આપણા પોલીસતંત્રનુ ચરિત્ર કેવું છે એની એક ઘટના સમજવા જેવી છે. ગુજરાતમાં SC-ST લોકોને ન્યાય મળે / શોષણ ન થાય / ગૌરવ સાથે જીવી શકે તે માટે Additional Director General of Policeની જગ્યા ઊભી કરવામાં આવી છે. આ ADGP (SC-ST) ગાંધીનગર પોલીસ ભવનમાં બેસે છે. હાલ આ હોદ્દા પર IPS અધિકારી રાજકુમાર પાંડિયન છે.
જિગ્નેશ મેવાણી ઘણાં સંઘર્ષ બાદ વડગામના ધારસભ્ય બનેલ છે. પ્રથમ અપક્ષ અને હવે કાઁગ્રેસમાં છે. તેઓ 15 ઓક્ટોબર 2024ના રોજ દલિતો ને ફાળવેલ જમીનો / પ્લોટ પર માથાભારે તત્ત્વોના કબજા બાબતે રાજકુમાર પાંડિયનને મળવા ગયા.
રાજકુમાર પાંડિયને, જિગ્નેશ મેવાણી, તેમની સાથે ગયેલ હિતેન્દ્ર પીઠડિયાના ફોન બહાર મૂકાવી દીધાં. રાજકુમાર પાંડિયને જિગ્નેશ મેવાણીને કહેલ કે “તું ધારાસભ્ય છે, છતાં ટી-શર્ટ પહેરીને આવે છે?”
જિગ્નેશ મેવાણીએ 15 ઓક્ટોબર 2024ના રોજ વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખી વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા પત્ર લખેલ છે.
ગુજરાત પોલીસ મેન્યુઅલ 1975, પાર્ટ-1, નિયમ-354માં જોગવાઈ કરી છે કે પોલીસે લોકો સાથે કઈ રીતે વર્તન કરવું. કુલ 18 મુદ્દાઓમાં વિસ્તૃત માર્ગદર્શન આપેલ છે. નિયમ-355માં પોલીસે MLA/MP સાથે કંઈ રીતે વર્તવું તે જણાવેલ છે. પરંતુ આ મેન્યુઅલનો અમલ પોલીસ અધિકારીઓ કરતા નથી. તેઓ કાયદા મુજબ / નિયમો મુજબ / માણસાઈ મુજબ ફરજ બજાવતા નથી; પરંતુ સત્તાપક્ષના નેતાના મુખદર્શન કરીને કામ કરે છે. જે પોલીસ અધિકારી કાયદા / નિયમ મુજબ ફરજ બજાવે તેની હાલત સરકાર IPS અધિકારી સતિષ વર્મા / રજનીશ રાય જેવી કરી નાખે છે ! મોદીજીએ ગુજરાતમાં અને કેન્દ્રમાં ફરજનિષ્ઠ પોલીસ અધિકારીઓને ચાપલૂસી કરતા કરી દીધાં છે !
થોડાં પ્રશ્નો :
[1] માની લો કે જિગ્નેશ મેવાણીની જગ્યાએ સત્તાપક્ષના ધારાસભ્ય રાજકુમાર પાંડિયનને મળવા ગયા હોત તો તેમની સાથે આવું વર્તન રાજકુમાર પાંડિયને કરેલ હોત? પોલીસ સત્તાપક્ષની ચાપલૂસી કરે છે અને વિપક્ષના ધારાસભ્ય સાથે તોછડાઈભર્યું વર્તન કરે છે. જો પોલીસ ધારાસભ્ય સાથે આવું વર્તન કરે તો લોકો સાથે કેવું ખરાબ વર્તન કરતા હશે? જો કે પોલીસના વર્તન બાબતે ફરિયાદ ન હોય તેવો ભાગ્યે જ કોઈ નાગરિક જોવા મળશે !
[2] જેને SC-ST સમુદાયના હિત માટે નિયુક્ત કરેલ છે તે અધિકારી જ દલિત ધારાસભ્યનું અપમાન કરે તો તે SC-STના લોકો પ્રત્યે કેટલો પૂર્વગ્રહ રાખતા હશે? શું સરકાર આ માટે તેમને પગાર અને સવલતો આપતી હશે?
[3] રાજકુમાર પાંડિયન સરકારના અને ખાસ કરીને અમિત શાહના માનીતા અધિકારી છે. રાજકુમાર પાંડિયન ફેઈક એન્કાઉન્ટર કેસમાં 7 વરસ જેલમાં રહ્યા અને ટેકનિકલ કારણોસર જેલમુક્ત બન્યા; પછી તેમને મહત્ત્વના / ક્રીમ પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા તે સૂચવે છે કે તેઓ પ્રથમ સત્તાપક્ષના એજન્ટ છે, પછી પોલીસ ઓફિસર છે ! શું આ સત્ય નથી?
[4] એક ADGP કક્ષાના અધિકારી ધારાસભ્યને તું-તારી કરે અને “તું ધારાસભ્ય છે, છતાં ટી-શર્ટ પહેરીને આવે છે?” એમ કહીને બીજાની હાજરીમાં અપમાન કરે તેને સરકાર ચલાવી લે તો માનવું કે સરકારને પણ દલિતો પ્રત્યે ભયંકર તિરસ્કાર છે. શું સરકાર ADGP રાજકુમાર પાંડિયન સામે પગલાં લેશે?
[5] શું વિધાનસભાના અધ્યક્ષ જિગ્નેશ મેવાણીના પત્ર અન્વયે કોઈ કાર્યવાહી કરશે? કે તેઓ પણ રાજકુમાર પાંડિયનના અપમાનજનક ગેરવર્તનને મૌન સહમતી પ્રદાન કરશે?
[6] આ કિસ્સામાં ADGP રાજકુમાર પાંડિયનનો વાળ પણ વાંકો થવાનો નથી, કેમ? IPS અધિકારીને ઠપકો આપવો હોય કે નોકરીમાંથી કાઢી મૂકવા હોય તો તેની સત્તા મુખ્ય મંત્રી પાસે છે; રાજકુમાર પાંડિયન આ જાણે છે એટલે જ તેમણે કાઁગ્રેસના ધારાસભ્ય સાથે અપમાનજનક વર્તન કર્યું છે. માની લઈએ કે મુખ્ય મંત્રી, રાજકુમાર પાંડિયનને ઠપકાની સજા કરવા ઈચ્છે છે, તો પણ કેન્દ્રમાં બેઠેલા અમિત શાહ તેમના હાથ બાંધી દેશે ! કેમ કે અમિત શાહની અસલી કુંડળી રાજકુમાર પાંડિયન જાણે છે ! બસ, આ કારણે જ જેલમાં લાંબો સમય રહેવા છતાં તેમને ક્રીમ પોસ્ટિંગ મળતા રહ્યા હતા !
[7] ગુજરાતમાં નિવૃત્ત IPS/IAS અધિકારીઓ (SC-ST સહિત) અનેક છે; તેમાંથી કોઈ જિગ્નેશ મેવાણીની તરફેણમાં અવાજ ઊઠાવશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર