જિયા બુઝા બુઝા નૈના થકે થકે
પિયા ધીરે ધીરે ચલે આઓ, ચલે આઓ
કોઈ દૂર સે આવાઝ દે ચલે આઓ …
રાત રાત ભર ઈન્તઝાર હૈ
દિલ દર્દ સે બેકરાર હૈ
સાજન ઈતના તો ન તડપાઓ …
આસ તોડ કે મુખ મોડ કે
ક્યા પાઓગે સાથ છોડ કે
બિરહન કો યું ન તરસાઓ …
‘તમે અભિનય કેમ નથી કરતા? ફોટોજેનિક છો.’ ‘હા, પણ એક્ટોજેનિક ન યે હોઉં.’ ‘એક્ટિંગ કરી તો જુઓ.’ આ સંવાદના પરિણામે આપણને એક ઉત્તમ ફિલ્મસર્જકની અંદર રહેલો મજાનો અભિનેતા મળ્યો, જેનું નામ હતું ગુરુ દત્ત. એમને અભિનય કરવાનું કહેનાર હતા અબ્રાર અલ્વી. ગુરુ દત્તની ફિલ્મોના લેખક જ નહીં, ગુરુ દત્તની સમગ્ર સર્જનપ્રક્રિયાનો હિસ્સો એવા અબ્રાર અલ્વી અને ગુરુ દત્તના જન્મદિન તાજા પસાર થયાં છે ત્યારે વાત કરીએ ગુરુ-અબ્રાર ટીમની, ‘સાહબ, બીબી ઔર ગુલામ’ ફિલ્મની અને ‘કોઈ દૂર સે આવાઝ દે’ એ ગીતની.

ગુરુ દત્ત અબે અબ્રાર અલ્વી
અબ્રાર અલ્વીના નામ સાથે આપણને સત્યા શરણનું પુસ્તક યાદ આવે, ‘ટેન યર્સ વિથ ગુરુ દત્ત.’ વાત કરનાર છે અબ્રાર અલ્વી, પણ વાત કરે છે ગુરુ દત્તની. અબ્રાર અલ્વી અંગ્રેજીમાં એમ.એ. થયેલા. પિતાની ઈચ્છા એવી કે દીકરો વકીલ બને, પણ અબ્રાર અલ્વી અભિનેતા બનવા મુંબઈ આવ્યા. દૂરના ભાઈ જશવંત ફિલ્મોમાં કામ કરતા, એમની પાસે આવે જાય. એક વાર ગુરુ દત્તની ફિલ્મ ‘બાઝ’નું શૂટિંગ ચાલતું હતું, અબ્રાર હાજર હતા, કોઈ સૂચન કર્યું અને ગુરુ દત્તના ધ્યાનમાં આવી ગયા. 1954ની ‘આરપાર’ અબ્રાર અલ્વીએ લખી ત્યાર પછીનો દસકો આ બેનો હતો : ‘મિ. એન્ડ મિસીસ 55’, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘ચૌદહવીં કા ચાંદ’, ‘સાહબ બીબી ઔર ગુલામ.’ છેલ્લી ફિલ્મ તો એમણે ડાયરેક્ટ પણ કરી.
બિમલ મિત્રનું પુસ્તક હોય કે અબ્રાર અલ્વીની ફિલ્મ, ‘સાહબ બીબી ઔર ગુલામ’ પોતાનામાં એક અદ્દભુત રચના હતી. શિક્ષિત મધ્યમ વર્ગનો ઉદય અને જમીનદારી યુગનો અંત – આ સંધિકાળ આ કૃતિમાં એવો જીવંત થયો છે કે આપણે પોતાને એ સંધિકાળના સાક્ષી અનુભવીએ. કલકત્તામાં રહેતા, બહારની દુનિયાને તુચ્છ ગણતા, ખેડૂતોને રોળવતા, ગામોના ગામોની ઉપજ ખાતા ને કબૂતરબાજી, નોકરચાકરોનો કાફલો, નાચગાનની મહેફિલો અને આત્યંતિક ડોળદમામમાં મગ્ન રહેતા જમીનદારોની ભવ્ય હવેલીમાં ગામથી આવેલો ભૂતનાથ (ગુરુ દત્ત) આશરો લે છે. તેને મોહિની સિંદૂરના કારખાને નોકરી મળે છે અને પતિનો પ્રેમ ઝંખતી હવેલીની નાની વહુ (મીનાકુમારી) એની પાસે મોહિની સિંદૂર મગાવે છે એ છે ભૂતનાથ અને છોટી બહુની પહેલી મુલાકાત. આપણે પણ તેને ત્યારે જ પહેલી વાર જોઈએ છીએ, ફિલ્મની લગભગ 40 મિનિટ વીત્યા બાદ. વિધવા મોટી વહુની જેમ પૂજાપાઠથી કે વચેટ વહુની જેમ ઘરેણાંકપડાં અને દાસીઓની ફોજથી છોટી બહુને ચાલે તેમ નથી. તેને જોઈએ છે પતિ. પતિનો પ્રેમ.
આ છોટી બહુ પડદા પર ભલે 40 મિનિટ પછી દેખાઈ હોય, ભૂતનાથ તો છોટી બહુને એ આવ્યો તે રાતથી ઓળખે છે. એ રાત … રાત ઘણી વીતી ગઈ છે, હવેલીની ધૂમધામ શાંત પડી છે, દરવાન ઝોકાં ખાય છે. હવેલી અસંખ્ય દીવાઓથી ઝગમગી રહી છે. અચાનક છેવાડાની અંધારી મેડી પરથી દર્દભર્યો સૂર ઊઠે છે: જિયા બુઝા બુઝા, નૈના થકે થકે, પિયા ધીરે ધીરે ચલે આઓ … આટલા શબ્દોમાં જ વાતાવરણ બંધાઈ જાય છે અને ગીત ઉપડે છે, ‘કોઈ દૂર સે આવાઝ દે ચલે આઓ’ શકીલ બદાયુનીના શબ્દો અને હેમંત કુમારના સંગીતમાં ગીતા દત્તના કંઠની કસક ભળ્યાથી ગજબ જાદુ થયો છે – ‘ન જાઓ સૈંયા’ અને ‘પિયા ઐસો જિયા મેં’ પણ ભૂલ્યા નહીં જ હો.
‘ચલે આઓ’નાં આવર્તનો પ્રેમ અને પીડાની સૃષ્ટિ રચી રહ્યાં છે, અને જેને એ પોકારે છે એ આવે છે. નાચનારીને ત્યાંથી. શરાબના નશામાં ચૂર. ચાર ઘોડાની સુંદર બગીમાંથી નોકરો તેને ઊંચકીને ઉતારે છે ને ઢોલિયા પર સુવાડે છે. પ્રતીક્ષા કરનાર હતાશ થઈ ખસી જાય છે. દર્દભર્યો સૂર વિલાઈ જાય છે. એ જ છે છોટી બહુ. ત્યારે તેની માત્ર છાયા દેખાઈ છે – ઘણે દૂરથી, અંધકારથી વીંટળાયેલી – છતાં ગીત, એ હતભાગી સ્ત્રીની આખી કહાણી એની સમગ્ર વ્યથા સાથે વ્યક્ત કરી દે છે.
પછી? પતિને પોતાનો કરવા છોટી બહુ પહેલા મોહિની સિંદૂરને અને પછી શરાબને શરણે જાય છે. ભૂતનાથ હવે એક કોન્ટ્રાક્ટરને ત્યાં નોકરી કરે છે ને કલકત્તા આવે ત્યારે છોટી બહુ અને જબા(વહીદા રહેમાન)ને મળે છે. યુગપરિવર્તનને પચાવી નહીં શકેલો જમીનદાર પરિવાર આ દરમ્યાન બરબાદ થતો ગયો છે. ભેંકાર હવેલીમાં બીમાર પતિની સેવા કરતી છોટી બહુ, ‘તું આવ્યો છે તો મને લઈ જા’ કહી એક સાધુનાં આશીર્વાદ લેવા ભૂતનાથ સાથે જાય છે. મેડી પરથી જેઠ જુએ છે – જમીનદારોની કુળવધૂ રાતના વખતે પરાયા પુરુષ સાથે? બગી પર હુમલો થાય છે, ભૂતનાથ ઘાયલ થાય છે, છોટી બહુ ગાયબ. શું થયું હતું તેનું? એ જાણવા માટે ફિલ્મ જોવી પડે.
‘સાહબ બીબી ઔર ગુલામ’ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલોમાં ગઈ હતી અને અનેક અવૉર્ડ મેળવી ક્લાસિકલ ગણાઈ હતી. નાનામોટા વિવાદો પણ સર્જાયા હતા. એ બધી વાતો પણ અખૂટ રસથી ભરેલી છે, પણ ‘સાહબ બીબી ઔર ગુલામ’ના નામ સાથે મન સમક્ષ ખડી થઈ જાય છે પતિને સર્વસ્વ માનતી ને એને પામવા સર્વસ્વ લૂંટાવી દેતી છોટી બહુ. બગી પર હુમલો થયા પહેલા તેણે કહ્યું હતું, ‘ભૂતનાથ, જબ મૈં મર જાઉં, ખૂબ સજાના મુઝે. તાકિ લોગ યે કહે, સતીલક્ષ્મી ચલ બસી …’ મીનાકુમારી, ગુરુ દત્ત અને ગીતા દત્ત ભાગ્યમાં સિદ્ધિ અને દર્દ બંને લખાવીને આવ્યાં હતાં. ‘સાહબ બીબી ઔર ગુલામ’ની છોટી બહુનું દર્દ કદાચ એથી જ અનેકગણું થઈ દર્શકના હૃદયમાં હાહાકાર કરી મૂકે છે.
‘સાહબ બીબી ઔર ગુલામ’ એટલી સમૃદ્ધ ફિલ્મ હતી કે એના એક એક પાસા પર, એની સાથે સંકળાયેલા એક એક વ્યક્તિત્વ પર ઘણું લખી શકાય અને તો પણ બધું અધૂરું રહે. ફિલ્મ રિલિઝ થઈ પછી ગુરુ દત્તે એનું ક્લાઇમેક્સ ગીત ફિલ્મમાંથી હટાવી દીધું હતું, કેમ કે એમાં છોટી બહુને ભૂતનાથના ખોળામાં માથું મૂકીને સૂતેલી બતાવી હતી. એને થયું કે દર્શકો આ દૃશ્યને પચાવી નહીં શકે. આ ગીતની ધૂન ત્યાર પછી હેમંત કુમારે 1966ની ફિલ્મ ‘અનુપમા’માં ‘યા દિલ કી સુનો દુનિયાવાલો’ ગીતમાં વાપરી હતી. ‘યા દિલ કી સુનો’ કૈફી આઝમીએ લખ્યું હતું, પણ અહીં શકીલ બદાયુનીએ ‘સાહબ બીબી ઔર ગુલામ’ માટે લખેલા મૂળ ગીતની પંક્તિઓ મૂકવાનું મન થાય છે, ‘સાહિલ કી તરફ કશ્તી લે ચલ, તૂફાં કે થપેડે સહના ક્યા, તૂ આપ હી અપના માઝી બન, લહરોં કે સહારે બહના ક્યા … કુછ નીંદ ભી હૈ કુછ હોશ ભી હૈ, ના જાને યે આલમ કૌન સા હૈ, યા ડૂબ જા યા ચલ સાહિલ પર, તિનકે કે સહારે રહના ક્યા’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 11 જુલાઈ 2025