સ્ટુટગાર્ટ મિલનમાં જ જર્મન માર્ક્સવાદી ક્લેરા ઝેટકિને સમાજવાદી પરિષદની સાથોસાથ, સમાજવાદી સંસ્કૃતિના બહોળા પટ પર સ્ત્રી સંગઠનની પણ હિમાયત કરી હતી

પ્રકાશ ન. શાહ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આસપાસ સ્પંદિત માહોલમાં કંઈક લખવા ધારું છું તો આઝાદ હિંદમાં ગુજરાતને મળેલા એકના એક આંદોલનપુરુષ ઇન્દુલાલ યાજ્ઞિક સ્મરણમાં દડી આવે છે. 1971માં અમદાવાદથી ચોથી વાર ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા છે : યુરોપીય સમાજવાદી આંદોલનમાં, એમાં પણ ખાસ તો ફ્રાન્સમાં સમાજવાદની ભૂમિકામાં સ્ત્રીઓની આઝાદી ને પ્રેમની મુક્તિની ભાવના ભળેલી હતી એ વધુ વાંચતાં ગુજરાતમાં સ્ત્રી કેળવણી ને મહિલા જાગૃતિ સાથેનાં આરંભકાળનાં સંભારણાં આળસ મરડી ફેરજાગૃત થયાં છે.
વાંચન અને વિચારવિનિમય સર એ દ્વારે દ્વારે ભમે ભટકે છે, ને ત્યાં દિલ્હીમાં ડેનિયલ લતીફીને ઘરે જઈ પહોંચે છે – કેમ કે લતીફીનાં પત્ની સ્ત્રી સ્વાતંત્ર્યવાદી છે અને નારીમુક્તિ ક્ષેત્રે નવચિંતનના પ્રવાહોમાં રમેલાં છે.
રહો, આ લતીફી કોણ તે વિશે ઉતાવળે બે શબ્દો કહું. 1985માં ખાસા ગાજેલા ને છેવટે રાજીવ ગાંધીની સરકારને લઈ ચાલેલા શાહબાનુ ચુકાદાની સિદ્ધિ ધારાશાસ્ત્રી લતીફીને નામે ઇતિહાસજમે છે. કાઁગ્રેસના સ્થાપક સભ્ય અને ત્રીજા અધિવેશનના પ્રમુખ બદરુદ્દીન તૈયબજીના એ પૌત્ર. એમણે ક્રિમિનલ પ્રોસીજર કોડને અન્વયે શાહબાનુને ફારગતી બાદ મળવામાત્ર પતિસહાય વાસ્તે યશસ્વી અદાલતી લડત લડી જાણી હતી. (લતીફી-દંપતીને ઇન્દુલાલ મળ્યા ત્યાર પછીનાં બારતેર વરસની આ ઘટના છે.)
હવે પાછા એપ્રિલ 1972ની એ રાત ભણી જ્યારે શ્રી અને શ્રીમતી લતીફી સાથે ઇન્દુલાલ બરાબરના જામ્યા છે. નારીચળવળ સંબંધે એમની સમૃદ્ધ લાઈબ્રેરી મન ભરીને જોઈ છે, અને એ પૈકી એક પુસ્તક, ‘ફેમિનિન મિસ્ટિક’ ચહીને લાવ્યા છે ને રાતવરત વાંચવા મંડી પડ્યા છે. વળતે અઠવાડિયે (11-4-72ના રોજ) એમની ડાયરીનોંધ બોલે છે : ‘મારા મનમાં એક વિચાર ઊપસ્યો છે કે જેમ ‘ફેમિનિન મિસ્ટિક’ની લેખિકાએ ઘણી સ્ત્રીઓને પૂછીને, મુલાકાત લઈને તેને આધારે પુસ્તક લખ્યું તેમ હું પણ સ્ત્રીઓના જીવન વિશે પ્રશ્નપત્રો તૈયાર કરી તેના જવાબ નાની-મોટી સ્ત્રીઓ પાસેથી મેળવું અને તે પરથી પુસ્તિકા લખું.’
આ લેખિકા તે બેટી ફ્રીડાન. 1963માં તેઓ ‘મિસ્ટિક’ લઈને આવ્યાં. મનોવિજ્ઞાનના અભ્યાસ સાથે એ પત્રકારિતામાં હશે તે દરમ્યાન એમને આ પ્રકલ્પ સૂઝેલો અને સંખ્યાબંધ સ્ત્રીઓ સાથે મુલાકાત બાદ તે એ તારણ પર પહોંચેલાં કે સ્ત્રીઓ લગ્ન સાથે બાળઉછેર અને ઘરકામને એ હદે અગ્રતા આપતી થઈ જાય છે કે એમની ઘણી હોંશ અતૃપ્ત રહે છે. એમની સામે ઊપસાવાતું આદર્શ રોલ મોડેલ પણ ગૃહિણી તરેહનું હોય છે. આ પુસ્તકનું પ્રકાશન અમેરિકાનાં સેકન્ડ વેવ ફેમિનિઝમ તરીકે ઊંચકાયું. સ્ત્રી મતાધિકારનાં પચાસ વરસ નિમિત્તે 1970ના વિરાટ આયોજન પાછળ પણ ‘મિસ્ટિક’કાર ફ્રીડાનની ઠંડી તાકાત હતી.
એમ કરતાં, 1975ના આંતરરાષ્ટ્રીય મહિલા વરસ સાથે યુનાઈટેડ નેશન્સે 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો : આજે 2025નું વરસ બરાબર એની પચાસીનું વરસ છે. આ જોગાનુજોગ સંભારીએ ત્યારે એંશી લગોલગના ઇન્દુલાલ કેવા ને કેટલા તરોતાજા હશે, એનો અંદાજે અહેસાસ આવે છે.
હશે, પણ આઠમી માર્ચ જ કેમ : 1907થી 1917 સુધીનો યુરોપ-અમેરિકાનો દસકો આખો એની પાછળ ભાગ ભજવી ગયો છે. 1907માં સ્ટુટગાર્ટમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી મંડળી (સેકન્ડ ઈન્ટરનેશનલ) મળી હતી. ગુર્જર ભારતવાસી તરીકે 1907ના સ્ટુટગાર્ટ મિલનનો મહિમા આપણે સારુ અમથોયે અગાઉથી મેડમ કામાએ ત્યાં સ્વતંત્ર હિંદનો પહેલો ધ્વજ લહેરાવ્યો હતો એ વાતે છે સ્તો. આ સ્ટુટગાર્ટ મિલનમાં જ જર્મન માર્ક્સવાદી ક્લેરા ઝેટકિને સમાજવાદી પરિષદની સાથોસાથ, સમાજવાદી સંસ્કૃતિના બહોળા પટ પર સ્ત્રી સંગઠનની પણ હિમાયત કરી હતી. ક્રાંતિકારી રાષ્ટ્રવાદી તરીકે ઓળખાતાં મેડમ કામા અને માર્ક્સવાદી ક્લેરા ઝેટકિન … એકમંચ ને એકસ્વર! સમજાય છે કંઈ? રાષ્ટ્રવાદના હાલના વિશેષ વાર્તિકથી ઉફરાટે કામાબાઈનો રાષ્ટ્રવાદ મુદ્દલ સંકીર્ણ નહોતો. વ્યાપક આંતરરાષ્ટ્રીય પરિમાણ સમેત ન્યાયી સમાજનો મુદ્દો એની બુનિયાદમાં હતો.
1908માં આવા જ કંઈક સમાજવાદી રુઝાનથી ન્યૂયોર્કમાં વિરાટ મહિલા રેલી નીકળી હતી, જેમાં કામદાર યુનિયનની રચનાનો અને મતાધિકારનો મુદ્દો પ્રધાન હતો. એ તારીખ આઠમી માર્ચ હતી. 1917માં રશિયામાં પણ એક અનોખી આઠમી માર્ચ ઊજવાઈ હતી : પેટ્રોગાડ(લેનિનગ્રાડ / સેન્ટ પીટ્સબર્ગ)ની કામદાર મહિલાઓ શાંતિ અને રોટીના સાદ સાથે રસ્તાઓ પર આવી, ફેક્ટરીઓ બંધ રહી, બગાવતનો દાવાનળ ભભૂકી ઊઠ્યો. આગળ ચાલતાં, 1923માં, લેનિને આઠમી માર્ચને મહિલા દિવસનો દરજ્જો જાહેર કર્યો. 1907થી 1917ની આ બધી મથામણ (કહો કે ફર્સ્ટ ફેમિનિસ્ટ વેવ) 1975 પહોંચતે પહોંચતે યુનાઈટેડ નેશન્સ થકી જગત તખતે આઠમી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ લેખે સુપ્રતિષ્ઠ થઈ.
અલબત્ત, ગુજરાત છેડે ઇન્દુલાલના કેમિયો પ્રવેશ ઉપરાંત પણ નિરાંતે ને વિગતે વાત કરવી રહે છે. ઘણું જોવું, સમજવું, તપાસવું રહે છે. એક પા અખિલ હિંદ મહિલા પરિષદ જેવા ઉન્મેષો તો બીજી પા આગળ ચાલતાં જ્યોતિસંઘ, સેવા, અવાજ સરખી રચનાત્મક પહેલ – અનેક રીતે, બહુધા, આ બધું જાણવાજોગ છે.
નમૂના દાખલ બે ઇલાબહેનો(ઇલા ભટ્ટ, ઇલા પાઠક)ની ઉભડક જિકર કરું. જોગાનુજોગ, વાયકા તો એવીયે ખરી કે બેઉનાં નામ ચંદ્રવદન મહેતાને આભારી છે. ઉપલા મધ્યમ વર્ગની (કહો કે કંઈક ભદ્ર વર્ગની) મહિલા પ્રવૃત્તિને મોટે પટે સેવા અને કેટલેક અંશે અવાજ શ્રમજીવી મહિલા લગી ગઈ ગયાં. એક બાજુ જો સ્ત્રીની કેવળ કુટુંબગત ઓળખને બદલે સ્વતંત્ર ઓળખનો સવાલ હતો તો બીજી બાજુ મહિલા પ્રવૃત્તિ સમાજ નવરચનાના વ્યાપક અભિગમથી અળગી પડીને ન ચાલે એનો પણ સવાલ હતો ને છે. મેં નમૂના દાખલ ‘સેવા’ ને ‘અવાજ’ બે નામ લીધાં, પણ ગુજરાતમાં નાને પાયે એકાધિક મહિલા પ્રવૃત્તિ કેન્દ્રો છે જેને વિશેય ધોરણસરની નોંધને અવકાશ છે.
અહીં તો માત્ર, આરંભે જ કહ્યું તેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પચાસીએ સ્પંદિત માહોલમાં ચપટીક નિરીક્ષા ને લગરીક નુક્તેચીનીનો ખયાલ છે, એટલું જ.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 માર્ચ 2025