Opinion Magazine
Number of visits: 9772935
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોને કહીશું આજે ‘ક્વિટ ઈન્ડિયા’?

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|9 August 2014

– કોને કહીશું આજે 'ક્વિટ ઈન્ડિયા’?

– ૯ ઓગસ્ટ; કદી સ્વાધીનતા આવે – વિનંતી, ભાઈ છાની : અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની

ક્વિટ ઈન્ડિયા … યુસુફ મહેરઅલીને સૂઝી રહેલા આ બે શબ્દો કેમ જાણે સ્વરાજસંગ્રામનો મંત્ર બની રહ્યા, અને સન બયાલીસ બિલકુલ સન સુડતાલીસની નાન્હી ઘટના સરખું સંઘષવર્ષ બની રહ્યું. કૃતજ્ઞ રાષ્ટ્ર આજે નવમી ઓગસ્ટે એ સૌ કુરબાનીઓને સંભારશે જેને કારણે આપણે છીએ. ગુજરાત આંગણે મહાનગર અમદાવાદમાં વિનોદ કિનારીવાલાનું થાનક એવા જ એક પ્રેણાર્તીથ શું ખડું છે – રાષ્ટ્રીય શાયર મેઘાણીની એ યાદગાર અમર પંક્તિઓ સાથે કે 'કદી સ્વાધીનતા આવે – વિનંતી, ભાઈ છાની : અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની’

જુલાઈમાં વસન્ત-રજબની શહાદત સંભારવાનું બને છે, ઓગસ્ટમાં કિનારીવાલા વગેરેને. જે એક વાત, આવે વખતે, કર્ણબધિર સૂત્રોચ્ચારો સાથે આપણા ખયાલમાં ઝટ કદાચ નથી આવતી તે એ છે કે આ સૌનાં બલિદાનો કોઈ સ્વપ્નરંગી ક્ષણાવેશ શી બીના નહોતી અને નથી. એક સમગ્ર ચિત્ર વસન્ત-રજબ, વિનોદ વગેરે સામે પોતપોતાની સમજ પ્રમાણે હતું. એ સ્વરાજસમણું હતું, એક એવા સ્વરાજનું જેમાં સૌહાર્દ તેમ સમતા પણ હોય.

નાતજાત કોમધરમ મજહબની સાંકડી ઓળખમાં નહીં ગંઠાતા સમાજ આખાની એક સમતાલક્ષી કલ્પના એ હતી. ત્યારે પ્રચલિત પ્રયોગ ખપમાં લઈને કહીએ તો દેશની તરુણાઈના ખાસા હિ‌સ્સાને લોકશાહી સમાજવાદ ઈષ્ટ હતો. તમે જુઓ કે સ્વરાજ આડે અઠવાડિયું પણ નહોતું અને કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકવા કોણ આવે એ પ્રશ્નનો ઉત્તર ગુજરાતના ત્યારના તરુણ નેતૃત્વને જયપ્રકાશમાં જડયો હતો જે કોંગ્રેસ સમાજવાદી પક્ષના લગભગ પર્યાયપુરુષ હતા.

બે વડા સાથીઓ અને સુભટો, નેહરુ અને પટેલ, જ્યારે સરકારસ્થ થયા ત્યારે કોંગ્રેસનું પ્રમુખપદ કોને સોંપવું એ સવાલનો ગાંધીને જડેલો જવાબ જયપ્રકાશનો હતો. જો કે, સ્થાપિત કોંગ્રેસ નેતૃત્વને એ નામ ગ્રાહ્ય નહોતું, જેમ ગુજરાતના વડીલ કોંગ્રેસજનોને ખાંભી સંદર્ભે પણ એ સ્વીકાર્ય નહોતું. પરંતુ, ગુજરાતના તરુણ નેતૃત્વે એ વાનું ગણકાર્યું નહીં અને તે જયપ્રકાશને નિમંત્રીને જ જંપ્યું. આ એ જ જયપ્રકાશ દિવસોમાં 'જરૂર પડે તો હાઈજેક કરીને પણ લાવો’ એવો આ બધું સંભારવાનો ધક્કો કોઈ પલપલ ઇતિહાસે ભરી બારમાસી કંદરામાં ભમવાભટકવાનો નથી; પણ સ્વરાજનિર્માણની સમાજવાદ કહેતાં આર્થિ‌ક-સામાજિક ન્યાયના વ્યાપક સંદર્ભમાં જે આર્થિ‌ક-સામાજિક કાર્યક્રમનો તકાજો આ દિવસોમાં પૂર્વે કદાપિ નહીં એ હદે સામે આવ્યો છે એની સમજને ધાર કાઢવાનો અને સંકલ્પને ઊંજવામાંજવાનો છે.

નરેન્દ્ર જ્યારે ચૂપેન્દ્ર નહોતા એ ગાળામાં બહુ ગાજેલો પ્રયોગ 'ગુજરાત મોડલ’નો હતો. વિકાસ શેનું નામ એવા કોઈ સાક્ષાત્કારક ચમત્કાર પેઠે સતત ઊછાળાતો રહેલો એ પ્રયોગ હતો અને છે. આ મોડલને જેટલો પ્રચારલાભ મળ્યો છે એટલો તપાસલાભ કદાચ નથી મળ્યો.

પણ સંક્ષેપમાં એટલું જ કહેવું બસ થશે કે એમાં વૃદ્ધિદરનો નિરતિશય મહિ‌મા છે. વૃદ્ધિ ઉચકાય એટલે વિષમતા જાય એવી એક દંતકહેણીએ મચેલો જે વિશ્વહંગામો એની જ એ ગુજરાત આવૃત્તિ છે. માત્ર, વિષમતા નિર્મૂલન અને સહભાગી વિકાસને 'વૃદ્ધિ’ ઉપરાંતની સારસંભાળ જોઈએ છે અને એ એક ન્યારો અગ્રતાવિવેક માગી લે છે એવી કોઈ જરૂરત પ્રચારશોર વચાળે ભાગ્યે જ કોઈના ખયાલમાં આવતી હશે. આમ લખતીકહેતી વખતે અલબત્ત એ વાનું તો ખયાલમાં જ હોય કે મૂડીવાદ અને સમાજવાદની કોઈ એક પરંપરાગત વ્યાખ્યા કે એમને વિશે કોઈ ચાલુ સમજ યથાવત્ નથી.

પણ જો મેળાપી મૂડીવાદની કળ ન વળે અને વૃદ્ધિ જ વૃદ્ધિ એવી મૂર્છા ન ઊતરે – સમતાલક્ષી સહભાગિતાનો ઇતિહાસબોધ ન પકડાયમપાય તો મળ્યું જણાતું સ્વરાજ અને જડયો કહેવાતો વિકલ્પ બેઉ ખાલી ખાલી ખખડવા લાગે. વડાપ્રધાને રાષ્ટ્રપતિના અભિભાષણ સબબ લોકસભામાં મૌનભંગ કીધો ત્યારે એક વાત માર્કાની કહી કે વિકાસ શા માટે જનઆંદોલનની જેમ ન ચાલે. ચાલે ભાઈ, ચાલે; જરૂર ચાલી જ શકે.

પણ મહુવા જનઆંદોલનની પરત્વે ગુજરાત મોડલ જે રીતે પેશ આવ્યું એમાં આ ગુંજાશ નથી તે નથી. જગદીશ ભગવતી અને અરવિંદ પાટનગરિયા તો શું અમત્ર્ય સેન પણ એક તબક્કે બજારદેવતા સમક્ષ અટકી જાય છે. વસંત, રજબ, વિનોદ તો શું જયપ્રકાશ પણ કોઈ અર્થશાસ્ત્રી નહોતા. પણ સ્વતંત્રતા હો કે વિકાસ, સમતા ને સહભાગિતા વગર તે ગંઠાયેલા અને મોચવાયેલા છે એટલો એક બુનિયાદી સમજ અને તેને સારુ જલતું જિગર એ તો સુવાંગ એમનાં અને એમનાં જ હતાં.

જો ભાજપના સત્તાકીમિયામાં આ મુદ્દાનો સમાસ નથી તો રાહુલને બદલે પ્રિયંકા અગર તો રાહુલપ્રિયંકાની જુગલબંદી એ પણ જવાબ નથી … અને મેનકા ગાંધીના વરુણ બલૂન વિશે તો શું કહેવું. રાષ્ટ્રવાદ અને વિકાસને એકબીજાના પર્યાયરૂપે પ્રયોજતાં ગર્જનતર્જનથી કોઈ પ્રજાવર્ગને મૂઠ વાગી શકે, કોઈ પ્રજાવર્ગને એની મોહની પણ લાગી શકે, પણ સમતાલક્ષી કહી શકાય એવો તો શેકયો પાપડ પણ ન ભાંગી શકે. જે રાજનીતિ લોકસભાનાં પરિણામો પછી ઉત્તરપ્રદેશમાં છસો જેટલાં કોમી તનાવકિસ્સાને હવા અને ખાણદાણ આપી શકે છે અને પેટાચૂંટણીઓમાં એનો પ્રભાવ પાડવા ઈચ્છે છે એને જ કાં 'ક્વિટ ઈન્ડિયા’ ન કહીએ?

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 09 અૉગસ્ટ 2014

Loading

થીજી ગયેલા સાહિ‌ત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી

ગુણવંત શાહ|Opinion - Opinion|8 August 2014

થીજી ગયેલા કોઈ અતિ વિદ્વાન સાહિ‌ત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી. વિચારકેન્દ્રી બેઠકોમાં લોકરંજન ન હોય તે યોગ્ય છે, પરંતુ એમાં વક્તા તરફથી ઠલવાતાં ક્લષ્ટિ વાક્યોનો આતંકવાદ પણ અક્ષમ્ય ગણાવો જોઈએ. વિવેચકોને પણ નિર્જીવ અને દુર્બોધ લખાણો કે પ્રવચનો માથે મારવાનો અધિકાર નથી.

કોઈ માને કે ન માને, પરંતુ કવિતા બે પ્રકારની હોય છે : જીવતી કવિતા અને મરેલી કવિતા. જીવતી કવિતા એટલે એવી કવિતા, જે વાચનારને ઝંકૃત કરે. મરેલી કવિતા એટલે એવી કવિતા, જે વાંચનારને ઊર્મિ‌ની એક લહેરખી પણ ન પહોંચાડે. મરેલી કવિતાને ગુજરાતી પાઠયપુસ્તકોમાં સહેલાઈથી સ્થાન મળે છે. એ જ વાત મરેલા ગદ્યને પણ લાગુ પડે છે. પાઠયપુસ્તકની રચનામાં નિર્જીવ સાહિ‌ત્યકાર હોવું, એ પૂર્વશરત ગણાય.

આ તર્ક આગળ ચલાવીએ તો સાહિ‌ત્યકારો પણ બે પ્રકારના હોય છે : ચેતનવંતા અને થીજી ગયેલા. કેટલાક સાહિ‌ત્યકારો તો બ. ક. ઠાકોર સુધી આવીને ત્યાં જ અટકી ગયા છે. આવા કેટલાક સાહિ‌ત્યકારોનું વિશ્વદર્શન ગુજરાતની સરહદ વટાવી શકતું નથી.

ઉમદા અપવાદો જરૂર છે. આ વાત ન સમજાય તો ગુજરાતી સાહિ‌ત્ય પરિષદના અધિવેશનમાં જઈ પહોંચવું તા. ૨૧-૧૨-૨૦૦૭ને દિવસે ગાંધીનગરમાં પરિષદનું ૪૪મું અધિવેશન અતિથિવિશેષ તરીકે મારા પ્રવચનથી શરૂ થયેલું. ત્યાં યજમાન હતા સહસ્ત્રબાહુ એવા કૃષ્ણકાંત જહા. તેઓ યોગ્ય રીતે વક્તાને જાળવી જાણે છે. આદરણીય મોરારિબાપુની કથામાં સૌથી મહત્ત્વનું સ્થાન કોનું? બાપુ સિવાય બીજા કોનું? કોઈ પણ પ્રવચનમાં મુખ્ય વક્તા કરતાં ય મહત્ત્વનું સ્થાન અન્ય કોઈનું ન જ હોઈ શકે. જે આયોજકો આટલું ય ન સમજે, તેઓ પોતાના માનવસંબંધો જાળવવા માટે વક્તાને વાપરે છે અને મંચ પર ૬-૭ ખુરસીઓ અન્ય (ખપ લાગે તેવા) અર્ધ મૂર્ખો માટે ગોઠવે છે.

થીજી ગયેલા સાહિ‌ત્યકારોને આ વાત ન ખૂંચે કારણ કે તેઓ ત્યાં કોઈ પણ જાતના પુરસ્કાર વિના પહેરેલે કપડે થોડાક વહેલા ગોઠવાઈ ગયા હોય છે. સસ્તું ભાડું અને સાહિ‌ત્યજગતની યાત્રા ગાંધીનગરના અધિવેશનમાં જતી વખતે મનોમન સંકલ્પ કર્યો હતો કે બધી જ બેઠકોમાં બધો સમય બેસવું અને જ્ઞાનવૃદ્ધિ કરવી. બીજે દિવસે એક બેઠક બે કલાક ચાલી તેમાં પ્રથમ વક્તાએ જ પ્રથમ કલાક (પ્લસ) વેડફી માર્યો. વચ્ચે વચ્ચે એ ગુનેગાર વિદ્વાને અધ્યક્ષને કહ્યું : 'સમય થાય ત્યારે મને રોકજો.’ બીજા બે વક્તાઓની આંખોમાં ખીલે બાંધેલી ગાયની આંખોમાં હોય એવી લાચારી હતી. અધ્યક્ષ બે વાર બોલ્યા, પ્રારંભે અને અંતે. ટૂંકમાં પેલા બે દયનીય-માનનીય-શ્રવણીય વક્તાઓને ભાગે ૧૦-૧૦ મિનિટ માંડ આવી પ્રથમ ગુનેગાર વક્તાનું પ્રવચન લંબાયે ગયું, લંબાયે ગયું અને કંટાળાના વેરાન રણમાં જઇને લુપ્ત થયું બેઠકના (ગુનેગાર) અધ્યક્ષ અવિદ્વાન ન હતા, પરંતુ સામે ટેબલ પર પડેલી ઘડિયાળના પ્રખર શત્રુ હતા.

સભામાં કેટલાં ય યુવક-યુવતીઓ બેઠાં હતાં. તેઓને મારે ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરવી છે : આવા થીજી ગયેલા કોઈ અતિ વિદ્વાન સાહિ‌ત્યકારનું પ્રવચન વેઠવાનું ફરજિયાત નથી. વિચારકેન્દ્રી બેઠકોમાં લોકરંજન ન હોય તે યોગ્ય છે, પરંતુ એમાં વક્તા તરફથી ઠલવાતાં ક્લષ્ટિ વાક્યોનો આતંકવાદ પણ અક્ષમ્ય ગણાવો જોઈએ. વિવેચકોને પણ નિર્જીવ અને દુર્બોધ લખાણો કે પ્રવચનો માથે મારવાનો અધિકાર નથી. જો તમને ક્યાંક સ્મિતથી શોભતો અને છિદ્રાન્વેષણની પરપીડનવૃત્તિથી મુક્ત એવા મહાન વિવેચક મળી જાય તો એમને વંદન કરજો. આ તક વારંવાર નહીં મળે. ચીમળાઈ ગયેલી પર્સનાલિટી ધરાવનાર વિવેચક લોકોને શા માટે ગમે? અંગત અનુભવ કહું? મારા પર વાચકો અને ભાવકો(fans)ના પત્રો અને ટેલિફોન આવે તેમાં સૌથી મોટો હિ‌સ્સો સૌરાષ્ટ્રનો જ કેમ હોય છે? મને આ પ્રશ્નનો જવાબ જડયો છે.

સૌરાષ્ટ્રના લોકો પ્રમાણમાં વધારે responsive (પ્રતિસાદપ્રિય) છે કારણ કે સૌરાષ્ટ્ર ખરા અર્થમાં 'હૃદયપ્રદેશ’ છે. આવો હૃદયપ્રદેશ દુનિયામાં કદાચ એક જ છે : સ્કોટલેન્ડ. સૌરાષ્ટ્ર તરફથી આપણને 'જીવતા’ કવિઓ મળ્યા : કલાપી, મેઘાણી, બોટાદકર, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, અનિલ જોષી, જવાહર બક્ષી (જૂનાગઢના મૂળ) વિનોદ જોશી ઇત્યાદિ ઇત્યાદિ. સૌરાષ્ટ્રની ધરતીના કણકણમાં પડેલી સહજ સહૃદયતા અને અઢળક ઊર્મિ‌શીલતાનો હું કેટલો મોટો પ્રશંસક છું એનો ખરો ખ્યાલ કેવળ મને જ છે. મેઘાણીભાઈ બીજે ક્યાં પાકે? કલાપી ૨૬ વર્ષની ઉંમરે ગયા બાકી તો …

આવું લખતી વખતે મારું મન એકાએક વારાણસી પહોંચી ગયું ત્યાંના સાહિ‌ત્યકાર સદ્દગત ભારતેન્દુ હરિશ્ચંદ્ર ૩૪ વર્ષની નાની ઉંમરે ૧૮૮પમાં મૃત્યુ પામ્યા. તેઓ નાની ઉંમરે પણ ગદ્યમાં, પદ્યમાં અને નાટયલેખનમાં અમૂલ્ય વારસો છોડતા ગયા. તેઓ બ્રાહ્મણ નહીં અગ્રવાલ વણિક હતા. (આ ચોખવટ એટલા માટે કરવી પડી કે એમની અટક બ્રાહ્મણની હોય એવી છાપ પડે છે.) વર્ષો પહેલાં એમણે માતૃભાષાની હિ‌માયત માટે એક કવિતા લખી હતી. કેવું પીડાકારક? બરાબર યાદ છે. આપણા પ્રિય હાસ્ય અભિનેતા જ્હોની વોકરે એક વાર ટીવી પર કહેલું : 'અબ સમાચારમેં હિ‌ન્દી સુનીએ.’ માતૃભાષાના પ્રચાર માટે પણ ગુજરાતમાં વંદનાયાત્રા કાઢવી પડે અંગ્રેજી તો ભણવું જ જોઈએ. હા, ગુજરાતીઓ સામે પ્રશ્ન એટલો જ કે 'ચામડી કરતાં ય વસ્ત્રનું મહત્ત્વ વધારે? હવે ભારતેન્દુ હરિશ્ચંદ્રની ૧૨૯ વર્ષ પહેલાં લખાયેલી પંક્તિઓનો અનુવાદ હિંમત હોય તો પાંચ ઊંડા શ્વાસ લઇને વાંચો :

પ્રગતિ પોતાની માતૃભાષામાં રહેલી છે.
બધી પ્રગતિનો પાયો માતૃભાષા છે.
તમારી પોતાની ભાષા
જાણ્યા વિના તો
હૃદયની પીડાનો કોઇ ઉપાય નથી.

(સબા નક્વીએ કરેલા અંગ્રેજી અનુવાદનો ગુજરાતી અનુવાદ)

માતૃભાષાના માધ્યમની અને ઉત્તમ કક્ષાના અંગ્રેજીની વકીલાત કરતો કરતો સ્મિત જાળવીને જીવતો હોઉં ત્યારે એક એવી આબોહવા ગુજરાતમાં તૈયાર થવાની છે, જેમાં પ્રાઇવેટ અને મોંઘીદાટ સ્કૂલોમાં પણ ગણિત અને વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં ભણાવાશે અને બાકીના બધા વિષયો માતૃભાષામાં ભણાવાશે. આવું સમાધાન જરૂરી છે. માનશો? પ્રાઇવેટ ભવ્ય નિશાળોમાં ગુજરાતી પણ ગુજરાતીમાં ભણાવાશે. લોકો સિન્થેટિક અને નિર્જીવ માધ્યમથી કંટાળશે. કંટાળામાં ક્રાંતિ આણવાની અપાર શક્યતા પડેલી છે. માણસ જ્યારે જ્યારે કંટાળે છે ત્યારે ત્યારે વિચારે છે અને ખૂબ કંટાળે ત્યારે ખૂબ વિચારે છે.

અખબારોની કોલમો પણ એ પ્રકારની હોય છે : જીવતી અને નિર્જીવ. ચંદ્રકાંત બક્ષીની કોલમ 'જીવતી’ કોલમના નમૂના જેવી હતી. તેઓ ઘરે દીકરી રિવા સાથે મળવા આવ્યા ત્યારે મીઠાઈનું મોટું બોક્સ લઇને આવેલા. ઝાંપા આગળ ઊભા રહીને મને કહ્યું : 'બોસ, આપણે બે જ વંચાઈએ છીએ’ મેં કહ્યું : 'બક્ષીબાબુ આવું તમે બીજા કોઈ લેખકને પણ કહ્યું નથી ને?’ અંગ્રેજીમાં જે કોલમ લેખકો મને ગમે તેની યાદી ટૂંકી છે : વિનોદ મહેતા, સબા નકવી, મરિયાના બાબર (પાકિસ્તાન), નિરજા ચૌધરી અને તવલીન સિંઘ. ખુશવંત સિંઘ મને ખૂબ ગમતા કારણ કે એમનાં લખાણોમાં મને નિખાલસતાના ફુવારાનો અનુભવ થતો. તેઓ સત્યવાદી ન હતા, નિખાલસતાવાદી જરૂર હતા.

વિનોદ મહેતાની શૈલીમાં એક મજેનું તુફાન જોવા મળે છે. તંત્રી પોતે જ પોતાને, 'સોનિયા ગાંધીનો ચમચો’ કહીને ફજેત કરે? એમણે સાચી વાત કહેવામાં સોનિયાજીની શરમ નથી રાખી એ પણ નોંધવું જોઈએ. વિનોદ મહેતા પોતે જ પોતાની જાતને 'સ્યૂડો સેક્યુલર’ કહીને ભાંડી શકે છે. વળી અંગત વાત કરવામાં કોઈ જ સંકોચ નહીં પ્રથમ પુરુષ એક વચનમાં લખવું એ જો ગુનો હોય, તો મહાત્મા ગાંધીની 'આત્મકથા’ પર પ્રતિબંધ મૂકવો પડે. મહાત્મા ગાંધીના ગદ્યમાં 'હું, મને, મારું’ કેટલી વાર આવે? જે મહાત્મા પોતાની જાતને પ્રજા સમક્ષ ખુલ્લી કરવા માગે તે બીજું શું કરે? શું જે સાહિ‌ત્યકારો 'અમે’ લખે કે પ્રથમ પુરુષ એકવચનથી ગભરાઈને બચતા રહે, તે બધા સાવ અહંકારમુક્ત થઈ જાય કે? મહાત્માની 'આત્મકથા’ તો આત્મવિકાસની વાર્તા છે. ખુશવંત સિંહ ઊઘડતા રહ્યા, ઊઘડતા રહ્યા અને લોકોનાં હૃદય સુધી પહોંચ્યા.

વિનોદ મહેતા તો પોતાના પાળેલા કૂતરા વિષે પણ “Outlook”માં નિરાંતે લખે છે. કૂતરાનું નામ શું? ‘Editor’ !થીજી ગયેલા સાહિ‌ત્યકારોને આવી નિખાલસતા કદી પોસાય ખરી? એક સામયિકના તંત્રી ગણતરીપૂર્વક એર્વોડ સમારંભ ગોઠવે અને એમાં ગુજરાતી સાહિ‌ત્યકારોને પણ બોલાવે. એક જણે એમને પૂછ્યું : 'ફલાણા સાહિ‌ત્યકાર તમારું આમંત્રણ સ્વીકારીને દૂરથી આવશે ખરા? તંત્રીએ કહ્યું : 'હમણાં જ એક ફોન કરું, તો તેઓ ચંપલ પહેર્યા વિના અહીં વડોદરા દોડી આવે. બોલો ફોન કરું?’ મારે વારંવાર એક જ વાત કહેવી છે. સાહિ‌ત્યકારોને સસ્તા થવાનો અધિકાર નથી. સાહિ‌ત્યકારને લવ-અફેરની માવજત કરવાનો અધિકાર છે, પરંતુ કોઈ નારીની મુગ્ધતાનો ગેરલાભ લેવાનો અધિકાર નથી. સાહિ‌ત્યકારને તગડો પુરસ્કાર લેવાનો અને પૂરતી સગવડ સાથે પ્રવચન કરવા માટે પ્રવાસ કરવાનો અધિકાર છે, પરંતુ પૂરતી તૈયારી કર્યા વિના, લઘરવઘર વસ્ત્રોમાં સભાસ્થળે જઈને ત્યાં ઉદારતાની ઉઘરાણી માટે યજમાનની ખોટી પ્રશંસા કરવાનો અધિકાર નથી. થીજી ગયેલા સાહિ‌ત્યકારોના પ્રવચનથી બચવું એ સુજ્ઞ શ્રોતાઓનો કર્ણસિદ્ધ અધિકાર છે. ગુજરાતીઓ ક્યારે જાગશે?’

પાઘડીનો વળ છેડે

વિનોદ મહેતાએ છેલ્લા અંકમાં છેલ્લે પાને જે 'દિલ્હી ડાયરી’ લખી તેમાં પ્રથમ આઠ લીટીમાં જ (માત્ર) પાંચ વાર ‘I’ આવે છે. પ્લીઝ ચેક. એ ‘I’ કોઇને ન કઠે તેવો નિર્મળ છે.

(“Outlook”, ૨૧ July ૨૦૧૪, પાન-૭૪)

Blog:http://gunvantshah.wordpress.com

સૌજન્ય : ‘સન્નડે પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 અૉગસ્ટ 2014

Loading

આષાઢી બપ્પોર

'ભભાઈ' ભરત પાઠક|Poetry|8 August 2014

આષાઢી બપ્પોર

સ્યુગર લેન્ડ ગામના તળાવ મહીં ઝિલાતી,
આષાઢી નોમની બળતી બપ્પોર મને એવી તો વ્હાલી, સઇ, લાગી,
કે રૂ જેવાં વાદળાં આકાશી નીલમાં સરતાં ભાળીને
મારી સાંભરણ ગામ ભણી ભાગી.

“સૂમસામ બપ્પોરે દોડતી’તી સાઇકલ, ડામરમાં તરતા તડકાઓ,
ગરમાળો, ગુલમહોર ખીલવે ને ખેરવે કંઈક નવી જૂની કથાઓ”
આજ સૂરજ ભણીના ગાલ પરની બળબળ
મને ગામથી આવી હો એવી લાગી !
અલી, રૂ જેવા વાદળાં આકાશી નીલમાં ફરતા ભાળીને
મારે તંન જૂની આશાઢો જાગી.

“આજે જે તાપ છે તે કાલ ઘામ કહેવાશે, વાદળાં વધુ ને વધુ ઘેરાશે,
પરસેવો તડકામાં સૂકાશે નહીં, એ તો વરસે પછી જ તો ધોવાશે…”
એવી એવી કંઈક વાતોના ભણકારા અહીંની હવામાં ય વાગે,
અને રૂ જેવા વાદળાં આકાશી નીલમાં તરતા ભાળીને સઇ
મંન મારું વીતેલું તાગે.

વીત્યા ઉનાળા ને વીત્યા એ તાપની ઝરમર વણથોભ એમ ચાલતી,
જેમ ભીંજાતી આંખોની સામે તળાવમાં બત્તક ને કાચબીઓ મ્હાલતી;
આજ, રૂ જેવા વાદળાં ચાળતી બ્પ્પોરમાં એવું તો વ્હાલ, સઇ, વાધ્યું
કે આકાશી નીલને ઝીલતાં તળાવોનું
સ્યુગર લેન્ડ નામનું એક નવું ધામ મને લાધ્યું.

સ્યુગર લેન્ડ, ટેક્સાસ, યુ.એસ.એ., જુલાઈ ૨૦૦૯ 

[૨૦૧૩માં પ્રકાશિત તેમના પદ્યસંગ્રહ “ચાલ, ચાલ, ચાલ…”માંથી ]

e.mail : bhabhai@hotmail.com

Loading

...102030...3,9883,9893,9903,991...4,0004,0104,020...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved