Opinion Magazine
Number of visits: 9457072
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—256

દીપક મહેતા|Opinion - Opinion|13 July 2024

 મુંબઈના નામના સિક્કા પડાવો, ને મુંબઈના માનમાં તોપું ફોડાવો       

મુંબઈના નામના સિક્કા પડાવો,

ને મુંબઈના માનમાં તોપું ફોડાવો,

મુંબઈનો ડંકો વાગશે.

(નાટક ‘સંતુ રંગીલી’ની ક્ષમા યાચના સાથે.)

જી.પી.ઓ.ના મકાનમાંની ત્રણ ટનલમાંની એક જાય છે મિન્ટ કહેતાં સરકારી ટંકશાળ સુધી. તો ચાલો, આજે આપણે પણ મુલાકાત લઈએ મુંબઈની મિન્ટની. મુંબઈમાં આજે જે સરકારી સંસ્થાઓ છે તેમાં કદાચ સૌથી જૂની છે મિન્ટ. મુંબઈની મિન્ટની કથા શરૂ થાય છે છેક ઈ.સ. ૧૬૭૧માં. એ વરસે લંડનમાં બેઠેલા કંપની સરકારના મોવડીઓએ કહ્યું કે મુંબઈમાં એક મિન્ટ શરૂ કરવી જોઈએ અને તેમાં સોના-ચાંદીના સિક્કા પાડવા જોઈએ. પણ તેની ડિઝાઈન કે આકાર ગ્રેટ બ્રિટનના ચલણી સિક્કાઓને બિલકુલ મળતો ન આવવો જોઈએ. અને એનો વપરાશ કંપનીના તાબા નીચેના પ્રદેશો પૂરતો જ મર્યાદિત રહેવો જોઈએ. મુંબઈના બીજા ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆરે જવાબમાં જણાવ્યું કે આ સૂચન અમલમાં મૂકી શકાય તેમ નથી. કારણ એક તો અહીં જે સોનું જમા થાય તે અમારે સુરતના વડા મથકે મોકલી દેવું પડે છે. બીજું, માત્ર સોના-ચાંદીના સિક્કાથી કામ સરે તેમ નથી. તાંબાના અને નિકલના નાની રકમના સિક્કા પણ બહાર પાડવા પડે.

ઈ.સ. ૧૬૭૫ સુધી આ દરખાસ્ત અભરાઈ પર પડી રહી. પછી એ વરસના જાન્યુઆરીની ૧૮મી તારીખે ગવર્નર ઓન્ગીયારે લંડનને લખી જણાવ્યું કે મુંબઈમાં મિન્ટ શરૂ કરવાની તાતી જરૂર છે. ૧૬૭૬ના ઓક્ટોબરની પાંચમી તારીખે સમ્રાટ શહેનશાહે ખરીતા પર સહી કરીને કંપની સરકારને મુંબઈમાં મિન્ટ શરૂ કરવાની પરવાનગી આપી. અને સોના-ચાંદી ઉપરાંત જરૂર મુજબના બીજા સિક્કા પણ બહાર પાડવાની તેને સત્તા આપી. પણ સિક્કા પાડવાના કામનો કોઈ જાણકાર અહીં હતો નહિ, એટલે મિસ્ટર સ્મિથ નામના મિન્ટ માસ્ટરને વરસના ૬૦ પાઉન્ડના પગારે મુંબઈ મોકલ્યા.

ઈ.સ. ૧૬૭૨માં મુંબઈની મિન્ટમાંથી બહાર પડેલો સિક્કો

ગવર્નર ઓન્ગીઆરનાં બધાં કામ તડ ને ફડ. લંડનની લીલી ઝંડી મળી કે કામ શરૂ. એ વખતે મુંબઈ સરકારનું બધું કામ થતું ‘બોમ્બે કાસલ’માંથી. એટલે ટંકશાળ પણ ત્યાં જ. પણ તેને અંગેની વિગતો મળતી નથી. પણ બીજે જ વરસે સુરતની ફેક્ટરી(ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઓફિસ એ નામે ઓળખાતી)એ ગ્રેટ બ્રિટન કાગળ લખ્યો અને સાથે મુંબઈની મિન્ટમાંથી બહાર પડેલા સિક્કાના નમૂના પણ જોવા મોકલ્યા. એટલે કામ બહુ થોડા વખતમાં શરૂ થયું હશે. એ પત્રમાં એમ પણ લખ્યું છે કે શરૂઆતમાં બ્રિટિશ સિક્કાના વપરાશ સામે પોર્ટુગીઝોએ અવરોધો ઊભા કર્યા હતા. એટલે લોકોને મન બ્રિટિશ સિક્કા તો નક્કામાં છે એવી છાપ પડેલી. પણ પછી લોકોને બ્રિટિશ સિક્કામાં વિશ્વાસ બેઠો. બધા સિક્કામાં ટીનના સિક્કા સૌથી વધુ ચલણમાં હતા. એટલે બ્રિટનથી વધુ મોટા પ્રમાણમાં ટીન મોકલવાની વિનંતી પણ કરવામાં આવી.

૧૬૭૭ના ફેબ્રુઆરીની ૧૭મી તારીખે ‘ફોર્મોસા મર્ચન્ટ’ નામના વહાણ દ્વારા તાંબાનો મોટો જથ્થો મુંબઈ પહોચ્યો. બ્રિટનથી સૂચના એવી હતી કે તેમાંથી ખપ પૂરતો જથ્થો મુંબઈમાં રાખીને બાકીનો સુરત મોકલવો. પણ ૧૫૭ ખોખાં ભરીને આવેલું બધું તાંબુ મુંબઈમાં જ ઉતારી લેવાયું.

કંપની સરકારે મુંબઈમાં સિક્કા પાડવાનું શરૂ કર્યું ત્યારે બ્રિટિશ સિક્કાની સાથોસાથ અગાઉના પોર્ટુગીઝ સિક્કા પણ ચલણમાં હતા અને અંગ્રેજ સરકાર પણ પોર્ટુગીઝ સિક્કા સ્વીકારતી હતી. પણ ૧૭૧૩ના માર્ચની ૨૭મી તારીખે લખેલા પત્રમાં બ્રિટનના સાહેબોએ મુંબઈ સરકારને જણાવ્યું કે હવે પછી સરકારે માત્ર બ્રિટિશ સિક્કા જ સ્વીકારવા, પોર્ટુગીઝ સિક્કા નહિ. પછી ૧૭૩૩મા બ્રિટિશ સિક્કાને ‘લીગલ ટેન્ડર’(સત્તાવાર ચલણ)નો દરજ્જો અપાયો. એ સિવાયના પોર્ટુગીઝ, મોગલ કે મરાઠા સિક્કા જેમની પાસે હોય તેમને દસ દિવસની અંદર મુંબઈની મિન્ટને હવાલે કરી દેવા એવો વટહુકમ બહાર પાડ્યો. તેના બદલામાં વાજબી કિમતના બ્રિટિશ રૂપિયા આપવાનું પણ ઠરાવ્યું. દસ દિવસની મુદ્દત પછી જેમની પાસેથી બ્રિટિશ સિવાયના સિક્કા મળી આવશે તે તાબડતોબ જપ્ત કરવામાં આવશે અને તેના બદલામાં કશું જ વળતર અપાશે નહિ એવી જાહેરાત કરવામાં આવી.

આ જ અરસામાં મુંબઈની ટંકશાળે બીજી એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એ મુશ્કેલી તે બનાવટી ચલણી સિક્કાની. આવા સિક્કા મોટે ભાગે ગુજરાતથી મુંબઈમાં આવતા. આ દૂષણને ડામવા માટે સરકારે જાહેર કર્યું કે જે કોઈ વ્યક્તિ આવા બનાવટી સિક્કા બનાવનાર વ્યક્તિ કે વ્યક્તિઓ અંગે મિન્ટમાં આવીને માહિતી આપશે તેને એક હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. (એ વખતે આ ઘણી મોટી રકમ કહેવાય.)

૧૮૩૦માં મિન્ટનું આ મકાન બંધાયું ત્યારે સામે હતું મોટું ગોળ તળાવ

બોમ્બે કાસલમાં આવેલી આ મિન્ટ ક્યાં સુધી કામ કરતી રહી તે જાણવા મળ્યું નથી. પણ ૧૮૨૪માં મિન્ટ માટેના નવા (હાલના) મકાનનું બાંધકામ શરૂ થયું અને ૧૮૩૦માં પૂરું થયું. બોમ્બે એન્જિનિયર્સના કેપ્ટન જોન હોકિન્સની દેખરેખ નીચે બંધાયેલા આ મકાન સામે એક મોટું ગોળાકાર તળાવ હતું, જે પછીથી પુરાવી દેવાયું. શરૂઆતનાં ઘણાં વરસ આ નવી મિન્ટ મુંબઈ સરકારની હકૂમત નીચે હતી. ૧૮૭૬માં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ તે હસ્તગત કરી લીધી હતી. આઝાદી પછી ૧૯૬૪થી અહીંથી ખાસ વ્યક્તિ કે પ્રસંગના માનમાં વિશેષ સિક્કા પાડવાનું શરૂ થયું. ૧૯૬૪માં આવો પહેલો સિક્કો પંડિત જવાહરલાલ નેહરુની સ્મૃતિમાં બહાર પડ્યો.

ક ખ ગ ઘ ‍‌ઙ   

આ તો મુંબઈ રંગીલીનો મ, મ.  

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 જુલાઈ 2024)

Loading

ઑટિઝમ – આઈ એમ સ્પેશ્યલ, માય વર્લ્ડ ઈઝ ડિફરન્ટ

સોનલ પરીખ|Opinion - Opinion|13 July 2024

સની અઢી વર્ષનો થયો ત્યારે ડોક્ટરોએ કહ્યું કે તેને ઑટિઝમ છે અને તેને જીવનભર ઑટિઝમ સાથે જ રહેવાનું છે. અમારો સની ખૂબ ખુશમિજાજ, પ્રેમાળ અને જીવંત છે. આઈન્સ્ટાઈન, મોઝાર્ટ અને એડિસનની જેમ એ પણ એના ઑટિસ્ટિક માઇન્ડ સાથે એક દિવસ જરૂર કશુંક કરી બતાવશે. પ્લીઝ ડોન્ટ ફિલ સોરી ફોર હિમ.

— ‘આઈ એમ સ્પેશ્યલ, માય વર્લ્ડ ઈઝ ડિફરન્ટ’ ફિલ્મની મા.

સોનલ પરીખ

‘હું એક કંપનીની સી.ઈ.ઓ. છું. મારી સાત વર્ષની દીકરીને ઑટિઝમ હોવાનું નિદાન થયું અને મેં એ વિષે વાંચવાનું શરૂ કર્યું ત્યારે છેક મને ખબર પડી કે હું પણ ઑટિસ્ટિક છું. અચાનક અનેક બાબતોનો અર્થ સમજાય છે. મારી કારકિર્દીનો ગ્રાફ કોઈને પણ ઈર્ષા આવે એવો છે. મારું મગજ કલાકના સેંકડો માઈલની ઝડપે દોડે છે અને એને કેમ અટકાવવું એની મને ખબર નથી. મારે સામાજિક પ્રસંગોએ રિક્રીએશનલ ડ્રગ્સ લેવી પડે છે. એલિસ્ટિક (ઑટિસ્ટિક ન હોય તેવા) વિશ્વનો સામનો કરવાનો મને ખૂબ થાક લાગે છે. મારા માથામાં શું ચાલે છે તેનો કોઈને અંદાજ આવતો નથી. હું મિત્રતા સહેલાઈથી કરી શકું છું, પણ મિત્રતા સાચવવા મારે બહુ મહેનત કરવી પડે છે. મારી જાત પાસે અને મિત્રો પાસે મારી અપેક્ષા ખૂબ ઊંચી હોય છે. મિત્રોને એથી તાણનો અનુભવ થાય છે. હવે મને ખ્યાલ આવે છે કે આ બધાં ઑટિઝમનાં લક્ષણો છે. ઑટિસ્ટિક લોકોમાં છૂટાછેડાનું પ્રમાણ ઊંચું હોય છે, પણ મારા સદ્દભાગ્યે મારો પતિ શાંત અને સેન્સિબલ છે તેથી મારું ઑટિઝમ બેલેન્સ થઈ જાય છે.’ આ શબ્દો રેચેલ રોવ નામની ઓસ્ટ્રેલિયન મહિલાના છે.

2 એપ્રિલે ઑટિઝમ ડે છે. એ.એસ.ડી.-ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરને સમજવાનું અને ઑટિસ્ટિક લોકો પ્રત્યે સમજદારી દાખવવાનું વિશ્વને હજી આવડ્યું નથી. ભારત જેવા દેશમાં તો જાગૃતિ ઘણી જ ઓછી છે. સંશોધનો મુજબ દર 40માં એક બાળકને ઑટિઝમ હોય છે અને તેનું પ્રમાણ છોકરીઓ કરતાં છોકરાઓમાં વધારે હોય છે. શાળાઓ ઑટિઝમ વિષે શીખવે અને એવાં બાળકોને ભેદભાવ વિના એમની રીતે શીખવાની તક અને મદદ આપે તો અનેક બાળકોને રાહત થાય. 2007થી ઉજવાતો વિશ્વ ઑટિઝમ ડે, જે બાળકો અને પુખ્તો ઑટિઝમથી પીડાય છે તેમના અધિકારો પ્રત્યે જાગૃત અને સંવેદનશીલ થવાનું; તેમને સામાન્ય સમાજમાં ભેળવવાનું અને ખોટી માહિતીઓમાંથી નીકળી એમના વિષે સ્પષ્ટ થવાનું યાદ અપાવે છે.

આઈન્સ્ટાઈન, મોઝાર્ટ, માઇકલ એન્જેલો, બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ આ બધા ઓવરએચીવર્સ ઑટિસ્ટિક અથવા ઑટિઝમની ધાર પર હોવાનું મનાય છે. ડૉ. હાન્સ એસપર્ગર કહે છે કે કળા અને વિજ્ઞાનના ક્ષેત્રે સફળ થવા માટે થોડું ઑટિઝમ જરૂરી છે. કુટુંબના સભ્યો સાથે પણ બહુ ઓછું ભળતા આઇ.ટી. એન્જિનિયર તુષારે મોટા પગારની જોબ ‘આ લોકો તો મને મશીન બનાવી નાખશે.’ કહી છોડી અને પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં સિનેમેટોગ્રાફી શીખી. આજે એ યુ.જી.સી. ડોક્યુમેન્ટરીઓ માટે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સિનેમેટોગ્રાફી કરે છે. બે પ્રોજેક્ટ વચ્ચે લાંબી વિપશ્યના કરી લે છે. પ્રેમ કર્યો એને પરણ્યો, પછી છૂટો થઈ ગયો. સરસ, ટૂંકી અને અર્થપૂર્ણ વાત કરી શકે પણ કોઈના ય સતત સંપર્કમાં ન રહે. એના મિત્રોમાંની એક મન્વિતા દુનિયા આખીમાં એકલી પ્રવાસ કરે છે. લગ્ન, કુટુંબ, સામાજિક સંપર્કોથી દૂર એની પોતાની દુનિયામાં મસ્ત રહે છે. ખૂબ કમાવું, પ્રતિષ્ઠા મેળવવી આ બધામાં એને રસ નથી. આવા લોકોને ઑટિસ્ટિક કહેનારા નીકળે. એમને  કહેવાનું મન થાય કે જો આ ઑટિઝમ હોય તો આવા ઑટિસ્ટિક હોવામાં વાંધો શો?

ઑટિઝમ શબ્દનો પહેલીવાર પ્રયોગ 1911માં થયો હતો. ઑટિઝમ કોઈ રોગ નથી, પણ મગજની ચોક્કસ અવસ્થા છે જે વ્યક્તિના વર્તન અને કોમ્યુનિકેશન પર અસર કરે છે. 1940ના દાયકામાં લીયો કેનર અને હાન્સ એસપર્ગર નામના બે ડોકટરોના પ્રયત્નોથી ઑટિઝમ વધુ સમજાયો. ઑટિઝમનું ડાયાબિટીસ જેવું છે. એ જાય નહીં, પણ મેનેજ થઈ શકે. જેમ વહેલું નિદાન થાય, જેમ વહેલી થેરપી શરૂ થાય તેમ વધુ સારું પરિણામ મળે. ઑટિઝમનો દરેક કેસ જુદો હોય છે અને દરેક બાળકને એની રીતે સમજવું પડે છે. એનામાં બુદ્ધિ ઓછી હોય છે એવું નથી, પણ એનો બૌદ્ધિક વિકાસ જુદી જાતનો હોય છે. અમુક ક્ષેત્રમાં બુદ્ધિ ખૂબ ચાલે પણ ભાષા, સંબંધો વગેરેમાં એ પાછું પડી જાય. પોતાને વ્યક્ત ન કરી શકે એટલે એને ગુસ્સો ખૂબ આવે જેને માતાપિતાએ સમજીને મેનેજ કરવો પડે. ઑટિઝમ વારસાગત નથી, ચેપી નથી, પણ માબાપની કસોટી કરે. પરિવારના અન્ય સભ્યોએ પણ સમજવું પડે.

ડૉ. વિકાસ શર્મા સુંદર સૂચનો આપે છે : આશા કદી ન ગુમાવો, પણ બાળકને ઑટિઝમ છે એ સ્વીકારો. એને માટે શરમ કે ભય ન અનુભવો. ઑટિઝમ મિન્સ આઈ વિલ નોટ લીડ એન ઓર્ડિનરી લાઈફ – આઈ કેન લીડ એન એક્સટ્રા-ઓર્ડિનરી લાઈફ. યોગ્ય થેરપી શરૂ કરો; પણ બાળક સાથે ખૂબ રમવું, વાર્તાઓ કહેવી, ખૂબ પ્રેમ આપવો, એની શક્તિ – એનાં રસક્ષેત્રો ઓળખીને વિકસાવવાં અને એની સાથે ખૂબ આનંદ કરવો એ વધારે અગત્યનું છે. માબાપથી મોટો કોઈ થેરપિસ્ટ નથી ને ઘરથી મોટું કોઈ થેરપી સેન્ટર નથી. શીખવવા માટે પાછળ ન પડવું. ઑટિસ્ટિક બાળકનું એન્વાયર્ન્મેન્ટ સાથેનું કનેક્શન તૂટતું હોય છે, તેથી તે અમુક બાબતો શીખવામાં મુશ્કેલી અનુભવે છે. તેને રિ-કનેક્ટ કરો. પાછળ પડવાથી કદાચ તે અમુક નાની બાબતો શીખી જશે જેનાથી તમને તાત્કાલિક થોડો સંતોષ થાય પણ એથી કોઈ નક્કર પરિણામ નહીં મળે. એ ત્યારે મળશે જ્યારે બાળક એન્વાયર્ન્મેન્ટ સાથે કનેક્ટ થશે અને એ ત્યારે થશે જ્યારે તમે એને ગમતું કરશો. માબાપ શિક્ષકના પાઠમાં આવી જાય ત્યારે બાળક વર્તનસમસ્યાઓનો ભોગ બને છે. થેરપિસ્ટ પાસે પણ પરાણે ન મોકલો. જે પણ રીતથી બાળક રડે, દુ:ખી થાય તે રીત તરત છોડી દો. એક તો એ તકલીફમાં છે, સંઘર્ષ અનુભવે છે. તેમાં આપણે પ્રેશર આપીશું તો મુશ્કેલી વધશે. બેત્રણ કલાક થેરપિસ્ટ પાસે ને બાકીનો વખત એની દુનિયામાં છોડી દેશો તો કોઈ ફરક નહીં પડે. વધુ પડતી સાકર હાઇપરએક્ટિવિટીનું કારણ બને છે માટે ખાવામાં સાકરનું પ્રમાણ ઓછું રાખો.

દિલ્હીના પત્રકાર અને ફિલ્મસર્જક દીપક પરવતિયારની ઑટિઝમ પરની છ મિનિટની દસ્તાવેજી ફિલ્મ ‘આઈ એમ સ્પેશ્યલ, માય વર્લ્ડ ઈઝ ડિફરન્ટ’ને ઈટાલીના ઑટિઝમ વિષેની શોર્ટ ફિલ્મોના ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી તરીકેનું ઈનામ મળ્યું છે. એ ફિલ્મની મા કહે છે, ‘સની અઢી વર્ષનો થયો ત્યારે ડોક્ટરોએ કહ્યું કે તેને ઑટિઝમ છે અને તેને જીવનભર ઑટિઝમ સાથે જ રહેવાનું છે. અમે અને હવે એની નાની બહેન તેને સાચવતાં, ખુશ રાખતાં અને નવું શીખવતાં શીખી ગયાં છીએ. અમારો સની ખૂબ ખુશમિજાજ, પ્રેમાળ અને જીવંત છે. આઈન્સ્ટાઈન, મોઝાર્ટ અને એડિસનની જેમ એ પણ એના ઑટિસ્ટિક માઇન્ડ સાથે એક દિવસ જરૂર કશુંક કરી બતાવશે. પ્લીઝ ડોન્ટ ફિલ સોરી ફોર હિમ.’ ફિલ્મનો સંદેશ એ છે કે ઑટિઝમ જિંદગીનો અંત નથી. ઑટિસ્ટિક બાળક અન્ય બાળકો જેટલું જ વહાલસોયું, ચંચળ અને પ્રેમપૂર્ણ હોય છે. બસ તેને વિશેષ સંભાળ, સ્પેસ અને સ્નેહની જરૂર હોય છે. અક્ષમતાને વિષય બનાવતી આ એમની બીજી ફિલ્મ છે. પહેલી ફિલ્મ ‘ધ વિઝાર્ડ ઑફ નીડલ્સ’ ભારતના એકમાત્ર અંધ એક્યુપંચરિસ્ટ વિષેની હતી. ઑટિઝમ પર ‘બિયોન્ડ’ ‘રેઈન મેન’, ‘બરફી’ જેવી સુંદર ફિલ્મો બની છે, પુસ્તકો લખાયાં છે.

ઑટિસ્ટિક બાળકને ઈલાજ કરતા પણ વધારે જરૂર સ્વીકારની હોય છે. એમના વિશ્વમાં પ્રવેશીને, એમને આપણા વિશ્વમાં પ્રવેશવા દઈને આપણે તેમને મદદ કરી શકીએ અને પોતે પણ બહેતર માનવ બની શકીએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 31 માર્ચ  2024

Loading

અતિપ્રશ્નો

પંચમ શુક્લ|Poetry|13 July 2024

ત્રિવિધ તાપમાં કોણ તપતું રહે છે?

ત્રિવેણીને સંગમ તરસતું રહે છે?

કયું જ્વાર-ભાટા વિનાનું હૃદય અહીં

અફર ઋતુચક્રે ધબકતું રહે છે?

કયા નેવનું પાણી મોભે ચઢીને

વગર વીજળીએ ગરજતું રહે છે?

પરોવાતું કોનું નથી મોતી પળપળ

અડકતાં જ લિસ્સું છટકતું રહે છે!?

કઈ જીભ લપટી પડીને રગે છે?

કયું નામ મુખમાં જ ગળતું રહે છે !?

જવાર-ભાટા : ભરતી-ઓટ
* सागरीय जल के ऊपर उठकर आगे बढ़ाने को ज्वार (Tide) तथा सागरीये जल को नीचे गिरकर पीछे लौटने (सागर की ओर) भाटा (Ebb) कहते हैं।

Loading

...102030...502503504505...510520530...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved