Opinion Magazine
Number of visits: 9870913
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

થીજી ગયેલા સાહિ‌ત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી

ગુણવંત શાહ|Opinion - Opinion|8 August 2014

થીજી ગયેલા કોઈ અતિ વિદ્વાન સાહિ‌ત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી. વિચારકેન્દ્રી બેઠકોમાં લોકરંજન ન હોય તે યોગ્ય છે, પરંતુ એમાં વક્તા તરફથી ઠલવાતાં ક્લષ્ટિ વાક્યોનો આતંકવાદ પણ અક્ષમ્ય ગણાવો જોઈએ. વિવેચકોને પણ નિર્જીવ અને દુર્બોધ લખાણો કે પ્રવચનો માથે મારવાનો અધિકાર નથી.

કોઈ માને કે ન માને, પરંતુ કવિતા બે પ્રકારની હોય છે : જીવતી કવિતા અને મરેલી કવિતા. જીવતી કવિતા એટલે એવી કવિતા, જે વાચનારને ઝંકૃત કરે. મરેલી કવિતા એટલે એવી કવિતા, જે વાંચનારને ઊર્મિ‌ની એક લહેરખી પણ ન પહોંચાડે. મરેલી કવિતાને ગુજરાતી પાઠયપુસ્તકોમાં સહેલાઈથી સ્થાન મળે છે. એ જ વાત મરેલા ગદ્યને પણ લાગુ પડે છે. પાઠયપુસ્તકની રચનામાં નિર્જીવ સાહિ‌ત્યકાર હોવું, એ પૂર્વશરત ગણાય.

આ તર્ક આગળ ચલાવીએ તો સાહિ‌ત્યકારો પણ બે પ્રકારના હોય છે : ચેતનવંતા અને થીજી ગયેલા. કેટલાક સાહિ‌ત્યકારો તો બ. ક. ઠાકોર સુધી આવીને ત્યાં જ અટકી ગયા છે. આવા કેટલાક સાહિ‌ત્યકારોનું વિશ્વદર્શન ગુજરાતની સરહદ વટાવી શકતું નથી.

ઉમદા અપવાદો જરૂર છે. આ વાત ન સમજાય તો ગુજરાતી સાહિ‌ત્ય પરિષદના અધિવેશનમાં જઈ પહોંચવું તા. ૨૧-૧૨-૨૦૦૭ને દિવસે ગાંધીનગરમાં પરિષદનું ૪૪મું અધિવેશન અતિથિવિશેષ તરીકે મારા પ્રવચનથી શરૂ થયેલું. ત્યાં યજમાન હતા સહસ્ત્રબાહુ એવા કૃષ્ણકાંત જહા. તેઓ યોગ્ય રીતે વક્તાને જાળવી જાણે છે. આદરણીય મોરારિબાપુની કથામાં સૌથી મહત્ત્વનું સ્થાન કોનું? બાપુ સિવાય બીજા કોનું? કોઈ પણ પ્રવચનમાં મુખ્ય વક્તા કરતાં ય મહત્ત્વનું સ્થાન અન્ય કોઈનું ન જ હોઈ શકે. જે આયોજકો આટલું ય ન સમજે, તેઓ પોતાના માનવસંબંધો જાળવવા માટે વક્તાને વાપરે છે અને મંચ પર ૬-૭ ખુરસીઓ અન્ય (ખપ લાગે તેવા) અર્ધ મૂર્ખો માટે ગોઠવે છે.

થીજી ગયેલા સાહિ‌ત્યકારોને આ વાત ન ખૂંચે કારણ કે તેઓ ત્યાં કોઈ પણ જાતના પુરસ્કાર વિના પહેરેલે કપડે થોડાક વહેલા ગોઠવાઈ ગયા હોય છે. સસ્તું ભાડું અને સાહિ‌ત્યજગતની યાત્રા ગાંધીનગરના અધિવેશનમાં જતી વખતે મનોમન સંકલ્પ કર્યો હતો કે બધી જ બેઠકોમાં બધો સમય બેસવું અને જ્ઞાનવૃદ્ધિ કરવી. બીજે દિવસે એક બેઠક બે કલાક ચાલી તેમાં પ્રથમ વક્તાએ જ પ્રથમ કલાક (પ્લસ) વેડફી માર્યો. વચ્ચે વચ્ચે એ ગુનેગાર વિદ્વાને અધ્યક્ષને કહ્યું : 'સમય થાય ત્યારે મને રોકજો.’ બીજા બે વક્તાઓની આંખોમાં ખીલે બાંધેલી ગાયની આંખોમાં હોય એવી લાચારી હતી. અધ્યક્ષ બે વાર બોલ્યા, પ્રારંભે અને અંતે. ટૂંકમાં પેલા બે દયનીય-માનનીય-શ્રવણીય વક્તાઓને ભાગે ૧૦-૧૦ મિનિટ માંડ આવી પ્રથમ ગુનેગાર વક્તાનું પ્રવચન લંબાયે ગયું, લંબાયે ગયું અને કંટાળાના વેરાન રણમાં જઇને લુપ્ત થયું બેઠકના (ગુનેગાર) અધ્યક્ષ અવિદ્વાન ન હતા, પરંતુ સામે ટેબલ પર પડેલી ઘડિયાળના પ્રખર શત્રુ હતા.

સભામાં કેટલાં ય યુવક-યુવતીઓ બેઠાં હતાં. તેઓને મારે ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરવી છે : આવા થીજી ગયેલા કોઈ અતિ વિદ્વાન સાહિ‌ત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી. વિચારકેન્દ્રી બેઠકોમાં લોકરંજન ન હોય તે યોગ્ય છે, પરંતુ એમાં વક્તા તરફથી ઠલવાતાં ક્લષ્ટિ વાક્યોનો આતંકવાદ પણ અક્ષમ્ય ગણાવો જોઈએ. વિવેચકોને પણ નિર્જીવ અને દુર્બોધ લખાણો કે પ્રવચનો માથે મારવાનો અધિકાર નથી. જો તમને ક્યાંક સ્મિતથી શોભતો અને છિદ્રાન્વેષણની પરપીડનવૃત્તિથી મુક્ત એવા મહાન વિવેચક મળી જાય તો એમને વંદન કરજો. આ તક વારંવાર નહીં મળે. ચીમળાઈ ગયેલી પર્સનાલિટી ધરાવનાર વિવેચક લોકોને શા માટે ગમે? અંગત અનુભવ કહું? મારા પર વાચકો અને ભાવકો(fans)ના પત્રો અને ટેલિફોન આવે તેમાં સૌથી મોટો હિ‌સ્સો સૌરાષ્ટ્રનો જ કેમ હોય છે? મને આ પ્રશ્નનો જવાબ જડયો છે.

સૌરાષ્ટ્રના લોકો પ્રમાણમાં વધારે responsive (પ્રતિસાદપ્રિય) છે કારણ કે સૌરાષ્ટ્ર ખરા અર્થમાં 'હૃદયપ્રદેશ’ છે. આવો હૃદયપ્રદેશ દુનિયામાં કદાચ એક જ છે : સ્કોટલેન્ડ. સૌરાષ્ટ્ર તરફથી આપણને 'જીવતા’ કવિઓ મળ્યા : કલાપી, મેઘાણી, બોટાદકર, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, અનિલ જોષી, જવાહર બક્ષી (જૂનાગઢના મૂળ) વિનોદ જોશી ઇત્યાદિ ઇત્યાદિ. સૌરાષ્ટ્રની ધરતીના કણકણમાં પડેલી સહજ સહૃદયતા અને અઢળક ઊર્મિ‌શીલતાનો હું કેટલો મોટો પ્રશંસક છું એનો ખરો ખ્યાલ કેવળ મને જ છે. મેઘાણીભાઈ બીજે ક્યાં પાકે? કલાપી ૨૬ વર્ષની ઉંમરે ગયા બાકી તો …

આવું લખતી વખતે મારું મન એકાએક વારાણસી પહોંચી ગયું ત્યાંના સાહિ‌ત્યકાર સદ્દગત ભારતેન્દુ હરિશ્ચંદ્ર ૩૪ વર્ષની નાની ઉંમરે ૧૮૮પમાં મૃત્યુ પામ્યા. તેઓ નાની ઉંમરે પણ ગદ્યમાં, પદ્યમાં અને નાટયલેખનમાં અમૂલ્ય વારસો છોડતા ગયા. તેઓ બ્રાહ્મણ નહીં અગ્રવાલ વણિક હતા. (આ ચોખવટ એટલા માટે કરવી પડી કે એમની અટક બ્રાહ્મણની હોય એવી છાપ પડે છે.) વર્ષો પહેલાં એમણે માતૃભાષાની હિ‌માયત માટે એક કવિતા લખી હતી. કેવું પીડાકારક? બરાબર યાદ છે. આપણા પ્રિય હાસ્ય અભિનેતા જ્હોની વોકરે એક વાર ટીવી પર કહેલું : 'અબ સમાચારમેં હિ‌ન્દી સુનીએ.’ માતૃભાષાના પ્રચાર માટે પણ ગુજરાતમાં વંદનાયાત્રા કાઢવી પડે અંગ્રેજી તો ભણવું જ જોઈએ. હા, ગુજરાતીઓ સામે પ્રશ્ન એટલો જ કે 'ચામડી કરતાં ય વસ્ત્રનું મહત્ત્વ વધારે? હવે ભારતેન્દુ હરિશ્ચંદ્રની ૧૨૯ વર્ષ પહેલાં લખાયેલી પંક્તિઓનો અનુવાદ હિંમત હોય તો પાંચ ઊંડા શ્વાસ લઇને વાંચો :

પ્રગતિ પોતાની માતૃભાષામાં રહેલી છે.
બધી પ્રગતિનો પાયો માતૃભાષા છે.
તમારી પોતાની ભાષા
જાણ્યા વિના તો
હૃદયની પીડાનો કોઇ ઉપાય નથી.

(સબા નક્વીએ કરેલા અંગ્રેજી અનુવાદનો ગુજરાતી અનુવાદ)

માતૃભાષાના માધ્યમની અને ઉત્તમ કક્ષાના અંગ્રેજીની વકીલાત કરતો કરતો સ્મિત જાળવીને જીવતો હોઉં ત્યારે એક એવી આબોહવા ગુજરાતમાં તૈયાર થવાની છે, જેમાં પ્રાઇવેટ અને મોંઘીદાટ સ્કૂલોમાં પણ ગણિત અને વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં ભણાવાશે અને બાકીના બધા વિષયો માતૃભાષામાં ભણાવાશે. આવું સમાધાન જરૂરી છે. માનશો? પ્રાઇવેટ ભવ્ય નિશાળોમાં ગુજરાતી પણ ગુજરાતીમાં ભણાવાશે. લોકો સિન્થેટિક અને નિર્જીવ માધ્યમથી કંટાળશે. કંટાળામાં ક્રાંતિ આણવાની અપાર શક્યતા પડેલી છે. માણસ જ્યારે જ્યારે કંટાળે છે ત્યારે ત્યારે વિચારે છે અને ખૂબ કંટાળે ત્યારે ખૂબ વિચારે છે.

અખબારોની કોલમો પણ એ પ્રકારની હોય છે : જીવતી અને નિર્જીવ. ચંદ્રકાંત બક્ષીની કોલમ 'જીવતી’ કોલમના નમૂના જેવી હતી. તેઓ ઘરે દીકરી રિવા સાથે મળવા આવ્યા ત્યારે મીઠાઈનું મોટું બોક્સ લઇને આવેલા. ઝાંપા આગળ ઊભા રહીને મને કહ્યું : 'બોસ, આપણે બે જ વંચાઈએ છીએ’ મેં કહ્યું : 'બક્ષીબાબુ આવું તમે બીજા કોઈ લેખકને પણ કહ્યું નથી ને?’ અંગ્રેજીમાં જે કોલમ લેખકો મને ગમે તેની યાદી ટૂંકી છે : વિનોદ મહેતા, સબા નકવી, મરિયાના બાબર (પાકિસ્તાન), નિરજા ચૌધરી અને તવલીન સિંઘ. ખુશવંત સિંઘ મને ખૂબ ગમતા કારણ કે એમનાં લખાણોમાં મને નિખાલસતાના ફુવારાનો અનુભવ થતો. તેઓ સત્યવાદી ન હતા, નિખાલસતાવાદી જરૂર હતા.

વિનોદ મહેતાની શૈલીમાં એક મજેનું તુફાન જોવા મળે છે. તંત્રી પોતે જ પોતાને, 'સોનિયા ગાંધીનો ચમચો’ કહીને ફજેત કરે? એમણે સાચી વાત કહેવામાં સોનિયાજીની શરમ નથી રાખી એ પણ નોંધવું જોઈએ. વિનોદ મહેતા પોતે જ પોતાની જાતને 'સ્યૂડો સેક્યુલર’ કહીને ભાંડી શકે છે. વળી અંગત વાત કરવામાં કોઈ જ સંકોચ નહીં પ્રથમ પુરુષ એક વચનમાં લખવું એ જો ગુનો હોય, તો મહાત્મા ગાંધીની 'આત્મકથા’ પર પ્રતિબંધ મૂકવો પડે. મહાત્મા ગાંધીના ગદ્યમાં 'હું, મને, મારું’ કેટલી વાર આવે? જે મહાત્મા પોતાની જાતને પ્રજા સમક્ષ ખુલ્લી કરવા માગે તે બીજું શું કરે? શું જે સાહિ‌ત્યકારો 'અમે’ લખે કે પ્રથમ પુરુષ એકવચનથી ગભરાઈને બચતા રહે, તે બધા સાવ અહંકારમુક્ત થઈ જાય કે? મહાત્માની 'આત્મકથા’ તો આત્મવિકાસની વાર્તા છે. ખુશવંત સિંહ ઊઘડતા રહ્યા, ઊઘડતા રહ્યા અને લોકોનાં હૃદય સુધી પહોંચ્યા.

વિનોદ મહેતા તો પોતાના પાળેલા કૂતરા વિષે પણ “Outlook”માં નિરાંતે લખે છે. કૂતરાનું નામ શું? ‘Editor’ !થીજી ગયેલા સાહિ‌ત્યકારોને આવી નિખાલસતા કદી પોસાય ખરી? એક સામયિકના તંત્રી ગણતરીપૂર્વક એર્વોડ સમારંભ ગોઠવે અને એમાં ગુજરાતી સાહિ‌ત્યકારોને પણ બોલાવે. એક જણે એમને પૂછ્યું : 'ફલાણા સાહિ‌ત્યકાર તમારું આમંત્રણ સ્વીકારીને દૂરથી આવશે ખરા? તંત્રીએ કહ્યું : 'હમણાં જ એક ફોન કરું, તો તેઓ ચંપલ પહેર્યા વિના અહીં વડોદરા દોડી આવે. બોલો ફોન કરું?’ મારે વારંવાર એક જ વાત કહેવી છે. સાહિ‌ત્યકારોને સસ્તા થવાનો અધિકાર નથી. સાહિ‌ત્યકારને લવ-અફેરની માવજત કરવાનો અધિકાર છે, પરંતુ કોઈ નારીની મુગ્ધતાનો ગેરલાભ લેવાનો અધિકાર નથી. સાહિ‌ત્યકારને તગડો પુરસ્કાર લેવાનો અને પૂરતી સગવડ સાથે પ્રવચન કરવા માટે પ્રવાસ કરવાનો અધિકાર છે, પરંતુ પૂરતી તૈયારી કર્યા વિના, લઘરવઘર વસ્ત્રોમાં સભાસ્થળે જઈને ત્યાં ઉદારતાની ઉઘરાણી માટે યજમાનની ખોટી પ્રશંસા કરવાનો અધિકાર નથી. થીજી ગયેલા સાહિ‌ત્યકારોના પ્રવચનથી બચવું એ સુજ્ઞ શ્રોતાઓનો કર્ણસિદ્ધ અધિકાર છે. ગુજરાતીઓ ક્યારે જાગશે?’

પાઘડીનો વળ છેડે

વિનોદ મહેતાએ છેલ્લા અંકમાં છેલ્લે પાને જે 'દિલ્હી ડાયરી’ લખી તેમાં પ્રથમ આઠ લીટીમાં જ (માત્ર) પાંચ વાર ‘I’ આવે છે. પ્લીઝ ચેક. એ ‘I’ કોઇને ન કઠે તેવો નિર્મળ છે.

(“Outlook”, ૨૧ July ૨૦૧૪, પાન-૭૪)

Blog:http://gunvantshah.wordpress.com

સૌજન્ય : ‘સન્નડે પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 અૉગસ્ટ 2014

Loading

આષાઢી બપ્પોર

'ભભાઈ' ભરત પાઠક|Poetry|8 August 2014

આષાઢી બપ્પોર

સ્યુગર લેન્ડ ગામના તળાવ મહીં ઝિલાતી,
આષાઢી નોમની બળતી બપ્પોર મને એવી તો વ્હાલી, સઇ, લાગી,
કે રૂ જેવાં વાદળાં આકાશી નીલમાં સરતાં ભાળીને
મારી સાંભરણ ગામ ભણી ભાગી.

“સૂમસામ બપ્પોરે દોડતી’તી સાઇકલ, ડામરમાં તરતા તડકાઓ,
ગરમાળો, ગુલમહોર ખીલવે ને ખેરવે કંઈક નવી જૂની કથાઓ”
આજ સૂરજ ભણીના ગાલ પરની બળબળ
મને ગામથી આવી હો એવી લાગી !
અલી, રૂ જેવા વાદળાં આકાશી નીલમાં ફરતા ભાળીને
મારે તંન જૂની આશાઢો જાગી.

“આજે જે તાપ છે તે કાલ ઘામ કહેવાશે, વાદળાં વધુ ને વધુ ઘેરાશે,
પરસેવો તડકામાં સૂકાશે નહીં, એ તો વરસે પછી જ તો ધોવાશે…”
એવી એવી કંઈક વાતોના ભણકારા અહીંની હવામાં ય વાગે,
અને રૂ જેવા વાદળાં આકાશી નીલમાં તરતા ભાળીને સઇ
મંન મારું વીતેલું તાગે.

વીત્યા ઉનાળા ને વીત્યા એ તાપની ઝરમર વણથોભ એમ ચાલતી,
જેમ ભીંજાતી આંખોની સામે તળાવમાં બત્તક ને કાચબીઓ મ્હાલતી;
આજ, રૂ જેવા વાદળાં ચાળતી બ્પ્પોરમાં એવું તો વ્હાલ, સઇ, વાધ્યું
કે આકાશી નીલને ઝીલતાં તળાવોનું
સ્યુગર લેન્ડ નામનું એક નવું ધામ મને લાધ્યું.

સ્યુગર લેન્ડ, ટેક્સાસ, યુ.એસ.એ., જુલાઈ ૨૦૦૯ 

[૨૦૧૩માં પ્રકાશિત તેમના પદ્યસંગ્રહ “ચાલ, ચાલ, ચાલ…”માંથી ]

e.mail : bhabhai@hotmail.com

Loading

કેમેરો ક્યાં માંડવો, બહાર કે ભીતર?

ભદ્રાયુ વછરાજાની|Profile|8 August 2014

તસવીરકાર અિશ્વન મહેતાએ બાવીસ વર્ષે હિ‌માલયનો પગપાળા પ્રવાસ કર્યો ત્યારે તે સૌપ્રથમ ફોટા પાડયા. એ ફોટા “ધર્મયુગ” અને “ઇલસ્ટ્રેટેડ વીકલી”માં છપાયા અને તેઓ વિશ્વસ્તરે ખ્યાત બની ગયા તેમણે છવ્વીસ વર્ષ માત્ર ફોટોગ્રાફી કરી અને ચૌદ વર્ષ પહેલાં ફોટોલીલા સંકેલી. હમણાં વિરાટની વાટ પકડી.

કળાકાર એ છે કે જે કશું પામવા નહીં, પણ પામી ચૂકેલું ખોજવા જીવે છે. કળાકાર એ છે કે જે કશું પામવા નહીં, પણ પામી ચૂકેલું ખોજવા જીવે છે. તસવીરકાર 'નથી’ની શોધમાં નથી, છે પણ નરી આંખે દીસતું નથી ત્યાં ભીતરનો કેમેરો માંડે તે તસવીરકાર છે. નાનાની હવેલીની પાછલી ગલી. સાંકડી ધૂળિયા શેરી. એમાં એક કાબરચીતરો બકરો. ભડક નડિયાદી લીલા રંગના બારણા પાસે ઊભો હતો. બાર-તેર વર્ષનો એક કિશોર દૂર ઊભો ઊભો આ રંગોનું સંયોજન તાકી તાકીને જોયા જ કરે છે અને તેમાંથી ખોવાય જાય છે જીવનભર રંગો-દૃશ્યો અને તેની તસવીરોમાં બાવીસ વર્ષે હિ‌માલયનો પગપાળા પ્રવાસ કરે છે ત્યારે તે સૌ પ્રથમ ફોટા પાડે છે, આ ફોટા “ધર્મયુગ” અને “ઇલસ્ટ્રેટેડ વીકલી”માં છપાય છે … અને એ યુવાન 'સુપ્રસિદ્ધ તસવીરકાર અિશ્વન મહેતા’ના નામે વિશ્વસ્તરે ખ્યાત બને છે.

પહેલા ફોટા પાડયા ૧૯પ૨માં હિ‌માલયના, તો છેલ્લા પાડયા ૧૯૯૯માં દક્ષિણ ભારતની કુદરતી ચાદરના. આ સુડતાલીસ વર્ષોમાંથી, અનુસ્નાતક અભ્યાસ+બેકારી+નોકરીનાં મળીને એકવીસ વર્ષો બાદ કરીએ તો અિશ્વન મહેતાએ છવ્વીસ વર્ષ માત્ર ને માત્ર ફોટોગ્રાફી કરી. કશુંક જોયું નથી ને કેમેરો માંડયો નથી, એવું નહીં. કેમેરો બહાર માંડવાનો પણ ખોજ અંદરની કરવાની. અંદરની ઠંડક લઈને બહારના હિ‌માલય પર કેમેરો માંડવાનો. પ્રકૃતિના આંગણામાં ઊગેલા અશોકના છોડની તસવીર લઈ ભીતરમાં તે છોડને વાવી દેવાનો. અિશ્વન મહેતા નોખા નહીં પણ ચોખ્ખા અને ચોખલિયાળા તસવીરકાર..

એમણે ફોટોગ્રાફી શરૂ કરી તે પહેલાં ખબર હતી કે આજીવિકાનું એકમાત્ર સાધન આ ફોટોગ્રાફી છે, છતાં છતાં અિશ્વન મહેતાએ સ્વયં માટે આચારસંહિ‌તા ઘડી :

૧. ગમે તેટલા પૈસા મળતા હોય તો પણ કાપડ-કપડાં, દારૂ-તમાકુની જાહેરખબર માટે ફોટા પાડવા નહીં કે પાડેલા ફોટામાંથી કશું વેચવું નહીં.

૨. જાહેરખબરમાં સ્ત્રીનો દેહ કેન્દ્રમાં રહેતો હોય એવા ફોટા પાડવા નહીં કે પાડેલા ફોટામાંથી જાહેરખબર માટે આપવા નહીં.

૩. કુદરતી પ્રકાશમાં જે કામ થાય તે કરવું, સ્ટુડિયો કે મલ્ટિફ્લેશ વગેરેની ઝંઝટમાં પડી બજારુ ફોટોગ્રાફી કરવી નહીં.

૪. 'રિયોતાર્જ’ના ફોટા પણ સામયિકનો વાચક પ્રાકૃતિક-સૌંદર્ય તરફ આકર્ષાય અને આપણા ભવ્ય વારસાથી અવગત થાય એવા હેતુથી પાડવા.

પ. રેલ-વિમાન-બસ અકસ્માત, ગેસ ગળતર, પૂર, ધરતીકંપ, સુનામી કે યુદ્ધ જેવી માનવીય કે પ્રાકૃતિક દુર્ઘટનાનો ઉપયોગ આપણે પોતાના રોટલા શેકવા કરવો નહીં …

આવી લશ્કરી આચારસંહિ‌તા છતાં અિશ્વન મહેતા વિશ્વવ્યાપી કેમ બની રહ્યા??

અિશ્વન મહેતા સ્વામી આનંદના આત્મીયજન, કવિ ઉમાશંકર જોષીના પ્રિયજન, સંગીતજ્ઞ બટુક દીવાનજીના સ્વજન, ઇન્દિરા ગાંધીના સ્નેહીજન. બે ઋષિતુલ્ય મહાનુભાવો જે. કૃષ્ણમૂર્તિ‌ અને પીટર ડ્રકર તથા ભારતનાં જાજરમાન મહિ‌લા વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની બાજુમાં બેસી પોતાના ફોટોગ્રાફ્સ બતાવવાનો અને તે અંગે કલાકો સુધી વિગતો વર્ણવવાનો જીવન-લહાવો અિશ્વન મહેતાને મળ્યો છે. સિક્યુરિટીથી ઘેરાયેલાં ઇન્દિરાજીને ખુમારીથી અિશ્વન મહેતાએ કહી દીધેલું કે : 'આપ આટલાં દૂર બેસીને ફોટોગ્રાફ્સ જોશો તો જામશે નહીં. અહીં મારી પાસે બેસો તો બરાબર દેખાશે અને તમે શું જોઈ રહ્યાં છો તે હું કહી શકીશ.’

અંગરક્ષકોનો વડો તો આ સાંભળી દોડી આવ્યો, પણ નહેરુ કુટુંબનું ગૌરવ ભેગું લઈને જીવતાં ઇન્દિરાજી અિશ્વન મહેતાની પડખે બેઠાં અને ખૂબ જ રસપૂર્વક ચર્ચા કરતાં કરતાં ચારસો પારદર્શીઓ (ટ્રાન્સ્પેરન્સી) નિરાંત જીવે માણી. આ બેઠકની ફલશ્રુતિરૂપે અિશ્વન મહેતાએ કેમેરામાં મઢેલાં હિ‌માલયનાં ફૂલોની ચાર ટપાલ ટિકિટો બહાર પડી … ડો. જયંત નાર્લીકરની એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સની સંસ્થા 'આયુકા’એ અ.મ.ના 'કોસ્મિક ઇમેજીસ’ના ફોટા ખરીદ્યા અને અિશ્વનભાઈએ જાતે પૂણે જઈ તે ગોઠવ્યા આ ફોટા લેવામાં બે વર્ષ વીત્યાં, ત્રીસ દિવસો ઉપયોગના હતા તેમાંથી પણ અિશ્વન મહેતાએ કહ્યું : 'બ્રહ્માંડના સહોદર થવાનો મને લહાવો મળ્યો.

આ ત્રીસ દિવસોનું મારી જીવન-અલમારીમાં અલાયદું ખાનું છે, નિરતિશય આનંદનું, 'એક્સ્ટસી’નું …’ સિંગાપોર એરલાઇન્સને તો અિશ્વન મહેતાની તસવીરો મનમાં ઘર કરી ગઈ. આઠ વર્ષો સુધી પોતાના માસિકમાં અિશ્વન મહેતાના 'ફોટો-ફિચર’ છપાયાં. ચાર મોટા પ્રોજેક્ટ પણ તેમને સોંપ્યા ને અિશ્વન મહેતા ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા, કેનેડા અને દક્ષિણ આફ્રિકાની અભરેભરી પ્રકૃતિ સંપદાવાળા પ્રદેશો ઘૂમી વળ્યા. ૬૬થી ૮૦ વચ્ચે નવ વન-મેન શો કર્યા. પણ પ્રત્યેકનો એક વિષય, ફોટો પ્રદર્શનોના ઉદ્દઘાટન નહીં, ઘી-મીણના દીવડા પ્રગટાવવાના નહીં … દરેક પ્રદર્શનનો એક જ કેન્દ્રસ્થ વિષય કેમ? આ પ્રશ્નનો રોકડો જવાબ અિશ્વન મહેતા આપે : હું તસવીરકાર છું. ભજિયાંવાળો નથી કે મિક્સ્ડ પ્લેટ ધરી દઉં.

જાન્યુઆરી, ૨૦૦૦થી પ્રવાસો બંધ કર્યા. કેમેરા વેચી કાઢયા ને ફોટોલીલા આંશિક સંકેલી લીધી. એક મોટી કંપનીના ભીમકાય અનુદાનથી અ.મ.ના ફોટો-સંગ્રહમાંથી તેર શ્રેણીમાં વહેંચાયેલા ૯૧પ ફોટા પસંદ કરી 'હાઇ-રેઝોલ્યુશન સ્કેિનંગ’ કરાવી ચૌદ ડીવીડીમાં સંગ્રહિ‌ત કર્યા. તેનો એક સેટ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય સંગ્રહાલય-દિલ્હીને, એક સેટ પોતાના ફોટો-એજન્ટને અને બે સેટ જુદી જુદી ફોટો-ગેલેરીને આપી, પોતાના જીવતાં જ પોતાનું 'ફોટો-શ્રાદ્ધ’ અિશ્વન મહેતાએ કરી લીધું અિશ્વન મહેતાએ વિરાટની વાટ તો હમણાં પકડી, પણ પોતાનું શ્રાદ્ધ તો વર્ષો પહેલાં પોતે જ કરી લીધું … એ એકલયાત્રી બની જીવી રહ્યા હતા તીથલના સાંઈબાબા રોડના તેમના પ્રકૃતિ પરિસર 'તુલસી’માં .. તમે જઈ ચડો ને તેમની ઈચ્છા ન હોય તો તો તેઓ જ બારણું ખોલી તમને કહી દે : 'તમે આવ્યા તે સારું કર્યું, પણ મને બહુ જામશે નહીં એટલે આપણે નહીં મળીએ, આવજો …’ આ અિશ્વન મહેતાનું ગદ્ય પણ બેનમૂન.

તેઓના શબ્દોમાં તેઓની વાત : 'મારા મુરબ્બી અકબર પદમશીની સલાહને માથે ચડાવી છે, કે કળાકારે મૂંગા મરવું ને કળાકૃતિને બોલવા દેવી … મારી એક મુશ્કેલી છે. જીવનની બારાખડીમાં અધ્યાત્મનો 'અ’ પહેલા આવે છે ને કળાનો 'ક’ પછી …’ ભીતરની ઊંચાઈ એટલી જબરી કે … કહેવું હોય તે સોઇ નહીં, તલવાર ઝાટકીને કહી જ દે … નાનપણથી એમની મહત્ત્વાકાંક્ષા હતી કે શોગાકુકાન મારું પુસ્તક પ્રકાશિત કરે તો દાદુ, આપણે ફોટોગ્રાફી કરી કહેવાય ૧૯૯૬માં આ અવસર આવ્યો.

શોગાકુકાનની ન્યુયોર્ક ઓફિસના જાપાની મેનેજર કામ જોઈ આફરીન થઈ ગયા. તેમણે ટોકિયોને પુછાવ્યું. ટોકિયોને કામ ગમી ગયું, પણ એક શરતે. નામમાંથી એક અક્ષરની અને અટકમાંથી બે અક્ષરની બાદબાકી કરી અિશ્વન મહેતામાંથી 'અસીન માયાટા’ કરવાની શરતે. તરત જ અિશ્વન મહેતાએ જવાબ આપ્યો : 'થેંક્સ સામે વહેતી હડસન નદીમાં બધું પધારાવી દેવાનું હું વધુ પસંદ કરીશ …’ આ અિશ્વન મહેતા તુલસીદળમાં સમાયા, ઘૂઘવતો દરિયો જાણે સમેટાઈને તુલસીક્યારે સમાધિ લગાવી બેસી ગયો. કેમેરાની આંખે નિજ અંત:ચક્ષુઓને માંડવાના છે તો જ વિરાટ વિશ્વદર્શન શક્ય છે. છબિ તો ભીતરની લેવાની છે, ભલે ને કેમેરો બહાર માંડવાનો હોય …'

e.mail : bhadrayu2@gmail.com

સૌજન્ય : ‘સન્નડે પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 અૉગસ્ટ 2014

Loading

...102030...4,0114,0124,0134,014...4,0204,0304,040...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved