૂલોની ન હતી? પણ, વાત એમ છે કે સ્કૂલો રેન્ડમલી પસંદ કરવામાં આવી છે અને આ પ્રયોગ સફળ થાય તો અન્ય શાળાઓ સુધી પણ એનો લાભ પહોંચે. મેયર સાહેબે અંગ્રેજીની ચિંતા કરી, પણ ચિંતા તો ગુજરાતીની પણ કરવાની જરૂર છે. ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કરવાની મહેનત થતી હોય ત્યાં ગુજરાતીની ચિંતા મેયર પણ શું કામ કરે? બોર્ડની પરીક્ષાઓમાં વર્ષોવર્ષ લાખો વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થતા હોય ને એ ગુજરાતની માતૃભાષા સંદર્ભે બનતું હોય તો ગુજરાતી ભાષાની ચિંતા પહેલાં થવી જોઈએ.

આપણી જે નફાખોર માનસિકતા છે તે સૌથી વધુ શિક્ષણમાં પ્રવૃત્ત છે ને તમામ સ્તરે સક્રિય છે. ગુજરાત યુનિવર્સિટીના કેટલાક વહીવટી કર્મચારીઓ નિવૃત્ત થયા તો તેમને નિવૃત્તિ પછી પણ ફરી સેવામાં લીધા. ખરેખર તો જે નિવૃત્ત જ થયા છે તેમને ફરી સેવામાં રાખવાનું શું કારણ છે તે નથી સમજાતું. એક તરફ નોકરીની રાહ જોઈ રહેલા નવયુવાનો દિવસો ખુટાડતા હોય ને બીજી તરફ નિવૃત્તોને ફરી નોકરી અપાતી હોય તે ઠીક નથી જ, છતાં અનુભવને કારણે ઓછા પગારે કેટલાકને ફરી લેવાયા હોય એમ બને. જો કે, એમની સેવાઓ પણ સમાપ્ત કરી દેવાઈ છે, પણ એ જ યુનિવર્સિટીના એ જ કુલપતિ એ જ નિયમ અન્ય ક્ષેત્રોમાંથી નિવૃત્ત થઈને યુનિવર્સિટીમાં ગોઠવાયાં હોય એવા ભારે પગાર મેળવતા અધિકારીઓને નિવૃત્ત કરવામાં લાગુ કરતાં નથી, ત્યારે કુલપતિનો એમાં શો રસ છે તે સમજાતું નથી. આ અધિકારીઓ ઓ.એન.જી.સી. કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત અધિકારીઓ છે. તેમને યુનિવર્સિટીના કામકાજનો કોઈ અનુભવ નથી, પણ તેમને એસ્ટેટ, જીયુસેક, એકાઉન્ટ જેવા વિભાગમાં દોઢ લાખથી લઈને પાંચ લાખ સુધીના પગારે ગોઠવી દેવાયા છે. નિવૃત્ત કરાયેલા 30 વહીવટી કર્મચારીઓને તો પેન્શન મળતું ન હતું ને ઊચક પગારે ફરી નોકરી લેવી પડી, પણ આ 6 અધિકારીઓ તો સરકારી નોકરીઓમાંથી નિવૃત્ત થયા છે ને તેમને તગડું પેન્શન મળે છે. એવાને યુનિવર્સિટીમાં રાખવાનું કયું કારણ કુલપતિ પાસે છે તેનો જાહેર ખુલાસો થવો જોઈએ.

એક તરફ સરકાર 42,000 કાયમી શિક્ષકોની ભરતી ન કરીને શિક્ષકોનો હક મારી રહી છે, પરિણામે જરૂરિયાત મંદ યુવાનો નોકરીથી વંચિત છે, બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓને પેન્શન મળતું હોવા છતાં ફરી મોટા પગારે ગોઠવે છે. એક તરફ સરકાર શિક્ષણનું આટલું મોટું બજેટ છતાં શિક્ષકોને નોકરી ન આપીને કંજૂસાઈ કરે છે, બીજી તરફ નિવૃત્તોને પેન્શન ઉપરાંત ફરી નોકરી આપીને તેમની હોજરી ઠાંસવામાં આવે છે. બંને પક્ષે આ હરામખોરી છે. સરકાર મૂર્ખ બનાવે છે, તે થોડે થોડે વખતે કાયમી શિક્ષકોની ભરતી કરવાનું કહીને અથવા કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખવાનો વાયદો કરીને. કાલના સમાચાર છે કે રાજ્યની સરકારી સ્કૂલોમાં 1,608 અને ગ્રાન્ટેડ શાળામાં 2,484 શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે. ભરતી થાય તો સારી જ વાત છે, બાકી જેટલી જાહેરાતો થઈ છે એટલી ભરતી ખરેખર જ થઈ હોત તો શિક્ષકો ફાજલ પડ્યા હોત.

તો આ ચિત્ર છે, ગુજરાતનાં શિક્ષણનું. એમાં શિક્ષણ સિવાય જ બધું ચાલે છે. શિક્ષણ ખાતું હોય ને શિક્ષણ ન હોય તો તેનો કોઈ અર્થ નથી. શિક્ષણને નામે નર્યો વ્યાપાર ચાલે છે ને દુ:ખ એ વાતનું છે કે આ નમાલી પ્રજાને એનો કોઈ વિરોધ નથી. એ કેવી વિડંબના છે કે શિક્ષણને નામે ઘણું ચાલે છે, પણ શિક્ષણ માટે કૈં ચાલતું નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 સપ્ટેમ્બર 2024

Loading

બુદ્ધત્વ એટલે જ્યાં છો ત્યાં જ મુક્તિનો અનુભવ

સોનલ પરીખ|Opinion - Opinion|27 September 2024

બુદ્ધત્વ મેળવવાનું નથી. એ આપણી અંદર છે જ. એને જોવાનું, ખોલવાનું, પ્રતીત કરવાનું છે – અત્યારની ક્ષણમાં, અત્યારના સ્વમાં. આપણે સૌએ પોતપોતાના વાસ્તવમાં જીવવાનું છે. સમસ્યાઓ ને તકલીફો એનો એક ભાગ છે. પણ જેમ માણસ મજબૂત હોય તો વજન સાથે પણ પર્વત ચડી જાય છે તેમ બુદ્ધત્વનો યાત્રી પોતાના વાસ્તવમાં ડૂબતો નથી, એને તરી જાય છે. સારાં-માઠાં પરિવર્તનો વચ્ચે સ્થિર, નિર્ભય, અસ્પર્શ્ય રહે છે. બધાની વચ્ચે રહીને પણ એ અ-સંગ, મુક્ત હોય છે અને પોતાનામાંથી જ જન્મેલા અચલ અમિશ્ર આનંદને જીવે છે.

ધ્રુવ ભટ્ટની નવલકથા ‘અતરાપી’નો નાયક એક શ્વાન છે, જે મુક્ત આત્માનું પ્રતીક છે. ગલૂડિયું હતો ત્યારથી મૃત્યુ પામ્યો ત્યાં સુધી એ ઘણું ફરે છે, ઘણાને મળે છે. જ્યાં હોય ત્યાંનો થઈને રહે છે, જેની સાથે હોય તેને જવાબદારીપૂર્વક ચાહે છે. પણ કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ, કોઈ સલામતી-સગવડ, કોઈ મહત્ત્વાકાંક્ષા, કોઈ સંબંધ, કોઈ અપેક્ષામાં તે બંધાતો નથી. મૃત્યુ પામ્યા પછી તેનો ભાઈ તેને સ્વર્ગમાં અને નરકમાં શોધે છે. જવાબ મળે છે, ‘તે ક્યાં ય નથી.’ પૃથ્વી પર હતો ત્યારે પણ તે ક્યાં ય ન હતો, તેથી મૃત્યુ પછી પણ તે ક્યાં ય નથી. મુક્તિ આ છે.

અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રએ ઉત્તરાના ગર્ભનો નાશ કર્યો ત્યારે કૃષ્ણએ કહ્યું, ‘જો હું અખંડ ને આજીવન બ્રહ્મચારી હોઉં તો હે આત્મા, તું આ બાળકના મૃત શરીરમાં પ્રવેશીને એને જીવતો કર.’ અને ઉત્તરાનો બાળક જીવતો થયો. કૃષ્ણને પ્રિયતમા હતી, પત્નીઓ હતી, સંતાનો હતાં; છતાં તેઓ ‘અખંડ અને આજીવન બ્રહ્મચારી’ હતા? કેવી રીતે? ઓશોએ એનો સુંદર જવાબ આપ્યો છે કે કૃષ્ણએ જીવનમાં જે આવ્યું તે સ્વીકાર્યું અને પછી એમાંથી નીકળી ગયા. પ્રેમ, રાસલીલા, રાજનીતિ કે યુદ્ધ – એમનું મન, એમની ઇન્દ્રિયો અ-લિપ્ત જ રહ્યાં. ગીતામાં કહ્યું છે, ત્યક્તવા કર્મફલાસંગ નિત્યતૃપ્તો નિરાશ્રય, કર્મણ્યભિપ્રવૃત્તોઽપિ નૈવ કિંચિત્કરોતિ સ: (4, 20)

23 મેના દિવસે બુદ્ધપૂર્ણિમા છે. બૌદ્ધ દર્શન અનુસાર બુદ્ધ કોઈ માણસનું નામ નથી. બુદ્ધત્વ એક અવસ્થા છે. અંદરથી જન્મ-મરણમાં હોવા કે ન હોવાનો ફરક પડે નહીં, મુક્તિની ઈચ્છા પણ ખરી પડે અને બહારથી જિંદગી જે આપે તે જવાબદારી અને સુખદુ:ખનો સમત્વપૂર્ણ સ્વીકાર થાય આવી અવસ્થામાં જીવે તે ‘બુદ્ધ’ છે. માણસ પોતાની અવસ્થાને સમજે અને તેને પરિવર્તિત કરવાની ક્ષમતા મેળવે તો તે આ જ જન્મમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરી શકે.

નિચિરેન દાઈશોનિન

આ સંદર્ભમાં નિચિરેન બુદ્ધિઝમની ‘ટેન વર્લ્ડ થિયરી’ સમજવા જેવી છે. જાપાનમાં બારમી સદીના અંતે નિચિરેન દાઈશોનિન નામના બૌદ્ધ વિદ્વાન સાધુ થઈ ગયા. તેઓ બોધિસત્વનો  અવતાર ગણાતા. તે વખતે પ્રવર્તતું તમામ બૌદ્ધ જ્ઞાન મેળવી તેમણે નિચિરેન બુદ્ધિઝમની સ્થાપના કરી, જે મહાયન બૌદ્ધ ધર્મની એક શાખા છે. બુદ્ધત્વનું બીજ વાવવું, આ જ જન્મમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરવું અને અન્યોને પણ બુદ્ધત્વ પ્રાપ્ત કરવા પ્રેરિત કરવા એ તેનું ધ્યેય છે. બૌદ્ધ ધર્મના સ્થાપક, જેમને આપણે ભગવાન બુદ્ધ કહીએ છીએ તેને નિચિરેન બુદ્ધિઝમ શાક્યમુનિ કહે છે, જેમણે લોકોનાં દુ:ખોને પોતાનાં દુ:ખ તરીકે જોયાં અને એનો ઉપાય શોધવા મહાભિનિષ્ક્રમણથી લઈ બુદ્ધત્વપ્રાપ્તિ સુધીની યાત્રા કરી.

નિચિરેને કહ્યું છે કે આપણી અંદર દસ વિશ્વો કહેતા દસ અવસ્થાઓ છે છે. એના અંગ્રેજી નામ જ આપું છું – હેલ, હંગરી સ્પિરિટ્સ, એનિમલ્સ, અસુર, હ્યુમન બિઈંગ્સ, હેવનલી બિઈંગ્સ, વૉઇસ હિયરર્સ, કૉઝ અવેકન્ડ વન્સ, બોધિસત્વ અને બુદ્ધ. આ વિશ્વોને સમજીએ તો આપણને આપણા અત્યારના ‘સ્ટેટ ઓફ લાઈફ’ની ખબર પડે અને એમાં પરિવર્તન કરવાની દૃષ્ટિ પણ ખૂલે.

હેલ સૌથી નિમ્ન વિશ્વ છે. એમાં વસતો માણસ દુ:ખોમાં કેદ, ચારે બાજુથી બદ્ધ, એક પ્રકારની આગથી ઘેરાયેલો અને તેથી ઉગ્ર, હતાશ, અસંતોષી હોય છે. હંગરી સ્પિરિટ્સ એટલે પોતાનાં સંતાનોને પણ ખાઈ જાય એવી ભૂખ-અતૃપ્તિ અને એનું શમન ન થતાં અનુભવાતી પીડાથી ઘેરાયેલા, લોભી આત્માઓ. ઈચ્છા અને ભૂખ કુદરતી છે. પણ એના ગુલામ થવું એટલે હંગરી સ્પિરિટ્સના વિશ્વમાં રહેવું. એનિમલ્સ એટલે વિચારહીન અને આવેગોને વશ લોકો. તાત્કાલિક લાભ જોવો, બળવાનથી ડરવું, નિર્બળનો શિકાર કરવો. ટકવા માટે અન્યનો નાશ કરવો ને મારવું કે મરવું. અસુરનો સ્વભાવ છે ક્રોધ, અહંકાર, સ્વકેન્દ્રીપણું, સરખામણી અને સૌથી ચડિયાતા થવાનો નશો. તેઓ ઊતરતા સાથે અભિમાન, ચડિયાતાની ઈર્ષા અને શક્તિશાળી સામે કાયરતા બતાવે છે. હ્યુમન બિઈંગ્સ એટલે કે મનુષ્ય. પરિસ્થિતિ બરાબર હોય તો ખુશ નહીં તો દુ:ખી એવો તેનો સ્વભાવ હોય છે. હેવનલી બિઈંગ્સમાં સુખની ઈચ્છા, કલાપ્રેમ હોય છે. તેનું પોષણ થતાં તેને આનંદ થાય છે. આ આનંદ સારો છે, પણ દુન્યવી છે. સમય જતાં ઝાંખો પડે છે. જે શાશ્વત આનંદની પ્રાપ્તિ આપણું ધ્યેય છે તે આનંદ આ નથી.

આ છ ‘માર્ગ’ ગણાય છે. માણસના કાબૂ બહાર હોવાથી તે પૂર્ણ સ્વતંત્ર કે સ્વ-શાસિત નથી. તેનાથી ઉપર ઊઠવાનું છે, આગળ જવાનું છે; જેથી આનંદ બહારના અંકુશોથી મુક્ત થાય.

વૉઇસ હિયરર્સ વિશ્વમાં વસતો માણસ જાગૃતિની દિશામાં પ્રયાણ કરે છે. કૉઝ અવેકન્ડ વન્સનું વિશ્વ પોતાનાં નિરીક્ષણ અને પ્રયત્નોથી બધું ભંગુર છે એ પ્રકારની જાગૃતિ મેળવે છે. આ બંને આટલી પ્રાપ્તિથી સંતોષ પામે છે. પૂર્ણ જાગૃતિ -બુદ્ધત્વ શોધવામાં પડતા નથી. ઉપરાંત એમને પોતાની જ જ્ઞાનપ્રાપ્તિમાં રસ હોય. બીજાને મદદ ન કરે. આ સ્વકેન્દ્રીપણું આ બે વિશ્વોની સીમા છે. બોધિસત્વ બુદ્ધત્વપ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહે. બીજા પણ જાગૃત થાય એવો પ્રયત્ન કરે. તેનામાં કરુણા, પ્રેમ અને ભલાઈ હોય. બુદ્ધોનું વિશ્વ ઉચ્ચતમ શિખર છે. બુદ્ધ સિંહ જેવા હોય છે – ભવ્ય, નિર્ભય, સ્વસ્થ, આત્મવિશ્વાસથી ભરપૂર. સાથે સ્થિર, પ્રસન્ન, કરુણાપૂર્ણ.

હરમન હેસની નવલકથા ‘સિદ્ધાર્થ’માં સિદ્ધાર્થ બુદ્ધ સાથે વાત કરે છે, પછી અનુભવે છે કે કાંચળીની જેમ જૂનું જીવન ખરી ગયું છે. શીખવા-સાંભળવાની ઈચ્છા પણ ખરી ગઈ છે. આ સ્વને ક્યાં લઈ જવાનો છે? તેને થાય છે, ‘આટલું બધુ શીખ્યો, સૌએ આટલું જ્ઞાન આપ્યું, છતાં એ શું છે જે નથી તેઓ શીખવી શક્યા, નથી હું શીખી શક્યો. હું જીવું છું, જાણું છું કે હું સૌથી જુદો છું પણ હું મારા વિષે જગતમાં સૌથી ઓછું જાણું છું. હું મારાથી અજાણ્યો છું … કદાચ તેથી હું મારાથી ડરું છું. બ્રહ્મની, આત્માની શોધના રસ્તામાં હું જ ક્યાંક રહી ગયો છું – પણ હવે હું મારાથી નહીં ભાગું. હું મારો જ શિષ્ય બનીશ. મારી પાસેથી જ મારું-સિદ્ધાર્થનું રહસ્ય પામીશ.’ અને  ચહેરા પર સ્મિત સાથે, લાંબા સ્વપ્નમાંથી જાગેલા અને અને ક્યાં જવાનું છે – શું કરવાનું છે એ જાણતા માણસની જેમ તે પગ ઉપાડે છે.

તો, બુદ્ધત્વ મેળવવાનું નથી. એ આપણી અંદર છે જ. એને જોવાનું, ખોલવાનું, પ્રતીત કરવાનું છે – અત્યારની ક્ષણમાં, અત્યારના સ્વમાં. આપણે સૌએ પોતપોતાના વાસ્તવમાં જીવવાનું છે. સમસ્યાઓ ને તકલીફો એનો એક ભાગ છે. પણ જેમ માણસ મજબૂત હોય તો વજન સાથે પણ પર્વત ચડી જાય છે તેમ પરમ આનંદમાં જીવતો માણસ પોતાના વાસ્તવમાં ડૂબતો કે ફસાતો નથી, એને તરી જાય છે. વળી પર્વતારોહી જેમ વધારે કપરું ચઢાણ ચડે તેમ વધારે સંતોષ અને આત્મવિશ્વાસ મેળવે છે તેમ બુદ્ધત્વનો યાત્રી જેમ વધુ કસોટી વચ્ચે મુકાય છે તેમ વધુ જીવનઊર્જા, વધુ આત્મપ્રતીતિ મેળવે છે. તે બ્રહ્માંડના લય સાથે પોતાનો લય મેળવી શકે છે. સારાં-માઠાં પરિવર્તનો વચ્ચે સ્થિર, નિર્ભય, અસ્પર્શ્ય રહી શકે છે. ભૌતિકતાની વચ્ચે ‘બોધિ’ અને જન્મ-મરણ  આવાગમન વચ્ચે ‘નિર્વાણ’ શક્ય છે એ સમજાયા પછી એને બધાની વચ્ચે રહીને પણ અ-સંગ, મુક્ત રહેવાનું આવડી જાય છે. પોતાનામાંથી જ જન્મેલા અચલ અમિશ્ર આનંદને એ જીવે છે.

ટૂંકમાં મુક્તિ જ્યાં છો ત્યાં જ છે, નહીં તો ક્યાં ય નથી.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 મે  2024

Loading

માણસ આજે (૨) 

સુમન શાહ|Opinion - Opinion|26 September 2024

Toni Ruuska અને Pasi Heikkurinen યુનિવર્સિટી ઑફ હેલ્સિન્કીમાં પ્રોફેસરો છે. એમણે ‘ડૉમિનેશન, પાવર, સુપ્રિમસી : કન્ફ્રન્ટિન્ગ ઍન્થ્રોપોલિટિક્સ વિથ ઇકોલૉજિકલ રીયાલિઝમ’ શીર્ષકથી એક દીર્ઘ લેખ કર્યો છે અને સાર્વજનિક ઉપયોગ માટે March 2020Sustanibility- માં પ્રકાશિત કર્યો છે.

લેખમાં છે એ એમની વાતો વિશે મને જ્યારે જ્યારે જરૂર જણાશે, કહીશ; અર્થ ઘટાવીશ કે વિવરણ-વર્ણન કરીશ.

હું એમ માનું છું કે અનુ-માનવવાદને સમજવા માટે એની તુલના માનવવાદ સાથે પણ કરવી જોઈએ. 

એ સંદર્ભમાં, આ લેખકોએ બે કોઠા આપ્યા છે, ટેબલ્સ. 

પહેલો કોઠો —

કોઠા તેમ જ તેમાં હોય એ પારિભાષિક સંજ્ઞાઓ પણ્ડિતોને વધારે ફાવે, આપણને તો તત્ત્વના સારની જરૂર વધારે હોય છે, કેમ કે વાત ગળે ઊતરી જવી જોઈએ.

પહેલા કોઠામાં મુકાયેલા ઇકોલૉજિકલ રીયાલિઝમની તેમ જ ઍક્સ્યોલૉજિની વાત હું નથી કરતો, કેમ કે એથી એટલું જ સૂચવાય છે કે આ બન્ને વાદોની વિચારસણી અનુસાર, પર્યાવરણીય વાસ્તવ પર શી અસર થાય છે, અને ઍક્સ્યોલૉજિ એટલે કે મૂલ્યોના ફિલસૂફીપરક અધ્યયન અનુસાર, મનુષ્યોની વિશેષતા, સર્વોપરીતા, વગરેનું શું મૂલ્ય અંકાય છે.

બાકીના વક્તવ્યને ગુજરાતીમાં મૂકું અને સમજવાનો તેમજ સમજાવવાનો પ્રયાસ કરું : 

સત્ એટલે બીઇન્ગ, એટલે કે જે જેમ છે તે, બીઇન્ગ, તેને વિશેની વર્ણના તે સત્-વિદ્યા, ઑન્ટોલૉજિ. 

સત્-વિદ્યા અનુસાર, માનવવાદમાં મનુષ્યો અને પ્રકૃતિ બન્ને વિશે વિચારાય છે, જ્યારે અનુ-માનવવાદમાં મનુષ્યો અને પ્રકૃતિને એકરૂપમાં, સમ્પૃક્ત સ્વરૂપે, અભિન્ન રૂપમાં જોવાય છે. પહેલામાં, મનુષ્ય અને પ્રકૃતિ જુદાં, બીજામાં, જુદાં નહીં. સમજાય એવું છે. 

જ્ઞાનનાં સ્વરૂપ, મૂળ અને કાર્યનો વિચાર જેમાં થાય છે, તે જ્ઞાનમીમાંસા, ઍપિસ્ટિમોલૉજિ.

જ્ઞાનમીમાંસા અનુસાર, માનવવાદમાં સ્વ-પરનું દ્વૈત છે. હું તે સ્વ, અને બીજાં તે પર. બન્ને જુદાં પણ જોડાયેલાં. એક તરફ મનુષ્ય છે, બીજી તરફ બીજા જીવો અને પ્રકૃતિ સમેતની સૃષ્ટિ છે. અહીં સમજવાનું એ છે કે મનુષ્ય સૌથી ચડિયાતો છે અને સૃષ્ટિનો કર્તાધર્તા છે. 

જ્યારે અનુ-માનવવાદમાં, કર્તાઓની જાળ (ઍક્ટર-નેટવર્ક્સ), વર્ણસંકરો (હાઇબ્રિડ્સ) અને સંયોજનો (કૉલાજીસ) હોય છે.

‘ઍક્ટર-નેટવર્ક્સ’ એટલે શું? એ એક સિદ્ધાન્ત છે. તદનુસાર, મનુષ્ય, વસ્તુઓ કે ટૅક્નોલૉજિ એકબીજા સાથે જોડયેલાં છે, સંયુક્ત છે, એમની એક જાળ છે. અને તે દરેક, કર્તા છે, જાળમાં રહીને ઍકટ કરે છે, તેથી ઍક્ટર્સ કહેવાય છે. જાળ છે તેથી દરેકની ક્રિયા અને કાર્યની એકમેક પર અસર પડે છે. પણ સમજવાનું એ છે કે એમાંનું કોઈ કોઈથી ચડિયાતું કે ઊતરતું નથી. અનુ-માનવવાદ હાયરાર્કિ – વ્યવસ્થાને, ઉચ્ચાવચતાને, ધરાર નકારે છે.

‘હાઇબ્રિડ્સ’ એટલે શું? અનુ-માનવાવદીઓનું મન્તવ્ય છે કે મનુષ્યો અને મશીનો વચ્ચેની તેમ જ પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેની સીમાઓનો લોપ થઈ રહ્યો છે. હાઇબ્રિડિટી એટલે હું કહી ચૂક્યો છે, વર્ણસંકરતા. અનુ-માનવવાદ વર્ણોની, હસ્તીઓની, એક અકબંધ ઓળખના ખયાલને પડકારે છે, અને તેમની સંકરતા કે ભેળસેળ કે સંમિશ્રણો સૂચવે છે. દર્શાવે છે કે નિરન્તર આપણે બનવાની – બીકમિન્ગની – પ્રક્રિયામાં છીએ.

(અવિનાશ પારેખના “કૉફીમેટ્સ”-ના મારા ‘અન્તિમ’ વ્યાખ્યાનમાં, કદાચ ૨૦૧૧-માં,  મેં ‘ટુ બી’ અને ‘ટુ બીકમ’-ના ધૉરણે, પોતાનું હોવાપણું ભૂલીને માણસની કશુંક બનવા તરફની લ્હાયનું અને પ્રગતિ પાછળની એની દોટનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે.)

‘કૉલાજિસ’ એટલે શું? નવતર ઓળખતત્ત્વો કે વિચારતત્ત્વોનાં સંયોજનો કૉલાજિસ છે. એ સૂચવે છે કે આપણી આજની દુનિયાનું રૂપ વર્ણસંકર છે, નાનારંગી છે. પૂછે છે કે મૂળ રંગ કયો હતો અને હવે કયો છે. મૂળભૂતતા અને અધિકૃતતા શું હતાં, આજે શું છે?

માણસ અને ટૅક્નોલૉજિ એકાકાર છે હવે એનાં જિવાયેલાં અને જિવાતાં દૃષ્ટાન્તો યાદ કરો. આપણે ત્યાં રેડિયો આવ્યો, કદાચ ફિફ્ટીઝમાં. આંગણિયે કે ઝરુખે નાચતી-ગાતી યુવતીઓનાં દૃશ્યો ક્રમે ક્રમે ઘટી ગયાં. ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટર આવ્યું, લોકો ખભે લઈને ફરવા લાગ્યા. સી.ડી. આવી, સંગીતના પરમ્પરાગત જલસા ઓછા થયા. આપણે ઉષા મંગેશકરના ગાયનને કૅસેટથી સાંભળતા થઈ ગયા. કમ્પ્યુટર આવ્યું, કાગળ-પેન અદૃશ્ય થયાં, સાહીના ખડિયા સૂકાઇ ગયા. પેલા નાના ઘડા જેવા કાળા ને નમ્બર માટે  કચડ કચડ બોલતું ચકરડું ફેરવવું પડે, એ ફોન ગયા. મારા વતનમાં, ગામ આખામાં માત્ર ૩ કે ૪ ફોન હતા! આજે તો કોઈપણ પૃથ્વીબાળને ફોન વિના કલ્પી શકાતો નથી. 

(મારા “વસ્તુસંસાર” નિબન્ધસંગ્રહમાં મેં વસ્તુઓને કારણે થતાં રહેતાં પરિવર્તનોની હળવી હળવી વાતો કરી છે).

સ્પેસ-બસ —

આપણાં હાથ-પગ આંગળાં અને મસ્તિષ્કને આ બધાં ‘રમકડાં’ વિનાનાં વિચારવાં અશક્ય છે. હું ભલે ટૅક્નોલૉજિ જાણતો નથી પણ આવીને એ મારા ખૉળામાં પડે છે. એની સરજતો વડે મારી જીવનશૈલી ઘડાતી ચાલે છે. જરૂર પડ્યે, માણસ પોતાના પગે દોડતો’તો, હવે ટ્રેનથી દોડે છે, ને પ્લેનથી ઊડે છે. એને ચન્દ્ર પર ને મંગળ પર જવું છે, ટૅક્નોલૉજિ લઈ પણ જશે. જો કે, ત્યારે, સર્વથા સજ્જ સ્નીપેસ-બસની સીટમાં એ બેઠો તો હશે, પણ હૃદય પર હાથ મૂકીને અવારનવાર ધબકાર તો તપાસી જ લેશે. 

ટૅક્નોલૉજિએ જીવન બદલ્યું છે, માણસને બદલ્યો છે. અનુ-માનવવાદને એ જ કહેવું છે, પણ સૂચવવું એ છે કે માનવ્યનો ક્ષય થઈ રહ્યો છે, ચેતો. 

બીજો કોઠો અને તે અનુષંગે, હવે પછી.

(ક્મશ:)
(25Sep24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...552553554555...560570580...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved