Opinion Magazine
Number of visits: 9553023
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 October 2025

મિસ્યુઝ-ડિસ્યુઝ મંડળી માટે થોડો ઇશારો

એક ગાળો જો સરદારને પડતા મેલવાનો, એમના ડિસ્યુઝનો હતો, તો બીજો ગાળો એમના ભળતા સળતા ઉપયોગનો એટલે કે મિસ્–યુઝનો છે … સરવાળે બચાડા ડિસમિસ થઈ જાય તોપણ ભલે!

પ્રકાશ ન. શાહ

આવતીકાલના સરદાર સાર્ધ શતાબ્દી પર્વને અનુલક્ષીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં ‘મન કી બાત’માં સૌને ‘એકતા દોટ'(‘રન ફૉર યુનિટી’)માં સામેલ થવા અનુરોધ કર્યો તે અલબત્ત ઠીક જ છે. જો કે વસ્તુતઃ ભા.જ.પ. જે ખાસ તરેહની સરદાર આવૃત્તિ પેશ કરવા માગે છે, તેને વિશે સમગ્રતામાં તપાસ્યા અને વિચાર્યા વગર આવાં ઉજવણાં ફોગટ છે. અલબત્ત, તે પક્ષીય પ્રચારસામગ્રી તરીકે ખપ આવી શકે, પણ તે કંઈ સરદારને સાચી અંજલિનો અવેજ ન હોઈ શકે. 

સ્વાતંત્ર્યોત્તર ભારતમાં એવો એક તબક્કો જરૂર આવ્યો જ્યારે સરદારને કંઈક વીસારે પાડવામાં આવ્યા આ અસંતુલિત અભિગમથી શું બન્યું? ગોપાલકૃષ્ણ ગાંધીના યાદગાર શબ્દોમાં કાઁગ્રેસે સરદારને પડતા મૂક્યા (ડિસ્યુઝ) અને સંઘ-ભા.જ.પે. એમને ભળતા પ્રકાશમાં મૂકવાની કોશિશ કરી – મિસ્ યુઝ. ‘ડિસ્’ અને ‘મિસ્’ની આ પટાબાજીમાં ખરા સરદાર બચાડા ક્યાં ય શોધ્યા ન જડે એવો ઘાટ થયો. 

ચાલુ વરસે કાઁગ્રેસે અમદાવાદ અધિવેશન નિમિત્તે સરદારને વિશેષ રૂપે સંભાર્યા એ ઠીક જ થયું, પણ વસ્તુતઃ એમાં કઈ હદે ઝમ્યું છે અને નકરા ઉપચાર કરતાં કેટલું આગળ ગયું છે. એ અલબત્ત જોવાનું રહે છે. 

જ્યાં સુધી સરદારના મિસ્ યુઝનો સવાલ છે, એનું રંજ અને રમૂજભર્યું ઉદાહરણ ગોપાલ ગોડસેની કિતાબમાંથી મળી રહી છે. ગોડ્સે-કૃત્ય તરફ સરદારની કેમ જાણે કૂણી લાગણી હોય, એવું પોતાને જેલવાસમાં મળેલી કાયદેસરની સગવડ સંદર્ભે તે ઇશારે ઇશારે સૂચવતા હોય એવી છાપ એમાંથી ઉઠે છે. અલબત્ત, આ પુસ્તકનું મોટું અર્પણ, ‘અમે અમારી જુબાનીમાં તાત્યારાવ (સાવરકર) અને સંઘને બચાવી લીધા હતા’ એવી ગોપાલ ગોડસેની સાહેદીનું છે.

સરદારનું લોહપુરુષપણું જ્યારે અનિવાર્ય સમજાયું ત્યારે ભાગલાના સ્વીકાર તરફ જવા જેવા બિનલોકપ્રિય નિર્ણયમાં પ્રગટ થાય છે એ વિગત એમની ભા.જ.પ. આવૃત્તિને અગરાજ છે. પક્ષશ્રેષ્ઠી જસવંતસિંઘના પુસ્તકમાં આ વિગત આવી ત્યારે ગુજરાત સરાકરે એના પર પ્રતિબંધ મૂક્યો હતો. (જે હાઇકોર્ટમાં ટક્યો ન હતો). અરુણ શૌરીએ ત્યારે સોજ્જું સુણાવ્યું હતું કે ભાઈ તમે સંઘશ્રેષ્ઠી શેષાદ્રિનું જ પુસ્તક વાંચો ને. એમાં આ બધું જ મળશે …. મૂકો એના પર પ્રતિબંધ!

રિયાસતોના એકીકરણનો યશ સરદારને વાજબી રીતે જ અપાય છે. નેહરુના ઇતિહાસદર્જ શબ્દોમાં એ ‘દેશની એકતાના સ્થપતિ’ હતા. પણ એકીકરણની આ પ્રક્રિયા, યથાસંદર્ભ ઓછેવત્તે અંશે બે છેડેથી ચાલી હતી – એક છેડો રાજ્યનો તો બીજો છેડો પ્રજાનો, કાશ્મીરમાં જેમ કે હરિસિંહ અને શેખ અબદુલ્લા એ બે છેડા હતા. આગોતરી જાણને ધોરણે વડા પ્રધાન નેહરુએ ગૃહ પ્રધાન સરદારને કબાઇલી હુમલા અંગે સાવધ કર્યાં હતા, અને સરદારે હરિસિંહને સમજાવવામાં કોઈ કસર છોડી નહોતી. હરિસિંહે ભારતીય સંઘમાં ભળવાનો નિર્ણય લેવામાં ટાળંટાળી કરી અને આક્રમણ થઈને રહ્યું. સંઘ વર્તુળો કહે છે કે સરદારે સરસંઘચાલક ગોળવલકરને પણ હરિસિંહને સમજાવવા સૂચવ્યું હતું અને એમણે પણ પ્રયાસ કર્યો હતો. 

જો કે, રિયાસતી બાબતોમાં સંઘ, હિંદુ મહાસભામાં વગેરેનું સંધાન ને કામગીરી કાબિલે તપાસ છે. કોઈ દેશી રજવાડું સ્વતંત્રતા પ્રકારનો વિકલ્પ પસંદ કરે તો એમાં સંભવિત નેતાઓનું હતું. ત્રાવણકોર કોચીને અલગ ઝંડો ખોડ્યો તો સાવરકરે એને અંગે હરખ પ્રગટ કર્યો હતો. પ્રાંતિક સ્વરાજના ગાળામાં સરદાર પટેલે પાર્લમેન્ટરી બોર્ડના ચેરમેનની હેસિયતથી શિસ્તભંગ સબબ જેમને પ્રધાન પદેથી બરતરફ કર્યા હતા તે સંઘમિત્ર એન.બી. ખરે ભાગલાના માહોલમાં હિંદુ રિયાસતો સાથે સંદિગ્ધ સંબંધ ધરાવતા હતા. 

ભાગલાવાદી મુસ્લિમ રાજકારણીઓને નો-નોન્સેન્સ ભાષામાં પડકારી શકતા સરદારે દેશના બંધારણ બાબતે અને તિરંગા માટે સંઘને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું એ ભૂલવા જેવું નથી, અને હા ‘હિંદુ રાષ્ટ્ર’ને એક પાગલ ખ્યાલ પણ એમણે જ કહ્યું’તું.

ઘણું લખી શકાય, આ તો થોડાંક જ ઇંગિત માત્ર મિસ્યુઝ-ડિસ્યુઝ મંડળી માટે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 29 ઑક્ટોબર 2025

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|29 October 2025

પૂછનારે મિજાજનું પૂછ્યું,
કોઈએ ના ઇલાજનું પૂછ્યું.

દોસ્ત રણમાં જઈ જે નાંગર્યું,
મેં તને એ જહાજનું પૂછ્યું.

એમણે તો લવણ જ વાવ્યું છે,
જેમણે તખ્તોતાજનું પૂછ્યું.

એય લય તાનમાં જ તૂટ્યું છે,
દોસ્ત તેં શીદ સાજનું પૂછ્યું?

ના કદી દૂરથી જ પરખાયો,
ડૂબતા એ અવાજનું પૂછ્યું.

તોય ગઈકાલનો કરી સાંધો,
તેં મને દોસ્ત આજનું પૂછ્યું.

26.10.2025
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ.તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

રમેશ સવાણી|Opinion - Opinion|29 October 2025

ગુજરાતના જાગૃત યૂટ્યૂબર જ્યોત્સ્ના આહિરે 24 ઓક્ટોબર 2025ના રોજ ગાંધીવિચાર સાથે જોડાયેલ ઉત્તમ પરમારની મુલાકાત લીધી છે. આ મુલાકાત વિચારપ્રેરક છે. 

જ્યોત્સ્ના : “કોઈપણ આપદા હોય ત્યારે ત્યાં RSS-સંધના લોકો યુનિફોર્મ પહેરીને પહેલા પહોંચી જાય છે સેવા આપવા માટે. આને તમે કઈ રીતે જૂઓ છો? જો સંધ રાષ્ટ્રદ્રોહી હોય તો રાષ્ટ્ર માટે આટલી પ્રતિબદ્ધતા કેમ?”

ઉત્તમભાઈ : “ખૂબ સારો પ્રશ્ન કર્યો છે. ગાંધીજી પાસે એક પત્રકારે કહ્યું હતું કે ‘બાપુ, તમે સંઘ પરિવારની વિચારધારાનો વિરોધ કરો છો, સંઘના લોકો ગેરમાર્ગે દોરવાઈ ગયા છે, ખોટી વિચારધારામાં સંડોવાઈ ગયા છે. પરંતુ સંઘ તો લોકોની વચ્ચે જઈ કેટલી સેવાપ્રવૃતિ કરે છે? તેમની શિસ્ત જોરદાર છે. છતાં સંઘનો વિરોધ કેમ કરો છો?’ વાસ્તવમાં કોઈપણ વ્યક્તિની શિસ્ત અને સેવાથી અભિભૂત ન થવું જોઈએ. હિટલરની શિસ્ત અને સેવા સારી ગણાતી. તેનું નાઝી સૈન્ય સેવાપ્રવૃતિ કરતું હતું. સંઘ એ નાઝીની ભારતીય આવૃત્તિ છે. દારુનો અડ્ડો ચલાવતો હોય અને ગણપતિ ઉત્સવમાં લાખ રૂપિયાનું દાન આપે, એટલે તે ધર્મિષ્ઠ બની જાય? ગામમાં નકારાત્મક પ્રવૃત્તિ કરતો હોય એ ઈસમ દાનધરમ કરે તો તેને Respect આપવાનું? સેવાપ્રવૃતિનું સ્થાન છે, તે મરામતની પ્રવૃત્તિ છે. એનાથી સમાજ બનતો નથી. સમાજ બને છે વિચારધારાથી. સમાજ પરિવર્તન માટે સેવાપ્રવૃત્તિની જરૂર નથી. સેવાપ્રવૃત્તિ સમાજ જીવનને જાળવી રાખવાની વચગાળાની વ્યવસ્થા છે. એ અનિવાર્ય છે, કરવી જ જોઇએ. પરંતુ એની આડમાં તમે દેશના ભાગલા પાડવાના ધંધા કરો, દેશને તોડવાના ધંધા કરો, તમે હિન્દુ મુસ્લિમને લડાઈ મારવાના કાવતરા કરો, તમે જાતિઓને લડાવી મારો, તમે ભાષાના ઝઘડાઓ કરો, તો તેનાથી સમાજને વધુ નુકસાન થાય છે. તમે સેવાપ્રવૃત્તિ લાખ રૂપિયાની કરો અને કરોડો રૂપિયાનો તમે ઘાણ વાળી દો છો તમારી વિચારધારાના કારણે ! સંઘનો જન્મ થયો ત્યારથી આજ સુધી એટલી નકારાત્મક વિચારધારા ફેલાવી છે કે તેનાં કારણે સમાજને વિભાજિત કરી નાખ્યો છે. સમાજને અઢળક નુકસાન પહોંચાડ્યું છે. સંઘ ઇસ્લામોફોબિયા પેદા કરે છે. સંઘના મનુવાદી માનસિકતા ધરાવનાર સંઘના નેતાઓ પોતાની વાતાનુકૂલિત આઈવરી ચેમ્બરમાં બેસીને ઈસ્લામ સામેના ગોકીરા મચાવે છે. એ ગોકીરા ઝીલવાના કોણે? તો કે દલિતના / આદિવાસીના / OBCના દીકરાઓએ ! એ પછી ગાંડા બને અને મુસ્લિમો સાથે અથડાય ! મારે જ્યોત્સ્ના આહિરને ખતમ કરવી હોય, તો જ્યોત્સ્ના બહુ સારી છે એમ કહ્યા કરવાનું. જ્યોત્સ્નાને મદદરૂપ થવા 5-10 હજાર રૂપિયા આપવાના.પણ જ્યોત્સ્ના કેમ કરીને ગભરાઈ જાય, કેમ કરીને ઉપર ન વધે, તેના માટે મારે માનસિકતા રાખવાની ! તો આ મારી માનસિકતા જ્યાં સુધી ખુલ્લી નહીં થાય ત્યાં સુધી મારી સેવાપ્રવૃત્તિનો શો અર્થ? તમે સેવાપ્રવૃત્તિ નહીં કરો તો ચાલશે. તમે ઘરમાં બેસો અને મગજ ચોખ્ખું રાખીને બેસો. હ્રદય પવિત્ર રાખીને બેસો.”

જ્યોત્સ્ના : “ઈસ્લામિક કટ્ટરપંથીના એક્શનની પ્રતિક્રિયા રૂપે સંઘની કટ્ટર વિચારધારા અસ્તિત્વમાં આવી છે?”

ઉત્તમભાઈ : “સંઘનો જન્મ ઈસ્લામિક કટ્ટરતાવાદ સામે નથી થયો. સંધનો જન્મ કેમ થયો તે કહું. ગાંધીજીએ અખિલ ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસને / ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનને, મનુવાદી માનસિકતામાંથી બહાર કાઢીને, જનવાદી માનસિકતામાં પ્રવેશ કરાવ્યો તેના કારણે સંધનો જન્મ થયો. 1885માં કાઁગ્રેસની સ્થાપના થઈ. 1915માં ગાંધીજી ભારત આવે છે. 1885થી 1915 દરમિયાન સંઘની માનસિકતા ધરાવનારને કાઁગ્રેસમાં રહેવામાં વાંધો ન હતો. તે સમયે કાઁગ્રેસ ભદ્ર વર્ગની  સંસ્થા હતી. તેમાં મહિલાઓનું / દલિતોનું / આદિવાસીઓનું / પછાતવર્ગોનું સ્થાન ન હતું. કાઁગ્રેસમાં શ્રીમંતો, મધ્યમવર્ગીય માનસિકતાવાળા માલેતુજાર લોકો ભેગા થતા હતા. તેઓ પોતાના આર્થિક હિતો / શિક્ષણના હિતોની માંગણી કરતા હતા, ભારતની આઝાદીની માંગણી કરતા ન હતા. તે વખતે હેડગેવારને વાંધો ન હતો. તે વખતે હેડગેવારને મુસ્લિમો નડતરરૂપ લાગ્યા ન હતા. ગાંધી પહેલા કાઁગ્રેસનું નેતૃત્વ લોકમાન્ય તિલક પાસે હતું. તે કહેતા કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. પણ એ હક્ક તેમનો જ હતો. એ દલિતોનો / આદિવાસીઓનો / પછાત વર્ગનો / મહિલાઓનો ન હતો.1915થી 1920 દરમિયાન ગાંધીજી કાઁગ્રેસની કાયાપલટ કરે છે. કાઁગ્રેસનું ભદ્ર વર્ગીય કલ્ચર હતું તેને જનવાદી કલ્ચરમાં ફેરવે છે. ગાંધીજીએ કહ્યું કે મારે આંદોલનમાં મહિલાઓ / દલિતો / આદિવાસીઓ / પછાતવર્ગ જોઈએ. ખેડૂતો જોઈએ, શ્રમિકો જોઈએ. ગાંધીજી ખેડૂતોના / શ્રમિકોના મુદ્દાઓ પકડે છે. તેમની સમસ્યાઓ હાથ પર લે છે. શું જરૂર હતી, આઝાદીની ચળવળમાં ખેડૂતોને / શ્રમિકોને / મહિલાઓને વચ્ચે નાખવાની? ગાંધીજીએ કહ્યું કે મારે આઝાદી નહીં આવે તો ચાલશે ! પણ મારા આંદોલનમાં મહિલાઓ જોઈએ. ગાંધીજીએ દેશનું પરિભ્રમણ કર્યુ અને જોયું કે 50% મહિલાઓ નથી દેખાતી; 70% ખેડૂતો અને મજૂરો દેખાતા નથી. 14% દલિતો દેખાતા નથી. 8% આદિવાસી નથી દેખાતા. 54% પછાત વર્ગ દેખાતો નથી. આ બધા મારે જોઈએ. એટલે લોકમાન્ય તિલકનો પિત્તો ગયો. તિલકે ગાંધીજીને કહ્યું કે તમે કુંભારને સંસદમાં મોકલીને માટલાં ઘડાવવા ઈચ્છો છો? તમે સમાન ભાગીદારી / સમાન અધિકારની વાતો કરો છો, એની શી જરૂર છે? આપણે આઝાદી તો અંગ્રેજો પાસેથી લેવાની છે. તેમાં કુંભારને શા માટે વચ્ચે લાવો છો? ગાંધીએ કહ્યું કે મારો કુંભાર ગામડામાં માટલા પણ ઘડશે, અને દિલ્હીમાં સંસદ પણ ચલાવશે ! 1920માં તિલક મૃત્યુ પામ્યા. આઝાદીના સૂત્રો / કાઁગ્રેસનાં સૂત્રો ગાંધીજીના હાથમાં આવ્યા. તેમણે જનવાદી આંદોલન આરંભ્યું. આખા દેશના લોકોમાં જાગૃતિ આવી. આ લોકોની જાગૃતિથી સંઘના પેટમાં તેલ રેડાયું. સંઘ એટલે બ્રાહ્મણવાદી-મનુવાદી માનસિકતા ધરાવનાર લોકો. એટલે જે કલ્પના હતી કે પુણેના બ્રાહ્મણવાદીઓ દેશ પર વર્ચસ્વ ભોગવશે તે ધૂળધાણી થઈ ગઈ. આઝાદીના આંદોલનમાં લોકોનો મહાસાગર ઊમટ્યો. સામાન્ય માણસ એટલો જાગૃત થયો કે આ બધી મનુવાદી માનસિકતા હલબલી ગઈ. 3,000 વરસથી પગ નીચે રાખેલ લોકો જાગે તો કંઈ રીતે પોસાય? 90% વર્ગના શોષણ થકી જેનું જીવન ચાલતું હોય, તેને ત્રણ હજાર વર્ષ પછી રાતોરાત બધું છોડી દેવું પડે તો તેને પોસાય? એટલે સંઘને દેખાયું કે આ ગાંધી આપણા માટે નડતરરૂપ વ્યક્તિ છે. એને પહેલાં પડકારો. એને કાઁગ્રેસમાં અપ્રસ્તુત બનાવો. કાઁગ્રેસની બહાર રહીને એનો વિરોધ કરો. એનું આંદોલન તોડી પાડો ! તેનું બધું તોડી પાડો. તો જ આપણે બચી શકીશું, નહીંતર બચવાના નથી. એટલે એમણે કાઁગ્રેસનો વિરોધ કરવા માટે 1925માં સંઘની સ્થાપના કરી. સંઘને ઇસ્લામોફોબિયા કેમ છે? સંઘ એવું તો કહી શકે નહીં કે ગાંધી દલિતોને / આદિવાસીઓને / મિલ મજૂરોને / ખેડૂતોને / ખેતમજૂરોને / મહિલાઓને જાગૃત કરે છે તે ખોટું છે. એવું કહે તો લોકો તેને ચોંટે કે અમને જાગૃત કરે તેમાં તમને કેમ વાંધો છે? તો શું કરવાનું? એટલે સંઘે નક્કી કર્યું કે આપણા સૌનો એક કોમન દુ:શ્મન ઊભો કરો ! ઈસ્લામ આપણો દુ:શ્મન. કાઁગ્રેસ ઈસ્લામને પ્રોત્સાહન આપે છે તેવો ભ્રામક પ્રચાર કરો. ગાંધીજીએ હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરી તો સંઘના લોકો ભડક્યા. એટલે સંઘે હિન્દુત્વ ધારણ કર્યું અને કાઁગ્રેસને હિન્દુ વિરોધી ચિતરી ! કાઁગ્રેસ મુસ્લિમ તૃષ્ટિકરણ કરે છે તેવી વાતો ફેલાવી. એટલે આપોઆપ દલિતો / આદિવાસીઓ / મિલ મજૂરો / ખેડૂતો / ખેતમજૂરો / મહિલાઓ હિન્દુત્વના નામે આપણને સમર્થન કરતા થઈ જશે. કાઁગ્રેસ જેને જગાડે છે એને આપણે ફરી કોમવાદી બનાવી દો ! ધાર્મિક અંધશ્રદ્ધાળુ બનાવી દો ! મુસ્લિમો / ખ્રિસ્તીઓ સામે અથડાવી મારો. કેવી વ્યૂહરચના !” 

https://www.facebook.com/share/v/1A3kcaYxNp/?mibextid=wwXIfr…

28 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...47484950...607080...

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved