Opinion Magazine
Number of visits: 9664940
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૧૩) 

સુમન શાહ|Opinion - Opinion|4 November 2024

અમેરિકામાં જ્યાં રહું છું એ શ્હૅરમાં પાનખર – ફૉલ – ચાલે છે. થોડી થોડી ઠંડી શરૂ થઈ છે. પંખીઓ દેખાતાં નથી. હું પાર્કમાં ચાલવા જતો હોઉં છું ને જતાં જતાં નીરખું છું તો ઘણાં બધાં વૃક્ષોનાં લીલાં પાન પીળાં પડી રહ્યાં છે, કેટલાંક હળદરિયાં રંગનાં થવા લાગ્યાં છે, કેટલાંક ખાખી કે તપખીરિયાં, કેટલાંક આછાં લાલ, કેટલાંક કંકુવર્ણા, તો કોઈ કોઈ મરૂન પણ. 

મને ખબર છે, જોત જોતાંમાં એવાં સૂકાઇ જશે કે આપણને એમની દયા આવે. 

પછીના દિવસોમાં મેં જોયું તો પાનનું ખરવાનું શરૂ થઈ ગયેલું. રોડ અને વૉક-વે સિવાયની જગ્યાઓ – લૉન્સ – સૂકાં પાનથી ઢંકાવા લાગેલી, ને પવનો, ક્યારેક તો ગાંડા, એમને દૂર દૂર વાળ્યા કરતા’તા – રીતસર ધકેલતા’તા. અમેરિકન-ઘરોનાં બારી-બારણાં ખુલ્લાં ન હોય, વળી, લોક રખડતાં ન હોય, ચોપાસ શાન્તિ હોય. સૂકાં પાનના ખખડાટથી એ શાન્તિના ય ચૂરા થતા’તા. 

મને એ પણ ખબર છે, થોડાક જ દિવસમાં દરેક વૃક્ષનાં હાડપિંજર દેખાશે અને, એ કંકાલોની ડાળો પર પંખીઓએ બાંધેલા માળા ઉઘાડા પડી જશે. કોઈ કોઈ માળા ભૂમિસાત્ થઈ ગયા હશે. પણ રહી ગયા હશે એ માળામાં કોઈ બચ્ચું સૂતું હશે, મને થાય, એનું શું થવાનું … એનો હવામાં ડોલતો વર્તમાન … એનું ટૂંકું કરુણ ભવિષ્ય … 

બીજા વિશ્વયુદ્ધ સમયના ‘હોલોકાસ્ટ’-માં કહેવાય છે કે ૧.૫ મિલિયન બાળકોનાં મૉત થયેલાં, પણ જેનાં મા-બાપ માર્યાં ગયાં હશે અને જે બાળકો નમાયાં કે નબાપાં થયાં હશે એમનું શું થયું હશે? યુક્રેન-રશિયા અને ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન યુદ્ધમાં કેટલાં બાળકો અનાથ થયાં હશે? 

એ બન્ને યુદ્ધ શમ્યાં નથી તેથી, અને વૉર ઝોન્સમાંથી ચૉકક્સ ડેટા મેળવવાનું કઠિન હોય છે તેથી, નક્કી નથી થઈ શકતું કે એ સંખ્યાનો આંકડો શું હશે. જો કે ‘યુનિસેફ’ અને ‘સેવ ધ ચિલ્ડ્રન’ સંગઠનો એ બાળકોની સારસંભાળ લઈ રહ્યાં છે, એ એક આશ્વાસન છે. હૉસ્પિટલો, શાળાઓ જેવાં સ્થાનો પર ઍટેક્સ ન થવા જોઈએ, માનવતાના પાયાના સિદ્ધાન્તોનું કે ‘ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લૉ’-નું પાલન થવું જોઈએ, પણ યુદ્ધખોર રાષ્ટ્રો બધું ઘોળીને પી ગયાં છે.

+ +

હરારીએ આ પુસ્તક પૂર્વે, સદીઓ પહેલાંથી શરૂ થયેલી ‘જ્ઞાનપરક ક્રાન્તિ’ને — ‘કૉગ્નિટિવ રીવૅલ્યુશન’ને — મોટી ક્રાન્તિ ગણાવી છે. આજે જ્ઞાન, એક તરફ, માણસને યુદ્ધો તરફ ઢસળી રહ્યું છે, તો બીજી તરફ, ટૅક્નોલૉજિકલ પ્રગતિની દિશામાં. મને મનુષ્યથી મોટામાં મોટી પ્રગતિ-ફાળ ભરાઇ સમજાય છે, તે છે AI. પૉપ્યુલિસ્ટ ઑથોરિટેરિયન નેતાઓ વધી રહ્યા છે એ હકીકત તરફ પણ હરારી આપણું ધ્યાન દોરે છે. હરારી જે તર્ક-પદ્ધતિએ વાતને વિકસાવી રહ્યા છે તે જોતાં લાગે કે ઇન્ફર્મેશન એક ‘વેપન’ રૂપે વપરાય અને ‘ઇન્ફર્મેશન-વૉર’ સરજાય, એમ પણ બને. 

“Nexus”-માં તેઓ જ્ઞાન અને ડહાપણને વિવિધ માહિતી-જાળ રૂંધી રહે છે એમ દર્શાવવા સમ્રાટોને, ધર્મપ્રસારકોને તેમ જ કૉર્પોરેટ્સને જવાબદાર કહી રહ્યા છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે સબ્જેક્ટિવ અને ઑબ્જેક્ટિવ વચ્ચેની એક ઇન્ટર-સબ્જેક્ટિવ રીયાલિટી પણ સરજાઈ રહી છે. તેઓ દર્શાવી રહ્યા છે કે આખી વાતમાં ‘સ્ટોરીઝ’, ‘બ્રાન્ડ્ઝ’, ‘બ્યુરોક્રસી’ વગેરેની શી ભૂમિકા છે.  

હરારી કહે છે, પ્રાચીન ચીનના સમ્રાટો, મધ્ય કાળના કૅથલિક પોપ્સ કે મૉડર્ન કૉર્પોરેટ ટાઇટન્સ – મહિમાવન્ત વ્યક્તિઓ – કલ્પનાઓ નથી પણ જીવતીજાગતી વ્યક્તિઓ છે તેમછતાં એમને લાખ્ખો અનુયાયીઓને જોડનારી શૃંખલા ગણવા જોઈશે. જો કે આ બધા જ દૃષ્ટાન્તોમાં, એકપણ અનુયાયીનું એ સમ્રાટ, એ પોપ કે એ કૉર્પોરેટ-વ્યક્તિ જોડે કશું અંગત જોડાણ નથી હોતું, બલકે અનુયાયીઓએ ચતુરાઇપૂર્વક ઘડી કાઢવામાં આવેલી પેલાની ‘વાર્તા’ સાથે એણે જોડાવાનું હોય છે, અને તે વાર્તામાં જ વિશ્વાસ રાખવાનો હોય છે. 

હરારી કહે છે, સોશ્યલ મીડિયામાં પ્રવર્તમાન સૅલિબ્રિટીઝના લાખ્ખો ઑનલાઇન અનુયાયીઓ હોય છે, પણ એકેય અનુયાયીનું એ મૂર્તિ સાથે ખરેખરું અંગત જોડાણ જરા પણ હોતું નથી. સોશ્યલ મીડિયાના એકાઉન્ટ્સ સામાન્યપણે નિષ્ણાતોની ટીમ ચલાવે છે. એમાં પ્રોડક્ટ વિશેના દરેક શબ્દને કે ઇમેજને વ્યાવસાયિક કૌશલથી રચવામાં આવે છે અને પસંદગીપૂર્વકના ઠાઠમાઠ સાથે મૅન્યુફૅક્ચરને ત્યાં મોકલવામાં આવે છે, જે છેવટે બનીને આવે છે – આજકાલ જેને આપણે ‘બ્રાન્ડ’ કહીએ છીએ. 

‘બ્રાન્ડ’-ને હરારી ‘સ્ટોરી’-નો વિશિષ્ટ તરીકો ગણે છે. કહે છે, બ્રાન્ડ એટલે તે પ્રોડક્ટ માટેની વાર્તા. એવી વાર્તા કે જેને એ પ્રોડક્ટની ગુણવત્તા સાથે જવલ્લે જ કશી લેવાદેવા હોય, તેમછતાં, ખૂબી એ છે કે વપરાશકારો દોડ્યા આવે ને એની સાથે જોડાય. હરારી ‘કોકા કોલા’-નો દાખલો આપીને જણાવે છે કે એની જાહેરાત પાછળ એ કૉર્પોરેશને કરોડો ડૉલર રોક્યા, એ જાહેરાત એટલું જ કહેતી હોય છે કે કોકા કોલા પીવો, બસ વારંવાર પીવો. હરારી ઉમેરે છે કે કેટલાક લોકો એને સ્વાદિષ્ટ જળ કે મજાના સુખ સાથે જોડી દે છે અને યુવાનો દાંતનો સડો, મેદસ્વીતા કે પ્લાસ્ટિક વેસ્ટને ભૂલીને જોડાઇ જતા હોય છે – એનું નામ તે બ્રાન્ડ! 

આપણે ત્યાં થયેલી ‘કોકા કોલા’-ની ‘ઠંડા મતલબ કોલા’ જાહેરાતનો મેં મારા એક લેખમાં ઉલ્લેખ કરેલો. મેં એ શબ્દો, એ વિડીઓ ક્લિપ અને બૉલિવૂડબ્રાન્ડ ઍક્ટરની આકર્ષક અસરની વાત કરેલી. એક બીજા લેખમાં મેં જણાવેલું કે – અગાઉ રોલાં બાર્થે ‘રેડ વાઇન’ વગેરે અનેક પ્રોડક્ટ્સના અવગુણ વીસરાઈ જાય છે અને તે કેવા કેવા પૅંતરાઓથી હરતીફરતી અને વેચાતી થઈ જાય છે, તેની વાત કરી છે. એવી વાતોને બાર્થે ‘મૉડર્ન મિથ’-નો દરજ્જો આપ્યો છે. 

હરારીએ અગાઉ કહેલું કે માણસ માણસનો વિશ્વાસ કરે છે એની પાર્શ્વભૂમાં કલ્પિત વ્યવસ્થાઓ કે ગોઠવણો – Imagined orders – હોય છે. કેમ કે માણસને જ્ઞાન કરતાં, કલ્પિત વાર્તાઓ અને એ-ની-એ વાર્તાઓ વધારે ગમતી હોય છે, વિશ્વસનીય લાગતી હોય છે. માણસો એ વિશ્વાસના માર્યા એકબીજા સાથે તેમ જ અજાણ્યાઓ સાથે સહકારી થઈ જવાને તત્પર થઈ જાય છે. આજે એ સહકારીતા જે કદ-માપમાં અને ત્વરાથી વધી રહી છે, એને હરારી માનવ-ઇતિહાસમાં અ-પૂર્વ લેખે છે.

+ +

“Nexus”-માં હરારી જણાવે છે કે એ વાર્તાઓ વાસ્તવિકતાનું તદ્દન નવું સ્તર પણ સરજી શકે છે. કહે છે, આપણને જાણ છે એ મુજબ, વાર્તાઓના આવિષ્કાર પૂર્વે વિશ્વમાં વાસ્તવિકતાનાં બે જ સ્તર હતાં : સ્વલક્ષી વાસ્તવિકતા અને પરલક્ષી વાસ્તવિકતા : વાર્તાઓ તેમાં ત્રીજા સ્તર રૂપે ઉમેરાઈ. 

પરલક્ષી વાસ્તવિકતામાં પથરા, પર્વતો, સૂર્યની ચોપાસ ફરતા લઘુ ગ્રહો – એવી ચીજો જેની આપણને જાણ હોય કે ન હોય, પણ તે છે અને હશે. 

સ્વલક્ષી વાસ્તવિકતામાં સુખ, દુ:ખ, પ્રેમ – ‘બહાર’ નહીં પણ ‘અંદર’ હોય છે. સ્વલક્ષી ચીજોનો આપણને અનુભવ હોય છે. ‘અનનુભૂત દુખાવો’ એમ બોલવું એ વદતોવ્યાઘાત છે. 

પણ કેટલીક વાર્તાઓ ત્રીજા સ્તરની વાસ્તવિકતા સરજે છે, જેને આન્તર-સ્વલક્ષી – ઇન્ટરસબ્જેક્ટિવ – કહેવી જોઈશે. 

હરારી કહે છે, દર્દ એક જ ચિત્તમાં હોય છે, પરન્તુ કાયદા, ભગવાનો, રાષ્ટ્રો, કૉર્પોરેટ ટાઇટન્સ અને ચલણી નાણાં વગેરે વસ્તુઓ અનેક ચિત્ત માટે ઊભી થયેલી શ્રુંખલામાં, nexus-માં, હોય છે; સ્પષ્ટપણે કહીએ તો લોકો વડે એકબીજાને કહેવાયા કરતી વાર્તાઓમાં હોય છે. આન્તર-સ્વલક્ષી વસ્તુઓની માહિતીનો એ વિનિમય કશું જ રજૂ નથી કરતો, જે એની પૂર્વે હોય, ખરેખર તો એ વિનિમયથી વસ્તુઓ સરજાય છે.

હરારી વાતને પોતાની સાથે જોડીને દાખલો આપે છે : હું દર્દ અનુભવું છું એમ કહું તો એમ કહેવાથી દર્દ નથી જનમતું, પણ એમ કહેવું બંધ કરું એટલે દર્દ જતું રહે એમ પણ નથી થતું. એ જ રીતે, મેં લઘુ ગ્રહ જોયો એમ કહેવાથી લઘુ ગ્રહ નથી જનમતો. લઘુ ગ્રહ વિશે લોકો વાતો કરે કે ન કરે એ છે અને હશે જ. પરન્તુ સંખ્યાબંધ લોકો કાયદા, ભગવાનો, રાષ્ટ્રો, કૉર્પોરેટો અને ચલણી નાણાંની વાર્તાઓ એકબીજાને કહેવા માંડે છે ત્યારે કાયદા, ભગવાનો, રાષ્ટ્રો, કૉર્પોરેટો અને ચલણી નાણાં સરજાય છે. માહિતીના વિનિમયમાં જ આન્તર-સ્વલક્ષી વસ્તુઓ હોય છે. વિનિમય બંધ થાય તો એ વસ્તુઓ અલોપ થઈ જાય છે.

જો આપણે હરારીના આ વિચારપક્ષને સાવધાનીથી અને સમીક્ષાબુદ્ધિથી પૂરેપૂરા સ્વરૂપમાં નહીં સમજી લઈએ તો વિવિધ માહિતી-જાળ વિશેના એમના સમગ્ર વિચારને નહીં પામી શકીએ. 

(ક્રમશ:)
(03Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—261

દીપક મહેતા|Opinion - Opinion|2 November 2024

આંગણ આવ્યો અજવાળાનો અલબેલો તહેવાર

સૌ વાચકને સાલ મુબારક!

હાલ મુબારક, કાલ મુબારક,

સૌ વાચકને સાલ મુબારક!

બેનડિયુંને બાલ મુબારક,

ને મરદોને ટાલ, મુબારક!

મંતરીઓને માલ મુબારક,

નેતાઓને શાલ મુબારક!

ખુરસી પર બેઠેલાં સૌને,

ગેંડા કેરી ખાલ મુબારક!

વેપારીને માલ મુબારક,

ખાનારાંને છાલ મુબારક!

મુર્ગી નહીં તો દાલ મુબારક,

તિલક નહીં, તો ભાલ મુબારક!

દોટ નહીં તો ચાલ મુબારક,

રાગ નહીં તો રોગ મુબારક!

એક પછી બીજો ધરવાને,

જનતાને તો ગાલ મુબારક!

સૌ વાચકને સાલ મુબારક,

ચલ મન મુંબઈ સાલ મુબારક!

                                              – દી.મ. 

*

આજ દિવાળી, કાલ દિવાળી 

દિવાળીના દીવા પ્રગટ્યા છે. શેરીમાં, ઘેર ઘેર, ગોખલે, ટોડલે, એટલે કે છજાની કે વરન્ડીની કિનારે કોડિયાં ઝગમગે છે. નાના છોકરાઓની ટોળી ઊંચા રાખેલા હાથમાં જ્યોત ટમટમતા મેરાયા લઈને ઘર ઘર ઘૂમવા નીકળે છે. લલકારતી જાય છે : 

આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુંવાળી, 

મેઘ મે…ઘ રાજા, દિવાળીના બાજરા…તાજા

સવારે કુંભારને ત્યાંથી મેરાયું લાવી, કપાસિયા ભરી, વાટ ગોઠવી, તેલ પૂરીને સૌએ તૈયાર રાખ્યું હોય. દિવાળીની બધી ધામધૂમ, ઝાકઝમાળ ને રીતરસમોની વચ્ચે આ હતો માત્ર નાના છોકરાઓનો પોતાનો જ નાનકડો ઉત્સવ. ધનતેરસ(કે ધણતેરશ)ના બમ્બૂડા ફેરવવામાં તો મોટા છોકરા પણ ભળે. શેરીના દરેક ઘરે મેરાયું પૂરાવવા જવાનું. આશીર્વાદ પણ શરતી આપવાનો :

ઘી પૂરે એને ઘેટ્…ટા, તેલ પૂરે એને ટેટ્…ટા

મેરાયામાં ઘી પૂરનારાને ત્યાં બેટો ને તેલ પૂરનારાને ત્યાં બેટી આવવાનું આ વરદાન!

નવા વરસને – બેસતા વરસને મળસ્કે બોદા માટલાના ઠબઠબાટ ને થાળીના ધણધણાટ પથારીમાં પડ્યા પડ્યા ઉપરાઉપરી સાંભળ્યા કરવાની અમને કેટલી ઉત્સુકતા રહેતી! ઘરનું દળદાર કાઢવાના ને લખમીજીને નોતરવાના લોકવિધિથી નવા વરસના શ્રીગણેશ થતા. એ વિધિ માટે રાખી મૂકેલું ખોખરું હાંડલું કે એવું કોઈ ભંગાર વાસણ વેલણથી ઠપકારતી ગૃહિણીઓ એક પછી એક ઘરમાંથી નીકળે. ટાઢનો ચમકારો, ક્યાંક ટમટમતાં કોડિયાંનો આછો ઉજાસ. શેરીના ચોકમાં જઈને ઠોબરું ફોડે. ઘરે પાછી વળતાં એ ઠમ ઠમ થાળી વગાડતી આવે. જતી વેળા ગણગણતી જાય :

અડઘો ફોડું, દડઘો ફોડું, કુંવારો ઘર છે એને માથે ફોડું. 

બિચારો કુંવારો! પરણી ન શક્યો, ને ઘરઘી પણ ન શકે! ને વળતી વેળાએ જપતી આવે :

અળશ જાય, લખમી આવે, અળશ જાય, લખમી આવે.

— હરિવલ્લભ ભાયાણી 

(સંસ્મરણાત્મક પુસ્તક ‘તે હિ નો દિવસા:’માંથી) 

*

આંગણ આવ્યો અજવાળાનો અલબેલો તહેવાર

આંગણ આવ્યો અજવાળાનો અલબેલો તહેવાર,

વાળી-ઝૂડી અંધકારને ફેંકો ધરતી બહાર.

ભાંગ્યા-તૂટ્યા મનોરથોનો કાટમાળ હડસેલી,

ઉમળકાનાં તોરણથી શણગારો ઘરની ડેલી.

કાટ-ચડ્યાં ગીતોને પંખીના કલરવથી માંજો,

અણોસરી આંખોમાં નમણાં-નમણાં સપનાં આંજો.

અણબનાવની જૂની-જર્જર ખાતાવહીઓ ફાડો,

નવા સૂર્યની સાખે અક્ષર હેત-પ્રીતના પાડો.

ભોળાં-ભોળાં સગપણની જો ગૂંથીને ફૂલમાળા,

પહેરાવો તો સૂકાં જીવતર બની જશે રઢિયાળાં.

સુખની ઘડીઓ કોઈ ત્રાજવાં-તોલાથી ના જોખો,

આંગણ આવી ઊભું છે અજવાળું, એને પોંખો.

                                                           — રમેશ પારેખ

*

આના કરતાં વધારે પવિત્ર દિવસ બીજો કયો હોઈ શકે?

દિવાળી પછી નવું વરસ બેસે છે અને નવું અનાજ ઘરમાં આવે છે. વેદકાળથી આજ સુધી હિંદુ ઘરોમાં આ નવાન્નનો વિધિ શ્રદ્ધાપૂર્વક પાળવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ દિવસે જમતાં પહેલાં એક કડવા ફળનો રસ ચાખવાની પ્રથા છે. એનો ઉદ્દેશ એમ હશે કે કડવી મહેનત કર્યા વગર મિષ્ટાન્ન મળે નહીં. ભગવદ્દગીતામાં પણ લખેલું છે કે જે શરૂઆતમાં ઝેર જેવું અને અંતે અમૃત જેવું હોય એ જ સાત્ત્વિક સુખ. દક્ષિણ કોંકણમાં દિવાળીને દિવસે પૌંઆનું મિષ્ટાન્ન કરે છે અને જેટલા ઈષ્ટ મિત્ર હોય તે બધાને તે દહાડે નોતરે છે. એટલે દરેક જણે દરેક ઈષ્ટ મિત્રને ઘેર જવું જ જોઈએ. દરેકને ત્યાં ફળાહાર રાખેલો હોય છે, તેમાંથી એક કકડો ચાખી માણસ બીજે ઘેર જાય. વ્યવહારમાં કડવાશ આવી હોય, વેરવિખવાદ થયા હોય, ગમે તે બની ગયું હોય, પણ દિવાળીને દિવસે બધું મનમાંથી કાઢી નાખી ફરી હેતપ્રીતના સંબંધ જોડવાના. જેમ વેપારી દિવાળી પર કુલ લેણદેણ પતાવી દઈ નવા ચોપડામાં બાકી નથી ખેંચતા. તેમ દરેક જણ બેસતા વર્ષે હૃદયમાં કશાં વેરઝેર બાકી નથી રાખતો. જે દિવસે વસ્તીમાંથી નરક નીકળી જાય, હૃદયમાંથી પાપ નીકળી જાય. રાત્રિમાંથી અંધારું નીકળી જાય અને માથા પરનું કરજ દૂર થાય તે દિવસ કરતાં વધારે પવિત્ર દિવસ બીજો કયો હોઈ શકે?

— કાકાસાહેબ કાલેલકર 

(‘જીવતા તહેવારો’માંથી સંકલિત અંશ)

*

પ્રગટાવ દીવો

મૂળથી ભાગે તમસ પ્રગટાવ દીવો,

દેહ છે મોંઘી જણસ પ્રગટાવ દીવો.

વર્ષનો પહેલો દિવસ પ્રગટાવ દીવો,

ઝળહળી ઊઠશે વરસ પ્રગટાવ દીવો.

શક્ય છે સચવાય કસ પ્રગટાવ દીવો,

છે સમય લઈ સ્હેજ રસ પ્રગટાવ દીવો.

કૈંક સૂરજને હતી જેની પ્રતીક્ષા,

એ જ આવ્યો છે દિવસ પ્રગટાવ દીવો.

શ્વાસનાં મિસ્કીન ચોઘડિયાં બજે છે,

છે સમય સૌથી સરસ પ્રગટાવ દીવો.

                                     — રાજેશ વ્યાસ, ‘મિસ્કીન’

*

મફત મીઠાઈઓ!

રાતની બત્તીઓ, મીઠાઈઓ, ફળો, મહેમાનો. પછી શતરંજના ખેલ. પીવાનાં પાણીમાં કેવડાજલ છાંટવામાં આવતું. મોટા જર્મન-સિલ્વરના થાળો ભરીને ખાવા બેસતા. જમવા નહીં, બાકાયદા ખાવા! પહેલો કોર્સ ફક્ત મીઠાઈઓ. પછી કાયદેસર ભોજન. મને ખબર નથી આ રિવાજ અમારે ત્યાં કેવી રીતે આવ્યો. દિવાળીના પાંચ દિવસો, ધનતેરસથી ભાઈબીજ સુધી, મીઠાઈઓ જ ચાલતી. ગદ્દીમાં રહેતા બધા જ આમંત્રિતો હતા. કદાચ આ કારણસર મીઠાઈ પ્રથમ મુકાતી. અમારે ત્યાં ફરસાણનું બિલકુલ મહત્ત્વ ન હતું. બહારથી દાળમૂઠ મગાવી લેવાતી. ઠંડાઈનો સામાન પીસીને ઠંડાઈ બનાવાતી અને એ ચાંદીના ગ્લાસોમાં અપાતી. આજે વિચાર કરું છું ત્યારે લાગે છે કે ફ્રિજ નામના દૈત્યે આવીને એ રઈસી ખતમ કરી નાખી!

વર્ષની શરૂઆત શારદાપૂજનથી થતી હતી. અને ચોપડામાં પૂજાનું પાનું હું બાપાજીની સામે બેસીને ભરતો હતો. સામે ઘી, ચોખા, અને અન્ય દ્રવ્યો ચાંદીની થાળીમાં પડ્યાં હતાં. દીપકો, અગરબત્તીઓ જલતાં હતાં. બે મોટા બલ્બ પ્રકાશ ફેંકતા હતા. કિત્તાથી કંકુમાં બોળીને મેં પ્રથમ લીટી લખી હતી. શ્રીપરમાત્મયે નમઃ … શ્રી ગુરુભ્યો નમઃ … શ્રી સરસ્વત્યેનમ: … બાપાજીએ સૂચનાઓ આપી હતી. કિત્તાથી આ ત્રણ લીટીઓ લખવાની હતી. પછી ‘શ્રી’ શબ્દ ચઢતા-ઊતરતા ક્રમમાં, ફ્રેન્ચ કવિ લૂઈ આરોગોની શિલ્પકવિતાની જેમ પિરામિડ આકારમાં લખવાનો હતો. પછી રૂપિયા મળતા. હું ધારું છું એ દિવસોમાં અમને દસ-દસની નોટ અપાતી. ત્યાં બેઠેલા બીજા, એક-બે રૂપિયા આપતા. મારા નાના ખીસામાં રૂપિયાનો ઢગલો થઈ જતો. પચીસ ત્રીસ રૂપિયા જમા થઈ જતા. પછી સામે પડેલી મીનાકારી કરેલી તશ્તરીઓમાંથી મીઠાઈઓ, સૂકો મેવો, અને શુભેચ્છાઓ એ જ દિવસે, દિવાળીની રાતે જ ‘સાલમુબારક’ કહેવાતું!

— ચંદ્રકાંત બક્ષી 

(‘બક્ષીનામા’માંથી સંકલિત અંશ)

*

નવા વર્ષે

નવા વર્ષે હર્ષે

નવા કો ઉત્કર્ષે, હૃદય, ચલ! માંગલ્ય પથ આ

નિમંત્રે; ચક્રો ત્યાં કર ગતિભર્યાં પ્રેમરથનાં.

નવી કો આશાઓ,

નવી આકાંક્ષાઓ પથ પર લળૂંખી મૃદુ રહી,

મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં!

                                                              — ઉમાશંકર જોશી

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 02 નવેમ્બર 2024

Loading

રખડપટ્ટી, પ્રવાસ કે યાત્રા ?

રમજાન હસણિયા|Opinion - Opinion|1 November 2024

અમે બધા પરીક્ષાઓની તૈયારીઓમાં ગળાડૂબ હતા ત્યાં સરકરનો આદેશ આવ્યો કે  જે તે પ્રદેશના બે આઈકોનીક પ્લેસની મુલાકાત વિદ્યાર્થીઓ લે એવું ફરજિયાત ગોઠવવું. ગીગાભાઈ ભમ્મર અને સંજયભાઈ ચાવડા એના સંયોજક. આ બે જગ્યાઓ જુદે જુદે દિવસે જોવાની એવો પણ આદેશ. એક દિવસ માંડવીનું પંડિત શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ક્રાંતિતીર્થ અને બીજા દિવસે ભુજનું સ્મૃતિવન જોવું એવો સરકારી આદેશ. બાકીના કાર્યક્રમો ને માહિતીની જફા આગળ જે સાહેબોના નામ નોંધ્યા એમણે કરી ને આપણા રામ આ ગમતા પ્રવાસમાં ગોઠવાઈ ગયા. રાવલસાહેબે પચાસેક વિદ્યાર્થીઓને લઈ જવાની છૂટ આપી ને સાથે બસ ભાડે કરી જવાની છૂટ આપી. કોને લઈ જવા ને કોને નહિ એમ વિચારતાં સંજયભાઈએ સૂચન કર્યું કે છેલ્લાં વર્ષના મિત્રોને જ લઈ જઈએ. તેઓ પોતે તો એક તાલીમમાં જોડાયા એટલે પ્રવાસમાં ન જોડાઈ શક્યા પણ ભમ્મરસાહેબે નાદુરસ્ત તબિયત હોવા છતાં બધી વ્યવસ્થા સંભાળી ને પ્રવાસમાં પણ જોડાયા. 

ચૌદમી ઓક્ટોબરની સવારે સાડા પાંચે બધા દેનાબેન્ક ચોકમાં ભેગા થયા. પારસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની નવી ચમચમતી બસમાં બેસી દેવ-ગુરુના જયકાર સાથે અમારી ગાડી ભમવા નીકળી પડી. બધા યુવાનોના ચહેરા પર એક અનેરો ઉત્સાહ હતો. અમે નિયત બે સ્થાનોના રસ્તે આવતા બીજા ઉત્તમ સ્થળો પ્રવાસમાં જોડી દીધેલા. અંધારામાં પ્રકાશ પાથરતી અમારી બસ આગળ વધી રહી હતી ને એની અંદર આનંદલોકમાં ગરકાવ અમે સૌ નાચી-ગાઈ રહ્યા હતા. ગાવા નાચવાનો કાર્યક્રમ પ્રવાસ પૂરો થયો એ રાત સુધી ચાલુ જ રહ્યો.

અજવાળાના દેશનો રાજા અમારી પાછળ પાછળ ક્યાંકથી લપાતો છુપાતો આવી ગયો ને અમારી ગાડી સાથે જ દોડવા લાગ્યો. ક્યાંક એ આગળ ને ક્યાંક અમે; એમ રમતાં રમતાં ભૂખ લાગી એટલે એક હોટેલે ચા-નાસ્તો કરવા રોકાયા. થોડો સમય વધુ લીધો પણ જે મસ્ત પૌઆ બનાવ્યા કે દિલ ખુશ થઈ ગયું. અમે જલસા કરતા આગળ બસમાં બેઠા ને અર્થભાર ઉપાડીને ચાલતા ભમ્મરસાહેબ તથા સંદીપભાઈ પાછળ હિસાબ-કિતાબમાં પડ્યા. એમ કરતાં અમારી શાહી સવારી પહોંચી અમારા પહેલા લક્ષ્યાંક પર. મુન્દ્રા ભુજ હાઈવે ને ગાંધીધામ માંડવી હાઈવેને જોડતી પ્રાગપર ચોકડી પર આવેલું ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર – ‘અહિંસાધામ’ અમારી રાહ જોતું ઊભેલું જાણે ! આંગણે પહોંચતાં જ મીઠો આવકાર મળ્યો. સ્નેહી ગિરીશભાઈ ને મહેન્દ્રભાઈ સાથે વાત થયેલી એટલે એમણે બધું તૈયાર જ રાખેલું. એક કાર્યકર ભાઈએ સંસ્થાનું દર્શન કરાવ્યું. બીમાર, અશક્ત, ને જાતજાતની તકલીફોથી ગ્રસ્ત પશુઓનું બહુ મોટું આશ્રયસ્થાન અમે આંખોમાં ભરી રહ્યાં હતાં ને સાથોસાથ આંખોમાં ભરાઈ રહ્યું હતું કુતૂહલ ને પછી કરુણા પણ. કેવા કેવા પશુઓ ને એમના માટે આઈ.સી.યુ., ઓપરેશન થિયેટર, રેગ્યુલર ડૉક્ટર ને કેટકેટલી વ્યવસ્થાઓ. માણસને પણ દુર્લભ હોય એવી સારવાર પશુઓને આપતી આ સંસ્થા માટે અહોભાવ સૌને ચહેરે છલકાતો અનુભવાતો હતો. અશક્ત પશુને પડખું ફેરવવાની પણ વ્યવસ્થા કરે. અંધ પશુઓ માટે અલાયદી વ્યવસ્થા, બીમાર હોય તે આઈ.સી.યુ.માં હોય ને સાજા થઈને જનરલ વોર્ડમાં આવે, અનાથ બાળ પશુઓ માટે જુદું માતૃઆલય, પક્ષીઓ વગેરે માટે જુદું ઘર – આ બધું જોઈને નાચતાં ગાતા યુવાનોના ચહેરા પર જીવનના આ વાસ્તવનો બીજો રંગ પણ અનુભવાઈ રહ્યો હતો, જે એમને જીવનના વિરાટરૂપનું  એક જુદું રૂપ દેખાડી રહ્યો હતો. એક તરફ પશુઓ માટે કરુણા ને બીજી તરફ એમની આટલી કાળજી લેતી સંસ્થા ને એના સંવાહકો માટે આદર – બંનેનો સરવાળો આજે એમના હૈયામાં થયો હતો. ગોપાલ નામના વલ્ડ રેકોર્ડ બનાવનાર મોટા શિંગડાવાળા નંદીનાં મંદિરના દર્શન કરી સૌએ પ્રદર્શન હોલમાં રાખેલા એના સાચા શિંગડા પણ જોયા. માંસાહારથી બચવાની વાત પણ શીખ્યા ને પોતે વાપરતા કોસ્મેટિક્સ વગેરેમાં કેવા કેવા પશુઓની બલી ચડે છે એ જોઈ બહેનોએ એવું  કશું ન વાપરવા નિશ્ચય કર્યો. ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ, પ્રેમપ્રસાદ રૂપે શેરડીનો રસ પીને અમે ભીતરની ભોંય ભીંની કરી આગળ વધ્યા …

વચ્ચે અમારું ગામ મોટીખાખર આવે. હવામાડી હમણાં ગામડે છે એટલે એનું મોં જોવાનો લોભ તો થાય જ, પણ ઘરે જાઉં તો બધાનો સમય બગડે એટલે એને જ રોડ પર બોલાવી લીધી. ગામના નાકે મા દીકરાનું ભાવસભર મિલન બધાની આંખ ભીની કરી ગયું. માએ બધાને નાની નાની ઠંડી ઠંડી પેપ્સી પીવડાવી. અમે માનો પ્રેમ પીતાં પીતાં આગળ વધ્યા.

નાનીખાખરથી જોડાયા જ્યોતિબહેન મોતા. ભોજનનો સમય થઈ ગયેલો એટલે અમે પહેલા પહોંચ્યા બીદડાથી ફરાદી જતાં રસ્તા પર આવેલા લીમડાંવનમાં વસેલી એક જુદી દુનિયામાં. આ નોખી દુનિયાનું નામ છે ‘માનસી’. માનસિક રીતે સામાન્ય બાળકથી વિશિષ્ટ એવી બાળાઓનું આ પ્રેમાળ ઘર. લીલાધરભાઈ ગડા ‘અધા’ની પ્રેરણા ને માર્ગદર્શનથી સર્જાયેલી ને ગીતાબહેન જેવાં પ્રાણરૂપ વ્યક્તિત્વથી ધબકતી માનસી પણ એક ઉર્જાધામ છે. 

ગીતાબહેન અમારા સ્વાગત માટે હાજર હતાં. જુદા જ પ્રકારનો અનુભવ કરાવતા પરિસરમાં પ્રવેશ્યા ને સામે જ અધા અમને હૈયાસરીખા ચાંપવા બહાર દોડી આવ્યા. જેના હૈયે હરિ બેઠેલા હોય એ હૈયાસરીખા ચાંપે ત્યારે હરિના સ્પર્શસુખનો લાભ મળે ! અધા ભેટ્યા ત્યારે મેં એ સુખ અનુભવ્યું ! ભાવથી ભર્યા ભર્યા એક કલાત્મક ઓરડામાં અમે અધાની શરણમાં બેઠા ને અધાનો ધીમા ધીમા સ્વરમાં પ્રેમપ્રવાહ વહેતો થયો. થોડી ખાસ દીકરીઓ માટે કામ કરતી એ સંસ્થાની, એ બાળકીઓને આપવામાં આવતી વિશિષ્ટ તાલીમની વાત ને એમને સામાન્ય પ્રવાહથી જોડવાની વાત અધા ને ગીતાબહેને કરી. એમનો શબ્દે શબ્દ હૈયે ને મોબાઈલદેવની સ્મૃતિમાં સંગ્રહી લીધો. ભોજનનો સમય થઈ ગયેલો એટલે ગીતાબહેન સૌને રસોડે દોરી ગયાં. એક એક ભવન એવું દિલથી ને કલાત્મક રીતે બનાવેલું છે કે આંખો એમાં જ બંધાઈ જાય ! બધાએ ભરપેટ સ્વાદિષ્ટ ભોજન લીધું. અધા સાથે વાતો કરતાં કરતાં અમે જમ્યા. ભોજન ઓછું ને અધાને વધુ ખાઈ ગયો હું ! ભોજન પછી ગીતાબહેને માનસીની દીકરીઓના વિશિષ્ટ વર્ગખંડ અને એમના રહેઠાણ દેખાડ્યાં. અમે એ દીકરીઓને મળ્યા ને એમની સાથે થોડી વાતો પણ કરી. અહીં કોઈ એમને દયાની નજરથી જોતું નથી ને માનસિક વિકલાંગ પણ ગણતું નથી. અહીં એ જેવાં છે તેવાં તેમને ચાહવામાં આવે છે, થોડી કડક તાલીમ પણ અપાય છે. કૉલેજના મોટાભાગના યુવાન મિત્રો માટે આ બધું નવું હતું. કેટલાંક મિત્રો સરસ મકાન જોઈ ફોટા પાડવાની તક ઝડપી લેતા હતા પણ તેમછતાં આ ભાવપ્રવાહને ઝીલવાની એમની તત્પરતા પણ દેખાઈ આવતી હતી. ફરી અધાને મળ્યા, એમની પાસેથી આ દીકરીઓને લાગુ પડતી એક સરસ કવિતા એમના જ અવાજમાં સાંભળી એમની ઉર્જાને ભીતર સંકેલી અમે નાનીખાખર ભણી રવાના થયા.

એક સમયે કચ્છનું પેરિસ ગણાતું નાનકડું પણ મજાનું ગામડું નાનીખાખર. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજે અહીં બહુ જ દુર્લભ ગ્રંથો ને હસ્તપ્રતોને સાચવીને બેઠેલું એક જ્ઞાનમંદિર બનાવડાવ્યું છે. હવે તો એમાં એટલું બધું પ્રદર્શનમાં મુકાયું છે કે એક સારા મ્યુઝિયમની ગરજ સારે છે. અમે નાનીખાખરની મોટી શેરીઓમાંથી પસાર થતાં ઉપાશ્રય પાસે પહોંચ્યા ને જ્ઞાનમંદિરની વિશેષ મુલાકાત લીધી. આરોગ્યધામ, માનસધામ પછી આ વિદ્યાધામ. ધમાલ કરતા મિત્રો સરસ્વતીના આ અભિનવ મંદિરમાં આપોઆપ શાંત થઈ ગયા. પ્રદર્શન નિહાળતાં આપણી જૂની પરંપરાઓ, લેખનપદ્ધતિ, કળાના ઉત્તમ નમૂના આદિની ઝાંખી મળી. ભાષાના મિત્રો માટે તો આ અભ્યાસનો જ એક ભાગ. વર્ગમાં હસ્તપ્રતોની જાળવણી કેમ થાય એની વાત કરેલી તે પ્રત્યક્ષ જોઈને વિદ્યાર્થીઓને વધુ સમજાણી હશે, કદાચ ! આ જ્ઞાનમંદિર જેમના થકી નિર્માણ પામ્યું ને આટલું સમૃદ્ધ થયું, એવા ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજના દર્શન પણ થયા. શાળાના પગથિયાં ન ચડનાર ને છતાં તેર જેટલી ભાષાઓના જાણકાર, પ્રકાંડ પંડિત છતાં સાવ સહજ સુલભ એવા ઉપાધ્યાય ભગવંતના દર્શન કરી સૌ ધન્ય બન્યા. સાહેબજીએ વિદ્યાર્થીભોગ્ય શૈલીમાં જીવનની સરસ વાતો કરી. એ જ ગામના રહેવાસી ને ગુજરાતી તેમ જ કચ્છી ભાષાના જાણીતા કવિ, નિબંધકાર ગુલાબભાઈ દેઢિયા પણ ત્યાં હાજર હતા. વિદ્યાર્થીઓને આ પ્રકારે ધડાતા જોઈ એમણે રાજીપો વ્યક્ત કર્યો. સંઘ તરફથી મહેતાજીએ તૈયાર કરાવી રાખેલ ઠંડું ઠંડું લીંબુપાણી સૌને પાયું ને ફરી અમારી ગાડી આગળ ચાલી. 

અમને ગમતી ત્રણેક જગ્યા જોયા પછી યુવાનોને ગમતી જગ્યાએ એટલે કે દરિયે ગીત ગાતાં ગાતાં પહોંચ્યા. વચ્ચે વર્ષારાણી પણ અમને મળવા ધોધમાર પ્રવાહમાં આવી ગયા. દરિયો એટલે મસ્તીનો પર્યાય. યુવાનો ને દરિયો ભેગા થાય પછી તો જમાવટ ન થાય તો જ નવાઈ. બધાએ ખૂબ ધમાલ કરી, નાચ્યાં, કુદ્યા, ફોટા પાડ્યા, ગરબા રમ્યા, બ્લોગ બનાવ્યા, ચટપટી ખાધી ને એવું તો કાંઈ કેટલીયે મોજ કીધી. હવે સમય થતો હતો ક્રાંતિતીર્થ પહોંચવાનો. ત્યાં મેમોરિયલની સાથોસાથ લાઈટ શૉ જોઈ શકાય એટલા એમના જ ગાઈડ ભાઈએ સાંજે આવવા સુચવેલું. માંડવીમાંથી પસાર થઈ અમે પહોંચ્યા ક્રાંતિતીર્થ. અત્યંત ભવ્ય સ્મૃતિતીર્થ બનાવ્યું છે. હાલ કોઈ ટિકિટ પણ નથી. અંધારું ઉતરી આવે એ પહેલાં અમે નિરાંતે મેમોરિયલની મુલાકાત લીધી. ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા મૂળે માંડવી કચ્છના. દેશની આઝાદીમાં એમનું યોગદાન જરા ય ઓછું ન આંકી શકાય. વિદેશની ભૂમિ પર રહીને મા ભોમને આઝાદ કરવા મથનાર કેટલાંક વીરલાઓમાં એક આગળ પડતું નામ છે શ્યામજી કૃષ્ણવર્માજીનું. એમના જીવનની ઝાંખી કરાવતું ને ભવ્ય ભૂતકાળને તાજું કરતું મેમોરિયલ જોઈ ઇન્ડિયા હાઉસની આબેહૂબ પ્રતિકૃતિ જોઈ. પંડિતજી વિશેનો અહોભાવ હતો એથીયે વધી ગયો. એમના અસ્થિ જે તે સમયે મોદીસાહેબે વિદેશથી લાવીને એમની ઈચ્છા મુજબ માતૃભૂમિમાં પહોંચાડેલા. એ કુંભના દર્શન કરી ભાવવિભોર બન્યા. પંડિતજીના જીવન અને કાર્યને દર્શાવતો લાઈટ શૉ સ્પેશિયલ અમારા માટે ત્યાંના ગાઈડ શંકરભાઈએ ગોઠવી આપ્યો. બહુ જ પ્રભાવક એ શૉ જોઈ અમે ત્યાંથી રાત્રિનિવાસ ભણી આગળ ચાલ્યા. કોડાયપુલ પાસે સ્નેહી સોમભાઈ ધરમશી અને લતાબહેનના સ્વાદ ફાસ્ટ ફૂડમાં સૌએ ભેલ, મિશળપાંઉનું ભોજન લીધું. એમને બીલનું પૂછ્યું તો કહે, ‘તમે જે દઈ શક્તા હો તે દે, નહિ આપો તોયે ચાલશે, તમારા બાળકો અમારા પણ બાળકો જ છે ! ભાવથી ભર્યા ભર્યા આ યુગલનો પ્રેમ આરોગી અમે રાત્રિનિવાસ માટે ૭૨ જિનાલય પહોંચ્યા. ભમ્મરસાહેબ અને સંદીપભાઈએ ફરી બધી વ્યવસ્થા સંભાળી સૌને ગાદલાભેગા કર્યા. અખંડ ધમાલ તો હજુ ચાલુ જ હતી. સલીમસાહેબ ખાસ મળવા આવ્યા ને આનંદમાં ભળ્યા. એક દિવસમાં કેટકેટલું જોયું, કેવાં કેવાં મનેખને મળ્યાં, કેવી મજા કરી આ બધું વાગોળતાં વાગોળતાં અમે નિદ્રાધીન થયા. 

વહેલા ઊઠવાની સૂચના આપેલી. એમાં વહેલા એટલે છ વાગે એવું અભિપ્રેત હતું, પણ રવિ, રોહિત ને અન્ય હોંશી મહાત્માઓ બે ત્રણ વાગે ઊઠી ગયા. એક પછી એક ગાદલું સળવળ્યાં કર્યું ને સવાર પહેલા સવાર પડી ગઈ ! કુદરતી અનુકૂળતા હોવાથી મેં પૂજાના કપડાં સાથે લીધેલા. હું ૭૨ જિનાલય દર્શન અને પૂજા માટે જતો હતો. સહજ કોઈને સાથે આવવું હોય તો આવવા કહ્યું. કેટલાંક મિત્રો સ્વેચ્છાએ સાથે આવ્યા. ત્યાં રસ્તામાં સાધ્વીજી ભગવંતના દર્શન થયા. મૂળનાયકના દર્શન કરી ધૂપ, દીપ, ચામર, દર્પણ આદિથી પૂજા કરી. બધા મિત્રો માટે જૈન વિધિ નવી હતી એટલે કુતુહલમિશ્રિત આનંદ એમના ચહેરે છલકાતો હતો. મૂળ મંદિરની ફરતે આવેલા ગત, વર્તમાન ને આવનાર ચોવીસીના તીર્થંકરના ૭૨ દેવાલય છે. પ્રદક્ષિણા કરતાં કરતાં અમે એ સઘળાં દેરામાં દર્શન કર્યાં. મજા એ વાતની આવી કે પ્રભાત હોવાને લીધે દ્વારઉદ્ઘાટનનો લાભ અમારા યુવાન મિત્રોએ લીધો. મોટા મોટા ચડાવા લઈને જે લાભ મળે એ લાભ સૌને સહજ મળી ગયો. બધાએ ભાવભેર દ્વારઉદ્ઘાટન કર્યું. પછી મેં ચંદન પૂજા કરી ચૈત્યવંદન કર્યું એમાં પણ કેટલાંક મિત્રો જોડાયા ને મને પ્રક્ષાલનો પણ લાભ મળ્યો. ખબર પડી કે ત્યાં અનંતગુણાશ્રીજી મહારાજ બિરાજમાન છે એટલે અમે ઉપાશ્રયમાં દર્શન અર્થે પહોંચ્યા. સાધ્વીજી મહારાજના દર્શન વંદન સૌએ કર્યાં ને એમના આશિષ મેળવ્યાં. સાધ્વીજી ભગવંત બહુ જ રાજી થયાં. ધરાઈને ચા-નાસ્તો કરી અમે ભુજ ભણી ચાલ્યા. 

રસ્તામાં સંદીપભાઈએ કહ્યું કે ભુજ સુધી રસ્તામાં બીજું કાંઈ જોવા જેવું નથી ? મેં કહ્યું, ‘એમ તો ઘણું છે પણ જવું હોય તો નવજીવન નેચર ક્યોર સેન્ટર જવાય. અમે તરત સેન્ટર પર ફોન કર્યો ને એમણે તાત્કાલિક પરવાનવી આપી. અમારી બસ ધમધમતી પહોંચી કુદરતી ઉપચાર કેન્દ્ર પર. આ વળી નવું મુકામ. એક જુદી શાખાનો પરિચય. કુદરતી ઉપચારની મહત્તા સમજી અમે સૌએ આખું સેન્ટર જોયું. અત્યંત સુંદર પરિસર, પરમ શાંતિ ને એની વચ્ચે મળતો ઉપચાર જોઈ રહેવાનું મન થઈ ગયું.  આગળની યાત્રા રાહ જોઈ રહી હતી એટલે મોહ છોડી આગળ વધ્યા.

ડુંગરના રસ્તા પર દોડતી અમારી બસ ભુજ પહોંચી. પહેલા આઈનામહેલ અને પરાગમહેલ જોવાના હતા. હમીરસર તળાવની પાછળ બસ ઊભી રાખી અમે ભુજની ગલીઓમાં ચાલતા ચાલતા આઈનામહેલ પહોંચ્યા. ભુજના ભવ્ય ઇતિહાસની ઝાંખી  કરાવતું આ મ્યુઝિયમ જોઈ સૌ પરાગ મહેલ પાસે આવ્યા. ત્યાં ભમ્મરસાહેબને વચ્ચે બેસાડી ભમ્મરિયા ગીત ગાયું. વિદેશીઓ સાથે યુવાનોએ ફોટા પડાવ્યા ને ગરબા તો ખરા જ. ત્યાં જ કામ કરતા અભ્યાસી  દલપતભાઈ દાણીધારિયાને બધા મળ્યા. એમણે ટૂંકમાં કચ્છના રજવાડાનો ઇતિહાસ સમજાવ્યો. ફરી એ જ ગલીઓમાં ભમતાં ભમતાં મા આશાપુરાના દર્શન કરી બસ તરફ આગળ ચાલ્યા. બધાની ચાલ ધીમી પડી ગયેલી. ભૂખનું સામ્રાજ્ય વધી રહ્યું હતું. અમે તરત એક મસ્ત મજાની જગ્યાએ ભરપેટ ભોજન લીધું ને ચાલ્યા અમારા બીજા આઈકોનીક પ્લેસ સ્મૃતિવન ભણી ..

ભુજ માધાપર હાઈવે પર ભુજિયા ડુંગર પર વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલા કચ્છવાસીઓની પુનિત યાદમાં સરકાર તરફથી આ સ્મૃતિવન બન્યું છે. બહુ જ વિશાળ પરિસર. ભવ્ય અને અત્યાધુનિક ઈમારત જોઈને જ આંખમાં ઘર કરી જાય એવી. ટિકિટ લઈ અમે અંદર પ્રવેશ્યા. ગરમીથી બચવા અહીં અમે બપોરનો સમય પસંદ કરેલો. એક પછી બીજા ગ્રુપને જવાનું હોઈ અમે ત્યાં આવેલા પુસ્તક વેંચાણ કેન્દ્રની મુલાકાત લીધી ને ગમતાં પુસ્તક, ધૂપ આદિ ખરીદ્યું. એક પછી એક એમ જુદા જુદા અગિયાર જેટલા પ્રદર્શન હોલમાં જુદી જુદી રીતે ભૂકંપ અને અન્ય કુદરતી આપદાની વાત વૈજ્ઞાનિક ઢબે સમજાવવામાં આવી છે. કુદરતના ચક્રમાં આવતા પરિવર્તનની વાત અત્યાધુનિક સાધનોની મદદથી પ્રતીતિકર રીતે સમજાવવામાં આવી છે. ઓરડે ઓરડે બદલતા ગાઈડ ને ઓડિયો વીડિયો દ્વારા થતી પ્રસ્તુતિથી વધારે અસરકારક રીતે આખી વાત ઉપસી છે. ભૂકંપ અને પછીના પુનર્વસનની તાદૃશ કથા જોવાની અનુભૂતિ અહીં થાય છે ને કચ્છની તાસીર પણ પરખાય છે. છેલ્લે તો ભૂકંપની અનુભૂતિ કરાવતી ક્ષણો ખરેખર જ અવિસ્મરણીય રહી. અંતે સદ્દગત સૌને ભાવાંજલિ આપી અમે નીચે ઉતર્યા. આ યાત્રામાં વિજયભાઈ ઝાટિયા ને દેવેન્દ્રસિંહ પણ ભળેલા. નીચે રાહુલસાહેબ અમારી રાહ જોઈ રહ્યા હતા. સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો હતો. કેસરિયાળા સૂરજની સાંખે ચોકીદાર ભાઈની રજા લઈને અમે બસની ટેપ વગાડી ગરબા રમી લીધા. હવે ઘરે પાછા ફરવાનું હતું. બસમાં ત્રણેક કલાકનો સથવારો હતો. બે દિવસની ધમાલ પછી પણ ઉત્સાહ મંદ ન્હોતો પડ્યો. એક જગ્યાએ ચા નાસ્તો કરવા ઊભા રહ્યા બાકી ટેપમાં વાગતાં ધમાકેદાર ગીતો પર સૌ નાચતા રહ્યા. ધીરે ધીરે અંધારા ઉતરતા ગયા ને અમે ગંતવ્ય ભણી સરકતા ગયા. છેલ્લે સરકારનો, આચાર્ય રાવલસાહેબનો, કૉઓર્ડીનેટર સંજયભાઈ ચાવડા ને ગીગાભાઈ ભમ્મરસાહેબનો જય બોલાવીને અમે રાપર પહોંચ્યા. વિદ્યાર્થીની સાથોસાથ અમારા સૌ માટે પણ આ પ્રવાસ અનેક રીતે અનોખો બની રહ્યો.

નાનીખાખરમાં ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજે રખડપટ્ટી, પ્રવાસ અને યાત્રા વચ્ચેનો ભેદ સમજાવી પૂછેલું કે, તમે જે કર્યું એને શું કહેવાય રખડપટ્ટી, પ્રવાસ કે યાત્રા ?’ જવાબ તમે આપજો …

સૌજન્ય રમજાન હસણિયાની ફેઇસબુક દીવાલેથી સાદર

Loading

...102030...503504505506...510520530...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved