Opinion Magazine
Number of visits: 9871991
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિતંડાવાદ ભારતની રાષ્ટ્રીય બીમારી છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|17 June 2015

યોગ એ આંતરિક વિકાસની એક શુદ્ધ સેક્યુલર પ્રક્રિયા છે. હવે તો બાબા રામદેવે એને આંતરિક પણ રહેવા નથી દીધી અને એને શારીરિક કસરતમાં ફેરવી નાખી છે. રામદેવના યોગમાં અને જિમ્નૅસ્ટિકમાં હવે બહુ ફરક નથી. આપણે જે યોગાસન વિશ્વમાં પહોંચાડી રહ્યા છીએ એ યોગશાસ્ત્રમાં બતાવેલા હેતુ વિનાનાં આસનો છે અને એટલે કસરત છે

આ વર્ષથી દર વર્ષે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવાનો યુનોએ નિર્ણય લીધો છે. યુનોએ કૅલેન્ડરના ઘણા દિવસોને અલગ-અલગ મૂલ્યો, પરંપરાઓ અને વ્યક્તિઓ સાથે જોડ્યા છે જેથી જગતમાં જાગૃતિ તેમ જ સહિયારાપણું વિકસે. દાયકા પહેલાં મહાત્મા ગાંધીના જન્મદિવસ બીજી ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હવે યોગને વૈશ્વિક માન્યતા આપી છે. ભારતમાં વિકસેલા યોગશાસ્ત્રને યુનોએ માન્યતા આપી એ જોઈને રાજી થવું હોય તો એમાં કોઈ વાંધો નથી, પરંતુ એમાં બહુ પોરસાઈને ગાંડા થવાની જરૂર નથી. યુનોએ ચીંધેલા વિશેષ દિવસોની ઉજવણીને વિશ્વદેશો અને પ્રજા ગંભીરતાથી લેતાં નથી. ચોક્કસ મૂલ્યોના વિસ્તાર અને સ્વીકાર માટે યુનો કોઈ મોટી જહેમત ઉઠાવે છે એવું પણ નથી. આને કારણે કૅલેન્ડરના પચાસેક દિવસોએ કોઈ ને કોઈ ઔપચારિક ઉજવણી કરવામાં આવે છે. બીજી ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઊજવવાથી જગતમાંથી હિંસા સમાપ્ત નથી થઈ છતાં લોકજાગૃતિ માટે આવા અવસર ખપના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે યુનો ગયા હતા ત્યારે તેમણે યુનોની સામાન્ય સભાને સંબોધતાં સૂચન કર્યું હતું કે યોગશાસ્ત્ર આખા વિશ્વ માટે ઉપયોગી છે અને એના પચાર-પ્રસાર માટે યુનોએ પહેલ કરવી જોઈએ. તેમણે વર્ષમાં એક દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવાની ભલામણ કરી હતી જે યુનોએ મંજૂર રાખી છે.

યુનોના આ નિર્ણયનો જગતના કોઈ મુસ્લિમ બહુમતી દેશે કે ખ્રિસ્તી બહુમતી દેશે વિરોધ કર્યો હોય એવું મારા જોવામાં આવ્યું નથી, પરંતુ ભારતમાં કારણ વિના વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ પેદા કર્યા વિના જાણે આપણને ચાલતું જ નથી. હિન્દુત્વવાદીઓ આમાં હિન્દુ ધર્મનો વિજય સમજે છે, જ્યારે યોગ એ આંતરિક વિકાસની એક શુદ્ધ સેક્યુલર પ્રક્રિયા છે. હવે તો બાબા રામદેવે એને આંતરિક પણ રહેવા દીધી નથી, એને શારીરિક કસરતમાં ફેરવી નાખી છે. રામદેવના યોગમાં અને જિમ્નૅસ્ટિકમાં હવે બહુ ફરક નથી. અત્યારે આપણે જે યોગાસન વિશ્વમાં પહોંચાડી રહ્યાં છીએ એ યોગશાસ્ત્રમાં બતાવેલાં હેતુ વિનાનાં આસનો છે એટલે કે કસરત છે. બાકી તો યોગસૂત્રમાં પહેલું સૂત્ર યોગ: ચિત્તવૃત્તિ નિરોધ: છે. આનો અર્થ થાય છે ચિત્તની વૃત્તિઓને રોકવી. બીજું સૂત્ર છે તદ દ્રક્ટુ: સ્વરૂપે અવસ્થાનમ્ જેનો અર્થ થાય છે પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થવું. આ ત્યારે જ બને જ્યારે વૃત્તિઓ સમેટાઈ ગઈ હોય અને આત્મસ્વરૂપ (સત્) સમજાઈ ગયું હોય. સમજાવું પણ બરોબર નથી, પમાયું હોય. પ્રારંભમાં જ આવતાં આ બે સૂત્રો પરથી ખ્યાલ આવી જશે કે યોગશાસ્ત્ર અને એના રચયિતા પતંજલિ માણસને ક્યાં પહોંચાડવા માગે છે. બાબા રામદેવ અને બીજા કેટલાક કહેવાતા યોગીઓ જે કરે છે એ મહદંશે યોગાસનોનો ધંધો કરે છે. બાબા રામદેવે યોગસૂત્રનાં અહીં ટાંકેલાં પહેલાં બે વચનો પામી લીધાં હોત તો તેઓ અત્યારે જે કરે છે એ કરતા જ ન હોત. ૧૧૦૦ કરોડ રૂપિયાનો વેપલો જેની વૃત્તિઓનો નિરોધ થઈ ચૂક્યો હોય, પોતાના મૂળ સ્વરૂપને પામી લીધું હોય અને એમાં સ્થિર થઈ ગયો હોય એ કરે નહીં. આ ગંગાસતીના શબ્દોમાં અધૂરિયાઓનો ખેલ છે.

આમ વિશ્વમાં જે યોગાસનો જઈ રહ્યાં છે એ અધૂરિયાઓ દ્વારા કસરતના સ્વરૂપમાં કે બીમારીના ઇલાજ (થેરપી)ના સ્વરૂપનાં જઈ રહ્યાં છે એના મૂળ સ્વરૂપમાં તેના આત્મા સાથે નથી જઈ રહ્યાં. યુનોના નિર્ણયથી રાજી જરૂર થઈએ, પણ હરખપદૂડા થવાની જરૂર નથી. ભારતમાં જે લોકો યોગનો વિરોધ કરી રહ્યા છે એ પણ એટલા જ બેવકૂફ છે જેટલા હરખપદૂડા હિન્દુવાદીઓ છે. જે શાસ્ત્રને ચોક્કસ કોઈ ધર્મ સાથે, બાહ્ય કર્મકાંડી ધાર્મિકતા સાથે, દેખીતી રીતે ઈશ્વર સાથે કોઈ જ સંબંધ નથી એનો ધર્મના નામે શા માટે વિરોધ કરવામાં આવે છે? સાંખ્ય અને યોગ ભારતનું દાર્શનિક યુગ્મ છે. એકમાં દર્શન છે અને બીજામાં પ્રક્રિયા છે. આમાં સાંખ્ય તો અનીશ્વરવાદી દર્શન તરીકે ઓળખાય છે. યોગ હિન્દુઓની ધાર્મિક વિધિ છે એવી જે સમજ કેટલાક ગેરહિન્દુઓ ધરાવે એ કેવળ એક અજ્ઞાન છે. અજ્ઞાન જ્યારે હિન્દુઓ ધરાવતા હોય ત્યાં બીજાની શી ફરિયાદ કરવી. મુસ્લિમો હિન્દી ભાષાને હિન્દુઓની સમજીને એનો અસ્વીકાર કરે. હિન્દુઓ ઉર્દૂ ભાષાને મુસ્લિમોની સમજીને એનો અસ્વીકાર કરે. મુસ્લિમો આયુર્વેદને હિન્દુઓનો સમજીને એનો અસ્વીકાર કરે અને હિન્દુઓ યુનાનીનો મુસ્લિમોની સમજીને એનો અસ્વીકાર કરે એના જેવી આ વાત થઈ. આવો વિરોધ બુદ્ધિ વિનાનો છે.

આગળ કહ્યું એમ, જગતના કોઈ મુસ્લિમ બહુમતીવાળા કે ખ્રિસ્તી બહુમતીવાળા દેશોમાં યુનોના નિર્ણયનો વિરોધ નથી થઈ રહ્યો, માત્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. આનું એક કારણ વિતંડાના આપણા જૂના સંસ્કાર છે. અમર્ત્ય સેન કહે છે એમ, આપણે આગ્યુર્મેન્ટેટિવ ઇન્ડિયન છીએ. એટલે તો નિર્દોષ ભાષાઓને ધર્મ સાથે જોડીને આપણે એને ટાર્ગેટ બનાવીએ છીએ. બીજું કારણ ઓળખ ઓગાળી નાખવાના અને ઓળખ ટકાવી રાખવાના દુરાગ્રહો છે. વાસ્તવમાં યોગાસન કરવાથી નથી કોઈની ઓળખ ઓગળી જવાની કે નથી કોઈની ઓળખ ટકવામાં કોઈ વધારો થવાનો. વળી યોગાસન ક્યાં કોઈ માટે ફરજિયાત છે? ૯૦ ટકા હિન્દુઓ યોગાસન નથી કરતા તેમને તો કોઈએ સજા કરી નથી. યુનોએ તો અંદાજે પચાસેક જેટલા દિવસોને ચોક્કસ ધોરણ, મૂલ્યો કે પ્રણ સાથે ઊજવવાનું કહ્યું છે એની કેટલા લોકોને જાણ છે? હમણાં ૩૧ મેએ ઍન્ટિ ટબૅકો ડે મનાવાયો હતો. તમાકુ ખાનારો તમાકુ ખાય જ છે, તો પછી વિવાદ શા માટે?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 17 જૂન 2015

http://www.gujaratimidday.com/features/columns/feature-columns-17-6-2015-4

Loading

ત્રાણું વર્ષના મહેન્દ્રભાઈની મન્રો ડાયરી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|17 June 2015

ત્રાણું વર્ષના મહેન્દ્રભાઈની ‘મન્રો ડાયરી’

પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ નામે સત્તાવન વર્ષથી સાતત ચાલી રહેલા જ્ઞાનવિજ્ઞાનના ઉપક્રમની એક હજાર ત્રણસો બાવનમી પુસ્તિકા ‘લોકમિલાપ : પુણ્યનો વેપાર’ તાજેતરમાં બહાર પડી છે. વાચકોને ઉત્તમ વાચન સામગ્રી ખૂબ ઓછા દરે પૂરી પાડી સમાજ પરિવર્તન કરવા મથનાર લોકમિલાપ એક અજોડ પ્રકાશન સંસ્થા છે. તેના અમ્રૃત વર્ષમાં લખાયેલી આ પુસ્તિકા લોકમિલાપના લગભગ બધાં પાસાં આવરી લે છે. તે સામયિકોમાં લેખન-સંપાદનનો બહોળો અનુભવ ધરાવનાર મુંબઈના સોનલ પરીખે લખી છે.  

લોકમિલાપના સ્થાપક એવા વાચનપ્રસારના ભેખધારી મહેન્દ્રભાઈ મેઘાણીનો શનિવારે ત્રાણુંમો જન્મદિવસ છે. તેમને લગતી બે તાજેતરની બાબતોની નોંધ લેવી ઘટે . એપ્રિલની શરૂઆતમાં તેમણે સંપાદિત કરેલી ત્રીસ પાનાંની બહુ વાચનીય પુસ્તિકા લોકમિલાપે બહાર પાડી છે : ‘ઝવેરચંદ મેઘાણીની વિચાર-કણિકા અને ઝવેરચંદ મેઘાણીને સ્મરણાંજલિ’. તેના પહેલા હિસ્સામાં જીવન અને સાહિત્ય અંગેના મેઘાણીના વિચારો છે; બીજામાં ‘મેઘાણીની સાહિત્ય-તપશ્ચર્યાના એમના સમકાલીન સાહિત્યકારોએ કરેલા મૂલ્યાંકનના કેટલાક અંશો’ સામેલ કરવામાં આવ્યા છે. અત્યારે પણ સંપાદકની દૃષ્ટિ એવી અક્ષુણ્ણ છે કે દરેકે દરેક લખાણ લોકશાયરની મહત્તાની પ્રતીતિ કરાવે છે.

મહેન્દ્રભાઈની એક  ‘મોકળાશભરી મુલાકાત’  સાર્થક પ્રકાશનના  અર્ધવાર્ષિક સામયિક ‘જલસો’ ગયા મહિને બહાર પડેલા ચોથા અંકમાં વાંચવા મળે છે. તેમાં ત્રીસ પાનાં અને વીસ ફોટા છે. ઠીક ઓછી જાણીતી માહિતી મળે છે : પિતા અને માતાઓ સાથેનાં મહેન્દ્રના સંબંધ, બીજી માતા માટે સમભાવનો અભાવ, લેખન-પ્રકાશનની તાલીમનાં વર્ષો, પિતાના અવસાન પછી તેમની ચિતામાં કૂદી જવાની ઇચ્છા, આઝાદ હિંદ ફોજના અફસરો પર ચાલેલા કેસનું ‘લાલાકિલ્લાનો મુકદ્દમો’ પુસ્તક, ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને જયપ્રકાશના આંદોલન દરમિયાન ‘મિલાપ’ના સંપાદકની ભૂમિકા, બાળકો માટેની ‘ફિલ્મ મિલાપ’ પ્રવૃત્તિ, લિપિ સુધારણાની કોશિશ, ગાંધી ટોપી, દીકરાનું અબુલ એવું નામકરણ અને અન્ય. મુલાકાતને અંતે મહેન્દ્રભાઈ એ મતલબનું કહે છે કે સરકાર આત્મહત્યાને ગુનો ગણતો કાયદો જો દૂર કરે તો  ‘મારે પહેલો એનો અમલ કરવો છે’ !

ઇન્ટરવ્યૂનો એક બહુ રસપ્રદ હિસ્સો મહેન્દ્રભાઈએ 1948માં કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વના અભ્યાસ  નિમિત્તે  અમેરિકામાં કરેલા એક વર્ષના વસવાટને લગતો છે.  તેઓ નવા જ સ્થપાયેલા યુનાઇટેડ  નેશન્સની ઓફિસની કાર્યવાહીમાં વારંવાર હાજરી આપતા, તેમનાં પ્રિય અખબારો ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ તેમ જ ‘ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર’નું સઘન વાચન કરતા અને મુંબઈના જન્મભૂમિ જૂથના ‘નૂતન ગુજરાત’ અખબારમાં તેના એક્રેડિટેડ કૉરસપૉન્ડન્ટ તરીકે  ‘અમેરિકાની અટારીએથી’ કૉલમ લખતા.  

અત્યારે પણ મહેન્દ્રભાઈ અમેરિકાની અટારીએથી ‘મન્રો ડાયરી’ લખે છે. અમેરિકાના ન્યુ જર્સીના મન્રોમાં તેમનાં દીકરી અંજુબહેનને ત્યાં એ દર વર્ષે ચાર-છ મહિના રહે છે. મહેન્દ્રભાઈનાં લખાણો કેટલાક વાચકસ્નેહીઓને અંજુબહેન બહુ સુઘડ રીતે મેઇલ કરે છે. ડાયરીમાં મોટે ભાગે ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના લેખોના સંક્ષેપો  કે તાજેતરમાં ગમી ગયેલાં પુસ્તકોમાંથી સારવેલા અંશોનો સમાવેશ થાય છે.

પહેલી એપ્રિલથી હાલેલી ‘મન્રો ડાયરી’ના લખાણોમાં પોણી સદીથી અચૂક જળવાયેલ વાચનની પૅશન, રુચિવૈવિધ્ય, જાહેર જીવન માટેની નિસબત અને માનવતાવાદી મૂલ્યો દેખાય છે. અન્ય લેખકોની કૉપી પર  ભાષા અને રજૂઆત, સંશોધન અને સંમાર્જનના કામ માટે સુખ્યાત મેરિ નૉરિસ અને વિલ્યમ ઝિન્સર પરનાં લેખો મહેન્દ્રભાઈએ ટૂંકાવ્યા છે. આર્થ્રાઇટીસ અને આકંઠ જીવન વિશેનાં લખાણો છે. લિંકનની હત્યાના દોઢસોમા સ્મૃિતદિનના અનુસંધાને લિંકનના અંતિમ પ્રવાસ વિશે અને અમેરિકાના મોટાભાગના પ્રમુખો પરના તેમના પ્રભાવ વિશે વાંચવા મળે છે. દેશકાળની સભાનતા સતેજ છે. વૈશ્વિક રાજકારણને લગતો ‘ન્યુ ડિક્ટેટર્સ રૂલ બાય વેલેવેટ ગ્લોવ્ઝ’ લેખ છે. મન્રોમાં ય મહેન્દ્રભાઈને ભારતના કોમવાદની ચિંતા છે. ભાવનગરમાં એક મુસ્લિમ પરિવારને હિન્દુ વિસ્તારમાંથી ઘર છોડવાની ફરજ પાડવામાં આવી તે અંગે બારમી એપ્રિલના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના એક લેખની સારવણી મન્રો ડાયરીમાં છે. અત્યારે શાંતિસૈનિક બનેલા બીજા વિશ્વયુદ્ધના જાપાની બૉમ્બર પાયલોટ કનામા હારોડાની વાત છે. નિર્ભયા અત્યાચાર પર ન્યુયૉર્કમાં એક મહિના પહેલા ભજવાયેલા નાટકનું અવલોકન છે. કુરાન બાળવાના કથિત આરોપ માટે કાબુલમાં ઓગણીસમી માર્ચે જાહેરમાં જેની હત્યા થઈ તે મહિલા ફર્ખુન્દા પરના અત્યાચારના કર્મેશીલોએ કરેલા ‘રિઍનેક્ટમેન્ટ’ની મહેન્દ્રભાઈ નોંધ લે છે. પુસ્તકોની દુકાનો અને ગ્રંથવિક્રેતાઓ વિશેના લેખો મહેન્દ્રભાઈની નજરે ન પડે તો જ નવાઈ. મન્રોના જાહેર ગ્રંથાલયોમાં જઈને તેમને ગમેલાં પુસ્તકોમાંથી નોંધો ચાલતી રહે છે. તેમાંનાં કેટલાંક પુસ્તકો છે : ‘એન વાય ટી પે ઇ જ વન’, ‘ચાર્લ્સ ચૅપ્લિન, ધ જિનિયસ ઑફ સિનેમા’, ‘રીડર્સ ડાઇજેસ્ટ બાઇબલ’ ‘ઓબામા ધ હિસ્ટૉરિક જર્ની’.

‘લાઇબ્રેરી ઇન અમેરિકા’ પુસ્તક મહેન્દ્રભાઈના મનમાં વસી ગયું . તેમાં અમેરિકામાં  સદીઓથી ચાલતાં જાહેર ગ્રંથાલયોની ચારસો છબિઓ અને નોંધપાત્ર વિગતો છે. આ પુસ્તકને અંતે એક અવતરણ છે : ‘ગ્રંથાલયો એ સ્વવિકાસ માટેનાં તીર્થધામ છે. એ સૌથી ઓપન યુનિવર્સિટીઓ છે કે જ્યાં પ્રવેશ માટે પરીક્ષાઓ નથી અને ઉંમરનો કોઈ બાધ પણ નથી.’ મહેન્દ્રભાઈ લખે છે : ‘આ શબ્દોએ બાણુંમાં વર્ષે મને મન્રોની લાઇબ્રેરીની  આ ઓપન યુનિવર્સિટીમાં દાખલ થઈને તેમાં દરરોજ ત્રણ કલાક વીતાવવાની પ્રેરણા આપી.’

16 જૂન 2015

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 17 જૂન 2015

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

મૈં તુલસી તેરે આંગન કી તુલસીની જીન કુંડળી ખૂલી ગઈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 June 2015

ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે એના આંગણામાં તુલસી ક્યારો જોયો ન હોય. ભગવાન વિષ્ણુની ભક્તિમાં સતી થઈ ગયેલી વૃંદા તુલસી બનીને જન્મી હતી.

એટલે, બને છે એવું કે ઠાકુર રાજનાથ સિંહ ચૌહાણ (વિજય આનંદ) માતાએ પસંદ કરેલી ઉચ્ચ ખાનદાનની છોકરી સાથે લગ્ન કરી લે તે માટે તુલસી (આશા પારેખ) પોતાનો પ્રેમ જતો કરે છે અને ઠાકુર સામે દલીલ પેશ કરતાં કહે છે : ‘હું જેને સપનાનું ઘર કહી શકું એવા આ ઘરમાં તુલસી માટે ક્યાં જગ્યા છે? હું તો જન્મોજનમથી ઘર બહાર રહી છું. હું તો આજના યુગની વૃંદા છું જેને ભગવાન કૃષ્ણ ઘરમાં લાવી શક્યા ન હતા. મારું વૈવાહિક સુખ તો તુલસીના છોડની જેમ ઘર બહાર રહેવામાં જ છે.’

બસ, આટલા સંવાદ પરથી રાજ ખોસલાએ એ ફિલ્મનું નામ ‘મૈં તુલસી તેરે આંગન કી’ (1978) રાખેલું અને આનંદ બક્ષીએ એમાં બીજી પંક્તિ ‘કોઈ નહીં મૈં તેરે સાજન કી’ જોડીને અફલાતૂન ગીત બનાવેલું.

ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે એના આંગણામાં તુલસી ક્યારો જોયો ન હોય. ભગવાન વિષ્ણુની ભક્તિમાં સતી થઈ ગયેલી વૃંદા તુલસી બનીને જન્મી હતી અને દરેક હિન્દુસ્તાનીના ઘરની બહાર એ ભગવાન સાથે વિવાહની રાહમાં ખીલેલી રહેલી હતી એવી કપોળ કલ્પનાને બાજુએ રાખીએ તો ય આપણા જીવનમાં તુલસીનાં મહત્ત્વને ઓછું આંકી શકાય તેમ નથી.

તુલસીનાં ઔષધીય ગુણોની દાદા-દાદી, નાના-નાની, મા-ભાભીને ખબર હતી અને કદાચ એ કારણસર જ 1થી 3 ફૂટ ઊંચા અને 2 થી 3 વર્ષની આયુ ધરાવતા આ છોડને ઈશ્વરની કક્ષાએ મૂકવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદના નિષ્ણાતોએ હવે તુલસીનો પૂરો જીનોમી કોડ બ્રેક કરીને એની અંદર રહેલી ઈશ્વરીય તાકાતને જગત સમક્ષ મૂકવાની કામયાબી હાંસલ કરી છે.

જીનોમી કોડ એટલે વંશસૂત્ર જેમાં પ્રત્યેક વંશાણુ(જીન)માં આપણા (ગઈકાલના અને આવનારા) જીવનની તમામ માહિતી બંધ પડેલી છે. આપણે જેવા દેખાઈએ છીએ, જેવો વ્યવહાર કરીએ છીએ, જેવી શારીરિક યા માનસિક મુશ્કેલીઓ અથવા તો સરળતાનો અનુભવ કરીએ છીએ એનું આખું રિમોટ કંટ્રોલ આ જીનમાં હોય છે. માનવ શરીરમાં (અથવા તો, સમસ્ત જીવ શરીરમાં) આવી હજારો લાખો જીવિત કોશિકા હોય છે. કોશિકાઓના આવા વિશાળ સમૂહને જીનોમી કહે છે.

માનવ જીનોમી કોડને વાંચવાનું કામ 1990માં શરૂ થયું હતું અને માનવ શરીરમાં કાર્યરત એક લાખ વંશાણુની અંદર પડેલા ત્રણ અરબ જીનેટિક અક્ષરોમાંથી બે અરબ અક્ષરોની પહેચાન થઈ ચૂકી છે. જીન વૈજ્ઞાનિકોનું માનવું છે બે એક વખત માનવ જાતિની સમસ્ત જીનની રચનાની ખબર પડી જાય તો માણસની જીન કુંડળીના આધારે એના જીવનની તમામ જૈવિક ઘટનાઓની ભવિષ્યવાણી કરવાનું અને એને અનુરૂપ તૈયારીઓ કરવાનું મુમકીન થઈ જશે. માનવ જીનોમીનું કામ તો દુનિયાના અનેક દેશોમાં ચાલી રહ્યું છે પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ તુલસીના 386 મિલિયન જીનેટિક અક્ષરો વાંચીને તુલસીની પૂરી કુંડળી ખોલી નાખી છે. લખનૌ સ્થિત વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદમાં છેલ્લાં પાંચ વર્ષથી આ કામ ચાલતું હતું. તુલસી તમામ જડીબુટ્ટીની મા ગણાય છે અને હજારો વર્ષોથી શરદી-તાવથી લઈ અસ્થમા, મલેરિયા, ડિસેંટ્રી, ડાયેરિયા, હાડકાંનાં દર્દ, ચામડીના રોગ અને જીવ-જંતુના દંશ જેવી મુસીબતોમાં એનો ઉપયોગ થતો રહ્યો છે.

તુલસીની જીન કુંડળી ખૂલી ગયા પછી હવે એ જાણવું આસાન થઈ જશે કે એનું કયું જીન્સ કયા રોગ સામે ઉપચારક છે અને તુલસી બીજા કયા રોગની સાફસફાઈ માટે કામ આવી શકે છે. જીન્સની પહેચાન થવાથી હવે તાકાતવર તુલસીના છોડ પેદા કરવાનું પણ શક્ય બનશે. વનસ્પતિ શાસ્ત્રમાં તુલસીનું નામ ઓસીમમ સૈક્ટમ છે. તુલસી શબ્દ તુલ ધાતુ પરથી આવે છે, જેના મૂળમાં વજન લેવું, માપવું, ઉપર ઉઠાવવું, વિચાર મંથન કરવું જેવા અર્થ છે. તુલ પરથી જ તુલા, તોલક, શબ્દ આવે છે. એ અર્થમાં તુલસી એટલે એવી વનસ્પતિ જેની તુલના ના થઈ શકે. હિન્દુ શાસ્ત્રોમાં તુલસીનાં આઠ નામ છે : વૃંદા (બધી વનસ્પતિની આધિ દેવી), વૃંદાવની (જેનો જન્મ વ્રજમાં થયો હતો), વિશ્વપૂજીતા (સમસ્ત જગતમાં પૂજનીય), વિશ્વપાવની (ત્રણે લોકને પવિત્ર કરનારી), પુષ્પસરા (દરેક પુષ્પનો સાર), નંદિની (ઋષિમુનિઓને આનંદ પ્રદાન કરનારી), કૃષ્ણ જીવની (શ્રીકૃષ્ણની પ્રાણ જીવની), અને તુલસી (અતુલ્ય).

ઓસીમમ સૈક્ટમને મુખ્ય તુલસી મનાય છે અને એની બે પ્રજાતિ છે : શ્રી રામ તુલસી (જે લીલી હોય છે) અને શ્રીકૃષ્ણ તુલસી (જે શ્યામ રંગી હોય છે.) સંસ્કૃત પંડિત શ્રી ભાવ મિશ્ર કહે છે, ‘શ્યામા શુકલા કૃષ્ણા ચે તુલસી ગુણૈસ્તુલ્યા પ્રકીર્તિત’ અર્થાત્ કૃષ્ણા તુલસી અને શ્રી તુલસી ગુણોમાં સરખી જ છે. તુલસીના ઔષધિય ગુણોને લઈને જ ભારતીય સંસ્કૃિત અને ધર્મમાં એનું મહત્ત્વ રહ્યું છે. ભાગવત પુરાણ પ્રમાણે તુલસીનું મૂળ નામ વૃંદા હતું જે જલંધર નામના રાક્ષસની પત્ની હતી. આ જલંધર દેવતાઓને ખૂબ પરેશાન કરતો હતો અને કેમેય કરીને પરાજિત થતો ન હતો. ભગવાન વિષ્ણુએ એનો નાશ કરવા જલંધરનું રૂપ ધરીને વૃંદાના ઘરમાં પ્રવેશ કર્યો. વૃંદા પતિને આવેલો જોઈને એની પૂજામાંથી ઊઠી ગઈ અને દેવતાઓ સાથે યુદ્ધ મગ્ન જલંધર કમજોર પડી ગયો અને હણાઈ ગયો.

દેવતાઓએ જ્યારે જલંધરનું માથું વૃંદાનાં ચરણોમાં ફેંક્યું ત્યારે એને ખબર પડી કે ભગવાન વિષ્ણુએ બનાવટ કરીને એની સાથે સંગ માણ્યો હતો. વૃંદાએ ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો અને વિષ્ણુ પથ્થર બની ગયા. દેવોમાં હાહાકાર મચી ગયો. લક્ષ્મીએ રોકકળ કરીને ભગવાનને પાછા જીવતા કરવા આજીજી કરી એટલે વૃંદાએ શ્રાપ પાછો ખેંચી લીધો અને જલંધરનું માથું ખોળામાં લઈ સતી થઈ ગઈ. વૃંદાની એ અસ્થીઓમાંથી જે છોડ નીકળ્યો તેને વિષ્ણુએ તુલસી નામ આપ્યું અને કહ્યું કે મારું એક રૂપ શાલિગ્રામ નામના પથ્થરના રૂપમાં રહેશે અને બંનેની સાથે જ પૂજા થશે. દેવઊઠી એકાદશીનો મહિમા આ તુલસી વિવાહમાં છે. આધુનિક ભારતના ફ્લેટ કલ્ચરમાં આ તુલસી ક્યારા ખોવાઈ ગયા છે જે દરેક ઘરની સામે રહેતા હતા અને મા અથવા દાદી રોજ સવારે સૂરજનાં પ્રથમ કિરણોના પ્રકાશમાં એમાં જળ સિંચન કરતી હતી. આજે જૂની હિન્દી ફિલ્મોમાં એવાં ગીતો સાંભળીને એ યાદો તાજી થઈ જાય છે. ગામડામાં તો હજુ ય તુલસી ક્યારા સચવાયા છે. એ સિવાય ફિલ્મોમાં કે ટેલિવિઝન ધારાવાહિકોમાં એ જોવા મળી જાય છે.

1966માં ‘નિરમાળ’ સંગ્રહમાં તુલસી ક્યારો નામની કવિતામાં નિનુ મઝુમદારે લખેલું :

તુલસી ક્યારો રે બનાવ્યો મારે આંગણે,
બહાનાં કાઢી જોતી વાટ આવી બારણે,
પાણી સીંચતી વ્હાલમને સાંભારણે.

ઝવેરચંદ મેઘાણીની એક નવલિકાનું નામ તુલસી ક્યારો હતું. દિનકર જોશીએ પરિવારમાં દીકરીઓનાં મહત્ત્વ પર એક પુસ્તક લખેલું તેનું શીર્ષક તેમણે ‘દીકરી એટલે તુલસી ક્યારો’ એવું રાખેલું. દ્વારકામાં સૂર્ય-રન્નાદેના મંદિર સંકુલમાં તુલસી ક્યારાનું એક આગવું સ્થાપત્ય છે અને પ્રાચીનકાળના કોઈ ભગ્ન મંદિરની ગવાહી પૂરી પાડે છે. દ્વારકાની વૈષ્ણવ સ્ત્રીઓ આજે ય સ્નાન બાદ તુલસી ક્યારે દીવો અને કુમકુમ કરીને જળ સિંચન કરે છે. ચતુર્માસ દરમિયાન શ્રીજીને તુલસીની માળા પહેરાવવાની પ્રથા અહીંથી જ શરૂ થઈ હતી. નરસિંહ મહેતાના કાકા પર્વત મહેતા ચોમાસામાં માંગરોળથી પગપાળા આવતા હતા અને શ્રીજીને તુલસીનો છોડ અર્પણ કરતા હતા.

‘ભાભી કી ચૂડિયાં’ ફિલ્મના મશહૂર ગીત ‘જ્યોતિ કલશ છલકે’માં કોઈ કસર ન રહી જાય તે માટે મુસ્લિમ મીના કુમારી વહેલી ઊઠીને હિન્દુ સ્ત્રીઓના તુલસી ક્યારાની પૂજાનો અભ્યાસ કરતી હતી. હિન્દીના પ્રસિદ્ધ કવિ પંડિત નરેન્દ્ર શર્મા લીખિત આ ગીતમાં તુલસીનાં ઔષધીય, ધાર્મિક અને સાંસ્કૃિતક મહત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું : ઘર આંગન વન, ઉપવન ઉપવન, કરતી જ્યોતિ અમૃત કે સિંચન, મંગલ ઘટ ઢલકે, જ્યોતિ કલશ છલકે …

સમાચાર છે કે મુંબઈની એક મોટી ફિલ્મ કંપનીએ ‘મેગી’ નામ રજિસ્ટર કરાવી લીધું છે જેથી ભવિષ્યમાં નૂડલ્સના આ નામ પર ફિલ્મ બનાવવી હોય તો વાંધા-અરજી ના આવે. આપણે તુલસી છોડીને મેગી સુધી પહોંચી ગયા એ બતાવે છે કે આપણી કેવી અને કેટલી પ્રગતિ થઈ છે.

મૈં મેગી તેરી આંગન કી,
કોઇ નહીં મૈં તેરે સાજન કી.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 14 જૂન 2015 

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5021688-NOR.html

Loading

...102030...3,8563,8573,8583,859...3,8703,8803,890...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved