ગુરુ-શિષ્ય પરંપરા આપણા દેશની ધરોહર ગણાય છે. આ વિષય મુખ્યત્વે અધ્યાત્મને લગતો ગણવામાં આવે છે. જૂજ લોકોને બાદ કરતાં લગભગ મોટાભાગના લોકોએ ગુરુમહિમા કર્યો છે. ધર્મ અને અધ્યાત્મમાં ગુરુનું વેણ એ જ અંતિમ સત્ય તેવી આ પરંપરાને લીધે ધર્મ-અધ્યાત્મનો વિકાસ તો શક્ય બન્યો, પણ આ જ પરંપરાને લીધે ભારતીય તત્ત્વજ્ઞાન અને જ્ઞાનમાર્ગનો વિકાસ પશ્ચિમના દેશોની સરખામણીમાં રૂંધાયો તેમ પણ કેટલાક વિદ્વાનો માને છે. ગુરુ અને શિષ્ય વચ્ચે ફક્ત આજ્ઞા અને આજ્ઞાપાલનના સંબંધ થકી જે મૌખિક-મૌલિક જ્ઞાન હતું તે જળવાયું, પણ તેમાં ઉત્તરોત્તર વધારો થવો જોઈતો હતો તે ન થયો. અથવા તો એ જ્ઞાન ફક્ત શ્રદ્ધાનો વિષય બનીને રહી ગયું અને તેમાં આલોચનાત્મક અભ્યાસ થકી પુરાવાઓ જોડી ન શકાયા. આત્માની આસપાસ ચકરાવો લેતું ભારતીય તત્ત્વચિંતન બેશક સમૃદ્ધ છે, પણ આજની મુખ્ય એવી વેસ્ટર્ન ફિલોસોફી પર તેની નહીં, પણ ગ્રીક તત્ત્વચિંતનની અસર ગણવામાં આવે છે. આ સમજણ આપણને ના ગમે તો પણ માનવી પડે તેવી છે. આનું એક ઉદાહરણ જોઈએ તો પાયથાગોરસનો ત્રિકોણનો નિયમ આપણા શૃંગશાસ્ત્રમાં છે. તેના લેખક બોધાયન ગણાવાય છે. શાળાઓમાં પાયથાગોરસ ભણાવવામાં આવે છે, કેમ કે તેમાં ફક્ત નિયમ નહીં, પરંતુ નિયમને પ્રતિપાદિત કરતા પુરાવાઓ પણ છે.
પ્રાચીન ગ્રીક તત્ત્વજ્ઞાનના પિતામહ થેલસને માનવામાં આવે છે. જ્હોન બર્નેટ તેમને 'ફર્સ્ટ મેન ઓફ સાયન્સ' કહે છે. થેલસે પહેલી વાર પાણીમાંથી જીવનની ઉત્ત્પતિ થઈ હોવાની વાત કરી, ગ્રહણની સાચી આગાહી કરી અને ઇજિપ્તના લોકોને પિરામિડનું કદ માપતા શીખવ્યું. સૌથી મોટી વાત એ છે કે આ તમામ બાબતો તેમણે પુરાવા સહિત રજૂ કરી. આપણી પરંપરામાં સત્યને રજૂ કરવાની વાત તો છે, પણ તેનો પુરાવા આધારિત કાર્ય-કારણનો સંબંધ સ્થાપિત કરવામાં આવતો નથી. અહીંથી તત્ત્વજ્ઞાનમાં તર્કની શરૂઆત થાય છે. એટલે તે ફક્ત અધ્યાત્મ નહીં, પણ નક્કર જ્ઞાન બની રહે છે. 'હિસ્ટ્રી ઓફ ફિલોસોફી' પુસ્તકમાં બર્ટ્રાન્ડ રસેલ આધુનિક તત્ત્વજ્ઞાન થેલસથી શરૂ થાય છે એમ કહે છે, કેમ કે થેલસે પહેલી વાર દંતકથાઓને ફગાવી દઈ કુદરતી ઘટનાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. આજનું વિજ્ઞાન એ તત્ત્વજ્ઞાનમાંથી જન્મ્યું છે એનો સઘળો જશ થેલસને જાય. યાદ રહે, થેલસનો સમયગાળો સિરકા ૬૨૪. બી.સી. એટલે કે ઇસ્વી સન પૂર્વે સાતમી સદીનો છે. થેલસે પહેલી વાર 'ભગવાન વરસાદ પાડે છે, પણ તે કેવી રીતે પાડે છે, કોઈક તો વ્યવસ્થા હશે ને એની!' એવો સવાલ પ્રગટ કર્યો. આમ, તે નેચરલ ફિલોસોફર ગણાય છે. પ્રાચીન ગ્રીકના મિલેતસ શહેરના થેલસ ગ્રીકના સર્પ્તિષમાં સ્થાન પામે છે. થેલસે તત્ત્વમિમાંસા, નીતિશાસ્ત્ર, ગણિત, ખગોળશાસ્ત્રમાં પાયાનું પ્રદાન કર્યું. થેલસના સમકાલીન (અથવા શિષ્યો એવા) એનાગ્સીમેન્ડર, એનાગ્સિમિનિસે મિલેશિયન સ્કૂલ શરૂ કરી. આ તત્ત્વજ્ઞાનની શાળામાં જ થેલસે પોતાને ખોટો પાડવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા. ગ્રીકમાં દંતકથાઓને બદલે પુરાવાથી વાત રજૂ કરવાની શરૂઆત આમ થઈ. આને ડાયલેક્ટિકલ મેથડ કહે છે. ભારતીય પરંપરામાં ગુરુમહિમાનો પ્રભાવ એવો તીવ્ર હતો કે આવી આલોચનાત્મક ડાયલેક્ટિકલ મેથડ વિકસી ન શકી એમ માની શકાય. કદાચ આને લીધે જ ભારતનું સમૃદ્ધ તત્ત્વજ્ઞાન નહીં, પણ ગ્રીકનું તત્ત્વચિંતન વેસ્ટર્ન ફિલોસોફીના પાયામાં ગણાય છે. એરિસ્ટોટલ એટલે જ થેલસને પ્રથમ તત્ત્વચિંતક તરીકે બિરદાવે છે. આ મિલેશિયન સ્કૂલ થકી જ ઝેનોફેનેસ, પાયથાગોરસ, હેરાકિલટસ જેવા એકબીજાનાં માથાં ભાંગે એવા શિષ્યો નીકળ્યા. દંતકથાને અવગણી પુરાવાઓ વિશે વિચારી જ્ઞાન સંપાદન કરવાની આ વાત થકી જ આગળ જતા સોક્રેટિસનો યુગ શરૂ થયો. સોક્રેટિસે આલોચનાત્મક વિચારોને ઉત્તેજન આપી સોક્રેટિક મેથડ આપી, જેમાં તેના શિષ્ય પ્લાટો, ઝેનોફોન, એન્ટિસ્થેસેન્સ, એરિસ્ટિપસે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
આપણી ગુરુ-શિષ્ય પરંપરામાં શિષ્યને ગુરુ કરતાં સવાયા બનવાની વાત તો ક્યાંક ક્યાંક સંભળાય છે, પણ જ્યાં સુધી તેને દંતકથાઓમાંથી બહાર લાવી નક્કર જ્ઞાન માટે મથામણ ન થાય ત્યાં સુધી આપણી પરંપરાનું જે સમાજને મળવું જોઈએ તે નહીં મળે. જે સવાલનો જવાબ આપે તે નહીં, પણ જે સવાલ કરતાં શીખવે તે ગુરુ તેવી એક સમજણ માટેનો આ ખરો સમય છે.
સૌજન્ય : “સંદેશ”, 12 જુલાઈ 2014
http://www.sandesh.com/article.aspx?newsid=2962297
![]()


અખિલ જિંદગી જેણે પીડ પરાઈ જાણી હોય એવા ભેખધારી ગાંધીવાદી વૈષ્ણવજનો, દલિતોની કલેજા ચીરતી ભયકથાઓ ટાણે અડીખમ ઊભેલા આંબેડકરવાદીઓ અને જેનું જીવનલક્ષ્ય 'દુનિયા કે મજદૂર એક હો'ના નારાને બુલંદ કરવામાં વીત્યું એવા ડાબેરી સંઘર્ષવીરો – આવા અનેક કર્મશીલો દેશ આઝાદ થયાના છ દાયકા દરમિયાન ગુજરાતને મળ્યા અને પોતપોતાની વિચારધારા મુજબ લડયા. પણ, આઝાદીના આ અધૂરા જંગમાં, જેણે પોતાની કર્મશીલતા થકી પોતાને માટે એવું જોખમ ઊભું કર્યું હોય કે ગુજરાતની રાજસત્તા ગમે ત્યારે જાનથી મારી શકે અને એ જોખમની વચ્ચે પણ એ વ્યક્તિ અણનમ માથું બનીને સતત લડતી રહી હોય તો કદાચ એ એક જ 'જન સંઘર્ષ મંચ'ના જોરાવર કર્મશીલ ડો. મુકુલ સિંહા. નરેન્દ્ર મોદી સામે લડનારો સૌથી મહત્ત્વનો યોદ્ધો. ફેફસાંના કેન્સરની બીમારી સામે ઝઝૂમીને ૧૨ મે ૨૦૧૪ના રોજ આપણા આ બાહોશ સાથીનું અવસાન થયું. રાજસત્તાને હચમચાવી નાખવાનું ગજુ ધરાવતો આ માણસ મૂળ છત્તીસગઢના બિલાસપુરનો, પણ જીવ્યો સવાયો ગુજરાતી બનીને. જિંદગીના ૩૦ વરસ સુધી ડો. મુકુલ સિંહાએ જે રીતે ગુજરાતનાં વંચિતો, શોષિતો, પીડિતો માટે અવિરત સંઘર્ષ કર્યો, તેનો જોટો જડવો મુશ્કેલ છે.
કાનપુર આઈ.આઈ.ટી.માંથી ૧૯૭૧માં ગોલ્ડમેડલ જીતી, ગ્રેજ્યુએટ થયેલ મુકુલ સિન્હા ૧૯૭૩માં અમદાવાદની પી.આર.એલ.(ફિઝિકલ રિચર્સ લેબોરેટરી)માં ભૌતિકશાસ્ત્રી તરીકે જોડાયા અને પ્લાઝ્મા ફિઝિક્સ પર ડોક્ટરેટ કર્યું. એ ભૌતિકશાસ્ત્રીમાંથી એક્ટિવિસ્ટ અને પછીથી એડવોકેટ બન્યા, એના મૂળમાં પી.આર.એલ.ના સિક્યુરિટી ગાર્ડની રોજીરોટીનો સવાલ. પી.આર.એલ.ના સિક્યુરિટી ગાર્ડે પોતાના અધિકારો માટે યુનિયન બનાવ્યું એ જોઈને સંસ્થાએ તમામ કર્મચારીઓ પાસેથી એવું લેખિત લેવાનું ચાલુ કર્યું કે તેઓ ક્યારે ય યુનિયનમાં નહીં જોડાય. મુકુલભાઈએ ધરાર કહી દીધું, યુનિયનમાં નહીં જ જોડાઉં એવી બાંહેધરી ના આપું. પરિણામસ્વરૂપ પી.આર.એલ.માંથી એમને પાણીચું પકડાવી દેવામાં આવ્યું. બસ એ જ ક્ષણથી કર્મચારીઓ-કામદારોના યુનિયન એ એમની જિંદગીનું અભિન્ન અંગ બની ગયા. પી.આર.એલ.માં વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓનું યુનિયન બનાવી એમણે ટ્રેડ યુનિયનિસ્ટ તરીકે પદાર્પણ કર્યું અને બીજી તરફ કોર્ટમાં પોતાનો કેસ દાખલ કર્યોં. ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ મુકુલભાઈનો કેસ લડે. ૯ વરસ સુધી કેસ ચાલ્યો. સુપ્રીમ કોર્ટ સુધી મેટર ગઈ. સુપ્રીમના જજે મુકુલભાઈને પૂછેલું – વોટ અ સાયન્ટિસ્ટ હેઝ ટૂ ડૂ વીથ લેબર યુનિયન (વિજ્ઞાનીને લેબર યુનિયન સાથે શું લેવા દેવા). મુકુલભાઈ ઘણીવાર અમને કહેતા કે પી.આર.એલ.નો કોઈ સાયન્ટિસ્ટ ઈન્કલાબ ઝિંદાબાદ કે લાલ સલામ બોલે એ વાત જ પેલા જજને હજમ થતી નહોતી … એ પછી મુકુલભાઈ પોતે વકીલ બની ગયા. એ વાતને આજે અઢી દાયકા થયા. આ અઢી દાયકા દરમિયાન મુકુલભાઈએ ઘણી કંપનીઓ, સંસ્થાઓ, મિલો-કારખાનાઓના માલિકો સામે યુનિયન બનાવીને લડત આપી. હજ્જારો ઝૂંપડાવાસીઓ માટે ઝઝૂમ્યા. માનવાધિકાર ભંગના સેંકડો કેસો ઉપાડયા. અનેક જાહેર હિતની અરજીઓ કરી.