1983માં મારો એક કાવ્યસંગ્રહ એક જનસંઘી મિત્ર હરેન્દ્રના નાનકડા પ્રેસમાં છપાતો હતો. વિદ્યાપીઠની સામે સર્વોદય કૉમ્લેક્સમાં એનું પ્રેસ હતું. પ્રતિબદ્ધ કાવ્યોનો આ સંગ્રહ ‘વાવડ છે કે’નું બાઇન્ડિન્ગ કામ ચાલતું હતું. એંશી પાનાનો સંગ્રહ હતો. આર્થિક રીતે પરવડે એવા કાગળ અને પૂંઠાના મુખપૃષ્ઠ સાથે છેલ્લા તબક્કાનું કામ ચાલતું હતું, એવામાં પ્રેસમાં આગ લાગી અને બધું રાખ થઈ ગયું. એમાંનાં કાવ્યો પણ મારી પાસે હતાં નહીં. બધું આગમાં સ્વાહા થઈ ગયેલું. કમ્પોજર પાસે પણ એની કૉપી બચી નહોતી.
હમણાં ખૂબ જૂની ફાઇલોનો નિકાલ કરવાનું પર્વ આરંભ્યું તો એમાંની કેટલીક કૃતિઓ હાથવગી થઈ. ચાલીસ વર્ષ જૂની આ કૃતિઓમાંની એક અત્રે મૂકી રહ્યો છું. શીર્ષક છે, વાવડ છે કે ….
°
પછી ખળભળી ગયાં નદીઓનાં મૂળ
ઓ મારા દેશ,
તારી નદીઓનાં ખળભળી ગયાં મૂળ
કાંઠે વસતાં લોકોમાં આવ્યાં પૂર એટલે.
લોકોએ તો કર્યું આટલું જ
પાંસળીઓમાં હવા ભરીને મારી ફૂંક
તે ફુંકાયું એક ભયંકર વાવાઝોડું
ખેતરો, ખળાં, જંગલો, પર્વતો, ખીણો, મેદાનો,
બધે, બધે એક જ સાદ
બધે ફૂટી નીકળ્યા વિદ્રોહના અંકુર.
દલિતો, આદિવાસીઓનો લોહીઝાણ બરડો
આંબવા લાગ્યો આકાશને
કંકાલોનો તું દેશ, ઓ મારા દેશ!
તારી છાતીમાં ધબકતું હૃદય
એ હૃદયનો નાદ
અને લોકોનો સાદ
થઈ ગયા એક
તેં સહી કેટકેટલી યાતનાઓ,
તેં વહી કેટકેટલી વ્યથાઓ,
તેં કહી કેટકેટલી કથાઓ,
ભૂખની,
અસંતોષની,
બેકારીની,
શોષણની,
છલનાની
તું સપનાનું ફૂલ
અત્યારે કાંટા વચ્ચે
તારી શિરાએ શિરામાં ભોંકાતી
શૂળ
શૂળ
શૂળ
પણ હિંમત રાખ તું
ઓ મારા દેશ,
હિંમત રાખ,
ખળભળી ગયાં છે તારી નદીઓનાં મૂળ
ને વાવડ છે કે
ફાટી નીકળ્યો છે
દરિયામાં દાવાનળ.
સૌજન્ય : બારીનભાઈ મહેતાની ફેઇસબૂક દીવાલેથી સાદર