Opinion Magazine
Number of visits: 9664849
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હે દેવ ! તમેય કેટલાં નિષ્ઠુર-નિષ્ક્રિય પક્ષપાતી રહ્યા !

રમેશ સવાણી|Opinion - Opinion|14 December 2024

8 ડિસેમ્બર 2024ના રોજ સુરત ખાતે ‘જ્ઞાનગોષ્ઠી’ દરમિયાન કવિ થોભણ પરમારે તેમનો કાવ્યસંગ્રહ ‘શબ્દ સંક્રાંતિ’ મને આપેલો. આ સંગ્રહની કવિતાઓ વાંચી રહ્યો છું. તેમણે 1999માં, ‘ઝાકળની ખેતી’/ 2008માં, ‘શબ્દના વાવેતર’/ 2024માં, ‘શબ્દ સંક્રાંતિ’ કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘શબ્દ સંક્રાંતિ’ના પ્રથમ પાના પર સંત કબીરને ટાંક્યા છે : “પથ્થર પૂજે હરિ મિલે, તો મૈં પૂજૂં પહાડ; ઘર કી ચક્કી કોઈ ન પૂજે, જા કો પીસ ખાયે સંસાર !” કબીરની આ ભાવના, સંગ્રહની રચનાઓમાં ગૂંજે છે.

તેમના સર્જનમાં કટાક્ષ છે, આક્રોશ છે, નિસ્બત છે, યથાર્થતા છે. વાસ્તવનું જીવનદર્શન છે. લોકજીવનની વિષમતાઓ, ક્ષતિઓ, અધૂરપો, અનિષ્ટતાઓને તેઓ બરાબર ખૂલી પાડે છે. તેઓ સમાજને ટપારે છે, રાહ ચીંધે છે. તેમની કવિતાઓમાં સામાજિક વિષમતા, આર્થિક અસમાનતા પર તીવ્ર પ્રહારો છે, જીવન પ્રત્યેની અભિમુખતા છે. તેમની રચનાઓ દુર્બોધ નથી, સરળ છે. સામાજિક / આર્થિક / સાંસ્કૃતિક દૃષ્ટિએ દબાયેલા-કચડાયેલા જનસમુદાયને વાચા આપતી, તેમના સંઘર્ષોમાં સાથ આપતી અને તેમની અસ્મિતાના સ્થાપન માટે પ્રયત્નશીલ એટલે થોભણ પરમારની કવિતાઓ. ભૂતકાળમાં સંસ્કૃત ભાષા વૈદિક તત્ત્વજ્ઞાન અને વર્ણવ્યવસ્થાના નામે દમનચક્ર ચાલ્યું અને આજે જમીનદારી અને મૂડીવાદી સમાજ વ્યવસ્થામાં વર્ણ વ્યવસ્થાને ટકાવી રાખવાના મરણિયા પ્રયત્નો થઈ રહ્યા છે; આવા માહોલમાં થોભણ પરમારની રચનાઓ ઊંઘ ઉડાડે છે, હ્રદયને હચમચાવે છે. જાતિભેદ / ભેદભાવ / અન્યાય / અત્યાચાર / ધર્માંધતા પર લોખંડી પ્રહાર છે. ચાલો, તેમની રચનાઓ જ માણીએ :

pastedGraphic.png

આત્મા નહીં, અસ્પૃશ્યતા 

‘શસ્ત્ર છેદી શકતું નથી

 અગ્નિ બાળી શકતો નથી 

પાણી ડુબાડી શકતો નથી અને 

વાયુ તેને સૂકવી શકતો નથી’

પરંતુ હે પ્રભુ ! કરજો માફ !

મારી પીડા વ્યથા જુદી છે !

વાત આપની આત્મા કરતા તો મને 

જાતિ ભેદ માટે લાગે છે વધુ સાચી :

નખશિખ આખુંયે શબ્દ 

વરાળ થઈને ભળી જાય છે 

પંચમહાભૂતમાં, 

પણ મૃતદેહ સાથે કદી અહીં 

અસ્પૃશ્યતા બળીને રાખ થતી નથી, 

એ તો સજીવન થઈને જન્મતી રહે છે 

ફરી ફરીને એ જ અતિઘાતક વિરુપે 

ભડભડતી ચિત્તામાંથી ય બહાર !

pastedGraphic.png

અસ્પૃશ્યતાનું કલંક 

ચીરી જોઈએ માણસની ચામડીને તો …

વહેતી નસમાંથી શું નીકળે?

ખરેખર તો લોહી જ નીકળેને?

હાડ માંસની કાયામાંથી બીજું તો શું?

એ જ નીકળે.

બહુબહુ તો હૃદય સાથે ધબકતાં 

સંવેદન અનુકંપતાં ચેતાતંત્ર ને 

જ્ઞાનતંત્રમાંથી માનવ મિરાત નીકળે.

પણ અરેરે ! 

મારા રાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં અહીં તો :

ચાતુર્વર્ણીય વારસે ઉતર્યું 

યુગો અનંત બીભત્સ બિહામણું

આઝાદી પછી હજી સળગતું

ને માનવતાનું રક્ત વહાવતું

આ તો કેવું જીવલેણ 

અસ્પૃશ્યતાનું ઘોર કલંક નીકળ્યું !

pastedGraphic.png

સમરસતા

જગ જીત્યા હોય તેમ 

મુછે તાવ દેતા 

છાતી ફૂલાવતા 

પ્રચારો છો સમરસતાની 

તમારી દંભીનીતિને; 

પણ દંભ-દર્પ ત્યાગીને 

જરા જોઈ આવો ત્યાં …

તમારા આદર્શગામની નિશાળમાં :

આઝાદીના અમૃતોત્સવ પછી ય 

અહીં દૂર છેટા…છેવાડે બેસાડી 

ધુત્કારીને પીરસે છે 

મધ્યાહન ભોજન અમને 

દેશનાં દલિત-વંચિત બાળકોને !

pastedGraphic.png

ખૂંપતાં જઈએ ઊંડા ને ઊંડા 

અન્યાય સામે 

બહિષ્કૃતો પરના અત્યાચાર સામે 

સંઘર્ષ કરીને 

સમાન અધિકારના ન્યાયમાં 

રચ્યું’તું તમે એ 

સંગઠિત સશક્ત અવાજનું 

‘શિડ્યૂલ કાસ્ટ ફેડરેશન’ 

પરંતુ હે, પનોતા પૂર્વજ 

પ્રેરણાપુરુષ ડો. ભીમરાવ !

તમારા ગયા પછી 

જાતિ-પેટાજ્ઞાતિના નાનાં નાનાં 

ભેદી કુંડાળામાંથી

બહાર નીકળવાને બદલે 

અમે તો હજુ વધુ ને વધુ 

ઊંડા ને ઊંડા ગળાડૂબ

ખૂંપતા જઈએ છીએ !

pastedGraphic.png

પક્ષપાત

સૌર મંડળે 

આ પૃથ્વી બાગે 

અમે પણ તમારી જેમ 

માનવ પુષ્પ થઈને જન્મ્યાં,

ખીલ્યાં, મહેક્યાં

દેશહિતે શહીદ થયાં છતાં 

પ્રભુ દર્શને 

પૂજા સ્થાનકથી ઉપેક્ષાયા 

વર્ણધર્મની મેલી મુરાદે 

ગામ છેડે ઉકરડે ધકેલાયાં,

કિન્તુ હે, દેવ !

દંભની પછેડી ઓઢનારા 

તો અંધ હતા જ 

પણ તમે સાવ 

મૂક-બધિર થઈને 

અપમાનીતો સાથે

કેટલાં નિષ્ઠુર-નિષ્ક્રિય પક્ષપાતી રહ્યા !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—267

દીપક મહેતા|Opinion - Opinion|14 December 2024

પોલાદ બનાવતા તાતાને સાબુ બનાવતા કર્યા એક પાદશાહે 

જ્યાં કોઈ બી જાતનો સાબુ વપરાતો નહીં હોય એવું કોઈ ઘેર મલવું આજે મુશ્કેલ. પન ૧૮૯૫ સુધી નહાવા કે કપડાં ધોવા માટેના સાબુથી આપણો દેશ લગભગ અજાણ્યો હુતો! એ વરસમાં સૌથી પહેલો કપડાં ધોવા માટેનો સાબુ પરદેશથી કલકત્તા લાવવામાં આયો. એનું નામ ‘સનલાઈટ.’ હિન્દુસ્તાન મોકલવા માટેના સાબુના રેપર પર મોટે અક્ષરે છપાતું હુતું : Made in England. જમશેદજીના જમાનાથી તાતા કુટુંબ સાથે સંકળાયેલા હુતા એક ખૂબ જ બાહોશ, અઠંગ અભ્યાસી, સાહસિક એવા બરજોરજી પાદશાહ. એવને એક વખત દોરાબજીને કહ્યું : ‘ચાલો! ફક્ત દિવાળી જેવા વાર-તહેવારે વાપરવા માટે આપણે એક સાબુ બનાવીને વેચવા મૂકીએ!’ દરખાસ્ત હતી જરા અલાયદી, પન દોરાબજીને ગલે ઊતરી ગઈ. બરજોરજીએ નક્કી કીધું કે આપનો સાબુ હરીફના સાબુ કરતાં અલગ હોવો જોઈએ. એટલે એનો આકાર લંબચોરસ નહિ, ગોળ. આકાર ગોળ એટલે નામ રાખીએ મોતી. એની સુગંધ પણ લવન્ડર જેવી પરદેશી નહિ, પણ ચંદન, ગોલાબ, અને નીમ (લીમડો) જેવી દેશી. સાબુને પેક કરવાનો પૂંઠાના ચોરસ ખોખામાં. 

હમામ સાબુની પહેલી જાહેર ખબર

તાતા ઓઈલ મિલ્સનો આય મોતી સાબુ જોતજોતામાં દેશનો દિવાલી માટેનો માનીતો સાબુ બની ગિયો. પન કાંઈ દિવાલીથી દિવાલી સુધી સાબુના કારખાનાને બંધ તો ન રાખી સકાય. એટલે રોજીંદા વપરાશના સાબુ તો બનાવવા જ પડે. એટલે કંપનીએ બજારમાં મૂક્યો ‘હમામ’. આ સાબુ માટેની પહેલી જાહેર ખબર આ સાથે મૂકેલી છે. તેમાંની ઘન્ની બાબતો ખાસ ધ્યાન ખેંચે તેવી છે. જેમ કે આજે જેને આપને ‘લઘુમતી કોમ’ કહીએ છીએ એ કોમના એક પુરુષનું ચિત્ર અહીં મુખ્ય સ્થાને છે. દેખઈતી રીતે એ સાબુનો વેપારી છે. જાહેર ખબરના બે મુખ્ય સંદેશ એના મોરાથી અપાયા છે. એક : હરીફ પરદેશી કંપનીના સાબુ કરતાં હમામ સાબુ વધારે મોટો છે. બે : એ સ્વદેશી છે. બરજોરજી પોતે એકદમ શાકાહારી હુતા. પગરખાં ચામડાનાં નહિ, કેનવાસનાં પહેરતા. ઘોરાગાડી કે બળદગાડીમાં કભ્ભી બી બેસતા નહિ. એટલે આય સાબુમાં પ્રાણીની ચરબી વપરઈ નથી, એવું સાફ લખિયું છે. બીજું ચિત્ર છે બે હિંદુ (બંનેને કપાળે ચાંદલો છે) સ્ત્રીઓનું. એ બંને ડાહી, સમજુ, શાણી સ્ત્રીઓ(Wise Women)નું પ્રતિનિધિત્વ કરે છે. પછી ઝીણા અક્ષરમાં સાબુની ગુણવત્તા અને કિફાયત ભાવની વાત કરી છે. હમામ સાબુનું વજન બી આપ્યું છે. અને હરીફ કંપનીના સાબુના જેટલા જ ભાવમાં ઘન્નો વધારે સાબુ મલે છે એમ બી જણાવિયું છે. પછી ફરી મોટ્ટા અક્ષરમાં આ સાબુ નહાવા માટેનો છે અને મોટો (BIG) છે એ દોહરાવ્યું છે. એટલું જ નહિ મફત સેમ્પલ સાબુ મેળવવા માટેની કૂપન બી છાપી છે. 

નહાવાના સાબુ પછી કપડાં ધોવા માટેનો સાબુ. તાતાએ પોતાના સાબુનું નામ રાખિયું 501. આજે આપુનને થાય કે કેમ આવું નામ રાખિયું હોસે? બે કારન. એક : હરીફ કંપનીના સાબુની સામે એ વખતે એકુ ફ્રેંચ કંપનીનો સાબુ ટક્કર ઝીલી રહ્યો હુતો. એનું નામ હુતું 500. શેરને માથે સવા શેર તેમ ૫૦૦ને માથે ૫૦૧. તાતાના સાબુ માટે આય નામ પસંદ કરનાર હુતા દાદાભાઈ નવરોજીના બેટાના બેટા જાલ નવરોજી. બે : આપના દેશના ચાલ મુજબ છેવટે મીંડું આવતું હોય એ આંકડો શુભ મનાતો નથી, પણ અંતે એકડો આવતો હોય તો તે શુભ મનાય છે. એટલે ૫૦૧. તાતાએ આ સાબુનો ભાવ રાખ્યો ૧૦૦ ગોટીના દસ રૂપિયા! એટલે હરીફ પરદેસી કંપનીએ પોતાના સાબુનો ભાવ કરી નાખિયો ૧૦૦ ગોટીના છ રૂપિયા! પન ત્રણ મહિના પછી હારી-થાકીને હરીફ કંપનીએ ફરી અસલના ભાવે પોતાનો સાબુ વેચવાનું શરૂ કર્યું.

બરજોરજી પાદશાહ

તાતાને સાબુ બનાવતા કરનાર હુતા બરજોરજી જામાસ્પજી પાદશાહ. એવન બી એક ગજબની ખોપરી હુતા. બરજોરજીનો જનમ મુંબઈમાં, ૧૮૬૪ના મે મહિનાની સાતમી તારીખે. એવનનું કુટુંબ બી મૂલ નવસારીનું. એટલે જમશેદજી તાતા અને જામાસ્પજી બંને દોસ્તો. ૧૮૮૦માં જામાસ્પજી બેહસ્તનશીન થિયા પછી જમશેદજીએ બરજોરજીને પોતાની પાંખમાં લીધા. એટલું જ નહિ બરજોરજી જમશેદજી તાતાના જમાઈ થતાં થતાં રહી ગિયા. પોતાની દીકરી ધનબાઈનું સગપણ જમશેદજીએ બરજોરજી વેરે કીધેલું. પન દસ વરસની ઉંમરે ૧૮૭૧માં ધનબાઈ પરવરદેગારને પ્યારાં થઈ ગિયાં. બરજોરજી એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સાથે ૧૮૮૪માં બી.એ. થિયા. મમ્મા કહે કે તારા મોટા ભાઈની જેમ ICS થા. પન ના. બાપ પાસેથી મળેલા પૈસાને પ્રતાપે માદામ બ્લેવત્સ્કી સાથે પહોંચ્યા ગ્રેટ બ્રિટન. કારન એ વેળાએ બરજોરજી પર માદામની થિયોસોફીની ઘન્ની જ અસર હુતી. પન પરદેશ ગિયા પછી બરજોરજી સમજીયા કે ઊજલું એટલું દૂધ નથી. એટલે માદામને મૂકીને કેમ્બ્રિજમાં ગણિતશાસ્ત્રના સ્ટડી માટે જોડાયા. 

પાછા મુંબઈ આવિયા વેરે જમશેદજી તાતાએ પોતાની સાથે જોરાવા બરજોરજીને ઇજન દીધું. અગાઉ બી એક વાર જમશેદજીએ આવું નોતરું દીધેલું, પન તે વારે બરજોરજીએ ના ભણી હુતી. બરજોરજી જોરાયા પછી જમશેદજીએ એવનને સું કામ સોપીયું હોસે? કહે કે દુનિયા આખી ફરી આવો અને એજ્યુકેશનની મોટ્ટી મોટ્ટી સંસ્થાઓની મુલાકાત લો. પન કેમ વારુ? તો કહે કે એ વેળાએ જમશેદજીના મનમાં હિન્દુસ્તાનમાં સાયન્સના ઉચ્ચ અભ્યાસ માટેની એક સંસ્થા સ્થાપવાની મુરાદ જાગી હુતી. પાછા આવીને બરજોરજીએ જે રિપોર્ટ આપીયો તેને આધારે પછીથી ઇન્ડિયન ઇન્સટiટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થઈ. જમશેદજીએ સ્વદેશી મિલ શુરુ કીધા વેરે બરજોરજીને તેના એકુ ડિરેક્ટર બનાવવા ચાહ્યું. પન બરજોરજીએ ના ભણી. કેમ વારુ? તો કહે કે મારા વિચારો મજૂર તરફી છે. એટલે હું ડિરેક્ટર હોવસ તો તમુને કબી બી પ્રોબ્લેમ થઈ સકે. 

તાતા બેન્કનો ચેક 

બરજોરજીની સલાહથી તાતા ગ્રૂપ બીજા એક નવા એરિયામાં બી દાખલ થિયું : તાતા ઇન્ડસ્ટ્રિઅલ બેંક. આ બેંક સુરુ કરવા માટે દોરાબજી તૈયાર હુતા નહિ. પછી એવને બેન્કના નિયમોમાં એક એવો નિયમ મુકાવિયો કે આય બેંક તાતા ગ્રૂપની કોઈ બી કંપનીને કભ્ભી ભી લોન આપશે નહિ! ૧૯૧૭માં સુરુ થયેલી આ બેંક તે પહેલવહેલી પૂરેપૂરી ‘સ્વદેશી’ બેંક. જો કે આય બેંક પછીથી લાંબુ જીવી નહિ. ૧૯૨૩માં તે સેન્ટ્રલ બેંક સાથે ભલી ગઈ.

કારણ તો માલમ પડિયું નથી પણ ૧૯૩૧માં તાતા ગ્રૂપથી બરજોરજી છુટ્ટા પરિયા. પછી એવને સુ કીધું? કોઈ બીજી કંપનીમાં જોરાયા હોસે. ના, ના. એવન તો ઉપરી ગિયા દુનિયાની સફરે. જેથ્થે બી જાય, યુનિવર્સiટીમાં જાય, પ્રોફેસરો અને સ્કોલરોને મળે. જાતભાતના વિષયો પર ચર્ચા કરે. ૧૯૪૧ના જૂનની ૨૦ તારીખે એવન બેહસ્તનશીન થિયા.

તાતા ગ્રૂપ પર આવી પડેલી એકુ નહિ, બે અનધારી આફતની વાત હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 14 ડિસેમ્બર 2024 

Loading

રાજ કપૂર શતાબ્દીએ…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 December 2024

રવીન્દ્ર પારેખ

આજે 14 ડિસેમ્બર, 2024. ફિલ્મ સર્જક રાજ કપૂરને આજે સો વર્ષ થયાં. આખો દેશ આ અવસરને ઊજવવાનો છે. કપૂર ખાનદાનના સભ્યોએ પણ ‘આગ’, ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી 420’, ‘જાગતે રહો’, ‘જિસ દેશમેં ગંગા બહેતી હૈ’, ‘સંગમ’, ‘મેરા નામ જોકર’, ‘બોબી’, ‘રામ તેરી ગંગા મૈલી’ દર્શાવવાની વાત કરી છે. આ શતાબ્દી પર્વને યાદગાર બનાવવા કપૂર પરિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું ને તેમણે ‘રાજ કપૂર 100 ફિલ્મ ફેસ્ટિવલ’માં ઉપસ્થિત રહેવાની સંમતિ પણ આપી છે. આ ઉજવણીમાંથી સુરત પણ બાકાત નથી. ‘વિન્ટેજ વેટરન્સ’ના રોહિત મારફતીઆએ ‘રાજ કપૂર જન્મ શતાબ્દી મહોત્સવ’ નામક વૉટ્સએપ ગ્રૂપ બનાવ્યું છે. આ ગ્રૂપને દર મહિનાના ત્રીજા શનિવારે કાપડિયા હેલ્થ ક્લબમાં રાજ કપૂરની ફિલ્મો બતાવવાનું ઠરાવાયું છે. એના પ્રથમ મણકા તરીકે આજે રાજ કપૂર અભિનિત, નિર્મિત, દિગ્દર્શિત ‘આવારા’ (1951) સાંજે સાડા ચારે બતાવાશે. એ પ્રસંગે પદ્મશ્રી યઝદી કરંજિયા અને આશિત મહેતા ‘આવારા’ અને રાજ કપૂરની વાતો કરશે. 

‘આવારા’માં રાજ કપૂર, નરગીસ, પૃથ્વીરાજ કપૂર, કે.એન. સિંઘ જેવા કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મમાં ગીતો હસરત જયપુરી અને શૈલેન્દ્રનાં છે ને સંગીત છે શંકર જયકિશનનું. ‘આવારા હૂં (મુકેશ)’, ‘તેરે બિના આગ યે ચાંદની (લતા, મન્નાડે, સાથી), ‘ઘર આયા મેરા પરદેસી (લતા, સાથી), ‘હમ તુઝસે મુહબ્બત કર કે સનમ (મુકેશ) જેવાં ગીતો આજે પણ લોક જીભે છે. ’આવારા’ એ ફિલ્મ છે જે ભૌગોલિક ભારતીય સીમાડાઓ વળોટીને રશિયા, તુર્ક સુધી પહોંચી હતી. ફિલ્મમાં સ્વપ્ન દૃશ્યનું વાર્તા સાથે અદ્દભુત અનુસંધાન ‘તેરે બિના’ અને ‘ઘર આયા’ ગીતોથી સધાયું છે. હિન્દી ફિલ્મમાં આવું સ્વપ્ન દૃશ્ય કદાચ પહેલીવાર આટલી અસરકારક રીતે આવ્યું છે. આખા ય સ્વપ્ન દૃશ્યમાં સંગીત દ્વારા જે ભાવ વૈવિધ્ય પ્રગટાવાયું છે તે અદ્દભુતથી ય વધારે અદ્દભુત છે. 

‘આવારા’ અને ‘ધરમ કરમ’ની સ્ટોરી પણ સરખાવવા જેવી છે. ‘આવારા’માં ઉછેર, સંસ્કારોની ઉપરવટ જાય એ મુખ્ય ધ્વનિ છે તો ‘ધરમ કરમ’માં સંસ્કાર, ઉછેરના મહોતાજ નથી એ વાત પર ભાર મુકાયો છે. ‘જિસ દેસ મેં ગંગા બહેતી હૈ ..’માં ડાકુનું હૃદય પરિવર્તન કેન્દ્રમાં છે, તો ‘રામ તેરી ગંગા મૈલી’માં જળ પ્રદૂષણનો મુદ્દો છે. ‘પ્રેમરોગ’માં વિધવા વિવાહની વાત હતી, તો ‘બોબી’ અને ‘બરસાત’માં મુગ્ધ પ્રણયને વાચા મળી હતી. ‘બરસાત’માં પ્રતીક્ષા કેન્દ્રમાં છે, તો ‘બોબી’માં પ્રણયની વચ્ચે આવતો અમીરી-ગરીબીનો સંઘર્ષ કેન્દ્રમાં છે. ફિલ્મી વિલન પ્રાણની ભૂમિકા ‘ઉપકાર’માં બદલાઈ એવું કહેવાય છે, પણ એની શરૂઆત ‘આહ’માં થયેલી. એમાં તે વિલન નથી, મિત્ર છે. 

‘આહ’ અને ‘દેવદાસ’માં નાયકો જીવલેણ બીમારીથી પીડાય છે ને અંત વેળાએ બંને નાયિકાને મળવા ટ્રેનમાં ને ટાંગામાં નીકળે છે. એક દૃશ્યમાં રાજ ખૂબ ખાંસે છે ને ગીત ઉપાડે છે, ‘આજા રે, અબ મેરા દિલ પુકારા ..’ (મુકેશ) એકાએક ખાંસી આવે છે ને ગીત અટકે છે ને થોડી સ્વસ્થતા ધારણ થતાં ફરી ઉપાડાય છે. ‘આહ’ 1953માં અને ‘દેવદાસ’ 1955માં આવેલી. ‘આહ’ અને ‘દેવદાસ’નાં અંતિમ દૃશ્યોમાં ગજબનું સામ્ય છે. આમ તો બંને ફિલ્મના દિગ્દર્શકો એટલા સમર્થ છે કે આ સામ્યને અકસ્માત ગણવું પડે. પાછળથી ‘આહ’નો અંત બદલાયેલો ને રાજને સ્વસ્થ બતાવાયેલો તે કઠેલું.

કુરૂપ ચહેરાની વાત હીરો સંદર્ભે ‘આગ’માં ને હિરોઈન સંદર્ભે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં આવી. રાજ કપૂરને ભલા, ભોળા નાયકની ભૂમિકા માફક આવી ને તેવી ભૂમિકાઓ ‘અનાડી’, ‘છલિયા’, ‘જિસ દેસ મેં ..’, ‘દુલ્હા દુલ્હન’, ‘તીસરી કસમ’, ‘મેરા નામ જોકર’ જેવી ફિલ્મોમાં ભજવી પણ ખરી. રાજ કપૂર પર ચાર્લી ચેપ્લિનનો પ્રભાવ હતો, પણ તેમાંથી મુક્ત થવાનું પણ બન્યું. રાજના ચરિત્રને અનુરૂપ એક ગીત અચૂક આમેજ કરાતું. જેમ કે, ‘આવારા હૂં’, ‘સચ હૈ દુનિયાવાલોં ..’, ‘દીવાના મુઝ કો લોગ કહે …’, ‘મેરા નામ રાજુ ..’, ‘કહેતા હૈ જોકર ..’ વગેરે. ભૂમિકાઓ કોઈ પણ હોય, પણ રાજ કપૂરનો કરુણા જન્માવતો ચહેરો દર્શકોને આકર્ષતો રહ્યો છે. ‘શ્રી 420’નાં ગીત, ‘પ્યાર હુઆ, ઇકરાર હુઆ …’માં એક પંક્તિ છે, ‘મૈં ન રહૂંગી, તુમ ન રહોગે, ફિર ભી રહેંગી નિશાનિયાં ..’ 

એવી ઘણી નિશાનીઓ રાજ કપૂરની રહી ગઈ છે જેને સમય પણ ભૂંસી શકે એમ નથી. પૃથ્વી’રાજ કપૂર’ના મોટા દીકરા(સૃષ્ટિનાથ કપૂર-મૂળ નામ)એ ‘પૃથ્વી’ છોડીને પાછલું નામ ‘રાજ કપૂર’ અપનાવ્યું ને ફિલ્મી સૃષ્ટિ વસાવી. પિતાની નાટ્ય અને ફિલ્મ કારકિર્દીની ’પૃથ્વી’ તેણે ફિલ્મી બ્રહ્માંડમાં એવી તો ફરતી રાખી કે તે આજે ય ફરતી રહી છે. જેમ મા અને ભગવાનને માનાર્થે બોલાવીએ તો એ કૃત્રિમ લાગે એમ રાજને પણ ‘આપ’ કહીએ તો નકલી લાગે. એ ગ્રેટેસ્ટ શો મેન હતો, પણ તે પહેલાં તો એ માણસ હતો. એના ફિલ્મી હિરોઈનો નરગીસ અને વૈજયંતી માલા સાથેના સંબંધો ચર્ચામાં રહ્યા છે. આમ પણ ફિલ્મી જગતમાં એની નવાઈ નથી, પણ ભાગ્યે જ કોઈ સંવેદનશીલ માણસ એમાં પીડાથી વધારે કૈં પામે છે.

નરગીસને એ ચાહતો હતો ને નરગીસનું પણ એવું જ હતું. રાજની મુશ્કેલી એ હતી કે તે પત્ની કૃષ્ણા અને પરિવારને છોડી શકે એમ ન હતો ને ચાહતનો તો કોઈ પાર ન હતો. આ કશ્મકશ વ્યક્તિને રૂંવે રૂંવેથી તોડતી હોય છે. નરગીસ ચાહતી હતી, પણ લગ્ન વગર રહેવા તૈયાર ન હતી. ત્યાં ‘મધર ઇન્ડિયા’માં શૂટિંગ દરમિયાન આગની ઘટના બની ને સુનિલ દત્તે નરગીસને બચાવી. અહીંથી નરગીસની જિંદગીનો નવો અધ્યાય શરૂ થયો ને ‘આગ’થી શરૂ થયેલા પ્રણય પર રાખ ફરી વળી. રાજ કપૂરને માટે નરગીસની વિદાય ‘આગ’, ‘આહ’નો સરવાળો બની રહી. રાજ કપૂરના જ દીકરા ઋષિ કપૂરે કહ્યું છે કે તેની માતા સંતાનો સાથે ઘર છોડી ગયેલી ને નરગીસ પ્રકરણ પૂરું ન થાય ત્યાં સુધી પરત ન આવવાનું ઠરાવેલું. સમજી શકાય એવું છે કે એ દિવસોમાં રાજને શું વીત્યું હશે. 

નરગીસ છૂટી, પણ ફિલ્મો ન છૂટી. શો મસ્ટ ગો ઓન-માં માનતા રાજ કપૂરે ફિલ્મોમાં જાત ડુબાડી દીધી. ક્લેપર બોયથી શરૂ થયેલો રાજ 11 વર્ષની ઉંમરે ‘ઇન્કિલાબ’માં કામ કરે છે ને ‘નીલકમલ’માં મધુબાલા સામે પહેલી વાર નાયકની ભૂમિકામાં આવે છે. ચોવીસેકની વયે ‘આગ’ને રાજ કપૂરે ડિરેક્ટ કરી, પણ નિર્દેશિત ફિલ્મોમાં પહેલી ફિલ્મ સફળ થઈ તે ’બરસાત’. રાજે તેમાં નાયકની ભૂમિકા કરી અને નરગીસ સાથેની તેની કેમિસ્ટ્રી એવી જામી કે વાયોલિન સાથેનો તેનો પોઝ આર.કે.નો લોગો બન્યો. રાજની નિર્દેશિત ફિલ્મોમાં ‘મેરા નામ જોકર’ ભારે નિષ્ફળતાને વરી. ફિલ્મમાં બે ઇન્ટરવલ પણ હોય એ પ્રયોગ રાજ કપૂરે કરી જોયો, પણ દર્શકોને એ ફિલ્મ માફક ન આવી. તેનો પહેલો ખંડ તો કચકડાની નાજુક કવિતા છે. એનાં દૃશ્યો એટલાં સંવેદનશીલ છે કે કિશોરવયનાં પ્રણયને એ અગાઉ હિન્દી સિનેમામાં આટલી સલુકાઈથી મુકાયો નથી. જોકરની ભૂમિકા ભજવતા રાજને માતાનાં મૃત્યુની જાણ શો દરમિયાન જ થાય છે ને એણે કામ તો હસાવવાનું કરવાનું છે. એ વખતે મા માટેનો ચિત્કાર એવી રીતે ઊઠે છે કે સર્કસના પ્રેક્ષકો હસે ને થિયેટરના પ્રેક્ષકો રડે. જિંદગીની લાચારીને ફિલસૂફીથી મઢીને ‘જોકર’નાં ગીતોમાં રજૂ કરાઈ છે. ‘જીના યહાં, મરના યહાં’, ‘જાને કહાં ગયે વો દિન’ જેવાં ગીતો આજે પણ લોકપ્રિય છે. ફિલ્મ હિટ થાય તો એવી ચાલી નીકળે કે તેના સર્જકથી દૂર થતી જાય, પણ જે ફિલ્મમાં જીવ રેડાયો હોય તે ન ચાલે તો તે સર્જકનાં હૈયામાં ઊંડે ઊતરતી જાય.

રાજકપૂરની સંગીતની સૂઝ કોઈ નીવડેલા સંગીતકારથી ઓછી ન હતી. ‘આ અબ લૌટ ચલે’માં લતાનો હૃદય સારી નાખતો આલાપ છે તે ભાગ્યે જ કોઈ સંગીત પ્રેમી ભૂલ્યો હશે. એ જ રીતે ‘સંગમ’માં ‘એ મેરે સનમ ..’માં શરૂઆતનો જે આલાપ છે તે રૂંધાતી નાયિકાની ચામડી ફોડીને ઉપર ઊઠતો હોય એવો મર્મભેદી છે. 

‘બરસાત’માં નિર્દેશનનો એક નમૂનો જોઈએ. રાજ કપૂર વિરહી અવસ્થાથી પીડાતો પ્રતીક્ષારત પ્રેમી છે ને પ્રેમનાથ પ્રેમ ખરીદી શકાય તેવું માનતો મિત્ર છે, પણ રાજની દશા તેનાથી જોવાતી નથી, એટલે તેને કારમાં લઈને નીકળી પડે છે. રસ્તામાં કોઇકના લગ્નની શરણાઈઓ વાગે છે તો પ્રેમનાથ રાજને કારમાંથી બહાર આવવાનો આગ્રહ કરે છે, પણ શરણાઈ પ્રેમિકાની યાદ અપાવે છે એટલે તે ના પાડે છે.  કાર આગળ નીકળે છે. તે ઊતર્યો હોત તો ખબર પડી હોત કે જેની શોધમાં તે ભટકી રહ્યો છે એ જ પ્રેમિકાનાં લગ્નની શરણાઈ વાગી રહી છે. એવું જ એક દૃશ્ય ‘બૂટપૉલિશ’નું છે. સ્વમાની ભાઈ બહેનને ભીખનો પૈસો લેવા બદલ મારે છે ને પરિસ્થિતિ એવી બદલાય છે કે ભીખ માંગતા ભાઈના લંબાવાયેલા હાથોમાં બહેન પૈસો મૂકે છે. રાજ કપૂર નિર્મિત ને અભિનિત ‘જાગતે રહો’ રાતની કથા કહેતી નોંધપાત્ર ફિલ્મ છે. તરસને કારણે પાણી શોધતો ગામડિયો (રાજ કપૂર) ચોર ગણાઈ જાય છે ને તે સોસાયટીના ઓરડાઓમાં સંતાતો ફરે છે. એમાં રહેવાસીઓની પોલ ખૂલતી જાય છે. ગામડિયો જીવ બચાવવા પાઇપ પર ચડે છે, ત્યારે કોઈ પથરો મારે છે ને લોહી નીકળે છે, તે સાથે જ બારીમાંથી વધસ્તંભે ચડેલા ઇસુની પ્રતિમા ક્લોઝઅપમાં આવે છે. ગામડિયાની સ્થિતિ પણ વધસ્તંભે ચડાવેલા ઇશુ જેવી જ છેને ! 

14 ડિસેમ્બર, 1924માં પેશાવરમાં જન્મેલો રણબીર કપૂર, રાજ કપૂરને નામે 9 ફિલ્મફેર એવોર્ડ્સ અંકે કરે છે, તો 1971માં પદ્મભૂષણ મેળવે છે. વિદેશમાં ‘આવારા’ અને ‘બૂટ પૉલિશ’ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પામ ડી’ઓર માટે નોમિનેટ થઈ હતી. સ્ટારડસ્ટ એવોર્ડ્સ દ્વારા 2001માં ‘બેસ્ટ ડિરેક્ટર ઓફ મિલેનિયમ’નું સન્માન મળે છે ને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 1988માં તે વખતના રાષ્ટ્રપતિને હસ્તે મળે છે, ત્યારે રાજ કપૂરની અસ્થમાને કારણે એવી સ્થિતિ નથી કે મંચ સુધી પહોંચે. એ પછી દિલ્હીમાં જ 2 જૂન, 1988ને રોજ રાજ કપૂર ‘હમ તો જાતે અપને ગાંવ સબ કો રામ રામ ..’ કહેતો વિદાય લે છે. એ વાતને પણ વર્ષો વીત્યાં. આજે પણ રાજ કપૂર ગઈ કાલનો તો ઠીક, આવતી કાલનો શો મેન લાગે છે. ખૂટે છે તે એટલું જ કે એ દિવસો જોઈ શકાય છે, પણ ત્યાં જઈ શકાતું નથી, નહીં તો એવો સવાલ શું કામ થાય, ‘જાને કહાં ગયે વો દિન …’       

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ડિસેમ્બર 2024

Loading

...102030...458459460461...470480490...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved