
રવીન્દ્ર પારેખ
15 જુલાઇ, 2024ની રાત્રે જમ્મુના ડોડા વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં એક કેપ્ટન સહિત 4 જવાનો શહીદ થયા, એ સાથે એક પોલીસકર્મીનું પણ મોત થતાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા. ખરેખર તો સેના અને પોલીસને આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પહેલી વખત તો આતંકીઓ હુમલો કરીને જંગલમાં ભાગી છૂટ્યા, પણ પછી રાતના નવના સુમારે ફરી હુમલો કરતાં ભારતે 5 જીવો ખોવાના આવ્યા. એ પછી રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસે સર્ચ ઓપરેશન વધુ જલદ કર્યું, તો ય 16મી જુલાઈએ આતંકીઓ અને જવાનો વચ્ચે બે વખત સામસામા ગોળીબાર તો થયા જ ! એમાં જાનહાનિ તો ન થઈ, પણ 17 જુલાઈએ હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી આતંકીઓની ખોળખાળ ચાલી. આની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ કાશ્મીર ટાઈગર્સે સ્વીકારી ને એ આતંકી સંગઠનનો દાવો છે કે આર્મી કેપ્ટન સહિત 12 સૈનિકો માર્યા ગયા છે ને 6 ઘવાયા છે. 17મીએ પણ આતંકીઓએ કાસ્તીગઢ વિસ્તારમાં મોડી રાત્રે શાળામાં તૈયાર કરેલ અસ્થાયી સુરક્ષા કેમ્પ પર ગોળીબાર કર્યો ને સેનાએ વળતો હુમલો કરતાં આતંકીઓ ભાગી છૂટ્યા હતા, પણ સેનાએ તેમને ઘેરી લેતાં 4 કલાક સુધી સામસામા ગોળીબાર થયા હતા. 18 જુલાઈએ વહેલી સવારે વળી આતંકવાદીઓએ હુમલો કરીને 2 જવાનોને ઘાયલ કર્યા હતા.
ડોડા જિલ્લાને આમ તો 2005માં આતંકવાદ મુક્ત જાહેર કરાયો હતો, પણ છેલ્લા ત્રણેક મહિનામાં 10 આતંકવાદી હુમલા થયા છે ને અત્યાર સુધીમાં 52 જવાનો સહિત 70નાં મોત થયાં છે. એ પછી સેનાએ 7,000 જવાનો, 8 ડ્રોન અને 40 સ્નિફર ડોગથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, તે એટલે કે સુરક્ષા દળોને 24 આતંકીઓ છુપાયા હોવાના સંકેતો મળ્યા છે. આ આતંકીઓમાં ડોડાના દેસા જંગલમાં 5 જવાનોને શહીદ કરનારા આતંકીઓ પણ ખરા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે ડોડા અને કઠુઆ પાંચેક મહિનાથી આતંકવાદનું કેન્દ્ર બન્યાં છે. કઠુઆના બદનોટાથી ડોડામાં ધારીગોટે અને બગ્ગી સુધીના અઢીસો કિલોમીટરના અંતરમાં આતંકીઓ છુપાયા છે. આ વિસ્તાર પહાડી છે અને આતંકીઓ પહાડ પર ચડીને ઊંચેથી નીચે હુમલાઓ કરી શકે એમ છે. જો કે, આ વખતે સૈનિકોને પહાડો પર દારૂગોળા અને ખાદ્ય સામગ્રીઓ સાથે તૈનાત કરવામાં આવ્યા છે.
એ ખરું કે જમ્મુના આતંકીઓ વિદેશી છે ને તેઓ અદ્યતન તાલીમ લઈને આવ્યા છે. તેમની પાસે સ્ટીલની બનેલી આર્મર-પિયર્સિંગ બુલેટ્સ તથા લાઇટ વેઇટ M4 કાર્બાઈન ગન છે. આ બુલેટ્સ ને ગન અમેરિકા અને નાટોના સૈનિકો અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે વાપરતા હતા. એ બુલેટ્સ અને ગન જમ્મુમાં આતંકવાદીઓ વાપરે છે, તો સવાલ થાય કે એ ગન અને બુલેટ્સ એમની પાસે આવી ક્યાંથી? અમેરિકા ભારતનું મિત્ર છે, પણ ભારત સામે વાપરવા હથિયારો તે પાકિસ્તાનને પૂરાં પાડે છે. વળી આ આતંકીઓએ તાલીમ પાકિસ્તાન આર્મી પાસેથી લીધી છે, એટલે બિનતાલીમી સ્થાનિક-કાશ્મીરી આતંકીઓ કરતાં તેમનો સામનો કરવાનું મુશ્કેલ છે, પણ ભારતીય જવાનો પણ સુસજ્જ છે, એટલે વહેલી તકે આતંકીઓનો સફાયો થઈને રહેશે એ નક્કી છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે આર્મી ચીફ પાસેથી જરૂરી માહિતી મેળવી છે. જમ્મુ ડિવિઝનનાં ડોડામાં આ પાંચમું એન્કાઉન્ટર છે. અગાઉ 9 જુલાઈએ એન્કાઉન્ટર થયું હતું. આ વિસ્તારમાં 26 અને 12 જૂને બબ્બે હુમલાઓ થયા હતા. એ પછી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, તેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. તાત્પર્ય એ છે કે સર્જિકલ સ્ટ્રાઇકને બાદ કરતાં આતંકી હુમલાઓમાં ભારતે વધુ વેઠવાનું આવ્યું છે. એ કમનસીબી છે કે ભારતને પડોશી રાષ્ટ્રો શત્રુવટ રાખનારાં મળ્યાં છે. ચીનની આડાઈ, ભારતીય સરહદો સાથેની છેડછાડ, સરહદો નજીક ઊભી કરાતી વસાહતો, સરહદો પર થતાં અતિક્રમણથી ચીન સાથેના સંબંધો વણસેલા છે, તો પાકિસ્તાન બધી રીતે મરવા પડ્યું છે, પણ તેની કનડગત ઘટતી નથી. ભારત, સામેથી કદી હુમલો કરતું નથી, તે ખાનદાનીને પાકિસ્તાન ભારતની નબળાઈ માની રહ્યું છે. તે એ પણ જાણે છે કે સીધા યુદ્ધમાં તે કદી ફાવી શકે એમ નથી, એટલે સીમા પારથી નિર્લજ્જ આતંકી હિલચાલ કરતું રહે છે.
એ ભારત માટે પણ શરમજનક છે કે આતંકી પ્રવૃત્તિઓ દ્વારા પાકિસ્તાન કાશ્મીરથી જમ્મુ સુધી ઘૂસી આવ્યું છે ને પાંચેક મહિનાથી આ પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો છે, પણ કેન્દ્ર સરકાર તેને હળવાશથી લઈ રહી હોવાનું લાગે છે. એ બેહદ ચિંતાનો વિષય છે કે કાશ્મીરી ઘાટીઓ પૂરતી સીમિત રહેલી આતંકી ગતિવિધિ જમ્મુ સુધી વિસ્તરી છે, એટલું જ નહીં, પાંચેક મહિનામાં જમ્મુ મુખ્ય મથક પણ બન્યું છે, તે પણ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે ! લોકસભાની ચૂંટણીમાં ભારે મતદાન થયું તેવું આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ન થાય ને વાતાવરણ બગડે એવી કોઈ રમત રમાતી હોવાનું આતંકી પ્રવૃત્તિઓમાં આવેલા વેગ પરથી લાગે છે. શંકા તો એવી પણ છે કે કાશ્મીરથી જમ્મુ સુધી આતંકીઓ પહોંચવામાં સફળ થયા છે, એમાં સ્થાનિકોનો સહકાર મળી રહ્યો હોય એવી શક્યતા નકારી શકાય એમ નથી.
વાત તો એવી પણ છે કે પાકિસ્તાન પૂર્વ સૈનિકોને આતંકવાદી બનાવીને ભારતમાં મોકલી રહ્યું છે. એ સાથે જ ટેકનિકલ ઇન્ટેલિજન્સ મામલે પણ પ્રશ્નો ઉદ્દભવે છે. નવી ટેકનોલોજી સેનામાં દાખલ કરવાની વર્ષોથી વાત ચાલે છે, પણ હજી સુધી તો એ વાતો જ છે. આટલા આતંકી હુમલા થાય એનો અર્થ જ એ કે આતંકીઓનું કોમ્યુનિકેશન પહોંચની બહાર છે. એવે વખતે કેવળ સૂત્રોથી આશ્વસ્ત થઈ શકાય નહીં, કારણ સૈનિકો યુદ્ધમાં નહીં, પણ આતંકી હુમલામાં શહીદ થઈ રહ્યા છે. સૈનિકો તો જીવ રેડીને લડી રહ્યા છે, પણ વગર યુદ્ધે વેડફાઇ રહ્યા હોય તેવું લાગે છે. યુદ્ધ વગર, યુદ્ધ જેવું મોત કયો સૈનિક ઈચ્છે?
ખરેખર તો આ છમકલાંઓનો સામનો કરવા કરતાં, ભારતે પાકિસ્તાનને પૂરી તાકાતથી પડકારીને તેની બોલતી બંધ કરવી જોઈએ, પણ સરકારની ઢીલાશ આતંકીઓને જાણ્યે અજાણ્યે છમકલાંની તક પૂરી પાડે છે, આ છમકલાં એક પણ સૈનિકનો જીવ લઈ લે એ જરા પણ પરવડવું ન જોઈએ. ભારતીય સૈન્ય આતંકીઓનો સામનો કરે જ છે, પણ હકીકત એ છે કે સૈનિકો મરે પણ છે જ ! સવાલ એ છે કે કોઈ યુદ્ધ વગર ભારતનો એક પણ સૈનિક શું કામ મરવો જોઈએ?
પાકિસ્તાન જન્મ્યું છે ત્યારથી ભારતને નડ્યું છે, ભાગલાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે, ભારતે તેની સાથે યુદ્ધમાં સંડોવાવું પડ્યું છે ને એને લીધે એક વડા પ્રધાન તાશ્કંદમાં ખોયો પણ છે. એ પછી પણ નાપાક પાક ઠરીને બેઠું નથી. એ ખરું કે વૈશ્વિક આતંકવાદનાં મૂળમાં પાકિસ્તાન જ છે ને થોડે થોડે વખતે આતંકી હુમલાઓ કરીને ભારતને નબળું પાડવાના બાલિશ પ્રયત્નો કરતું રહ્યું છે. કારગિલ યુદ્ધ પછી પણ તે ઢીલું પડ્યું નથી, બલકે, વધારે વિકૃત થયું છે ને હવે તે ચીનને ખોળે બેઠું છે. ચીન પણ વાયા પાકિસ્તાન શત્રુતા તો ભારત સાથે જ વધારે છે ને એ દ્વારા પણ પાકિસ્તાન, ભારતને કનડી શકતું હોય તો એ તક તે જવા દેવા તૈયાર નથી. આમ બેવડાં જોખમો પાકિસ્તાન અને ચીનનાં સામે હોય ને સરકાર વિપક્ષને પાઠ ભણાવવામાંથી જ ઊંચી ન આવતી હોય તો એ કઈ રીતે યોગ્ય છે?
આમ તો પી.ઓ.કે. (પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર) 1947થી ચાલી આવતી વર્ષો જૂની સમસ્યા છે, પણ 2024 છતાં એનો નિકાલ આવ્યો નથી, એ જ બતાવે છે કે સરકારનું ધ્યાન આ મામલે કેટલું છે ! મંત્રીઓ બોલ્યા કરે છે કે પી.ઓ.કે. લઈને રહીશું, પણ ક્યારે, એનો જવાબ મળતો નથી. આટલાં વર્ષમાં એનું મુહૂર્ત કેમ આવ્યું નથી એવું કોઈ પૂછતું નથી. મંત્રીઓની આતંકવાદને ખતમ કરવાની કે કચડી નાખવાની ઘણી વાતો કાન કોતરે છે, પણ વાતો, પરિણામ પણ આપે તે અપેક્ષિત છે. એક વાત સ્પષ્ટ છે કે યુદ્ધ વગર, પી.ઓ.કે. અને આતંકી પ્રવૃત્તિઓનો અંત આવવાનો નથી. સામેથી લડવા ન જવું, પણ કોઈ હક દબાવીને બેઠું હોય કે છાશવારે કનડગત કર્યાં જ કરતું હોય ને સમજાવટથી કામ થાય એમ જ ન હોય તો પાઠ ભણાવવામાં કૈં ખોટું નથી. કરડવું નહીં, પણ ફૂંફાડો ય ન મારવો એ કાયરતા છે એ સમજી લેવાનું રહે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જુલાઈ 2024