
courtesy : Mahendrabhai Shah, USA
![]()

courtesy : Mahendrabhai Shah, USA
![]()
ગુલામ અલીએ ગયા અઠવાડિયે, બનારસના સંકટમોચન મંદિરના પટ્ટાંગણમાં, રાત્રે ત્રણ વાગ્યા સુધી, ગઝલ અને ઠૂમરીની મહેફિલ જમાવી હતી. ગુલામ અલીનો કાર્યક્રમ હતો તેથી સાંજથી જ મંદિરના ચોગાનમાં લોકો તેમને સાંભળવા માટે ઊમટી પડયા હતા. ઠૂમરીથી ગુલામ અલીએ શરૂઆત કરી અને શ્રોતાઓની માંગ પર 'હંગામા હૈ ક્યોં બરપા …' તેમ જ 'દિલ મેં ઇક લહેર સી ઉઠી હૈ અભી ..' સહિતની કેટલી ય ગઝલો સંભળાવી હતી. ગઝલ સંગીતનો નશો જ નિરાળો છે. દેશમાં ગઝલ સંગીતને માણનારો વર્ગ મોટો છે. ગઝલના સંખ્યાબંધ ચાહકો હોવા છતાં છેલ્લા એકાદ દાયકાથી ગઝલનાં નવાં આલબમો આવતાં ઓછાં થઈ ગયાં છે. ફિલ્મોમાંથી પણ ગઝલ ઓઝલ થઈ ગઈ છે. શા માટે ?
ચુપકે ચુપકે રાત-દિન આંસુ બહાના યાદ હૈ … તુમકો દેખા તો યે ખયાલ આયા … દિલ ચીઝ ક્યા હૈ … મેરા દિલ ભી કિતના પાગલ હૈ યે પ્યાર તો તુમસે કરતા હૈ … હોશવાલોં કો ખબર … તમે આ ગઝલો સાંભળી છે? એવો સવાલ પૂછવામાં આવે તો ૧૦માંથી ૧૦ જણાનો જવાબ 'હા'માં આવે. આ ગઝલો તમને સાંભળવી ગમે છે? એવો સવાલ પૂછવામાં આવે તો ૧૦માંથી ૯ કે ૮ જણાનો જવાબ 'હા'માં આવે. એટલું જ નહીં ચુપકે ચુપકે … દિલ ચીઝ ક્યા હૈ … તુમકો દેખા … ગઝલો તો દાયકાઓ જૂની છે છતાં ય આજે પણ એટલી જ સંભળાય છે જ્યારે એ રિલીઝ થઈ ત્યારે સંભળાતી હતી. કોઈ એફ.એમ. સ્ટેશન પર આ ગઝલ વાગે તો સ્ટેશન બદલવાનું મન ન થાય. અત્યારે પણ કેટલાંયના મોબાઇલના પ્લે લિસ્ટમાં આ ગઝલો હોવાની જ.
બહુ ઓછી એવી અભિજાત એટલે કે ઉચ્ચભ્રૂ એટલે કે ઊંચા માયલી ચીજો હોય છે કે જેની ઇન્ટેલેક્ચ્યુઅલ અપીલ પણ હોય તેમ જ માસ અપીલ હોય. ગઝલ એમાંની એક છે. જગજિત સિંહ ગુજરી ગયા ત્યારે ભારતમાં ગમગીનીનું મોજું ફરી વળ્યું હતું. ન્યૂઝ ચેનલો પર બે-ત્રણ દિવસ સુધી સળંગ એનું કવરેજ કરવામાં આવ્યું હતું. તેમના મૃત્યુની પહેલી વરસીએ ગૂગલવાળાએ ડૂડલ તૈયાર કર્યું હતું. જે એ પ્રમાણ દર્શાવે છે કે ભારતમાં ગઝલનો ચાહકવર્ગ કેટલો વિશાળ છે. દરબાર – એ – ફનકાર પાકિસ્તાની ગઝલગાયક મેહદી હસન અવસાન પામ્યા ત્યારે ભારતના અસંખ્ય ચાહકોને ધક્કો લાગ્યો હતો. જે દર્શાવે છે કે ગઝલ સંગીતને ભારતની અવામ કેટલી ચાહે છે. ટૂંકમાં, ગઝલની લોકપ્રિયતા આજે પણ એટલી જ અકબંધ છે. વીસ વર્ષ પહેલાં હતી એટલી જ એની ચાહના છે.
ગઝલનો આટલો વિશાળ શ્રોતાવર્ગ છે છતાં ફિલ્મ સંગીતમાં એનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. છેલ્લે ફિલ્મ 'ઇશ્કીયા'(૨૦૧૦)માં 'અબ મુઝે કોઈ …', 'બરફી'(૨૦૧૨)માં 'ફિર લે આયા દિલ ..' તેમ જ 'ડી – ડે'(૨૦૧૩)માં 'ઈક ઘડી ઔર ઠહર … જેવી ગઝલો સાંભળવા મળી હતી. આવા સમ ખાવા પૂરતા અપવાદોને બાદ કરીએ તો છેલ્લે કઈ ફિલ્મમાં ગઝલ સાંભળી કે જોઈ એનો જવાબ યુ.પી.એસ.સી.ના વિદ્યાર્થીઓને પણ ન આવડે. છેલ્લે કઈ નવી નોનફિલ્મી ગઝલ તમે સાંભળી છે એનો જવાબ પણ જડવો મુશ્કેલ છે. અલબત્ત, કેટલાંક આલબમ રિલીઝ થયાં છે પણ એ એટલી પહોંચ બનાવી શક્યાં નથી.
મ્યુિઝશિયન કે ટેક્નિશિયન?
જે વસ્તુની ડિમાન્ડ હોય એ માર્કેટમાં ન મળે એ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ પણ અજબ કહેવાય છે. લોકપ્રિય હોવા છતાં ગઝલસંગીત અને તેના ચાહકો વચ્ચે ખાઈ પડી છે. ગઝલ સંગીતની ભરતીમાં પણ ઓટ આવી છે. આના માટે કેટલાંક કારણ તપાસીએ.
ફિલ્મ સંગીતમાં ગઝલના નામે જે દુકાળ પડયો છે એનાં બે-ત્રણ કારણો છે. અત્યારના જે ચલણી એટલે કે પોપ્યુલર સંગીતકારો છે તેમને ગઝલ કમ્પોઝીશનનાં પોત અને બારીકીઓની ખબર નથી. ગઝલને લાઇટ ક્લાસિકલ સંગીત કહેવામાં આવે છે, તેથી એના માટે ક્લાસિકલ સંગીતની જાણકારી હોવી જરૂરી છે. જેનો આજના મોટા ભાગના સંગીતકારોમાં અભાવ છે. ઉપરાંત, ગઝલ માટે શાયરી અને શબ્દોની અદાયગી સમજવી પડે. ગઝલ મૂળે પર્શિયનમાંથી આબાદ વિકાસ પામેલું ઉર્દૂનું ફોર્મેટ છે. તેથી ઉર્દૂની થોડી ઘણી સમજ હોય તો ગઝલ કમ્પોઝીશનમાં વાંધો ન આવે. આજના કેટલાંક સંગીતકારોને હિન્દીના ય કેટલાક શબ્દો નથી સમજાતા ત્યાં ગઝલના ઉર્દૂ શબ્દોની નકશી કેમ સમજાય? સરળ બાનીમાં લખાયેલી ગઝલો પણ કમ્પોઝ થઈ શકે છે. જગજિત સિંહે કમ્પોઝ કરેલી અને ગાયેલી મોટા ભાગની ગઝલો સરળ બાનીની હતી. આમાં મુદ્દાની વાત એ છે કે જગજિત સિંહ પોતે ઉર્દૂના સારા જાણકાર હતા. તેમણે મિર્ઝા ગાલીબની ગઝલો પણ સ્વરબદ્ધ કરી હતી. સાઇકલ બે હાથ છોડીને પણ ચલાવી શકાય છે, પણ એવું ત્યારે જ શક્ય બને જો પહેલાં એ બે હાથે પકડીને ચલાવતા આવડતી હોય.
બીજી મર્યાદા એ છે કે હિન્દી ફિલ્મોમાં એવી પ્રથા રૂઢ બની ગઈ છે કે પહેલાં કમ્પોઝિશન તૈયાર થાય છે અને પછી એમાં ગીતના શબ્દો પૂરવામાં આવે છે. શીકામાં શાક ભરાય એમ. આવું અગાઉ પણ થતું હતું. આર.ડી. બર્મન મોટે ભાગે એ જ સ્ટાઇલમાં ગીતો કમ્પોઝ્ડ કરતા હતા. તેઓ ધૂન તૈયાર કરે અને ગુલઝાર એમાં શબ્દો પૂરે. મુદ્દાની વાત એ છે કે તેઓ સંગીતના મરમી માણસ હતા. ભારતીય શાસ્ત્રીય સંગીતની રાગદારી જાણતા હતા અને વેસ્ટર્ન મ્યુિઝક શીખેલા હતા. તેમના પિતા એસ.ડી. બર્મને બંગાળી લોકસંગીત તેમને ગળથૂથીમાં પાયું હતું. બધું પી-પચાવીને તેમણે સંગીતકાર તરીકે આગવી મુદ્રા વિકસાવી હતી. તે સંગીતના નિયમો જાણતા હતા, તેથી એ નિયમો સાથે રમી શકતા હતા. આર.ડી. બર્મન સિવાયના મોટા ભાગના સંગીતકારો લખાયેલાં ગીતને જ કમ્પોઝ કરતા હતા.
અત્યારે શંકર મહાદેવન, હિમેશ રેશમિયાને બાદ કરીએ તો મોટાભાગના આજના ચલણી સંગીતકારોને શાસ્ત્રીય સંગીતની સમજ-પરખ નથી. નૌશાદ, ખય્યામ, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, કલ્યાણજી-આણંદજી, મદન મોહન સંખ્યાબંધ ફિલ્મોમાં સંગીત આપી શક્યા એનું કારણ એ હતું કે તેઓ શાસ્ત્રીય સંગીતથી બખૂબી વાકેફ હતા. તેઓ જાણતા હતા કે હિન્દી સિનેમામાં લાંબી ઇનિંગ્સ તો જ રમી શકાય જો શાસ્ત્રીય સંગીત જાણતા હોઈએ. કદાચ આજનો કોઈ સંગીતકાર એવું કહે કે હું શાસ્ત્રીય સંગીત શીખેલો છું તો એ તેનાં ગીતોમાં રિફ્લેક્ટ થતું દેખાતું નથી, તેથી આજના મોટાભાગના મ્યુિઝશિયન એ ટેક્નિશિયન છે. તેઓ ગીતનું સારું મુખડું સ્વરબદ્ધ કરે છે અને સંગીતનાં આધુનિક વાદ્યોથી એને ટેક્નિકલી સજાવે છે. હવે તો એવી મશીનરીઓ આવી ગઈ છે કે વાહિયાત ગાનારાનું આઉટપુટ પણ સારા અવાજમાં મળે. ગઝલસંગીતને આ પરિબળ નડયા છે.
આજના સંગીતકારો સામે બીજી મર્યાદા ફિલ્મમાં નાણાં રોકતા પ્રોડયુસર્સ છે. કોઈ સંગીતકારે સરસ ગઝલ કમ્પોઝ કરી હોય અને ફિલ્મમાં એનો ઉપયોગ કરવા માગતા હોય તો પ્રોડયુસર એના માટે તૈયાર થતા નથી. અત્યારે સૂફી સોંગ્સનો ટ્રેન્ડ છે તેથી એ ચાલે છે પણ ગઝલ માટે તૈયાર થતા નથી. પ્રોડયુસર્સ માર્કેટના એંગલથી જ વિચારતા હોય છે. પ્રોડયુસર ફિલ્મ માટે સિંહ જેવા હોય છે. તેમને ન કહી શકાય કે સાહેબ, તમે માઉથ-ફ્રેશનર ખાઈ લો. તમારું મોં ગંધાય છે, તેથી ફિલ્મમાં ગઝલ ઓઝલ થઈ ગઈ એમાં ક્યાંક સંગીતકારની મર્યાદા છે. સંગીતકાર સમજદાર છે ત્યાં માર્કેટ તરીકે ફિલ્મની મર્યાદા છે.
ગઝલ આલબમોમાં ઓટ કેમ આવી?
હવે ગઝલનાં પ્રાઇવેટ આલબમો અને પ્રસ્થાપિત ગઝલગાયકો તરફ વળીએ. ગઝલનાં પ્રાઇવેટ આલબમોની તેજી હવે મંદીમાં પલટાઈ ગઈ છે. આ વાત માત્ર ગઝલ આલબમોને જ લાગુ પડતી નથી. પોપ, રોક, ફ્યુઝન દરેકને લાગુ પડે છે. ગઝલનાં આલબમો તો સાઠના દાયકાથી રિલીઝ થતાં હતાં અને ૨૧મી સદિના પહેલા દાયકા સુધી એટલે કે ૨૦૦૪ – ૨૦૦૫ સુધી એનું માર્કેટ ધમધોકાર ચાલ્યું હતું. ૯૦ના દાયકામાં જગજિત સિંહના ખૂબ આલબમો આવ્યાં હતાં. મિરાજ, ફેસ ટુ ફેસ, ઇનસાઇટ, ઇનસર્ચ, સિલસિલે, મરાસિમ, યુનિક વગેરે આલબમો હિટ રહ્યાં હતાં. એ જ અરસામાં હરિહરને પણ ઘણાં ગઝલ આલબમ આપ્યા. હાઝીર, ગુલફામ, જશ્ન, હલકા નશા, કરાર, વિસાલ, કાશ વગેરે..
ઉસ્તાદ એહમદ હુસેન – મોહમ્મદ હુસેનની જોડી તેમ જ પંકજ ઉધાસનાં આલબમો ૮૦ના દાયકાથી દર દોઢ-બે વર્ષે એકાદ આલબમ રિલીઝ થતાં જ રહે છે.
૯૦ના દાયકામાં ગઝલ સંગીતનો શ્રોતાવર્ગ વધ્યો હતો. નવા યુવા શ્રોતા ગઝલ સાંભળતા થયા હતા. જેનું શ્રેય જગજિત સિંહને જાય છે. જગજિત સિંહની ગઝલગાયકીની પોતાની શૈલી હતી. તેમના લાઇવ રેર્કોિંડગ્સ અને આલબમો આજે પણ લોકો ખૂબ સાંભળે છે. ગઝલ સંગીતમાં કેળવાઈ રહેલા શ્રોતાના કાન માટે મેહદી હસન કે બેગમ અખ્તર પચાવવાં અઘરાં પડે. જગજિત સિંહની ગાયકી સરળ હતી અને અપીલ ત્વરિત હતી.
ઇન્ફર્મેશન ટેક્નોલોજીની ક્રાંતિને પગલે ૨૧મી સદીના પહેલા દાયકાની મધ્યમાં એટલે કે ૨૦૦૫ પછી ચિત્ર બદલાયું. લોકો ગઝલ તેમ જ અન્ય સંગીતની સી.ડી. ખરીદવાને બદલે ઇન્ટરનેટ પરથી સીધા ડાઉનલોડ કરવા માંડયા. તેથી માર્કેટ ડાઉન થયું હતું. એને પરિણામે પ્રાઇવેટ મ્યુિઝક આલબમોને ફટકો પડયો, તેથી ગઝલના નવાં આલબમ આવતાં બંધ થઈ ગયાં.
લાઇવ શો અને મહેફિલ-બેઠક પર ટકેલું ગઝલ સંગીત
ગઝલ સંગીત હવે માત્ર લાઇવ શો અને પ્રાઇવેટ મહેફિલ પર ટક્યું છે. હરિહરન અને ઉસ્તાદ ઝાકિર હુસેને ૧૯૯૨માં 'હાઝિર' ગઝલ આલબમ આપ્યું હતું, જે સુપરહિટ રહ્યું હતું. હવે આ બેલડીએ ગયા વર્ષે 'હાઝિર-ટુ' નામનું આલબમ તેમ જ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. પ્રોજેક્ટ એટલા માટે કે તેઓ 'હાઝિર-ટુ'ના નામે લાઇવ શો રજૂ કરે છે. થોડા દિવસ પહેલાં અમદાવાદમાં એનો શો થઈ ગયો. જેમાં તેઓ 'હાઝિર-ટુ' આલબમની નવી ગઝલો તેમ જ અન્ય પોપ્યુલર ગઝલો ગાય છે. સમય સાથેના બદલાવનો આ નવો પ્રયોગ છે. અમદાવાદમાં શો હતો ત્યારે ખુલ્લા મેદાનમાં હતો. ચાલુ કન્સર્ટે અચાનક ઝરમર વરસાદ વરસ્યો છતાં લોકો ત્યાંથી ખસ્યા નહોતા અને કન્સર્ટ માણ્યો હતો.
ગઝલગાયકીમાં મંજાયેલું અને જૂનું નામ એટલે ઉસ્તાદ એહમદ હુસેન – મોહમ્મદ હુસેન. આ બંને ભાઈઓની વિશેષતા એ રહી છે કે પચાસ કરતાં વધુ વર્ષોથી ગઝલ સંગીતમાં ચૂપચાપ પોતાનું પ્રદાન કરતાં રહે છે. તેમના લાઇવ શો આજથી ચાલીસ વર્ષ પહેલાં થતા હતા અને આજે પણ થાય છે. બંને ભાઈઓ પબ્લિસિટીની લાયમાં ક્યારે ય પડતા નથી. જયપુર ઘરાણાના આ બંને ગાયકોએ તેમના પિતા ઉસ્તાદ અફઝલ હુસૈન પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. ગઝલગાયકીમાં મહિલા-પુરુષ સાથે ગાતાં હોય એવી જોડી તો હોય છે. બે પુરુષ વર્ષોથી સાતત્યપૂર્વક સાથે ગાતા હોય એવી આ પહેલી જોડી છે. તેમના પિતાનો આગ્રહ હતો કે બંને ભાઈઓ સાથે ગઝલ રજૂ કરે. ગઝલ ગાયનમાં બંને ભાઈઓનો તાલમેલ તેમ જ પાક્કો રિયાઝ કરવાને લીધે ગાયનમાં શાસ્ત્રીય હરકતો કરવાની તેમની આગવી શૈલી છે. આ બંને ભાઈઓની ગાયકી પર શ્રોતાના કાન એક વખત કેળવાઈ જાય તો તેમને નિયમિત સાંભળવાનું વ્યસન થઈ જાય. લાઇવ શોમાં તેઓ ઔર ખીલે છે. જગજિત સિંહ, પંકજ ઉધાસ વગેરેની ઇમેજ સ્ટુડિયો સિંગરની છે. લાઇવ પરફોર્મન્સમાં તેઓ એક હદથી વધારે કલાકારી નથી કરી શકતા. હુસેન બંધુ લાઇવ શોમાં ગઝલને એ રીતે બહેલાવે કે તબિયત ખુશ થઈ જાય.
હાલના તબક્કે ગઝલગાયકીમાં લાઇવ શોનું સૌથી પોપ્યુલર નામ એટલે ગુલામ અલી. ગુલામ અલી ગઝલગાયકીના એવા બાશિંદ છે કે છેલ્લા ચારેક દાયકાથી તેમની લોકપ્રિયતા અણનમ છે.
પંકજ ઉધાસ મુંબઈમાં દર વર્ષે 'ખઝાના' નામનો બે દિવસનો ગઝલ કન્સર્ટ કરે છે. જેમાં ભુપિન્દર-મિતાલી, હુસેન બંધુ, તલત અઝીઝ, રાજેન્દ્ર મહેતા જેવાં જાણીતાં ગાયકો ઉપરાંત ગઝલગાયકીના નવા ગાયકો એમાં પરફોર્મ કરે છે. ઘણાં વર્ષથી યોજાતા આ કન્સર્ટની લોકપ્રિયતા એવી છે કે જેવી એની જાહેરાત થાય છે એની થોડી ઘડીઓમાં શો હાઉસફુલ થઈ જાય છે.
આટલા દાખલા આપવા પાછળનું તાત્પર્ય એ છે કે ગઝલ હવે લાઇવ શો પર નિર્ભર છે. લાઇવ શોને મોટી સંખ્યામાં શ્રોતા મળે છે. નામી કલાકારોએ ગઝલની શમા લાઇવ શોથી રોશન રાખી છે. વિટંબણા એ છે કે લાઇવ શો મોટાં શહેરોમાં જ યોજાય છે અને મોંઘા પણ હોય છે, તેથી નાનાં શહેરો અને ગામના લોકો અને હળવું ખીસું ધરાવનાર ગઝલથી વંચિત રહી જાય છે.
નવા ગઝલગાયકો
મને ગઝલ ગાવાની ભરપૂર ઇચ્છા હતી. એના વગર મને ગાયિકા તરીકે અધૂરપ લાગતી હતી. ફિલ્મોમાં મને ગઝલનો અવસર નથી મળતો તેથી ગયા વર્ષે ગઝલ આલબમ રજૂ કર્યો ત્યારે મને સંતોષ થયો.
– શ્રેયા ઘોષાલ
ગઝલ ગાયનમાં મેહદી હસન, બેગમ અખ્તર, ફરિદા ખાનમ, ગુલામ અલી, જગજિત સિંહ, હરિહરન, ભુપિન્દર-મિતાલી, રાજેન્દ્ર-નીના, અશોક ખોસલા, ચંદનદાસ પછી કોણ? એ સવાલનો જવાબ છે મોહમ્મદ વકીલ, સુદીપ બેનર્જી, તૌશિફ અખ્તર, રણજિત રજવાડા વગેરે કલાકારો. ગઝલગાયકીમાં આ નવા કલાકારો પરંપરાને અજવાળી રહ્યા છે. આ કલાકારો દેશવિદેશમાં લાઇવ શો કરે છે. જે લોકો ગઝલ નિયમિત સાંભળે છે તેમના માટે આ નામો અજાણ્યાં નથી, તેથી ગઝલની શમા રોશન રહેશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. થોડાં વાદળ હટશે તો ફરી ફિલ્મ સંગીતમાં પણ ગઝલની રોશની પથરાશે.
ઉપરાંત, જાવેદ અલી અને શ્રેયા ઘોષાલ જેવાં પ્લેબેક સિંગર્સ પણ ગઝલો ગાય છે. જાવેદે કેટલાંક આલબમોમાં ગઝલ ગાઈ છે. ગયા વર્ષે શ્રેયા ઘોષાલે 'હમનશીં' નામનું ગઝલ આલબમ રજૂ કર્યું હતું. જેમાં સરસ કમ્પોઝિશન્સ હતાં. ૨૦૧૧માં શંકર મહાદેવને 'તેરી હી પરછાઇયાં' નામનું ગઝલ આલબમ આપ્યું હતું, જે ખૂબ નબળું હતું. આમ, ફિલ્મોના રેગ્યુલર પ્લેબેક સિંગર્સને પણ ગઝલ ગાવાની લાલચ છે.
ગુજરાતી ગઝલ સંગીત વિશે પણ એક લેખ થઈ શકે છે. એ પછી ક્યારેક.
e.mail : tejas.vd@gmail.com
(શીર્ષકપંક્તિ : હસરત જયપુરી)
સૌજન્ય : લેખકની ‘છપ્પરવખારી’ નામક કટાર, “સંદેશ”, 15 અૅપ્રિલ 2015
http://www.sandesh.com/article.aspx?newsid=3064692
![]()
હજારો વર્ષ જૂની વેદનાઓ, મરેલાનાં રુધિર અને જીવતાનાં આંસુડાની પરવા કરનારા ‘મૂકનાયક’
14મી એપ્રિલ 2015ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા, હજારો વરસો સુધી અમાનવીય જીવન જીવવાની વિવશતા ભોગવનારા કરોડો દલિતોના હામી અને પોતાનું સમગ્ર જીવન એમના માટે અર્પણ કરનાર બાબાસાહેબ આંબેડકરનો 125 જન્મદિન ઉજવાયો. શાસન પરની સરકારોએ દલિતોને અવનવી લલચાવનારી યોજનાઓ જાહેર કરી સાથોસાથ પોતાની તસવીરો છપાવી. રોજિન્દી સરકારીછાપ ઉજવણી કરી લીધી. સમાજના પ્રેરક આગેવાનો તરીકે દલિતો તરફના હિન્દુ સમાજના અમાનવીય વલણના પ્રાયશ્ચિતરૂપે અસ્પૃશ્યતા નાબૂદ કરવા સૌથી મોટો પ્રયાસ ગાંધીએ કર્યો અને એવો જ મોટો પણ, પોતે મહાર હતા એટલે જિંદગીમાં આ વેદના વેઠી અસ્પૃશ્યતા સામે જેહાદ આંબેડકરે જગાવી પ્રયાસ કર્યો. કોઈને ગમે કે ન ગમે; પણ ભારતના આ અમાનવીય વલણ સામે રાજકીયપક્ષ તરીકે અઠ્ઠાસી વરસ પૂર્વે, 1927માં કોંગ્રેસે સૌથી પહેલા, અસ્પૃશ્યતા નિવારણનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ત્યારે એ સમયે પ્રવર્તતી, રૂઢિચૂસ્તતાની બોલબોલાના માહોલમાં, ન્યાય અને સદ્દભાવનાની દૃષ્ટિએ પ્રસ્તાવને સ્વીકારવા વિનંતી કરી હતી.
આના બીજ તો 1852માં વવાયા હતા. જ્યારે જ્યોતિબા ફૂલેએ પૂનાના નાનાપેઠના ભોકરવાડીમાં મહાર માંગ બાળકો માટેની શાળાનો પોતાના ઘરમાં પ્રારંભ કર્યો હતો. મહાત્મા જ્યોતિબા ફૂલે પછી, શિવરામ કાંબળે; વિઠ્ઠલ રામજી શિન્દે, કોલ્હાપુરના શાહુ મહારાજ, વડોદરાના સયાજીરાવ ગાયકવાડ અને મોહનદાસ ગાંધીએ દોર મજબૂત બનાવ્યો. 1920માં બાબાસાહેબ અભ્યાસ પૂરો કરી િસડનહામ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા અને તા. 31-3-1920ના દિવસે અસ્પૃશ્યોના દુ:ખ અને વેદનાને વાંચા આપવા “મૂકનાયક’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. “મૂકનાયક’ સાપ્તાહિક શરૂ કરી આંબેડકરે કર્તવ્યપથ પર પ્રયાણ શરૂ કર્યું.
ત્રણ મહિનામાં, 21 માર્ચ 1920ના રોજ કોલ્હાપુર રાજ્યના માણગાંવમાં કોલ્હાપુરના રાજા છત્રપતિ શાહુ મહારાજના નેતૃત્વમાં અસ્પૃશ્યોની પરિષદ યોજાઈ. પરિષદના અધ્યક્ષપદેથી આંબેડકરે પોતાના પ્રવચન દ્વારા દલિતોના ઉદ્ધારનો નવો માર્ગ બતાવ્યો. બાબાસાહેબનું પ્રભાવી પ્રવચન સાંભળી શાહુ મહારાજને એટલો અાનંદ થયો કે, એમણે કહ્યું કે – “હવે અસ્પૃશ્ય સમાજને એનું દુ:ખ સમજનારા સાચા નેતા મળ્યા છે. હવે આ પછી અસ્પૃશ્ય સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનવાનું છે.’ બન્યું પણ એમ જ. આંબેડકરે રૂઢિચુસ્ત સમાજના ભાર નીચે દબાયેલા દલિત સમાજમાં સ્વાભિમાન અને મહત્ત્વકાંક્ષા જગાડવા અને પોતાના હક્ક માટે જાગૃત થવા હાકલ કરી. બ્રિટિશરોએ યોજેલી ગોળમેજી પરિષદ અને આગળ જતાં ગાંધી સાથેનો વિવાદ અને ગાંધીજીના 21 દિવસના ઉપવાસ જેવી કટોકટીઓ આવીને ગઈ પણ બાબાસાહેબ ક્યારે ય ન ઝૂક્યા. ઘણાએ એના વિવિધ અર્થઘટન કર્યાં છતાં મૂળ હકીકત એજ રહી કે, ગાંધી અને આંબેડકર દલિતોને ન્યાય આપવા ઝઝૂમનાર બે સર્વોચ્ચ નેતા બની ગયા.
આંબેડકરને સમજવા એમના ગુરુ અને તેમના વિચારોને સમજવા પડે. આંબેડકરના ત્રણ ગુરુ હતા. એક બુદ્ધ; બીજા જ્યોતિબા ફૂલે અને ત્રીજા કબીર. અસ્પૃશ્યતા માટે ગાંધી વારંવાર લડતા ત્યારે ખુદ કોંગ્રેસમાં એવો વર્ગ હતો કે, જે ગાંધીજીને આના કારણે સ્વરાજના આંદોલન નબળું પડી જશે એવો ડર બતાવતા, પણ ગાંધી તો પોતાના વિચારમાં સ્પષ્ટ હતા. એમને અસ્પૃશ્યતા પ્રવર્તતી હોય એવું સ્વરાજ મંજૂર નહોતું. 1945માં તો આંબેડકરે, ‘What Congress and Gandhi have done to the Untouchables?’ પ્રગટ કરી ગાંધી અને કોંગ્રેસ આંદોલન પર હુમલો કર્યો પણ છતાં ય ગાંધીએ કોઈ જવાબ ન વાળ્યો. એથી ઊલટું 1947 અને 1948માં ન ધારેલું બન્યું. ગાંધી, આંબેડકર, સરદાર અને વડાપ્રધાન જવાહરલાલ નેહરુ વચ્ચે સંબંધ બંધાયો.
પરિણામે આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળના સભ્ય બન્યા અને એ પછી આંબેડકરના નેતૃત્વમાં ભારતનું બંધારણ ઘડાયું. ગાંધીના મનમાં આંબેડકરની અસ્પૃશ્યો તરફની લાગણી અને વેદનાઓમાંથી જન્મેલી ઉત્કૃષ્ટ સમાનતાની ભાવનાને બંધારણમાં વણી લેવાની ઈચ્છા હતી. ગાંધી, નેહરુ અને સરદારની ત્રિપુટીને ભારતના બંધારણના ઘડતરમાં સમાનતા, બંધુત્વ અને પ્રત્યેક ભારતવાસીને પોતાની સ્વતંત્રતા મળે એવી ઈચ્છા હતી. આંબેડકરે પણ ભારતની ભાષા, જાતિ, ધર્મ જેવી વિવિધતાને સંકોરી વિવિધતામાં એકતાને બંધારણમાં વણી લીધી.
કુદરતનો કરિશ્મા તો એ છે કે, 1946ના ડિસેમ્બરમાં મ્યુરીએલ લેસ્ટર જેઓ ગોળમેજી પરિષદ વખતે ગાંધીજીની યજમાન હતા તેમણે બાબાસાહેબને સંકેત આપ્યો કે, કોંગ્રેસ આંબેડકરને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સામેલ કરી એમની વિદ્વતા અને નેતૃત્વનો ઉપયોગ કરે. સમય વીતે છે તેમ આંબેડકરની સ્મૃિત વધુને વધુ વ્યાપ્ત થતી જાય છે. છેલ્લે આંબેડકર હિન્દુ તરીકે મરવા નહોતા ઈચ્છતા એટલે બૌદ્ધ બની ગયા. જ્યોતિબા ફૂલેનો શિક્ષણ પ્રયાસ; બુદ્ધનો ધર્મ અને સંઘને જોડવાનો વિચાર અને કબીરની સમરસતા સ્થાપવા બાબાસાહેબ સદાય યાદ રહેશે.
સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
સોજન્ય : “દિવ્ય ભાસ્કર”, 16 અૅપ્રિલ 2015
![]()

