Opinion Magazine
Number of visits: 9870870
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી નવલકથા, કવિતા, અને સ્વતંત્રતા સંગ્રામ

દીપક મહેતા|Opinion - Literature|11 August 2014

તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી!
મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી!

આપણા દેશની આઝાદી માટેની લડત પૂર જોશમાં શરૂ થઈ ચૂકી હતી ત્યારે, ૧૯૩૦માં, આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આ શબ્દો ગાયા હતા. મસાણમાં સૂતેલાં મડદાંને પણ જગાડે એવી સુધા જે શબ્દમાં, ‘સ્વતંત્રતા’માં, ભરી હોય તે સર્જક જેવા સંવેદનશીલ જીવને તો અંદર બહારથી હચમચાવી ન મૂકે તો જ નવાઈ. આપણી સ્વતંત્રતા માટેની ચળવળે અને તેના મુખ્ય સારથી ગાંધીજીએ આપણા અનેક લેખકોને ત્રણ-ચાર દાયકા સુધી લખવા માટેની પ્રેરણા આપી છે.

૧૮૫૭માં સ્વાતંત્ર્ય માટેનું પહેલું યુદ્ધ મંડાયું, પણ તે વખતે આપણા મોટા ભાગના લેખકો પર તેની ખાસ કશી અસર થઈ નહોતી. બલકે, કવિ નર્મદ અને દલપતરામ તથા બીજા ઘણા લેખકો એ વખતે બ્રિટીશ રાજવટની તરફદારી કરતા હતા. આનું એક મુખ્ય કારણ એ હતું કે બ્રિટીશોના અગમાન પહેલાંનાં વર્ષોમાં આ દેશમાં પારાવાર અરાજકતા ફેલાઈ હતી. કાયદો અને વ્યવસ્થા જેવું કશું ભાગ્યે જ બચ્યું હતું. બ્રિટીશ સરકારે એ અરાજકતાને દૂર કરી, કાયદો અને વ્યવસ્થાનું સ્થાપન કર્યું. આ સ્થિરતાને કારણે એ લેખકો બ્રિટીશ શાસનના પ્રશંસક બન્યા હતા. પણ તેમાં ય અપવાદો નહોતા એવું નથી.

“નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ કાંતિમાન કરવાની જરૂર છે કે નહિ? આપણા હક્ક આપણને મુખ્તેસર મળે નહિ અને એક નબળા ગુલામની માફક આપણા પર જુલમની ઝોંસરી ભેરવે, ત્યારે આપણે આપણા ખરા હક્કને સારું સ્વતંત્ર ન થવું? આ ઓશિયાળો અવતાર ક્યાં સુધી ભોગવવો? અહા! વહાલી સ્વતંત્રતા! તારા યશ સદા સુખદાયી છે. અને તે સુખના મીઠ્ઠા સાગરમાં અમને રમતા મૂક, કે જેથી અમે અમારી નિસ્તેજ થયેલી યશસ્વી કીર્તિ પાછી સંપાદન કરીએ.”

કહી શકશો, આ શબ્દો ક્યારે લખાયા હશે? ૧૮૮૫માં મુંબઈમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ તેના કરતાં ય પહેલાં, ૧૮૭૮ના જાન્યુઆરીમાં આ શબ્દો લખાયા હતા અને એ છપાયા હતા સુરતથી પ્રગટ થતા ‘સ્વતંત્રતા’ નામના માસિકમાં. અને તે લખનાર હતા ગુજરાતી પત્રકારત્ત્વના એક અગ્રણી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. લેખક અને સામયિક પર અદાલતમાં રાજદ્રોહનો કેસ ચાલ્યો. બચાવપક્ષે વકીલ તરીકે ઊભા રહ્યા હતા સર ફિરોઝશાહ મહેતા. પાંચ મહિના ચાલેલા ખટલાને અંતે બધા આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. આ જ ઈચ્છારામે ૧૮૮૦માં મુંબઈમાં ‘ગુજરાતી’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થઈ તે પછી આ ‘ગુજરાતી’માં સતત કોંગ્રેસ તરફી લખાણો પ્રગટ થતાં રહ્યાં. આમ કરનાર તે વખતે મુંબઈનું એ એકમાત્ર વૃત્તપત્ર હતું. આ જ ઈચ્છારામે ૧૮૮૫માં ‘હિન્દ અને બ્રિટાનિયા’ નામની નવલકથા પુસ્તકાકારે પ્રગટ કરી. માત્ર આપણા દેશનાં જ નહિ, બ્રિટન, યુરપ અને અમેરિકાનાં અખબારો અને સામયિકોએ તેના વિષે લેખો લખ્યા. વાઈસરોય ડફરીનની કાઉન્સિલમાં આ નવલકથાથી રાજદ્રોહનો ગુનો થયો છે કે નહિ તે અંગેની તપાસ શરૂ થઈ. તપાસને અંતે નક્કી કરવામાં આવ્યું કે આ નવલકથાના લખાણથી રાજદ્રોહનો ગુનો બનતો નથી. એ પછી જોતજોતામાં એ નવલકથાની બીજી બે આવૃત્તિ પ્રગટ કરવી પડી એટલી લોકપ્રિયતા તેને મળી.

ઈચ્છારામની જેમ જ બહેરામજી મલબારી પણ એમના જમાના અગ્રણી લેખક, પત્રકાર અને વધુમાં સમાજ સુધારક હતા. બ્રિટીશ સરકારના અધિકારીઓ સાથે જ નહિ, ખુદ શહેનશાહ સાથે પણ મલબારીને સારા સંબધો હતા. અને છતાં તેમના ૧૮૯૮માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘સંસારિકા’ પર પણ રાજદ્રોહનો આરોપ મૂકાયો હતો. કેળવણી ખાતાના અધિકારી મિસ્ટર જાઈલ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું કે ‘સંસારિકા’નાં કાવ્યોમાં મલબારીએ દેશી લોકોને તાજના રાજ વિરુદ્ધ વિદ્રોહ કરવા ઉશ્કેર્યા છે અને તેથી તેમણે રાજદ્રોહનો ગુનો કર્યો છે. પોલીસે મલબારીના છાપખાનાની ઝડતી લીધી. સરકારમાં ચર્ચા ચાલતી રહી, પણ અદાલતમાં કેસ જ મંડાયો નહિ. કારણ લંડનમાં હાઉસ ઓફ લોર્ડ્ઝમાં કેટલાક બ્રિટીશ આગેવાનોએ મલબારીનો જોરદાર બચાવ કર્યો હતો.

પણ સ્વાતંત્ર્યની ભાવના અને તેને માટેની લડતનું સ્પષ્ટ, સ્વચ્છ, અને સચોટ પ્રતિબિંબ ઝીલાતું થયું તે તો ૧૯૩૦ના અરસામાં. એ વર્ષના માર્ચ મહિનાની બારમી તારીખે ગાંધીજીની આગેવાની હેઠળ દાંડી કૂચ શરૂ થઈ અને આખા દેશમાં એક નવી જ ચેતનાનો સંચાર થયો. અને તે જ વર્ષના જુલાઈ મહિનાના અંકથી વિજયરાય વૈદ્ય સંપાદિત ‘કૌમુદી’ માસિકમાં રમણલાલ દેસાઈની ‘દિવ્યચક્ષુ’ નવલકથા હપ્તાવાર પ્રગટ થવા લાગી. એટલે કે હજી લડત ચાલુ હતી તે વખતે જ રમણલાલે આ નવલકથા લખવાનું શરૂ કર્યું હતું.  તેમાં લેખકે સમસામયિક ઘટનાઓ અને વાતાવરણને આલેખવાનો સબળ પ્રયત્ન કર્યો છે. અસહકાર આંદોલનના યુગમાં ગુજરાતના જીવનમાં જે ફેરફાર થયા અને ગુજરાતના યુવાનો પરાક્રમભર્યું જીવન જીવવા લાગ્યા તેને નીરખવાના પોતાના પ્રયાસ રૂપે રમણલાલે ‘દિવ્યચક્ષુ’ને ઓળખાવી છે. અહિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતા નિવારણ, સમાજ સેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રી સ્વાતંત્ર્ય, સભા-સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી અને તોછડાઈ, જેવી એ જમાનાની ઘણી બધી વૃત્તિઓ, પ્રવૃત્તિઓ અને ભાવનાઓને રમણલાલે આ નવલકથામાં પ્રણય કથાની ઓથે અસરકારક રીતે નિરૂપી છે. ‘દિવ્યચક્ષુ’ પૂરી થઈ તે પછી તરત જ રમણલાલની બીજી નવલકથા ‘કૌમુદી’ માસિકમાં છપાવી શરૂ થઈ. આ નવલકથા તે ‘ભારેલો અગ્નિ.’ ૧૮૫૭ની ક્રાંતિનું ખૂબ જ પ્રભાવક ચિત્રણ આ નવલકથામાં તેમણે કેટલાંક ઐતિહાસિક અને કેટલાંક કાલ્પનિક પાત્રો દ્વારા નિરૂપ્યું છે. પોતે નવલકથા લખી રહ્યા છે, ઇતિહાસ લખવા બેઠા નથી, એ વાતનો લેખકને સતત ખ્યાલ રહ્યો છે એટલે ૧૮૫૭ની ક્રાંતિ આખી નવલકથામાં સતત અસરકારક પાર્શ્વભૂમિ તરીકે રહે છે, પણ કથાના રંગમંચ પર આપણી નજર સમક્ષ રહે છે તે તો તેનાં ગૌતમ, મંગલ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યૂસી, અને રુદ્રદત્ત જેવાં પાત્રો અને તેમના જીવનમાંની ઘટનાઓ. નવલકથાનાં બધાં પાત્રો અને પ્રસંગો પર રુદ્રદત્તના પાત્રની છાયા પથરાયેલી રહે છે, અને રુદ્રદત્ત પર સતત ગાંધીજીની છાયા પથરાયેલી રહી છે. આપણા કેટલાક વિવેચકોને આ અંગે લેખક સાથે વાંકુ પડ્યું છે. ગાંધીજીની જેમ જ રુદ્રદત્ત પણ અહિંસાના પ્રખર પૂજારી છે.

કેટલાક વિવેચકોએ કહ્યું કે આવી અહિંસાભાવના એ જમાનામાં શક્ય જ નહોતી. પણ જમાને જમાને કેટલીક વ્યક્તિઓ એવી પાકતી જ હોય છે જે તેમના જમાનાથી ઘણી આગળ હોય. વળી બુદ્ધ અને મહાવીરની ભૂમિમાં અહિંસાની વાત એ માત્ર વીસમી સદીનો જ ઈજારો ન હોઈ શકે. ઐતિહાસિક નવલકથાકારનું એક મુખ્ય કર્તવ્ય જ પોતાના સમયના સંદર્ભમાં ઇતિહાસનું પુનર્લેખન અને પુનર્મૂલ્યાંકન કરી આપવાનું છે. અને ‘ભારેલો અગ્નિ’માં લેખકે આ કામ સફળતાથી અને અસરકાર રીતે કરી આપ્યું છે. પોતાની નવલકથાઓમાં રમણલાલ દેસાઈએ જે સમર્થતાથી ગાંધી યુગનું પ્રતિબિંબ ઝીલ્યું તેને કારણે તેઓ યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાયા હતા. આ ઉપરાંત મનુભાઈ પંચોળી ‘દર્શક’, મોહનલાલ મહેતા ‘સોપાન,’ કૃષ્ણલાલ શ્રીધરાણી, વગેરે લેખકો પાસેથી પણ આપણને આઝાદી માટેની ચળવળને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથાઓ મળી છે. 

પણ નવલકથા કરતાં ય વધુ ઉત્કટતાથી સ્વાતંત્ર્ય ભાવના ઝીલાઈ હોય તો તે આપણી કવિતામાં. ગાંધી યુગનો ભાગ્યે જ કોઈ કવિ એવો હશે જેણે સ્વાતંત્ર્યની લડત વિષે કે ગાંધીજી વિષે એક પણ કાવ્ય લખ્યું ન હોય. ૧૯૩૦થી ૧૯૫૦ સુધીના સમયગાળામાં આ પ્રકારનાં ઢગલાબંધ કાવ્યો આપણી ભાષામાં લખાયાં. પણ તેમાં સૌથી વધુ લાંબો સમય ટકી રહ્યાં હોય તો તે ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યો. મૂળ જીવ લોક જીવન અને લોક સાહિત્યનો. પણ ગાંધીજી, તેમની ચળવળ, અને દેશની ઉજળી આવતી કાલમાં મેઘાણીને પારાવાર આસ્થા. તેમનો ‘યુગવંદના’ કાવ્ય સંગ્રહ તો ૧૯૩૫માં પ્રગટ થયો, પણ તે પહેલાં ૧૯૩૦ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયેલા ‘સિંધુડો’ નામના ૩૦ પાનાંના સંગ્રહમાં જે ૧૬ કાવ્યો હતાં તે લોકોમાં અગ્નિ જ્વાળાની જેમ પ્રસરવા લાગ્યાં. બ્રિટીશ સરકાર ચોંકી ઊઠી અને આ સંગ્રહની બધી નકલો જપ્ત કરી. પણ સરકાર જાગી તે પહેલાં તો તેની દસ હજાર જેટલી નકલો વેચાઈ ચૂકી હતી! એ જ વર્ષે ધંધુકામાં કરેલા એક ભાષણને નિમિત્ત બનાવી સરકારે મેઘાણી પર રાજદ્રોહનો ખટલો માંડ્યો અને મેઘાણીને બે વર્ષની જેલની સજા થઈ. ૧૯૩૦ના એક જ વર્ષમાં મેઘાણીએ લખેલાં કેટલાં કાવ્યો આજ સુધી તાજાં રહ્યાં છે!

‘રાત ઘંટા ચાર વાગે, જરી સૂતાં લોક જાગે,

ઘોડલાના પાય લાગે, શેરીઓ મોઝાર, હણહણે તોખાર’ એ પંક્તિઓથી શરૂ થતું ‘આખરી સંદેશ’ કાવ્ય.

‘રક્ત ટપકતી સો સો ઝોળી, સમરાંગણથી આવે’ એ પંક્તિથી શરૂ થતું ‘કોઈનો લાડકવાયો’.

‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ એ પંક્તિથી શરૂ થતું ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્ય. આ ત્રણે કાવ્યો એક જ વર્ષમાં લખાયાં છે. આ ઉપરાંત ‘ધરતી માગે છે ભોગ’, ‘બીક કોની મા તને?’, ‘મૃત્યુનો ગરબો’, ‘મોતનાં કંકુ-ઘોળણ’, ‘વિદાય’, ‘શૌરવતીના વિલાપ’, ‘સૂના સમદરની પાળે’, અને ‘સ્વતંત્રતાની મીઠાશ’ જેવાં મેઘાણીનાં આજ સુધી લોકહૈયે વસેલાં કાવ્યો પણ આ ‘સિંધુડો’ સંગ્રહમાં જ પ્રગટ થયાં હતાં.

તો ૧૯૩૧માં પ્રગટ થાય છે કાકાસાહેબ કાલેલકરના આશીર્વચન સાથે ઉમાશંકર જોશીનું ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ.’ તેમાં ગાંધીજીના જીવન અને કાર્યને કવિ વધુ વ્યાપક સંદર્ભમાં મૂકી આપતાં કહે છે :

“તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમનાય ના,
અહિંસા, સત્ય ને પ્રેમ થોડાં છે કોઈ એકનાં?”

ગાંધી યુગના બીજા મહત્ત્વના કવિ સુન્દરમ્ ૧૯૩૩માં ‘કોયા ભગતની કડવી વાણી’ નામના કાવ્ય સંગ્રહથી ગુજરાતી કવિતામાં પ્રવેશ કરે છે ત્યારે એમની કવિતા પર સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગાંધીજી કરતાં કાર્લ માર્કસના સામ્યવાદની અસર વધુ જોવા મળે છે. પણ પછીનાં વર્ષોમાં સુન્દરમ્ પણ ગાંધીરંગે રંગાય છે. તો એ જમાનાના ત્રીજા મહત્ત્વના કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી ૧૯૩૪મા ‘કોડિયાં’ કાવ્ય સંગ્રહ લઈને આવ્યા. શ્રીધરાણીએ તો પોતે ૧૯૩૦ની દાંડી કૂચમાં ભાગ લીધેલો અને તે માટે જેલની સજા પણ ભોગવેલી. તે વખતની ગાંધીજીની અને બીજા સ્વાતંત્ર્ય-સૈનિકોની મનોદશા શ્રીધરાણીએ આ શબ્દોમાં આબેહૂબ ઝીલી છે :

“આવવું ન આશ્રમે — મળે નહિ સ્વતંત્રતા!
જંપવું નથી લગીર  — જો નહિ સ્વતંત્રતા!
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા!
જીવવું મર્યા સમાન – ના યદી સ્વતંત્રતા!”

તો ઓછામાં ઓછા શબ્દોમાં શ્રીધરાણી ગાંધીજીનું કેવું આબેહૂબ ચિત્ર દોરે છે! તેઓ કહે છે :

“દાહ ભરી આંખો માતાની, તેનું તું આંસુ ટપક્યું;
બળી રહ્યું અંતરમાં કિન્તુ, સૌ પાસે મીઠું મલક્યું.
મૈયાના ઓ ગાંધી વીર! અર્પું છું હૈયાનાં હીર!”

આ ઉપરાંત એ જમાનાના બીજા મુખ્ય કવિઓ સ્નેહરશ્મિ, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી, કરસનદાસ માણેક, ઇન્દુલાલ ગાંધી, વગેરેએ પણ સ્વાતંત્ર્ય સંગ્રામને લગતાં કાવ્યો આપ્યાં છે. પણ એ વખતે પ્રભાત ફેરીઓમાં અને સભા સરઘસોમાં જો કોઈનાં ગીતો સૌથી વધુ ગવાયાં હોય તો તે હતાં અંધ કવિ હંસરાજનાં. તેમનું ‘પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં’ એ ગીત તો સરકારના વિરોધનું સંઘગાન બની ગયું હતું. તેમની ૧૮ પાનાંની પુસ્તિકા ‘રાષ્ટ્રીય રણગીતો’ પણ તે વખતની સરકારે જપ્ત કરી હતી.   

૧૯૪૭માં આઝાદી તો આવી, પણ કેટલાક મોટા આઘાતો સાથે આવી. એક તો દેશના ભાગલા પડ્યા અને તે પછી થોડા જ મહિનામાં ગાંધીજીની હત્યા થઈ. ‘સ્વરાજ્ય આવ્યું, પણ સુરાજ્ય ક્યાં?’ એવો સવાલ લોકોના મનમાં ઊઠવા લાગ્યો. વિમાસણ અને હતાશા ડોકિયાં કરવા લાગ્યાં. લોકોના આવા મનોભાવોને ઉમાશંકર જોશીએ આબાદ રીતે પોતાના એક કાવ્યમાં ઝીલ્યા છે. તેઓ કહે છે :

“દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?

અહીં આમ તો આ સવાલ કવિએ પોતાની જાતને પૂછ્યો છે. પણ સવાલ એવો છે કે આપણે દરેકે પોતાની જાતને આજે પણ પૂછવો જોઈએ. આવો સવાલ પૂછીને સાચો જવાબ મેળવશું તો જ કવિની સાથે આપણે પણ ગર્વભેર એ જ કાવ્યની છેલ્લી પંક્તિઓ બોલી શકીશું :

“હર એક હિન્દી હિન્દ છે,
હર એક હિન્દી હિંદની છે જિંદગી.
હો હિન્દ સુરભિત ફુલ્લદલ અરવિંદ:
એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.

સૌજન્ય : ‘ફોકસ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 11 અૉગસ્ટ 2014

Loading

એક દુજે કે લિયે !

વલીભાઈ મુસા|Opinion - Short Stories|10 August 2014

મારે તમારા વિષે કંઈક કહેવું છે; આધુનિક શીરી અને ફરહાદ, લયલા અને મજનુ કે પછી રોમિયો અને જુલિયેટ – તમે જે ગણાઓ તે !

પણ, મારા કથનના પ્રારંભ માટે હું થોડોક અવઢવમાં છું, કેમ કે હું હજુ નક્કી નથી કરી શક્યો કે મારે ક્યાંથી શરૂઆત કરવી ? ચાલો, એ તો થઈ રહેશે; પહેલાં હું તમારી ઓળખાણ તો કરાવી દઉં ! તો આ છે, મેકવાન, થોડા સમય પહેલાં જ વાલ્મિક સમાજમાંથી ધર્માંતર કરીને ખ્રિસ્તી બનેલા અને થોડા સમયથી અનામતના હેતુએ દલિત ખ્રિસ્તી તરીકેની ઓળખ પામેલા એવા પ્રભાવશાળી વ્યક્તિત્વ અને તેજસ્વી શૈક્ષણિક કારકીર્દિના સ્વામી; તો  તમારાં શીરી, લયલા કે જુલિયેટ જે ગણો તે છે મંદાકિની; કે જે મૂળે તો ચમાર (ચર્મકાર) સમાજનાં, પણ આત્મગૌરવમાં માનતાં અને રૂઢિગત અછૂતીય સામાજિક વ્યવહારોથી માનસિક રીતે તંગ આવી જતાં તેમનાં માતાપિતા સાથેના માત્ર ત્રણ જ જણના માઇક્રો પરિવારમાંથી એ માત્ર એકલાં જ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યાં છે; જેમાં એમનાં માતાપિતાની મૂક સંમતિ તો છે જ, પરંતુ તેઓ તેમના જીવનની ઢળતી અવસ્થાએ ‘જ્યાં છીએ, ત્યાં બરાબર છીએ’ની ભાવનાએ ઠેરનાં ઠેર જ  છે. મંદાકિની, તમે પણ શૈક્ષણિક કારકીર્દિએ મેકવાનની હરોળમાં ઊભાં રહી શકવા ઉપરાંત તમે સૌંદર્યસ્વામિની પણ છો. વાકપટુતા એ તમને મળેલી નિસર્ગદત નવાજીશ છે, તો વળી તમારા ચહેરા ઉપરની કાંતિ એવી તો પ્રભાવક છે કે તમને જોનાર એકાદ ક્ષણથી વધારે સમય સુધી તમારી આંખ સામે આંખ મેળવી શકે પણ નહિ !     

મેકવાન અને મંદાકિની, તમે અનેકવિધ વિદ્યાશાખાઓ ધરાવતી યુનિવર્સિટીના કદ જેવી એ સેલ્ફ ફાયનાન્સ ગ્રુપ કોલેજમાં ભણી રહ્યાં છો, તે પછાત વર્ગની અનામત બેઠકોના લાભ અને ઊંચી ટકાવારીના કારણે નજીવી ફી ઉપરાંતની સરકારી અને અનેક ખાનગી ટ્રસ્ટોની સ્કોલરશિપોના પ્રતાપે જ, નહિ તો તમારા માટે એટલી બધી તગડી ફી ચૂકવીને અહીં ભણવું એ તો આકાશકુસુમવત્ વાત જ બની રહેત. તમે મેકવાન, એક્ચ્યુઅરિયલ સોસાયટી ઓફ ઇન્ડીઆ(ASI)ની એક્ચ્યુઅરિયલ પ્રોફેશનલ તરીકેની કારકીર્દિ બનાવવા માગો છો, એ ગણતરી સાથે કે તમે સીધી ભરતીથી કાં તો સ્થાનિક કોઈ મોટી ઇન્સ્યોરન્સ કંપનીના સી.ઈ.ઓ. બની શકો અથવા એ વિષયના નિષ્ણાત તરીકે તમે વિદેશની કોઈક મલ્ટિનેશનલ કંપનીમાં પ્રોડક્ટ ડિઝાઈનીંગ કે કોર્પોરેટ પ્લાનીંગના હોદ્દાએ અઢળક આમદનીનો વરસાદ વરસાવી શકો. તો વળી તમે પણ મંદાકિની, ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઈનીંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાના મક્કમ ઈરાદા સાથે મોટા આર્થિક લક્ષાંકની કેડી ઉપર ચાલી રહ્યાં છો. તમે બંને જણ દ્રવ્યોપાર્જનને લક્ષ બનાવીને જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની દોડ લગાવી રહ્યાં છો, તેની પાછળ માત્ર નિજી પેઢીગત વારસામાં આવ્યે જતી દરિદ્રીને ફેડવાનો આશય જ નથી; પણ તમે સદીઓથી કચડાતા આવતા તમારા સમાજના ઉત્કર્ષ માટે અને વતનના ગામ માટે પણ કંઈક કરી છૂટવા માગો છો.

સો ટકા સાક્ષરતા ધરાવતા ઉત્તર ગુજરાતના પ્રગતિશીલ જે ગામની વિવિધ કોમોનાં અનેક યુવકો અને યુવતીઓ જુદીજુદી વિદ્યાશાખાઓમાં ઉચ્ચતમ શિક્ષણ મેળવીને વિદેશોમાં સ્થાયી થઈ રહ્યાં છે; એ જ ગામનાં વતની એવાં તમે, મેકવાન અને મંદાકિની, વિશિષ્ટ ગણાય એવી અભ્યાસકીય વિષયપસંદગીઓ એટલા માટે કરી છે કે તમે ત્વરિત અને આકર્ષક રોજગારી મેળવી શકો અને ઝડપી પદોન્નતિ પણ પ્રાપ્ત કરી શકો. હમવતની, મૂળમાં સમાન પછાતવર્ણીય, વળી હાલમાં ધર્માંતરે સમવૈચારિક, સમાન વિચારધારાઓ, સમાન સ્વપ્નસેવીઓ, સમવયસ્કો અને સમાન વ્યક્તિત્વો એવાં અનેક પરિબળોએ કોલેજ સંકુલમાં તમારે હળવામળવાનું વિશેષ બનાવ્યું છે અને તમે એકબીજાની નજીક તો હતાં જ અને વધુ નજીક આવવા માંડ્યાં છો.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી આ કોલેજમાં વિદેશી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એમની ખુલ્લા માનસની સંસ્કૃિત પ્રમાણે સહજ રીતે વિજાતીય વ્યક્તિઓ સાથે હળતાંમળતાં રહેતાં હોઈ તેમની અસર આપણાં દેશી કોલેજિયનોએ પણ ઝીલી છે. કોલેજ સત્તાવાળાઓએ પણ વિદ્યાર્થીઓના આવા વિજાતીય હળવામળવાના નિયમોને હળવા જ રાખ્યા છે; હા, એટલું ખરું કે વિદ્યાર્થિનીઓ દિવસ દરમિયાન બોયઝ  હોસ્ટેલમાં આવી જઈ શકે, પણ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલમાં કોઈ પણ સમયે ન જઈ શકે. આમ દરરોજ તમારું બંનેનું અવારનવાર મળવું, બંને હોસ્ટેલની સામાન્ય મેસમાં સવારસાંજ સાથે જમવું, કોઈ રવિવારે ચર્ચમાં સાથે પ્રાર્થના કરવા જવું કે પછી કોઈ થિયેટર અથવા સહેલગાહના સ્થળે કે બાગબગીચે ફરવા જવું એ બધું એટલું વધી ગયું હતું કે સૌ કોઈ તમને ‘એક દુજે કે લિયે’ સમજતું હતું.

મેકવાન, હું છેલ્લાં ત્રણેક વર્ષથી હોસ્ટેલમાં તમારો રૂમપાર્ટનર રહ્યો હોઈ આપણી વચ્ચે પણ ગાઢ મિત્રતા પાંગરતી ગઈ અને આપણે પણ એકબીજાનાં હર્ષશોક પરસ્પર વહેંચતા રહ્યા. સૌમ્ય અને મિલનસાર પ્રકૃતિ ધરાવતા, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં સૌને પ્રિય એવા, મેકવાન, તમારું એ દિવસનું સાવ નવું જ રૂપ મને જોવા મળ્યું હતું. એક શનિવારે સાંજે આપણે આપણા રૂમમાં બેઠાબેઠા જોડેના બે રૂમ પાર્ટનરો સાથે ગપસપ કરતા બેઠા હતા, ત્યાં તો ખિન્ન વદને આવેલાં મંદાકિનીએ આવતાં વેંત જ ફરિયાદરૂપે તમને કહ્યું હતું કે, ‘મેકવાન, આજે હું છેલ્લીવાર તારા રૂમ ઉપર આવી છું. આપણે બહાર ગમે ત્યાં મળીશું, પણ અહીં હું ફરી નહિ આવું.’ આમ કહેતાં તમે, મંદાકિની, રડી પડ્યાં હતાં.

કંઈક ગંભીર અંગત વાત હશે તેમ માનીને અમારા બાજુના રૂમ પાર્ટનર સાથે હું પણ બહાર જવા માંડતો હતો; ત્યાં તો તમે, મંદાકિની, મને હાથ પકડીને રોકી પાડતાં કહ્યું હતું, ‘તું તો મારો ધર્મનો ભાઈ છે અને તારાથી ક્શું જ છૂપું ન હોય, બેસ !’

‘શું થયું, મંદા; કંઈ કહેશે કે પછી મને સંતાપ્યે જશે !’ તમે, મેકવાન, સફાળા ઊભા થઈને મંદાકિનીને આલિંગનમાં લેતાં પૂછ્યું હતું.

‘જો મેક, તમે બંને કોઈની સાથે ઝઘડો ન કરો તો કહું !’

‘એમ કશું જ જાણ્યા વગર તો કઈ રીતે એવી ખાત્રી આપી શકું ? તને ખબર તો છે જ કે તારી આંખમાં એક આંસુ લાવનારની હું શી વલે કરી શકું છું!’

મેં પણ કહ્યું હતું, ‘જો બહેના, તને રડાવનારની જે કંઈ વલે કરવાની થશે, તેમાં એકલો મેક નહિ હોય; મારો પણ સાથ હશે ! જલ્દી બોલી નાખ અને આ રૂમ એ અમારું – તારું ઘર સમજ અને ગાંડી તું પોતાના જ ઘરમાં કેમ ન આવી શકે!’

‘જુઓ, તમે બંને જણા આ બાબતમાં બળ વાપરશો તો વાત વણસશે અને મારી-આપણી-કોલેજની બદનામી થશે ! જો કળથી કામ લેવાની ખાત્રી આપો તો કહું, નહિ તો હું આ રૂમ ઉપર આવવાનું જ બંધ કરી દઉં એ જ મારા માટે સરળ માર્ગ છે.’ તમે, મંદાકિની, સ્વસ્થ થતાં કહ્યું હતું.

‘જા, કળ વાપરીશું. બસ, હવે જલ્દી કહી દે અને મને વધારે દુ:ખી કરીશ નહિ !’ તમે, મેકવાન આર્દ્ર સ્વરે બોલ્યા હતા.

પછી તો મંદાકિનીની કેફિયત સાંભળી લીધા પછી તમે, મેકવાન, આટલું જ બોલ્યા હતા, ‘ચિંતા કરીશ નહિ અને એ સમસ્યા શાંતિથી હલ થઈ જશે, બસ ! બીજું સાંભળી લે, આજે સાંજે આપણે એક જ ટેબલ ઉપર રોજની જેમ સાથે જ ડીનર લઈશું. જો તું દૂર ભાગીશ તો એ લોકો સમજશે કે તેઓ કામિયાબ થયા !’

અને એ જ સાંજે જ્યારે આખો ડાઈનીંગ હોલ ભરચક હતો, ત્યારે બર્થડે કે એવી પાર્ટી માટેના સ્ટેજ ઉપર તમે, મેકવાન અને મંદાકિની, એકબીજાના હાથમાં હાથ પકડીને ચઢી ગયાં હતાં અને મેં વાડકી વડે થાળી વગાડીને બધાંનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. થાળી વાગતી બંધ થતાં પીન ડ્રોપ શાંતિ વચ્ચે તમે, મેકવાન, ચહેરા ઉપરની મક્કમતા સાથે મંદાકિનીનો એક હાથ પક્ડીને તેને ઊંચો કરીને બધાંને ઉદ્દેશીને આમ કહ્યું હતું, ‘જુઓ મિત્રો અને આ એક અપવાદ સિવાયની બાકીની બધી બહેનો …’

સૌ ખડખડાટ હસી પડ્યાં હતાં.

મેં ફરી જોરથી થાળી વગાડી ત્યારે બધાં શાંત થઈ જતાં તમે, મેકવાન, આગળ બોલ્યા હતા, “તમે સૌ મનોમન જાણો છો અને અમારી પીઠ પાછળ અમને ‘એક દુજે કે લિયે’ એમ કહો છો પણ છો, એટલે અમે બંને એકબીજાંને મળીએ કે મંદાકિની મને મારા રૂમ ઉપર મળવા આવે તેમાં આ કલ્પેશના અપવાદ સિવાય અન્ય કોઈને વાંધો હોઈ શકે નહિ. આ કલ્પેશનો અપવાદ એટલા માટે કે તેને મંદાકિનીએ પોતાનો ધર્મનો ભાઈ માન્યો છે. હવે કલ્પેશે પણ સ્વીકારી લીધું છે કે હું સમય આવ્યે તેનો ‘જીજાજી’ થવાનો છું એટલે તેને પણ અમારા મળવામાં કોઈ વાંધો હોઈ શકે નહિ. હવે બધાં એકચિત્તે આગળ સાંભળો. આજે સાંજે કેટલાક રાસ્કલ્સે (Rascals) આપણી પ્રતિષ્ઠિત કોલેજને લાંછન લાગે તેવી અનુચિત અને બીભત્સ એવા શબ્દોએ મંદાની માનહાનિ કરી છે. મહિલાઓની છેડતી કરવી એ અપરાધ છે અને મંદાકિની ૧૦૯૧ નંબરથી પોલિસને બોલાવીને એમની ધરપકડ કરાવી શકતી હતી. પરંતુ તેણે સમજદારી વાપરીને અને એમ ન કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ એવી આપણી કોલેજને બદનામીમાંથી ઉગારી લીધી છે. વળી કદાચ એ અનિચ્છનીય માર્ગ તેણે અપનાવ્યો હોત તો મંદાકિનીને કેટલાક મહિનાઓની કોર્ટકાર્યવાહીના અંતે ન્યાય તો મળત, પણ એ વિલંબિત ન્યાય અન્યાય સમાન ગણાત ! એટલે તેને ઝડપી ન્યાય મળી રહે અને માત્ર એટલું જ નહિ પણ તેની કે અન્ય હોસ્ટેલ યા કોલેજની કોઈ બહેનની ભવિષ્યે પણ આવી માનહાનિ ન થાય તે માટેના કાયમી ઈલાજની એક જાહેરાત કરવા હું જઈ રહ્યો છું. મંદાકિનીને શાબ્દિક રીતે અપમાનિત કરનારાઓ તો ખાસ કાન દઈને સાંભળી લે કે તેમને ઓળખી પાડવામાં આવ્યા છે અને અમે કેટલાકે સંગઠિત થઈને આજે સાંજે જ એક એવો માર્ગ અપનાવવાનું વિચારી લીધું છે કે જે અમને અને આપણી કોલેજ માટે શોભાસ્પદ ન હોવા છતાં તેને અમલમાં મૂકવા સિવાયનો અમારી પાસે કોઈ ઈલાજ બચતો નથી. તમે સૌ એ માર્ગ વિષે પૂછો તે પહેલાં જ હું અમારા સાથીઓની વતી હાલ જ જાહેર કરી દઉં છું કે ભવિષ્યે ગમે ત્યારે એ શેતાની તત્ત્વોનાં કોઈ સગાંસંબંધી, કે જેમાં સ્ત્રીઓ પણ ભલે હોય, તેમને મળવા માટે આવશે ત્યારે તેમનું સ્વાગત અમે અમારાં પાટલૂન ગળે વીંટાળીને માતાની કૂખે જન્મ્યા હોઈએ તે સ્થિતિમાં કરીશું, કરીશું અને કરીશું જ.’

આમ કહીને, મેકવાન અને મંદાકિની, તમે સ્ટેજ ઉપરથી ઝડપભેર નીચે ઊતરી ગયાં હતાં અને ડાઈનીંગ હોલમાં સોપો પડી ગયો હતો.

એ દિવસે સૌ કોલેજિયનોને, મેકવાન, તમારું અનન્ય રૂપ જોવા મળ્યું હતું. 


(તા.૦૭.૦૮.૨૦૧૪)


ઈ.મેઈલ – musawilliam@gmail.com

Loading

ઇલા કાવ્યો : ભગિનીપ્રેમનું ઉપનિષદ

દીપક મહેતા|Opinion - Literature|10 August 2014


ઇલા ! સ્મરે છે અહીં એક વેળા
આ ચોતરે આપણ બે રમેલાં;
દાદાજી વાતો કરતા નિરાંતે,
વહેલા જમીને અહીં રોજ રાતે.

આ પંક્તિઓથી શરૂ થતું ‘કલ્યાણ’ નામનું કાવ્ય જે કાવ્યસંગ્રહમાં પ્રગટ થયું હતું તે ‘ઇલા કાવ્યો’ ન વાંચ્યો કે જોયો હોય છતાં આ કાવ્યથી પૂરેપૂરા પરિચિત હોય એવા ઘણા બધા વયઃશ્રેષ્ઠીઓ આજે પણ ઘણા બધા જોવા મળશે. કારણ કેટલાં ય વર્ષો સુધી ચંદ્રવદન મહેતાનું આ કાવ્ય પાઠ્ય પુસ્તકોના એક અનિવાર્ય ભાગ જેવું બની ગયું હતું. આપણાં લોકગીતોમાં અને લોક કથાઓમાં ભાઈ-બહેનના સંબંધો અંગેનાં ઘણાં કાવ્યો અને કથા કાવ્યો જોવા મળે, પણ ઓગણીસમી સદીથી શરૂ થયેલા અર્વાચીન યુગના સાહિત્યમાં આજ સુધીમાં ભાઈ-બહેનના સંબંધ વિષે પ્રમાણમાં ઓછું લખાયું છે. તેમાં એક અપવાદ હોય તો ચંદ્રવદન મહેતાનો કાવ્ય સંગ્રહ ‘ઇલા કાવ્યો.’ બે-ત્રણ કાવ્યોને બાદ કરતાં તેમાંનાં બધાં કાવ્યોના કેન્દ્રમાં ભાઈ-બહેનનો સંબંધ રહ્યો છે. ૧૯૩૩માં પ્રગટ થયેલી આ પુસ્તકની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈ કહે છે : “મારી જીવંત મૂર્તિ ઇલાએ મારા જીવનમાં સજીવન કરેલા સંસ્કારના બદલામાં આ સંગ્રહના રૂપમાં વળતર – એનું તે શું પ્રમાણ? બહેનના એ નિર્મળ પવિત્ર નિઃસ્વાર્થ ભાવનો આ કેટલો નિર્બળ પડઘો! એને દીધેલા સંતાપ, એને ચીડવવાના કરેલા પાપનું આ કેટલું નિર્જીવ પ્રાયશ્ચિત્ત! … પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે એક સ્મારક.”

અહી ‘સ્મારક’ શબ્દ નોંધ્યો? ભાઈ-બહેનના સંબંધનાં કાવ્યો ઇલા કાવ્યોમાં છે, પણ તેમાંનાં ઘણાખરાં બહેનના અવસાન પછી લખાયેલાં છે. એટલે વિશાદ, અવસાદ એ આ કાવ્યોનો મુખ્ય સૂર છે. કવિ ભૂતકાળનાં સ્મરણો વાગોળે છે તેમાં આનંદ-ઉલ્લાસ, મજાક-મશ્કરી, રિસામણાં-મનામણાં એ બધું છે જરૂર, પણ છેવટે સંભળાય છે તે તો કવિનો દઝાડતો નિઃશ્વાસ – તે હિ નો દિવસાઃ ગતાઃ. સંગ્રહનું પહેલું કાવ્ય છે ‘અર્પણ.’ તેની પહેલી બે પંક્તિઓ જુઓ :

પ્રિયમ્ – અહહ! નામ એ ન ઉચ્ચરાય હાવાં પૂરું,
અને હૃદયમાં ભર્યું પૂરણ, ઓસરે ના જરી.

પહેલી પંક્તિમાં બહેનનું નામ પણ પૂરું નથી ઉચ્ચારી શકતા કવિ, નામ બોલતાં ગળે ડૂમો બાઝે છે, કંઠ રૂંધાય છે. હૈયે તો સદાનું જડાયેલું છે એ નામ, પણ હોઠે નથી લાવી શકતા કવિ. પણ પોતાના શોક પર કાબૂ મેળવી શ્લોકની રચના ન કરી શકે તો એ કવિ શાનો? ચૌદ પંક્તિના સોનેટની છેલ્લી પંક્તિ સુધી પહોંચતાંમાં કવિ જાત પર અંકુશ મેળવી લે છે, અને કહે છે :

‘છો તૂટે ઉર પ્રિયંવદા! ઓ ઈલા!’

ચન્દ્રવદન મહેતાનો જન્મ ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે. ‘ઇલા કાવ્યો’ સંગ્રહ પ્રગટ થયો ૧૯૩૩માં. એટલે કે એ વખતે કવિની ઉંમર માંડ બત્રીસ વર્ષની. અને બહેનનું અવસાન તો તે પહેલાં થઈ ચૂક્યું છે. એટલે અહીં જે કાવ્યો સંગ્રહાયાં છે તેમાંનાં ઘણાંમાં કિશોર અવસ્થાના ભાવ, પ્રસંગ, વિચાર, તરંગ જોવા મળે છે. ‘દેવબાલ’ નામના કાવ્યમાં કવિ કહે છે :

ઇલા! કદિ હોત હું દેવબાલ!
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડી દાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે.

આવું, સપના જેવું, બાળપણ શું વીતી જશે? શું ક્યારેક મૃત્યુ પણ સામે આવીને ઊભું રહેશે? ‘ઓળખ’ નામના કાવ્યના આરંભે કવિ કહે છે :

કેવો મજેનો સુખી બાલ્યકાળ!
આ મસ્તી, તોફાન, જવું નિશાળ;
ઇલા! થશે શું અતિ દિવ્ય એવું
નિર્દોષ આ જીવન સ્વપ્ન જેવું?

અહીં મોટા ભાગનાં કાવ્યો ભાઈની બહેનને સંબોધીને થતી વાત રૂપે રજૂ થયાં છે, પણ ક્યારેક બહેનની ઉક્તિ રૂપે પણ જોવા મળે છે. જેમ કે :

આજે મને એક થઈ છ હોંશ,
તે ભાઈ તારો નકી જોઉં જોશ;
જન્મોત્રી તારી અહીં લાવ વારુ,
એમાં ગણીને કહું ભાવી તારું.

‘જન્મોત્રી’ નામના આ કાવ્યમાં પછી તો બહેન મજાકમાં આમ પણ કહે છે :

એથી મને જો કંઈ દાન થાય,
તો નક્કી આજે ગ્રહ શાંતિ થાય.

ગાંધી યુગના આપણા બે કવિઓ સુન્દરમ (૧૯૦૮) અને ઉમાશંકર (જન્મ ૧૯૧૧) કરતાં ઉંમરમાં અને કાવ્યલેખનની બાબતમાં પણ ચંદ્રવદન થોડાક આગળ. સુન્દરમને સહજ (ઉમાશંકરને કદાચ નહિ) એવી નિખાલસતાથી તેમણે શકવર્તી ગણાયેલા ગ્રંથ ‘અર્વાચીન કવિતા’માં કહ્યું છે : “જ્યારે ચંદ્રવદન મહેતાએ ‘યમલ’માં પૃથ્વી છંદનો ચોટદાર પ્રયોગ કર્યો ત્યારે સુંદરમને એ છંદનું જ્ઞાન ન હતું, અને સુન્દરમે જ્યારે ઠીક ઠીક કાબૂથી એ છંદ વાપરવા માંડ્યો ત્યારે ઉમાશંકર જોશી એ ‘પ્રભુત્વ’થી આશ્ચર્યમુગ્ધ થઈને પોતાની એવા છંદ લખવાની અશક્તિથી દિલગીર થયા હતા.” અલબત્ત, પછીથી કવિતા નહિ, પણ નાટક એ ચંદ્રવદનભાઈ માટે અભિવ્યક્તિનું મુખ્ય માધ્યમ બની રહ્યું. સુંદર, સ્વચ્છ, સુઘડ પુસ્તકોનું પ્રકાશન આપણી ભાષામાં છેલ્લાં વીસેક વર્ષમાં જ થવા લાગ્યું એવો ભ્રમ જેમને હોય તેમણે ઇલા કાવ્યોની ૧૯૩૩ની પહેલી આવૃત્તિની નકલ મળે તો જોવી. દરેક પાને કનુ દેસાઈનાં સુંદર રેખાંકનો સાથેની એ આવૃત્તિમાં સાદગીનો વૈભવ છે અને વૈભવની સાદગી છે.

ગાંધી યુગના આપણા બે લેખકો પૂરેપૂરા આખાબોલા અને કડવાબોલા. તેને કારણે વિવેચકો અને અભ્યાસીઓ તરફથી તેમને ખાસ્સું વેઠવું પડ્યું. તેમાંના એક ચંદ્રવદન, અને બીજા મનસુખલાલ ઝવેરી. એટલે ઇલા કાવ્યોને માથે પણ કેટલાકે પસ્તાળ પાડેલી. કોઈ કહે કે આ ઇલા સાચી છે કે ખોટી? કોઈ પૂછે કે ઇલા એક છે કે એક કરતાં વધારે? કોઈએ તો ત્યાં સુધી પણ કહી નાખ્યું કે આ કાવ્યોમાં ભાઈ-બહેનના પ્રેમની નહિ, સ્ત્રી-પુરુષના પ્રેમની ગંધ આવે છે. સંગ્રહની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈએ લખ્યું હતું : “ઇલા કલ્પિત નથી; જીવંત વ્યક્તિ છે. ઘણાના જીવનમાં ઘણી વ્યક્તિઓ વણાએલી હોય છે, એમ એ મારા જીવનમાં વણાએલી છે. વળી ઇલા એક નથી, ત્રણ છે. ત્રણમાંની બે મને મૂકીને ચાલી ગઈ.” છતાં, કવિની વાત માને તો એ વિવેચક શાના? જે ત્રણ વ્યક્તિઓને એકરૂપ કરીને કવિએ ‘ઇલા’ નામ આપ્યું છે તે ત્રણે વ્યક્તિઓને અંગત રીતે ઓળખનાર એક વયોવૃદ્ધ સાક્ષરે જાહેરમાં લખ્યું કે ઇલા કાલ્પનિક વ્યક્તિ છે. એટલે પછી ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં ત્રણ વ્યક્તિઓનાં નામ ચન્દ્રવદનભાઈએ જાહેર કર્યાં. હકીકતમાં કાવ્ય કૃતિનું સર્જન થઈ જાય તે પછી વાસ્તવિકતાની ભૂમિ સાથેનો તેનો સંબંધ જ કપાઈ જાય છે – જેમ બાળકનો માતા સાથેનો નાળ-સંબંધ જન્મ પછી કપાઈ જાય છે તેમ. એટલે ઇલા વાસ્તવિક કે કાલ્પનિક, ઇલા એક છે કે ત્રણ, ઇલામાં બહેન નજરે પડે છે કે પછી … આવા સવાલો જ અસ્થાને છે. એક-બે દાખલાથી વાત સ્પષ્ટ થશે. પહેલી પત્નીના અવસાન પછી રામનારાયણ વિ. પાઠકે એક અદ્દભુત હૃદયસ્પર્શી સોનેટ લખ્યું – ‘ધમાલ ન કરો, જરી ન નેણ ભીનાં થશો’ એ પંક્તિથી શરૂ થતું. થોડા વખત પછી તેમણે બીજું લગ્ન કર્યું. પણ તેથી કાંઈ પેલા કાવ્યની હૃદયસ્પર્શીતા ઓછી થતી નથી. પરદેશી નાગરિક હોવાને કારણે અમદાવાદ છોડવું પડે એવી શક્યતા ઊભી થઈ ત્યારે આદિલ મન્સૂરીએ ‘નદીની રેતમાં રમતું નગર’વાળી કૃતિ રચી. થોડાં વર્ષો પછી તેઓ સ્વેચ્છાએ ભારત છોડી અમેરિકાવાસી થયા. પણ તેથી કાંઈ પેલી ગઝલનું દર્દ ઓછું થતું નથી.

આપણી કવિતામાં – અને ગદ્ય લખાણોમાં પણ – જે સંબંધની વાત ઘણી ઓછી થઈ છે તે ભાઈ-બહેનના સંબંધને ઉજાગર કરતાં આ કાવ્યો આજ સુધી અનોખાં રહ્યાં છે. ઇલા કાવ્યો એટલે રક્ષા બંધનને દિવસે તો અચૂક યાદ કરવા જેવું ભગિની-પ્રેમનું ઉપનિષદ.       

સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 10 અૉગસ્ટ 2014

Loading

...102030...4,0094,0104,0114,012...4,0204,0304,040...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved