હિંદુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્ક્યુબેટરમાં છે અને એ ઇન્કયુબેટર બી.જે.પી. સીસ્ટમનું બનેલું છે. અધૂરા મહીને જન્મેલા બાળકને કે બીજાં અશક્ત બાળકોને ઇન્કયુબેટરમાં એટલા માટે રાખવામાં આવે છે કે તે ગર્ભબાહ્ય વાતાવરણમાં જીવવાની ક્ષમતા કેળવે, એ વાતારણ અપનાવતું થાય અને વાતાવરણ પણ એ બાળકને તેની શારીરિક વિશેષતાઓ સાથે સ્વીકારે. જે વિશેષ સુરક્ષા આપવામાં આવે છે એ તો બાળક સ્વતંત્ર રીતે જીવતું થાય એ માટેની હોય છે. કેટલાંક બાળકો સ્વતંત્રપણે જીવવાની ક્ષમતા કેળવી લે છે અને જે નથી કેળવી શકતાં એ મૃત્યુ પામે છે.
૨૦૧૪થી હિંદુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્કયુબેટરમાં છે અને તેમાંથી બહાર કાઢવામાં નથી આવતું, કારણ કે તેમને ભય છે કે જો રાજ્ય નામનાં ઇન્કયુબેટરને હટાવવામાં આવશે તો એ જીવી નહીં શકે. માટે રાજ્ય છીનવાઈ ન જાય એ માટે તેમણે બી.જે.પી. સીસ્ટમ વિકસાવી છે. બી.જે.પી. સિસ્ટમનાં લક્ષણો આ પહેલાના લેખમાં બતાવવામાં આવ્યાં હતાં. પ્રજાને વિકલ્પશૂન્ય કરી નાખવી. હિંદુરાષ્ટ્રનો વિરોધ કરનારા રાજકીય વિકલ્પ જ ન બચે તો રાજ્ય કોણ કબજે કરશે? જ્યાં સુધી સત્તા દ્વારા રાજ્ય પર કબજો છે ત્યાં સુધી હિંદુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્કયુબેટરમાં સુરક્ષિત છે.
પણ ક્યાં સુધી? લાખ રૂપિયાનો સવાલ આ છે. બહુમતી પ્રજાની સ્વીકૃતિ વિના અને બહુમતી પ્રજાની ભાગીદારી વિના માત્ર સત્તા દ્વારા રાજ્યનો કબજો કરીને કોઈ કલ્પનાને ક્યાં સુધી જીવાડી શકાય? રાજ્યાશ્રય લોકાશ્રયની જગ્યા લઈ શકે? આવો ઇતિહાસમાં કોઈ દાખલો ઉપલબ્ધ છે? આનો અર્થ એવો નથી કે ભારતીય રાષ્ટ્રની કલ્પના ખામીરહિત છે. આનો અર્થ એવો પણ નથી કે ભારતીય રાષ્ટ્રે અપનાવેલી બંધારણીય વ્યવસ્થા ખામીરહિત છે. આનો અર્થ એવો પણ નથી કે ભારતની તમામ પ્રજા ભારતીય રાષ્ટ્રની કલ્પનાની સમર્થક છે અને કોઈ વિરોધ નથી કરતું. કોણ વિરોધ કરે છે અને કઈ વાતે વિરોધ કરે છે એ આ દેશમાં બધા જાણે છે. એમાં સમયે સમયે સુધારા થઈ શકે છે અને અત્યારે ભારતીય રાષ્ટ્રની કલ્પના સામે જે પડકાર પેદા થયો છે એ સુધારા માટેનો છે. સુધારાની ગુહાર દાયકાઓથી લગાવવામાં આવતી હતી, પરંતુ ભારતીય રાષ્ટ્રનો વિરોધ કરનારાઓ અને તેને મિટાવીને તેની જગ્યાએ હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગનારાઓ સત્તાથી જોજન દૂર હતા અને તેઓ ક્યારે ય પોતીકી બહુમતી સાથે સત્તા સુધી નહીં પહોંચી શકે એવી ધારણાથી દોરવાઈને કોઈએ તે ગુહારને ગંભીરતાથી લીધી નહોતી. એટલે સમયસર સુધારા ન થયા પણ હવે કરવા પડે એમ છે. જો વિચાર કે કલ્પના પ્રાસંગિક હોય તો તેની સામે પેદા થતા પડકારો અને સંકટ તેમાં સુધારાના અવસર બનીને આવે છે, તે જીવાદોરી ટૂંકાવતા નથી, પણ લંબાવી આપે છે.
પણ એ કરે કોણ?
તમે જો ભારતનાં રાજકીય પરિદૃશ્ય પર નજર કરશો તો એક માત્ર રાહુલ ગાંધી છે જેને આ વાત સમજાઈ ગઈ છે. હિંદુરાષ્ટ્ર લોકાશ્રિત નથી, રાજ્યાશ્રિત છે અને જે લોકાશ્રિત ન હોય તેનું લાંબુ ભવિષ્ય ન હોય. એટલે તેઓ શબ્દ ચોર્યા વિના કે હિંદુઓથી ડર્યા વિના સ્પષ્ટ ભાષામાં વિનાયક દામોદર સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સીધા હુમલા કરી રહ્યા છે. તેમણે જે હિંદુ પેદા કર્યા છે એ સાચા હિંદુ નથી. હિંદુ દર્શન અને હિંદુ પરંપરા જે સમજ્યા હોય એ ઝેરી માનસ ન ધરાવે. કેટલાક હિંદુઓનાં માનસ પર કબજો કરવામાં તેમને સફળતા મળી છે, પણ બહુમતી હિંદુઓ હિન્દુત્વના પુરસ્કર્તા નથી. એક જમાનામાં જવાહરલાલ નેહરુ આ ભાષામાં બોલતા હતા. એ પછીનાં વર્ષોમાં કાઁગ્રેસના નેતાઓએ હિંદુ મધ્યમવર્ગથી ડરીને બોલવાનું બંધ કરી દીધું હતું. રાહુલ ગાંધીનાં મુખે ફરી એક વાર નેહરુની ભાષા સાંભળવા મળી રહી છે.
બીજી બાજુ ભારતીય રાષ્ટ્ર કહેવાતા સેક્યુલર રાજકીય પક્ષોએ નિરાશ કર્યા હોવા છતાં લોકાશ્રિત છે. હજુ પણ બહુમતી હિંદુઓ ભારતીય રાષ્ટ્રમાં શ્રદ્ધા ધરાવે છે અને હિંદુરાષ્ટ્રથી ડરેલા છે. એક વાત નક્કી છે કે લોકશાહી વિરોધી બી.જે.પી. સીસ્ટમ ગમે એટલી તાકાત લગાવે અને રાજ્ય પર કબજો કરે, પરંતુ એક દિવસ તેનો અંત આવવાનો છે. રાજ્યાશ્રય ક્યારે ય લોકાશ્રયની જગ્યા ન લઈ શકે. રાહુલ ગાંધીએ એવા હિંદુઓને નોખા તારવાનું શરૂ કર્યું છે જે લોકશાહીમાં, સેકયુલરિઝમમાં, સમાનતામાં, બંધારણીય મૂલ્યોમાં, ઉદારમતવાદી નરવી ભારતીય પરંપરામાં, બ્રાહ્મણ-શ્રમણ દર્શને પોષેલી હિંદુ પરંપરામાં, સંતોએ પ્રબોધેલી માનવતામાં શ્રદ્ધા ધરાવે છે. આવા હિંદુઓની સંખ્યા ઘણી મોટી છે એ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પછી સ્પષ્ટ થઈ ગયું છે.
અને એક વાત હવે એ પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે હિંદુરાષ્ટ્રની એવી કોઈ કલ્પના જ નથી જેને લોકો સ્વીકારે. બહુમતી હિંદુઓ સ્વીકારે. જેમાં લઘુમતી કોમ અભયનો અનુભવ કરે. તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર એ જ છે જે અત્યારે જોવા મળી રહ્યું છે, પછી ભલે તેઓ ગમે એવી મોટી વાતો કરે. હિંદુરાષ્ટ્રને ટકાવી રાખવા માટે રાજ્ય પર કબજો કરવો પડે અને રાજ્ય હાથમાંથી સરકી ન જાય એ માટે બી.જે.પી. સીસ્ટમ દાખલ કરવી પડે એનાથી મોટો પરાજય બીજો કયો હોઈ શકે.
રાહુલ ગાંધી આ જાણે છે એટલે તેમણે લોકમાન્ય ભારતીય રાષ્ટ્રને રાજ્યરક્ષિત હિંદુરાષ્ટ્ર સામે મૂકવાનું શરૂ કર્યું છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 નવેમ્બર 2024