Opinion Magazine
Number of visits: 9844016
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાયદા પણ પક્ષપાત કરનારા હોય છે… 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 December 2024

રવીન્દ્ર પારેખ

એક સમય હતો જ્યારે દીકરી જન્મવા તો દેવાતી હતી, પણ પછી દૂધપીતી કરાતી હતી. પછી તો વિકાસ એટલો થયો કે ભ્રૂણહત્યા દ્વારા જન્મ વગર જ દીકરીને મોત અપાતું થયું. પશુને પણ મૃત્યુ જન્મ પછી છે, પણ કેટલીક દીકરી એવી છે, જેને મૃત્યુ જન્મ પહેલાં છે. આજકાલ ગાયનેકોલોજિસ્ટ બાળક ઊંધું છે એટલે સિઝેરિયન કરવું પડશે એમ કહીને લાખેક રૂપિયા ખંખેરી લે છે. કોઈ પણ રીતે હવે ડોકટરો (ને બીજા પણ) કમાણીમાં લાગ્યા છે. સેવા લગભગ આઉટડેટેડ થઈ ગઈ છે. સ્ત્રીઓનું એટલું શોષણ થયું કે કાયદામાં ફેરફારો કરવા પડ્યા, જેથી શોષિત સ્ત્રીઓને ન્યાય મળી રહે. એ દરમિયાન સ્ત્રી શિક્ષિત થઈ, ઘરકામ ઉપરાંત નોકરી-વ્યવસાય કરતી થઈ, ખુમારીથી એકલી રહેતી થઈ ને હવે ઘણી યુવતીઓને એવું લાગે છે કે લગ્ન કરીને કોઈ પર નિર્ભર પણ શું કામ રહેવું? તેવી યુવતીઓ હવે પરણતી નથી અથવા તો મોડી પરણે છે. પરણે તો જન્મ આપવા કરતાં તેને બાળક દત્તક લેવાનું વધારે અનુકૂળ આવે છે. તે એ પણ જાણે છે કે કાયદાઓ તેની તરફેણમાં છે ને નથી જાણતી એવી સ્ત્રીઓમાંની ઘણી ઘરેલુ હિંસાનો ભોગ બને છે ને નથી વેઠાતું તો આત્મહત્યા પણ કરી લે છે. 

આજના સમયમાં બે પરિબળો નવાં ઉમેરાયાં છે. લિવ ઇનમાં રહીને અનુકૂળ આવે ત્યાં સુધી પાર્ટનર સાથે રહેવું અને ન ફાવે તો રસ્તે પડી જવું. હવે હસબન્ડ કે વાઈફ, પાર્ટનર કહેવાય છે. લિવ ઇનમાં પણ  જટિલતા વધતી આવે છે. આધુનિક લગ્નજીવનની આડ પેદાશ એ છે કે તેનો એક ફાંટો લગ્નેતર સંબંધોમાં ખૂલે છે. આમ થવું અશક્ય ન હતું. નોકરી-ધંધા નિમિત્તે આઠેક કલાક પતિ કે પત્નીએ ઘર બહાર રહેવાનું થયું ને એમાં સહકર્મી સાથે ક્યારેક શેરિંગ વધ્યું ને એ જ નજીક આવવાનું કારણ પણ બન્યું. પછી તો વાત એટલી આગળ વધી કે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું. એ શક્ય ન બન્યું તો પ્રેમ મેળવવા પતિ કે પત્ની કે નવા પ્રેમી/પ્રેમિકાની હત્યા પણ કરી નાખવામાં આવી. આવી  હત્યાઓ હવે રોજિંદી થઈ ગઈ છે. 

બીજી તરફ ગૃહિણીઓ એટલી સજાગ થઈ છે કે સાસરામાં થોડો પણ ત્રાસ અનુભવાય તો સીધી પોલીસચોકીએ પહોંચે છે. દહેજને નામે કે ઘરેલુ હિંસાને નામે પત્ની ધારે ત્યારે ફરિયાદ કરી શકે છે ને પોલીસ એક વાર તો સાસરાને દોડતું કરી જ દે છે. ફરિયાદો સાચી હોય ત્યાં તો કૈં કહેવાનું નથી. ગૃહિણીને ન્યાય મળે એટલું જ અપેક્ષિત હોય, પણ, બધી વખતે ફરિયાદો સાચી ન હોય એ પણ શક્ય છે. એ સંજોગોમાં પતિ, સસરા, સાસુ, નણંદ એમ બધા જ સભ્યો ધંધે લાગ્યા વગર રહેતાં નથી. જેમ બધી જ વખતે પતિ સાચો ન હોય એમ જ પત્ની પણ ન હોય એમ બને ને એ કાયદાએ જોવાનું રહે. એવે વખતે કાયદો કોઈની તરફેણ કરતો થઈ જાય તો તે અન્યાયકર્તા નીવડે. 

કાયદો ન્યાય માટે હોય, એ પક્ષપાત કરનારો તો કેવી રીતે હોય? ન્યાયતંત્ર અન્યાય કરે તો એ પીડા વધારનારો જ નીવડે ને સંબંધિતોનો ન્યાય પર ભરોસો જ ન રહે એમ બને. એવો એક ચામડી તતડાવી નાખતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંગલુરુનો એક આઇ.ટી. પ્રોફેશનલ અતુલ સુભાષ પત્ની અને સાસરિયાંથી એટલો ત્રાસ્યો કે તેણે આત્મહત્યા કરી લીધી. 24 પાનાંની આત્મહત્યાની નોટમાં તેણે લખ્યું છે કે ન્યાય ન મળે તો મારાં અસ્થિ કોર્ટની ગટરમાં ફેંકી દેજો. અતુલે આત્મહત્યા પત્ની, સાસરિયાં અને ન્યાયતંત્રના અધિકારીઓના ત્રાસથી કરી છે. એ સાથે જ અતુલે એક કલાક વીસ મિનિટનો વીડિયો તેની પત્ની નિકિતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં, ‘ભારતમાં પુરુષો વિરુદ્ધ કાયદેસરનો નરસંહાર થઈ રહ્યો છે’ એવા ટાઈટલથી પોસ્ટ કર્યો છે. નિકિતા પોતે સોફ્ટવેર એન્જિનિયર અને બી.ટેક ઇન કોમ્યુટર સાયન્સ, એમ.બી.એ. ફાઇનાન્સ અને એ.આઈ. એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ છે. 

courtesy : Satish Acharya – ‘Misuse of Law!

અતુલના ભાઈ વિકાસે બેંગલુરુની મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ને તેને આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી તરીકે અતુલનાં પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ, સસરા, સાળાનાં નામ નોંધવામાં આવ્યાં છે. અતુલે સુસાઇડ નોટમાં ઉત્તર પ્રદેશના જૌનપુરની પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટના જજનું નામ પણ લખ્યું છે, પણ એફ.આઇ.આર.માં નામ નથી. સુસાઇડ નોટમાં ‘જસ્ટિસ ઈઝ ડ્યુ’ એવું હેડિંગ છે. નોટમાં તેણે લખ્યું છે કે કોર્ટમાં તેની પાસે લાંચ માંગવામાં આવી હતી, પણ તે તેણે આપવી ન હતી. અતુલનો આક્ષેપ એવો પણ છે કે બાળકોને આગળ કરીને પત્નીએ ભરણપોષણને નામે પૈસા પડાવ્યા હતા. નિકિતાએ પતિ સામે નવ કેસ કર્યા હતા. હાઇકોર્ટમાં ઝડપી સુનાવણી માટે ને રોકડની માંગણી માટે અરજીઓ કરવામાં આવી હતી. નિકિતાએ પોતે પતિને આત્મહત્યા માટે બે વખત ઉશ્કેર્યો હતો. એમાં એક ઉશ્કેરણી તો જજની હાજરીમાં થઈ હતી. કોર્ટમાં કર્મચારીઓએ અને બેલિફે માંગેલી રકમ નામ સાથે નોટમાં છે. જૌનપુર કોર્ટના ચુકાદા સંદર્ભે એવી નોંધ પણ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું પાલન કરવામાં આવ્યું નથી. ન્યાયાધીશે એક તરફી ન્યાય કર્યો છે. કેસની પતાવટ પહેલાં અતુલ પાસેથી પહેલાં એક કરોડ ને પછી ત્રણ કરોડ માંગવામાં આવ્યા હતા. કેસની સુનાવણી 120 વખત મોકૂફ રાખવામાં આવી ને કેસ માટે અતુલે બેંગલુરુથી જૌનપુર 40 વખત દોડવું પડ્યું. તેના વૃદ્ધ માબાપે બિહારથી અને ભાઈએ દિલ્હીથી કોર્ટ સુધી આવવું પડ્યું તે નફામાં. 

તેને ત્રણ વર્ષ સુધી સંતાન સાથે વાત ન કરવા દેવાઈ ને ઉપરથી ખર્ચ પેટે દર મહિને બે લાખની માંગણી કરવામાં આવી. નાનામોટા પ્રસંગે સાડીઓ ઉપરાંત દર વખતે 10 લાખના ઘરેણાંની માંગણીઓ થઈ. મકાન બાંધવા 50 લાખ માંગવામાં આવ્યા. પૈસા આપવાની ના થતી તો ઝઘડાઓ વધતા. આ માણસ સાસરિયાંથી એટલો ત્રાસ્યો હતો કે તેના મૃતદેહની નજીક કોઈ ફરકે કે કોઈ સમાધાન થાય તેવું તે ઈચ્છતો ન હતો. સાસરિયાંનો ત્રાસ કેટલો હશે તે તેની સાસુના આ સવાલ પરથી આવે કે જમાઈને તે પૂછે છે કે હજી તમે આત્મહત્યા કરી નથી? અતુલના પિતા પવનકુમારે પણ ન્યૂઝ એજન્સી એ.એન.આઇ.ને જણાવ્યું છે કે અતુલના સાસરિયાં પર મુકાયેલા તમામ આરોપો સાચા છે. અતુલની પત્ની મળી નથી એટલે નોટિસ તેનાં ઘર પર ચોંટાડાઈ છે. તેનું શું કહેવું છે એ બહાર આવ્યું નથી, એટલે અત્યારે તો એક બાજુ જ સામે છે, પણ કાયદાનો લાભ લઈને સ્ત્રીઓ પુરુષોને ટૉર્ચર કરતી થઈ છે તે નકારી શકાય એમ નથી. એવા ઘણા કિસ્સાઓ જાણ્યા પછી એટલું ઉમેરવાનું થાય છે કે સ્ત્રીઓનાં શોષણની ટકાવારી આજે પણ ઊંચી જ છે. સાથે જ કાયદાનો દુરુપયોગ અટકવો જોઈએ એ પણ એટલું જ સાચું છે. ટૂંકમાં, સ્ત્રી કે પુરુષ વચ્ચે ભેદ કરનારા કાયદામાં સમાનતા જળવાઈ રહે એવા ફેરફારો અનિવાર્ય છે. 

એકમ ન્યાય ફાઉન્ડેશને બહાર પાડેલા અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે મહિલાઓ દ્વારા થતા ત્રાસને કારણે પુરુષોની આત્મહત્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2023માં 306 કેસોમાં પુરુષોની હત્યા તેમની પત્નીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમાંની 213 હત્યા લગ્નેતર સંબંધોને કારણે અને 55 હત્યા પારિવારિક વિવાદોને કારણે થઈ હતી, તો બાકીની હત્યા અન્ય કારણોસર થઈ હતી. આ જ સંસ્થાની અન્ય તપાસમાં 45 પુરુષોએ આત્મહત્યા તેમની સામે થયેલા ખોટા કેસને કારણે કરી છે. એમ લાગે છે કે અતુલ જેવા લોકોનું અપમૃત્યુ લિંગ આધારિત કાયદાઓનું પરિણામ છે. એ પણ છે કે ઘરેલુ હિંસા હવે સ્ત્રીઓ પૂરતી સીમિત નથી. સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે ને દહેજના નામે પતિ અને પરિવારને ફસાવવાની પ્રવૃત્તિ થતી રહેતી હોય તો કોઈ નિર્દોષ પરિવાર હેરાન ન થાય તે જોવાવું જોઈએ. એ સંજોગોમાં સરકારે નવા કાયદા કરવા જોઈએ અથવા કાયદામાં સુધારા કરવા જોઈએ. આમ તો કાયદાની છટકબારીઓનો લાભ લેવાનું સામાન્ય છે, પણ મહિલાઓ સંબંધિત કેસોમાં સમસ્યા ને સંખ્યા વધુ વકરી રહી હોવાનું લાગે છે.

આની સામે સુરત, અમદાવાદમાં ‘પત્ની અત્યાચાર વિરોધી સંઘ’ સક્રિય થયો છે ને સુરતમાં જ છેલ્લાં થોડાં વર્ષોમાં 3,720 પતિઓએ પત્નીના ત્રાસની વિરુદ્ધ લેખિત ફરિયાદો નોંધાવી છે. દર મહિને અંદાજે 20 ફરિયાદો આવે છે ને ગુજરાતમાં જ તેના 76,000 સભ્યો છે તે સૂચક છે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ડિસેમ્બર 2024

Loading

શિક્ષકમાંથી લોકશિક્ષક બની ગયેલા સૂર્યશંકરભાઈ ગોર

રમજાન હસણિયા|Samantar Gujarat|15 December 2024

વાગડ પ્રદેશને કેટલાંક એવા અસ્તિત્વ પ્રાપ્ત થયાં છે જેનાથી આ પ્રદેશનું વર્તમાન ઊજળું છે ને આવનારું ભવિષ્ય એમના હોવાની ધન્યતા અનુભવશે. આવું એક નામ છે પરમ આદરણીય અને વંદનીય સૂર્યશંકરભાઈ ગોર. 

સૂર્યશંકરભાઈ ગોર

મૂળ ત્રમ્બૌ ગામના. પિતા પ્રાથમિક શાળાના શિક્ષક પણ પિતાની છત્રછાયા છએક વર્ષની બાળવયે ગુમાવી. ત્યારે વોન્ધ રહેતો પરિવાર ઊંટગાડીમાં ભરાઈ જાય એટલો અસબાબ લઈને પોતાના મૂળ ગામમાં આવી ગયો. કપરા કાળમાં બાળક સૂર્યશંકર માનો સધિયારો બન્યો. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લઈને માધ્યમિક શિક્ષણ લેવા નીલપર સોનટેકરીસ્થિત નાનાલાલ વોરા ઉત્તર બુનિયાદી શાળામાં પ્રવેશ મેળવ્યો. અહીંની શાળાના પ્રથમ બેચના તેઓ વિદ્યાર્થી. અહીં મણિભાઈ સંઘવી જેવા વિરલ ગાંધીજનનો પ્રત્યક્ષ સંગ મળ્યો ને નકુલભાઈ ભાવસાર જેવા સંનિષ્ઠ શિક્ષક મળ્યા. વારસામાં મળેલી સારપ અહીં વધુ કેળવાઈ. ગાંધીના રંગે રંગાયા. ૧૯૮૨માં એસ.એસ.સી. પાસ થયા. ત્યારે એસ.એસ.સી. બાદ તરત પી.ટી.સી. થતું. તેઓ બે વર્ષ ભુજના અધ્યાપન મંદિરમાં ભણ્યા. વર્ષ ૧૯૮૪માં અભ્યાસ પૂર્ણ કરી એ જ વર્ષે રામવાવમાં શિક્ષક તરીકે જોડાયા. નવેક મહિનામાં પોતાના ગામમાં બદલી મળી ગઈ. જે શાળામાં પાંચ-છ વર્ષ પહેલાં ભણતા ત્યાં શિક્ષક બની ભણાવવા આવી ગયા. ત્યાંથી રાપરની જુદી જુદી બે શાળાઓમાં સંનિષ્ઠ સેવાઓ આપી રાપરના થોડા ખૂણાના ને અલ્પ વિકસિત વિસ્તારની ત્રિકમસાહેબ પ્રાથમિક શાળામાં જોડાયા. આ જ શાળાના આચાર્ય બન્યા ને શાળાને અત્યાધુનિક બનાવી. ઉત્તમ મકાનની સાથોસાથ વિદ્યા ને પ્રેમનું વાતાવરણ ઊભું કર્યું. છેલ્લે પહેલા-બીજા ઘોરણના ભૂલકાઓને પ્રેમથી ભર્યું ભર્યું ભણતર આપી આજે [ગત ઓક્ટબર માસ વેળા] કાયદેસર નિવૃત્ત થયા. અલબત્ત એમનું શિક્ષકત્વ એમને નિવૃત્ત થવા દે એમ નથી. 

આવા સૂર્યશંકરભાઈ ગોરની શિક્ષક તરીકેની ચાળીસ વર્ષની સમાંતરે ચાલી છે ‘કચ્છમિત્ર’ના પત્રકાર તરીકેની સફર. એમાંયે એક નીડર પત્રકાર તરીકે તો તેઓ ખ્યાત છે જ પણ એમની વિધાયક દૃષ્ટિ સારું જુએ ને જગતને સારું જોવાની ટેવ પણ પાડે. તેમણે ડોંગરેજી મહારાજના ચરણ સેવ્યા છે ને ભાગવતનો ઊંડો અભ્યાસ કર્યો છે. એમની ‘કચ્છમિત્ર’માં ભાગવતકેન્દ્રી લેખમાળા પણ ઘણા સમય સુધી ચાલી ને એના અભ્યાસ થકી તેઓ ભાગવતની કથા કરતા થયા. નિરપેક્ષભાવે એમણે કેટલીક યાદગાર કથાઓ કરી. રામકથાના વ્યાસાસને પણ તેઓ બિરાજમાન થયા ને હૈયે બેઠેલા રામને એમણે લોકહૈયે બિરાજમાન કર્યા. વાગડના જાગતલ જણ જણના હૈયે તેઓ વસ્યા છે. એમનું શિક્ષકત્વ શાળાની ચાર દીવાલોમાં બંધાઈ ન રહ્યું ને વિસ્તર્યું ગામડે ગામડે ને વાંઢે વાંઢે. ખારસરવાંઢ જેવી કેટલીયે વાંઢના તો તેઓ આરાધ્ય દેવ જાણે. એમનામાં ધર્મ, નીતિ, સદાચાર, પ્રેમ આદિની વાત કરવાની એવી કુનેહ છે કે લોકો એમના પ્રેમી બની જાય. પાંડિત્યપ્રચૂર વાતો કરવાને બદલે તેઓ સહજ ગંગાના પ્રવાહની જેમ વહે ને એ પ્રવાહ સામેવાળાના અંતરને ઉજળા કરી દે. પૂનમસભાઓમાં એમની વાણીનો પ્રભાવ જુદી રીતે વર્તાતો મેં સગી આંખે અનુભવ્યો છે. એમની પ્રેરણાથી ગેડી ગામમાં આખું હિંગળાજધામ અત્યારે ધમધમી રહ્યું છે. દેવભૂમિ તો એ હતી જ પણ વૃક્ષો થકી એને હરિયાળી બનાવીને એમણે એને લીલપ બક્ષી છે. એમાં એક પુસ્તકાલય પણ ચાલે છે. ભાઈ દિવાનસિંહ અને એમના યુવાન મિત્રો સાહેબનો પડ્યો બોલ ઝીલે. એવા ઉદાહરણો તો બીજા ઘણા આપી શકાય. 

સૂર્યશંકરભાઈ ગોરને વાગડની ગાંધીત્રિપુટી(મગનભાઈ સોની, મણિભાઈ સંઘવી ને દયારામભાઈ કેવળિયા)નો ભરપૂર પ્રેમ મળ્યો. એમની સાથે જુદી જુદી રીતે તેઓ અનુસંધિત થતા રહ્યા ને એમની સાત્ત્વિક ઉર્જાને પોતાની ભીતર ભરતા રહ્યા. મુરારિબાપુના પણ તેઓ પ્રીતિપાત્ર. બાપુની કચ્છ વાગડની મોટાભાગની કથાઓમાં સંચાલન અને રિપોર્ટિંગ તેમણે જ કર્યું છે. લખે સરસ, બોલે સરસ, વિચારે સરસ ને જીવે તો એથીયે સરસ !

મારો ને એમનો અનુબંધ રાપર કૉલેજ થકી બંધાયો. વર્ષ ૨૦૧૪માં મને રાપર નોકરી મળી ત્યારે ગુરુજન દર્શનાબહેન ધોળકિયાએ એકમાત્ર વ્યક્તિના નમ્બર આપીને કહેલું કે, ‘આપણા એક સ્વજન રાપરમાં શિક્ષક છે, એ તમને કાંઈપણ જરૂર હશે તો મદદરૂપ થશે.’ કોલેજના એ શરૂઆતનાં વર્ષોની કથા તો ક્યારેક નિરાંતે કરીશ પણ એ કપરાકાળમાં મારી ઢાલ બનીને જે કેટલાંક સ્વજનો ઊભા રહ્યાં એમાંના એક તે સૂર્યશંકરભાઈ ગોર. કૉલેજમાં નાનો મોટો કોઈપણ કાર્યક્રમ હોય કે વિદ્યાર્થીઓનું વિદાયમાન હોય કે વાલીસંમેલન હોય સૂર્યશંકરભાઈ ખુલ્લે પગે હાજર જ હોય. એમની પ્રભાવક શૈલીથી વિદ્યાર્થીઓ પ્રભાવિત ને પ્રેરિત થયા વગર ન રહે. એક પણ રૂપિયાની અપેક્ષા વગર તેઓ સદાય કોલેજની પડખે રહ્યા છે. કોલેજની જમીન માટે મામલતદારને રજૂઆત કરવા જવાની હોય તો પણ તેઓ સાથે જ હોય. હા .. એમની શાળાના બાળકોની એકપણ મિનિટ તેઓ કોઈ અન્યને ન આપે. ગમે એટલો મોટો કાર્યક્રમ હોય પણ એમના સમયે તેઓ નીકળી જ જાય. એમના સમયપાલનના દાખલા દેવાય. 

નાનામાં નાના માણસને પોતાના લાગે એવા સાહેબ અંદરથી બહુ જ ઋજુ હૃદય જીવ. સાધુ શબ્દ વેશ વિના જેમને લાગુ પાડી શકાય તેવા આ વિરલ શિક્ષક. એમની આંખ ને એમનું હૈયું બંને ભીનાં ભીનાં. કોઈનું દુઃખ ન જોઈ શકે. પોતે તો દૂર કરવા મથે પણ એમનો પડ્યો બોલ ઝીલનાર લોકોને પણ આંગળી ચીંધે. કાંઈ કેટલાંયના જીવતરમાં અજવાળાં કર્યાં હશે આ સૂર્ય-શંકરે ગયા ઓક્ટોબર માસે એમની નોકરીનો છેલ્લો દિવસ હતો. એમની શાળા તો એમને ભાવભેર વિદાય આપે જ. સરસ સન્માન સમારંભ પણ પૂર્વે યોજેલો. પણ તેઓ આરંભ સમારંભના માણસ નહિ. પણ જેમણે પોતાનાં ચાળીસ વર્ષ આ પ્રદેશને અજવાળવામાં આપી દીધાં હોય એમની શાળા છોડવાની ભાવુક ક્ષણો યાદગાર બનાવવા જે ગાંડું ઘેલું સુજ્યું તે કરવા અમે વિદ્યાર્થીઓ સહિત ઉપડ્યા. એ પૂર્વે આજે કોલેજના છેલ્લા દિવસે પણ ભેગા થયેલા વિદ્યાર્થીઓ સમક્ષ ગોરસાહેબની આખી યાત્રાની વાત કરી ને તેઓ ભાવપૂર્વક જોડાવવા તૈયાર થયા. સાહેબને સનરુફ કારમાં ઊભા રાખી એમને વાજતે ગાજતે શાળાથી લઈને ઘરે મુકવાનો અમે છૂપો (સરપ્રાઈઝ) કાર્યક્રમ ઘડી કાઢ્યો. બધા મિત્રો સરઘસ કાઢીને એમની નિશાળે પહોંચ્યા. ત્યારે શાળા તરફથી અપાતી વિદાયનો કાર્યક્રમ સંપન્ન થવા આવેલો. અમને જોઈને સાહેબ સહિત સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. બધાએ સાહેબનો ચરણ સ્પર્શ કરી એમના આશિષ મેળવ્યા. એમને વચ્ચે ઊભા રાખી ગરબા કર્યા. સાહેબ પણ એમાં જોડાયા. પછી એક નાનકડો અનૌપચારિક કાર્યક્રમ ત્યાંના આચાર્ય બહેન ને સૌ શિક્ષકોના સહકારથી તરત ગોઠવાઈ ગયો. સાહેબની યાત્રાની થોડી વાત કરી જેનો સૂર એવો હતો કે અમે તમને કોલેજ માટે લેવા આવ્યા છીએ. વિદ્યાર્થીઓએ કુંકુ ચોખાના તિલકથી સાહેબના પોંખણા લીધાં. એમને સ્વસ્તિક કરેલું નાળિયેર, સાલ ને ડાયરી પેન આપી પ્રતીક સન્માન કર્યું. સાહેબે આજીવન બધાને લેસન દીધું તો અમે એમને શિક્ષણ જીવનનાં સંભારણાં લખવાનું લેસન આપી દીધું. સાહેબે સૌને મંગળ આશિષ આપી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. સૌને ચોકલેટનું મીઠું મોં કરાવી સાહેબની બાઈક કબજે લઈ એમને ભાઈ ઉમરની સનરુફ ગાડીમાં ઊભા રાખ્યા. આ બધું પ્રેમની સરમુખત્યારશાહીથી સાહેબે સ્વીકાર્યું. એ વિસ્તારના લોકોએ કહ્યું કે અમારા ફેરમાં તો સાહેબની ગાડીનો એક રાઉન્ડ લેવડાવો. ના કહેવાનો તો પ્રશ્ન જ ન્હોતો. એ ફળિયામાં દરેક ઘરના દરવાજે બે હાથ જોડેલા બહેનો, બાળકો ને વડીલો સાહેબને વંદન કરતાં ઊભા હતા. સાહેબની આંખમાં એમના પ્રત્યેનો ને એમની આંખમાં સાહેબ પ્રત્યેનો ભારોભાર પ્રેમ છલકાતો અનુભવાતો હતો. ત્યાંથી રાપરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતી અમારા પ્રિય શિક્ષકની ભાવયાત્રા એમના ઘરની નજીક પહોંચી. પાસેના ચોકમાં ફરી ગાડી ઊભી રાખી અમે સૌ તો ઢોલના તાલે ગરબા રમવા લાગ્યા. વિદ્યાર્થીઓના ચહેરા પર ગોરસાહેબ માટેનો અહોભાવ છલકાતો હતો ને ગામના લોકોની આંખોમાં અચરજ છલકાતું હતું. સાહેબ માટે તો બધું જ સરપ્રાઈઝ હતું ને એમના પરિવારજનો માટે પણ. નાચતાં નાચતાં રમજુ નામના વિદ્યાર્થીને યાદ આવ્યું કે, ‘સાહેબ ફૂલ તો ભુલાઈ ગયા છે દોડતો લઈ આવું ?’ આંખના ઈશારે દોડીને ફૂલ લઈ આવ્યા. સાહેબને ફૂલડે વધાવતાં ને નાચતાં ગાતાં સાહેબના આંગણે આવી ગયા. ફરી એમને ઊભા રાખી રાસ રમ્યા. સાહેબના પરિવારે એમની આરતી ઉતારી ને સાહેબે ઘરમાં પ્રવેશ કર્યો. ફરી એ જ પ્રેમભરી વાતોનો પ્રવાહ શરૂ થયો. જ્યાં મુરારિબાપુ ને બાબુભાઈ રાણપુરા આવીને બેસી ગયેલા એ જગ્યાએ અમારા ભૂલકાઓને સાહેબે બેસાડ્યા. સૌને જોઈએ એટલી કુલ્ફી ખવડાવી રાજી કર્યા. બધાએ સાહેબ સાથે પેટ ભરીને વાતો કરી ને મોબાઈલ ભરીને ફોટા પડાવ્યા. સાહેબ ને એમનો પરિવાર સૌને વળાવવા શેરીના નાકા સુધી આવ્યા. ભોજનનો સમય થઈ ગયેલો પણ ભૂખ ક્યાં ય ખૂણે ખાંચે પણ સળવળતી ન્હોતી અનુભવાતી. સૌનું હૈયું ને આંખ બે ય ભરાયેલાં હતાં. ‘સાહેબ ઉઘડતા સત્રે અમારી કોલેજમાં આવજો’ એમ કહેતાં કહેતાં વિદ્યાર્થીઓ વિદાય થયા. સાહેબને ભેટીને મેં ને નિયામતે પણ ઘર ભણી પગ ઉપાડ્યા; પણ હૈયે તો આજનો આનંદ ને ભીનાશ છલકાઈ રહ્યાં હતાં. 

પ્રિય સૂર્યશંકરભાઈ ગોરસાહેબ આમ પણ લોકશિક્ષક હતા જ આજે તેઓ શિક્ષકમાંથી ફુલટાઈમ લોકશિક્ષકમાં ફેરવાયા ને દ્વિજત્વની આ ધન્ય ક્ષણોના કુદરતે અમને સૌને સાક્ષી બનાવ્યા એનો રોમાંચ હજુ રોમેરોમ સળવળી રહ્યો છે !

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બાંગ્લાદેશનો કાન આમળતાં પહેલાં ભારતમાં લઘુમતી રાજકારણનું સત્ય સમજવું જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 December 2024

ભારતમાં મુસલમાનો બીજે ક્યાં ય પણ હોય તેના કરતાં વધુ મુક્ત અને સલામત છે એ સાચું જ હશે પણ એ ભાવના કાયમ રહે, એ માટે આપણે એક રાષ્ટ્ર તરીકે પૂરતું કરી રહ્યા છીએ?

ચિરંતના ભટ્ટ

ગણતરીના મહિના પહેલાં કોઇને વિચાર પણ નહીં આવ્યો હોય કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો આટલા તંગ થઇ જશે. આ તણાવના દાયરામાં બે દેશના સંબંધો આવ્યા તેનુ સીધું કારણ એ કે આપણે અરાજકતા અને વિરોધના સંજોગોમાં બાંગ્લાદેશનું વડા પ્રધાનનું પદ છોડીને ભારત પહોંચેલાં શેખ હસીનાને શરણ આપી. શેખ હસીનાએ પોતાના રાજકારણને, પોતાના કારભારને યોગ્ય ઠેરવવા માટે અત્યારે મોહંમદ યુનૂસની જે સરકાર ખડી થઇ તેને કારણે બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓને નરસંહાર થઇ રહ્યો છે, નવી સરકાર નીચે હિંદુઓ સલામત નથી એમ ભાર દઇને કહ્યું.

સ્વાભાવિક છે કે બાંગ્લાદેશ ભડકે બળતો હોય, ત્યાં રાજકીય સામાજિક સ્થિરતા લાવવા માટે નવી સરકાર બનતા બધા પ્રયત્નો કરતી હોય એમાં દેશનું સુકાન છોડીને ચાલ્યા ગયેલાં પૂર્વ વડા પ્રધાનના આવા વિધાનો પર ભારત હા યે હા કરે તો તેનું પરિણામ સારું તો ન જ આવે. એ પણ સાહજિક છે કે બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી બનાવ બને તો ભારતમાં તેનો વિરોધ થાય જ, તેમાં ય ખાસ કરીને રાષ્ટ્રીય સેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ જેવા જૂથ હોય અને ભા.જ.પા.ની સરકાર હોય. હિંદુત્વનું પાનું ઉતરીને રાજકારણ ખેલવામાં અત્યારનો સત્તાપક્ષ પાવરધો છે, કારણ કે તે તેમના એજન્ડાનો સૌથી મોટો હિસ્સો છે. અહીં વાત હિંદુ-મુસલમાન કોમના વિગ્રહની નથી. જોવાનું એ છે કે બાંગ્લાદેશ ભડકે બળે છે ત્યારે રાજદ્વારી ઉકેલને બદલે દરેક પક્ષ કે રાજકારણી પોતપોતાની રીતે એ મુદ્દામાં ઝંપલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશના રાજકારણ સાથે નાહવા નીચોવવાનો સંબંધ નથી પણ છતાં ય મમતા બેનર્જીએ એમ કહ્યું કે યુનાઇટે નેશન્સે આ મુદ્દામાં વચ્ચે પડવું જોઇએ. મમતા બેનર્જી આ બોલ્યાં એટલે ભા.જ.પા.માં બંગાળ રાજકારણના પ્રતિનિધિ સમા સુવેન્દુ અધિકારીએ એમ કહ્યું કે ભારતના હિંદુઓ જો બાંગ્લાદેશમાં વિરોધ કરનારાઓ સાથે ભળી જશે (મુક્તિ તરફી જૂથો) તો મોહંમદ યુનૂસની ચામડી ઉતરડી નાખશે. કોઇ બીજા રાષ્ટ્રના વડા વિશે આવી ભાષામાં ટિપ્પણી કરવી કેટલું અભદ્ર હોઈ શકે તેની ચર્ચા કરવાનું પણ ઊતરતી કક્ષાનું લાગે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે સંભલ જામા મસ્જિદના વિવાદને બાંગ્લાદેશની પરિસ્થિતિ સાથે સરખાવ્યો.

આપણે ત્યાં અત્યારે ‘હિંદુ’ઓ બાંગ્લાદેશમાં લઘુમતીની સલામતી માટે પ્રદર્શન કરી રહ્યા છે પણ એક રાષ્ટ્ર તરીકે આપણો વહેવાર લઘુમતી સાથે યોગ્ય છે એવું વિચારવાની તેમને – એટલે કે આપણને તસ્દી નથી લેવી. ભારતમાં કોમવાદને મામલે હાલત જરા ય વખાણવા જેવી નથી. હિંદુઓ ભારતમાં બહુમતીમાં છે, સત્તાપક્ષ હિંદુત્વ લક્ષી છે, તેમની પાસે જી.ડી.પી. અને સૈન્યની તાકત છે એટલે મુસલમાન વિરોધી અભિગમ અને તિરસ્કાર પંપાળવાની, તેનો પ્રચાર-પ્રસાર કરવાની તેમની પાસે ઇજારાશાહી છે તેવું માની બેસવું એક રાષ્ટ્ર તરીકે, એક સત્તાપક્ષ તરીકે કેટલું ખોટું કહેવાય એ સમજાવવા કે સમજવા માટે કોઇ થોથાં ઉથલાવવાંની જરૂર નથી. વિવિધતામાં એકતાના સૂત્રના તાંતણે બંધાયેલા દેશમાં કોઇપણ કોમ કે જાતિને હાંસિયામાં ધકેલાતી જોવી એ સાંસ્કૃતિક વારસાનું હનન નહીં તો બીજું શું છે. મુસલમાન કે બૌદ્ધ બહુમતી ધરાવતા દેશો હિંદુ વિરોધી લાગણી વ્યક્ત કરે તો આપણાથી સંખાતું નથી.

આપણી બિનસાંપ્રદાયિકતા આપણી તાકાત છે એ આપણે ભૂલી રહ્યા છીએ. કોઈ બીજા દેશના રાજકારણીઓના પ્રપંચમાં આપણે ભરમાઈ જઇએ એટલા કાચા પણ નથી પણ છતાં ય વિકાસલક્ષી નથી એવા એજન્ડાને ધકેલવામાં આપણને જોડાઇ જવું છે. બાંગ્લાદેશમાં હિંદુઓની ખરી સ્થિતિ કળવી સહેલી નથી, ખાસ કરીને ફેક ન્યૂઝના વખતમાં તો જરા ય નહીં. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જે રીતે જમાત-ઇ-ઇસ્લામી જેવા જૂથ રાજકારણમાં સીધા જોડાયેલા છે. સદ્નસીબે ભારતમાં વી.એચ.પી., રામ સેના જેવા જૂથ રાજકારણમાં સીધા નથી જોડાયેલા છતાં પણ તેમનો ચંચુપાત, સત્તાપક્ષ દ્વારા જરૂર પડે તેમનો ઉપયોગ આડકતરી રીતે થતો હોય છે. ટૂંકમાં આપણે ત્યાં, એક બિનસાંપ્રદાયિક દેશ હોવા છતાં મુસલમાન વિરોધી માહોલની ઝાળ જે લબક્યા કરે છે તે જોતાં આપણે પાડોશી દેશમાં લઘુમતીના અધિકારોને મામલે ટીકા કરવાનું ટાળવું જોઇએ.

અયોધ્યા રામ મંદિર કઈ રીતે બન્યું તેની હકીકત, મિથ્યા બધું બધા જ જાણે છે. બાબરી મસ્જિદનો ધ્વંસ અને પછી અયોધ્યા રામ જન્મભૂમિ સુધીની લાંબી સફરમાં કોમવાદનું તાપણું સતત સળગતું રખાયું. અંગ્રેજોની ભાગલા પાડો રાજ કરોની નીતિની બારીકાઈ જાણવા છતાં તેને નેવે મૂકીને હિંદુ ધર્મને આગળ કરી સાંસ્કૃતિક બિનસાંપ્રદાયિક ધરોહર પર રાજકારણ ખેલાયું. એ સાચું -ખોટુંના લેખા જોખા કરવાનો વખત હવે ગયો. પણ આપણે ત્યાં અટકી નથી રહ્યા. અત્યારે અજમેર શરીફની દરગાહ, જ્ઞાનવાપી મસ્જિદ વારાણસી, શાહી ઇદગાહ મસ્જિદ મથુરા, સંભલ શાહી જામા મસ્જિદ ઉત્તર પ્રદેશ, હાજી મલંગ દહગાહ મહારાષ્ટ્ર અને અઢાઇ દીન કા ઝોંપડા અજમેર – આ છ ધાર્મિક સ્થળો પર પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ 1991ના કાયદાને પડકારાઇ રહ્યો છે. આ ધાર્મિક સ્થળોના સરવે કરાઈ રહ્યા છે. આ તમામ હેરિટેજ સાઇટ્સ છે – આપણી સાંસ્કૃતિક ધરોહર છે પણ તેની પર આંખ મીંચીને રાજકારણ ખેલાઈ રહ્યું છે.

ભારતના મધ્ય યુગના ઇતિહાસનું મનફાવે એ અર્થઘટન કરાઈ રહ્યું છે, એ હદે કે તાજમહેલને શિવ મંદિર ગણાવવામાં ય ઘણા લોકોને બે આંખની શરમ નથી નડતી. વર્તમાન સત્તાધીશોને પ્રભાવિત કરવા માટે નક્કર પુરાવા વગરના ઇતિહાસના ગાણાં ગવાય છે. મુગલોએ મંદિરો તોડ્યાં કારણ કે તેઓમાં અંદરોઅંદર પોતાની સત્તા સિદ્ધ કરવાના યુદ્ધો ચાલતા હતા, તેમાં દર વખતે હિંદુ વિરોધી તત્ત્વ ભળેલું હતું એમ હતું જ નહીં. અજમેર શરીફ એક એવું સ્થળ છે જે હિંદુ અને મુસલમાનોને એક સરખું આકર્ષતું આવ્યું છે. અહીં મુગલો જ નહીં પણ મરાઠા, રાજપૂત રાજવીઓએ પણ ભંડોળ આપ્યું છે, તેને જીવંત રાખ્યું છે. રાજકારણની દોટમાં એકતા નહીં વૈમનસ્ય કામ લાગે છે ત્યારે અજમેર શરીફ જેવું સ્થળ જે બંન્ને ધર્મના લોકો માટે સન્માનપાત્ર રહ્યું છે એ હકીકત ગણતરીમાં જ નથી લેવાતી. વિવિધ મસ્જિદોના સરવે થવા, તેમની પર વિવાદો થવા, હિંસાના છમકલાં થવા એ બધું જ આપણા સાંસ્કૃતિક વારસા પર હુમલો છે અને તે સમજવા માટે આપણે નાગરિક તરીકે આંખો ખોલવી પડશે.

દક્ષિણ એશિયામાં વધી રહેલો કોમી તણાવ પ્રાદેશિક સ્થિરતા મોટું જોખમી બની રહ્યો છે. 2016થી નકામું બનેલ SAARC પહેલાં સંવાદ સાધવાનો મંચ બનતો પણ હવે તેનો પણ કોઈ અર્થ નથી. ભારત અને નેપાળમાં હિંદુ બહુમત છે પણ બિનસાંપ્રદાયિક રાષ્ટ્રો છે, જો કે ભારતમાં માહોલ ડહોળાતો રહે છે જેનું કારણ રાજકારણ છે. ભુતાન અને શ્રીલંકામાં બૌદ્ધ બહુમતી છે જેને સત્તાધીશોનો પણ ટેકો છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને માલદિવ્ઝ મુસલમાન દેશો છે જેમાંથી માલદિવ્ઝમાં સુન્ની મુસલમાન ધર્મના પાલન પર ભાર મુકાય છે. બાંગ્લાદેશ મુસલમાન ઓળખ અને બિનસાંપ્રદાયિકતા વચ્ચે ઝોલાં ખાતો દેશ છે. આ પ્રકારના સંજોગો હોય ત્યારે દક્ષિણ એશિયાના એક મોટા, મજબૂત અને બુદ્ધિશાળી દેશ તરીકે આપણ સાંપ્રદાયિકતાની મિસાલ બનવું જોઈએ. કોમવાદની હોળીની આગમાં ઘી હોમવાનો કોઈ ફાયદો નથી. ધર્માધારિત ધ્રુવીકરણ પતન નોતરે એ પહેલાં આપણે ચેતી જવું જોઇએ કારણ કે ઉજળા ભવિષ્ય માટે સાચો, નક્કર ઇતિહાસ તેનો પાયો બને તે જરૂરી છે. ચેડાં થયેલા ઇતિહાસને આધારે ઘડાયેલું ભાવિ પોકળ હશે. દક્ષિણ એશિયામાં વિવાદો ડામવાને મામલે રાજકીય નિષ્ફળતાઓ છતાં દરેક રાષ્ટ્રમાં એક કડી છે જે સઘળું જોડી રાખે તેવી છે, તેની પર ધ્યાન કેન્દ્રિત કરી કામ થાય તે અનિવાર્ય છે. SAARCનું પુનરુત્થાન થાય, રાષ્ટ્રો વચ્ચે સહકારની ભાવના પર ભાર મુકાય અને પારંપરિક રાજકીય વાડાબંધી દૂર થાય તો વિકાસની રાહ પર મક્કમ પગલાં સાથે આગળ વધવું શક્ય બનશે.

બાય ધી વેઃ 

ભારતમાં મુસલમાનો બીજે ક્યાં ય પણ હોય તેના કરતાં વધુ મુક્ત અને સલામત છે એ સાચું જ હશે, પણ એ ભાવના કાયમ રહે એ માટે આપણે એક રાષ્ટ્ર તરીકે પૂરતું કરી રહ્યા છીએ? ભારતના પ્રતિજ્ઞા પત્રમાં એક વાક્ય છે, ‘હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.’ – આ વાક્યને કડકડાટ બોલી જનારાઓ તેને જીવવાનું ચૂકી રહ્યા છે. આવનારી પેઢીઓને આ સમૃદ્ધિ પ્રિઝમના સાત રંગમાં જોવા નહીં મળે તેનો વસવસો કરવાનો વખત આવે તે પહેલાં આપણે ચેતી જવું જોઇએ અને આ વારસાનું જતન થાય તે દિશામાં કામ કરવું જોઇએ. માત્ર હિંદુત્વ આપણો વારસો નથી, આપણી વિવધતા જ આપણો વારસો છે – આપણો યુનિક સેલિંગ પોઇન્ટ – યુ.એસ.પી. છે. ભારતના ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ છે જે દૂઝતા ઘા સમી છે, મંદિરો તોડીને બનેલી મસ્જિદો પણ આવા ઘા છે પણ તેને ખોતરીને નવી ઈજાઓ ટાળવી જોઇએ. અનંત વિવાદોમાં ભેરવાઈ રહેવાને બદલે આપણે પ્રગતિના પંથે ચાલવું રહ્યું. વળી બાંગ્લાદેશની રાજકારણમાં રાજદ્વારી વલણ અપનાવીને બીજા દેશનો ભડકા લઈને આપણા દેશમાં હિંસા અને વેરની ચિંગારીઓ સળગાવવાનો છીછરું રાજકારણ ટાળવું જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ડિસેમ્બર 2024

Loading

...102030...509510511512...520530540...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved