રાત આખી રણની તરસ લઈ જાગીને સવારે ખોબે ખોબે ઝાકળ પીધું!
આખો ‘દી ભટકતા શમણાનાં પંખીને આંખોમાં ઊડવા મેં ગગન દીધું!
ઝૂકેલા લીમડાને હિંચકવા સાદ આપે પાંચીકા સાથે રે પાદરની ધૂળ!
દોડીને જાઉં હું તો ફળિયેથી શેરીમાં મહેંદી મૂક્યા પગમાં વાગે છે શૂળ.
હોઠોમાં સૈયરનું નામ એક લીપટી ને કોયલનું ગાન ધરી મહેકી લીધું!
આખો ‘દી ભટકતા શમણાનાં પંખીને આંખોમાં ઊડવા મેં ગગન દીધું!
વૈસાખી વાયરિયે ઉડેલી ડમરીમાં ચૂંદડી રંગાઈ ગઈ કાળી ડીબાંગ!
પવનની પાલખીમાં ડોલંતો ટહુકો તો ગામ ગલી ગોંદરમાં દેતો છલાંગ!
મતવાલી મેનાને વ્હાલ કરી આંખોથી ઉરે અચરજનું હું સરનામું ચિંધું!
આખો ‘દી ભટકતા શમણાનાં પંખીને આંખોમાં ઊડવા મેં ગગન દીધું!
65 Falcon Drive, west Henrietta, NY 14586 (USA)
e.mail : preetam.lakhlani@gmail.com