Opinion Magazine
Number of visits: 9456722
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કમખાને આભલે

પ્રીતમ લખલાણી|Poetry|14 October 2024

ઓસરીમાં બેસંતા કમખાને આભલે મેં દીઠું જ્યાં એવું કંઈ રૂપ …..

ખેતરને શેઢેથી આવતાં ને જાતા હવે કેમ કરી રહેવાશે ચૂપ?

ફળિયામાં મોગરાની ડાળ પરે ટહૂક્યાં કંઈ ફૂલોના મ્હેકભીના મોર

મનના પતંગિયાના ઊડતા ઉમંગ જોઇ હસતી મુજ ઓઢણીની કોર ..

મ્હેંકે છે અંગ અંગ શ્વાસશ્વાસ આજ અહીં થઈને ચંદનનો ધૂપ …..

ઓસરીમાં બેસંતા કમખાને આભલ મેં દીઠું જ્યાં એવું રે રૂપ …….

મારી તે ઝંખનાના દર્પણ શા ઘોરિયે વ્હેતાં લીલેરા ભીંના શેઢા

ઇચ્છાના ઊડતા વિહંગ જાણે આંગળીમાં મ્હેંદી મૂકેલ રાતા વેઢાં!

પાંપણની વચ્ચેથી સપનાં ઊડ્યાં ને કોરું ભીતર હો ઝાકળસ્વરૂપ ….

ઓસરીમાં બેસંતા કમખાને આભલે મેં દીઠું જ્યાં એવું રે રૂપ…..

65 Falcon Drive, west Henrietta, NY 14586 (USA)
e.mail : preetam.lakhlani@gmail.com

Loading

રણમાં રેલ ને ભૂખમરાની રેલમછેલ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 October 2024

તને મેં ઝંખી છે –

યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

                                                          – સુન્દરમ્

રવીન્દ્ર પારેખ

આ દોઢ પંક્તિમાં પ્રેમીની ઉત્કટ ઝંખના એ રીતે વ્યક્ત થાય છે કે તે યુગોથી ધીખેલા સહરાની તરસથી પ્રેમિકાને ચાહે છે. હું પણ એટલી જ ઉત્કટતાથી આ કાવ્ય ભણાવતો હતો, પણ તેનાં પર પાણી ફરી વળ્યું છે. રણમાં રેલ આવે? તમે કહેશો કે ન આવે, પણ આવી ને તે નાનાં મોટાં રણમાં નહીં, સહરાનાં રણમાં ! હવે રણ જ ભીનું હોય તો પ્રેમી તરસ્યો ક્યાંથી રહે? રણ વિષેની મારી ધારણા જ ખોટી પડી હોય ત્યાં પ્રેમ વિશે તો ધારવાનું જ શું રહ્યું? જો કે, પત્નીને પ્રેમ સાથે ભાગ્યે જ બને છે એટલે એને વિષે ધારવામાં વાંધો નહીં. (બીજાની હોય તો ખાસ) પત્નીનું અદકેરું મૂલ્ય છે. તમે નહીં માનો, પણ હું સાચું કહું છું. પત્ની છે તો પતિ પતે છે, નહીં તો પતવાનું તેને કારણ જ કયું છે? તમે પત્નીનું મૂલ્ય જાણવા પાછા પુરાવા માંગશો, તો દાખલો આપું –

એક ગામમાં એક યુવક રહેતો હતો. બધી વાતે, ખાસ તો પત્નીની વાતે પણ, સુખી હતો ને બીજાને સગવડ પ્રમાણે દુ:ખી કરતો રહેતો હતો. સારો ધંધો હતો ને માબાપ, ભાઈ-બહેન સાથે રહેતો હતો, પણ ઉપરવાળાથી કોઈનું સુખ બહુ જોવાતું નથી એટલે તે પાર્ટ ટાઈમ દુ:ખ બધાંને જ આપતો રહે છે. આ યુવક પણ લાગમાં આવ્યો ને એક દિવસ તેનો એકનો એક બાપ એકાએક જ ગુજરી ગયો. યુવકને માથે તો આભ તૂટી પડ્યું. ગામનાં વડીલો તેને મળવા આવ્યા ને યુવકને આશ્વસ્ત કરતાં બોલ્યાં કે દીકરા, આમ દુ:ખી ન થા. બાપ ગયો તો શું થયું, અમે પણ તારા બાપ જેવા જ છીએને ! અમને બાપ માનજે. યુવકે મન મનાવ્યું ને ધંધે લાગ્યો. થોડા દિવસમાં બૂમ પડી કે બહેનને સાપ કરડયો છે. યુવક ઘરે પહોંચ્યો તો બહેનનાં મોઢામાંથી ફીણ નીકળી ગયાં હતાં. બહેનનાં અણધાર્યાં મોતથી યુવક બહુ દુ:ખી થયો. ગામની થોડી યુવતીઓ આવી ને બોલી કે ભાઈ, બનવા કાળ બની ગયું ને કુદરત આગળ કોનું કૈં ચાલ્યું છે? બહેન નથી તો અમને બહેન ગણજે. દુ:ખનું ઓસડ દા’ડા એ ન્યાયે યુવક જેમ તેમ સ્વસ્થ થયો. વરસેક ગયું ને એક દિવસ પત્ની હાર્ટ એટેકથી ગુજરી ગઈ. યુવકે બહુ રાહ જોઈ, પણ આટલી મહિલાઓ છતાં કોઈ કહેવા ન આવી કે અમને તારી …

હવે તો સમજાયુંને પત્નીનું મહત્ત્વ ! જો કે, રાવણને સમજાયું ન હતું. મંદોદરી જેવી સુંદર રાણી હતી, પણ રાવણ સીતાના મોહમાં ખેંચાયો હતો, છતાં અશોકવાટિકામાં તેણે આંગળી ય અડાડી ન હતી. તે બળજબરી કરી શકતો હતો, પણ તેણે તેવું ન કર્યું. તે મહાજ્ઞાની ને પંડિત હતો. રાવણ યુદ્ધમાં હણાયો ત્યારે રામ, લક્ષ્મણને જ્ઞાન લેવા રાવણની પાસે મોકલે છે ને આપણે દશેરાએ રાવણ દહનનો કાર્યક્રમ કરીએ છીએ. આ દહન રાવણનું નથી, અહંકારનું છે. મનુષ્ય માત્રમાં રહેલા અહંકારનું દહન થવું જોઈએ, પણ આપણે તો અહંકાર સામે જ હોય એમ તેનું જ દહન કરીએ છીએ !

આ વખતના દશેરામાં જાહેર દહન કે હવન થાય એવી તકો ઓછી જ હતી, તે એટલે કે વરને સાદ ન પડે એટલો વરસાદ, નોરતાના છેલ્લા દિવસોમાં આવ્યો ને વરસાદને કારણે માઇક ચાલતાં ન હતાં એટલે આરતી કે થાળ કેટલાકે જેમ તેમ ગાયો. આરતીમાં જ થાળ ભળી ગયો હોય તેમ ઘણાં ‘જયો જયો મા જગદંબે !’ ગાતાં હતાં કે ‘જમો જમો મા જગદંબે !’ તે સમજાતું ન હતું. દશેરો પણ પલળતો ને પલાળતો આવ્યો. આષાઢમાં ન આવે એટલો વરસાદ આસોમાં આવ્યો. નોરતાના ઓરતા ઘણાંના અધૂરા રહ્યા. માતાજીને તો વદા કર્યાં, પણ રાવણ દહન હવાઈ ગયું. કુંભકર્ણ ઊંઘમાં વળી ગયો કે વરસાદમાં કે આપણાં પર હસતો હતો તેથી, પણ બેવડ વળી ગયો હતો, તો મેઘનાદ, મેઘના નાદ સાથે વગર દહને જ પટકાયો હતો. રાવણના દસ દસ માથાં, વરસાદમાં કયું ઢાંકવું ને કયું રહેવા દેવું એની પંચાત હતી. ક્યાંક તો રાવણે રેઇનકોટ પહેરીને જ દહનની તૈયારીઓ કરી લીધી હતી. એટલો પલળ્યો કે રાવણ ઘણી જગ્યાએ ઇન્સ્ટોલમેન્ટ્સમાં ફૂટ્યો. ક્યાંક તો એટલો વરસાદ પડ્યો કે રાવણનું દહન કરવું કે જળમાં વિસર્જન કરવું તેની સમસ્યા થઈ પડી. પેટની જરા પણ દયા ખાધા વગર હવાયેલાં તો હવાયેલાં પણ કરોડોનાં ફાફડા-જલેબી દશેરામાં ઘણાં એ હોજરીમાં ઠાંસ્યાં. પછી ઘણાંને મોડે સુધી હવાઈઓ ફૂટી હોય તો નવાઈ નહીં !

હવે જ્યાં આટલું ખવાતું હોય, કરોડોની ઘારી ચંદની પડવે માત્ર સુરત જ ઝાપટી જતું હોય ત્યાં ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’માં ભારતનો નંબર 127 દેશોમાં 105મો બતાવાય તો ગધેડાને ય તાવ આવે કે નહીં? આવ્યો. તેમાં આશ્વાસન એવું અપાયું કે ગયે વર્ષે એ ક્રમ 111મો હતો, તે 105 પર આવ્યો છે. આવો ક્રમ, ચક્રમ નક્કી કરે છે કે વિક્રમ, તે ખબર નથી, પણ એ નમૂનાઓ છે કોણ તે નથી સમજાતું. ભારતમાં ભૂખમરો છે કે સુખમરો, એ નક્કી કરવાનો હક તેમને આપ્યો કોણે? ચાલો 105મો ક્રમ આપ્યો તો ધૂળ નાખી, ઉપરથી આપણો જીવ બાળવા એ નમૂનાઓ કહેતાં ફરે છે કે એ ઇન્ડેક્સમાં અનુક્રમે નેપાળ 68, શ્રીલંકા 56 અને બાંગ્લાદેશ 86માં નંબરે છે. એટલું સારું કર્યું કે પાકિસ્તાનને 109માં નંબરે મૂક્યું. આવું નક્કી કરવામાં કોઇ લૉજિક મને તો દેખાતું નથી. એમ કહેવાયું કે હંગર ઇન્ડેક્સમાં નેપાળ, શ્રીલંકા કે બાંગ્લાદેશ, ભારત કરતાં આગળ છે, તે હોય જ ને ! એ દેશો છે કેટલા? છાબડી જેવા એ દેશો પોતાના લોકોને ખવડાવે એમાં કૈં ધાડ મારવાની નથી. ત્રણે દેશો ભેગા કરો તો ભારતને ઘૂંટણીયે આવે એમ પણ નથી. એ ગમે એટલા આગળ હોય તો પણ ભારતની 142 કરોડની વસ્તીને આંબી શકે એમ છે? એ ભૂખ્યા ઇન્ડેક્સને ખબર છે કે બીજા દેશની વસ્તી જેટલા 81.35 કરોડ લોકોને કોરોના કાળથી ભારત મફત અનાજ આપે છે ને છેલ્લી જાહેરાત મુજબ 2028 સુધી ભૂલ્યા વગર મફત ખવડાવવાનું છે?

ગુજરાતનાં ગાંધીનગરમાં, માત્ર આસો સુદ નોમને દિવસે રૂપાલના પલ્લી મેળામાં 25 કરોડથી વધુનું સવા ચાર લાખ કિલો ઘી 14 લાખથી વધુ ભક્તો ધૂળમાં મેળવી દે છે, એ લકઝરી, હંગર ઇન્ડેક્સને પરવડે એમ છે? તિરૂપતિમાં રોજના ત્રણ લાખ લાડુ પ્રસાદમાં જ વેચાય છે એ હંગર ઇન્ડેક્સ નક્કી કરનાર સાહેબો જાણે છે? અરે ! મધ્યાહ્ન ભોજન યોજનામાં રોજ લાખો બાળકો સ્કૂલોમાં ભણે કે ન ભણે, પણ જમે છે. આવો જમણવાર કોઈ દેશ રોજ કરી શકે એમ છે? કોઈ દેશમાં વર્ષો સુધી ચાલતી મફત અનાજની આવી સદાવ્રતની યોજના છે? તો, ભારતમાં ભૂખમરો છે એવું કેવી રીતે કહેવાય? આપણે તો રેલ હોય કે દુકાળ, રેલમછેલમાં જ માનીએ છીએ.

મારા બૂટમાં કાંકરી હોય તો મને ખૂંચે ને તે મારે જ કાઢવી પડે, એ કોઈ બીજો કેવી રીતે કાઢે? આપણને આપણી કાંકરીની પરવા નથી, પણ પારકાને એવું છે કે એ કાંકરી કાઢવાનું ને કાંકરીચાળો કરવાનું જાણે છે. એને ચિંતા નથી, પણ એટલી જાણકારી છે કે કાંકરી ન હોય તો ય લલચાવીને આપણી પાસે નવા બૂટ લેવડાવે ને આપણે એટલા ઇન્ટેલિજન્ટ પણ ખરા કે તે લઈએ પણ ખરા …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઑક્ટોબર 2024

Loading

હું કહું તેમ કરો

નીતા રામૈયા|Poetry|13 October 2024

આપણાં પ્રથમ અને પ્રખર નારીવાદી કવિ નીતા રામૈયાને અલવિદા ! સ્મૃતિ સલામ !

°

હું કહું તેમ કરો

ક્યારે ય નહીં તો આજે તો કરો

વધુ નહીં તો ખાલી આ પાના ઉપર

તમારી આંખની ધારે ધાર કાઢતા આ શબ્દોને

વાંચ્યા પછી

હું કહું તેમ કરો.

ક્યારે ય નહીં તો આજે આ પાના ઉપર

ડાકણનું પુંલિંગ કરો

ડાકઘર આસપાસ હોય તો ભલે રહ્યું

કણ એક માટે પરસેવો પાડો પણ

ગમે તેમ કરીને ડાકણનું પુંલિંગ કરો

એક લાજવાબ ઘર વિશે જવાબ આપો : વેશ્યાઘર

તે સ્ત્રીનું ઘર કે પુરુષનું ઘર કે બંનેનું ઘર કાયદાનાં થોથાં ઉથલાવવાનું માંડી વાળો

વેશ્યા જો સ્ત્રી હોય તો તેની પાસે જનાર પુરુષને કોઈ નામ આપો

દામ આપીને કામ પતાવતા આ કામ–પંથીઓ માટે

આ કરવા જેવું કામ છે

ગૃહિણી અને ગૃહપતિનું કાર્યક્ષેત્ર નક્કી કરો છાપું વાંચ્યા પછી ચાના પ્યાલામાં વાવાઝોડું જોતા પુરુષને

કૂકરમાં ભેગી થતી વરાળનું રહસ્ય સમજાવો અને સમજાવો તેને કે સ્ત્રીનું મગજ ક્યારેક ક્યારેક કૂકર જેવું બની જાય

જો હૈયાની વરાળ ઠાલવવા જેવું પાત્ર તેને ન મળે તો

આ પાત્ર એટલે કેવું પાત્ર તેની વ્યાખ્યા આપો

પુરુષનું મંગળ ઇચ્છતી સ્ત્રી

તેના નામનું સૂત્ર ગળે વીંટતી હોય તો

સ્ત્રીનું મંગળ ઇચ્છતા પુરુષના ગળામાં કયું સૂત્ર શોભે તેની સવિસ્તર ચર્ચા કરીને બંધબેસતો ઉત્તર આપો

ક્યારે ય નહીં

તો આજે તો આટલું કરો

વધુ નહીં તો ખાલી આ પાના ઉપર.

***

સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...391392393394...400410420...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved