Opinion Magazine
Number of visits: 10028927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમારું ‘નાગરિક’ ન હોવું એમને ફળે છે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|30 August 2014

– તમારું 'નાગરિક’ ન હોવું એમને ફળે છે

– સો દિવસને છેડે; 'વિકાસ’ની હવાઈ છત્રી તળે નાતજાતકોમનું રાજકારણ ધરાર બરકરાર

નમો શાસનને સો દિવસ થવામાં છે અને સર્વોચ્ચ અદાલત દેશનાં પ્રધાનમંડળોમાં દાગી મંત્રીઓના ધરાર હોવા વિશે દુ:ખ, ચિંતા અને નિસબતની લાગણી આક્રોશમાં ઝબકોળીને વ્યક્ત કરે છે. આ સૌને પરબારા ગેરલાયક ઠરાવવાનું તેને ઈષ્ટ લાગતું હોય તો પણ એ બંધારણની વર્તમાન જોગવાઈ ૭પ-૧ મુજબ પોતાનો સુવાંગ ઈલાકો નથી તે અલબત્ત સર્વોચ્ચ અદાલતના ખયાલમાં છે. એટલે વડા ન્યાયમૂર્તિ‌ લોધા સહિ‌તની પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે, છેવટે, આ આખી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્યમંત્રીઓના વિવેક પર છોડી છે.

તેઓ ચાહે તો પોતાના દાગી મંત્રીઓને પડતા મૂકી શકે છે. સર્વોચ્ચ અદાલતે જે વિવેક વાસ્તે આરતભરી આશાટહેલ નાખી છે તેનો વિધાયક પ્રતિસાદ નમો કેવો અને કેટલો આપે છે એના પરથી એમના પહેલા સો દિવસનું એક માપ જરૂર મળી રહેશે. જો ગુજરાતમાં પુરુષોત્તમ સોલંકી અને બાબુભાઈ બોખીરિયાના દાખલા લક્ષમાં લઈએ અને બળાત્કારના આરોપસર તપાસ હેઠળ રાજસ્થાની કેન્દ્રીય મંત્રી નિહાલચંદ જૈનની ચાલુ દાસ્તાં લક્ષમાં લઈએ તો, કમનસીબે, પહેલા સો દિવસના સંદર્ભમાં આવી કોઈ ભેટ સંભવિત જણાતી નથી.

અર્થશાસ્ત્રી સ્વામીનાથ અંકલેસરિયા ઐયરે અર્થપ્રકરણી આશાભંગને જરી ફિલ્મી ઢબે વાચા આપી છે : 'હૈ મસ્ક્યુલર, હૈ પોપ્યુલર, બટ પપ્પુ કાન્ટ ડાન્સ સાલા.’ બને કે આ રીતની અભિવ્યક્તિ કઠે અને અમત્ર્ય સેન, જગદીશ ભગવતી, અરવિંદ પાનગરિયા, મોન્ટેક આહલુવાલિયાથી માંડીને રઘુરામ રાજન કે પછી ચિદમ્બરમ અને જેટલીના સ્તરે ચાલવી જોઈતી ચર્ચા એકદમ સડકછાપ બની ગયાનોયે પ્રતિભાવ જાગે. પણ અંકલેસરિયા ઐયર આપણા અર્થપ્રકરણી પત્રકારણની એક માહેર કલમ છે, અને આમ આદમીના આશાભંગને એમણે એની જ જબાનમાં વ્યક્ત કરવાપણું જોયું છે.

જોગાનુજોગ, આ સો દિવસોની જોડાજોડ મુઝફફરનગર કાંડને ય બરાબર એક વરસ પૂરું થાય છે. આ સહોપસ્થિતિ એ એક દુરદૈવ વાસ્તવનું સ્મરણ કરાવે છે કે વિકાસવેશી પ્રચારમારા તળે કોમી ધ્રુવીકરણ પ્રેરતી આખી એક રાજરમત ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સમાજવાદી પક્ષના પોતપોતાના પ્રતિસ્પર્ધી કોમવાદથી રમાઈ હતી અને સૌ નિરીક્ષકો જે વિકાસફતેહ પર વારુંઓવારું છે તે ફતેહની ગાડીને કોમી ઊંજણ અને ઈંધણની એણે ભરચક સોઈ કરી આપી હતી.

આ લખી રહ્યો છું ત્યારે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપ તરફે સૌથી વડા ઝુંબેશકાર તરીકે યોગી આદિત્યનાથ રહેશે. તાજેતરમાં લોકસભાની ચર્ચા દરમિયાન જેમણે આદિત્યનાથને સાંભળ્યા હશે એમને દસ વરસ માટે કોમી હિંસાને મોરેટોરિયમ ફરમાવતી લાલ કિલ્લા તકરીર અને આ વડા ઝુંબેશકારની વાસ્તવિક ભૂમિકા બેઉ બે અને બે ચારની જેમ સમજાઈ રહેશે. કદાચ, એ એક ફાવી ગયેલો અને ફળતો રહેલો રવૈયો છે.

વિકાસ વાર્તાનું એર કવરેજ અને જમીની ખેલ કોમી દસ્તાનો ઉત્તર પ્રદેશના વરવા ચિત્રમાં અખિલેશ શાસનની કમજોરી અને દિલદગડાઈએ ભાજપના કોમી ધ્રુવીકરણના ગણિતને ખાસી મદદ કરી કરી છે તે ઉઘાડું છે. પણ ગમે તે કારણસર આઝમખાનથી કિનારો કરતી સમાજવાદી રણનીતિ અને આદિત્યનાથને આગળ જ આગળ કરતી ભાજપી રણનીતિ, નમોની મોરેટોરિયમ મુહિ‌મને સવાલિયા દાયરામાં તો મૂકી જ આપે છે.

કહેવું હોય તો કહી શકાય – અને એમાં એક હદ સુધી સચ્ચાઈ પણ છે – કે બિહાર વિધાનસભાનાં ચૂંટણી પરિણામોએ કદાચ એવું બતાવી આપ્યું છે કે નમોની કથિત અપીલ ઉપરનો વરખ ઊખડી શકે છે. નીતિશ અને લાલુનું ભલે અસ્તંગમિત મહિ‌મા સરખી તોયે કોંગ્રેસે સહિ‌તનું સાથે આવવું નમો ભાજપ સામે પડકારરૂપ બની શકે છે. આ જ ધોરણે મુલાયમે માયાવતી સાથે સમજૂતીની તૈયારી બતાવી છે એ સૂચક છે. જો કે માયાવતીએ કોઈ વિધાયક પ્રતિસાદ નથી આપ્યો.

પણ એ સંભારવું રસપ્રદ થઈ પડશે કે ૧૯૯૨ની અયોધ્યા ફતેહ કલ્યાણસિંહ માટે ૧૯૯૩માં લખનૌ પરાજયમાં ફેરવાઈ ગઈ હતી એનું એક રહસ્ય સપ-બસપ (મુલાયમ-માયાવતી) એકત્ર આવ્યાં એમાં હતું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં મોદીની ઓબીસી ઓળખ કદાચ આ જ ધાટીએ ઉછાળાઈ હતી. મતલબ, કર્ણબધિરકારી વિકાસ શોર એને ઠેકાણે બરકરાર છે – બાકી, તમે કાં તો ઓબીસી સહિ‌ત ગોળબંદ હિંદુ વિ. મુસ્લિમ છો અગર ઉજળિયાત વિ. ઓબીસી વિ. દલિત છો. તમે તેમને સારુ ક્રયવસ્ત કે ક્રીડાવસ્તુ છો, નાગરિક નથી.

તમારું આ નાગરિક ન હોવું તમને પણ ફાવતું આવે છે અને એમને પણ ફળતું રહે છે. છેલ્લાં પચીસ વરસમાં કોઈ પણ પક્ષને કેન્દ્રમાં ન મળી હોય એવી અને એટલી બહુમતી પછી પણ જો આ જ ચિત્ર જોવાનું હોય તો લોકને મળી રહ્યું એ બદલી અવેજ કહેતાં સિબ્સ્ટટયૂટ હશે, વિકલ્પ કહેતાં ઓલ્ટરનેટિવ તો નથી. કબૂલ કે સો દિવસ માત્રથી આવા તારણ ઉપર એકદમ ઊતરી ન અવાય. કહી તો શકાય કે તમારે એમને સમય આપવો જોઈએ. એમની સામે હજુ પૂરી મુદ્દત પડી છે એ તો સાચું જ છે. થોભો અને રાહ જુઓ.

ભલે ભાઈ, આ તો લાગ્યું તેવું લખ્યું… બાકી બોલ્યુંચાલ્યું માફ

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 30 અૉગસ્ટ 2014

Cartoon courtesy : "The Indian Express", 30 August 2014

Loading

Jain Food

Mahendra Shah|Opinion - Cartoon|29 August 2014

Loading

‘સંસ્કાર’ શબ્દનો ખરો અર્થ ચીંધનારની વિદાય

મેહુલ મંગુબહેન|Opinion - Literature|28 August 2014

સામાન્ય રીતે સાહિત્યકારોના બે પ્રકાર પાડી શકાય. પ્રથમ પ્રકાર એવો છે જેમાં ઢગલો નામો આવે. મોટામોટા સાહિત્ય સમારોહમાં વાહવાહી લૂંટતા કવિઓ-લેખકો. અધિકારીઓની, સગાંવહાલાંઓની, નેતાઓની ચાપલૂસી કરતા અને એમનાં તળિયાં ચાટતા, એમના કાયમ (ખભે) ઊંચકીને ફરતા સાહિત્યકારો. ન તો તેમની કૃતિમાં સમાજ માટે કંઈ નક્કર દર્શન કે વાસ્તવનો રણકો હોય કે ન તો તેમના અંગત જીવનમાં. આવા સાહિત્યકારો ભારતની દરેક ભાષામાં છે અને આપણી ગરવી ગુજરાતી ભાષા તો આ બાબતે ખાસ્સી રળિયાત ગણાવી શકાય!

બીજો પ્રકાર એવા સાહિત્યકારોનો છે કે જેમની જીવનસમજ સ્પષ્ટ છે. એ વાડાઓમાં બંધાયેલા નથી. એમના સાહિત્યની જે ગરિમા છે એ જ એમના જીવનની પણ છે. તેઓ કટ્ટર કે હિંસક ટોળાથી પણ ડરતાં કે દોરવાતા નથી. શાલો ઓઢવા માટે કે એવોર્ડ પામવા માટે કે સરકારી પ્રવાસ-પ્રોજેક્ટમાં નામ ઘુસાડવા માટે પોતાની કલમ કે અવાજ વેચતા નથી. આવા સાહિત્યકારો તેમના સાહિત્ય અને કામ થકી સમાજમાં જે ખોટું છે તેની સામે પડે છે. તેઓ સમાજને પરંપરામાંથી પ્રગતિશીલતા તરફ વાળે છે. આપણા ઉમાશંકર જોષીની હરોળમાં આવે એવા કન્નડ ભાષાના સાહિત્યકાર ઉડુપિ રાજગોપાલાચાર્ય અનંતર્મૂિત યાને કે યુ.આર. અનંતર્મૂિત સામા પ્રવાહે તરનારા બીજા પ્રકારના સાહિત્યકાર હતા, જેમનું તાજેતરમાં ૨૨મી ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ અવસાન થયું.

યુ.આર. અનંતર્મૂિતનો જન્મ ૨૧ ડિસેમ્બર, ૧૯૩૨માં શિમોગા જિલ્લાના તીર્થહલ્લી તાલુકાના મેલિગે ગામમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ પરંપરાગત રીતે સંસ્કૃતમાં થયું. મૈસુરમાં એમ.એ.ની પદવી મેળવી તેમણે વધુ અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો. ૧૯૬૬માં તેમણે '૧૯૩૦ના દાયકામાં રાજનીતિ અને સાહિત્ય' વિષય પર સંશોધન નિબંધ લખી ડોક્ટરેટની ઉપાધિ મેળવી. ૧૯૫૦ના દાયકામાં કન્નડ ભાષામાં પ્રગતિશીલતાનું 'નવ્યા આંદોલન' શરૂ થયું તેના તેઓ અગ્રદૂત બન્યા. અલબત્ત, ફક્ત પોતાની કૃતિઓ થકી જ નહીં, રાજનીતિથી સમાજજીવન સુધીનાં લગભગ તમામ પાસાંઓ પર પોતાનો અવાજ તેમણે બુલંદ રાખ્યો. તેમણે પરંપરાગત વિભાવનાને તહસનહસ કરતી 'સંસ્કાર' અને 'ભારતીપુરા' જેવી ઉત્તમ નવલકથાઓ લખી, સાથે સમાજજીવનની બારીકી વર્ણવતા અને વાસ્તવનું દર્શન કરાવતા 'ઘટ શ્રાદ્ધ' જેવા વાર્તાસંગ્રહો પણ આપ્યા. 'સંસ્કાર' સહિત તેમની ઘણી કૃતિઓ ગુજરાતી સહિત અનેક ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદિત થઈ છે. એમની નવલકથામાં પાત્રોનાં મનોવૈજ્ઞાાનિક પાસાંઓ સહજતાથી અને ઝીણવટથી ઉજાગર થયાં છે. પાત્રો પર પડઘાતાં સામાજિક-રાજકીય દબાણો તથા હિંદુ સમાજની વિસંગતિઓને તેમણે હલબલી જવાય તે રીતે વર્ણવી છે. તેમની રચનાઓ કર્ણાટકની જાતિવ્યવસ્થા અને બ્રાહ્મણોના વર્ચસ્વ સામે મોરચો માંડે છે. સ્થળ-કાળ-પાત્ર-સમાજ-રાજનીતિને સહજતાથી એકરૂપ કરી રજૂ કરવાની આગવી સાહિત્યિક પ્રતિભાના તે માલિક હતા. પાત્રોની ભિન્નતાઓ અને અનેક રાજનૈતિક-મનોવૈજ્ઞાનિક પાસાંને આવરી લીધા પછી પણ એક મુક્ત ન્યાયી સમાજની ધખના અને તેની મથામણ એ તેમની કૃતિઓનો મૂળ ભાવ છે.

૧૯૮૪માં રાજ્યોત્સવ પુરસ્કાર, ૧૯૯૪માં જ્ઞાાનપીઠ પુરસ્કાર, ૧૯૯૮માં પદ્મભૂષણથી સન્માનિત યુ.આર. અનંતર્મૂતિ અંગ્રેજીના પ્રોફેસર અને મહાત્મા ગાંધી વિશ્વવિદ્યાલયના કુલપતિ પણ રહી ચૂકેલા. ૧૯૯૨માં નેશનલ બુક ટ્રસ્ટના અધ્યક્ષ અને ૧૯૯૩માં સાહિત્ય અકાદમીના પ્રમુખપદે પણ રહ્યા. દેશની અને વિદેશની અનેક ભાષાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે સેવા આપનાર અનંતર્મૂિતએ અંગ્રેજીનું અખૂટ જ્ઞાન હોવા છતાંયે કવિતા-નાટક-નવલકથા-વિવેચન-વાર્તાઓ સહિત પોતાનું તમામ સાહિત્ય માતૃભાષા કન્નડમાં જ રચ્યું. અંગ્રેજીને સમાંતર પ્રાથમિક શિક્ષણમાં કન્નડને સામેલ કરવા માટે પણ લડાઈ લડી. રાજનૈતિક કર્મશીલ અને રાજનૈતિક સાહિત્યકાર એમ બેઉ મોરચે તેમણે એટલું પ્રદાન કર્યું છે કે તેમના અવસાન વખતે ફટાકડા ફોડનારા કટ્ટરવાદી મૂર્ખાઓને બાજુ પર મૂકીએ તો વર્તમાન વડાપ્રધાન સહિત અનેક મહાનુભાવોએ સામે છેડે હોવા છતાં તેમને અંજલિ આપી છે.

આપણે ત્યાં દિગ્ગજ સાહિત્યકારો પણ રાજનૈતિક-સામાજિક હાલત સામે આંખ આડા કાન કરી જંગલ-ઝરણાં-નદીનાળાં ને પ્રેમલા-પ્રેમલી લખ્યા-બોલ્યા કરે છે ત્યારે 'સાહિત્યકાર' યુ.આર. અનંતમૂર્તિ 'કર્મશીલ' અનંતમૂર્તિથી અલગ કદી ન થયા. દેશ અને દુનિયાને લગતા બનાવો હોય કે પરંપરાઓ, તેમનો અભિગમ અને મંતવ્ય ઘરના ખૂણે કે દોસ્તોની ગપસપમાં નહીં ડંકે કી ચોટ પર વહેતો રહ્યો. બેંગ્લોરનું નામ બેંગ્લુરુ કરવાની વાત હોય કે પછી પરમાણુ ઊર્જા સામેનાં જોખમોને લઈને કુડનકુલન પ્રોજેક્ટનો વિરોધ હોય, યુ.આર. અનંતમૂર્તિ સતત સજાગ અને સત્ય અને લોકોની પડખે ઊભા રહેતા. હિંદુ સમાજની બદીઓની સામે એમનો અવાજ કાયમ બુલંદ રહ્યો. તેમની કટ્ટરવાદી તત્ત્વોની ટીકા કડક અને શબ્દો ચોર્યા વગરની સ્પષ્ટ છે. અફઝલ ગુરુ હોય કે બીજો કોઈ પણ, આખું ગામ જ્યારે ફાંસી ફાંસી એવી બૂમો પાડે છે ત્યારે એ મોતની સજાનો વિરોધ કરનારા જૂજ લોકોમાંના એક એ પણ હતા. એમણે કહેલું કે, માનવ સભ્યતાના જે તબક્કામાં આપણે છીએ એ જોતાં મોતની સજા નાબૂદ થવી જોઈએ. મોતની સજાથી સંભવિત અપરાધીઓ અપરાધ કરતા અટકી જાય છે એવું કોઈ અનુભવ આધારિત પ્રમાણ નથી અને જ્યારે આજીવન કારાવાસ જેવી સજા અમલમાં છે તો પછી સામાજિક નીતિની રીતે પણ મોતની સજા સામેની શંકા વાજબી છે.

પોતાની રાજનૈતિક સજાગતા બાબતે તેઓ પોતે પણ કાયમ અવગત હતા. તેઓ લોહિયાવાદી હતા, પણ લોહિયાના શિષ્યો ઉત્તરપ્રદેશ-બિહારમાં જે કરી રહ્યા હતા તેનાથી નિરાશ હતા. પર્યાવરણીય પ્રશ્નો બાબતે તેઓ પર્યાવરણવાદીઓની પડખે ઊભા રહેતા. પરમાણુ ઊર્જાનો તેમણે સ્પષ્ટ રીતે વિરોધ કર્યો હતો. વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે તેમણે કહ્યું હતું કે, આ અજબ સમય આવ્યો છે જ્યારે લોકો સ્વતંત્રતાને ભોગે સુચારુ વ્યવસ્થા ઇચ્છે છે. બેશક તેઓ આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનીતિના પ્રખર વિરોધી હતા, પણ ગુજરાતી પ્રેમ વચ્ચે લાવ્યા વગર એ એક વાત બાજુ પર મૂકીએ તો પણ તેમનું સાહિત્યિક અને સામાજિક પ્રદાન નવી ચેતનાનું હતું તે તો સ્વીકારવું અને સમજવું જ રહ્યું.

અરે, આપણે તો હજી ગુજરાતી ઉમાંશકરને પણ ક્યાં સરખા સમજી શક્યા છીએ તે છેક કર્ણાટકના કન્નડ સાહિત્યકાર સુધી લાંબા થઈએ? જો ગૌરવની ચોટલી બાંધી બેસી રહીશું અને અનંતમૂર્તિના વાંચન કે અંજલિ સુધી લાંબા નહીં થઈએ તો પ્રચલિત અર્થ મુજબ લાંબા જ થઈ જઈશું, કેમ કે ઇતિહાસ કહે છે કે સામા પ્રવાહે તરનારા આવા કર્મઠ લોકો જ સમાજને બદલે છે. તેમના અવસાન નિમિત્તે ફટાકડા ફોડનારા અને કટ્ટરતાવાદીઓને ન તો સંસ્કારની સમજ છે ન તો સંસ્કૃિતની. અનંતમૂર્તિ આજીવન અનેકને આંખમાં કણાની જેમ ખટકતા રહ્યા અને ભવિષ્યમાં પણ તેમની કૃતિઓ થકી ખટકતા જ રહેશે કેમ કે એ પરંપરાના મૂક પ્રેક્ષક નહીં પણ પ્રગતિશીલતાનાં પથદર્શક હતાં. એમની ખોટ કાયમ વર્તાશે. 

e.mail : mmehul.sandesh@gmail.com

http://www.sandesh.com/article.aspx?newsid=2979486

સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 27 અૉગસ્ટ 2014

Loading

...102030...4,0374,0384,0394,040...4,0504,0604,070...

Search by

Opinion

  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  
  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
  • કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved