અમેરિકામાં જ્યાં રહું છું એ શ્હૅરમાં પાનખર – ફૉલ – ચાલે છે. થોડી થોડી ઠંડી શરૂ થઈ છે. પંખીઓ દેખાતાં નથી. હું પાર્કમાં ચાલવા જતો હોઉં છું ને જતાં જતાં નીરખું છું તો ઘણાં બધાં વૃક્ષોનાં લીલાં પાન પીળાં પડી રહ્યાં છે, કેટલાંક હળદરિયાં રંગનાં થવા લાગ્યાં છે, કેટલાંક ખાખી કે તપખીરિયાં, કેટલાંક આછાં લાલ, કેટલાંક કંકુવર્ણા, તો કોઈ કોઈ મરૂન પણ.
મને ખબર છે, જોત જોતાંમાં એવાં સૂકાઇ જશે કે આપણને એમની દયા આવે.
પછીના દિવસોમાં મેં જોયું તો પાનનું ખરવાનું શરૂ થઈ ગયેલું. રોડ અને વૉક-વે સિવાયની જગ્યાઓ – લૉન્સ – સૂકાં પાનથી ઢંકાવા લાગેલી, ને પવનો, ક્યારેક તો ગાંડા, એમને દૂર દૂર વાળ્યા કરતા’તા – રીતસર ધકેલતા’તા. અમેરિકન-ઘરોનાં બારી-બારણાં ખુલ્લાં ન હોય, વળી, લોક રખડતાં ન હોય, ચોપાસ શાન્તિ હોય. સૂકાં પાનના ખખડાટથી એ શાન્તિના ય ચૂરા થતા’તા.
મને એ પણ ખબર છે, થોડાક જ દિવસમાં દરેક વૃક્ષનાં હાડપિંજર દેખાશે અને, એ કંકાલોની ડાળો પર પંખીઓએ બાંધેલા માળા ઉઘાડા પડી જશે. કોઈ કોઈ માળા ભૂમિસાત્ થઈ ગયા હશે. પણ રહી ગયા હશે એ માળામાં કોઈ બચ્ચું સૂતું હશે, મને થાય, એનું શું થવાનું … એનો હવામાં ડોલતો વર્તમાન … એનું ટૂંકું કરુણ ભવિષ્ય …
બીજા વિશ્વયુદ્ધ સમયના ‘હોલોકાસ્ટ’-માં કહેવાય છે કે ૧.૫ મિલિયન બાળકોનાં મૉત થયેલાં, પણ જેનાં મા-બાપ માર્યાં ગયાં હશે અને જે બાળકો નમાયાં કે નબાપાં થયાં હશે એમનું શું થયું હશે? યુક્રેન-રશિયા અને ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન યુદ્ધમાં કેટલાં બાળકો અનાથ થયાં હશે?
એ બન્ને યુદ્ધ શમ્યાં નથી તેથી, અને વૉર ઝોન્સમાંથી ચૉકક્સ ડેટા મેળવવાનું કઠિન હોય છે તેથી, નક્કી નથી થઈ શકતું કે એ સંખ્યાનો આંકડો શું હશે. જો કે ‘યુનિસેફ’ અને ‘સેવ ધ ચિલ્ડ્રન’ સંગઠનો એ બાળકોની સારસંભાળ લઈ રહ્યાં છે, એ એક આશ્વાસન છે. હૉસ્પિટલો, શાળાઓ જેવાં સ્થાનો પર ઍટેક્સ ન થવા જોઈએ, માનવતાના પાયાના સિદ્ધાન્તોનું કે ‘ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લૉ’-નું પાલન થવું જોઈએ, પણ યુદ્ધખોર રાષ્ટ્રો બધું ઘોળીને પી ગયાં છે.
+ +
હરારીએ આ પુસ્તક પૂર્વે, સદીઓ પહેલાંથી શરૂ થયેલી ‘જ્ઞાનપરક ક્રાન્તિ’ને — ‘કૉગ્નિટિવ રીવૅલ્યુશન’ને — મોટી ક્રાન્તિ ગણાવી છે. આજે જ્ઞાન, એક તરફ, માણસને યુદ્ધો તરફ ઢસળી રહ્યું છે, તો બીજી તરફ, ટૅક્નોલૉજિકલ પ્રગતિની દિશામાં. મને મનુષ્યથી મોટામાં મોટી પ્રગતિ-ફાળ ભરાઇ સમજાય છે, તે છે AI. પૉપ્યુલિસ્ટ ઑથોરિટેરિયન નેતાઓ વધી રહ્યા છે એ હકીકત તરફ પણ હરારી આપણું ધ્યાન દોરે છે. હરારી જે તર્ક-પદ્ધતિએ વાતને વિકસાવી રહ્યા છે તે જોતાં લાગે કે ઇન્ફર્મેશન એક ‘વેપન’ રૂપે વપરાય અને ‘ઇન્ફર્મેશન-વૉર’ સરજાય, એમ પણ બને.
“Nexus”-માં તેઓ જ્ઞાન અને ડહાપણને વિવિધ માહિતી-જાળ રૂંધી રહે છે એમ દર્શાવવા સમ્રાટોને, ધર્મપ્રસારકોને તેમ જ કૉર્પોરેટ્સને જવાબદાર કહી રહ્યા છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે સબ્જેક્ટિવ અને ઑબ્જેક્ટિવ વચ્ચેની એક ઇન્ટર-સબ્જેક્ટિવ રીયાલિટી પણ સરજાઈ રહી છે. તેઓ દર્શાવી રહ્યા છે કે આખી વાતમાં ‘સ્ટોરીઝ’, ‘બ્રાન્ડ્ઝ’, ‘બ્યુરોક્રસી’ વગેરેની શી ભૂમિકા છે.
હરારી કહે છે, પ્રાચીન ચીનના સમ્રાટો, મધ્ય કાળના કૅથલિક પોપ્સ કે મૉડર્ન કૉર્પોરેટ ટાઇટન્સ – મહિમાવન્ત વ્યક્તિઓ – કલ્પનાઓ નથી પણ જીવતીજાગતી વ્યક્તિઓ છે તેમછતાં એમને લાખ્ખો અનુયાયીઓને જોડનારી શૃંખલા ગણવા જોઈશે. જો કે આ બધા જ દૃષ્ટાન્તોમાં, એકપણ અનુયાયીનું એ સમ્રાટ, એ પોપ કે એ કૉર્પોરેટ-વ્યક્તિ જોડે કશું અંગત જોડાણ નથી હોતું, બલકે અનુયાયીઓએ ચતુરાઇપૂર્વક ઘડી કાઢવામાં આવેલી પેલાની ‘વાર્તા’ સાથે એણે જોડાવાનું હોય છે, અને તે વાર્તામાં જ વિશ્વાસ રાખવાનો હોય છે.
હરારી કહે છે, સોશ્યલ મીડિયામાં પ્રવર્તમાન સૅલિબ્રિટીઝના લાખ્ખો ઑનલાઇન અનુયાયીઓ હોય છે, પણ એકેય અનુયાયીનું એ મૂર્તિ સાથે ખરેખરું અંગત જોડાણ જરા પણ હોતું નથી. સોશ્યલ મીડિયાના એકાઉન્ટ્સ સામાન્યપણે નિષ્ણાતોની ટીમ ચલાવે છે. એમાં પ્રોડક્ટ વિશેના દરેક શબ્દને કે ઇમેજને વ્યાવસાયિક કૌશલથી રચવામાં આવે છે અને પસંદગીપૂર્વકના ઠાઠમાઠ સાથે મૅન્યુફૅક્ચરને ત્યાં મોકલવામાં આવે છે, જે છેવટે બનીને આવે છે – આજકાલ જેને આપણે ‘બ્રાન્ડ’ કહીએ છીએ.
‘બ્રાન્ડ’-ને હરારી ‘સ્ટોરી’-નો વિશિષ્ટ તરીકો ગણે છે. કહે છે, બ્રાન્ડ એટલે તે પ્રોડક્ટ માટેની વાર્તા. એવી વાર્તા કે જેને એ પ્રોડક્ટની ગુણવત્તા સાથે જવલ્લે જ કશી લેવાદેવા હોય, તેમછતાં, ખૂબી એ છે કે વપરાશકારો દોડ્યા આવે ને એની સાથે જોડાય. હરારી ‘કોકા કોલા’-નો દાખલો આપીને જણાવે છે કે એની જાહેરાત પાછળ એ કૉર્પોરેશને કરોડો ડૉલર રોક્યા, એ જાહેરાત એટલું જ કહેતી હોય છે કે કોકા કોલા પીવો, બસ વારંવાર પીવો. હરારી ઉમેરે છે કે કેટલાક લોકો એને સ્વાદિષ્ટ જળ કે મજાના સુખ સાથે જોડી દે છે અને યુવાનો દાંતનો સડો, મેદસ્વીતા કે પ્લાસ્ટિક વેસ્ટને ભૂલીને જોડાઇ જતા હોય છે – એનું નામ તે બ્રાન્ડ!
આપણે ત્યાં થયેલી ‘કોકા કોલા’-ની ‘ઠંડા મતલબ કોલા’ જાહેરાતનો મેં મારા એક લેખમાં ઉલ્લેખ કરેલો. મેં એ શબ્દો, એ વિડીઓ ક્લિપ અને બૉલિવૂડબ્રાન્ડ ઍક્ટરની આકર્ષક અસરની વાત કરેલી. એક બીજા લેખમાં મેં જણાવેલું કે – અગાઉ રોલાં બાર્થે ‘રેડ વાઇન’ વગેરે અનેક પ્રોડક્ટ્સના અવગુણ વીસરાઈ જાય છે અને તે કેવા કેવા પૅંતરાઓથી હરતીફરતી અને વેચાતી થઈ જાય છે, તેની વાત કરી છે. એવી વાતોને બાર્થે ‘મૉડર્ન મિથ’-નો દરજ્જો આપ્યો છે.
હરારીએ અગાઉ કહેલું કે માણસ માણસનો વિશ્વાસ કરે છે એની પાર્શ્વભૂમાં કલ્પિત વ્યવસ્થાઓ કે ગોઠવણો – Imagined orders – હોય છે. કેમ કે માણસને જ્ઞાન કરતાં, કલ્પિત વાર્તાઓ અને એ-ની-એ વાર્તાઓ વધારે ગમતી હોય છે, વિશ્વસનીય લાગતી હોય છે. માણસો એ વિશ્વાસના માર્યા એકબીજા સાથે તેમ જ અજાણ્યાઓ સાથે સહકારી થઈ જવાને તત્પર થઈ જાય છે. આજે એ સહકારીતા જે કદ-માપમાં અને ત્વરાથી વધી રહી છે, એને હરારી માનવ-ઇતિહાસમાં અ-પૂર્વ લેખે છે.
+ +
“Nexus”-માં હરારી જણાવે છે કે એ વાર્તાઓ વાસ્તવિકતાનું તદ્દન નવું સ્તર પણ સરજી શકે છે. કહે છે, આપણને જાણ છે એ મુજબ, વાર્તાઓના આવિષ્કાર પૂર્વે વિશ્વમાં વાસ્તવિકતાનાં બે જ સ્તર હતાં : સ્વલક્ષી વાસ્તવિકતા અને પરલક્ષી વાસ્તવિકતા : વાર્તાઓ તેમાં ત્રીજા સ્તર રૂપે ઉમેરાઈ.
પરલક્ષી વાસ્તવિકતામાં પથરા, પર્વતો, સૂર્યની ચોપાસ ફરતા લઘુ ગ્રહો – એવી ચીજો જેની આપણને જાણ હોય કે ન હોય, પણ તે છે અને હશે.
સ્વલક્ષી વાસ્તવિકતામાં સુખ, દુ:ખ, પ્રેમ – ‘બહાર’ નહીં પણ ‘અંદર’ હોય છે. સ્વલક્ષી ચીજોનો આપણને અનુભવ હોય છે. ‘અનનુભૂત દુખાવો’ એમ બોલવું એ વદતોવ્યાઘાત છે.
પણ કેટલીક વાર્તાઓ ત્રીજા સ્તરની વાસ્તવિકતા સરજે છે, જેને આન્તર-સ્વલક્ષી – ઇન્ટરસબ્જેક્ટિવ – કહેવી જોઈશે.
હરારી કહે છે, દર્દ એક જ ચિત્તમાં હોય છે, પરન્તુ કાયદા, ભગવાનો, રાષ્ટ્રો, કૉર્પોરેટ ટાઇટન્સ અને ચલણી નાણાં વગેરે વસ્તુઓ અનેક ચિત્ત માટે ઊભી થયેલી શ્રુંખલામાં, nexus-માં, હોય છે; સ્પષ્ટપણે કહીએ તો લોકો વડે એકબીજાને કહેવાયા કરતી વાર્તાઓમાં હોય છે. આન્તર-સ્વલક્ષી વસ્તુઓની માહિતીનો એ વિનિમય કશું જ રજૂ નથી કરતો, જે એની પૂર્વે હોય, ખરેખર તો એ વિનિમયથી વસ્તુઓ સરજાય છે.
હરારી વાતને પોતાની સાથે જોડીને દાખલો આપે છે : હું દર્દ અનુભવું છું એમ કહું તો એમ કહેવાથી દર્દ નથી જનમતું, પણ એમ કહેવું બંધ કરું એટલે દર્દ જતું રહે એમ પણ નથી થતું. એ જ રીતે, મેં લઘુ ગ્રહ જોયો એમ કહેવાથી લઘુ ગ્રહ નથી જનમતો. લઘુ ગ્રહ વિશે લોકો વાતો કરે કે ન કરે એ છે અને હશે જ. પરન્તુ સંખ્યાબંધ લોકો કાયદા, ભગવાનો, રાષ્ટ્રો, કૉર્પોરેટો અને ચલણી નાણાંની વાર્તાઓ એકબીજાને કહેવા માંડે છે ત્યારે કાયદા, ભગવાનો, રાષ્ટ્રો, કૉર્પોરેટો અને ચલણી નાણાં સરજાય છે. માહિતીના વિનિમયમાં જ આન્તર-સ્વલક્ષી વસ્તુઓ હોય છે. વિનિમય બંધ થાય તો એ વસ્તુઓ અલોપ થઈ જાય છે.
જો આપણે હરારીના આ વિચારપક્ષને સાવધાનીથી અને સમીક્ષાબુદ્ધિથી પૂરેપૂરા સ્વરૂપમાં નહીં સમજી લઈએ તો વિવિધ માહિતી-જાળ વિશેના એમના સમગ્ર વિચારને નહીં પામી શકીએ.
(ક્રમશ:)
(03Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર