Opinion Magazine
Number of visits: 9844117
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડીલોનું જ્ઞાનઘર

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Opinion|17 December 2024

“અખિલ બેટા, તું આપણી બાજુની જમીનમાં આવડું મોટું મકાન શા માટે બનાવે છો? હવે આપણે નવા મકાનની શું જરૂર છે?”

 અખિલે મમ્મી સામે જોઈને પૂછ્યું, “મમ્મી, તમે વૃદ્ધાશ્રમ જોયું છે?”

“ના, બેટા. આપણે શું કામ હોય કે ત્યાં જઈએ ? આપણા કોઈ વડીલો વૃદ્ધાશ્રમમાં નથી રહ્યાં; મોટા ઘર હોય, સુખ, સંપત્તિ હોય અને બાળકોનો પ્રેમ હોય, પછી વૃદ્ધાશ્રમમાં શું કામ રહે. તારી વાત મને સમજાઈ નહીં.”

 “પણ મમ્મી, મેં જોયું છે.”

“અમારે અત્યાર સુધી વૃદ્ધાશ્રમમાં નથી જવું પડ્યું તો તારે શું કામ જવું પડ્યું.”

“મમ્મી, થોડા દિવસ પહેલાં પપ્પા કામમાં હતા. પપ્પા જઈ શકે તેમ નહોતા એટલે તેના બદલે મીટિંગમાં હાજરી આપવા માટે વૃદ્ધાશ્રમ ગયો હતો. મારે તો કંઈ કરવાનું નહોતું. ખાલી પપ્પાને બદલે મીટિંગમાં હાજરી આપવાની હતી.

પણ મેં ત્યાં જે જોયું, એ પરિસ્થિતિએ મને વિચાર કરતો કરી દીધો છે. મમ્મી, ત્યાં સંપૂર્ણપણે વડીલોનું ધ્યાન રાખતી અને પૂર્ણ સગવડ આપતી વ્યવસ્થા છે. છતાં પણ વડીલોના મોઢા નિષ્તેજ હતા, શૂન્યમનસ્ક હતા.”

 “તે હોય જ ને, બેટા. જે પોતાના ઘરથી, પોતાનાથી તરછોડાયેલા હોય, તેને સુકુન કે સુખ ક્યાંથી હોય. બેટા, તું કેમ આ બધું વિચારે છે ? અત્યારે  તારે આ બધી બાબત વિચારવાનો સમય નથી. તારા પપ્પા એટલે તો વૃદ્ધાશ્રમ સાથે સતત જોડાયેલા રહે છે. દરેક બાબતનું ધ્યાન રાખે છે.”

“મમ્મી મીટિંગ પૂરી થયા પછી હું ત્યાં કેટલા ય વડીલોને મળ્યો. તેમાં કોઈ કવિ, લેખક, સાહિત્યકાર, શિક્ષક, ભજનીક, વિવેચક, કંઈ કેટલીયે પ્રતિભા ત્યાં છે; કે જે તેના સુવર્ણકાળમાં આભા પ્રસરાવતી હતી. તેના નામના સિક્કા પડતા હતા. આજે એ બધી પ્રતિભામાં આભાનું તેજ છે, જ્ઞાનનો પ્રકાશ છે. પણ પરિસ્થિતિની થપાટથી એ લોકોનું તેજ ક્ષિણ થઈ ગયું લાગે છે. મેં ઘણાં વડીલો સાથે વાત કરી તો તેઓને મનમાં રંજ છે. એ લોકો એમ માને છે કે એ લોકોમાં હજી કૌવત છે. હજી કંઈક કરવાનું ઈચ્છા છે. પરિસ્થિતિએ મજબૂર કરી દીધા છે; છતાં દીકરા કે દીકરીનાં તિસ્કૃત થઈને વૃદ્ધાશ્રમનાં આધારે જીવવું પડે છે. આ તે લોકોનાં દુ:ખનું મુખ્ય કારણ છે. હજી પણ એ લોકો એવા મતના છે કે પોતે પોતાનો રોટલો રળી શકે એટલા તો સક્ષમ છે. છતાં નિરાધાર થઈને જીવવું પડે છે.”

“મેં એ બધાં સાથે વાત કરી. બધાં હજી કંઈક ને કંઈક કરવા સક્ષમ છે અને કામ કરવા માટે તૈયાર પણ છે, જો યોગ્ય તક મળે તો. મારો એવો વિચાર છે કે વડીલો જે કંઈ પ્રવૃત્તિ કરશે તેમાંથી થતી આવક, વૃદ્ધાશ્રમને પ્રેમથી જે કંઈ ડોનેશન મળશે. કવિ, લેખકોએ લખેલ પુસ્તકોને આપણે પ્રકાશિત કરીશું તેની જે કંઈ રોયલ્ટી આવશે, આ સિવાયના બાકી વડીલોમાં કોઈ વકીલ, ડોક્ટર, કે બિઝનેસમેન છે. તેમને તેમની કાર્યદક્ષતા અને જ્ઞાન પ્રમાણે કામ આપશું. ટૂંકમાં દરેક વડીલને કોઈને કોઈ કામ આપશું. જે કંઈ રકમ એકઠી થશે એ બધાં વડીલોની વચ્ચે તેમની સેવા માટે પુરસ્કાર રૂપે વહેંચી દઈશું, એટલે વડીલોને પણ તેમનાં બાળકો પાસેથી અહીયાં રહેવા માટેનો ખર્ચ નહીં માગવો પડે. વૃદ્ધાશ્રમનો તમામ વહીવટી ખર્ચ અને ખૂટતી રકમ આપણે પૂરી કરી દઈશું. આમે ય આપણે વૃદ્ધાશ્રમમાં ડોનેશન માટે ઘણા પૈસા આપીએ છીએ. અત્યારે જે વૃદ્ધાશ્રમનું મકાન છે એ નાનું પડે છે અને જૂનું હોવાથી જર્જરિત થઇ ગયું છે. એ બધાંને નવા મકાનમાં ફેરવી નાખશું. મમ્મી, મારો પ્લાન કેવો લાગ્યો. મેં મારી યોજના વિષે હજી વડીલો સાથે વાત નથી કરી; પણ એ લોકો ચોક્કસ સહમત થશે જ.”

“તેં વાત કરી એ બરોબર છે, પણ તારી યોજનાને અમલમાં મૂકવા માટે તારો પ્લાન શું છે? હું ને તારા પપ્પા તારા અભિયાનમાં સાથે છીએ. તારો વિચાર ખૂબ સુંદર છે. સૌને હક્નો રોટલો વધારે ભાવે.”

“મમ્મી, હું આ બધી વિભૂતિઓને તેની કાર્યદક્ષતા અને કાર્યકૌશલ્ય પ્રમાણે કામ કરવાની સગવડ ઊભી કરવા માગું છું. કવિને, લેખકને લેખન માટેની વ્યવસ્થા; જે લોકોમાં શિક્ષણને લાગતું જ્ઞાન છે અને બાળકોને ભણાવી શકે છે તેમ છે એ લોકો માટે જરૂરિયાતવાળાં બાળકો માટે ખૂબ જ ઓછી ફીથી શિક્ષણવર્ગ ચાલુ કરીશ, જેમાં વડીલ શિક્ષકો તેનું જ્ઞાન પીરસરશે, જેથી જરૂરિયાતવાળાં બાળકો અને શિક્ષક/વડીલો બંનેને ફાયદો થશે. લેખકો, કવિઓ કે અન્ય વિભૂતિઓનાં પુસ્તકો વગેરે છપાવી સમાજમાં વધારાનું જ્ઞાન પિરસીશુ. સાર્વજનિક દવાખાનું ખોલીશું જેથી જરૂરિયાતવાળા દર્દીને યોગ્ય દવા અને સલાહ સૂચન મળી શકે. આ પદ્ધતિથી બધાં જ માટે જુદું જુદું પણ તેમનું મનગમતું કાર્યક્ષેત્ર ઊભું કરવા માગું છું. જેનાથી સમાજને પણ કોઈ ને કોઈ રીતે ફાયદો થાય અને જે તે પ્રભુતાવાળા વડીલને સમય પસાર કરવા સાથે કંઈક કર્યાનો સંતોષ મળે. મમ્મી, જે મકાન બની રહ્યું છે તેમાં મેં આ બધી બાબતોને આવરી લીધી છે અને તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવી છે.”

“તારા પપ્પા સાથે વાત થઈ?”

“મેં પપ્પાની સંમતિ થી જ આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે.”

“વાહ, બેટા, મને તારા માટે ગૌરવ છે. તારી આ યોજનાથી વડીલો પણ જીવન પર્યંત સ્વમાનથી જીવ્યાંનો સંતોષ લઈ શકશે. વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે એ દુઃખ અને વ્યથા ભૂલી જશે. આ ઉપરાંત બાળકોથી તિરસ્કૃત થઈને રહેવું પડે છે, એવું પણ નહીં લાગે. બેટા, જો તારી જેમ આ નવી પેઢી વડીલોનાં સામર્થ્યનો ઉપયોગ કરે તો કદાચ વૃદ્ધાશ્રમમાં વેઈટિંગ લીસ્ટના બદલે વૃદ્ધાશ્રમને બંધ કરવાનો સમય આવે.”

“મમ્મી, મને નામ શું રાખવું એ સૂઝતું નથી. મારે વૃદ્ધાશ્રમ કે એવું કંઈ નામ નથી રાખવું. એ નામ સમાજ માટે કલંકરૂપ લાગે છે.”

“તો બેટા, ‘વડીલોનું જ્ઞાનઘર’ એવું નામ રાખ. તારી યોજના પણ વડીલોને તેના જ્ઞાનનો ઉપયોગ કરવા માટે મદદરૂપ થાય એવી છે. દરેક વડીલ તેના જ્ઞાનથી સમાજનાં ઉત્થાનમાં ફાળો આપી શકશે. “

“મમ્મી, ખૂબ સરસ નામનું સૂચન છે”. તો ચાલો નવા મકાનનું નામ….”વડીલોનું જ્ઞાનઘર રાખશું.”

“હા, બેટા, આ નવા મકાનનું નામ “વડીલોનું જ્ઞાનઘર”. અખિલના પપ્પાએ પણ ઘરમાં દાખલ થતા નામ અને વાતને અનુમોદન આપી દીધું.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

મુઝે ફડક નહીં પડતા : ડિજીટલ દુનિયાનું બ્રેન રોટ, યાની કે મગજનો સડો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 December 2024

રાજ ગોસ્વામી

દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત શબ્દકોષ પ્રગટ કરતી ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, છેલ્લા 25 વર્ષથી, તેની ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્ષનરીમાં દર વર્ષે જનમતના આધારે એક નવો શબ્દ ઉમેરે છે. તેનો પ્રત્યેક ‘વર્ડ ઓફ ધ યર,’ અંગ્રેજી ભાષામાં થઇ રહેલા વિકાસનો તો ઘોતક તો છે જ, પરંતુ ખાસ તો તે સમાજમાં આવી રહેલા બદલાવનો પ્રતિનિધિ છે. જેમ કે 2024ના શબ્દકોષમાં, ઓક્સફર્ડના ભાષાશાસ્ત્રીઓએ ‘બ્રેન રોટ’ (Brain rot) શબ્દને સામેલ કર્યો છે. આ શબ્દને સૌથી વધુ, 37,000 લોકોનો વોટ મળ્યો હતો. આ શબ્દનો અર્થ થાય છે ‘મગજનો સડો.’

જ્યારે કોઈ વ્યક્તિ ડિજિટલ કન્ટેન્ટ, સોશિયલ મીડિયા અથવા અન્ય ઓનલાઈન મનોરંજન કન્ટેન્ટ ‘આરોગવા’ના કારણે તેની માનસિક ક્ષમતા, ધ્યાન અને વિચાર શક્તિમાં ઘટાડો અનુભવવાનું શરૂ કરે છે, ત્યારે તેને મગજના સડો લાગ્યો છે તેવું કહેવાય. મગજમાં સડો લાગે તેવું કન્ટેન્ટ આપણને ઉપયોગી નથી હોતું, તે આપણી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ કરતું નથી અને આપણને આ ખબર હોવા છતાં જાતને રોકી શકતા નથી.

આ શબ્દ વધુ સૂચક છે કારણ કે તેમાં 21મી સદીની આપણી માનસિકતાનું પ્રતિબિંબ છે. આ શબ્દ સોશિયલ મીડિયા પર ખરાબ અથવા અર્થહીન કન્ટેન્ટ જોવાથી મગજ પર થતી નકારાત્મક અસરની વાત કરે છે. આ શબ્દ આ વર્ષે સૌથી વધુ ચર્ચિત શબ્દોમાંનો એક છે. આ શબ્દ (1995થી 2010 વચ્ચે જન્મેલી પેઢી) ‘જેન ઝી’માં અત્યંત લોકપ્રિય છે. 

2023 અને 2024ની વચ્ચે, આ શબ્દનો ઉપયોગ 230% વધ્યો હતો, પરંતુ સી.એન.એન. ન્યુઝ ચેનલ અનુસાર આ શબ્દ એક સદી જુનો છે. 1854માં હેનરી ડેવિડ થોરો નામના અમેરિકન ઇંગ્લિશ લેખકના પુસ્તક ‘વાલ્ડેન’માં પહેલીવાર ‘બ્રેઇન રોટ’ શબ્દનો પ્રયોગ થયો હતો.

થોરોએ તેમાં પૂછ્યું હતું, “જે ઇંગ્લેન્ડ બટાટાનો સડો મટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, તે તેના કરતાં વધુ ખતરનાક મગજના સડાને મટાડવાનો પ્રયાસ કરશે?” 

થોરોએ તે સમયના લોકોની માનસિકતા પર વ્યંગ કર્યો હતો. આજે જેમ આપણે કહીએ છીએ કે નવી પેઢી બગડી રહી છે તેમ તે વખતે પણ થોરોને ચિંતા હતી કે લોકો સારા-નરસાનો ભેદ ભૂલીને છીછરી ચીજવસ્તુઓ તરફ વળી રહ્યા છે. તેણે તેને મગજનો સડો કહ્યો હતો.

થોડા સમય પહેલાં, સોશિયલ મીડિયા પર અભિનવ અરોરા નામનો 10 વર્ષનો એક છોકરો ટ્રોલિંગનો શિકાર થયો હતો. મથુરાનો રહેવાસી અભિનવ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેના ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે. તે ઘણીવાર ભગવાન કૃષ્ણ અને ભગવાન રામના ભક્તિમય વીડિયો પોસ્ટ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.

એક કાર્યક્રમમાં, તે જગદગુરુ રામભદ્રાચાર્ય સાથે ઊભો હતો અને પછી તેને મૂર્ખ કહીને મંચ પરથી ઉતારી મુક્યો હતો. એ વીડિયો વાઈરલ થયા પછી અભિનવ નેટીઝન્સની ઝપેટમાં આવી ગયો હતો અને મામલો અદાલત સુધી પહોંચ્યો હતો. તેના ટ્રોલિંગનો જવાબ આપતાં એક વીડિયોમાં અભિનવે તેની તોતડી ભાષામાં એક વાક્ય કહ્યું હતું, “મુઝે ફડક નહીં પડતા.”

ખેર, એ તો અભિનવના ઉચ્ચારણની સ્ટાઈલ હતી, પરંતુ “મુઝે ફડક નહીં પડતા” એવો અભિગમ સોશિયલ મીડિયાની દુનિયામાં રચ્યા-પચ્યા રહેતા હજારો લોકોની માનસિકતાનો ઘોતક છે. 21મી સદીના ડિજીટલ મીડિયાનો જ્યારે ઇતિહાસ લખવામાં આવશે, ત્યારે તેમાં આ ચાર શબ્દોનો ઉલ્લેખ જરૂર આવશે: મુઝે ફડક નહીં પડતા. સોશિયલ મીડિયા, મીમ્સ અને રીલ્સની ભરમારે સૌનાં દિમાગ એટલાં ખરાબ કરી નાખ્યાં છે કે હવે સાચે જ કોઈને કોઈ ‘ફડક’ નથી પડતો. 

અભિનવ અરોરાને જ નહીં, અમેરિકાના પ્રેસિડેન્ટને પણ ‘ફડક’ પડતો નથી. અમેરિકાનો કારભાર હાથમાં લેવાની તૈયારી કરી રહેલા નવનિર્વાચિત ડોનાલ્ડ ટ્રમ્પે, તાજેતરમાં તેમના લાખો સોશિયલ મીડિયા ફોલોઅર્સ માટે એક ઈમેજ પોસ્ટ કરી હતી. એ બ્લેક એન્ડ વ્હાઈટ ઈમેજમાં, આજના ટ્રમ્પ, ગઈકાલના પોપસ્ટાર એલ્વિસ પ્રેસ્લી સાથે ઊભા છે. પ્રેસ્લીના હાથમાં ગીટાર છે અને ટ્રમ્પ બાજુમાં ઊભા રહીને તેની મજા લે છે. 

અલબત્ત, આ ફોટો નકલી હતો. ટ્રમ્પ 31 વર્ષના હતા, ત્યારે 1971માં પ્રેસ્લીનું અવસાન થયું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરવામાં આવેલી આ ઈમેજને ટ્રમ્પે ઉત્સાહથી પોસ્ટ કરી હતી અને તેમના લાખો ચાહકોએ પણ આનંદમાં આવીને તેમાં ભરપૂર કોમેન્ટ્સ કરી હતી તેમ જ વળતામાં આવી બીજી અનેક નકલી ઈમેજ પોસ્ટ કરી હતી.

કોઈ એવું કહી શકે કે તો આ નિર્દોષ આનંદ છે, પણ બે સવાલ ઊભા થાય છે : આનથી દુનિયા કેવી રીતે બહેતર બનવાની હતી? અને, આને મનોરંજન પણ કહેવાય? આને જ બ્રેઈન રોટ કહેવાય છે. ટ્રમ્પ પણ એવું જ કહે છે, મુઝે ફડક નહીં પડતા.

ટેકનોલોજીના પ્રતાપે, ઇન્ટરનેટ પર કચરો પેદા થઇ રહ્યો છે. તેના કારણે લોકોનાં દિમાગ બીમાર થઇ રહ્યાં છે. બ્રેઈન રોટ એ બીમારીનું લક્ષણ છે, બીમારી નહીં. 

આપણે શારીરિક ગુલામીમાંથી તો આઝાદ થઈ ગયા છીએ, પરંતુ ટેકનોલોજીના કથિત આધુનિક સમયમાં આવીને માનસિક રીતે ગુલામ થઈ ગયા છીએ. મનની ગુલામી શરીરની ગુલામી કરતાં બદતર હોય છે, કારણ કે શરીરની ઝંજીરો તો જોઈ શકાય છે, પણ મનની સાંકળો તો આપણે જ બાંધેલી હોય છે, એટલે આપણને એ ગુલામીનો અહેસાસ સુધ્ધાં નથી હોતો. 

માનસિક ગુલામી એટલે શું? સાદી ભાષામાં કહીએ તો, આપણા તરંગો જ્યારે ડહાપણ, વિવેકબુદ્ધિ, નૈતિકતા અને મૂલ્યો પર હાવી થઈ જાય અને આપણે સંપૂર્ણપણે બેબસ થઈ જઈએ તો તે માનસિક ગુલામી કહેવાય.

આપણું મન જ્યારે આપણી સીમા બની જાય અને આપણે એ સીમાને તાબે થઈને જીવવા લાગીએ ત્યારે આપણે માનસિક ગુલામીમાં જીવીએ છીએ તેમ કહેવાય. માનસિક ગુલામ એટલે જેણે પોતાની બૌદ્ધિક ક્ષમતાને ગીરવે મૂકી દીધી છે અને બીજા માણસ કે સમુદાયની માન્યતાઓ અને ઈચ્છાઓને પોતાની કરી લીધી છે તે. 

સોશિયલ મીડિયા આ કામ કરે છે. અહીં બહુ બધા લોકો માનસિક ગુલામીમાં જીવે છે, કારણ કે તેમના વિચારો, લાગણીઓ, માન્યતાઓ, ભાષા, ઈચ્છાઓ તેઓ જે ટોળામાં છે તેના પ્રભાવમાંથી આવે છે. તેમાં અલગ-અલગ ટોળાં પોત-પોતાની ઇકો ચેમ્બરની અંદર રહે છે. તેમને વિચારોની ગહેરાઇમાં જવાની ઈચ્છા નથી. ત્યાં એક શોરબકોર ઊભો કરીને “તારા કરતાં મારી ચોંચ મોટી છે” એવું પુરવાર કરીને લોકો બીજે ક્યાંક ચોંચ મારવા ઉડી જાય છે.

આને ગ્રુપ-થિન્કિંગ કહે છે; બધા વિચારે તેવું વિચારવું, બધા કરે તેવું કરવું તે. ગ્રુપ-થિન્કિંગ વ્યક્તિગત રીતે વિચાર કરવાની ક્ષમતાને નષ્ટ કરે છે. ગ્રુપ-થિન્કિંગમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ કે વ્યક્તિઓનું સમર્થન લેવા માટે એમના જેવા વિચારો કરવા લાગી છે. ગ્રુપમાં રહેવાની આ વૃત્તિને કારણે વ્યક્તિ તટસ્થ રીતે, નીરક્ષીર વિવેક સાથે વિચાર કરવાની તાકાત ગુમાવી દે છે. તેના પરિણામે વાસ્તવિકતાને જેવી છે તેવી જોવા, સમજવા, સ્વીકારવાની ક્ષમતાનું અને નૈતિક વિવેકનું પતન થાય છે. આને જ મગજનો સડો કહે છે. પરંતુ એનાથી કોઈને કોઈ ફડક પડતો નથી. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 15 ડિસેમ્બર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મર્દને પણ દર્દ થાય છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 December 2024

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, બેંગલુરુમાં સોફ્ટવેર પ્રોફેશનલ અતુલ સુભાષની દુઃખદ આત્મહત્યાએ પૂરા દેશને ઝકઝોરી નાખ્યો છે. પત્નીથી અલગ રહેતા અતુલે, આત્મહત્યા કરતાં પહેલાં 24 પાનાનો એક લાંબો પત્ર લખીને અને એક કલાકનો વીડિયો રેકોર્ડ કરીને તેની પત્ની અને તેનાં સંબંધીઓએ કાનૂનની મદદથી તેની પર કેટલો અત્યાચાર ગુજાર્યો હતો તેની વિગતવાર વાતો કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોતાની છેલ્લી પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલન મસ્કને ભારતીય પુરુષોને વોકિઝમ અને કાનૂની સતામણીથી બચાવવા અપીલ કરી હતી.

તે તેની પત્નીથી અલગ થઈ ગયો હતો, પરંતુ તેની પત્ની અને તેના પરિવાર દ્વારા વારંવાર આરોપો અને અદાલતી કેસોએ અતુલને તોડી નાખ્યો હતો. સુસાઇડ નોટમાં અતુલે કહ્યું હતું કે નિકિતા અને તેના પરિવારના સભ્યોએ તેની સામે ઘરેલું હિંસા, હત્યાનો પ્રયાસ, દહેજની સતામણી સહિત 9 કેસ દાખલ કર્યા હતા. અતુલ અને નિકિતાએ 2019માં લગ્ન કર્યાં હતાં. અતુલે કહ્યું કે તેમના લગ્ન પછીથી નિકિતા અને તેનો પરિવાર કોઈ ને કોઈ બહાને તેની પાસેથી પૈસાની માંગણી કરી રહ્યો હતો.

વીડિયોમાં અતુલ કહે છે કે ‘મારે આત્મહત્યા કરવી જોઈએ કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું તે મારા દુ:શ્મનોને મજબૂત બનાવી રહ્યો છે. મારા કરવેરાના પૈસાથી કોર્ટ અને પોલીસ વ્યવસ્થા મને, મારા પરિવારને અને સારા લોકોને હેરાન કરશે. તેથી વેલ્યુની સપ્લાય સમાપ્ત થવી જોઈએ.’

ભારતમાં, અતુલ પહેલો નથી. પત્ની પીડિત આવા હજારો પુરુષો મૃત્યુ પામ્યા છે. 34 વર્ષીય અતુલના કિસ્સામાં સિસ્ટમ તેની વિરુદ્ધ થઇ ગઈ હતી. કાનૂની અને સામાજિક વ્યવસ્થામાં ઘણો પક્ષપાત છે, તેમાં માત્ર સ્ત્રીઓને જ સાંભળવામાં આવે છે, પુરુષોને નહીં. પુરુષોને હેરાન કરવામાં આવે છે. આઈ.પી.સી.ની કલમ 498 હેઠળ પુરુષો સામે ઇરાદાપૂર્વક કેસ દાખલ કરવામાં આવે છે. ખુદ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે આમાંથી 95 ટકા કેસ નકલી હોય છે. મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા કાયદાનો ઉપયોગ પુરુષોને પ્રતાડવા માટે હથિયાર તરીકે થઈ રહ્યો છે.

કેટલા પુરુષો ઘરેલું હિંસાનો ભોગ બને છે તે જાણવા માટે ભારતમાં કોઈ સરકારી અભ્યાસ કે સર્વેક્ષણ નથી, પરંતુ કેટલીક એન.જી.ઓ. ચોક્કસપણે આ દિશામાં કામ કરી રહી છે. ‘સેવ ઇન્ડિયન ફેમિલી ફાઉન્ડેશન’ અને ‘માય નેશન’ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતમાં નેવું ટકાથી વધુ પતિઓએ ત્રણ વર્ષના સંબંધમાં ઓછામાં ઓછી એક વાર ઘરેલું હિંસાનો અનુભવ કર્યો છે. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે જ્યારે પુરુષો પોલીસ અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પર આવી ફરિયાદો કરવા માંગતા હતા, ત્યારે લોકો તેના પર વિશ્વાસ કરતા નથી અને તેમના પર હસવામાં આવે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ દેશમાં પુરુષોમાં આત્મહત્યાનો દર મહિલાઓની સરખામણીએ બમણો છે. આની પાછળનાં અન્ય કારણોમાં, પુરુષો પણ ઘરેલું હિંસાનો ભોગ બનેલા હોવાનું કહેવાય છે, જેની તેઓ કોઈ પણ મંચ પર ફરિયાદ પણ કરી શકતા નથી. તેમ છતાં એવું નથી કે પુરુષો સામેની હિંસા વિશે કોઈ જાણતું નથી અથવા તેની સામે અવાજ ઉઠાવતો નથી, પરંતુ આ અવાજ ધીમો છે અને પછી ખૂબ જ ઝડપથી શાંત થઈ જાય છે. અતુલની આત્મહત્યાથી પહેલીવાર દેશ આ બાબતે વધુ વાત કરતો થયો છે.

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક સાંસદોએ માંગ કરી હતી કે રાષ્ટ્રીય મહિલા આયોગની તર્જ પર રાષ્ટ્રીય પુરુષ આયોગ જેવી બંધારણીય સંસ્થાની પણ રચના થવી જોઈએ. આ અંગે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. પત્ર લખનારા સાંસદોમાંના એક હરિનારાયણ રાજભરે તે સમયે દાવો કર્યો હતો કે પત્નીઓ દ્વારા સતામણીનો ભોગ બનેલા ઘણા પુરુષો જેલમાં છે પરંતુ કાયદા દ્વારા એકલા પડી જવાના ડરથી ઘરેલું દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવતા નથી અને સમાજમાં તેમની મજાક ઉડાવવામાં આવે છે.

પુરુષોના આયોગની માંગના સમર્થનમાં રજૂ કરવામાં આવેલી દલીલોમાં સૌથી મોટી દલીલ એ છે કે મહિલાઓનું રક્ષણ કરતા કાયદાનો પુરુષો સામે દુરુપયોગ કરવામાં આવ્યો છે. પુરુષોની સતામણીના કિસ્સાઓ પણ છે. પરંતુ આ કાયદો માત્ર સ્ત્રીઓની સતામણીને જ મંજૂર રાખે છે.

હકીકતમાં, પુરુષોનો એક વર્ગ માને છે કે આપણા સમાજમાં માત્ર મહિલાઓ જ પીડિત અથવા ઉત્પીડિત નથી. એવા ઘણા પુરુષો પણ છે જેઓ ઘરે અને સમાજમાં અત્યાચાર અને સતામણીનો સામનો કરી રહ્યા છે. એ દિવસો ગયા જ્યારે માત્ર મહિલાઓ પર જ જબરદસ્તી થતી હતી. આજે પુરુષો પણ ગુંડાગીરીનો ભોગ બને છે. આજે ઘરેલું હિંસા, સતામણી, પુરુષો સામે શારીરિક અને માનસિક દુર્વ્યવહારની ઘટનાઓ પણ વધી રહી છે અને તેના કારણે ઘણા પરિણીત પુરુષો આત્મહત્યા પણ કરી રહ્યા છે.  

લગભગ ચાર વર્ષ પહેલાં, ઘરેલું હિંસા અથવા સતામણીનો ભોગ બનેલા પુરુષોને મદદ કરવા માટે, એક સ્વૈચ્છિક સંસ્થાએ ‘સિફ’ નામની એક એપ્લિકેશન બનાવી હતી, જેના દ્વારા આવા પુરુષો તેમની પીડા નોંધાવી શકતા હતા. સંસ્થાએ આવા પુરુષોને કાનૂની સહાય પણ પૂરી પાડી હતી. એન.જી.ઓ.ના વડા અમિત કુમાર કહે છે કે આ એપ દ્વારા 25 રાજ્યોના 50 શહેરોમાં 50 એન.જી.ઓ.નો કાનૂની મદદ માટે સંપર્ક કરી શકાય છે. તેમણે દાવો કર્યો છે કે હેલ્પલાઈન શરૂ થયાના 50 દિવસની અંદર તેમને 16,000થી વધુ કોલ્સ આવ્યા છે. 

2020માં લૉકડાઉન દરમિયાન ‘સેવ ઇન્ડિયન ફેમિલી ફાઉન્ડેશન’ દ્વારા ટેલિફોનિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દરમિયાન, ઇન્દોર સ્થિત પુરુષ સંસ્થા અને ‘નેશનલ કમિશન ફોર મેન કોઓર્ડિનેશન કમિટી’, દિલ્હીને પણ પુરુષોની હેલ્પલાઇન પર ઘણી ફરિયાદો મળી હતી. તેમાં જાણવા મળ્યું છે કે લોકડાઉનના દિવસો દરમિયાન પત્નીઓએ તેમના પતિને હેરાન કરવાના કેસોમાં 36 ટકાનો વધારો થયો હતો કારણ કે ઘણા પુરુષો ઘરે બેસવા માટે કામ છોડી દે છે અથવા ઓફિસ બંધ હોવાને કારણે ઘરેથી કામ કરવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં, તેઓ તેમની પત્નીઓનાં વલણને કારણે ડિપ્રેશનમાં રહેવા લાગ્યા હતા. 

પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 15 ડિસેમ્બર 2024
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...508509510511...520530540...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved