Opinion Magazine
Number of visits: 9456361
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એફિડેવિટ શા માટે?

રમેશ સવાણી|Opinion - Opinion|12 August 2025

એક તરફ ચૂંટણીપંચ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. બીજી તરફ ગોદી મીડિયા ‘સ્પોન્સર્ડ ગોકીરો’ કર્યા કરે છે કે ‘રાહુલ ગાંધી સાચા હોય તો ચૂંટણી પંચને હલફનામા – સોગંદનામું – એફિડેવિટ કેમ આપતા નથી?’ 

ઘરમાં ચોરી થાય અને ઘર-માલિક પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય અને પોલીસ ચોરી થઈ છે એવું માને જ નહીં અને ફરિયાદીને શંકાની નજરે જુએ તેવી આ વાત છે. પોલીસ ફરિયાદીને એફિડેવિટ કરીને આપવાનું કહે તો તે વિચિત્ર કહેવાય કે નહીં? રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના જ દસ્તાવેજોનો ઉપયોગ કરી મતચોરી સાબિત કરી છે, તો સોગંદનામાની જરૂર શા માટે? ચૂંટણી પંચ પોતાની ભૂલ / ગરબડ માટે વિપક્ષના નેતા પાસે સોગંદનામું શા માટે માંગે છે?ઊલટા ચોર કોટવાલ કો ડાંટે?

વળી રાહુલ ગાંધી; નાના રૂમમાં 80 લોકો રહે છે તેના નામ મતદાર યાદીમાંથી દૂર કરાવી શકે? અરે પોતાના નામ સિવાય, બીજા કોઈનું નામ મતદાર યાદીમાંથી દૂર કરાવી શકે? શું રાહુલ ગાંધી કે બીજા કોઈ  પાસે આવી સત્તા છે? બિલકુલ નહીં. આ કામ ચૂંટણીપંચે જાતે કરવાનું છે. રાહુલ ગાંધીએ મતદાર યાદીની ક્ષતિઓ દર્શાવી છે, તે દૂર કરવાની સત્તા રાહુલ ગાંધી પાસે નથી, આ સત્તા માત્ર ચૂંટણી પંચ પાસે જ છે. 

જે સત્તા ચૂંટણી પંચ પાસે છે તેનો ઉપયોગ કરવાને બદલે ચૂંટણી પંચ રાહુલ ગાંધી પાસે એફિડેવિટ માંગીને લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યું છે. ચૂંટણી પંચ જે નિયમો ટાંકે છે તે સંદર્ભહીન છે. શપથ / સોગંદનામા જેવી ઔપચારિકતાઓનો આગ્રહ શા માટે? રાહુલ ગાંધીએ જે ડેટાનો ઉપયોગ  કરેલ છે તે ડેટા ચૂંટણી પંચે જ આપેલો છે. રાહુલ ગાંધીએ તેમાં કોઈ સુધારા વધારા કર્યા નથી. ચૂંટણી પ્રક્રિયાની પ્રામાણિકતા અને વિશ્વસનીયતા અંગે મતદારોના મનમાં ઉદ્દભવતી શંકાઓને દૂર કરવી તે લોકશાહીના હિતમાં છે. આ કામ માટે જ ચૂંટણી પંચ છે. રાહુલ ગાંધીએ દર્શાવેલ ખામીઓને સરળતાથી દૂર કરી શકાય તેવી છે. રાષ્ટ્ર ખરેખર ચૂંટણી પંચ પાસેથી પ્રતિભાવ / સ્પષ્ટતા / શુદ્ધિકરણ ઇચ્છે છે.

મોદીજી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે 2002માં તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર લિંગડોહ સામે ઝેરીલી ઝૂંબેશ ચલાવી હતી. રમખાણોને કારણે જબરદસ્ત ધ્રુવીકરણ થયું હતું. મતોનો પાક લણવા મોદીજીએ તાત્કાલિક વિધાનસભા ભંગ કરી દીધી, જેથી ચૂંટણીઓ યોજાઈ શકે. અને બહુમતી સાથે સરકાર રચી શકે. પરંતુ લિંગડોહે ચૂંટણીની જાહેરાત કરી નહીં. તેમનો મત હતો કે સાંપ્રદાયિક તણાવ છે. ચૂંટણીઓ હિંસક બની શકે છે. 20 ઓગસ્ટ 2002ના રોજ, વડોદરા નજીક બોડેલીમાં એક જાહેર સભામાં, મોદીજીએ કહ્યું કે “ચૂંટણી પંચ બરાબર કામ કરી રહ્યું નથી કારણ કે જેમ્સ માઈકલ લિંગદોહ એક ખ્રિસ્તી છે, અને ઇટાલિયન ખ્રિસ્તી સોનિયા એન્ટોનિયો મૈનોના કહેવા પર કામ કરે છે !” તે વખતે મોદીજીએ કોઈ સોગંદનામું-એફિડેવિટ કરેલ નહીં. રાહુલ ગાંધીએ, મોદીજીની માફક, ચૂંટણી કમિશનર માટે હલકી વાત કરી નથી.

રાહુલ ગાંધી ચૂંટણી પંચને સવાલ કરે છે અને ભા.જ.પ. નેતાઓ તથા ગોદી મીડિયા રાહુલ ગાંધીને જૂઠા ઠરાવે છે; તેથી શંકા જાય છે કે ચૂંટણી પંચ ભા.જ.પ.નું કાર્યાલય તો નથીને?

માની લઈએ કે રાહુલ ગાંધી જૂઠા છે, ચૂંટણીપંચ દેવદૂત છે. તો ચૂંટણીપંચે રાહુલ ગાંધી સામે FIR નોંધાવવી જોઈએ કે રાહુલ ગાંધી ચૂંટણી પંચની માનહાનિ કરે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે ! તેમને જેલમાં પૂરો ! ચૂંટણી પંચ રાહુલ ગાંધી સામે શા માટે FIR નોંધાવતું નથી? 

[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
11 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લોકશાહીને જીવતી રાખવી હોય તો ગાળો ભા.જ.પ.ને આપો, કાઁગ્રેસને નહીં

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|12 August 2025

હેમંતકુમાર શાહ

(૧) જેનું શાસન હોય એની ટીકા કરો. ભૂતકાળમાંથી કશું શીખવાનું કે નહીં? ભૂતકાળમાં કોઈ પણ પક્ષના શાસનમાં લોકશાહી ખરાબ હોય તો તે અત્યારે સુધરવી જોઈએ કે બગડવી જોઈએ? જો લોકશાહી સુધરવી જોઈએ એમ માનતા હોઈએ તો હાલના શાસકો જે કંઈ ખરાબ કરતા હોય તેની ટીકા કરવી જ પડે. એ આપદ ધર્મ કહેવાય! મહાભારતમાં કૃષ્ણે અર્જુનને શીખવેલો તે આપદ ધર્મ! 

(૨) કમાલનો તર્ક છે આ કે કાઁગ્રેસે ખરાબ કૃત્યો કરેલાં એટલે ભા.જ.પ. અને મોદી કરે તો ચાલે! કાઁગ્રેસે કટોકટી લાદેલી કે નહીં, તેણે સાંસદોને જેલમાં પૂરેલા કે નહિ? તો નરેન્દ્ર મોદી સાંસદોને રેલી ન કાઢવા દે તો ચાલે! 

(૪) કાઁગ્રેસનાં ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫-૭૭માં ૧૯ મહિના કટોકટી લાદેલી. તેઓ સરમુખત્યાર થઈ ગયેલાં. તેમ છતાં તેમણે ૧૯૭૭માં ચૂંટણી આપી. ચૂંટણીમાં હાર્યાં તો ગાદી છોડી દીધી. ચૂંટણી સમયે બંધારણીય રીતે જાહેર થયેલી કટોકટી ચાલુ હતી. ઇન્દિરા ધારે તે કરી શકે તેમ હતાં. પણ સત્તા છોડી. વોટ ચોરી મોટા પાયે કરવી હોત તો તેઓ કરી શકત કે નહીં? કરી? અરે, ચૂંટણી જ ન આપી હોત તો? તેઓ તાનાશાહ તરીકે સત્તા પર ચાલુ જ રહ્યાં હોત! 

(૫) સલમાન ખાન કાળિયારના શિકારમાં જેલમાં ના ગયો. કારણ ગમે તે હોય. માટે હવે તમે પણ કાળિયારનો શિકાર કરો, જાવ! કોઈ ગુનો કરે એટલે બીજાને ગુનો કરવાનો પરવાનો મળે છે? 

કાઁગ્રેસે આમ કરેલું અને કાઁગ્રેસે તેમ કરેલું, નેહરુ અને ઇન્દિરાએ આમ કરેલું ને તેમ કરેલું. એમ કહીને ભા.જ.પ., નરેન્દ્ર મોદી અને તેમના મળતિયાઓ અને તેમના અંધ ભક્તો પોતાને ગમે તે કરવાનો પરવાનો મળે છે એમ અબુધ નાગરિકોના મનમાં ઠસાવવા માગે છે. એમાં તર્કશીલ અને ભણેલાગણેલા લોકો પણ ફસાઈ જાય છે. આ ભારતની લોકશાહીને ખતમ કરવાની ભા.જ.પ.ની એક ખતરનાક ચાલબાજી છે, કાવતરું છે એ સમજવાની જરૂર છે. 

નેહરુ અને ઇન્દિરા પણ માણસ હતાં, કંઈ ભગવાન નહોતા. એમની હજારો ભૂલો થઈ જ હોય. તેઓ પણ રાજકીય માણસો હતાં. તેમને પણ પોતાને સત્તા જોઈતી હતી અને મળેલી સત્તા ટકાવવી હતી. પણ એ બેમાંથી કોઈએ પોતાને ભગવાન તરીકે ચીતરીને લોકોને છેતર્યા નહોતા. તેમણે એવું કહેલું કે તેઓ નોન-બાયોલોજીકલ છે?

આટલો તફાવત છે નેહરુ-ઇન્દિરા તથા નરેન્દ્ર મોદીમાં. અને જેને લોકશાહી એટલે શું એની ખબર હોય તેને માટે આ ફરક બહુ જ, અતિશય મોટો છે.

નાગરિકો માટે લોકશાહી મહત્ત્વની છે, કાઁગ્રેસ અને ભા.જ.પ. કરતાં વધારે લોકશાહીનું મહત્ત્વ છે. એની આડે જે કોઈ આવે, લોકશાહી ઘસાય એવું જે કંઈ થાય, એની ટીકા કરવી એ નાગરિકોનો ધર્મ છે.

એટલે અત્યારે કેન્દ્રમાં સરકાર મોદીની અને ભા.જ.પ.ની છે. એ સરકાર કે સરકારી સંસ્થાઓ કે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓ લોકશાહીને ધક્કો પહોંચતું કંઈ પણ કરે તો તેની ટીકા કરવાના અધિકારનો ઉપયોગ નાગરિકોએ કરવો જોઈએ. મહાન સંસ્કૃતિ ધરાવતા આ દેશમાં તમારે શું જોઈએ છે, ધર્મોક્રસી જોઈએ છે કે ડેમોક્રસી? 

ભારત લોકશાહીની ભયાનક કટોકટીની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને રાજાશાહી કે તાનાશાહી કહેવાય તેવી સ્થિતિમાં સરકી રહ્યો છે. બુદ્ધિ હોય તો, સમજો જરા. 

કોઈ પણ સત્તાને પડકારો, પછી એ રાજકીય હોય કે ધાર્મિક કે સામાજિક કે આર્થિક. બધી જ સત્તા મનુષ્યને ગુલામ બનાવવા અને રાખવા માગે છે. આઝાદ મનુષ્ય રહેવું હોય તો, અને બુદ્ધિનો ઉપયોગ કરતાં આવડતું હોય તો એ સત્તાને પડકારો. બુદ્ધિ હોય તો વાપરો, સત્તાને પડકારવામાં. 

તા.૧૨-૦૮-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ બાદ કાયમી સુલેહ થશે?

આશા બૂચ|Opinion - Opinion|12 August 2025

આશા બૂચ

પેલેસ્ટાઇન-ઇઝરાયેલ અને યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ તનતોડ મહેનત કરી રહ્યા છે. રાતના ઉજાગરા કરવા પડે અને પોતે અસંબદ્ધ નિવેદન આપી રહ્યા છે, તેની પણ પરવા કર્યા વિના તેઓ જગતમાં શાંતિ સ્થાપવા કટિબદ્ધ છે, કેમ કે તેમની નજર સામે નોબેલ પારિતોષિક પર ડોનલ્ડ ટ્રમ્પ કોતરેલું દેખાઈ રહ્યું છે. સવાલ એ છે કે માનો કે પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ થાય, તો એ બે દેશો અને તેના પાડોશી દેશો વચ્ચે કાયમી સુલેહ અને શાંતિ રહેશે તેની ખાતરી શી?

આ બે દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થવો એ કંઈ નવી બીના નથી. તાજેતરમાં છેડાયેલ યુદ્ધ માટે હમાસે કિબુત્ઝ પર આક્રમણ કરીને ઇઝરાયેલીઓનું અપહરણ કર્યું તે ઘટનાને કારણભૂત જરૂર માની શકાય. પરંતુ એ બે દેશો વચ્ચે દુશ્મનાવટ ભર્યા સંબંધો પાછળ હજારો વર્ષ જૂનો ઇતિહાસ જવાબદાર છે.

પેલેસ્ટાઈનને યહૂદીઓનો મુલક બનાવવાની યોજનાના સમર્થકો એવી માન્યતા ધરાવે છે કે જુઇશ પ્રજાનો એ ભૂમિ પર અધિકાર હતો તેમ ઐતિહાસિક પુરાવા સાબિત કરે છે, માટે ત્યાંના રહીશ આરબ પ્રજાને રહેવાનો અધિકાર નથી અને ભૂમધ્ય પ્રદેશ તેમ જ યુરોપમાં લઘુમતી કોમ તરીકે સહેલા અન્યાયોનો અંત લાવવા જુઇશ રાજ્ય – ઇઝરાયેલ સ્થાપવું એ તેમનો અધિકાર છે.

જો સદીઓ જૂની પરિસ્થિતિને સંભારીને હાલની ભૌગોલિક-રાજકીય વ્યવસ્થાને ડહોળી નાખવી હોય, તો થોડાં હજાર વર્ષ પહેલાંના નકશા પર નજર કેમ ન નાખવી? એ આખા પ્રદેશ પર તો ઇજિપ્શિયન, અસીરિયન, બેબીલોનિયન, પર્શિયન, મેસેડોનિયન, રોમન અને આરબ સામ્રાજ્યો સમાયંતરે શાસન કરતા રહ્યા હતા; તો શું આજે એ બધા દેશો તેના પર દાવો માંડી શકે ખરા?

પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચે છેલ્લા થોડા દાયકાઓમાં બનેલી ઘટનાઓ તપાસતાં સવાલ થાય કે શું જગતમાં ક્યારે ય જુઇશ અને મુસ્લિમ પ્રજા એક જગ્યાએ હળીમળીને શાંતિથી રહી જ નહીં હોય? ઇતિહાસકારોની નોંધ દર્શાવે છે કે એ બંને પ્રજા દુનિયાના અલગ અલગ ભાગમાં હળીમળીને રહેતી હતી. ઉદાહરણ તરીકે સ્પેઇનમાં અંડાલુસ (Al-Andalus), કે જે મુખ્યત્વે ઇસ્લામિક પ્રભુત્વ ધરાવતો પ્રદેશ હતો ત્યાં, ઓટોમન સામ્રાજ્ય હેઠળના દેશોમાં, મોગલ કાળ દરમિયાન ભારતમાં, મોરોક્કોમાં અને દુનિયાના અન્ય મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં એ બંને પ્રજા સુલેહથી રહેતી હતી તેમ જાણવા મળે છે. એટલું જ નહીં, જુઇશ પ્રજા મોટે ભાગે જે તે સમાજમાં તેના અભિન્ન અંગ થઈને રહેતી અને મહત્ત્વના ગણાવી શકાય તેવા સરકારી, શૈક્ષણિક અને વ્યાપારી ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાન ધરાવતા. તો, એવું તે શું બન્યું કે હવે જુઇશ-મુસ્લિમ પ્રજા શાંતિથી ન જીવે કે ન જીવવા દે?

શાણો માણસ એને કહેવાય, જે પોતાના વર્તમાનમાં લીધેલાં નિર્ણયો ભવિષ્યમાં પોતાને માટે, અન્ય સંબંધિત લોકો માટે, કે સમાજ અથવા સમગ્ર દેશ-દુનિયા માટે કેવા પરિણામો લાવશે, તેનો પૂરો વિચાર કર્યા બાદ તેને અમલમાં મૂકે. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો, ત્યારે 400 વર્ષના ઓટોમન સામ્રાજ્યનો પણ અંત આવ્યો. હાલના ઇઝરાયેલ, પેલેસ્ટાઇન અને જોર્ડનનો સંયુક્ત વિસ્તાર – પેલેસ્ટાઇનનો કબજો 1917ના બાલ્ફોર ડેક્લેરેશન દ્વારા બ્રિટને લીધો તેને લીગ ઓફ નેશન્સે 1922માં માન્યતા આપી, ત્યારે વિચાર નહીં આવ્યો હોય કે સો વર્ષ પછી પણ ત્યાંની પ્રજા લડાઈ કરતી રહેશે? બ્રિટનની મુખત્યારીના સમય દરમિયાન એ આખો પ્રદેશ પેલેસ્ટાઇન તરીકે જ ઓળખાતો હતો, તો તેમાં તડ ક્યારે અને શાથી પડી?

નોંધનીય હકીકત તો એ છે કે સ્થળાન્તર કરીને આવેલા અને સ્થાયી થયેલા જુઇશ લોકોએ ઊભી કરેલી રોજગારની તકોથી આકર્ષાઈને ઈ.સ. 1897થી 1948 દરમિયાન ઇજિપ્ત, સીરિયા અને લેબેનોન જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં આરબ લોકો પેલેસ્ટાઇન આવીને વસ્યા હતા. એટલું જ નહીં, 1948માં ઇઝરાયેલ સ્ટેટની સ્થાપના થઇ તે પહેલાં જુઇશ પ્રજા ભૂમધ્ય પ્રદેશના દેશો, યુરોપ અને આફ્રિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં વસતા હતા. તો એમનાં મૂળ એ દેશોમાંથી ઉખેડીને જે ભૂમિ પર હજારો વર્ષ પહેલાં જુઇશ પ્રજા રહેતી હતી ત્યાં તેમને વસાવવા પાછળ કયો ઉમદા હેતુ હતો?

ઇઝરાયેલ તરીકે ઓળખાતી ભૂમિ પર હજારો વર્ષ પહેલાં અબ્રાહમ આવ્યા અને ઇઝરાયેલનું રાજ્ય સ્થાપ્યું ત્યારના જુઇશ લોકો એ ધરતી પર વસતા હતા અને આરબ પ્રજા ત્યાં આવીને વસી અને એ પ્રદેશને પેલેસ્ટાઇનની ઓળખ મળી એ થોડી સદીઓ બાદની ઘટના છે એ ખરું. પણ ત્યાર બાદ એ આખો પ્રદેશ આરબનું વતન બની ગયો હતો. તેઓ પોતાની ભાષા, ધર્મ અને સંસ્કૃતિનાં મૂળ નાખીને રહ્યા હતા. 1948માં જ્યારે ઇઝરાયેલનું રાજ્ય સ્થાપવાનો પ્રસ્તાવ મુકાયો ત્યારે આરબોએ વિરોધ કરેલો. તેની અવજ્ઞા બ્રિટનની તત્કાલીન સરકાર અને લીગ ઓફ નેશન્સે કરી ત્યારે સ્વપ્નમાં ય ખ્યાલ નહીં હોય કે એકવીસમી સદીમાં જુઇશ લોકો એ જમીન પર હક જમાવવા હિંસા આચરશે. કોઈ દિવસ પોતાના વડવાઓનું ઘર વેંચાઈ ગયા બાદ એની માલિકી બીજાની હોય, તો એના ઘરમાં અનધિકાર પ્રવેશ કરાય?

જ્યારે 14 મે 1948ને દિવસે જુઇશ એજન્સીના વડા ડેવિડ બેન-ગુરિઓને ઇઝરાયેલ રાજ્યની સ્થાપનાની ઘોષણા કરી, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેને તેને તે જ દિવસે માન્યતા આપી. અને આજની ઘડી સુધી અમેરિકાએ જુઇશ લોબીના પ્રભાવમાં આવીને ઈઝરાયેલને શસ્ત્રો આપીને પાડોશી ઇસ્લામિક દેશો સામે લડવા માટે પૂરેપૂરું સજ્જ બનાવ્યું છે. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ શાંતિ સ્થાપવા કેમ કટિબદ્ધ થયા હશે, ભલા?

ઘડીભર સ્વીકારી લઈએ કે યુ.એન. અને યુરોપના દેશો હમાસ અને ઇઝરાયેલની સરકારની વેરભાવનાને ટાઢી પાડવા સફળ થશે. છતાં આસપાસ ચોપાસ ઘેરાયેલા ઇસ્લામિક દેશોનો દુનિયાના એક માત્ર જુઇશ સ્ટેટ સાથે સંબંધ કેવો રહેશે? જે જુઇશ પ્રજા હજારો વર્ષ પહેલાં પોતાના વડવાઓની ભૂમિ પર અધિકાર કરવા ગેરકાયદેસર વસાહત ઊભી કરે, ભયાનક હિંસા આચરે, એ શું રાતોરાત મુસ્લિમ પ્રજા સાથે દોસ્તી કરશે?

અહીં ગાંધીજીનું વચન યાદ આવે.

ગાંધીજીને જુઇશ પ્રજા પર વીતેલા દમન માટે તેમના માટે ભરપૂર સહાનુભૂતિ હતી, પરંતુ આરબ લોકોની સહમતી વિના ઇઝરાયેલનું રાજ્ય સ્થાપવું તેમને મન અન્યાય ભરેલું હતું. એનો શાંતિમય ઉપાય એક જ હતો, જુઇશ પ્રજા પેલેસ્ટાઇનમાં વસતા લોકોની પરવાનગીથી તેમની સાથે રહેવા લાગે અને સમય જતાં બંને વચ્ચે સુમેળ ભર્યા સંબંધો વિકસે અને બંનેનો વિકાસ થાય. જેમ દુનિયામાં ઘણા દેશોમાં અન્ય દેશોમાંથી આવેલી પ્રજા હળીમળીને રહે છે, પ્રગતિ કરે છે, પોતે સમૃદ્ધ થાય અને પોતાના દત્તક લીધેલા દેશને પણ લીલોછમ બનાવે છે એનો ઇતિહાસ સાક્ષી છે.

આંતરરાષ્ટ્રીય સંગઠન અને લવાદી કરનારા દેશો પોતાનાં સૂચનો, નિર્ણયો અને પગલાંઓની દૂરગામી અસરો વિષે પૂરેપૂરો વિચાર કરે તે માટે ગોડ, અલ્લાહ એમને શક્તિ આપે એવી દુવા.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...43444546...506070...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved