Opinion Magazine
Number of visits: 9716761
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૧૯મી સદીનું ગુજરાતી સાહિત્ય: કેટલાંક વણખૂલ્યાં પાનાં

દીપક મહેતા|Opinion - Literature|20 April 2014

‘ઝટ્ટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું’

ઓગણીસમી સદીનાં આપણાં સમાજ, ધર્મ, શિક્ષણ, ભાષા, સાહિત્ય, આ બધાંની જે તાતી જરૂરિયાત હતી તે કવિ નર્મદના આ શબ્દોમાં છતી થાય છે. સમાજ સુધારો એ ઓગણીસમી સદીનાં જીવન અને સાહિત્યનું એક મહત્ત્વનું પરિબળ ખરું, પણ તે એકમાત્ર પરિબળ નહોતું. એ જમાનાનાં કેટલાંક સામયિકોનાં નામ જુઓ: વિદ્યાસાગર (૧૮૪૦), ખોજદોસ્ત (૧૮૪૨), જ્ઞાનપ્રસારક (૧૮૪૮), બુદ્ધિપ્રકાશ (૧૮૫૦), રાસ્તગોફતાર (૧૮૫૧), સત્યપ્રકાશ (૧૮૫૩), જ્ઞાનદીપક (૧૮૫૬), અને બુદ્ધિવર્ધક (૧૮૫૬). આ સામયિકોનાં નામમાં આવતા વિદ્યા, જ્ઞાન, સત્ય,બુદ્ધિ, જેવા શબ્દો સૂચક છે. એ વખતે પશ્ચિમ ભારતમાં જે મથામણ ચાલી રહી હતી તે માત્ર સમાજ સુધારા અંગેની ન હતી. વ્યક્તિ અને સમાજના જીવનમાં વિદ્યાની, જ્ઞાનની, સત્યની, બુદ્ધિની પ્રતિષ્ઠા કરવાની હતી. બ્રિટીશ પદ્ધતિના શિક્ષણને પ્રતાપે જે નવી નવી વિદ્યાશાખાઓ આપણી નજર સામે ખુલી રહી હતી તેની પ્રતિષ્ઠા કરવાની હતી. આ વ્યાખ્યાન સાથે જેમનું નામ જોડાયેલું છે તે આપણા અગ્રણી વિવેચક અનંતરાય રાવળે બહુ યોગ્ય રીતે કહ્યું હતું તેમ “અંગ્રેજો દ્વારા પ્રવૃત્તિપુરુષાર્થી પશ્ચિમનું, એટલે વૈજ્ઞાનિક અને અન્ય સાધનો દ્વારા ભૌતિક ઉત્કર્ષની સાધના પુરસ્કારતી અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિનું, ભારતમાં થયેલું આગમન અને તેણે સ્ફુરાવેલ જાગૃતિ અને નવચૈતન્ય, અંગેજી કેળવણી, મુદ્રણકળા, એ બધાંએ બદલી નાખેલી હવામાં જ સાંસારિક સભાનતા પ્રગટી. તેણે સાહિત્યનું સુકાન બદલી નાખતાં અર્વાચીન સાહિત્ય પ્રભુલક્ષી મટી માનવલક્ષી અને સંસારલક્ષી એટલે જીવનાભિમુખ બન્યું. પરિણામે સમાજ સુધારો, ધર્મસુધારણા, રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રાગટ્ય, વગેરેએ આપણા અર્વાચીન સાહિત્યને ઉપાદાનભૂત જીવનસામગ્રી પૂરી પાડી છે.”1 આપણે જેને ‘સુધારક યુગ’ કહીએ છીએ તેને માટે આ જ લેખમાં રાવળસાહેબે ‘જાગૃતિ યુગ’ એવી વધુ વ્યાપક સંજ્ઞા પ્રયોજી છે. એટલે સુધારક યુગનું સાહિત્ય એવી ઓળખને બદલે પ્રબોધન યુગનું અથવા જાગૃતિ યુગનું સાહિત્ય એવી ઓળખાણ વધુ સાચી ઓળખાણ બની રહે. આજે આપણે જેને પંડિત યુગના સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે પણ હકીકતમાં તો આ પ્રબોધન યુગના સાહિત્યનું જ એક્સટેન્શન – વિસ્તરણ – હતું. એટલે ૧૯મી સદીના સાહિત્યને બે ભાગમાં વહેંચવા કરતાં આખી ઓગણીસમી સદીના સાહિત્ય માટે ‘પ્રબોધન યુગનું સાહિત્ય’ એવી સંજ્ઞા યોજવાનું વધારે ઉચિત ગણાય.

ઓગણીસમી સદીના સાહિત્યના વિવેચન વિશે વાત કરતાં સૌથી પહેલી જરૂર જણાય છે તે ઓગણીસમી સદીના પૂર્વાર્ધ પર સવિશેષ ધ્યાન આપીને એ સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તકો અને તેના લેખકો, સામયિકો અને તેના સંપાદકોના મહત્ત્વને સમજવાની અને સ્વીકારવાની. આપણા સાહિત્યમાં અર્વાચીન યુગની શરૂઆત નર્મદ-દલપતનાં લખાણોથી જ થઈ એવી માન્યતા આપણા વિવેચનમાં ઘર કરી ગઈ છે. નર્મદ અને દલપત એ આપણા સાહિત્યના અર્વાચીન યુગના બે મુખ્ય અને મહત્ત્વના પુરસ્કર્તા ખરા, પણ સમય દૃષ્ટિએ પહેલા પુરસ્કર્તા નહીં. અર્વાચીનતાનાં વૃત્તિવલણોનો સીધો સંબંધ બે સાહિત્યેતર ઘટનાઓ સાથે રહેલો છે. કાળક્રમે જોતાં આમાંની પહેલી ઘટના તે મુદ્રણનું આગમન અને બીજી ઘટના તે બ્રિટીશ પદ્ધતિના શાળા-શિક્ષણની અને પછી ઉચ્ચ શિક્ષણની શરૂઆત. આ શરૂઆત ૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુંબઈમાં થઈ. ૧૮૦૮માં પહેલવહેલું છપાયેલું ગુજરાતી પુસ્તક મુંબઈમાં છપાઈને પ્રગટ થયું ત્યારથી ૧૮૫૨ સુધીમાં આપણી ભાષામાં ઓછામાં ઓછાં ૩૦૦ પુસ્તકો પ્રગટ થયાં હતાં. તેમાંનાં મોટા ભાગનાં પદ્યમાં નહીં, ગદ્યમાં લખાયેલાં હતાં. અને છતાં અર્વાચીન ગુજરાતી ગદ્યની શરૂઆત ૧૮૫૦માં પ્રગટ થયેલા દલપતરામના ‘ભૂત નિબંધ’થી કે ૧૮૫૧માં પ્રગટ થયેલા નર્મદના નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’થી થઈ એમ આપણે વર્ષોથી માનતા-મનાવતા આવ્યા છીએ. વાત જો સર્જનાત્મક ગદ્યની જ કરવાની હોય તો તો આ બંને કૃતિઓનું ગદ્ય પણ સર્જનાત્મક ગદ્ય નથી જ. હકીકતમાં અર્વાચીન ગુજરાતી ગદ્યનો આરંભ ૧૮૫૦ કરતાં ઘણો વહેલો પારસીઓ, પાદરીઓ, અને પરદેશી અમલદારોને હાથે થઈ ચૂક્યો હતો. અલબત્ત, તેમાંનું ઘણુંખરું ગદ્ય કાં અનુવાદ માટે, કાં ધર્મપ્રચાર માટે, કાં શાલેય શિક્ષણ માટે પ્રયોજાયું હતું, પણ તેથી એ અર્વાચીન ગદ્ય નહોતું એમ કેમ કહી શકાય? પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં થોડા અપવાદોને બાદ કરતાં આપણે પારસીઓ, પાદરીઓ, અને પરદેશીઓના પ્રદાનની તો અવગણના જ કરી છે. ૧૮૪૪માં સુરતથી પ્રગટ થયેલા ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’ના અનુવાદ ‘યાત્રાકરી’નો અને અનુવાદક ફાધર વિલિયમ ફ્લાવરનો ઉલ્લેખ આપણા સાહિત્યના ઇતિહાસમાં ક્યાંય જોવા નહીં મળે. ચાલો, એ તો અનુવાદ હતો, પણ ૧૮૪૪માં જ પૂરાં સાતસો પાનાંમાં કાવસજી સોરાબજી કાવસજી પટેલે ‘ચીનનો અહેવાલ’ નામનું પ્રવાસ વર્ણનનું પુસ્તક મુંબઈથી પ્રગટ કરેલું. તેની વાત કોઈએ કરી છે? ખુદ નર્મદે પોતે ગુજરાતી ગદ્યને જન્મ આપ્યાનું માન કેપ્ટન જર્વિસને આપ્યું છે અને ૧૮૨૮ના વરસથી ‘ગદ્યમાં લખવાનું શરૂ થયું’ એમ કહ્યું છે. પણ આ કેપ્ટન જર્વિસ કોણ હતો, એણે શું શું લખેલું એની ભાળ મેળવવાનો પ્રયત્ન કોણે કર્યો છે? ૧૮૬૭માં પ્રગટ થયેલા અભિજ્ઞાન શાકુંતલ નાટકના ઝવેરીલાલ યાજ્ઞિક અને દલપતરામ ખખ્ખરના બે અનુવાદ સંસ્કૃતમાંથી થયેલા પહેલા અનુવાદ તરીકે ઓળખાવાતા આવ્યા છે. પણ એ બંને મહાનુભાવોનો જન્મ પણ નહોતો થયો ત્યારે, છેક ૧૮૨૪માં સંસ્કૃતમાંથી પંચતંત્રનો અનુવાદ ‘પંચોપાખીઆંન’ નામે ફરદુનજી મર્ઝબાનજીએ કર્યો હતો એ વાત સાહિત્યના ઇતિહાસ કે વિવેચનમાં કોઈએ નોંધી છે? ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ તે પછી કેટલાંક વર્ષો સુધી આ ‘પંચોપાખીઆંન’ પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતું હતું અને ૧૮૮૨ સુધીમાં તેની છ આવૃત્તિ પ્રગટ થઈ હતી. તેનાથી પણ પહેલાં, ૧૮૨૧માં બાયબલના નવા કરારનો અનુવાદ સુરતમાં છપાઈને પ્રગટ થયો હતો. જેમ્સ સ્કિનર અને વિલિયમ ફાઈવી નામના લંડન મિશનરી સોસાયટીના બે પરદેશી પાદરીઓ ગુજરાતી ભાષા શીખીને બાયબલનો અનુવાદ ગુજરાતી ગદ્યમાં કરે, જ્યારે નર્મદનો જન્મ પણ થયો નહોતો અને જ્યારે દલપતરામની ઉંમર માંડ દોઢેક વર્ષની હતી ત્યારે કરે, એ હકીકત આપણા વિવેચને કે ઇતિહાસે નોંધી પણ છે? પણ આ બે પાદરીઓ પણ પહેલા ગદ્યકાર નથી. તેમના પહેલાં ‘કમતરીન ખાકસાર મુનશી ડોશાભાઈ મોબેદ શોહરાબજી ભરવચી’એ કરેલો ‘મોગલાઈ ઊનાની હકીમ લોકોનો ઊહવાલ તથા તે લોકોની નશીહતો’ નામનો અનુવાદ ૧૮૧૮માં મુંબઈના ફરદુનજી મર્ઝબાનજીના છાપખાનામાં છપાઈને પ્રગટ થયો હતો. અને આ જ ફરદુનજી મર્ઝબાનજીએ ૧૮૧૫ના ડિસેમ્બરની ૨૫મી તારીખે પોતે કરેલા અનુવાદનું ૪૧૦ પાનાંનું પુસ્તક પોતાના છાપખાનામાં છાપીને પ્રગટ કર્યું હતું. એનું નામ ‘દબેસ્તાનુલ મઝાહેબ.’ કોઈ પુસ્તકનો અનુવાદ પ્રગટ કરતાં પહેલાં કોઈ જાણકાર પાસે તેની ચકાસણી કરાવવાનું આજે પણ આપણને બહુ જરૂરી લાગતું નથી, અને પરિણામે કઢંગા અનુવાદો ખડકાતા જાય છે. ફરદુનજી પોતે ફારસીના સારા જાણકાર હતા, ગુજરાતી તો તેમની માતૃભાષા હતી, છતાં પોતે ફારસીમાંથી કરેલા આ અનુવાદની ચકાસણી તેમણે ત્રણ-ત્રણ જાણકારો પાસે કરાવી હતી અને તેમનાં પ્રમાણપત્ર પ્રસ્તાવનામાં આમેજ કર્યાં હતાં. અને છતાં ગુજરાતી ગદ્યલેખન અંગે આટલી સભાનતાભરી કાળજી રાખનારનું નામ પણ આપણે લેતા નથી. અર્વાચીન મરાઠી સાહિત્યના વિકાસ અને ઘડતરમાં પરદેશીઓ અને પાદરીઓએ આપેલા ફાળા અંગે સંશોધન કરી, અભ્યાસપૂર્વક લખાયેલાં પુસ્તકો પ્રગટ થયાં છે. પણ આપણે પુસ્તકો લખવાની વાત તો દૂર રહી, પરદેશીઓ અને પાદરીઓના ફાળાની નોંધ પણ કેટલી લીધી છે? પારસીઓની ભાષાને ‘અશુદ્ધ’નું લેબલ લગાડીને આપણે પહેલાં તેમના સાહિત્યને મુખ્ય પ્રવાહથી અલગ પાડવાનું અને પછી એ અલગ પ્રવાહની અવગણના કરવાનું શરૂ કર્યું. આ વલણની શરૂઆત પોતાની કૃત્રિમ રીતે સંસ્કૃતમય ભાષાનો ફાંકો ધરાવતા પંડિત યુગના કેટલાક સાક્ષરી લેખકોથી થઈ અને ભાષાશુદ્ધિના આગ્રહી એવા ગાંધી યુગના કેટલાક લેખકોએ એ વલણને વધુ દૃઢ બનાવ્યું. એક ઉદાહરણ રૂપે આ વાક્ય જુઓ: ”૧૮૨૨માં ગુજરાતની સાહસિક પારસી કોમના એક નબીરાએ ‘મુમબઈ સમાચાર’ નામે અઠવાડિક કાઢવા માંડ્યું…ભલે મુંબઈથી શરૂ થયેલું, પણ આ ગુજરાતી ભાષાનું સાહસ હતું.” ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા બહુખંડી ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ત્રીજા ભાગની ભૂમિકામાં યશવંત શુકલે આ શબ્દો લખ્યા છે. બીજે ક્યાંય નહીં ને સાહિત્યના આવા વિસ્તૃત ઇતિહાસમાં પણ આમ નામ વગર મભમ વાત થાય એ કેવું? ‘૧૮૬૪માં એક નાગર નબીરાએ ‘ડાંડિયો’ નામે સામયિક કાઢવા માંડ્યું’ એમ કોઈ લેખક લખે ખરો? ૧૯૭૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાં આમ છપાયું. ૨૦૦૫માં બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે પણ એ પારસી નબીરાનું નામ આપવાનું બીજી આવૃત્તિના વિદ્વાન સંપાદક કે પરામર્શકને જરૂરી ન લાગ્યું. 

પણ આપણે માત્ર પારસીઓ, પાદરીઓ, અને પરદેશીઓ જેવા સમૂહોની જ ઉપેક્ષા કરી છે એવું નથી. આપણી કેટલીક મહત્ત્વની સંસ્થાઓની પણ ઉપેક્ષા કરી છે. પારસીઓની જોડાક્ષર વગરની ‘અશુદ્ધ’ ભાષાનો દાખલો આપવા માટે ‘ગનેઆન પરસારક’નો ઉપહાસભર્યો ઉલ્લેખ કરવા સિવાય આપણે એ સંસ્થા અને તેની કામગીરી વિશે જાણવાની કેટલી ચિંતા કરી છે? ૧૮૪૮ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે તેના પહેલા પ્રમુખ કોઈ પારસી નહીં, પણ રણછોડદાસ ગીરધરભાઈ ઝવેરી હતા અને તેની પહેલી કારોબારી સમિતિના કુલ આઠ સભ્યોમાંથી ત્રણ હિંદુ અને પાંચ પારસી હતા. ૧૯૫૯માં આ મંડળીને ૧૧૦ વર્ષ પૂરાં થયાં તેનો ઉત્સવ મુંબઈમાં ઉજવાયો હતો અને તે વખતે તેના પ્રમુખ હતા પોપટલાલ ગોવિંદલાલ શાહ, અને તેની કારોબારીમાં હરસિદ્ધભાઈ દિવેટિયા અને જ્યોતીન્દ્ર દવેનો સમાવેશ થતો હતો. પણ આપણે તો આ સંસ્થા પર ‘પારસીઓની મંડળી’ એવી છાપ મારી તે મારી. હકીકતમાં, ૧૯મી સદીની પહેલી ત્રણ પચ્ચીસી સુધી સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, સમાજ સુધારો વગેરે ક્ષેત્રોમાં, કંઈ નહીં તો મુંબઈમાં, ગુજરાતી અને મરાઠી હિન્દુઓ, પારસીઓ, કેટલાક પરદેશી અમલદારો અને થોડાક પાદરીઓ સાથે મળીને કામ કરતા હતા. આ બધાં ક્ષેત્રોમાં ગુજરાતીભાષી હિન્દુઓનો જુદો ચોકો માંડવાની શરૂઆત આપણે જેને ‘પંડિત યુગ’ કહીએ છીએ ત્યારથી થઈ.

નર્મદે પોતાનો પહેલો ગદ્યલેખ ભાષણ રૂપે મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં રજૂ કર્યો હતો એટલા પૂરતી આપણે એ સભાને યાદ કરીએ છીએ, પણ આ સભાની પણ વિગતે વાત આપણે કેટલી કરીએ છીએ? હકીકતમાં, ૧૮૫૧માં, લગભગ એક જ વખતે, લગભગ સરખા નામવાળી બે સંસ્થાઓ શરૂ થઈ હતી. તેમાંની એક તે નર્મદે શરૂ કરેલી ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’. કોલેજનો અભ્યાસ પડતો મૂકીને નર્મદને સુરત જવું પડ્યું અને તેની દોરવણી વગર આ સભા ઝાઝો વખત ચાલી શકી નહીં.  બીજી બાજુ ગંગાદાસ કિશોરદાસે એલ્ફિનસ્ટન કોલેજના પ્રોફેસર પાટન સાથે મસલત કરીને ૧૮૫૧ના આરંભમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપન કરી. તેના પહેલા પ્રમુખ હતા પ્રાણલાલ મથુરાદાસ, સેક્રેટરી હતા મોહનલાલ રણછોડદાસ ઝવેરી, જ્યારે ગંગાદાસ પોતે હતા ખજાનચી. ૧૮૧૫૧ના ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં નર્મદ મુંબઈ છોડી સુરત ગયો તે પછી ૧૮૫૧ના માર્ચની ૩૦મી તારીખથી તેણે સ્થાપેલી મંડળી પ્રાણલાલ મથુરાદાસવાળી ‘બુદ્ધિ વર્ધક સભા’માં ભળી ગઈ. લગભગ ૧૮૭૦ સુધી આ સભા અને તેનું સામયિક ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ વધતે ઓછે અંશે કાર્યરત રહ્યાં હતાં. ૧૮૯૪-૯૫માં થોડા વખત માટે તે સંસ્થા ફરી સક્રીય બની ત્યારે તેના નામમાંથી ‘હિંદુ’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો. છેવટે ૧૯૩૪ના જુલાઈની ૨૯મી તારીખે તે ફાર્બસ ગુજરાતી સભામાં વિલીન થઈ ગઈ. આજે ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે એટલા પૂરતું હજી એ સંસ્થાનું નામ રહ્યું છે. પણ આ સંસ્થાના ઇતિહાસ અને કામગીરીની આપણે ઝાઝી ચિંતા કરી નથી. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ની લગભગ આખી ફાઈલ મુંબઈની કે.આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સચવાઈ છે. એકના એક ચવાઈ ગયેલા વિષયો પર પીએચ.ડી. માટે ‘શોધનિબંધ’ લખનારાઓની નજર આજ સુધી તેમાં દટાયેલા ખજાના સુધી પહોંચી શકી નથી.  

સંસ્થાઓની ઉપેક્ષા કરી છે તેમ આપણા વિવેચને ૧૯મી સદીનાં ઘણાંખરાં સામયિકોની પણ ઉપેક્ષા કરી છે. ‘બુદ્ધિપ્રકાશ’ને જ પહેલું ગુજરાતી સામયિક માનીને આપણે ચાલતા આવ્યા છીએ. પણ ૧૫મી મે ૧૮૫૦ના રોજ પ્રગટ થયેલા તેના પહેલા અંકમાં આરંભે છાપેલા ‘પ્રસ્તાવના અથવા દીબાચો’માં એક વાક્ય આ પ્રમાણે છે: ”જેટલાં મુંબાઈનાં વરતમાન અથવા ચોપાંનીઆં આવે છે, તેને લોકો ગપાઊંસ છે કેહે છે.” એ જમાનામાં સામયિકો માટે ‘ચોપાંનીઆં’ શબ્દ વપરાતો. પણ આ વાક્ય એ હકીકતનું સૂચન કરે છે કે ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું તે પહેલાં મુંબઈમાં ગુજરાતી સામયિકો પ્રગટ થતાં હતાં એટલું જ નહીં, એ જમાનામાં ટપાલ કે વાહનવ્યવહારનાં સાધનો ટાંચાં હોવા છતાં તે અમદાવાદ સુધી પહોંચતાં હતાં. હકીકતમાં પહેલવહેલું ગુજરાતી માસિક મુંબઈથી પ્રગટ થયું હતું, ૧૮૪૦ના સપ્ટેમ્બરની પહેલી તારીખે. તેનું ‘અશુદ્ધ’ નામ ‘વીદેઆ સાગર’, ‘શુદ્ધ’ નામ ‘વિદ્યાસાગર.’ એલ્ફિન્સ્ટન કોલેજના પહેલવહેલા ગુજરાતી આસિસ્ટન્ટ પ્રોફેસર નવરોજજી ફરદુનજી તેના અધિપતિ હતા. એ જમાનામાં ઘણી મોંઘી કહેવાય તેવી તેની કિંમત હતી દોઢ રૂપિયો! ૧૮૪૬ના ડિસેમ્બર સુધી તે નિયમિતરૂપે પ્રગટ થતું હતું. તે બંધ પડ્યું તે પહેલાં, ૧૮૪૬ના જાન્યુઆરીની પહેલી તારીખથી બે ગુજરાતી સામયિકો શરૂ થયાં હતાં. મુંબઈથી અગ્રણી પત્રકાર, સમાજ સુધારક, અને લેખક સોરાબજી શાપુરજી બંગાળીએ ‘જગત મીતર’ શરૂ કર્યું જે ૧૮૫૫ સુધી ચાલુ હતું. બીજું માસિક તે જ દિવસે સુરતમાં શરૂ થયું તે ‘સુરતના પરહેજગાર.’ ૧૮૩૯ના માર્ચમાં મુંબઈમાં કેટલાક અંગ્રેજ લશ્કરી અધિકારીઓએ ‘ટેમ્પરનન્સ યુનિયન’ની સ્થાપના કરી હતી. ટેમ્પરનન્સ એટલે મદ્યનિષેધ. બેજનજી પાલનજી કોટવાલની આગેવાની હેઠળ તેની એક શાખા સુરતમાં ૧૮૪૫માં શરૂ થઈ હતી. એ શાખાએ શરૂ કરેલું ‘સુરતના પરહેજગાર’ એ આપણી ભાષાનું દારૂબંધીને વરેલું પહેલું – અને કદાચ છેલ્લું – સામયિક. ૧૮૫૦ના ઓક્ટોબરમાં બેજનજીનું અવસાન થતાં તે બંધ પડ્યું. અગાઉ જેનો ઉલ્લેખ કરેલો તે જ્ઞાનપ્રસારક મંડળીએ ૧૮૪૯ના જુલાઈ મહિનાથી ‘ગનેઆંન પરસારક’ (જ્ઞાનપ્રસારક) નામનું જે માસિક શરૂ કર્યું હતું જે ૧૮૬૭ના ડિસેમ્બર સુધી ચાલુ હતું. એ જ મંડળી તરફથી ૧૮૫૨માં અરદેશર ફરામજી મૂસના અધિપણા નીચે ‘ખોલાસે જાદુ’ શરૂ થયું હતું જે બે વર્ષ જ ચાલ્યું હતું.  ૧૯૫૧ના ઓગસ્ટની પહેલીથી સોરાબજી બંગાળીએ ‘જગત પરેમી’ નામે બીજું માસિક શરૂ કર્યું હતું. તેનો મુખ્ય ભાગ ”ઉગમણ તથા આથમણ પરાન્તના દેશોની પુરાતન હાલતને લગતી શોધો” માટે રોકાયેલો રહેતો. કેવળ સંગીતને વરેલું સામયિક ગુજરાતીમાં ચલાવવું આજે પણ સહેલું નથી. ૧૮૫૪માં તો એમ કરવું કેટલું મુશ્કેલ હશે? પણ મુંબઈથી દાદાભાઈ સોરાબજી મહેતાએ ૧૮૫૪ના જાન્યુઆરીની પહેલીથી સંગીતને વરેલું ‘સરોદ સરાહીદન’ નામનું માસિક શરૂ કર્યું એટલું જ નહીં ૧૮૬૧ સુધી તેને ચલાવ્યું હતું. ૧૯મી સદીના પૂર્વાર્ધની વાત જવા દો, માત્ર સાહિત્યવિવેચનને વરેલું એક ત્રિમાસિક છેક ૧૮૮૬માં મુંબઈથી શરૂ થયું હતું એ વાતની કોણે નોંધ લીધી છે? સાક્ષર સહાયક, પ્રજા પ્રબોધક મંડળે શરૂ કરેલા એ સામયિકનું નામ હતું ‘વિવેચક.’ ગુજરાતી ટૂંકી વાર્તાનું પગેરું હજી આપણે સંતોષકારક રીતે શોધી શક્યા નથી, કારણ આપણી નજર માત્ર પુસ્તકો પર રહી છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધનાં સામયિકોની ફાઈલો ઝીણા આંકે ચાળીએ તો તેમાંથી શરૂઆતની ટૂંકી વાર્તાના નમૂના મળી આવે તેવો પૂરો સંભવ છે. પચાસ વર્ષ સુધી આપણાં સામયિકોને વાર્તા છાપ્યા વગર ચાલ્યું હોય એમ માનવું મુશ્કેલ છે. હા, અનુવાદ કે રૂપાંતર માટેની સૂગ આપણે છોડવી પડે. આપણી સૌથી મોટી મુશ્કેલી એ છે કે ગુજરાતી સાહિત્યનો, છાપાં-સામયિકોનો, સાહિત્યિક સંસ્થાઓનો, સિલસિલાબંધ, વિગતવાર, પ્રમાણભૂત ઇતિહાસ આપણી પાસે છે જ નહીં. અને જ્યાં માહિતી જ નથી, ત્યાં વિવેચન તો ક્યાંથી જ હોય?

ગમે તેટલા મહાન સર્જકની કૃતિ પણ સાહિત્યિક મરુભૂમિમાં એકાએક ઊગી નીકળતી નથી. એવા સર્જકને અને એવી કૃતિને પોષનારાં અને પ્રેરનારાં તત્ત્વો અને સત્ત્વો સાહિત્યિક ભૂમિમાં ધરબાયેલાં પડ્યાં જ હોય છે. નવલકથા અને નાટક જેવા સમાજ સાથે સીધો સંબંધ ધરાવતા પ્રકારો માટે તો આ વાત સવિશેષ સાચી છે. પણ આપણા સાહિત્યના વિવેચનનાં કે ઇતિહાસનાં ઘણાંખરાં પુસ્તકો માર્ગસૂચક સ્તંભોની જેટલી વાત કરે છે તેટલી માર્ગની કરતાં નથી. એક બે ઉદાહરણો જોઈએ. આપણા વિવેચને માની લીધું કે આપણી નવલકથામાં દેશી રાજ્યોની ખટપટની વાત પહેલીવાર ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’માં કરી. પણ ૧૮૬૬માં ‘કરણઘેલો’પ્રગટ થઈ તે પછી ચાર જ વર્ષે પ્રગટ થયેલી ભાણશંકર જયશંકરની નવલકથા ‘ભભકપૂર’માં એશઆરામમાં પડી જઈને કર્તવ્યભાન ભૂલેલા રાજાનું પતન થતું બતાવાયું છે. દેશી રાજ્યો અંગેની આ આપણી પહેલી નવલકથા છે. પાત્રોને ગુણ પ્રમાણે અપાયેલાં નામોને એક વખત ‘સરસ્વતીચંદ્ર’ની વિશિષ્ટતા ગણાવવામાં આવતી હતી. પણ ‘ભભક્પૂર’ના લેખક આ બાબતમાં પણ ગોવર્ધનરામના પુરોગામી છે. રાજા અબલસિંહ, કારભારી નિષ્કપટીદાસ, લાંચખાઉ કારભારી ત્રોડફોડભાઈ, રાજવૈદ ધનદાસ, વગેરે પાત્રો અહીં જોવા મળે છે. ૧૮૭૯માં પ્રગટ થયેલી હરગોવિંદદાસ કાંટાવાળાની ‘અંધેરી નગરીનો ગર્ધવસેન’ પણ દેશી રાજ્યોની દશા અને તેમાં સુધારો કરવાના ઉપાયો વિશેની નવલકથા છે. અહીં પણ ગર્ધવસેન, દુર્બળસિંહ, બોથડપંત, કપટચંદ, એવાં પાત્રનામો જોવા મળે છે. ‘સરસ્વતીચંદ્ર’માં ગુણસુંદરી છે તો અહીં સગુણસુંદરી છે. ‘સરસ્વતીચંદ્ર’નાં કુમુદ અને કુસુમ જેવાં પાત્રો વિશે કહેવાયું છે કે આ નવલકથા વાંચીને ઘણા લોકોએ પોતાની દીકરીઓનાં આવાં નામ પાડેલાં. પણ હકીકતમાં એ વખતના સમાજમાં પ્રચલિત નામો ગોવર્ધનરામે ઉપાડી લીધાં હોય એવો સંભવ વધારે છે. કારણ ૧૮૭૨માં પ્રગટ થયેલી ધીરજરામ જગજીવનદાસની નવલકથા ‘કુમુદા’ની નાયિકાનું તે જ નામ છે અને તેમાં એક પાત્રનું નામ કુસમ પણ છે. તો ૧૮૮૪માં પ્રગટ થયેલી વિઠ્ઠલદાસ ધનજીભાઈની નવલકથાનું નામ છે ‘પતિવ્રતા સ્ત્રી ગુણસુંદરી’. નવીનચંદ્ર અને કુમુદ વચ્ચેના પત્રવ્યવહારને પણ ‘સરસ્વતીચંદ્ર’નું એક આગવું પાસું ગણવામાં આવે છે. પણ આવો પત્રવ્યવહાર કરનારી કુમુદ પહેલી નાયિકા નથી. ૧૮૭૩માં પ્રગટ થયેલી કેશવરામ દલપતરામની નવલકથા ‘ચંદાકુમારીની વાર્તા’માં પણ કથાનાયિકા ચંદાકુમારી નાયક પ્રાણલાલ સાથે લાંબો પત્રવ્યવહાર ચલાવે છે. કથાને અંતે વિધવા કુમુદનાં લગ્ન સરસ્વતીચંદ્ર સાથે ગોવર્ધનરામે નથી કરાવ્યાં એ અંગે આપણે ત્યાં સારી એવી ચર્ચા થઈ છે અને નવલકથામાં વિધવાનાં પુનર્લગ્ન કરાવવાની પહેલ કનૈયાલાલ મુનશીએ ‘કોનો વાંક?’માં કરી એમ કહેવાયું છે. પણ હકીકતમાં વિધવાવિવાહ કરાવવાનું હિંમતભર્યું પગલું ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ બહાર પડ્યો તે પહેલાં, ૧૮૮૦માં પ્રગટ થયેલી નવલકથા ‘કમળાકુમારી’માં ભવાનીશંકર નરસિંહરામ કવિ નામના લેખકે લીધું હતું. આ નવલકથાની સોળ પાનાંની પ્રસ્તાવના અંગ્રેજીમાં રમણભાઈ નીલકંઠે લખી હતી. તેમાં તેમણે કહ્યું હતું: “The author Mr. bhavanishankar Narsinhram of Limdi has rendered a service to the cause of social reform, he has depicted faithfully the condition of Hindu society and his story makes the necessity of reform self-evident.” છેક ૧૮૮૦માં, લીંબડી જેવા નાનકડા ગામનો લેખક પોતાની નવલકથામાં આવું હિંમતભર્યું પગલું લે છે, પણ તેની નોંધ આપણે લીધી છે? પણ આ બધી નવલકથાઓ લખનારા કોઈ મોટાં માથાં નહીં, માર્ગસૂચક સ્તંભો નહીં, પણ માર્ગ પર પડેલા પથરા, એટલે તેમના તરફ કોણ ધ્યાન આપે? જરૂર છે આવા પથરાને વીણીવીણીને તેમને શાલીગ્રામ તરીકે સ્થાપે તેવા વિવેચનની.             

પણ પારસીઓ, પાદરીઓ, પરદેશીઓ, સંસ્થાઓ, સામયિકો, આજે ભૂલાઈ ગયેલ લેખકો અને કૃતિઓ વિશે વાત કરવી હોય તો કંઈ નહીં તો ૧૯મી સદી પૂરતી આપણે ‘સાહિત્ય’ શબ્દની વ્યાખ્યા વધુ વિસ્તૃત કરવી પડશે. કારણ આજે આપણે જેને ‘સાહિત્યિક’ નથી ગણતા એવાં પુસ્તકોનું ૧૯મી સદીના ઘણા દાયકા સુધી વર્ચસ્વ રહ્યું હતું. ૧૮૦૮થી ૧૮૬૭ સુધીના સાઠ વર્ષના ગાળામાં ઓછામાં ઓછાં ૧૧૫૦ પુસ્તકો પ્રગટ થયાં હતાં. તેમાંથી ૫૪ પુસ્તકો ઇતિહાસને લગતાં છે, ૪૮ સમાજશાસ્ત્રને લગતાં છે, કાયદા વિશેનાં ૪૦ અને ભૂગોળ વિશેનાં ૨૬ પુસ્તકો પ્રગટ થયાં છે. સૌથી વધુ – ૧૫૧ – પુસ્તકો પારસીઓના ધર્મ વિશે પ્રગટ થયાં છે. ખ્રિસ્તી ધર્મ વિશે ૩૧ અને હિંદુ ધર્મ વિશે ૩૨ પુસ્તકો છપાયાં હતાં. આ બધાં પુસ્તકોમાંની ભાષા તેમ જ સામગ્રી – કન્ટેન્ટ – આજે આપણને કાલગ્રસ્ત લાગે. પણ એ જમાનામાં ગુજરાતી ભાષાને – ખાસ કરીને ગુજરાતી ગદ્યને, તેના શબ્દભંડોળને, તેના વાક્યવિન્યાસોને, તેની માંડણીને, તેની શૈલીને, અર્વાચીનતાનો ઓપ આપવામાં આ પ્રકારનાં પુસ્તકોએ તેમ જ વિવિધ વિષયોનાં શાલેય પાઠ્યપુસ્તકોએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. પણ એ તરફ આપણે ભાગ્યે જ ધ્યાન આપ્યું છે. ‘સાહિત્ય’ને બદલે વધુ વ્યાપક એવી ‘વાઙ્મય’ સંજ્ઞાનો ઉપયોગ કરીને ૧૯મી સદીના ગ્રંથકારો અને તેમના ગ્રંથોને નવેસરથી જોવા, જાણવા, અને નાણવાની જરૂર છે. 

છેલ્લા થોડા દાયકાથી આપણા વિવેચનમાં એક વલણ જોર પકડતું જોવા મળે છે. એ છે આજનું ગુજરાત રાજ્ય જ જાણે ૧૯મી સદીમાં પણ અસ્તિત્વમાં હોય એમ માનીને વાત કરવાનું. ગુજરાતી ભાષા અને સાહિત્યને, તેનાં મુદ્રણ અને પ્રકાશનને, તેના શિક્ષણને, પુસ્તકો, અખબારો અને સામયિકોને, ગુજરાતી નાટક અને રંગભૂમિને, જાણે મુંબઈ સાથે કશું લાગતું વળગતું જ ન હોય એમ માનીને ચાલવાનું વલણ ભલભલા વિવેચકોએ અપનાવ્યું છે. એક દાખલાથી વાત વધુ સ્પષ્ટ થશે. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા દળદાર ‘ગુજરાતી સાહિત્યકોશ’ના ત્રીજા ભાગમાં માત્ર હાલના ગુજરાત રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓ વિશે જ માહિતી આપી છે, પણ ઉચ્ચ કક્ષાએ ગુજરાતીના શિક્ષણની પહેલ કરનાર યુનિવર્સિટી ઓફ બોમ્બે કે એલ્ફિન્સ્ટન કોલેજનો નામોલ્લેખ કરવાનું પણ તેના વિદ્વાન સંપાદકને જરૂરી લાગ્યું નથી. પણ હકીકતમાં ૧૯૬૦ સુધી ગુજરાત અને મહારાષ્ટ્રનો મોટા ભાગનો પ્રદેશ એક જ રાજકીય એકમનો ભાગ હતો એટલું જ નહીં, એ પ્રદેશો અને તેમાંની મોટા ભાગની સાંસ્કૃતિક, શૈક્ષણિક, સાહિત્યિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર મુંબઈ હતું. ધીરુભાઈ ઠાકરે બહુ યોગ્ય રીતે કહ્યું છે તેમ, ”મહારાષ્ટ્ર સાથે ગુજરાતનો સંબંધ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. ભાષાવાર ‘જુવારું’ કર્યું અને બૃહદ્ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કર્યાં તેની પહેલાં દાયકાઓથી મુંબઈ ગુજરાત અને મહારાષ્ટ્રને સાંકળતી સુવર્ણકડી હતું. પશ્ચિમ ભારતની ધર્મ અને સમાજ સુધારાની અનેક ઉચ્છેદક અને સંસ્કારરક્ષક પ્રવૃત્તિઓનું ઉગમસ્થાન મુંબઈ રહેલું. ગુજરાતી અને મહારાષ્ટ્રી, બંને પ્રજાઓના સંયુક્ત સાંસ્કારિક ઉછેરનું સાક્ષી એક સદી કરતાં વધુ સમય સુધી મુંબઈ હતું.” ૧૯મી સદી વિશે વાત કરતી વખતે તો આ વાત સતત ધ્યાનમાં રાખવાની જરૂર છે.    

જેમ મુંબઈને સમાવવા ‘ગુજરાત’ અને ‘ગુજરાતી’નો વ્યાપ વધારવો પડશે તેમ, આપણે ‘વિવેચન’ શબ્દનો અર્થવિસ્તાર પણ કરવો પડશે. કેટલીક આનુશંગિક પણ પાયાની પ્રવૃત્તિ તરફ ધ્યાન આપવું પડશે. સૌથી પહેલું કામ ૧૯મી સદીનાં પુસ્તકો અને સામયિકોના સંયુક્ત સૂચીકરણ –યુનિયન કેટલોગ — નું કરવું પડશે. બીજું કામ ૧૯મી સદીનાં પુસ્તકો અને સામયિકોની જાળવણીનું, ડિજિટલ રૂપે જાળવણીનું, કરવું પડશે. ત્રીજું કામ તે તેમના સઘન અભ્યાસનું. ત્યાર પછી સંપાદન, સંશોધન, લેખન, વિવેચન. ૧૯મી સદીના સાહિત્ય પાસે કઈ રીતે જવું જોઈએ એનું એક ઉત્તમ ઉદાહરણ આપણને આજના ઉત્સવમૂર્તિ ડૉ. રમેશભાઈ શુકલે તેમનાં સંશોધન, સંપાદન, વિવેચનનાં પચાસ કરતાં વધુ પુસ્તકો દ્વારા પૂરું પાડ્યું છે. આવા બીજા બે-પાંચ રમેશભાઈ આપણી પાસે હોત તો જે નથી થયું તેમાંનું ઘણું થઈ ચૂક્યું હોત.

છેલ્લે, એક સૂચન કરવાનું મન થાય છે. ૧૯મી સદીનાં સાહિત્ય, બલકે વાઙ્મયના સંગોપન, સંશોધન, અધ્યન, સંપાદન, પ્રકાશન માટે એક અલગ સ્વાધ્યાય કેન્દ્ર શરૂ કરવાની જરૂર છે. તેનું પહેલું કામ લેખકો, પુસ્તકો, સામયિકો, સંસ્થાઓ વગેરે વિશે માહિતી મેળવી તેનું સૂચીકરણ કરવાનું. બીજું કામ બને તેટલી વધુ મુદ્રિત સામગ્રીને ડિજિટલ રૂપે એક સ્થળે એકઠી કરવાનું અને તે અભ્યાસીઓને સુલભ કરી આપવાનું. સંશોધન, સંપાદન, વિવેચનને તો તે અવકાશ અને પ્રોત્સાહન આપે જ. તેના ફળ સ્વરૂપે જે સામગ્રી તૈયાર થાય તેની ચકાસણી કરીને યોગ્ય લાગે તે સામગ્રીનું પ્રકાશન કરવાનું કામ પણ તે કરે. આ કેન્દ્રને પોતાની વેબસાઈટ તો પહેલેથી જ હોય અને બને તેટલી સામગ્રી ડિજિટલ રૂપે તેના પર સર્વસુલભ હોય.

૧૯મી સદીના સાહિત્ય અંગેની આપણી જાણકારી અને વિવેચનની આજની સ્થિતિ ‘મન જળ થંભ થયેલું’ જેવી છે. ૧૯મી સદીના સાહિત્યના સંશોધન, સંપાદન, અભ્યાસ, વિવેચન, ઈતિહાસલેખન, પ્રકાશન વગેરે સાથે સંકળાયેલા સૌ કોઈને આજે આટલાં વર્ષો પછી પણ ફરી નર્મદના એ શબ્દો થોડા ફેરફાર સાથે કહેવા પડે તેમ છે: ’હવે તો ડોળિ નાંખો રે, મન જળ થંભ થયેલું.’*

_____________________________________________________________

*૧૯ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ પ્રો. અનંતરાય મ. રાવળ સ્મારક સમિતિના ઉપક્રમે અમદાવાદમાં આપેલું અનંતરાય રાવળ સ્મૃિત વ્યાખ્યાન  

e.mail : deepakbmehta@gmail.com

Loading

સાહિત્ય એ મારો જીવનરસ છે ઃ ધીરુ પરીખ

પરેશ દવે|Opinion - Literature|19 April 2014

ગુજરાતી સાહિત્યમાં ધીરુ પરીખ સર્જક હોવાની સાથે સતેજ અને નિષ્પક્ષ સંપાદક તરીકે પણ જાણીતા છે. કવિતા એમનો પ્રાણવાયુ છે, જેના થકી આજે ‘બુધસભા’ ધબકે છે. “કુમાર”ના પુનઃજન્મ અને “કવિલોક”ના સાતત્ય માટે ધીરુ પરીખે માતબર કામ કર્યું છે. આ સામાયિકો ધીરુભાઈના કારણે આજે આગવી ઊંચાઈને આંબી શક્યા છે. મૂળે માસ્તરનો જીવ એટલે જીવનયાત્રામાં શીખતા જવાનો અને શીખવાડતા જવાનો તેમનો સ્વભાવ. કાવ્યસર્જનમાં ધીરુભાઈએ હાઈકુ, છપ્પા કે વનવેલી છંદમાં રચેલાં ગદ્યકાવ્યોએ અનેરી પહેલ કરી છે. ધીરુભાઈના આઠ કાવ્યસંગ્રહ, જેમાં ‘ઉઘાડ’, ‘અંગ પચીસી’, ‘આગિયો’, ‘રેલ્વે સ્ટેશન અને ટ્રેઈન’ નોંધપાત્ર છે. ગીતોનો સંગ્રહ ‘હરિ ચડ્યા અડફેટે’ નામે પ્રસિદ્ધ કર્યો. ધીરુ પરીખના બે વાર્તાસંગ્રહ ‘કંટકની ખુશબો’ (૧૯૬૪) અને ‘પરાજીત વિજય’ (૨૦૦૧) પ્રકાશિત થયા છે. ‘હવે અમારા નખ વધે છે’ નામે એકાંકી સંગ્રહ છે. તો ‘કાળમાં કોર્યા નામ’ (૧૯૭૭) અને ‘સમય રેત પર પગલાં’ (૨૦૦૧) નામે જીવનચરિત્રના સંગ્રહો પ્રકાશિત કર્યા છે. આ સાથે ધીરુભાઈએ ૧૮ વિવેચન સંગ્રહો આપણને આપ્યા છે. ધીરુભાઈ આજે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં પસંદગી પામેલા પ્રમુખ તરીકે સેવા આપે છે. ધીરુભાઈને કુમાર ચંદ્રક, જયંત પાઠક ચંદ્રક, પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. “કુમાર” સામાયિકને ડિજિટલાઈઝ્ડ કરીને તેઓએ સાહિત્યની મોટી સેવા કરી છે. સાવ સરળ સ્વભાવના ધીરુભાઈ સર્જક, વિવેચક, સંપાદક તરીકેની ત્રેવડી ભૂમિકા સહજ રીતે ભજવે છે. તેમની સાથે થયેલો સંવાદ …

આપણી ત્યાં અધ્યાપકો સાહિત્યકારો બનતા હોય છે. આ માટે કોઈ વિશેષ કારણ?

ભાષા ભણાવતા અધ્યાપકો પાસે ભાષાની સજ્જતા હોય છે. અધ્યાપકોને સાહિત્ય વાંચતા કે ભણાવતા જે અનુભૂતિનો લાભ મળે છે, તે તેઓને સર્જન કરવા માટે પ્રેરે છે. એક તો ભાષા પ્રત્યેનો લગાવ અને બીજું પોતાનામાં રહેલી છૂપી સર્જનાત્મકતાનો સમન્વય થાય ત્યારે સર્જન થાય છે. આપણી ત્યાં નિરંજન ભગત અંગ્રેજી સાહિત્ય ભણાવતા અને ગુજરાતીમાં સર્જન કરતા, બકુલ ત્રિપાઠી પણ અધ્યાપક હતા અને ગુજરાતીમાં સર્જન કરતા. એસ. આર. ભટ્ટ સાહેબ અને રણધીર ઉપાધ્યાય પણ અધ્યાપન સાથે સંકળાયેલા હતા અને સાહિત્યકાર તરીકે જાણીતા બનેલા છે.

આપના સમયે મોટાભાગના સર્જકો પોતાનું ઉપનામ રાખતા. આપે કોઇ ઉપનામ કે તખલ્લુસ કેમ ધારણ ન કર્યું?

મને લાગે છે કે નામ છે તે યોગ્ય છે. મને તખલ્લુસની જરૂર નથી. શાળા અને કોલેજકાળથી હું લખુ છું, પણ મને મારું નામ બદલવામાં કોઈ અર્થ લાગતો નથી. આપણી ત્યાં તખ્ખલુસનો દોર હતો. ઉમાશંકર જોશીનું તખ્ખલુસ ‘વાસુકી’ હતું. ત્રિભુવનદાસ લુહાર પણ ‘સુંદરમ્’ નામથી લખતા. ક્યારેક લેખકને એમ થાય કે પોતાના લખાણનો કેવો પ્રતિભાવ આવશે, મારા નામનું શું થશે! ધૂમકેતુ કેવું સુંદર લખતા. આજે ધૂમકેતુ લોકોને યાદ છે, પણ તેમનું નામ ગૌરીશંકર ભૂલાઈ ગયું છે.

આપ પહેલેથી શિક્ષણ સાથે સંકળાયેલા હતા, ત્યાંથી લેખન-સંપાદન ક્ષેત્રે કેવી રીતે આવ્યા?

મારા પિતાજી તબીબ (ડૉકટર) હતા અને તેમની ઇચ્છા હું પણ તબીબ થાઉં તેવી હતી. એસ.એસ.સીમાં પાસ થયા પછી પિતાજીને એમ કે હું વિજ્ઞાનપ્રવાહમાં જઈ તબીબ બનીશ. પણ મેં કહ્યું કે, મને પહેલેથી લખવામાં અને સાહિત્યમાં રસ છે એટલે મેં આર્ટસમાં પ્રવેશ મેળવ્યો. એલ.ડી.આર્ટસમાં હું બી.એ થયો. એલ. ડી. આર્ટ્સ કોલેજનું વાતાવરણ શુદ્ધ અને શિક્ષણમય હતું. આ વાતાવરણમાં સર્જનાત્મકતાને ધક્કો મળે તેવું હતું. મને સર્જન કરવા માટેની પ્રેરણા અને ધક્કો અહીંથી જ મળ્યો. અહીં કોલેજકાળમાં મેં કાવ્યો અને વાર્તા લખ્યાં. બી. એ. ભણ્યાં પછી મેં ગુજરાત યુનિવર્સિટી ખાતે એમ. એ. કર્યું. ઉમાશંકર જોશી તેના વડા હતા. અમને ભણાવવા માટે અનંતરાય રાવળ, કે. કા. શાસ્ત્રી વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવતા. એમ. એ. થયા બાદ મને અધ્યાપક બનવાની ઇચ્છા હતી, પણ અમદાવાદ ખાતે બે જ કોલેજો હતી અને ત્યાં અધ્યાપક માટે કોઈ જગ્યા ન હતી. આ વાત છે ૧૯૫૮ની. પછી અમે મીઠાખળી પાસે આવેલી મંગલ વિદ્યાલય ખાતે શાળા છૂટ્યા બાદ ટ્યુશનના વર્ગો ચલાવ્યા. ચાર વર્ષ અમે ટ્યુશન વર્ગ ચલાવ્યા. ૧૯૬૪માં શહેરમાં નવી કોલેજો શરુ થવા લાગી. થલતેજ પાસે આવેલી માનવ મંદિર કોલેજમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ અપાતું. તે સમયે વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી વિષય ફરજિયાત હતો. એટલે ૧૯૬૪ની આસપાસ મેં ત્યાં ભણાવાનું શરૂ કર્યુ. અમારી કોલેજ ત્યાંથી શિફ્ટ થઈ અને સી.યુ. શાહ કોલેજમાં અસ્તિત્વમાં આવી. બે વર્ષ ત્યાં અધ્યાપક તરીકેની નોકરી કર્યા બાદ સુરેન્દ્રનગર ખાતે સી. યુ. શાહ કોલેજે ગર્લ્સ કોલેજ શરુ કરી અને શિક્ષકની જરૂર પડતા મને એક વર્ષ માટે ત્યાં મોકલ્યો. સુરેન્દ્રનગર ખાતે બે વર્ષ પ્રિન્સિપાલ તરીકે રહ્યો. ત્યાંથી પરત આવીને સી. યુ. શાહ કોલેજમાં ૧૯૭૭ સુધી અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ૧૯૭૭માં ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાષા ભવન ખાતે જોડાયો. ત્યાં મેં ૧૯૯૩ સુધી અધ્યાપક તરીકેની સેવા આપી. ત્યાં હું એમ. એ., એમ. ફીલ. અને પી. એચડી.ના વિદ્યાર્થીઓના વર્ગો લેતો હતો. આ અરસામાં “કુમાર” સામાયિક નોંધારૂ થતું ગયું. ૧૯૮૭માં “કુમાર” બંધ થઈ ગયું. “કુમાર” સામાયિક કુમાર કાર્યાલય પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા ચાલતું. તેના ડાઈરેક્ટરોમાં હીરાલાલ ભગવતી, બિહારીલાલ પોપટ અને હું પણ હતો. “કુમાર” બંધ થયા બાદ અનેક વાચક અને ગ્રાહકોના પત્રો આવવા લાગ્યા. મને ડાઈરેક્ટરોએ વિનંતી કરી કે જો તમે “કુમાર”ની જવાબદારી સ્વીકારો તો આપણે તેને ફરીથી શરુ કરીએ. આ અરસામાં હું ભાષાભવનમાં અધ્યાપક તરીકે નોકરી કરતો હતો. હું સાંજના પાંચ સુધી ભાષાભવન અને ત્યાંથી લાલબસમાં રાયપુર આવીને રોજ બે કલાક કુમાર કાર્યાલય ખાતે આવતો. આવશ્યક કાર્ય કરીને લખાણો ઘરે લઈને “કુમાર” સામાયિકના લેખો સંપાદિત કરતો. અમે “કુમાર”ને ફરીથી ૧૯૯૦ના જાન્યુઆરી મહિનાથી શરુ કર્યું. ત્યારથી હું તેનું તંત્રીપદ નિભાવું છુ. “કવિલોક”ની જવાબદારી “કુમાર”ના શીરે આવી. પછી તો “કુમાર” અને “કવિલોક”ની જવાબદારી મારા શીરે આવી.

‘આગિયા’ નામે આપે હાઇકુનો સંગ્રહ પ્રગટ કર્યો છે. હાઇકુનો કાવ્ય પ્રકાર આપને કેવી રીતે સ્પર્શી ગયો?

૧૯૬૬ પછી સ્નેહરશ્મિ જાપાનીસ કાવ્ય પ્રકાર હાઈકુને ગુજરાતીમાં લાવ્યા. મને પણ હાઈકુમાં રસ પડ્યો. મારા મતે હાઈકુ એ ચિત્રકાવ્ય છે. પણ લોકો એને મુક્તક સમજે છે. હાઈકુમાં ૧૭ શબ્દોનો સમન્વય છે. મારું એક હાઈકુ છે,

મૂછ હલાવે
વંદો, પાછળ સ્થિર
ગરોળી ટાપે

આ એક ચિત્ર છે. પણ તેમાં ગૂઢ અર્થ રહેલો છે કે સમાજમાં મૂછ ઉપર તાવ દેતા મનુષ્ય તારી પાછળ પણ મૃત્યુ ટાંપીને બેઠું છે. મેં મારા હાઈકુઓનો સંગ્રહ ‘આગિયા’ના નામે પ્રગટ કર્યો છે. કારણ કે અંધારામાં આગિયા ચમકીને બંધ થાય છે. મારા હાઈકુ “કુમાર” અને અન્ય પ્રકાશનોમાં પહેલાં પ્રગટ થયા અને તેને ‘આગિયા’ સંગ્રહમાં સમાવિષ્ટ કરેલા છે.

આપે ‘અંગ પચીસી’ નામે છપ્પા લખીને તેને પુનઃજીવિત કર્યા છે. કેવો અનુભવ રહ્યો?

‘અંગ પચીસી’ લખ્યું ત્યારે કહેવાતું કે અખો ફરીથી જીવિત થયો છે. મને થયું કે ભૂલાયેલું છપ્પાનું કાવ્ય સ્વરૂપ પુનઃજીવિત થયું છે તો કોઈ તેને આગળ વધારશે. ખેર, આવું કંઈ થયું નહીં. કારણ કે છપ્પા ત્રણ પંક્તિના કાવ્યમાં કહેવાની કળા છે. આમાં વ્યંગ આવે. જેમ અખાએ પોતાના સમાજની ખામીઓ પર કટાક્ષ કરીને છપ્પામાં ઉતારી છે તેવી રીતે હું જે સમાજમાં જીવું છું તે સમાજની ખામીઓને મારે વ્યંગ સાથે કહેવું હતું, એટલે મેં વિવિધ વ્યવસાયોને કેન્દ્રસ્થાને રાખીને છપ્પા રચ્યા છે, જેમાં શિક્ષણ, તબીબ, વકીલ જેવા વ્યવસાયની ખામી ઉપર વ્યંગ છે. કુલ ૨૫ છપ્પાઓ હોવાથી ‘અંગ પચીસી’ના નામે તે પ્રકાશિત કરેલ છે.

આપે નોંધપાત્ર ગદ્યકાવ્યો આપ્યા છે. કોઈ વિશેષ કારણ છે?

મારા કાવ્યો ગદ્યકાવ્યો નથી, પણ એ વનવેલી છંદમાં લખાયા છે, જેમાં ચાર-ચાર અક્ષરોનું બંધારણ છે. કેશવ હર્ષદ ધ્રુવે પણ વનવેલી છંદમાં કાવ્યોનું સર્જન કરેલું છે. આજે વનવેલી છંદનો ઉપયોગ થતો નથી. મારા બે કાવ્યસંગ્રહ વનવેલી છંદમાં પ્રગટ થયા છે. એક છે, ‘સ્ટેશન અને ટ્રેઈન’ બીજો સંગ્રહ છે, ‘શિખરે બેઠા છે સ્થિતપ્રજ્ઞ’.

ગીતોના સર્જનનો અનુભવ કેવો રહ્યો?

‘હરિ ચડ્યા અડફેટે’ નામે મારો ગીતસંગ્રહ છે. આ સંગ્રહમાં ખોટી ભક્તિ પર કટાક્ષ કરતાં ગીતો લખ્યાં છે. આ સંગ્રહમાં સાચો હરિ નહીં, સાચી ભક્તિ નહીં જેવી હકીકત પર કટાક્ષ કરાયો છે.

લખાણમાં શું મહત્ત્વનું છે-વિષય કે તેની અભિવ્યક્તિ?

સર્જકના મનમાં જે વિચાર આવે, ભાવ જન્મે કે જે સંવેદન ઊભું થાય તેની અભિવ્યક્તિ માટે યોગ્ય સ્વરૂપ પસંદ કરવું જોઈએ. હું આ બાબતે બહુ સભાન છું. જે વિચાર, ભાવ કે સંવેદનની તાકાત ૧૪ પંક્તિ સુધી વિસ્તરી શકે તેમ ના હોય તો તેને હું સોનેટમાં ખેંચતો નથી. હું મારી કવિતાની કળા બાબતે સાવધ છું. કવિતામાં તત્ત્વ અને તેનું ફોર્મ જળવાવું જોઈએ. કાવ્યમાં વિષય નહીં, પણ તેના અંદરના તત્ત્વની અભિવ્યક્તિ જ મહત્ત્વની છે. ભલે ને સર્જક રાધા-કૃષ્ણ વિષે કાવ્ય સર્જે કે આધુનિક વિષયોને પોતાના સર્જનમાં વણી લે. કાવ્યમાં મૂળ તત્ત્વ, ભાવ કે સંવેદનાની સાથે તેની સચોટ અભિવ્યક્તિ જળવાવી જોઈએ.

આપ એક સર્જક હોવાની સાથે “કુમાર” અને “કવિલોક”ના સંપાદક તરીકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છો. એક પ્રતિષ્ઠિત સામાયિકના સંપાદક તરીકેની જવાબદારી કેવી હોય છે?

“કુમાર”ના સંપાદક તરીકેનું કાર્ય અઘરું છે. સંપાદક તરીકે તમને અપ્રિય થતાં આવડવું જોઈએ અને અપ્રિય થવામાં હું મોખરે છું. સંપાદક તરીકે મેં અનેક નામી સર્જકોના સર્જનો પરત કર્યા છે. ભાષા શુદ્ધિ ઉપર હું વિશેષ ધ્યાન આપું છું. ભાષા શુદ્ધિ મારા સંપાદનનો વિષય છે. ૧૯૫૬માં રાજેન્દ્ર શાહે “કવિલોક”ને મુંબઈથી શરુ કર્યું હતું. તે દર બે મહિને પ્રગટ થાય છે. વર્ષ ૧૯૭૦માં “કવિલોક’” બંધ કરવાના નિર્ણયની જાણ બચુભાઈને થતાં બચુભાઈ રાવતે “કવિલોક”ની જવાબદારી “કુમાર” સ્વીકારશે તેવી વાત કરી. પછી તો “કુમાર” “કવિલોક”ની જવાબદારી આજ સુધી અદા કરે છે. આજે “કવિલોક” મારા મતે નવા કવિઓના ઉત્તેજન માટે નહીં, પણ સારા કવિઓના પ્રસાર માટે કાર્યરત છે. “કવિલોક” કવિના નામ નહીં, પણ તેના કામનો પ્રસાર કરે છે.

કવિ હોવાની સાથે આપે વાર્તાઓ પણ લખી છે. કાવ્ય સર્જન અને વાર્તાલેખનમાં શું ફરક હોય છે?

કાવ્ય હોય કે વાર્તા, દરેકનું ફોર્મ જળવાવું જોઈએ. દરેક ફોર્મની વિશેષતા છે. આજે વિશ્વ બદલાતું જાય છે ત્યારે વાર્તાના વિષયોમાં વૈવિધ્ય આવવું જોઈએ. વાર્તાઓ પ્રસંગ આધારિત હોય છે, જેમાં પ્રસંગોનું આયોજન, તેનો વિકાસ અને અંત સુધીના તત્ત્વો હોય છે. ખરેખર તો વાર્તાએ કથા સાહિત્યનો એક પ્રકાર છે.

આપ વર્ષોથી ‘બુધસભા’ની સાથે સંકળાયેલા છો. તેનો અનુભવ કેવો રહે છે?

બચુભાઈ રાવતના જમાનાથી ‘બુધસભા’ ચાલે છે. પહેલા “કુમાર” કાર્યાલયમાં દર બુધવારે રાત્રે આઠથી નવ સુધી કવિઓ પોતાની રચનાઓ લઈને આવતા અને કવિના નામ વાંચ્યા સિવાય તેનું પઠન થતું, તેની ચર્ચા થતી. સારા કાવ્યો “કુમાર”માં સ્થાન પામે. બચુભાઈ બીમાર પડ્યા ત્યારે ચિંતા થઈ કે આ દેહ પડશે ત્યારે ‘બુધસભા’નું શું થશે! પછીથી ‘બુધસભા’ની જવાબદારી ‘ગુજરાત સાહિત્ય પરિષદે’ ઉપાડી. ‘બુધસભા’માં નવા આવતા કવિઓનો મોહ કાવ્ય સંભળાવવા કરતાં પ્રકાશનોમાં છપાવાનો વધુ હોય છે. મારા મતે ‘બુધસભા’ એ કાવ્યોના ઘડતરની કાર્યશિબિર છે, મુશાયરો નથી. નવા કવિઓ પોતાની રચના રજૂ કરે, ચર્ચા કરે, કવિઓના પ્રતિભાવો સાંભળે તો કવિતાઓનું ઘડતર થાય.

આજની નવી કવિતાઓ વિશે શું લાગે છે?

આજે કવિઓ ગદ્યકાવ્યો તરફ વધુ વળ્યા છે. નવા કવિઓમાં છંદનો અભ્યાસ નથી. મોટા ભાગના કવિઓ ગઝલો, ગીતો લખે છે.

કવિતાને આપ કેવી રીતે વ્યાખ્યાયિત કરો?

કવિતા એ એક સંવેદન આધારિત છે. તમે કેટલું ઘૂંટો છો, કેટલું વિસ્તારો છો એ મહત્ત્વનું છે. જ્યારે વિષય અને વિચાર ઊર્મી ઘુંટાઈને જે બહાર આવે ત્યારે સાચી કવિતા બને છે, જેમાં મનનું સંવેદન મુખ્ય છે.

‘સ્ટેશન અને ટ્રેઈન’ આપનો વિશિષ્ટ કાવ્યસંગ્રહ છે. આ સંગ્રહ કેવી રીતે રચાયો?

અમે વિરમગામ રહેતા હતા. ત્યારે વિરમગામ આટલું વિસ્તરેલું નહીં. સાંજના સમયે અમે મિત્રોની સાથે સ્ટેશને જઈને બેસતા. પ્રવાસીઓને નિરખતા, ટ્રેઈનની આવન-જાવન જોતાં. મુસાફરોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરતા. એ અનુભવો અને અનુભૂતિને કાવ્યો દ્વારા આ સંગ્રહમાં પડઘાઈ છે, જેમાં સ્ટેશન સ્થિરતાનું અને ટ્રેઈન ગતિનું પ્રતીક છે.

આપનો કાવ્યસંગ્રહ ‘ઉઘાડ’ પ્રકૃતિ પર આધારિત છે. આ સંગ્રહની શું વિશેષતા છે?

આ કાવ્યસંગ્રહમાં મારા પ્રકૃતિ વિશેના અનુભવો છે. સામાન્ય લાગતી વાત પણ આપણને કેવી રીતે સ્પર્શે છે તે આ કાવ્યસંગ્રહમાં ઝીલાય છે. જેમ કે, એક મકાનના મોભ પર પોપટ આવીને બેસે છે અને મકાનની અંદર આખું વન ઉતરી આવે છે. દૂરના પ્રકૃતિમય વાતાવરણને પોપટ ઘર ભણી લાવે છે તેને પ્રતીકાત્મક રીતે આલેખ્યું છે. પોપટ એ પ્રકૃતિનું પ્રતીક છે.

ધીરુ પરીખને કેવી રીતે ઓળખાવું ગમે?

મને મારા નામ તરીકે નહીં, કવિ તરીકે નહીં, પણ એક માણસ તરીકે ઓળખાવું ગમે. મારામાં માણસનો લોપ થવો ન જોઈએ. માણસની સાધના તેને પૂર્ણતા ભણી લઈ જાય છે. જીવન માગ્યું મળતું નથી. મારી સંવેદના ક્યાં ય નષ્ટ ન થાય. ■

e.mail : pdave68@gmail.com

Loading

Beef, Pink Revolution and identity Politics

Ram Puniyani|English Bazaar Patrika - OPED|19 April 2014

This time around (2014) the practitioners of sectarian politics had projected as if they will harp only on the issues related to development and Governance. But that surely is for sayings sake. While propaganda of development of Gujarat, strong leader, good governance is on the forefront, there is a lurking doubt that many a people may be by now realizing that the story of so called development cannot be defended beyond a point as so many studies and reports have shown the contrary facts. Authoritarian and dictatorial leader is not a strong leader, one is clear about that as strong leader is one who is inclusive and takes others along. So back to the fundamentals of communal politics, the issues related to ‘identity and faith’ are being subtly propped up.

Attacking the UPA II government for increase in the export of meat and beef (3rd April 2014) Narendra Modi mocked at UPA II by saying that cattle are being killed for the sake of ‘pink revolution’, which hints towards the meat business, export of meat, beef. In our country eating beef is very sensitive religious issue. It emerges that now despite this being a sensitive issue; on the ground of commerce it comes to our notice that India has become the biggest beef exporter in the world, beating Brazil. This is as per the latest meat exports figures from the Ministry of Food Processing. The data shows that India exported 1.89 million tons of beef in 2012-2013, which is a 50 per cent increase over five years’ ago, “Officially, the slaughter of cows is banned and beef production is actually buffalo meat. Here too, the slaughter is restricted to males and unproductive females,’’ explains the Department of Animal Husbandry official.

As such beef has been a part of India’s dietary traditions. In Vedic times the sacrifice of cows in the yagnas (rituals around fire) was a central feature. It is with the rise of agriculture that the restrictions were brought on the sacrifice of cows as cattle wealth was core to the development of agriculture. Swami Vivekananda, while speaking to a large gathering in USA said: “You will be astonished if I tell you that, according to old ceremonials, he is not a good Hindu who does not eat beef. On certain occasions he must sacrifice a bull and eat it.”

[Vivekananda speaking at the Shakespeare Club, Pasadena, California, USA (2 February 1900) on the theme of ‘Buddhistic India’, cited in Swami Vivekananda, The Complete Works of Swami Vivekananda, Vol 3 (Calcutta: Advaita Ashram, 1997), p. 536.]

This is corroborated by other research works sponsored by the Ramakrishna Mission established by Swami Vivekananda himself. One of these reads: “The Vedic Aryans, including the Brahmanas, ate fish, meat and even beef. A distinguished guest was honoured with beef served at a meal. Although the Vedic Aryans ate beef, milch cows were not killed. One of the words that designated cow was aghnya (what shall not be killed). But a guest was a goghna (one for whom a cow is killed). It is only bulls, barren cows and calves that were killed.”

[C. Kunhan Raja, ‘Vedic Culture’, cited in the series, Suniti Kumar Chatterji and others (eds.), The Cultural Heritage of India, Vol 1 (Calcutta: The Ramakrishna Mission, 1993), 217.] The pioneering research of Historian D.N.Jha also tells us that beef was the part of India’s dietary tradition. Same is corroborated by Dr. Pandurang Waman Kane in his multi Volume, “Bharatiya Dharmgranthon ka Itihas’ (History of Indian Scriptures) where he quotes from Vedas, Atho Annam Vya gau (Cow is veritably a food)

Cow came to become a holy animal with the rise of agricultural society for the obvious reasons of need for bulls in agriculture. It got associated with the religious sentiments. Contrary to the propaganda that it was Muslim kings who brought beef eating practices in India, the fact is that Muslim kings in deference to the feelings of the Hindu majority went on to put curbs on cow slaughter. Babar’s will to his son Humayun (Exhibit in National Museum) point to this fact. It says

“Son, this Nation Hindusthan has different Religions. Thank Allah for giving us this Kingdom. We should remove all the differences from our heart and do justice to each community according to its customs. Avoid cow-slaughter to win over the hearts of the people of this land and to incorporate the people in the matters of administration…” (Translated from the original- National Museum)

The propaganda that Muslims brought beef eating to India has no substance at all. As a matter of fact it was British who systematized it and appointed Khatiks (butchers) in their barracks for cow slaughter to supply beef for the army. With rise of the politics in the name of religion due to British policy of ‘divide and rule’, cow and pig were made instruments of instigating communal violence to polarize the communities along religious lines. Many a communal violence did break out in the name of cow slaughter or pig in a mosque. Earlier too the demand for cow slaughter ban has been raised and now it is banned in most of the states barring Kerala and West Bengal. So currently there are strict rules about cow slaughter and what is called beef is essentially buffalo meat. In recent times the murder of dalits in Gohana on the charge that they killed cow for its hide is too fresh in our memory. The killing of dalits was legitimized by a VHP leader saying cow is too holy for anything else to be considered.

As such beef has been part of Indian dietary practices amongst many communities especially amongst dalits and Adivasis all over, more so in Southern India. In the face of rising price of mutton, it is a rich source of protein for the poor; some do take to it for its taste. Recently when I was on a group tour to Eastern Europe, one Hindu family, which was part of our group, by and large was opting for beef as the main dish for their lunch or dinner.

The issue now is that should we have our dietary choices or not? The subtle hint that the UPA II is promoting the ‘Pink Revolution’ is a blatant communal use of the issue. The BJP spokespersons on TV channels are claiming that it is due to the promotion of this export that our milk production and agriculture is suffering. Whatever be other flaws of the current policies, one thing is sure that our milk production is on ascendance. Agriculture is suffering but not due to shortage of cattle. Such claimants need to do their home work and learn that by and large it is the poor, low caste who rear the cattle and they can’t bear the burden of old animals which can no more give the milk. The natural cycle of food and economics is dictating the present scenario, and communalizing it is unwarranted. We need to put our agricultural economy on the wheels of progress, rearing animals is an activity very close to agricultural economy, such a blatant communalizing the issue is counterproductive to our values as a democratic society.

Loading

...102030...4,0284,0294,0304,031...4,0404,0504,060...

Search by

Opinion

  • પ્રતિબંધિત જગત
  • મા કસમ !
  • એ સ્ત્રી છે !!
  • અમેરિકા-ઈરાન યુદ્ધઃ ઇતિહાસનું પુનરાવર્તન, નવા ખેલાડીઓ અને ‘પેટ્રોડોલર’નાં સમીકરણો
  • ભારતે અત્યારે શું કરવું જોઈએ ?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved