વ્યવસાયે હતો ડોક્ટર, સર્જન. વાઢકાપ કરવાનો ધંધો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મેડિકલ સર્વિસમાં જોડાઈને હિન્દુસ્તાન આવ્યો, ૧૭૮૨માં મુંબઈને બંદરે ઊતર્યો. કંપની સરકારની લશ્કરી ટુકડી સાથે પગપાળા ચાલતો પહોંચ્યો કલકત્તા. આવી લાંબી મુસાફરીમાં ઘણા સૈનિકો માંદા તો પડે જ. પોતે હતો ડોક્ટર, છતાં તેમની સારવાર કરી ન શકતો. કેમ? કારણ સૈનિકોની ભાષા તેને આવડતી નહોતી, અને તેની ભાષા સૈનિકોને આવડતી નહોતી. લંડનમાં બેઠેલા કંપનીના બડેખાં ડાયરેક્ટરોના ધ્યાનમાં જે વાત નહોતી આવી તે વાત તેના ધ્યાનમાં આવી. હિન્દુસ્તાનમાં કામ કરવું હોય તો અહીંની ભાષા જાણવી જરૂરી. એટલે હિન્દુસ્તાની ભાષા શીખવા લાગ્યો. હિન્દુસ્તાનીનો શબ્દકોશ બનાવવાનું નક્કી કર્યું. એ માટે લશ્કરમાંથી એક વર્ષની રજા લીધી. પણ રજા પૂરી થયા પછી લશ્કરમાં પાછો ગયો જ નહિ, હિન્દુસ્તાનની ભાષાઓ પાછળ જ મંડી પડ્યો.
એનું નામ જોન બોર્થવિક ગિલક્રિસ્ટ. ૧૭૫૯માં જન્મ, ૧૮૪૧માં અવસાન. પુસ્તકો લખ્યાં. બ્રિટનથી આવતા અંગ્રેજોને હિન્દુસ્તાનની ભાષાઓ શીખવતો. ધીમે ધીમે ગવર્નર જનરલ વેલેસ્લી સુધી પહોંચ થઈ. બ્રિટનથી આવતા સરકારી નોકરોને હિન્દુસ્તાનનાં ભાષા, સાહિત્ય, સંસ્કૃિત, રીતરિવાજ, વગેરે શીખવવા માટે એક સંસ્થા શરૂ કરવાનું સૂચન તેણે ગવર્નર જનરલને કર્યું. વેલેસ્લીને વિચાર ગમી ગયો. લંડનમાં બેઠેલા કંપનીના ડિરેકટરોને પૂછ્યાગાછ્યા વગર જ તેણે કલકત્તાના ફોર્ટ વિલિયમ્સમાં આવી સંસ્થા શરૂ કરવાનું નક્કી કરી નાખ્યું. ૧૮૦૧ના એપ્રિલની દસમી તારીખે વેલેસ્લીએ જરૂરી કાગળિયાં પર સહીસિક્કા કર્યા, અને ચોથી મેએ તો કોલેજ શરૂ!
અલબત્ત, તે કોલેજ ‘દેશીઓ’ માટે નહોતી, ફક્ત અંગ્રેજ સરકારી નોકરો માટે હતી. તેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો હતો. વિદ્યાર્થી પાસેથી ફી લેવાનો તો સવાલ જ નહોતો. દરેક વિદ્યાર્થીને મહિને ૩૦૦ રૂપિયાનું ભથ્થું અપાતું! ધીમે ધીમે હિન્દુસ્તાની ઉપરાંત બીજી ‘દેશી’ ભાષાઓ શીખવવાની સગવડ પણ કરી. ફારસી, અરબી, સંસ્કૃત, બંગાળી, મરાઠી, કન્નડ, તેલુગુ વગેરે ભાષાઓ અહીં શીખવાતી. આટલી બધી ભાષાઓ માટેનું પુસ્તકાલય ઊભું કરવાનું કામ સહેલું નહોતું. પણ ટીપુ સુલતાન સાથેનું યુદ્ધ તેમાં મદદે આવ્યું. તેને હરાવ્યા પછી ટીપુનો સમૃદ્ધ ગ્રંથભંડાર અંગ્રેજોના હાથમાં આવ્યો. એ આખેઆખો સંગ્રહ વેલેસ્લીએ આ કોલેજને આપ્યો.
પણ આવી કોલેજ શરૂ થઈ છે એવા ખબર જ્યારે બ્રિટન પહોંચ્યા, ત્યારે કંપનીના ડિરેકટરોના પેટમાં તેલ રેડાયું. પોતાની મંજૂરી લીધા વગર, અરે, અગાઉથી જાણ પણ કર્યા વગર, ગવર્નર જનરલ આવી મોટી કોલેજ શરૂ કરી દે તે તો કેમ ચલાવી લેવાય? ૧૮૦૨ના જાન્યુઆરીની ૨૭મી તારીખે તેમણે વેલેસ્લીને હુકમ મોકલ્યો : તાબડતોબ બંધ કરો આ કોલેજ ! પણ વેલેસ્લી એમ ગાંજ્યો જાય એવો નહોતો. ઉપરીઓને હંફાવવા માટે તુમારશાહીનો ઉપયોગ કરવામાં પાવરધો હતો. એટલે તેણે લખાપટ્ટી શરૂ કરી, ટાઈમ મેળવતો ગયો. તેણે એવી જોરદાર દલીલો કરી કે ડિરેક્ટરોએ નમતું જોખવું પડ્યું. હિન્દુસ્તાનની જુદી જુદી ભાષાઓમાં અનુવાદ કરવા માટે એક સો જેટલા સ્થાનિક જાણકારોને રોકીને ‘અનુવાદનું કારખાનું’ કોલેજમાં શરૂ થયું.
પણ બ્રિટનમાંના ડિરેક્ટરો પણ કાઈ ગાંજ્યા જાય એવા નહોતા. ઘી સીધી આંગળીએ ન નીકળે તો કેમ કાઢવું એ જાણતા હતા. હિન્દુસ્તાન જતા કંપનીના નોકરોને ‘દેશી’ ભાષાઓ શીખવવાની વ્યવસ્થા બ્રિટનમાં જ કરી હોય તો કલકત્તાની કોલેજ આપોઆપ ભાંગી પડે! કલકત્તાની કોલેજ પાછળ દર વર્ષે ચાર લાખ રૂપિયા ખર્ચાતા હતા તે તેમને પેટમાં દુખતા હતા, પણ બ્રિટનમાં આવી કોલેજ માટે શરૂ કરવા માટે તેમણે પચાસ હજાર પાઉન્ડ ફાળવ્યા ! ૧૮૦૭માં તો ‘ધ ઈસ્ટ ઇન્ડિયા કોલેજ એટ હેલીબરી’ કામ કરતી શરૂ પણ થઈ ગઈ. હવે કલકત્તાની કોલેજને વિદ્યાર્થીઓનાં સાંસા પડવા લાગ્યા. પડતી શરૂ થઈ. પોતાની અત્યંત સમૃદ્ધ લાયબ્રેરી કોલેજે નવી શરૂ થયેલી કલકત્તા પબ્લિક લાયબ્રેરીને ભેટ આપી દીધી. આ લાયબ્રેરી પછીથી ઈમ્પિરિયલ લાયબ્રેરીમાં ભળી ગઈ. આઝાદી પછી આ ઈમ્પિરિયલ લાયબ્રેરી બની દેશની નેશનલ લાયબ્રેરી. છેવટે ૧૮૫૩ના જાન્યુઆરીમાં કલકત્તાની કોલેજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી. પણ ત્રેપન વર્ષના આયુષ્યમાં કલકત્તાની આ કોલેજે ભારતીય ભાષાઓના શિક્ષણ અને વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો.
સૌજન્ય : ‘માઈલસ્ટોન’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2014