વધુ મુશ્કેલ બાબત એ છે કે ભારતની સંરક્ષણ સંપાદનની કામગીરી ધીમી તો છે જ પણ અમુક વાર અપારદર્શક પણ હોય છે. બોઈંગના સોદાની કિંમતનો વધારો એ તંત્ર સ્તરે કાર્યક્ષમતાનો અભાવ દર્શાવે છે. આ કારણે જ આપણે બાહ્ય આર્થિક દબાણોમાં સપડાવા માટે સંવેદનશીલ રાષ્ટ્ર બનીએ છીએ.

ચિરંતના ભટ્ટ
વૈશ્વિક વ્યવસ્થાની ચાકીઓ ફરી રહી છે, રાષ્ટ્રીય સત્તાઓના સ્તર, તેમની તાકાત, તેમની નીતિઓ – બધું જ બદલાઈ રહ્યું છે. ફેરફાર આવી રહ્યા છે અને લીલા ભેગું સૂકું બળે એવો ઘાટ પણ થઇ રહ્યો છે. એક તરફ ખાઈ અને બીજી તરફ કૂવો જેવી સ્થિતિ ઓછે વત્તે અંશે બધા જ દેશો માટે છે. આપણે માત્ર આપણા દેશની દૃષ્ટિએ વાત કરીએ તો રાજકીય ભૌગોલિક સંજોગો એવા રચાયા છે કે અમેરિકન ઇગલ અને ચાઈનીઝ ડ્રેગન સાથે આપણો ભારતીય હાથી સંતુલન કરવા માટે જાણે દોરડા પરનું તરકટ કરતો હોય એવી રીતે સંતુલન બનાવી રહ્યો છે.
ટ્રમ્પની ભૂલભરેલી વ્યૂહરચના
ડોનાલ્ડ ટ્રમ્પને યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ તરીકે બીજીવારની ઇનિંગના આઠ મહિના પૂરા થયા છે. આટલા વખતમાં તેણે ભારત-યુ.એસ.ની આટલાં વર્ષોની વ્યૂહાત્મક ભાગીદારીને ભૂતકાળ બનાવી દીધી હોય એવું લાગે છે. અમેરિકા ફર્સ્ટ – એ ટ્રમ્પનો નારો હતો. પોતાના આ એજન્ડાને લઈને વિચાર્યા વગર આગળ વધેલા ટ્રમ્પે એશિયા પેસિફિકના તેના સૌથી સારા સાથી રાષ્ટ્ર પર આર્થિક શસ્ત્રોનો હુમલો કર્યો.
પરિણામ? ભારતે આ અઠવાડિયે 3.6 બિલિયન ડૉલર્સની બોઈંગ P-8I મેરિટાઈમ સર્વિલિયન્સ એરક્રાફ્ટના સોદાને અટકાવી દીધો છે. ટ્રમ્પે 25 ટકા (અમુક કિસ્સામાં 50 ટકા સુધી) ટેરિફ ઝીંક્યાનો આ સીધો જવાબ છે. 1998માં ભારત અને યુ.એસ.એ. વચ્ચેના સંબંધોમાં ન્યુક્લિયર ટેસ્ટને કારણે નાટ્યાત્મક તિરાડ પડી હતી. તે પછી એ પ્રકારના સંજોગો અત્યારે ખડા થયાં છે.
આ પરિસ્થિતિમાં વિરોધાભાસ દેખીતો છે. ટ્રમ્પ, જેણે ચીનને કાબૂમાં રાખવાની ઝુંબેશ ચલાવી, તેણે પોતાના સાથી ગણાતા રાષ્ટ્ર ભારતને જાણે પોતાના હરીફ ચીનના હાથમાં ધકેલ્યો. આને ભૌગોલિક રાજકીય કૂટનીતિ નહીં પણ રાજદ્વારી આત્મહત્યા કહેવાય. ટ્રમ્પ ભારત સાથે જે વહેવાર કરે છે તે અતાર્કિકતા અને અસંગતતાનો માસ્ટર ક્લાસ છે. જાન્યુઆરી 2025થી ટ્રમ્પે ટેરિફના ગાણાં ગાયાં હતા અને આખરે તેણે ધાર્યું કર્યું પણ.
ભારતીય આઈ.ટી. સેવાઓ અને ફાર્માસ્યુટિકલ્સની અમેરિકા તરફથી તોતિંગ માંગ છે જે સરપ્લસમાં છે. યુ.એસ.એ. સાથેના આ વ્યાપારનો ભારતને હંમેશાંથી લાભ મળતો આવ્યો છે. હવે જેટના મામલે જે રીતે સોદો અટક્યો છે તે બતાડે છે કે ટ્રમ્પની લેવડ-દેવડની કૂટનીતિ સાવ ઢંગ ધડા વગરની છે.
2021માં 2.42 બિલિયન ડૉલર્સમાં મંજૂર થયેલો આ સોદો આમે ય પુરવઠાની ચેઈનમાં આવેલા અવરોધો અને ફુગાવાને કારણે 3.6 બિલિયન ડૉલર્સ પર પહોંચ્યો હતો. ટ્રમ્પના ટેરિફના દાવને કારણે એરક્રાફ્ટ ભારતના સુરક્ષા બજેટ માટે બહુ મોંઘા થઈ ગયા. ભારતીય નૌકા દળ બાર P-8I એરક્રાફ્ટ ઓપરેટ કરે છે અને તે ઈન્ડો-પેસિફિક સર્વેલિયન્સ માટે અનિવાર્ય છે. હવે ભારતીય નૌકાદળે નવા અને સ્વદેશી વિકલ્પો શોધવા પડશે. અમેરિકા તરફથી સુરક્ષા માટેના સંસાધનોના નિકાસકારો માટે આ સ્થિતિ બહુ આવકાર્ય નથી.
ટ્રમ્પનો આ વહેવાર સાબિત કરે છે કે તેને મિત્રો અને શત્રુઓ વચ્ચેનો ભેદ પારખતા નથી આવડતું. આ એ જ પ્રેસિડન્ટ છે જેણે અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચી લીધું અને ભાગીદાર દેશોને પણ ગણતરીમાં ન લીધા. જોવાનું એ છે કે ટ્રમ્પને એવી અપેક્ષા છે કે પોતાની આ દાદાગીરી અથવા તો આર્થિક દંડને ભારતે ચૂપચાપ વેઠી લઈને ચીન સામેનું પોતાનું વિરોધાભાસી વલણ યથાવત રાખે. રાજદ્વારી સ્તરનું આવું આંધળુકિયું વલણ હાસ્યાસ્પદ સાબિત થઈ શકે છે એવું ટ્રમ્પ સમજે તો સારું.
ચીનનો તકવાદી અભિગમ
આ તરફ ભારતે જેટનો સોદો અટકાવ્યો તેની સાથે બેઈજિંગ સાથે રાજદ્વારી વાતચીત પુનર્જીવિત કરી. ચીને જે વ્યૂહાત્મક ધીરજ દાખવી છે જે ટ્રમ્પમાં ક્યાં ય વર્તાતી નથી. 2020માં ગલવાનમાં થયેલા સંઘર્ષ અને સરહદ પરના તણાવ છતાં બેઈજિંગે બહુ સિફતથી અમેરિકાની ભૂલનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. તાજેતરમાં જ્યારે ચીન-ભારતના સૈન્ય વચ્ચે થયેલા સંવાદને પગલે સમયાંતરે પૂર્વ લદાખમાંથી લશ્કરી ટૂકડીઓનું વિસર્જન થયું, તે અચાનક થયેલી ઘટના નથી પણ બહુ ગણતરીપૂર્વકનો તકવાદ છે. ચીનની ઉદારતા નથી પણ હોંશિયારી છે. જે રીતે ટ્રમ્પની આડોડાઈને કારણે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાન જેવા દેશોએ ચીન સાથે સંબંધો સુધાર્યા છે, તે જ દિશામાં ભારત પણ કદમ માંડે એવો વખત આવ્યો છે.
વડા પ્રધાન મોદીએ શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં હાજરી આપી તે પણ એક વૈચારિક પગલું હતું. જ્યારે તમારા કૂટનૈતિક ભાગીદાર તમને આર્થિક શત્રુ તરીકે જોતા હોય ત્યારે તમારા પરંપરાગત શત્રુ સાથે સંબંધો હળવા કરવાની પહેલ ભૌગોલિક-રાજકીય સ્તરે તાર્કિક પગલું જ ગણાય.
ભારતનો પડકાર – “સંતુલન!”
જો કે ભારતે ચીન સાથેની દોસ્તીમાં ચેતતા રહેવું પડશે તે જરૂરી છે. દિલ્હી અને બેઈજિંગ વચ્ચે વિશ્વાસની અછત તો સરહદના સંઘર્ષો કરતાં ઘણી ઊંડી છે. પાકિસ્તાન માટે ચીનનો સતત ટેકો અવગણી ન શકાય.
વળી મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ગુપ્ત માહિતીની આપ-લેમાં ચીનનો હાથ હોવાનો અહેવાલ પણ છે. કોઈપણ વ્યૂહાત્મક દોસ્તીની, ભાગીદારીની કે સહયોગની આગવી મર્યાદાઓ હોય છે. ભારત-અમેરિકા વચ્ચેના તણાવને બેઈજિંગ ભારતની સ્વાયત્તતાને મર્યાદામાં રાખવાની તક તરીકે જુએ છે, ખરેખર દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે નહીં.
અત્યારે આપણી સરકાર એક સંકુલ પરિસ્થિતિમાં છે. એક તરફ આર્થિક વ્યવહાર માટે આપણે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. બીજી તરફ વ્યૂહાત્મક વાસ્તવિકતા માટે હિંદ મહાસાગર અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન પોતાનો પ્રસાર ન કરે, પકડ ન જમાવે તેની પણ પૂરી કાળજી રાખવાની જરૂર છે.
ટ્રમ્પના ટેરિફના તાંડવ સામે ભારતે બહુ માપી-જોખીને મક્કમ જવાબ આપ્યો છે. બોઈંગના સોદાને અટકાવીને આપણે ચોખ્ખો સંદેશ આપ્યો છે કે જો આર્થિક દબાણ કરાશે તો સામે આર્થિક ખોટ જાય એવાં પગલાં જ લેવાશે. જો કે સરકારે બેઈજિંગ તરફ વધુ પડતો ઝુકાવ રાખવાની લાલચ ટાળવી જોઈએ. ચીન પણ પોતાનો સ્વાર્થ જ જુએ છે, ચીનને ભારત સાથે વ્યૂહાત્મક સ્તરે સારાસારી કરીને સરળતાની કોઈ ચાહ ન હોય એ આપણે ન ભૂલવું જોઈએ. આપણો પડકાર છે વોશિંગ્ટન હોય કે બેઈજિંગ હોય – કોઈની ય શરણાગતિ સ્વીકાર્યા વિના વ્યૂહાત્મક સ્વાયત્તતા સચવાયેલી રહે.
સરકારની ભૂલો અને સુધારાની અનિવાર્યતા
હવે ટ્રમ્પે ટેરિફના નામે અરાજકતા ફેલાવી છે તો આપણી સરકારે પણ કંઈ બહુ શાલીનતા નથી જાળવી. ભારતને વિશ્વ ગુરુ ગણાવવાની કેન્દ્ર સરકારની ઘેલછાને કારણે સત્તાના રાજકારણનું સત્ય ઢંકાઈ ગયું છે. આપણે યુ.એસ.એ. સાથેની દોસ્તી જાહેરમાં અનેકવાર ઉજવી છે. આપણને તેની સ્થાનિક રીતે જરૂર હતી ત્યારે પણ આપણે અમેરિકા પાસેથી આપણી કેટલી અપેક્ષાઓ પૂરી થઈ શકે છે તેનું અવાસ્તવિક ચિત્ર આપણે ખડું કરી ચૂક્યા છીએ. વધુ મુશ્કેલ બાબત એ છે કે ભારતની સંરક્ષણ સંપાદનની કામગીરી ધીમી તો છે જ પણ અમુક વાર અપારદર્શક પણ હોય છે. બોઈંગના સોદાની કિંમતનો વધારો એ તંત્ર સ્તરે કાર્યક્ષમતાનો અભાવ દર્શાવે છે. આ કારણે જ આપણે બાહ્ય આર્થિક દબાણોમાં સપડાવા માટે સંવેદનશીલ રાષ્ટ્ર બનીએ છીએ.
આપણે સંરક્ષણના મામલે સ્વદેશીકરણની વાત ત્યારે જ કરીએ છીએ જ્યારે ટ્રમ્પના કારણે આપણું નાક દબાય છે. આપણે પ્રો-એક્ટિવ થવાની જરૂર છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવામાં કોઈ સાર નથી. આપણી સુરક્ષાના મામલે આપણું સ્વદેશીકરણ કાયમી વ્યૂહરચનાનો હિસ્સો બને એ રીતે તેને વેગ આપવો જોઈએ.
હવે આગળ શું?
આપણે ઘણી મહત્ત્વપૂર્ણ ગણતરીઓ કરવી પડે તેમ છે. પહેલાં તો ભારતે અમેરિકન સિસ્ટમોથી આગળ વધીને ઓપરેશનલ પ્રભાવમાં કોઈપણ સમાધાન કર્યા વિના સંરક્ષણના સંસાધનો મેળવવાં જોઈએ.
સ્વદેશી વિકલ્પો કદાચ વ્યૂહાત્મક રીતે મજબૂત ન હોય – તે રાતોરાત ખડાં પણ ન થઈ શકે. પણ અમેરિકા નહીં હોય તો આપણે સંરક્ષણના મામલે કાચા રહી જઈશું એવું અન્ય રાષ્ટ્રો ન માની લે તે જરૂરી છે.
બીજું એ કે નવી દિલ્હીએ અમેરિકા-ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે ફ્રાન્સ, જર્મની અને જાપાન જેવા રાષ્ટ્રો સાથે સંબંધ બહેતર કરવા જોઈએ.
ભારતે ચીન સાથેના સંબંધોને કાયમી દોસ્તી માની લેવાની ભૂલ તો કોઈ કાળે ન કરવી જોઈએ. બેઈજિંગની અત્યારે મધ્યસ્થી તરીકેની માનસિકતા અમેરિકન દબાણ અને ભારતીય લાભનું પ્રતિબિંબ છે. જો ટ્રમ્પની આડોડાઈ ભારતને નબળો પાડે તો ચીનનું વર્તન જેવું હતું એવું ફરી થઈ જ શકે છે.
રશિયન તેલ પર આપણી વધુ પડતી નિર્ભરતાથી વોશિંગ્ટન બુરાશે. ભારતનો તર્ક ટ્રમ્પને માફક નહીં આવે એ આપણે યાદ રાખવું જોઈએ. ચીન પર બહુ આધાર રાખીશું તો આપણે તેની મહત્ત્વાકાંક્ષાઓનો ભોગ બનીએ એમ તો બને જ પણ અન્ય વૈશ્વિક સાથીઓને પણ ચિંતા થઈ જશે.
મોદીએ ટ્રમ્પને દોસ્તીના નામે બહુ માથે બેસાડ્યા હતા તેની ટીકા પણ ચોમેર છે એટલે આવા જોખમો આપણે ટાળીએ એ પણ જરૂરી છે.
બાય ધી વે:
આપણે ઈગલ અને ડ્રેગન વચ્ચેથી પસંદગી કરવામાં સમય બગાડવા કરતાં સ્વતંત્ર કાર્યવાહી માટે આપણું સ્થાન મજબૂત કરવામાં સમય અને બળ વપારવા જોઈએ. આ માટે આર્થિક વૈવિધ્ય, સુરક્ષાના મામલે સ્વદેશીકરણ અને અમેરિકા-ચીન સાથેના સંબંધોમાં કાળજી અને સાવચેતી રાખવાની જરૂર છે. આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતા ત્યારે મજબૂત બનશે જ્યારે આપણે સમજદારી વાપરીશું. અન્ય લોકશાહી રાષ્ટ્રોની તાકાત અને આવડત આપણને કઈ રીતે કામ લાગી શકે છે તે વિચારીને આગળ વધવું પડશે. અમેરિકાના દબાણ અને ચીનના પ્રલોભનનો પ્રતિકાર કરવાની આપણામાં આવડત હોય તે અનિવાર્ય છે. અત્યારે સંજોગો આકરા હોવા છતાં હંમેશાં આપદામાંથી અવસર કરનારા આપણા વડા પ્રધાને અત્યારે પણ એ કરી બતાડવું જોઈએ. ટ્રમ્પે અમેરિકા માટે રાષ્ટ્રીય હિતોની વાત કરી પણ પોતાનું જોર બતાડવામાં ચીનને પ્રભુત્વ મળે એવી પરિસ્થિતિ બનાવી દીધી. આજના જમાનામાં ભારતની મજબૂતાઈ પસંદગીમાં નહીં પણ સ્વતંત્ર નિર્ણયની ક્ષમતામાં છે. ટ્રમ્પે ચીનને મહાસત્તા બનાવવાનું કામ અજાણ્યે કર્યું છે. ભારતે આ પરિસ્થિતિમાં પોતાની ગરિમા અને હિતોને સાચવીને આગળ વધવું જ પડશે. અમેરિકાના નાટકમાં હિસ્સો લીધા વિના, આપણી ગરિમા જાળવી આપણે નુકસાનથી દૂર રહી તાકાત ખડી કરીએ તે જ જરૂરી છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2025