Opinion Magazine
Number of visits: 9953763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટ્રમ્પને સત્તા વાપરતા આવડે છે, બુદ્ધિ વાપરતા નથી આવડતું.

રમેશ ઓઝા|Opinion - Opinion|16 March 2025

રમેશ ઓઝા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે તેનાથી અમેરિકાનું ભલું થશે કે નુકસાન એ તો સમય કહેશે, પરંતુ એક ચીજ તેમણે આડકતરી રીતે કબૂલી લીધી છે કે અમેરિકા મહાનતાનો દેખાડો કરવામાં ઘસાઈ ગયું છે, ઘસાઈ રહ્યું છે અને હવે વધારે ઘસાવા તૈયાર નથી. આવું જ બ્રહ્મજ્ઞાન ૧૯૮૦ પછીનાં વર્ષોમાં ચીનને થયું હતું, પરંતુ ચીનના તે સમયના નેતા દેંગ ઝિયાઓપીંગમાં અને ડોનાલ્ડ ટ્રમ્પમાં જમીન આસમાનનો ફરક છે. ૧૯૭૬માં ચીની સામ્યવાદી ક્રાંતિના જનક અને સામ્યવાદી પક્ષના સર્વેસર્વા માઓ ઝેદોંગ મૃત્યુ પામ્યા અને ચીન રાજકીય અને આર્થિક અરાજકતા તરફ ધકેલાવા લાગ્યું. બે વરસ પછી ૧૯૭૮માં દેંગ ઝિયાઓપીંગે ચીનનું સુકાન સંભાળ્યું અને ધીરેધીરે તેઓ ચીનને મૂડીવાદની દિશામાં લઈ ગયા, જેની કોઈએ કલ્પના નહોતી કરી. અમેરિકા અને રશિયાની ભાઈબંધી જેવી જ એ અકલ્પનીય ઘટના હતી. દેંગ જાણતા હતા કે વિરાટ ચીની સામ્યવાદી ઈમારત અંદરથી ખોખલી છે અને ખોખલાપણું યાવતચન્દ્ર દીવાકરો છુપાવી ન શકાય. જૂઠની ગમે એટલી મોટી ઈમારત રચવામાં આવે અને સાચું બોલનારાઓને ગમે એટલા દબાવી રાખવામાં આવે, એક દિવસ હકીકત સામે આવીને જ રહેશે. જો ચીનનું રાજકીય અને આર્થિક પતન થશે તો ઊભા થતાં એક સદીનો વખત લાગશે, માટે એવું કશુંક કરવું જોઈએ કે ચીનનું પતન ન થાય. તેમણે સામ્યવાદી રાજકીય ઢાંચો જાળવી રાખીને મૂડીવાદનો માર્ગ અપનાવ્યો. સ્વતંત્રતા અને ઉત્પાદકતા વચ્ચે સંબંધ છે એમ મૂડીવાદી અર્થશાસ્ત્ર કહે છે. દેંગ ઝિયાઓપીંગે અંકુશ અને ઉત્પાદકતા વચ્ચે સંબંધ જોડ્યો. દરેકે કામ કરવું પડશે, દરેકે આપેલું કામ કરવું પડશે, દરેકે બતાવેલા કલાકો સુધી કામ કરવું પડશે, ઉત્પાદિત માલ માટે માર્કેટની જવાબદારી સરકારની. ગણતરી બહુ સરળ હતી, માલ સસ્તો હશે તો માર્કેટ મળી રહેશે.

એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. વિરાટ સામ્યવાદી ઈમારત અંદરથી ખોખલી છે એ રશિયન સામ્યવાદી નેતાઓ પણ જાણતા હતા, પરંતુ તેઓ દેંગ જેવો રસ્તો શોધી ન શક્યા. એક રીતે છેલ્લા રશિયન સામ્યવાદી શાસક મિખાઈલ ગોર્બાચોવે પહેલીવાર રશિયન સામ્યવાદના ખોખલાપણાની વાત સ્વીકારી અને પરિવર્તન કરવાનાં પ્રયાસ પણ કર્યાં, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. ૧૯૮૦ પછીથી ચીન જગતના આર્થિક નકશા પર પોતાની જગ્યા બનાવવા લાગ્યું. ૧૯૯૦ પછીથી એ જગ્યા ચીન નાનીમોટી શરતો મૂકી શકે એવડી મોટી થઈ ગઈ. ૨૧મી સદીના પહેલાં દશકમાં એ જગ્યા એટલી મોટી થઈ ગઈ કે અમેરિકાએ ભારત જપાન ઓસ્ટ્રેલિયા અને બીજા દેશો સાથે મળીને ચીનને ખાળવાનો પ્રયાસ કરવો પડ્યો, પણ એમાં કોઈ સફળતા મળી નહીં. ભારત અતિતમાં રાચે છે અને હિંદુ-મુસલમાન વચ્ચેના ઇતિહાસના હિસાબકિતાબ કરવામાં વ્યસ્ત છે. એ ચળ પૂરી થશે ત્યાં સુધીમાં ભારત ક્યાં ધકેલાઈ ગયું હશે એ કલ્પનાનો વિષય છે. ૨૧મી સદીની પહેલી પચીસી હજુ તો પૂરી થાય એ પહેલાં અમેરિકાને સમજાઈ ગયું છે કે વિજેતા ચીન છે અને અમેરિકા પાછળ રહી ગયું છે. જો હાથ પર હાથ ધરીને બેસી રહીશું તો અમેરિકા હજુ પાછળ ધકેલાઈ જશે.

ડોનાલ્ડ ટૃમ્પ

પણ આગળ કહ્યું એમ ડોનાલ્ડ ટ્રમ્પ દેંગ ઝિયાઓપીંગ નથી. ટ્રમ્પને સત્તા વાપરતા આવડે છે, બુદ્ધિ વાપરતા નથી આવડતું. દેંગે સંક્રાંતિકાળમાં સત્તા કરતાં બુદ્ધિ વાપરી હતી. બીજું, દેંગ સામે ત્યારે ચીન માટે જગ્યા બનાવવાનો પડકાર હતો, જ્યારે અમેરિકા સામે અત્યારે જગ્યા પકડી રાખવાનો પડકાર છે. જગ્યા બનાવવી એ ધીરજનું કામ છે અને જગ્યા પકડી રાખવી એ ધીરજ ઉપરાંત અને ધીરજ કરતાં પણ વધારે સંયમનું કામ છે. પ્રયત્નો નિષ્ફળ જાય અને જગ્યા સરકતી જાય એમ માણસ ઉતાવળો અને ઘાંઘો થઈ જાય. ડોનાલ્ડ ટ્રમ્પ ઉતાવળા અને અધીરા થયા છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો એ એક વાત છે અને વાસ્તવિકતા બદલવી એ બીજી વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઘસાઈ ગયેલા અને ઘસાઈ રહેલા અમેરિકાની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે એનો અર્થ એ નથી કે તેઓ ઈલાજ કરી શકશે. આખાબોલા અને નાગા લોકો શરમાયા વિના ઊઘાડું બોલતા હોય છે, જેને આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કહીએ છીએ.

ભાંગ્યું તો ય ભરુચ એ ન્યાયે અમેરિકા હજુ આજે પણ પ્રચંડ તાકાત ધરાવે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એ તાકાતનો ઉપયોગ કરીને અમેરિકાની જગ્યા પકડી રાખવા માગે છે. શુદ્ધ દાદાગીરી. તેમને એમ લાગે છે કે ટેરીફનો દર ઘટાડાવીને અમેરિકન સામાનની નિકાસ વધારી શકાશે. અત્યારે વિશ્વદેશો સામે અમેરિકાની ટ્રેડ ડેફિસીટ (આયાત સામે નિકાસ) એક લાખ વીસ હજાર કરોડ ડોલર્સની છે જે બે દશક પહેલાં ૫૪૧ અબજ હતી. ટ્રેડ ડેફિસીટમાં ભારત ૨૪૫ અબજ ડોલર્સ સાથે બીજા ક્રમે છે. ચીન અને ભારત વચ્ચે ૧૦૧ અબજ ડોલર્સની વ્યાપાર ખાધ છે. ડોનાલ્ડ ટ્રમ્પે વિચારવું જોઈએ કે અમેરિકા નિકાસ કરવામાં પાછળ કેમ છે? પ્રદૂષણમુક્ત ક્લીન ઈકોનોમી માટે અમેરિકનો પોરસાતા હતા એ દિવસો ભૂલી ગયા? એવી કોઈ ચીજનું ઉત્પાદન નહીં કરવાનું જે અમેરિકામાં પ્રદૂષણ પેદા કરે. આ સિવાય ડોલર જો બીજા ચલણ સામે મજબૂત હોય તો માર તો પડે જ. હવે તખતો પલટાઈ ગયો છે અને અમેરિકાને એનું પરિણામ મળી રહ્યું છે જે માર્ગ તેણે અપનાવ્યો હતો.

આ સિવાય દાદાગીરી કરીને ઉતાવળે અપનાવેલો શોર્ટકટ મોંઘો પણ પડી શકે છે. અમેરિકાએ મંદીનો સામનો કરવો પડશે એમ કહેવામાં આવી રહ્યું છે. ટ્રમ્પને પણ આ સમજાઈ ગયું છે એટલે તેઓ કહેવા લાગ્યા છે કે લાંબાગાળાના ફાયદા માટે અત્યારે થોડી પીડા સહી લેવી પડશે. દરમ્યાન ટ્રમ્પના ગાંડપણનો જગત આખામાં વિરોધ થઈ રહ્યો છે. ચીન, કેનેડા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, યુરોપના દેશો, ફિલિપીન્સ એમ લગભગ બે ડઝન દેશોએ વિરોધ નોંધાવ્યો છે. માત્ર એક જ દેશ ચૂપ છે જે પોતાને વિશ્વગુરુ તરીકે ઓળખાવે છે અને તેના નેતાનો જગતમાં ડંકો વાગી રહ્યો છે એમ કહેવામાં આવે છે. અન્ય દેશોથી ઊલટું, ડોનાલ્ડ ટ્રમ્પે તો વળી ભારતનું અને નરેન્દ્ર મોદીનું નામ લઈને ઊઘાડી અને આકરી ટીકા કરી છે.

પણ બોલે એ બીજા! 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 માર્ચ 2025

Loading

મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી

હેમંતકુમાર શાહ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|15 March 2025

હેમન્તકુમાર શાહ

ગુજરાતમાં સમાન નાગરિક ધારો (UCC) માટેની કવાયત શરૂ થઈ છે. કોઈ પણ ધાર્મિક કે જાતિગત સમુદાય સમાન નાગરિક ધારામાંથી બાકાત રહેવા જોઈએ નહીં. એ બધાને સમાન રીતે લાગુ પડવો જોઈએ.

એટલે માગણી એવી થવી જોઈએ કે એ આદિવાસીઓને પણ લાગુ પડવો જ જોઈએ. આદિવાસીઓની પરંપરાઓ જુદી છે માટે એમને એ લાગુ ન પડે એવી દલીલ વાહિયાત છે. એમ તો બધા ધર્મોમાં અને જાતિઓમાં પરંપરાઓ અલગ અલગ જ છે. ચાલુ રાખો એ બધું જ, અને secular કાયદા બનાવવાનું જ બંધ કરી દો ને. હિંદુઓમાં સતીપ્રથા તો એક પરંપરા છે, એ ચાલુ રાખો, એવું કોઈ કહેશો ખરા? 

આદિવાસીઓને UCC લાગુ ન પડવાનો હોય તો પછી એ કાયદો જોઈએ જ નહીં એવી દલીલ પણ ધર્મનિરપેક્ષ કે secular દલીલ નથી. સરકાર આદિવાસીઓને એ કાનૂનમાંથી બાકાત રાખવા માગતી હોય તો તે ખોટી બાબત છે એમ ખોંખારો ખાઈને કેમ ન કહેવાય? શા માટે આદિવાસીઓ વચ્ચે કામ કરતી સંસ્થાઓ એમ ન કહે? વસ્તી ગણતરીમાં આદિવાસીઓ હિન્દુઓ ગણાય છે. તો હિન્દુઓમાં અલગ શ્રેણી આ કાયદા માટે કેવી રીતે હોઈ શકે? 

ગુજરાતની ભા.જ.પ. સરકાર આદિવાસીઓને UCCમાંથી બાકાત રાખવા માગે છે કારણ કે એમાં એમને એકાદ કરોડ આદિવાસીઓ નારાજ થશે અને ચૂંટણીમાં પોતાને મત નહીં આપે એવી બીક લાગે છે. પણ એ ભા.જ.પ. છે, આદિવાસીઓમાં કામ કરતી સંસ્થાઓ કંઈ ભા.જ.પ. નથી. એટલે એમણે તો આદિવાસીઓને શા માટે બાકાત રાખવામાં આવે છે એવો સવાલ ઉઠાવવો જ જોઈએ. 

સરકાર UCC માત્ર મુસ્લિમો માટે લાવી રહી છે અને હિન્દુઓમાંના આદિવાસીઓને બાકાત રાખવા માગે છે એ દલીલમાં પણ ઝાઝું તથ્ય છે. 

પણ secularism શું છે? એ તો એ છે કે કૌટુંબિક બાબતો અંગેના તમામ દીવાની કાયદા કે નિયમો પણ બધાને સમાન રીતે લાગુ પડે. કાયદો કયા પક્ષની સરકાર લાવી રહી છે એ અગત્યનું છે જ નહિ. એ તમામ જોગવાઈઓની બાબતમાં secular કાનૂન છે કે નહીં તે મહત્ત્વનું છે. 

ગુજરાતના સૂચિત કાયદામાં નીચેની બાબતો કોઈ પણ ધર્મ કે જાતિને ધ્યાનમાં લીધા સિવાય સૌ નાગરિકો માટે હોય :

(૧) છોકરા અને છોકરી માટે લગ્નની ઉંમરની બાબતમાં સમાનતા. મુસ્લિમો એમ કહે કે અમે તો ૧૫ વર્ષની વયની છોકરીને પરણાવી શકીએ કારણ કે એ અમારા ફલાણા ગ્રંથમાં માન્ય છે અથવા એ અમારી પરંપરા છે તો એ તદ્દન બોગસ વાત છે. 

(૨) છૂટાછેડાની વ્યવસ્થામાં અને તેના અધિકારની બાબતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા. 

(૩) છૂટાછેડાના કિસ્સામાં સ્ત્રીઓને કે પુરુષોને ભરણપોષણ આપવાની બાબતમાં સમાનતા. એમાં પણ અમારા ધર્મગ્રંથમાં આમ કે તેમ કહેવામાં આવ્યું છે કે અમારી પરંપરા આમ કે તેમ છે એવું ન ચાલે. 

(૪) એકપતિત્વ અને એકપત્નીત્વની બાબતમાં બધા માટે સમાન કાયદો, જો એ આદર્શ સમજવામાં આવતી બાબત હોય અને એ કાયદો કરવો જ હોય તો. 

(૫) વ્યક્તિના મૃત્યુ બાદ મિલકતની વારસાઈ બાબતમાં સમાનતા. મિલકત કોને કેટલી મળે તે બાબતમાં સમાનતા.

(૬) બાળકોને દત્તક લેવા અંગેના કાયદામાં સમાનતા.

(૭) કોઈ પણ વ્યક્તિઓને લગ્ન કરીને કે લગ્ન વિના સાથે રહેવાની અને જીવવાની બાબતમાં સ્વતંત્રતા. 

ઉપરોક્ત બાબતોમાં ધાર્મિક કે જાતિગત પરંપરાઓ અથવા સેંકડો કે હજારો વર્ષો પહેલાં લખાયેલાં પુસ્તકોની વાતો મહત્ત્વની નથી જ; આધુનિક વિજ્ઞાન, સમાનતા અને માનવ અધિકારોનાં મૂલ્યો મહત્ત્વનાં છે. એ ધ્યાનમાં રાખીને કાયદો ઘડાય છે કે નહિ તે મહત્ત્વનું છે. 

ધૂળેટી, ૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—280

દીપક મહેતા|Opinion - Opinion|15 March 2025

પણ એ હતું શું? અકસ્માત, આપઘાત, કે ખૂન?            

તારીખ : શનિવાર, ૨૫ એપ્રિલ, ૧૮૯૧ 

સમય : સવારના અગિયારના સુમારે 

પાત્રો : બાઈ બચુબાઈ તે શેઠ અરદેશર બરજોરજી ગોદરેજનાં ધણિયાણી, ઉંમર વરસ વીસ, અને તેમની નણંદ અને બહેનપણી બાઈ પીરોજબાઈ તે શેઠ સોરાબજી ધનજીશાહ દસ્તૂર કામદિનનાં ધણિયાણી, ઉંમર વરસ ૧૬. 

બચુબાઈ : આવ, આવ, પીરોજ, ઘન્ને વખતે ભૂલી પડી!

પીરોજ : નહિ બચુ, નહિ. એમ નહિ બોલ. હું તો તુને રોજ યાદ કરું છું. પન સવારથી સાંજ, દિવસ ક્યાં પૂરો થઈ જાય છે તેની બી ખબર પરતી નહિ. આજે એવન આખ્ખો દહારો કામને સબબ બહાર છે એટલે થયું કે ચાલ મારી જીગરજાન બચુને મલી આવું.

બચુ : નઈ મલવાથી નહિ ચાલે. આજે આપરે સાથે ભોનું ખાઈસુ, બપોરે થોરી વાર આરામ કરીસું, અને પછી બહાર ફરવા જૈસું.

પીરોજ : ઓકે. કબૂલ. પણ ફરવા કેથ્થે જૈસું?

શેર બજારના બેતાજ બાદશાહ શેઠ પ્રેમચંદ રાયચંદ

બચુ : ચાલ ને! આપરે ફોર્ટમાં રાજાબાઈ ટાવર જોવા જઈએ. કહે ચ કે તેના ઉપલા મજલા પરથી તો આખ્ખું બોમ્બે દેખાય છે. 

પીરોજ : તને માલુમ છે? આય ટાવર કોન્ને બંધાવેલો?

પ્રેમચંદ રાયચંદનાં માતા રાજાબાઈ

બચુ : કેહે ચ કે પ્રેમચંદ રાયચંદ નામના એક મોટ્ટા વેપારીએ બંધાવેલો, એવનનાં મમ્મા માટે.

પીરોજ : હા. પ્રેમચંદ શેઠ એટલે તો મુંબઈના શેર બજારના બેતાજ બાદશાહ. અમેરિકન સિવિલ વોર વખતે કાપૂસના વેપારમાં ધૂમ કમાયા. વેપાર માટે પેઢીઓ કાઢી, પેઢીઓને પૈસા ધીરવા બેંકો સુરુ કીધી, બેન્કને માલદાર બનાવવા મુંબઈના ગવન્ડર સિક્કેને સમજાવિયા! અંગ્રેજી બોલી-લખી જાને એટલે ઘન્ના ગોરાઓ સાથે ઘરોબો. ૧૮૬૪માં કોટન માર્કેટ અને સ્ટોક માર્કેટમાં રૂપિયાની રેલમછેલ હુતી તે વારે પ્રેમચંદશેઠે યુનિવર્સિટી ઓફ બોમ્બેની લાયબ્રેરીનું મકાન બાંધવા સારુ બે લાખ રૂપિયાનું દાન આપિયું અને પછી તેની બાજુમાં ટાવર બાંધવા  બીજા બે લાખ રૂપિયા આપીયા. 

રાજાબાઈ ટાવર બંધાતો હતો ત્યારે – પાછળ થોડે દૂર દરિયો

બચુ : કેહે ચ કે પ્રેમચંદશેઠનાં મમ્માની આંખો કમજોર થઈ ગઈ હુતી, ઘરમાં દીવાલ પર લટકાવેલી કલોક બી જોઈ સકતા નહિ હુતા, એટલે પ્રેમચંદશેઠે આય ટાવર બંધાવેલો. તેની ઘરીઆલના ડંકા સમજીને મમ્માને ટાઈમ માલુમ પરે.

પિરોજા : પ્રેમચંદ શેઠ ક્યાં રેહે છે એ તો તુને માલૂમ હોસે જ.

ભાયખળામાં આવેલો પ્રેમચંદ શેઠનો બંગલો ‘પ્રેમોદ્યાન’

બચુ : હા, પ્રેમોદ્યાન નામના બંગલામાં.

પિરોજા : અને એ બંગલો છે ક્યાં?

બચુ : કેમ વલી, ભાયખળામાં.

પિરોજા : તો ટુ જ કેહે, ફોર્ટમાં આવેલા રાજાબાઈ ટાવરના ઘરીઆલના ડંકા ઠેઠ ભાયખળામાં સંભળાય ખરા? અને તે બી એક ઘરડી ઓરતને. હા, એ વાત ખરી કે ટાવર માટે દાન આપતી વખતે પ્રેમચંદ શેઠે સરકારને વિનંતી કીધી હુતી કે આય ટાવર સાથે મારાં મમ્મા રાજાબાઈનું નામ જોરવામાં આવે.

બચુ : કેહે ચ કે આજે આખ્ખા મુંબઈમાં આય રાજાબાઈ ટાવર સૌથી ઊંચી ઈમારત છે. 

પિરોજા : હા, ૨૮૦ ફિત ઊચ્ચો છે આય ટાવર. ૨૫ માલના મકાનની ઊંચાઈ આટલી થાય. અને ટાવર પર ચરીને જુઓ તો ત્રણ બાજુ દેખાય મુંબઈ નગરી. અને ચોથી બાજુ, પશ્ચિમ બાજુ, નજીકમાં જ દેખાય અરબી સમુંદર.

બચુ : બસ, બસ. હવે વાતો નહિ. આજે જ બપોરે રાજાબાઈ ટાવર જઈએ, છેક ઉપલા માળે જઈએ અને આપરી આ મુંબઈ નગરીનો નજારો આંખો ભરી ભરીને પી લઈએ.

પિરોજા : જો બેની! અટાણે તો આય મારા પેટમાં ભૂખનો સમંદર ઘૂઘવે છે. ચાલ, હવે ભોનું ખાઈ લઈએ.

*** *** 

તારીખ : શનિવાર, ૨૫ એપ્રિલ, ૧૮૯૧ 

સમય : બપોરના સાડા ત્રણ 

સ્થળ : રાજાબાઈ ટાવર 

પાત્રો : ઘણાં બધાં 

એપ્રિલ મહિનાની બપોરે હવામાં બફારો પુષ્કળ છે. શનિવારે બપોર પછી યુનિવર્સિટીમાં આવરો-જાવરો પણ ઓછો. એટલે રાજાબાઈ ટાવરનો ચોકીદાર થોડે દૂરના એક બાંકડા પર લંબાવીને સૂતો છે. થોડે દૂરથી કશુંક ભારે જમીન પર પડવાનો અવાજ આવે છે. ચોકીદાર સફાળો જાગીને દોડે છે. જુએ છે તો વીસેક વરસની એક છોકરી રાજાબાઈ ટાવરની નીચેની જમીન પર લોહી લુહાણ થઈને પડી છે. હજી તો શું કરવું એ વિચારે એ પહેલાં બીજો ધબાકો. બીજી એક છોકરી, આશરે સોળ વરસની, એ જ રીતે ટાવર પરથી જમીન પર પટકાય છે, લોહી લુહાણ થઈને. હવે ચોકીદાર જરા પાસે જઈને જુએ છે. બંને છોકરીઓના જીવ નીકળી ગયા છે. 

ચોકીદાર બૂમો પાડે છે. આસપાસથી થોડા લોકો દોડતા આવે છે. જોતજોતામાં ટોળું એકઠું થઈ જાય છે. તેમાનું કોક ઓળખી જાય છે અને કહે છે : અરે, આ તો  શેઠ અરદેશર બરજોરજી ગોદરેજનાં ધણિયાણી બાઈ બચુબાઈ અને શેઠ સોરાબજી ધનજીશાહ દસ્તૂર કામદિનનાં ધણિયાણી પીરોજબાઈ. લોકોમાં ગુસપુસ શરૂ થાય છે : બંને સુખી કુટુંબની વહુઆરુઓ. એવું તે કેવું દુ:ખ પડ્યું હશે કે આમ મોતને ભેટી હશે. તો કોઈ કહે છે કે ના ના. ટાવર પરથી મુંબઈ શહેર જોવા માટે કઠેડા પર વધુ પડતાં વાંકા વળ્યાં હશે અને અકસ્માત નીચે પડ્યાં હશે. તો ટોળામાં ઊભેલો એક બુઢ્ઢો પારસી કોઈને ભાગ્યે જ સંભળાય તેમ બબડી રહ્યો હતો : મુને તો દાલમાં કૈંક કાલું હોય તેમ લાગે છે. આ નથી અકસ્માત, નથી આપઘાત. નક્કી બંને છોકરીઓને ટાવર પરથી ફેંકીને કોઈએ તેમનું ખૂન કર્યું છે. 

ત્યાં તો પોલીસ આવી પહોંચી. પહેલાં તો હાથમાંની લાકડીઓ ઉગામી ઉગામીને ટોળાને વિખેરી નાખ્યું. પછી બંને લાશનો કબજો લીધો. એ જ વખતે ટાવરનાં પગથિયાં ઊતરીને એક જુવાન નીચે આવતો દેખાયો. પોલીસે રોકીને પૂછપરછ કરી. ‘નામ?’ ‘માણેકજી અસલાજી.’ ‘અહીં શું કરવા આવ્યો?’ ‘કેમ? ટાવર પરથી મુંબઈ જોવા.’ સાથે એક દોસ્ત પણ હતો. એનીયે થોડી પૂછપરછ કરી પોલીસે. પણ પછી બંનેને જવા દીધા. ૨૪૭ નંબરની વિક્ટોરિયા (ઘોડા ગાડી) ભાડે કરી બંને ઘરે પહોંચી ગયા. 

એ પછી થોડી વારે પોલીસ સ્ટેશનમાં એક મુલાકાતી આવ્યો. પોતાની ઓળખ આપી : મેસર્સ કોનરોય એન્ડ બ્રાઉન સોલિસીટર્સની કંપનીમાં હું અસિસટન્ટ મેનેજિંગ ક્લાર્ક તરીકે કામ કરું છું. આજે બપોરે રાજાબાઈ ટાવરના બીજા માળે બે છોકરીઓ અને બે યુવાનો વચ્ચે ઝપાઝપી થતી મેં દૂરથી જોઈ હતી. એ જ વખતે એક ત્રીજો યુવાન પણ ત્યાં આવ્યો હતો અને વચ્ચે પડ્યો હતો. ઝપાઝપીમાં તેનો કોટ ફાટી ગયો હતો. 

હત્તેરી ની! પોલીસ ચોંકી. ટાવરમાંથી ઊતરીને બે જુવાનો વિક્ટોરિયામાં બેસીએ નીકળી ગયા તે બે નક્કી આ મામલામાં સંડોવાયા છે. અને પોલીસ પહોંચી માણેકજીને ઘરે. એ વખતે એનો દોસ્ત પણ ત્યાં જ હતો. બંનેની પૂછપરછ કરી. પણ બંને નિર્દોષ લાગ્યા એટલે પોલીસ ખાલી હાથે પાછી. પોલીસ ગયા પછી અસલાજીના દોસ્તે કહ્યું કે પોલીસે ઘરની જડતી લીધી નહિ એટલે આપણા ફાટેલા કોટ તેમના હાથમાં આવ્યા નહિ. પણ હવે જોખમ લેવાય નહિ. માણેકજીના નોકર બાલાને બંને કોટ આપીને કહ્યું કે ગમે ત્યાં જઈને વેચી આવ. બાળાએ બંને કોટનું પોટલું બાંધ્યું અને ચાલ્યો વેચવા. પહેલા દુકાનદાર ખોજા અહમદ થૂઅર નામના વેપારીએ કોટ તપાસતાં એક કોટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી. તેમાં લખ્યું હતું : “નેણસી પેરુ અને શેઠ નૂર મોહમ્મદ સુલેમાન : કોઈ પણ હિસાબે આજે બપોરે ત્રણ વાગ્યે તમારે બંનેએ રાજાબાઈ ટાવર આવવાનું જ છે. સાથે ચાલીસ રૂપિયા લાવવાનું ભૂલતા નહિ. અને અમારી આ વાત તમે કબૂલ કરી છે તેમ જણાવવા આ ચિઠ્ઠી લાવનારને એક રૂપિયો આપજો.” પેલા દુકાનદારે હળવેકથી ચિઠ્ઠી પોતાના ખિસ્સામાં સરકાવી દીધી અને પછી બંને કોટ બાળાને પાછા આપતાં કહ્યું : ‘આ મારે કામના નથી.’ બાજુમાં બીજી દુકાન મારવાડીની. તેણે કશી પંચાત કર્યા વગર પાંચ રૂપિયામાં બંને કોટ ખરીદી લીધા. 

પણ ખોજા અહમદ થૂઅરને આખી રાત ઊંઘ ન આવી. નક્કી દાળમાં કૈંક કાળું છે. કોઈકને બ્લેકમેલ કરવાનો કારસો લાગે છે. શું કરું? કોને કહું? સવાર પડી. સીધા પોલીસ સ્ટેશને જવાની હિંમત ન ચાલી. ક્યાંક મને જ સળિયા પાછળ કરી દે તો? પણ ‘જામે જમશેદ’ અખબારના તંત્રી જેહાંગીર મર્ઝબાનને થૂઅર ઓળખે. એટલે તેમની પાસે જઈને બધી વાત કરી અને પેલી ચિઠ્ઠી પણ બતાવી. બંને છોકરીઓના મોતનો કેસ ફરામજી નામના ઓફિસરના હાથમાં હતો એની તંત્રીને ખબર. એટલે તરત તેમને જાણ કરી. થોડી વારમાં પોલીસે પેલા બાળા નોકરની ધરપકડ કરી : ચોરીનો માલ વેચવાના ગુના સબબ. હવે પોલીસે પહેલું કામ મુદ્દામાલ તરીકે પેલું પોટલું મારવાડીની દુકાનેથી જપ્ત કરવાનું કરવું જોઈતું હતું. પણ કોણ જાણે કેમ ન કર્યું. પૂરા ૫૬ કલ્લાક પછી પોલીસ મારવાડીની દુકાને પહોંચી. પણ ત્યારે ત્યાંથી એ પોટલું ગાયબ થઈ ગયું હતું!

પછી એ પોટલું મળ્યું કે નહિ? અને આ કેસનું શું થયું?

વધુ રસિક ભાગ હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 15 માર્ચ 2025 

Loading

...102030...432433434435...440450460...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved