વિજયાદશમી સંબોધન
સોમું વરસ આત્મખોજનો પડકાર લઈને આવે છે : ક્યાં વિવેકાનંદ, અરવિંદ, ગાંધીનો પ્રબોધેલ ધર્મ – અને ક્યાં તમારો કથિત રાષ્ટ્રવાદ? વિચારો, ફતેહની લાયમાં, ક્યા ખોયા, ક્યા પાયા?
સરસંઘચાલક મોહન ભાગવતનું વિજ્યાદશમી સંબોધન સંઘ પરિવાર સમગ્રને સારુ તો મહત્ત્વનું હોય જ, પણ છેલ્લા દસકામાં એને એક તરેહના રાષ્ટ્રજોગ સંબોધનનો દરજ્જો મળ્યો હોય તો એ સમજી શકાય એવું છે – કારણ, કેન્દ્રમાં સત્તાસ્થાને વિરાજતા પક્ષની એ માતૃપિતૃભ્રાતૃ સંસ્થા છે. એમાં પણ 2024ના વિજયાદશમી પર્વનો વળી એક વિશેષ ને વિશિષ્ટ સંદર્ભ છે – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સોમાં વરસમાં પ્રવેશે છે, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી પારી પૂર્વે નહીં એવા સવાલિયા દાયરામાં છે.
અપેક્ષા, આમ તો, કંઈક આકરા ને સોંસરા સંબોધનની હતી. મોદી ભા.જ.પ. દુર્જેય હોવાની છાપ જૂન 2024નાં લોકસભા પરિણામો સાથે પાછી પડી છે. ક્યારેક સરસંઘચાલક સુદર્શને વાયજેપી – અડવાણીને વયનિવૃત્તિનું નિષ્ફળ પણ સૂચન કર્યું હતું તેમ હવે વર્તમાન સરસંઘચાલક કોઈ નિર્ણાયક નેતૃત્વપલટાનો સંકેત આપે તેવી અપેક્ષા ઓક્ટોબર બેસતે હતી. પણ હરિયાણાની કથિત ફતેહ પછી તત્કાળ એવી કોઈ કારવાઈનો સંકેત આપવાનું સલાહભર્યું નહીં જણાયું હોય એમ લાગે છે.
જો કે, ભાગવતે જે પરિપ્રેક્ષ્યમાં વાત મૂકી તેમાં ચોક્કસ જ અર્થભાર વરતાય છે એમ તમે કહી શકો. એમણે એક પા એમ કહ્યું કે વિશ્વ સ્તરે ભારતની આભા ને પ્રતિભા સતત ઉચકાતી રહી છે, પણ બીજી પા એમણે તરત જ ઉમેર્યું કે ભારત જાણે કે ઘેરાબંધીનો ભોગ બન્યું છે અને આપણા શાસન તેમ જ સમાજને કંઈક અસ્થિર ને અરાજક પરિસ્થિતિમાં હડસેલતાં પરિબળો કામ કરી રહ્યા છે. વિગતે ચર્ચામાં નહીં જતાં અહીં એટલી જ એક ટિપ્પણી કદાચ બસ થશે કે બંને વિધાનો સાથે મૂકીને વાંચતાં સાંભળતાં વર્તમાન શાસન પરત્વે ટીકાભાવ સોડાય છે. બને કે મહારાષ્ટ્રના પરિણામની તરાહ અને તાસીર કેવીક ઊઘડે છે તે જોયા પછી ભાગવત વધુ ખૂલીને બોલવું પસંદ કરે છે.
વડા પ્રધાને ‘એક્સ’ પર ભાગવતના સંબોધનને ‘મસ્ટ લિસન’ કહ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીની પ્રગતિમાં સંઘના ફાળાની સાભાર નોંધ લીધી હતી. લોકસભાની કસર હરિયાણામાં કંઈક પુરાઈ હોય તો એનું કારણ ભા.જ.પ. તરફે સંઘ સ્વયંસેવકોની સક્રિય સંડોવણીનું હતું એ જોતાં આ નોંધ – ખાસ તો ‘અમે પુખ્ત થઈ ગયા છીએ. હવે સંઘના ટેકાની પૂર્વત જરૂર નથી’ એવી જાઉં જાઉં પ્રમુખ નડ્ડાની લોકસભા ચૂંટણી વખતની શેખી જોતાં – જરૂરી પણ હતી.
ભાગવતને દેશના જાહેરજીવન અને સમાજજીવનની સ્થિરતા અને ગતિ સંદર્ભ ત્રણ ભયસ્થાનો જણાય છેઃ એક તો, ડીપ સ્ટેટ અર્થાત્ જાડી રીતે કહેતાં રાજ્યમાં રાજ્ય જેવી સ્થિતિ, બીજું, સાંસ્કૃતિક માર્ક્સવાદ. ત્રીજું, વોકિઝમ – મૂલ્યોને નામે અંતિમવાદી વલણ. આ ત્રણે વાનાં ઊંડી તપાસ અને સઘન ચર્ચા માંગી લે છે. વિચારાંગ અને આચારાંગની રીતે સંઘ પોતે (જ્યારે ભા.જ.પે.તર શાસન હોય ત્યારે પણ) ‘રાજ્યમાં રાજ્ય’ની સ્થિતિ નથી ઇચ્છતો? ગોરક્ષા જેવા મૂલ્યને નામે લિન્ચિંગને નથી સ્વીકારી લેતો? સાંસ્કૃતિક માર્ક્સવાદ નહીં તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પરબીડિયામાં એની વહેવારપેરવી શું રહી છે? મતલબ, એમણે વર્ણવેલાં ભયસ્થાનો બેઉ છેડેથી તપાસ લાયક હોઈ શકે છે. સંઘ સામેની ટીકાઓની જેમ સામેવાળાનીયે ટીકાઓ, એ કે અસ્થાને નથી.
અલગ અલગ સ્વતંત્ર નોંધલાયક મુદ્દાઓનો નિર્દેશ માત્ર કરી અહીં જે એક બુનિયાદી વાત અધોરેખિતપણે કરવી રહે છે તે તો એ કે સોમું વરસ ખુદ સંઘને પક્ષે આત્મખોજની અનિવાર્યતા લઈને આવે છે. હેડગેવાર – ગોળવલકરને પોતાના સમયમાં જે પણ ઠીક લાગ્યું હોય, પણ સંઘની બંધ દુનિયા જે.પી. આંદોલનના સંસ્પર્શે ઊઘડવાની શક્યતા ઊભી થઈ એ નવી જ વાત હતી. આંદોલનના આગલા દસકામાં દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદની જે વાત મૂકી તે ગોળવલકરના ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ને લાંધી જતી હતી. વસ્તુતઃ નવઉઘાડની આ બેઉ શક્યતાઓ રામજન્મભૂમિ આંદોલનની દેખીતી ફતેહ વચ્ચે વિલાઈ ગઈ. મંદિર-મસ્જિદ બાબતે ‘રુલ ઓફ લો’ની રીતે જે થયું ન થયું તે, પણ ધર્મ કહેતાં વિવેકાનંદ, અરવિંદ, ગાંધી જે સમજતા હતા તે કસોટીએ તમારો રાષ્ટ્રવાદ ક્યાં છે એ તો તપાસો, ભાઈ.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 ઑક્ટોબર 2024