Opinion Magazine
Number of visits: 10029208
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત-પાક, ચાય પે ચર્ચા

પ્રકાશ ન. શાહ

, પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|3 January 2016

અફઘાનિસ્તાનથી પાછા ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાક વડાપ્રધાનને, એમ જ, જન્મદિવસનાં અભિનંદન પાઠવવાને મિશે પહોંચી ગયા એમાં જો પ્રાયોજિત નાટ્યાત્મકતા છે તો આ ઉપખંડ જોગ નવી દિલ્હીની અગ્રતાનો નિર્દેશ પણ છે.

જો કે, ભાજપ માટે એનો પોતાનો હજુયે નહીં જઈ શકતો પૂર્વરંગ જોતાં તેમ ભારત-પાક સંબંધોનો સિલસિલો જોતાં શાંતિપૂર્ણ અને વિકાસોન્મુખ મૈત્રી સંબંધ જરી સીધાં ચડાણ તો છે જ. વાજપેયીની લાહોર પહેલને જનરલ મુશર્રફે કાર્ગિલ દાવથી મોચવી હતી એ સાચું; પણ છેલ્લી ચૂંટણીમાં નવાઝ શરીફના પક્ષ સહિત પાકિસ્તાનના પાંચ પાંચ રાજકીય પક્ષોએ ભારત સાથે મૈત્રીસંબંધને પોતપોતાના ઢંઢેરામાં એક અગ્રમુદ્દા તરીકે સમાવ્યો હતો એ ય સાચું. નહીં કે આપણે છેડે તેમ પરસ્પર ઉશ્કેરાવાનાં કારણો નથી મળતાં; પણ ૧૯૪૭ના વિભાજનસંદર્ભ છતાં ભારતે એકંદરે બિનસાંપ્રદાયિક રાહ લીધો એનાં સુભગ પરિણામોને પોતાની અવનતિને મુકાબલે મૂલવતો જે એક વૈચારિક અભિગમ પાકિસ્તાનમાં વિકસ્યો છે અને ઉપખંડમાં મૈત્રીસંબંધનું અનિવાર્ય ઉપયોગમૂલ્ય પણ એને વસ્યું છે એ જોતાં દડો દિલ્હી દરબારમાં છે.

કમબખ્ત, પૂર્વરંગ! બહિરંગનિરપેક્ષ અંતરંગ! ભાજપના સંઘનિયુક્ત મહામંત્રી રામ માધવે અલ જજીરા સાથે વાતચીતમાં આ જ દિવસોમાં ‘અખંડ ભારત’નો ખયાલ દોહરાવ્યો છે. કેમ જાણે, નમોની નાટ્યાત્મક પહેલની ભાવનાત્મક અપીલ તળેથી પાટિયું ખેંચી લેવાતું હોય એવો આ જોગાનુજોગ, પછીથી રામ માધવથી માંડીને રાકેશ સિંહાની ઘટતી સફાઈ છતાં, બની આવ્યો તે બની આવ્યો.

નેહરુનો, ‘પાકિસ્તાન ઈઝ એ ફૅક્ટ ઑફ લાઈફ’ એ ઉદ્ગાર સંઘવર્તુળોમાં ચિરકાલીન ટીકાપાત્ર રહ્યો છે. લોહપુરુષને (જે પ્રથમ વડાપ્રધાન હોવા જોઈતા હતા, એમને) ભાગલા અનિવાર્ય લાગ્યા હતા એ ઇતિહાસવિગતનો આ વર્તુળોને ખપ નથી. વાજપેયીએ લાહોરમાં ‘મિનારે પાકિસ્તાન’ની સત્તાવાર મુલાકાત લઈ અખંડ ભારતવાદી પક્ષપરિવારની વિચારરૂખમાં નવી વહેવારભોં ભાંગી ગઈ હતી એ પ્રક્રિયા આગળ વધાર્યા વિના જયવારો નથી. દ્વિરાષ્ટ્રવાદી ઝીણાના હિંદુ અડધિયા જેવી રાજનીતિની મૂર્છા વળે તે વિના આ થવાનું નથી.

અલબત્ત, સરહદો હળવી – કહો કે અસંગત જેવી – અને બજાર એકરૂપ થઈ જાય, સાંસ્કૃિતક-સાહિત્યિક-શૈક્ષણિક ઉત્કટ આપલે અને સહયોગ ચાલે એવી એક બિનસાંપ્રદાયિક માનવતાવાદી પરિસ્થિતિમાં વ્યાપક અર્થમાં એક ભારત બની આવે તે કેમ ન ગમે. કોને ન ગમે. માત્ર, રાષ્ટ્રવાદની સાંકડી વ્યાખ્યાનો અફીણઆથો છૂટે તો વાત બને.

ચાય પે ચર્ચાનો સદ્ભાવમાહોલ ઘરેબાહિરે જારી રહે એ માટે હાલના સત્તા-પ્રતિષ્ઠાન અને પક્ષપરિવારની તૈયારી ખરેખાત કેટલી છે એ સ્તો લાખ રૂપિયાનો સવાલ છે. તમે જુઓ, સહિષ્ણુતા વિવાદને ભારતીય સંસ્કૃિતની સર્વસમાવેશી સહિષ્ણુતાનો હવાલો આપીને નાનો (બલકે નકામો) ચીતરાય છે. અસહિષ્ણુતા હતી તો ભાગલા વખતે હતી – આજે ક્યાં છે, એવું પણ કહેવામાં આવે છે. માત્ર, અસહિષ્ણુતાના એકોએક હિંસ્ર ઉદ્રેક પરત્વે પરિવાર અને પ્રતિષ્ઠાન કાં તો સૅન્ક્શન કે પછી આંખ આડા કાનને રસ્તે ચાલે છે. રાજ્યના દાયિત્વ અને ઉત્તરદાયિત્વનો પ્રશ્ન છોડ્યો છોડાય એમ નથી. જેટલીની સોફિસ્ટ્રી અને નમોની ડેમેગોગી (અને યથાવસર મુખટ મૌન) વિશે ચાય પે ચર્ચાનો સૌજન્ય માહોલ બને તો વાત બને.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016, પૃ. 01

Loading

એક હતાં સાવિત્રીબાઈ ફૂલે

મેહુલ મંગુબહેન|Opinion - Opinion|3 January 2016

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' હાલ હિટ ચાલી રહી છે. એમાં વાત યોદ્ધાની લવ સ્ટોરીની છે. ફિલ્મમાંથી પેશવા પરિવારની મુસ્લિમ સ્ત્રીની સંતાન મસ્તાની પ્રત્યેની રૂઢિવાદી માનસિક્તાનો ચિતાર તો મળે છે પણ એ સમયની સામાજિક હકીકતોનો આછેરો ઉલ્લેખ પણ મળતો નથી. ૧૮ સદીના એ સમયમાં વર્ણવ્યવસ્થા આજના કરતાં અનેકગણી વધારે કટ્ટર હતી. પેશવાઓના રાજમાં શુદ્રોને જો રસ્તા પર અન્ય ઉચ્ચ વર્ણનું કોઈ ચાલી રહ્યું હોય તો પસાર થવાનો અધિકાર નહોતો. સવર્ણો અછૂતો અને નીચ વર્ણના લોકોને દૂરથી જ ઓળખી શકે તે માટે તેમણે કાંડા પર કાળો દોરો બાંધવો પડતો હતો અને પેશવાની રાજધાની પૂણેમાં તો એમણે પોતાનાં પગલાંનાં નિશાન ભૂંસાઈ જાય એ માટે કમરની પાછળ ઝાડૂ બાંધવું પડતું હતું. ભણતર શબ્દનો અર્થ ફકત બ્રાહ્મણો તથા ઉચ્ચ વર્ણોને જ લાગુ પડતો હતો. આ સિવાય પાણી સહિત કોઈ પણ કુદરતી સંપદાનો ઉપયોગ કરવામાં કડક અંકુશ, વેઠ તેમ જ અન્ય રીતે શારીરિક શોષણ તો ખરાં જ. પેશવાઓ સંચાલિત મરાઠા સામ્રાજયનો ૧૮૧૮માં અંત આવ્યો અને એના ૧૩માં વર્ષે ૧૮૩૧ની ૩ ફ્રેબ્રુઆરીએ પેશવાઈ સમાજની રૂઢિઓને તોડનાર અને ભારતમાં શિક્ષણ અને મહિલા અધિકારનો વિજય ધ્વજ ખોડી દેનાર સાવિત્રીબાઈ ફૂલેનો જ્ન્મ થયો. સાવિત્રીબાઈ જન્મ્યાં ત્યારે છેલ્લો પેશવા, બાજીરાવ બીજો અંગ્રેજોની શરણાગત સ્વીકારીને કાનપુર નજીક બિઠૂરમાં ઠરીઠામ થઈ ગયો હતો પણ બાકીનો ક્રૂર રૂઢિવાદી સમાજ તો ત્યાં જ હતો. જયાં સ્ત્રીઓએ કદી ન જન્મવું જોઈએ એવા સમાજમાં અને એવા વખતમાં સાવિત્રીબાઈ જન્મ્યાં અને એ પણ શુદ્ર પરિવારમાં.

ભારતમાં સમાજ સુધારણાની વાત કરવામાં આવે એટલે મોટે ભાગે આપણને પાઠયપુસ્તકોમાંથી ગોખાવી દેવામાં આવેલાં નામ જ યાદ આવે છે. રાજાઓના ઇતિહાસમાં પ્રજાની બાદબાકી થાય એમ સામાજિક સુધારણાના ઇતિહાસમાંથી પણ શુદ્રો કે નિમ્નવર્ગના લોકોની લીટી નાની કરી દેવામાં આવતી હોય છે. એટલે જ સરેરાશ સુધરેલો અને ભણેલોગણેલો માણસ પણ એમ પૂછી બેસતો હોય છે કે સાવિત્રીબાઈ કોણ ?

સવાલનો વિગતવાર જવાબ ઘણો લાંબો થઈ શકે પણ ટૂંકમાં મુદ્દાસર જોઈએ તો. એક, પરંપરાને વશ પિયરમાં અભણ રહેનાર અને પતિના ઘરે જઈને ભણનાર ભારતની પ્રથમ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. બે, સાવિત્રીબાઈ એટલે ૧ જાન્યુઆરી ૧૮૪૮માં દેશની પ્રથમ મહિલા શાળાની સ્થાપક અને પ્રથમ મહિલા શિક્ષક. ત્રણ, જેમણે સાસરીમાં આરામથી રહેવાને બદલે જેણે શુદ્રોને ભણાવવા બદલ પતિ સાથે પહેરેલ કપડે સાસરુ છોડવાનું પસંદ કર્યુ એ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. ત્રણ, પેશવાઓની રાજધાની સાતારા, પૂણે અને અહમદનગરમાં બીજી શાળાઓ શરૂ કરી. ચાર, સાવિત્રીબાઈ એટલે એવી સ્ત્રી કે ઘરેથી બે સાડી લઈને સ્ત્રીઓને ભણાવવા શાળાએ જતી કેમ કે રસ્તામાં કટ્ટરવાદીઓ રોજ કચરો ફેંકીને એમનું સ્વાગત કરતાં હતાં, એમાં એક સાડી બગડી જતી હતી. પાંચ, બ્રાહ્મણ સમાજમાં અત્યંત દયનીય સ્થિતિમાં જીવતી વિધવાઓની પડખે ઊભી રહેનાર અને એમને માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કરનાર સ્ત્રી એટલે સાવિત્રીબાઈ.

સાવ નાની વયે વિધવા બનેલી અને મલાજાને નામે શોષણનો ભોગ બનતી છોકરીઓનાં અનેક સંતાનોની એ માતા બન્યાં અને એટલું જ નહીં સમાજ જેને નાજાયઝ ઔલાદ કહે છે એવા દીકરાને છડેચોક દત્તક લીધો. છ, સાવિત્રીબાઈ એટલે એ સ્ત્રી કે જેઓ વિધવા સ્ત્રીઓનું મુંડન બંધ કરાવવા ઐતિહાસિક હજામ હડતાળને અંજામ આપવામાં સક્રિય રહ્યાં. ફિલ્મમાં બાજીરાવની માને માથે મુંડો કેમ છે એવો સવાલ જો ન થયો હોય તો નોંધી લો કે એ સમયે વિધવા થયેલી બ્રાહ્મણ સ્ત્રીઓના વાળ અત્યંત ક્રૂરતાથી કાપી દેવામાં આવતા હતાં. સાત, સાવિત્રીબાઈ એટલે પ્રથમ આધુનિક મરાઠી કવિયત્રી. ૧૮૫૪માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો જેનું નામ હતું કાવ્યફૂલે. આઠ, સાવિત્રીબાઈ એટલે એ કે જેમણે દેશમાં પહેલીવાર ખેડૂતો અને મજૂરો માટે રાતની નિશાળ શરૂ કરી. નવ, જેમણે પોતાના ઘરનો કૂવો અતિશુદ્રો માટે ખુલ્લો મુકયો. દસ, સાવિત્રીબાઈ એટલે સામાજિક સુધારણા માટે મથનાર સત્ય શોધક સમાજની સક્રિય કર્મશીલ. અગિયાર, ૧૮૯૭માં પૂણેમાં ફેલાયેલા ભયંકર પ્લેગ વખતે પોતે પ્લેગનો ભોગ બન્યાં એ હદ સુધી લોકોની સેવા કરનારા સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. છેલ્લે એ ઓળખાણ પણ ખરી કે મહાત્મા ગાંધી અગાઉના મહાત્મા એવા પાયાના સમાજસુધારક જોતિબા ફૂલે એ સાવિત્રીબાઈના પતિ થાય.

ભારતના લોકોએ, ઈતિહાસકારોએ અને સ્વરાજ આવ્યા પછીની સરકારોએ પણ એના ખરા સમાજસુધારકો સાથે પૂરો ન્યાય નથી કર્યો. સાવિત્રીબાઈને નામે મહારાષ્ટ્ર સરકાર સમાજસુધારણાનો એવોર્ડ આપે છે. અમુક-તમુક સરકારી યોજનાઓ પણ હશે એમના નામે. છેક ૧૯૯૮માં અવસાનની શતાબ્દીએ એક ટપાલ ટિકિટ પણ બહાર પડી હતી અને હજી ગત વર્ષે જ પૂણે વિશ્વવિદ્યાલય સાથે સાવિત્રીબાઈનું નામ જોડાયું છે પણ સાવિત્રીબાઈ અને જોતિબાની સમાજસુધારણાનું વિશાળ ફલક જોતા આવી અંજલિઓ ઘણી નાની ગણાય.

e.mail : mmehul.sandesh@gmail.com

સૌજન્ય : ‘સાદ સંવાદ’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 જાન્યુઆરી 2016

http://www.sandesh.com/article.aspx?newsid=3214851

Loading

રઘુવીરને જ્ઞાનપીઠ તિલક, થોડું મંથન

પ્રકાશ ન. શાહ

, પ્રકાશ ન. શાહ|Opinion - Literature|2 January 2016

લેખક જો વિરોધપક્ષનો નેતા નથી તો શાસકપક્ષનો અણચિંતવ્યો કો-ઓપ્ટેડ પ્રવક્તા પણ નથી

ગુજરાત જોગ ચોથા જ્ઞાનપીઠ પુરસ્કારના સમાચાર સાંભળ્યા કે તત્ક્ષણ ધસી આવેલો દુર્વિચાર અગર સુવિચાર એ હતો કે માણસા પંથકને રાષ્ટ્રીય સ્તરે અમિત શાહથી ઉફરી ઓળખનાં દ્વાર ઠીક ખૂલ્યાં: તે સાથે એક પડકાર પણ મીઠી વલૂરની પેઠે ખણુંખણું થવા લાગ્યો કે સહરાની ભવ્યતા સરખા સાહિત્યિક ઊંચાઈ ને ગહરાઈ ધરાવતાં વ્યક્તિચિત્રોના તેમ જ તિલકશ્રેણીના ઉમદા પીઆર પરિચયોના લેખકને જ્ઞાનપીઠ તિલકની આ ક્ષણે એમના બરનો ચરિત્રકાર મળશે તો ક્યારે મળશે.

ના, આ લખનારની નથી એ માટે ઉમેદવારી કે નથી તૈયારી, કેમ કે ‘અમૃતા’ અને ’વાસત્રયીના સર્જકને શોભીતાં હુન્નર ને કલાકારીગરીને કસબ ક્યાંથી લાવું. જો કે એમના લ-ગ-ભ-ગ હમઉમ્ર, ભાષાસાહિત્યપ્રેમે કંઈક હમજુલ્ફ અને જોગસંજોગે સાથી-કટારચીને નાતે સમસામયિક સંદર્ભમાં નિસબતની બેત્રણ વાતો એમને મિષે કહેવા જરૂર ઈચ્છું છું. હજુ હમણે લગીનાં ઘણાં વરસોમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પર્યાયપુરુષ જેવી એમની છવિ બની છે. મુનશીની આજ્ઞાંકિતા મટી પરિષદે ઉમાશંકરનું સખીકૃત્ય સ્વીકાર્યું એ આજે છ દાયકાને છેડે કેમ જાણે વીસરું વીસરું ઈતિહાસવસ્તુ છે. સંસ્થાપુરુષ રઘુવીરની છવિ પાછી કવિતામાં અને કવિતાની બહાર ફૂટપાથનો થાક શેઢે ઉતારનાર તરીકે તો ગ્રામભારતી જેવા નઈ તાલીમ શિક્ષણ સંસ્થાનના મોભી તરીકેની પણ છે. સરવાળે નર્યાનકરા અક્ષરકર્મી નહીં, અક્કરમી નહીં પણ કર્મઠ કલમીની એમની આબરૂ છે.

પેરેલલ દોરવાની મર્યાદા અને ભયસ્થાનો જાણું સમજું છું પણ એક વાત આ ક્ષણે અચૂક સંભારવા ઈચ્છું છું કે દુરારાધ્ય બ.ક.ઠા.એ એક તબક્કે ઉમાશંકર જોશી વિશે એ મતલબનું કહ્યું હતું કે તે હવે ‘ઈત્યાદિ પ્રકારના’ નથી. એ પણ દોડ્યો’તો એવી હમભી ડીચ ઓળખ એમની નથી. જેને અભિપ્રાય આપવાનો અધિકાર છે અને આપણે જેનો અભિપ્રાય સાંભળવા ઈચ્છીએ એવું એક કેરેક્ટર આ છે. જ્ઞાનપીઠ તિલક રઘુવીરના આ તરેહના આભામંડળની શક્યતાને જરી ઓર અધોરેખિતપણે ચાચરચોકમાં આણે છે.

ગમે તમે પણ, રઘુવીરનો પ્રભાવ અને પકડ, એમનાં વગ અને વર્ચસ ઉત્તરોત્તર (બને કે કેટલાક કિસ્સામાં વાસ્તવિક કરતાં વધુ તો મનોવૈજ્ઞાનિક) એટલાં વિસ્તર્યા છે કે ચોક્કસ સંજોગોમાં સ્વીકૃતિ માટે એમનો હવાલો જરૂરી લેખાય છે. એનો હમણેહમણેનો ક્લાસિક દાખલો અકાદમી પ્રકરણનો છે. સ્વાયત્ત બંધારણને નષ્ટભ્રષ્ટ કરી પેરાશુટ પ્રમુખ સાથે અસ્તિત્વમાં આવેલી સરકારી અકાકમીમાં જોડાયેલા કોઈ કોઈ મિત્રો તમને રઘુવીરભાઈની શુભેચ્છાઓ કે આશીર્વચનોનો હવાલો આપશે. અકાદમી પ્રમુખને બે’ક વરસનો સમય આપો, એવું બોલતા રઘુવીર ક્યાંક ટંકાતા જણાશે. બીજી પાસ, રઘુવીર એમના ખુદના શબ્દોમાં સ્વાયત્તતાથી બંધાયેલા છે. અલબત્ત, આમ કહેવા સાથે એમણે સરળતાથી ઉમેર્યું છે કે સંવાદથી ઉકેલ શક્ય છે.

આટલું ઓછું હોય એમ ઉકેલ ભણીનો રોડમેપ પણ એમણે ચીંધી બતાવ્યો છે. પ્રમુખ ચૂંટાયેલા હોય કે સરકારે નીમેલા એ વૈચારિક મતભેદનો મુદ્દો છે. (આનંદો, નિયુક્તિ અને ચૂંટણી એકમેકના વિકલ્પ હોઈ શકે છે…અને સ્વાયત્તતા બરકરાર છે.) સરવાળે, ઉમાશંકર સંક્રાન્તિમાં અપેક્ષિત લોકશાહી ય રખાવટ હાલ કેવી પરિસ્થિતિમાં મુકાઈ છે એનું ચિત્ર ભૂજ અધિવેશનની પૂર્વસંધ્યાએ ચંદ્રકાન્ત ટોપીવાળાએ આપેલી મુલાકાતમાંથી ટાંકીએ તો ‘ગુજરાત સાહિત્ય અકાદમી સામે અસહકારની સંમતિ આપી સરકારને સહકાર આપ્યા કરવાનું જે ચાલ્યું છે એમાં સાહિત્યકારોને સ્વાયત્તતાના મૂલ્યની ખબર નથી એવું તો નથી, પણ બીજાં અનેક મૂલ્ય-અમૂલ્યનાં લેખાંજોખાં એમની સાથે રહ્યાં છે.’

રહો, જ્ઞાનપીઠ તિલક સરખી અખિલ ભારતીય મહત્ત્વ ઘડીને ગુજરાતમાં જ શા સારુ ગોટવી દઉં, એવું પણ આ ચર્ચતી વેળાએ થઈ આવે છે. પણ આ સન્માન એક એવી વ્યાસપીઠની સંભાવના રચી આપે છે જેના પરથી કિંચિત્ માર્ગદર્શનની અપેક્ષા રહે જ રહે. મીડિયાએ જ્ઞાનપીઠ પ્રતિભાને પૂછ્યું અને બારતેર વરસ પર આવા જ અવસરે રાજેન્દ્ર શાહે જગવ્યો હતો એવો વિવાદ જગવ્યા વગર એ હેમખેમ સોંસરા નીકળીયે ગયા. પણ વ્યાપક હિતમાં આ સવાલજવાબ થોડીએક ચર્ચા માગી લે છે.

લેખક, રઘુવીરભાઈના મતે લેખક છે એટલે કે વિરોધપક્ષનો નેતા નથી. એવોર્ડ વાપસીના અસાધારણ ઘટનાક્રમ સબબ એમની આ ટિપ્પણી આવી પડી છે. ગુજરાતના સ્વાયત્તતા વિવાદમાં હો કે દેશના અસહિષ્ણુતા વિવાદમાં, સરકાર અને રાજ્ય બાબતે લોકશાહીમાં શાસનતંત્રના સહજ સ્વીકાર કરતાં કંઈક સવિશેષ સ્વીકાર તરફ જાણે જતા ન હોય! એવોર્ડ પાછા વાળવાનું એમને મતે ગ્રાહ્ય નથી પણ પાછા વાળનારાઓનો ટીકામુદ્દો (એની રજૂઆતમાં, વિરોધપક્ષ જેવી તીવ્રતા બાદ કરતાં) સાચો હોઈ શકે છે એવું તો એમણે કહ્યું છે. જો કે, સરવાળે સરકાર અને રાજ્યને તે ‘સેફ પેસેજ પણ આપી શકે, કેમ કે આજે કોઈ ‘ઇમરજન્સી’ નથી જેનો વિરોધ કરવામાં પોતે પણ હતા. અસહિષ્ણુતા વિવાદનો છેદ એમણે એમ કહીને ઉડાડ્યો છે કે એ તો ભાગલા વખતે હતી તે હતી, આજે એને મુકાબલે ક્યાં છે.

જ્ઞાનપીઠ પ્રતિભાની મીડિયા સાથેની વાતચીતમાં આ બધાં વિધાનો એકસાથે મૂકીને તપાસતાં શું સમજાય છે? સરકાર અને રાજ્ય માત્રની પ્રકૃતિ જોતાં એને અંગે એક આલોચનાત્મક દૃષ્ટિબિંદુ હર શાસનમાં જરૂરી છે. ઈંદિરા ગાંધીના ‘અનુશાસન પર્વ’માં અને અન્યથા આપણને એ ઉત્કટપણે સમજાતું રહ્યું છે. એવોર્ડવાપસીનો સ્વયંભૂ ઉદ્રેક પણ આ જ આલોચનાત્મક દૃષ્ટિબિંદુનો એક દાખલો છે. ક્યારેક કૉંગ્રેસ સરકાર વિશે લાગ્યું હશે તેમ આજે ભાજપ સરકાર વિશે લાગે છે. કારણ, લેખક જો વિરોધપક્ષનો નેતા નથી તો શાસકપક્ષનો અણચિંતવ્યો કો-ઓપ્ટેડ પ્રવકત્તા પણ નથી. બંધારણીય સુધારા છતાં કટોકટી પાછી નહીં જ આવે એ બાબતે પોતે આશ્વસ્ત નથી એવી અડવાણીની કેફિયતમાં વ્યક્તિગત સમીકરણના શક્ય અંશો ગાળ્યા પછી પણ દમ છે તે છે.

જો કે, અડવાણી આ પરિસ્થિતિમાં એમની અને નમો બેઉની ગોત્રગળથૂથીગત વિચારધારાકીય ભૂમિકાનો જે હિસ્સો હોઈ શકે છે તે કેટલું સમજ્યા હશે એ આપણે જાણતા નથી. એમના અવલોકનમાં મુખ્ય હિસ્સો કદાચ નમોના રાજકીય ચરિત્રમાં રહેલ એકાધિકારવાદનો હશે. સરકાર અને રાજ્યમાત્રની પ્રકૃતિગત વાસ્તવિકતા વત્તા વિચારધારાકીય માંજો એ નવા શાસનની ઓળખ છે. ભાગલા વખતની અસહિષ્ણુતા અને આજની સરખામણી સ્થૂલ રીતે કરવા જેવી નથી. જે પણ બન્યું એને સ્વરાજ સરકારનું સૅન્કશન નહોતું. બિનસાંપ્રદાયિકતા ભણી લૂલીલંગડી પણ ગતિ હતી. આજે નાના નાના જે અસહિષ્ણુતાના બનાવો જારી છે એની પાછળ વિચારધારાકીય સમર્થન અને વૈકલ્પિક વિમર્શદાવો પડેલા છે. અસહિષ્ણુતાની ટીકા પરત્વે દાખવાતી અસહિષ્ણુતા, એ આપણા સમયની બલિહારી છે. સત્તાપક્ષના પ્રવકત્તા કે વિરોધપક્ષના નેતા કરતાં વધુ સારી રીતે આ કોણ કહી શકે, સિવાય કે કલમશીલ.

જ્યારે સમાજ અને સાહિત્ય વચ્ચેના જુવારાની એક આખી ફિલસૂફિયાણી ચાલતી હતી ત્યારે પ્રજાપરક લેખક તરીકે કલમ સાહનાર રઘુવીરના ઉજાસમાં આ થોડુંકેક જ્ઞાનપીઠ મંથન.  

સોજન્ય : ‘કલમશીલનો ધર્મ’, “દિવ્ય ભાસ્કર”, 02 જાન્યુઆરી 2016

Loading

...102030...3,7833,7843,7853,786...3,7903,8003,810...

Search by

Opinion

  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  
  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
  • કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved