Opinion Magazine
Number of visits: 9664844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓળખાણ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|13 February 2025

સંતુ નાના ગામમાં મોટી થઈ હતી. રૂઢિચુસ્ત ગામ અને ગામમાં માન્યતા એવી હતી કે દીકરીઓને ભણાવાય નહીં. દીકરીઓને ભણીને શું કામ છે. દીકરીઓને ક્યાં ક્યાં ય કમાવા જવાનું છે? એટલે સંતુને ભણવાનો મોકો મળ્યો નહોતો. જ્યારે ગગજી ચાર ચોપડી ભણી બાપા સાથે ખેતીનાં કામે લાગી ગયો હતો. ખેતી બહુ મોટી નહોતી એટલે ભાગિયા રાખવા પોસાય એમ નહોતા એટલે બાપાને મદદ કરવા અભ્યાસ છોડી ખેતી કરવા લાગ્યો હતો. સંતુને પોતે ભણી શકી નહોતી, તેનો અફસોસ હતો, એટલે દીકરા ગોપુને ખૂબ ભણાવી મોટો ઓફિસર બનાવવાની ઈચ્છા હતી.

“સાંભળો છો.” “હા, બોલ.” “આપણે ગોપુને ખૂબ ભણાવવો છે. હું ન ભણી શકી. તમે પણ ચાર ચોપડી ભણ્યા. આપણું તો ગાડું જેમ તેમ કરીને ગબડી ગયું પણ ગોપુને મારે ખેતી નથી કરાવવી.” “અરે! ગાંડી, આપણી એટલી હેસિયત ક્યાં છે કે ગોપુને શહેરમાં ભણવા મોકલી શકીએ. મારી ઈચ્છા તો તેને મારી સાથે ખેતીમાં કામે લગાડવાની છે એટલે એક મજૂરનાં પૈસા બચી જાય.” 

“ના, હો! મારે તો ભણાવવો છે. આપણે વધારે કામ કરીશું. હું પણ તમને મદદ કરીશ. મને કચ્છીભરત, સારું આવડે છે અને બધાને પસંદ પડે છે, એટલે એ કામ કરી હું તમને મદદ કરીશ. એમ કરીને ગોપુનો ભણવાનો ખર્ચ કાઢી લેશું. થોડી કરકસર કરીશું. મારે તો આગળ ભણવા માટે શહેરમાં મોકલવો છે.” “જેવી તારી ઈચ્છા.”

સંતુ અને ગગજી ખૂબ મહેનત કરવા લાગ્યા ને ગોપુને અભ્યાસમાં અને શહેરમાં રહેવાની કોઈ આર્થિક તકલીફ ન પડે એટલે પોતાની જરૂરિયાત ઓછી કરી કરકસરથી રહેતા હતા. શરૂ શરૂમાં ગોપુ વેકેશનમાં, રજામાં ઘરે આવતો જેથી ખર્ચમાં બચાવ થાય અને ગગજીને ખેતીમાં મદદ પણ કરતો. સંતુ અને ગગજી બંને ખૂબ ખુશ હતા.

ઘણા સમયથી ગોપુ ઘરે આવ્યો નહોતો અને કાંઈ ખબર પણ નહોતા. સંતુને ચિંતા થવા લાગી. “તમે ગોપુ પાસે આંટો મારી આવોને, મને ચિંતા થાય છે. હું તમને ગોપુને ભાવતો નાસ્તો બનાવી આપું.” “મારે અહીં ઘણું કામ છે ગોપુ અભ્યાસને લીધે નહીં આવ્યો હોય.” “ભલે તમે ગમે તે કહો મારું મન નથી માનતું તમે જાવ તો સારું.” “ભલે તારું મન કહે તેમ હું ગોપુ પાસે જઈ આવું.” સંતુએ ગોપુને ભાવતો નાસ્તો બનાવ્યો ગગજીને તાકીદ કરી કે ગોપુને નાસ્તો તમારા હાથે ખવરાવજો અને પૂછજો તારી માએ કેવો નાસ્તો બનાવ્યો છે? પૂછજો હો, દીકરાને વહાલ કરવામાં ભૂલી ન જતા.”

ગગજી ગોપુને મળવા શહેર જવા નીકળી ગયો. સંતુ ઘરમાં એકલી પડીને ભાવિ સપનાંમાં સરી પડી કે મારો ગોપુ મોટો ઓફિસર બની જશે પછી હું આ ખેતીનું કામ નહીં કરું અને ગગજીને પણ નહીં કરવા દઉં. દીકરાને ભણાવવા માટે આ તનને તોડી નાખ્યું છે, હવે સુખનાં દાડા આવે એટલે સુખ ભોગવી લેવાનું. મહેનત, મજૂરીમાં પોણી જિંદગી ખર્ચી નાખી છે. પછી તો ગોપુ માટે મોટા મોટા ઘરનાં માગા આવશે પણ હું એમ જલદી મારા ગોપુ માટે કન્યાની પસંદગી નહીં કરું. કન્યા પણ ગોપુની સાથે શોભે એવી હોવી જોઈએ. હવે અમારું ઘર પણ પાંચમાં પૂછાતું થઈ જશે! આમ સંતુ, ગગજી આવ્યો ત્યાં સુધી સપનામાં વિહરતી રહી, રાચતી રહી.

ગગજી પાસે ગોપુએ આપેલું સરનામું હતું એટલે હોસ્ટેલને શોધતા બહુ વાર ન લાગી. ઓફીસમાં ગોપુનો રુમ નંબર પૂછી ગગજી રુમ પાસે પહોંચી અંદર ડોકિયું કર્યું. ગોપુ પાંચ–સાત મિત્રો પાસે બેઠો હતો, ગગજીને જોઈને કહ્યું “બહાર બેસો હમણાં આવું છું.” ગગજી રુમ બહાર બાંકડા ઉપર બેઠો. “ગોપુ, કોણ આવ્યું છે?” “મારા ગામનાં મારા બાપનાં ઓળખીતા છે.” “શું કામ આવ્યા છે?” “ખબર નથી?” “ગોપુ તારા બાપા તો નથી ને?” “ના, રે! ના.” “તો તારા બાપાએ આવા લઘરવઘર ગામડિયાંને શું કામ તને મળવા મોકલ્યો?” ગગજીએ આ વાત સાંભળી અને સમજી ગયો કે ગોપુએ મારી ઓળખાણ બાપા તરીકે નહીં પણ ગામનાં બાપાના ઓળખીતા તરીકે આપી છે. ખૂબ ગુસ્સો આવ્યો. અંદર જઈને બે ધોલ મારીને કહેવાનું મન થયું કે હું તારા બાપનો ઓળખીતો ગામડિયો નહીં ખુદ તારો બાપ છું. પછી વિચાર્યું કે ખુદ દીકરો જ જો મારી સાચી ઓળખાણ આપવા માગતો ન હોય તો બીજા ક્યાંથી ઓળખશે. અમારા સંસ્કારમાં ક્યાં કચાશ રહી ગઈ, લાગે છે. નહીંતર આવું ન બને. ગગજીનું મન ખાટું થઈ ગયું હતું.

ગગજી ગોપુને મળ્યા વગર ઊભો થયો અને સડેડાટ દોડી બસ સ્ટેન્ડે પહોંચી ગામ જતી બસમાં બેસી ગયો. બસમાં વિચારતો હતો કે સંતુને શું જવાબ આપીશ, નાસ્તા વિશે, ગોપુ વિશે, અને અભ્યાસ વિશે પૂછશે તો? આ બધાં સવાલના જવાબ મારી પાસે ક્યાં છે. આ ગડમથલ અને વિચારમાં ગામ ક્યારે આવી ગયું ખબર ન પડી.

ગામના પાદરે ઉતરી લીમડાનાં થડે બેસી વિચારતો હતો ત્યાં મહાદેવનાં મંદિરનાં ઘંટનો અવાજ સંભળાયો, વિચાર્યું, ચાલ મહાદેવને પૂછું કે અમારી ગોપુ માટેની તપસ્યાનું આવું ફળ કેમ મળ્યું? અમારા ઉછેરમાં શું ભૂલ થઈ? સંતુનાં સપનાંનાં વાવેતરમાં કાંટા કેમ ઉગ્યા? મહાદેવને ફરિયાદ કરી પગથિયા ઉતરતા ઉતરતા ગગજીની નજર લાઈનમાં બેઠેલા ભિક્ષુકો ઉપર પડી અને તેને સંતુએ ગોપુ માટે આપેલા નાસ્તાનું શું કરવું એ રસ્તો સુજી ગયો. ગગજીએ બધો નાસ્તો ભિક્ષુકોમાં વહેંચી દીધો. ભિક્ષુકોને સંતુએ ગોપુ માટે બનાવેલો નાસ્તો ખાતા જોઈને મન તૃપ્ત થઈ ગયું.

“આવી ગયા? કેમ છે મારા ગોપુ ને? નાસ્તો ભાવ્યો ને? ગોપુને નાસ્તો ભાવ્યો જ હોય. માના હાથનો નાસ્તો કોને ન ભાવે. તબિયત સારી છે ને?” “અરે! અરે! મને શ્વાસ તો લેવા દે.” ગગજીએ સંતુને નિરાંત થાય એવી વાત કરી પણ સાચી વાત ન કરી. ગગજી સંતુનો ભ્રમ અને ગોપુ ઉપરનો વિશ્વાસ તોડવા નહોતો માગતો, બસ આમ જ “બાંધી મુઠ્ઠી લાખની” રાખવા માગતો હતો.

સંતુએ આજે જીદ્દ કરી મારે ગોપુને મળવા જવું જ છે ઘણા દિવસથી આવ્યો નથી કે મળ્યો નથી. ગગજી મુંઝાણો હવે શું! કરવું. સંતુ માટેની ગોપુ જે ઓળખાણ આપશે એ સંતુ સહન નહીં કરી શકે અને શહેરથી ગામ લાવવી ભારે પડશે. ગગજીએ સંતુને સમજાવવા બહુ પ્રયત્ન કર્યા પણ સંતુ એકની બે ન થઈ! અંતે ગગજીએ સંતુને સાચી હકીકત કહી દેવાનું નક્કી કર્યુ.

ગગજીએ સંતુને પાસે બેસાડી, “જો સંતુ, તું ગોપુને મળવા જવાની જીદ્દ છોડી દે. આપણો ગોપુ શહેરની ભીડમાં ખોવાઈ ગયો છે. એ તને અને મને નહીં ઓળખે.” ગગજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. “કેમ એમ બોલો છો? મને માંડીને વાત કરો.” ગગજીએ બધી વાત કરી. સંતુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. “મારી જીદે તમારી જિંદગીનો આનંદ લૂંટી લીધો. તમારી પાસે એકલું કામ જ કરાવ્યું. મને માફ કરી દ્યો.” “અરે! તું શું કામ માફી માગે છે. સપનું તો આપણા બંનેનું હતું, ન પૂરું થયું. બધાં સપનાં પૂરા થાય જ એવું થોડું છે. તું ને હું ક્યાં જુદા છીએ. હજી મારા બાવડામાં બળ છે. આપણે બે સાથે જીવીશું ને મરીશું.” સંતુ દોડીને ગગજીની બાહોમાં સમાઈ ગઈ, ગગજીએ મન મૂકીને સંતુને રડવા દીધી, જેથી તેનું મન હળવું થઈ જાય. પણ દીકરાએ આપેલ ઓળખાણમાં અટવાયેલો ગગજી મન હળવું કરવા ક્યાં જાય …..

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

‘હિન્દુત્વના છળકપટને ઓળખો !’

રમેશ સવાણી|Opinion - Opinion|12 February 2025

9 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે હું અને દિનેશકાકા (Dinesh Kanani, Marryland, USA) સુરતથી અમદાવાદ સવાણી સાહેબના પુસ્તક ‘છળકપટ’ના વિમોચન કાર્યક્રમમાં સહભાગી થવા નીકળ્યાં, ત્યારે જ રસ્તામાં અચાનક 2002ના કોમી દંગાના પોસ્ટર બોય અશોક પરમારની વાત નીકળી. એટલે મેં કહ્યું, “કાશ, આપણે એમને એક વખત રૂબરૂ મળી શકત !” અને દિનેશકાકાએ હરિભાઈ બગડાને કોલ કર્યો અને એમણે અમારો કોન્ટેક્ટ ડો. મુકેશ પરમાર સાથે કરાવ્યો. ડોકટર સાહેબે અમને અશોક મોચી સુધી પહોંચવામાં મદદ કરી.

લગભગ 11 વાગ્યાની આસપાસ અમે શાહપુર દરવાજા પહોંચ્યાં, જ્યાં ફૂટપાથ પર અશોકભાઈ બૂટ સીવતા હતા. મેં મારી ઓળખાણ આપી અને નાનકડો ઇન્ટરવ્યૂ કરવા માટે પરમિશન માંગી, જે એમણે ખુશી ખુશી આપી. ત્યારબાદ અમે એમની સાથે ઓન કેમેરા અને ઓફ કેમેરા ઘણી બધી વાત કરી. આ આખી વાતચીત દરમિયાન દિનેશકાકા પણ જોડાયેલા રહ્યા. ત્યારબાદ અમે લોકો ત્યાંથી અશોકભાઈને ઘરે પણ ગયા અને જ્યાં તેઓ જમે છે એ લોજમાં પણ ગયા.

આ મુલાકાતમાં અમે જોયું કે કેવી રીતે એક પછાત સમાજનો સામાન્ય યુવાન જે એક સમયે હિંદુત્વના નશામાં ડૂબી, પોતાની જિંદગીની અને ભવિષ્યની પરવા કર્યા વગર, ધર્મની રક્ષા કાજે ખુલ્લી તલવાર લઈને નીકળી પડ્યો હતો અને આજે હિન્દુત્વવાદી-રાજમાં પણ ફૂટપાથ પર બેસી બૂટ સીવવા મજબૂર બની ગયો છે ! એટલું જ નહીં આજે એ માણસ એટલી ખરાબ હાલતમાં જીવે છે કે એ પરિસ્થિતિ બયાન કરવા માટે મારી પાસે શબ્દો ખૂટે છે. આજે એની હાલત એવી છે કે એ વ્યક્તિ બે ટંક ભરપેટ ભોજન પણ મેળવી શકતો નથી. જે લોજમાં એ જમે છે એના માલિકની માનવતાનાં કારણે એને ભૂખ્યા નથી સૂવું પડતું, પણ કેટલીયે વાર એ મહિનાઓ સુધી જમવાનું બિલ ચૂકવી શકતો નથી.

અશોકભાઈ પાસે સારાં કપડાં નથી, આધાર કાર્ડ પણ નથી કે કોઈએ તેને આધારકાર્ડ કઢાવી આપ્યું નથી. કોઈ બેંકમાં ખાતું નથી. RSS / VHP / બજરંગ દળ / કોર્પોરેટ કથાકારો / ધર્મગુરુઓ કોઈ મદદે ન આવ્યું. જેમણે લોકોને ઉશ્કેર્યા તે સત્તાની નિસરણી સડસડાટ ચઢી ગયા. હુલ્લડો કોઈને મહેલમાં લઈ ગયા કોઈને જેલમાં લઈ ગયા, તો કોઈને ફૂટપાથ પર જીવવા મજબૂર કરી ગયા !

અશોકભાઈને મળ્યા બાદ અમે એમને પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આવવા માટે ભારપૂર્વક આમંત્રણ પાઠવ્યું. જેનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો. અમારી સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા. કાર્યક્રમના અંતે અશોકભાઈને મંચ પર બોલાવી છળકપટ પુસ્તક આપી તેમનું સન્માન પ્રકાશ ન. શાહ / ઉત્તમભાઈ પરમાર / જગદીશ બારોટ / કિરણ ત્રિવેદી / પ્રો. હેમંતકુમાર શાહ / રમેશ સવાણી / પૂર્વ IGP શશીકાન્ત ત્રિવેદી / પૂર્વ કલેક્ટર પ્રવીબ ગઢવીએ કર્યું હતું. અશોકભાઈએ કહ્યું હતું : “2002માં અમે ધર્મવાદના છળકપટનો ભોગ બન્યા હતા. હિન્દુત્વનું કેવું છળકપટ ! મારી એટલી જ વિનંતિ છે કે હિન્દુત્વના છળકપટને ઓળખો!”

અશોકભાઈના ફોટાઓ અખબારોમાં / સામયિકોમાં આવ્યા છે. તેમના ઈન્ટરવ્યુ ચેનલોમાં ખૂબ આવ્યા છે. ઘણા પત્રકારોએ અશોકભાઈ પર સ્ટોરી કરીને વાહવાહી પણ મેળવી છે. પણ કોઈએ આજ સુધી એમને મદદ કરી નથી. આજે માનવતાવાદી / રેશનાલિસ્ટ દિનેશકાકાની પરમિશન લીધા વગર હું અહીં જાહેર કરવા માંગુ છું કે તેમણે અશોકભાઈ મોચીને મદદ માટે હાથ આગળ કર્યો. જે બદલ દિનેશકાકાને ધન્યવાદ આપવા ઘટે.

છેવટે, એટલું કહીશ કે અશોકભાઈને કદાચ યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો આજે એની જિંદગીમાં એ ખૂબ જ સફળ વ્યક્તિ હોત ! 

[સૌજન્ય : જ્યોત્સના આહિર]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સોમવાર

બિલી કોલિન્સ - અનુવાદ : નંદિતા મુનિ|Poetry|12 February 2025

યુનાઈટેડ સ્ટેટ્સના રાજકવિ રહી ચૂકેલા વિખ્યાત કવિ બિલી કોલિન્સના કાવ્ય ‘Monday’નો મારો અનુવાદ.

પક્ષીઓ પોતપોતાના વૃક્ષ પર છે, 

ટોસ્ટ ટોસ્ટરની અંદર છે, 

અને કવિઓ એમની બારી પાસે.

પૃથ્વીની નારંગીની પેશીએપેશી પર

કવિઓ બારી પાસે છે –

ચંદ્ર સામે ઉદ્‌ગ્રીવ જોઇ રહેલા ચીની કવિ,

પ્રભાતની ગુલાબી અને નીલી કોર સામે તાકી રહેલા અમેરિકન કવિ.

કારકુનો એમના ટેબલ પર છે, 

ખાણિયા ઊંડી ખાણમાં – 

અને કવિઓ બારી બહાર જોઇ રહ્યા છે

કદાચ 

એક સિગરેટ સાથે,

એક કપ ચા સાથે,

– અને કદાચ આ દૃશ્યમાં શામેલ છે

ફ્લાલીનનું પહેરણ 

કે પછી બાથરોબ.

પ્રૂફવાચકો જોડણી ચકાસવાની પિંગપોંગ રમતમાં વ્યસ્ત છે,

આ પાનેથી આ પાને નજર દોડાવતા.

બાવરચી સેલરી અને બટેટાંના ટુકડા કરી રહ્યા છે,

અને કવિઓ પોતાની બારીએ છે

કારણ કે એ એમનું કામ છે – 

જેના માટે શુક્રવારની સાંજે 

એમને કોઇ જ પગાર નથી મળતો.

કઇ બારી – એનું ખાસ મહત્ત્વ નથી – 

જો કે ઘણાને એક પ્રિય બારી હોય છે,

કારણ કે  હંમેશાં બારીમાંથી કંઇક જોવા મળે છે –

પાતળી ડાળીને પકડી રાખતું પંખી, કદાચ, 

કે ખૂણો વળી રહેલી ટેક્સીની બત્તીનું અજવાળું, 

કે રસ્તો ઓળંગી રહેલા બે છોકરા, ઊનની ટોપી પહેરેલા.

માછીમારો હોડીની સાથેસાથે ડોલે છે.

લાઈનમેન થાંભલા પર ચડે છે.

નાઈ અરીસા અને ખુરશી પાસે રાહમાં છે.

અને કવિઓ પંખીની પરબની તડને 

કે પવનથી તૂટી પડેલી ડાળીને તાક્યા કરે છે.

એવું કહેવાની હવે જરૂર નથી લાગતી કે –

ભઠિયારા માટે ભઠ્ઠી જે છે

કે ડ્રાઈક્લીનર માટે ફળરસના ડાઘવાળું વસ્ત્ર જે છે –

કવિ માટે બારી એ જ છે.

જરા વિચારો –

બારીની શોધ પહેલાં

કવિએ કોટ અને ગરમ ટોપી ચડાવીને ઠંડીમાં બહાર નીકળવું પડત

અથવા ઘરે માત્ર ભીંત સામે તાક્યા કરવું પડત.

અને હું અહીં ભીંતની વાત કરું છું એનો અર્થ

પટ્ટાદાર વૉલપેપર, 

અને ગાયના મઢેલા ચિત્રથી સજાવેલી દીવાલ – એવો નથી.

હું વાત કરું છું

પથ્થરજડી ઠંડીગાર ભીંતની –

મધ્યકાલીન સૉનેટની ભીંત –

આદિમ સ્ત્રીના પાષાણહૃદયની –

એના કવિ-પ્રેમીના કંઠમાં ભરાઈ ગયેલા પથ્થરની.

—

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...386387388389...400410420...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved