Opinion Magazine
Number of visits: 10031070
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમ નહિ પણ …

અનિલ વ્યાસ|Opinion - Short Stories|29 April 2016

‘એલિસા…..એલિસા‘ મેં  જોરથી પેડલ દબાવ્યું. મને ખબર હતી. એ  સિડ્  જ હશે. હવે એ છેક મારા ઘરના ઢોળાવ સુધી  દોડતો દોડતો પાછળ આવશે. એ ઢાળ પર ધક્કો મારી મને  મદદ કરે એ પહેલાં હું ઊતરીને સાયકલ દોરવા માંડતી. એ જોઈ એ પાછો વળી જતો.

અમે થોડા દિવસોના આંતરે આ સ્કૂલમાં દાખલ થયેલાં. મને જોઈ ત્યારથી એ મને જ જોયા કરતો. નામ દઈને બોલાવતો. મને એ જરા ય પસંદ નહોતું. પપ્પાએ કહેલું ‘આ બધા ઇન્ડિયન્સ -પાકીઝ ઘાંટા પાડી પાડીને બોલવા ટેવાયેલાં હોય છે. એમનો વઘાર ને વાતો કદી બદલાતાં નથી. બ્લડી સ્મેલી.’ આમે ય બ્રાઉન સ્કીનવાળા માણસો અમને ગમતાં નહિ. મારાં ગ્રેન્માને તો ઇન્ડિયન્સ ક્યારે ય ગમ્યાં નહોતાં. એમની હાજરીથી એમનું ઊમરાવપણું લજવાતું.

એક વાર મારું નામ એના હાથ પર કોતરવાના પ્રયત્નમાં સિડ્ હાથ પર વગાડી બેઠેલો. જો કે એ મને જરા ય ગમતો નહોતો પણ મારાથી લોહી જોવાતું નહિ એટલે મેં તરત ટિચરને એ દેખાડેલું.

‘સિદ્ધાર્થ દીક્ષિત … સિડ્.  તું  ક્લાસમાં નાઇફ લઈને આવે છે? ચાલ ઊભો થા જલદી.’ કહેતાં  મિસીસ કેથી એને ઓફિસમાં લઈ ગયાં હતાં. સિડ્ સહેજ ઊંચો, પાતળો, વાંકડિયા વાળ, કાળી આંખો અને  મોટી ફ્રેઇમનાં ચશ્માંમાં એ લઘર-વઘર દેખાતો લોહી લૂછતો ચાલતો હતો.

કેટલી ય વાર એણે મારા દફતરમાં ‘તું મને બહુજ ગમે છે.’ની ચિઠ્ઠીઓ મૂકેલી. એ કદી એનું નામ લખતો નહિ પણ શું ફરક પડે? મને તો ખબર હતી આ એનાં જ કારસ્તાન છે. અમે છોકરીઓ આવી વાતને બહુ લાઈટલી લેતી.

મારા સત્તરમા જન્મ દિવસે હું જરા ય ખુશ નહોતી. ડૅડ અને મમનો ફરી મોટો ઝઘડો થઈ ગયો હતો અને મમ નાઇટ ગાઉનમાં જ બહાર નીકળી ગઈ હતી. હું દોડીને ઓવરકૉટ આપવા ગઈ ત્યારે એણે મને ગળે વળગાડી આંસુભર્યા સ્વરે બર્થ ડે વિશ કરી હતી. પણ એની સિડ્ને શું ખબર હોય? એણે તો સ્કૂલથી છૂટી ને મારી મમને પૂછી, મારા આંગણામાં મોટો સ્નો-મેન બનાવી એના ગળામાં લાલ મફલર લગાડેલું. મને ગુસ્સો આવતો હતો. હવે હું નાની નથી બરફનાં પૂતળાં જોઈને ખુશ થઈ જાઉં.  પણ એને ક્યાં કશી સમજણ પડતી હતી?

રાત્રે હોમવર્ક કરવા દફતર ઉઘાડ્યું ને મેં બેલ્જિયન ચોકલેટનાં બે પેકેટ જોયાં. એક વાર થયું કાલે પાછાં આપી દઈશ પણ પછી યાદ આવ્યું સવારથી મેં કશી સ્વીટ ખાધી નહોતી.

એ પછી મેં એની સાથે બોલવાનું બંધ કરી દીધું. એ વાત કરવા જાય કે હું મોં ફેરવી લેતી અથવા ઊભી થઈ ચાલવા માંડતી.

એક દિવસ સાવ એકાએક મને પેડુંમાં ભારે પીડા ઊપડી ને માસિક તૂટી પડ્યું હું કશું કરવાની સ્થિતિમાં ન હતી. મારા સ્કર્ટ અને સ્ટોકિન્સ પર લાલ ધાબું ઉપસી આવ્યું. એણે એનું સ્વેટર ઉતારી મને સ્કર્ટની જેમ પહેરાવેલું. પુરુષો એમ જ વર્તે એમ હું શીખી હતી એટલે મારે મન એ કંઈ મોટી વાત નહોતી. હા મારે એનો આભાર માનવો જોઈતો હતો. હું એનું સ્વેટર વીંટીને ઘેર ગઈ એ દિવસથી મારી પાછળ છાની છપની ગુસપુસ ચાલતી હતી. એનાથી વધુ ખરાબ શું હોય?

ઘણી વાર મને થતું કે એ મારા સ્કર્ટ પર ચ્યૂઇંગમની જેમ ચોંટી ગયો છે. મેં નક્કી કરી લીધું કોઇ પણ હિસાબે સીક્સથ ફોર્મ હું આ સ્કૂલમાં નહિ કરું. જો કે છેલ્લાં વર્ષમાં એ ખાસ્સો બદલાયો હતો, દેખાવ અને સ્વભાવ બન્નેથી. મને બહુ સતાવતો નહિ, પણ એ જે રીતે મારી સામે જુએ છે હું અંદરથી અકળાઈ ઊઠું છું.

સ્કૂલ બદલવાની વાતની એને ગંધ સુધ્ધાં ન આવે, એ વાતનું મેં ધ્યાન રાખેલું. જો કે મને એ ય ખબર હતી કે નથી એ ભણવામાં એટલો હોશિયાર કે રમતગમતમાં. હા, એને ફોટોગ્રાફીમાં રસ હતો. મોટેભાગે એ ભડકીલા લાલ પીળાં વૃક્ષો, ખેતરો ને રાખોડી આકાશના ફોટા પાડ્યે રાખતો. પાડે, કોને પડી હતી એ વાતની? મને તો નહિ જ. ગ્રેન્મા કહે છે એમ … કિપ યોર સેલ્ફ અવે ફ્રોમ ઈવીલ.

પણ બીજે જ વર્ષે મેં એને સેંટ ડૉમિનિક સ્કૂલના રસ્તે ચાલતો જોયો. જાળીના વાદળી સળિયા કૂદાવતો એ એવી જ બેફિકર ચાલે ચાલતો હતો. અને જોતાં જ મેં મારી જાતને અગવડભરી સ્થિતિમાં જોઈ.

મને યાદ આવ્યું સ્કૂલના છેલ્લા દિવસે એ લાયબ્રેરીના ખૂણાના કબાટ પાસે ઊભેલો જોયો હતો, મેં જોયેલું, એ સાવ રડમસ હતો. સામેના દર્પણમાં બુકસ્ટેન્ડની હારથી એક સરખો કપાયેલો લાગતો એનો ચહેરો મેં જોયો. એ જોતાં જ મનોમન હસી જવાયું. બરાબર એ જ વખતે એણે મારી સામે જોયું હતું. મને એના એવા લાગણીવેડાની કંઇ પડી નહોતી. હું ઝડપથી ઘેર પહોંચી ને બેઠી કે તરત એની એ આંખો યાદ આવી ગઈ. એકવાર મારાથી માનો નેકલેસ ખોવાઈ ગયો હતો. અચાનક મને એ વખતે થતી હતી એવી લાગણી અનુભવાઈ હતી.

હવે એ અહીં સુધી આવી પહોંચ્યો ? નોટ અગેઇન.

મારી કારમાં ગીત વાગતું હતું મેં અવાજ વધાર્યો. ઢમ … ઢમ … સ્પીકરો ગાજ્યા. એનુ ધ્યાન દોરાયું જ હશે ને?  સામેથી આવતાં વાહનને રસ્તો આપવા જતાં એને જોવાનું ચૂકાઈ ગયું પણ  હું કાર પાર્ક કરતી હતી ત્યારે મેં એને હેડ મિસ્ટ્રેસની ઓફિસમાં જતો જોયો.

મારાં કમનસીબ, અમે એક જ બેચમાં સમાવાયા હતાં; હવે રોજ સામસામે આવવાનું! ઓ માય ગોડ … શું કામ ફરીથી?

મેં તો ક્યારે ય એવો પ્રયત્ન નહોતો કર્યો કે એ મારી તરફ ઢળે, પણ એ એવો જ છે ચોંટડુ.

પેલે દિવસે હું લાયબ્રેરીમાં મારી સ્ટાર સાઇન વિષે વાંચતી હતી, ત્યાં એણે આવીને છાપામાં ડોકું નાંખ્યું.

‘તને કંઈ મેનર્સ જેવું છે કે નહિ?’ હું ખીજાઈ.

‘મેં શું કર્યુ?’ એ કશું જાણતો ન હોય એમ મને જોઈ રહ્યો.

‘ખરેખર? મને હેરાન કરે એ સારું કહેવાય, સિડ્?’

‘તારી બર્થ સાઈન સ્કોર્પિયો છે ને? તને ખબર છે, આ સાઈન વાળી વ્યક્તિઓ બહુ સિક્રેટિવ હોય છે.’

‘એટલે?’

એણે એ રીતે મારી સામે જોયું કે મને એનું એવી રીતે જોવું ગમ્યું નહિ. મેં નજર ફેરવી લીધી. એ  ટેબલની ધારે ટેકો લઈ મારી સાવ નજીક ગોઠવાતાં બોલ્યો, ‘તારી આંખોમાં પેલી સિક્રસી શોધતો હતો પણ તેં તો નજર ફેરવી લીધી.’

‘તું દૂર ઊભો રહીશ, પ્લીઝ.’

એ ખુરશી ખેંચીને બેઠો.

‘આ હેરેસમેન્ટ છે સિડ્, હું હેડ મિસ્ટ્રેસને તારી ફરિયાદ કરીશ. તું જા અહીંથી.’ મારો અવાજ મોટો થઈ ગયો. એ ઊભો થતાં સહેજ લથડ્યો એને એમ ચાલતો જોઈ મને થયું કે ક્યાંક પડી ન જાય. પણ એ ફરીને ધીમા ડગલે ચાલતો પુસ્તકોના ઘોડાઓ વચ્ચે ઓગળી ગયો.

એ પછી હું આગળ વાંચી ન શકી, પાનાંઓ ફેરવતી સમાચાર જોતી રહી.

ડૅડ અને મમ લડતાં ત્યારે ડૅડ ગુસ્સે થઈ મોટે મોટેથી બોલતા. એ વખતે મને બહુ જ ડર લાગતો. નર્યા ડર અને અસહાયતાની લાગણીથી ફફડતી હું ઘૂંટણમાં મોં

છુપાવી બારણા ઓથે સંતાઈ રહેતી. રાત્રે ડૅડ ચૂપચાપ દારૂના ઘૂંટ ભરતા બેસી રહેતા. પોતાને ઠપકો આપતા હોય એમ ફાયર પ્લેસમાં લાકડું નાંખી ભભૂકતી આગ સામે તાકી રહેતા. મમ આવીને હળવેથી એમના હાથમાંથી ગ્લાસ લઈ લેતી. એ વખતે  જોયેલી ડૅડની નજર આંખ સામે આવી ગઈ.

હું જઈને પુસ્તકોની હાર વચ્ચે સિડ્‌ને શોધવા વળી. મારી સામે લાંબી ઊંચી પુસ્તકોની હાર અને જૂના કાગળોની એક વાસ સિવાય કશું જ નહોતું. મેં વિચારેલુ કે એ મળશે ત્યારે સૉરી કહી દઈશ પણ એ તો કાયમની જેમ સ્મિત મઢ્યા ચહેરે  મારી સામે ઊભો હતો. હું શું કહું આને? મેં એને સહેજ ધ્યાનથી જોયો. વધેલી દાઢી, જાડી ફ્રેઇમનાં ચશ્માં, સહેજ નમેલી ગરદન ને સીધું તાકતી આંખો. મોં પર આવતા તડકામાં એની કીકીઓ રાખોડી ઝાંય વાળી લાગતી હતી. મેં ચહેરો નમાવી લીધો એ જોઈ એણે ધીમા અવાજે કહ્યું. ‘કેમ નીચું જુએ છે? મારી સામે જો ને, એલિસા, પ્લીઝ. મને બહુ જ સારું લાગે છે. એ ય, એલિસા ….’

‘હું તને સારુ લાગાડવા કશું જ કરતી નથી એ બરાબર સમજી લે.’

‘એમ?’ થોડીવાર કોઈ કશું ન બોલ્યું અચાનક એણે મારો હાથ પકડી લીધો. ‘તને કશું જ નથી થતું, કશું જ નહિ?’

‘શું કામ?’

એણે જવાબ ન આપ્યો ચૂપચાપ મને જોઈ રહ્યો. મને થયું એણે આંખોથી જ મને  એના સરસી ભીડી રાખી છે. એવા પ્રેમપાશમાં બંધાવા હું જરા ય ઈચ્છતી નહોતી એટલે ઝડપથી ચાલતાં લેબોરેટરીમાં વળી ગઈ.  વચ્ચેના ટેબલ પર ફ્લાસ્કમાં કોઈ દ્રાવણ ખદબદતું હતું. પીળું પ્રવાહી ઊભરાઈ ઊભરાઈ નળાકાર સુધી આવતાં વેરાઇને ઊભરામાં ઓગળી જતું હતું. સિડ્ મારી પાછળ જ અંદર આવ્યો. હું એનો અણસાર ઓળખતી આગળ ચાલી. એ ઉકળતા ફ્લાસ્કની સાવ નજીક ઊભો રહી મને જોતો હતો. પ્રયોગ કરતી બન્ને છોકરીઓ પુસ્તકમાં કશું વાંચતી બીજી તરફ નમેલી હતી. ત્યાં મારું ધ્યાન ગયું, પેલું પ્રવાહી હવે બરાબર ઉકળતું હતું. સિડ્ બાઘા જેવો મને જોઈ રહ્યો હતો. કશીક બીક કે મારી આંતરિક સૂઝથી હું ઝબકી. દોડીને સિડ્‌ને ધકેલ્યો. મારા મોંમાથી ચીસ નીકળી ગઈ. મોટેથી ‘ખસ …. ખસ અહીંથી’ કહેતાં એને ખેંચ્યો. હડબડાહટમાં  પેલી છોકરી ઓ દોડી. ઊભરાઈને આગ પર છલકાતા ભભૂકતા પ્રવાહીથી ડરતી હું એને બહાર તાણી ગઈ. હું એટલી ગુસ્સામાં હતી કે હું શું બોલતી હતી એ મને જ સમજાતું નહોતું. સિડે હળવેથી મારો ખભો દબાવતાં કહ્યું, ‘કશું નથી થયું, એલિસા, કશું જ નહિ.’

‘એમ?’

‘હા. એટલું સારું થયું કે તેં મને માર્યો નહિ, બાકી મને હતું કે તું નક્કી મને મારીશ.’ મારાથી ઈચ્છા વિરુદ્ધ મલકી જવાયું એ જોઈ, એણે મારો હાથ હાથમાં લઈ ઋજુતાથી દબાવતાં કહ્યું, ‘આભાર, લિસા.’

‘મને લિસા કહીને ન બોલાવીશ. મારા ગ્રાન્ડ્પા અને ગ્રેન્મા સિવાય કોઈ મને એ નામે નથી બોલાવતું, મારી મમ પણ નહિ.’

એણે હળવેથી મારો હાથ મૂક્યો ને કહ્યું, ‘આભાર, એલિસા. એલિસા તો કહું ને?’

હું એને કશો જવાબ ન આપી શકી. હું કેવી રીતે સમજાવું મને સાચે જ કશો ઉમળકો થતો નથી.

ગ્રાન્ડ્પા- ગ્રેન્મા સાથે ઉછરતાં મારામાં એક છાની અસહિષ્ણુતા ય ઉછરી છે. એટલે તને જોઉં છું ત્યારે મારું અલગ અસ્તિત્વ મને …. હે ભગવાન … હું શું કરું? હું જરા ય રેસીસ્ટ નથી … આટલી ય નહિ, પણ …… હું આગળ નહોતી વિચારી શકતી.

જો કે એ પછી અમે એસાઇનમેન્ટ અને પ્રેકટીકલમાં વ્યસ્ત થઈ ગયાં. અમારા ગ્રુપમાં મોટા ભાગનાને મેડિકલમાં જવું હતું. સિડ્ કંઈ હોંશિયાર નહોતો પણ બહુ જ મહેનતુ હતો. એ સહુની પહેલાં એસાઇનમેન્ટ લખી લાવી મારી પાસે સુધરાવતો. એને નક્કી માપદંડ અને માર્ગદર્શન ફોલો કરવાનું ગમતું ને મને એમાં બંધાવાનું  પસંદ નહોતું, કદાચ એટલે જ મારું લખાણ સિડ્‌ને ક્રિએટિવ  લાગતું હશે.

એ. એસ. લેવલની પરીક્ષા પતી ને અમે યુનિવર્સિટીમાં એપ્લાય કરવા સાથે સ્વયંસેવક તરીકે ‘ક્વીન્સ મેરી હોસ્પિટલ’માં જોડાયાં. એ પતાવી હું ગ્રાન્ડ્પાને ત્યાં ગઈ અને સિડ્ એની ફોઈને મળવા ઇન્ડિયા.

એના ઇ.મેઇલ નિયમિત આવતા. પરિણામના અઠવાડિયા પહેલાં હું લંડન પાછી આવી ગઈ હતી. હું થ્રી એ સ્ટાર(A) થી પાસ થઈ, એ જોઇ મારા આનંદનો પાર નહોતો, પણ એ વહેંચવા કોઈ ઘરમાં નહોતું. મમ જૉબ પર ગઈ હતી ને ડૅડ પ્રવાસમાં. મેં સુઝાન, પેટ્રીક અને સિલ્વીયાને ફોન જોડ્યા, પણ  એમનું પરિણામ ધાર્યા કરતાં જુદું આવ્યું હતું. એમને પાસ થયાના આનંદ કરતાં ફરિયાદ વધારે હતી. હવે, મને આટલો સારો ગ્રેડ કેવી રીતે મળ્યો, એનો જવાબ હું શું આપું?

મારું ડૉક્ટર બનવાનું સપનું સાચું પડવાની પળે મારી આજુબાજુ કોઇ જ નહોતું. હાઊ સૅડ!

મેં ટી.વી ચાલુ કર્યું. માંડ દસેક મિનિટ જોયું હશે ને કોલબેલ રણકી. નક્કી મમ આવી, હું દોડી.

ખુલ્લા બારણા વચ્ચે એ હાથ ફેલાવી ઊભો હતો. હું કશું જ વિચારી ન શકી. કૂદીને એને વળગી પડી. ‘અભિનંદન લિસ્ … યૂ ડીડ ઇટ … યૂ.’ મેં એને જોરથી ભીંસી લીધો. એક જ ક્ષણ. હું તરત અળગી થઇ ગઈ. ત્યારે મને ખ્યાલ આવ્યો હજુ એ એમ જ ઊભો છે. ખુલ્લા હાથે!

‘આવ, અંદર આવને સિડ્’

‘ના હું જાઉં. મારે મારી બહેનના ઘેર જવું પડશે. તાત્કાલિક. એ થોડીક ઘેલી છે. બસ, તને અભિનંદન આપવાં હતાં.’

એક નજર એને જોયો. વધી ગયેલી દાઢી, ઓળ્યા વગરના વાળ, ચોળાયેલું ટી શર્ટ અને કધોવણું જિન્સ!

‘તને અભિનંદન, સિડ્. તારે  એ ડબલ સ્ટાર  (A)  ગ્રેડ આવ્યો, વેરી ગુડ.’

‘હા. માત્ર તારા લીધે. હું કેવી રીતે  તારો આભાર માનું?’

મેં હવામાં હથેળી ઝુલાવી વાત ઉવેખી, ‘જા ને હવે. તું  ઘરમાં નહિ આવે?’

એ મલક્યો. ‘ના. ચાલ, હું જાઉં’ કહી એ સડસડાટ પગથિયાં ઊતરી ગયો. એ નક્કી પાછું વળીને જોશે એમ ધારી હું ઊભી રહી. ધીમે ધીમે ઢાળ ઊતરતો એ દેખાતો બંધ થયો એટલે મેં દરવાજો બંધ કર્યો.

મોડી રાત્રે મેં મને ઘરના દરવાજે ઊભેલી જોઈ. ઝાંખો ઉજાસ ઓઢીને ચાલતો અસીમ સન્નાટો. ક્યાં ય કોઇ માનવ સંચાર ન હતો. પવનના સેલારામાં રસ્તા પર વૃક્ષોના પડછાયા હલતા હતાં. હું આંખો ખેંચી ખેંચી કશું ક શોધવા મથી. હું શું શોધું છું? ત્યાં કોઈ નજીક આવી મને સ્પર્શ્યું. મેં ગભરાઈને પાછળ જોયું. બારણાના ચોકઠા વચોવચ મારો પડછાયો ઊભો હતો. એને હું મારી અંદર વિસ્તરતો જતો જોઈ હું છળી ને જાગી ગઈ. મારા જોરથી ચાલતા શ્વાસ અને ઘડિયાળનો એકધારો અવાજ એકમેકમાં ભળતાં વાતાવરણ ડરામણું ભાસતું હતું. અચાનક એમાં સિડ્‌ના પગલાંનો અણસાર ઊભર્યો. આવું મને ક્યારે ય થયું નથી. મેં હોઠ ભીડી મન મક્કમ કર્યું. મારા ગ્રાન્ડ્પાને યાદ કર્યા. એમણે લડેલી લડાઇઓ, બહાદુરીભર્યા સાહસો યાદ કરી મારી જાતને ઢાઢસ બંધાવી. હું સર જીરાલ્ડ કેમ્પબેલની પૌત્રી છું જે સેકન્ડ લેફટનન્ટથી બ્રિગેડિયર સુધી પહોંચ્યાં હતા. મારી આંખ મીંચાઈ ત્યારે ગ્રાન્ડ્પાની ચમકતી તલવાર હવામાં તોળી હું ઊભી હતી.

‘છે કોઈ? આવ, સામે આવ.’ મેં બરાબર ગ્રાન્ડ્પાની જેમ જ  તલવાર ખેંચીને મૂઠ નાક લગોલગ ધરી, નમાવી અને સલામીની અદબમાં તોળી મ્યાનમાં ભરાવી. મેં જોયું ગ્રાન્ડ્પાની વાદળી આંખોમાં છલકાતું ગૌરવ મને પ્રેરી રહ્યું. એમની વિશાળ છાતી પર માથું મૂકી નિરાંતે સઘળું ભૂલી જવાની પળોમા હું ખોવાઇ ગઈ. 

એ પછી મેં મારું ધ્યાન યુ.કે. કેટ (ક્લિનીકલ એપ્ટીટ્યુડ ટેસ્ટ) અને બી.મેટ (બાયો મેડીકલ એડમિશન્સ ટેસ્ટ)ની પરીક્ષામાં સહુથી વધુ માર્ક મેળવવામાં પરોવ્યું. એ વખત હું સિડ્ સાથે કેટલા ય ટોપિક ચર્ચતી. ગણિતમાં એને કોઈ ન પહોંચે, એ વાતની મને ઇર્ષા આવતી. હા, બીજી વાત ભલે મેં એને ક્યારે ય નથી ચાહ્યો પણ ગ્રેન્મા સિવાય હું કોઈના પર ભરોસો મૂકી શકું તો એ છે સિડ્.

સમર કેમ્પની એ રાત્રે તંબૂમાં શિયાળ ન ઘૂસી જાય એટલે એ આખી રાત જાગતો બેસી રહ્યો હતો. હું સળવળતી ત્યારે મારી સ્લીપીંગ બેગની ખૂલી ગયેલી ઝીપ સરખી કરી એ પાછો પૂર્વવત બેસી જતો. એનો ચહેરો મારી પર ઝૂકેલો એટલું યાદ છે. એણે મારા કપાળે હાથ મૂક્યો હતો? એણે મને ચૂમી તો નહોતી ને? ચૂમ્યા હવે. હિમ્મત તો કરે .. એનુ મોં જ ભાંગી નાખું.

હું એ કેમ્પમાં જવાની જ નહોતી પણ સુઝાન અને એડવર્ડ … મને કેવી એમ્બરેસમેન્ટ સ્થિતિમાં મૂકેલી? માય ગોડ! એટલું ઓછું હોય એમ એડવર્ડે જાણી જોઈને સિડ્‌ને ય નોંતર્યો. ને સિડ્ … એના ફેમિલી સાથે પેરિસ જવાને બદલે સમર કેમ્પમાં આવ્યો. વ્હાય? આઈ જસ્ટ હેઇટ હીમ.

એ સાથે જ મને ડોમિનિક અને એરિકને બીજા છોકરાઓ કેવા વિચિત્ર અંદાજમાં સિડ્‌ની મજાક ઉડાવતા એ યાદ આવી ગયું. સુઝાન મારી જોડે એમની મીમીક્રી કરતી, ‘હે ય એલિસા યોર  સિડ્  ડિક શીટ … હી લવ્સ યૂ બેબી .. ધેટ ડિક શી..’ મેં ખીજાઈને એનું મોઢું દબાવી દીધેલું.

‘મને આવી ભદ્દી મજાક નથી પસંદ. ફરી ના બોલીશ.’

સારું થયુ. ગ્રેન્મા કહે છે એમ સુઝાન પરખાઈ  ગઈ. હું મમ ડૅડના ઝઘડા વિષે એને કહેવાની જ હતી.

હું કેમ્પમાં જવા તૈયાર થતી હતી ત્યારે મમ મને જોઈ રહી હતી.

‘શું જુએ છે મમ્?’ મેં દર્પણમાં જોતાં પૂછ્યું ને હું ડાબી જમણી તરફ ફરીને મને જોઈ રહી.

‘કોણ આવવાનું છે કેમ્પમાં?’

‘કેમ?’ મેં છુટ્ટા વાળ હથેળીમાં બાંધી ચહેરો આમતેમ ફેરવ્યો.

‘તું આમ ધારી ધારીને તને જુએ છે એટલે.’

‘તને ખબર છે મને પ્રેમ કે લગ્નમાં જરા ય શ્રદ્ધા નથી.

‘જો, બેટા ..’ મેં એને તરત અટકાવી. હું ત્યારે કોઈ પ્રવચન સાંભળવાના મૂડમાં નહોતી. એકાએક મારું ધ્યાન ગયું મેં પહેરેલા ફ્રોકનું ગળું બહુ નીચું હતું. મેં બીજું ફ્રોક શોધવા કબાટ ઉઘાડ્યું. સિડે ભેટમાં આપેલું વાદળી, મોરપીછ રંગો પર રૂપેરી ભાત વાળું ટોપ કબાટને છેડે ભરાવેલું હતું. મારી આંગળીઓ એને સ્પર્શી. પણ હું આ ટોપ કદી પહેરવાની નહોતી. કોઇ દિવસ નહિ. ઝડપથી હાથ પાછો લઈ લીધો. ગાઢા વાદળી રંગનું ફ્રોક ખેંચ્યું, પહેર્યું. એ પસંદ ન આવતાં ગુલાબી રંગનું … કશું નક્કી થતું નહોતું. હું કોના માટે આટલા રસથી તૈયાર થાઉં છું? ના. હરગીજ નહિ … બબડી મેં  કાર્પેટ પરથી વાદળી ફ્રોક  ઊપાડી ને પહેરી લીધું. કૂદતી વાળ હવામાં ફંગોળતી કેડે હાથ મૂકી અરીસામાં જોતી હું મારા પર જ મોહી પડી.

કેમ્પમાં સિડ્ થોડો ગંભીર થઈ ગયેલો. એનું ઈન્ડિયન હોવું આવા લંડન બહારના સ્થળોમાં એને વીંટળાઈ વળે છે. મને થતું હતું કે એ ડરે છે કોઈ ‘બ્લડી પાકી.’ કહી એને ઊતારી ના પાડે. હું સાથે હોઉં પછી એણે શું કામ ડરવું જોઈએ? પણ એ છે જ એવો પોતાની અંદર બધું સમાવીને ઊભેલા પુરાણા ઓકનાં વૃક્ષ જેવો.

સપ્તપર્ણની છાંયો તડકામાં કોઈ અજબ ઠંડક આપે છે. હું ચૂપચાપ એના છાયામાં પાણીમાં તરતા રાજહંસોને જોઇ રહી હતી. ગળાઈને આવતો અલપ ઝલપ  તડકો, પક્ષીઓનો કલરવ અને દૂરથી વહી આવતા વાતો કરવાના, બૂમો પાડવાના આછા અવાજો. ઢળતા સૂર્યના અજવાળામાં લંબાતા પડછાયા વચ્ચે મેં એનો પગરવ પારખ્યો હતો. એ કેમેરાના લાંબા લેન્સમાંથી મને જોઈ હસ્યો. મેં ડોક નમાવી પૉઝ આપવા જેવું કર્યું તો એણે કેમેરો ઘુમાવી પાણીમાં સરકતા રાજહંસોના ફોટા પાડવા માંડ્યા. એ ખસ્યો ત્યારે સૂરજની તલક—છાંયમા એ  ક્યારેક ચમકતો કે ક્યારેક ઓળા જેવો લાગતો હતો. હું એને તન્મયતાથી કેમેરો ચલાવતાં નિહાળી રહી. એનો ઊતારો ડાબી તરફ છેવાડેથી બીજા તંબૂમાં હતો. વ્યવસ્થાપક માર્ટિન સાથે. એમણે રાત માટે ટુકડીઓ તૈયાર કરી હતી. ગીતો, સંગીત ખુરશી અને બાર્બેક્યૂ પત્યા પછી હું પાછી તળાવ કાંઠે ગઈ ત્યારે મેં એને દૂર રહ્યે મને તાકતો જોયો. હું કપાયેલા વૃક્ષના થડિયા પર બેસી પાણીમાં તરતા ચંદ્રને જોઈ રહી. હવામાં થોડાં જીવડાં અને ચળકતાં ફુદ્દાં ઊડતાં હતાં. આ તરફ હોલીનાં ફૂલોની પડખે મેગ્નોલિયાનું ઝાડ ઊભું હતું એની જમણી તરફનો ભાગ  લાઇલકનાં ઝીણાં સફેદ ફૂલોનાં લોથ લોથ ઝુમખાંથી લહેરાતો હતો. પવનના સેલારે સપ્તપર્ણની પાણીમાં નમેલી ડાળી હલતી અને વમળો સર્જાતાં. એ સરકતા વમળ પર આળોટતો ચંદ્ર જોવાની એક અલગ જ મજા હતી. ત્યાં  જ દોડવાના અવાજ સાથે લાઇલકનાં ફૂલોના ઝુમખાં ફંગોળાયાં. મેં જોયું એ દોડતો મારી તરફ આવતો હતો. હું ઝડપથી ઊભી થઈ ગઈ. ‘નો  સિડ્…નો.’ પણ એ મારી લગોલગથી પસાર થઈ ગયો. હું સ્તબ્ધ એને જોઈ રહી. એ પાછો આવ્યો.

‘શું હતું, સિડ્.’

શિયાળ હતું. મેં ચમકતી આંખો જોઈ. તને સાવ બેફિકર બેઠેલી જોઈ મને બીક લાગી, કદાચ વરુ કે ઝરખ.’ હું એની નજીક ખસી એનો હાથ પકડી સમતોલન સાધવા મથી. એણે મને ખભેથી પકડી લીધી.

“સંભાળ પડી જઇશ.’ અમે તંબૂ સુધી આવ્યાં. સુઝાનનો પલંગ ખાલી હતો.

‘સુઝાન આવે ત્યાં સધી તું અહીં રોકાઈશ? મને ડર લાગે છે, સિડ્.’

એણે આંખથી જ મને આશ્વસ્ત કરી. એના એ નાનકડા પલકારાથી મને કેટલું સારું લાગ્યું હતું! અમે મોડા સુધી વાતો કરી. મારા ગ્રાન્ડ્પાના લડાઇના કિસ્સાઓ, ગ્રેન્માનાં ભારતના અનુભવો … ભાત ભાતની વાતો.  મને યાદ નથી  હું ક્યારે ઊંઘી ગઈ હોઈશ. 

“ક્વીન મેરી”માંથી મને ઓફર આવી ત્યારે આનંદથી નાચી ઊઠવાને બદલે હું અવાક્ અક્ષરો તાકી રહી. ચર્ચમાં મીણબત્તીની જ્યોત સાખે માગેલું ઈસુ આપી દે છે એવું મેં સાંભળ્યું હતું. મેં ખાસ વિચાર્યા વગર એમ જ  “અમને એક જ યુનિવર્સિટીમાં ન અપાવતા, પ્લીઝ’ની ચબરખી પ્રાર્થના પેટીમાં નાખી દીધેલી. એનો સ્વીકાર મને ગ્લાનિથી ભરી દેશે એવું ધાર્યું નહોતું. સિડ્‌ને ‘યુનિવર્સિટી ઓફ સાઉથહેમ્પટન’માં એડમિશન મળ્યું એટલે મને વધારે દુ:ખ થયું. એની કૌટુબિક સ્થિતિ એટલી સદ્ધર નહોતી  કે હોસ્ટલમાં રહેવું પોષાય. એ મને અભિનંદન આપતો હતો ત્યારે એનો રાજીપો જોઈ મનમાં બળતરા જાગી. પેલી ચિઠ્ઠીનો ગિલ્ટ મને રહેંસવા લાગ્યો છતાં મારાથી પૂછ્યા વગર ન રહેવાયું, ‘તને સાચે જ આનંદ થયો છે, સિડ્?’

‘હા. તું કેમ એવું પૂછે છે?’

‘મને હતું કે તું મારી સાથે … આઈ મીન … આપણે એક જ યુનિ.માં રહીશું.’

‘આપણે ઈચ્છીએ એવું કાયમ નથી બનતું, એલિસા.’

જવાબમાં હું આઇ વીશ … એમ બોલી પણ એણે એ ધ્યાને લીધા વગર મને પૂછ્યું, ‘તું આવીશ મને મળવા?’

‘કેમ નહિ? શક્ય બનશે તો ચોક્કસ. મારાથી ન અવાય તો તું આવજે. મારા ઘેર તું ફોન કર્યા વગર પણ  આવી શકે, સિડ્.’

સહેજ અટકીને મેં કહ્યું, ’એક વાત કહું? આપણે સાથે ભણતા હોત તો મને ગમ્યું હોત.’

સાંભળી એની આંખ ચમકી ઊઠી હતી. મેં  કેટલી ય વાર ફરીથી એ ચમક શોધવા પ્રયત્ન કર્યો છે પણ કોઈની આંખમાં મેં એ જોઈ નથી.  હું સેન્ડવીચ લઈને આવી ત્યારે એ મારા ફોટો જોઈ રહ્યો હતો.

‘હું દસેક વર્ષની હતી ત્યારે.’ એણે મલકાઈને મારા હાથમાંથી પ્લેટ લઈ ટેબલ પર મૂકી. ‘તારા ડૅડ બહુ રીચ છે. નહિ?’ એણે સાવ સહજભાવે પૂછ્યું.

કેવો અસંબદ્ધ સવાલ? પણ એ સવાલના ધક્કાએ મારું ભીતર ઝંકોર્યું. વાત વાતમાં સાવ ખુલ્લા મને મેં મારી માની, ડૅડની, એમના ઝઘડાઓથી મને પહોંચતી પારાવાર પીડા વિષે કહેવા માંડ્યું. શબ્દો આપમેળે ઊઘડતા હતા. અડાબીડ રાનમાં અથડાતી‘તી ને અચાનક કેડી મળી ગઈ. હવે માર્ગ મળી જશે. એ ક્યારે આવીને એમ બેઠો હશે?  રડી પડવાની ક્ષણે હું આધાર શોધતી હતી ત્યારે એ ત્યાં જ હતો. મારી અડોઅડ. એણે મને સાહી એ જ ક્ષણે મારો બંધ છૂટી ગયો. એણે મારી પીઠ સાહી રાખી હતી. એની હથેળી મારું માથું પસવારતી હશે. એ સઘળાથી અભાન હું ઢગલો થઈ ઢળી રહી. કેટલી ય વારે હું સ્વસ્થ થઈ. મારા વેરાયેલા ટુકડા વીણતી હોઉં એમ મેં મને સભાળી. એ અંદર જઈ પાણી લઈ આવ્યો. પાણી પી શરમ ને ભોંઠપથી હું માથે હાથ રાખી મોં છુપાવવા મથી. એણે સોફાની ધારે નમતાં કહ્યું, ‘માથું દબાવી આપત પણ ..’ મારા પગ સંકોરવા સિવાય હું કશું જ ન બોલી શકી. અમે અર્ધો કલાક  છૂટક છૂટક વાક્યો બોલતાં બેસી રહ્યાં. પછી ધીમે રહી એ ઊભો થયો, જવા માટે.

હું ટટ્ટાર થઈ. મારા સ્મિતના જવાબમાં એ હસ્યો, સમભાવ ભર્યું. અમે સાથે દરવાજે આવ્યાં. એને આવજો કહેવા ઊંચકાયેલો હાથ મારાથી દરવાજે ટેકવાઈ ગયો. એણે મારી સામે જોયું. સજલ આંખોમાંથી તગગતાં બે આંસુ. એ ઝડપથી ફરી દોડતાં પગલે પગથિયાં ઊતરી ગયો. મેં દરવાજો બંધ કર્યો ત્યારે મારા ખભે એનો સ્પર્શ મને અનુભવાયો. એ સ્પર્શ ગ્રાન્ડ્પાના સ્પર્શથી જરા ય જુદો નહોતો.

મેં અને સિડે ‘ક્વીન્સ મેરી હોસ્પિટલ’માં સ્વયંસેવક તરીકે છૂટક છૂટક  સાતેક  મહિના કામ કરેલું. એ વખતથી અહીંના વાતાવરણ સાથે કોઈ અજબ  આત્મીયતા બંધાઈ ગઈ હતી. કોલેજમાં સેમિનાર ના હોય ત્યારે કે ઘણીવાર છૂટ્યા પછી હું વોર્ડમાં આંટો મારતી. સિડ્ સહેજ ઝૂકીને જે આત્મીયતાથી દર્દીઓ સાથે વાતો કરતો એ દ્રશ્ય આંખ સામે આવી ચડતું.

બે વખત હું ને નર્સ ડેબી એનું ટિફીન ચટ કરી ગયેલાં. સિડ્‌ને ખબર પડી પછી એ  સાવ મોળું શાક લાવતો. એનાં કેટલાં ય શાક મેં જિંદગીમાં પહેલી વાર ખાધાં હતાં. ડૅડને એટલે જ ચિકન ટિક્કા બહુ ભાવતું હશે.

છેલ્લે એની આંખની ધારે જોયેલાં અશ્રુ, એનો નિરપેક્ષ સ્નેહ મારાથી લખાઈ ગયેલી પ્રાર્થનાનો ગિલ્ટ, એની  હોસ્ટેલમાં રહી ભણવાની મજબૂરી મને ઠરવા દેતાં નથી. હું જાણું છું ચાહવું પીડાદાયક હોય છે પણ કોઈને ન ચાહવાની ય આવી પીડા?

મેં  મમ ને સિડ વિષે  કહ્યું  ત્યારે  એ  મારા પર ગુસ્સે થઈ, મને નવાઈ લાગે એમ વર્તીં.

‘તું  ઉંમરલાયક છે, એલિસા પણ ઇન્ડિયનને પરણે એ આપણા પરિવારમાં કોઈને નહિ ગમે. મને સુધ્ધાં.’

'મમ, તું આડી વાત નહીં કર, પ્લીઝ. તને ખબર છે હું લગ્ન નથી કરવાની.'   

'એથી કશું બદલાવાનું છે?' 

સાંભળીને મને પારાવાર ગુસ્સો આવ્યો. વળી, મમ મારી સામે  એ રીતે કતરાઈને જોતી હતી કે મને થયું મમ ક્યાંક એવું તો નથી માનતી ને  કે હું સિડ્‌ને પસંદ કરું છું ? આ એક એવો મુદ્દો હતો જે મારે ક્યારે ય મારા પરિવાર સાથે ચર્ચવો ન હતો. કારણ કે હું એને પ્રેમ કરતી જ નથી. હા, લાંબા સમયના સથવારાને લીધે અમારી વચ્ચે એક નાતો બંધાઈ ગયો છે, બસ એટલું જ.

હું બોલી, ‘મમ તું સમજતી નથી. હું અને સિડ્ માત્ર ..’ પણ મમ મોબાઇલ કાને ધરી કોઈની સાથે વાતો કરતી ખડખડાટ હસતી  ખાસ્સે દૂર ઊભી હતી. હું ચૂપચાપ મારા બેડરૂમમાં આવતી રહી. એ વખતે મને થયું સારું હતું, એ છેક સાઉથહેમ્પટનમાં હતો. મારાથી ખાસ્સે દૂર.

ક્રિસમસ વેકેશનમાં સિડ્ મને મળવા આવવાનો હતો પણ ગ્રેન્માનું અચાનક અવસાન થતાં અમે લોકો બ્રિસ્ટોલ ગયાં. ત્યાંથી પાછા આવ્યાં ને યુનિવર્સિટી શરૂ થઈ ગઈ હતી. બીજે દિવસે હું મારું આઇ.ડી. શોધતી હતી ત્યાં સિડે આપેલું કવર નજરે ચડ્યું. ઉપર મરોડદાર અક્ષરે લખ્યું હતું:

Presenting to you some of the most beautiful moments I ever clicked.

Keep smiling

મેં હળવેથી પ્લાસ્ટિકનું ફોલ્ડર ખોલી ફોટા કાઢ્યા. સમર કેમ્પમાં એણે મારી જાણ બહાર દૂરથી ઝૂમ લેન્સ વાપરી મારી અદ્દભુત ક્ષણો ઝડપી હતી.  કોઈ કુશળ ફોટોગ્રાફરે પાડ્યા હોય એવા સુંદર ફોટા,  એ દિવસે હું મને એક નવા સ્વરૂપે ઓળખતી થઈ હતી. મેં સિડ્‌ને પૂછ્યું, ‘હું ખરેખર આટલી રૂપાળી છું કે તેં ફોટા એડિટ કર્યા છે?’

એ મારી સામે એકટક જોઈ રહ્યો હતો. હું ફોટો બદલતી ને મારી આંખમાં ઝબકતું વિસ્મય, અહોભાવ અને આનંદ એ કોઈ અપૂર્વ સંતોષથી જોઈ રહ્યો હતો. હું ક્યાં ય સુધી મારા ફોટા જોઈ રહી પછી કવરમાં  ગોઠવી એની સામે જોયું.

એ મારી એટલો નજીક હતો કે  ડર લાગતો હતો: એ મને કીસ કરી લેશે. પણ એણે મારી આંખોમાં જોયા કર્યું. હોઠને બદલે એ આંખોથી મને પીતો હોય એમ. હું ઝડપથી દૂર ખસી ગઈ. તમે આવું કેવી રીતે કરી શકો? કોઈને આમ અઢળક વહાલથી જોવાનું?  બસ, એટલે જ મને એ નથી ગમતો! કેવું બેહૂદું!

ત્રીજા વર્ષે મને ન્યૂરોસર્જિકલ વોર્ડમાં પ્લેસમેન્ટ મળ્યું ત્યારે ડૉ. રૂધરફોર્ડ કોઈ પેશન્ટનું એસેસમેન્ટ ફોર્મ જોતા હતાં. એમને જોતાં હું સ્થિર થઈ ગઈ હતી. એમણે મને હલો … કહ્યું ત્યારે મારું હૃદય ધબકવાનું ભૂલી ગયું હોય એમ અનુભવાયેલું. હું એમને અપલક જોઇ રહેલી, સિડ્ મને જોતો હતો એમ!

એ પછી મેં મારી જાતને અનેકવાર યાદ દેવડાવ્યું છે કે નથી મને પ્રેમમાં જરા ય શ્રદ્ધા કે નથી મારે પરણવું. મારા નિર્ણયને બળવત્તર કરતા હોય એમ ડૅડ હવે મોટાભાગે  મિશા આન્ટીના ઘેર જ રહેતા. મમ હદ વગરનો દારૂ પી  એમને ફોન પર ગાળો આપતી. ફોન મૂકીને એ મિશા આન્ટીને કોસતી. પછી ન સહન થતું હોય એમ ઓકતી. કેટલી ય વાર મને વળગી ને મોટે સાદે રડતી. હું ધીમે ધીમે ટેવાતી ગઈ ત્યારે મને મારા એ નિર્ણય માટે માન થતું. હું ઘળું ભૂલીને બમણા જોરે શરીરના એકેએક જ્ઞાનતંતુને સમજવા મચી પડતી.

ફાઈનલ ઈયરની પરીક્ષા અને સબમિશન્સ પત્યાં પછી થોડા નિરાંતના દિવસો આવ્યાં. બે એક દિવસ મેં અને સિડે ખાસ્સી વાતો કરી.

એક રાત્રે ટેક્સટ આવ્યો: હું કાલે મળવા આવું તને?

મેં એને લખ્યું: શું કામ મળવું છે હવે?

એણે નફટાઈથી સામે જવાબ વાળ્યો: કારણકે હું તને ખૂબ ચાહું છું.

મેં ટાઇપ કર્યું: કેમ, હું રૂપાળી છું એટલે?

લાંબો જવાબ આવ્યો: તું રૂપાળી છે એટલે તને ચાહું છું એવું નથી. લિસ, હું તો એટલે ચાહું છું કે તને મારાથી અલગ  નથી જોઈ શકતો. જાતને ચાહવું એ ગુનો છે?

મેં અક્ષરો દબાવ્યા: YES.  અચાનક એની પેલી આંખો યાદ આવી ગઈ. મેં ફોન બંધ કરી દીધો.

થોડી વારે સ્ક્રીન ઝળક્યો.: તને ખબર છે લિસ, તું મને પ્રેમ ન કરે એથી ય મોટી પીડા છે તું મારો વિશ્વાસ નથી કરતી એ.

મારાં આંગળા ફોન પર જોરથી ભીડાયાં, એટલા જોરથી કે મને દુ:ખ્યું. હું બહાર આવી. મમ ટી.વી સામે જોતી ક્યાંક બીજે જોતી હોય એમ બેઠી હતી. હું એની નજીક ગઈ. એણે મારી સામે જોયું. હું કાર્પેટ પર  બેઠી, એણે હાથથી ઉપર બેસવા ઇશારો કર્યો પણ હું એની નજીક ખસી, એના પગ પર માથું ઢાળ્યું. એણે મારા માથે હાથ મૂક્યો. મને ખબર નહોતી હું શું કામ રડતી હતી. બસ રડતી રહી.

ફાઇનલ ઇયરનું પરિણામ આવ્યું. સિડ્ આ વખતે એ બહુ જ સારા ગ્રેડ લાવ્યો હતો. ફાઉન્ડેશન પ્રોગ્રામ માટે એણે મને પૂછ્યું નહોતું છતાં અમે સરખી જ હોસ્પિટલની પસંદગી કરી હતી. એ  બહુ જ અગત્યનાં કામ અંગે મને મળવા આવવાનો હતો એમ કહ્યું હતું, ત્યારથી એક ન સમજાય એવી બેચની થતી હતી.

એ આવ્યો. અંગ્રેજ સદ્ગ્રહસ્થની જેમ સૂટ, સફેદ ફ્રન્ટ પ્લીટ વાળું શર્ટ અને બૉ-ટાઈ પહેરી હતી.  ક્લીન શેવડ ચહેરામાં એ સાવ જુદો દેખાતો હતો. એ નજીક આવીને મને બાથમાં લે એ પહેલાં જ હું પગથિયે બેસી ગઈ.

‘હાય સિડ્! કેમ છે તું?’

‘જો ને કેવો લાગું છું?’

‘ડૉક્ટર જેવો.’ કહેતાં હું ખુલ્લા મને હસી પડી. હજુ બે મહિના પહેલાં જ અમે મળ્યા હતાં છતાં એને કેટલા ય સમયે જોતી હોઉં એમ થતું હતું.

‘કેટલા વખતે જોઈ તને.’

‘ભલે, હવે ફિલ્મી સ્ટાઇલમાં મને તાક્યા ન કરીશ, પ્લીઝ.’

‘નહિ જોઉં, એમ કરીએ આપણે ક્યાંક જઈએ.’

‘ક્યાં જઈશું? પેલું ગોળ ગોળ તો નહિ ખવડાવે ને?’

‘ના. મને ખબર છે પાણીપૂરી તારા મોંમાં બોમ્બની જેમ ફાટી હતી.’

‘તને યાદ છે બધું?’

સિડે મારી સામે એવી રીતે જોયું જાણે હું કશું અસંબદ્ધ બોલી  ગઇ હોઉં. માહૌલ બદલવા હું ઊભી થઈ બોલી,‘ચાલ.’

મેં ખીસામાંથી કારની ચાવી કાઢી હાથમાં ઝુલાવી. અમે કાર પાર્કિંગ વટાવી થોડું ચાલી બગીચામાં આવ્યાં. વાતાવરણમાં સાધારણ ઉકળાટ હતો. તડકામાં સિડ્‌નો ચહેરો તાંબાવરણો લાગતો હતો. અમે ચેરી બ્લોસમનાં ગુલાબી ફૂલોના ઘુમ્મટ નીચે આવીને ઊભાં.  હું સિડ્ તરફ ફરી, નેણનાં ઈશારે પૂછ્યું, ‘બોલ શું હતું?’

એ મારી સમ્મુખ આવ્યો. સલૂકાઈથી મારી બન્ને હથેળીઓ એના હાથમાં લીધી. એ મારી એટલો નજીક હતો કે મારી નસેનસમાં કશોક ફફડાટ વ્યાપ્યો હતો. એણે મારી આંખોમાં જોયું. કોઈ અકથ્ય લાગણીથી હું ધ્રુજતી હતી. મારા સંસ્કારોએ મને એની વાત સાંભળી લેવા પ્રેરી. ઘેરા ભાવસભર અવાજે એણે કહ્યું, ‘તને પહેલીવાર જોઈ ત્યારથી સતત અનુભવું છું કે તું સાવ અલગ છે. એક વિશિષ્ટ યુવતી, જેને હું અંત:કરણથી પારાવાર ચાહું છું. જિન્દગીનાં અગિયાર વર્ષ મેં માત્ર તને જ જોઈ છે.  એલિસા, તું સૌથી સુંદર, નમ્ર અને પ્રેમાળ વ્યક્તિ છું. મારું એક જ સપનું છે. હું જીવું ત્યાં સુધી તારી સાથે રહું. આટલાં વર્ષોમાં એ હવે મારા રુંવે રુંવે એકાકાર થઈ ગયું છે. તું જ એને સમજીને મને જીવાડી શકીશ.’

એણે  મારો હાથ છોડ્યો ને મારી સમ્મુખ ઘૂંટણીએ ઝૂક્યો. એના હાથમાં  વીંટીનું  સોનેરી બોક્ષ  હતું  એ મારી સામે લંબાવી  એણે પૂછ્યું, ‘એલિસા તું મારી સાથે પરણીશ? વીલ યૂ કીપ મી એલાઈવ?’

એ ઊંચું જોઈ મને તાકી રહ્યો હતો. ત્રણ બતકો અમારી નજીકથી પસાર થઈ ડાબી તરફ વળી. ત્યાં જ કબૂતરોનું ટોળું ઊડ્યું. મેં સિડ્ સામે જોયું. મનમાં ગમા અણગમાના જાળાં હતાં. ગુસ્સો, વિસ્મય, ડર, અભાવ. અને  ત્યાં જ મને વરસાદ પછી જાળાં પર બાઝેલાં મોતીનાં દાણા જેવો પ્રેમ નજરે પડ્યો.

અંદરના પ્રચંડ ધક્કાને રૂંધતા મારી નસો તંગ થઈ. હોઠ ભીડી આંસુ ખાળતાં મેં એને  ઊભો કર્યો.  એની આંખમાં જોયું. એ અપેક્ષાભર્યું જોઈ રહ્યો હતો. ત્યાં એનો ચહેરો સાવ ઝાંખો થઈ ગયો. એ ધૂંધળી આકૃતિને હું ઊકેલવા મથી. ખચકાટ અને શોષ મારા ગળા સુધી આવી ગયાં હતાં. આંખો ભીડી રુદનને ખાળતાં આર્દ઼ૃ સ્વરે હું બોલી ગઈ. ‘નો સિડ્ નો. સોરી, આઈ કાન્ટ.’ ને એના લંબાયેલા હાથને ઊવેખતી  બે ડગલાં પાછળ ખસી. એના મને પકડવા ઊંચકાયેલા હાથ હવામાં લબડી રહ્યા. એના કોટની ફડકો પવનમાં ફરફરતી હતી. હું વળી. બાય કે એવું કંઈક બોલતી હું સડસડાટ ચાલી નીકળી. કારપાર્ક સુધી દોડતી આવી. મેં ઝડપથી કાર હંકારી. મારે જવું હતું એનાથી દૂર. એના પડછાયાથી ય દૂર.

મેં પૂરપાટ કાર દોડાવી.

બે કે અઢી માઈલ આવી હોઈશ ને સંભળાયું એલિસા … એલિસા …. મારાથી બેકવ્યૂ મીરરમાં જોવાઈ ગયું. કાર ઊભી રાખી, હું ઊતરી. મને થયું નક્કી એ દોડતો મારી પાછળ આવે છે. નાનપણમાં મારી સાયકલ પાછળ દોડતો હતો એમ.

મેં જોવાય એટલે દૂર સુધી જોયું. ખાલીખમ રસ્તાની બન્ને બાજુ  ઘટાટોપ ખીલેલાં ફૂલોથી લથપથ વૃક્ષો  સિવાય કશું જ નહોતું.

મારા પગ નજીકથી પીળી, આસમાની, આછી ગુલાબી પાંદડીઓ ઊડી.

મેં થોડીવાર સફેદ,આસમાની પીળા ગુલાબી વૈભવને જોયા કર્યો ને ઊંડો શ્વાસ લઈ કારમાં બેઠી.

ફેફસાંમાં ઊંડઊંડે સુધી ખીલેલાં ફૂલોની સુગંધ ભરાઈ ગઈ હતી.

*      *      *

e.mail : anilvyas34@gmail.com

Loading

ગુજરાતી ભાષામાં સુવાંગ અને સુરેખ એવી પહેલી મહિલા આત્મકથા આપનાર સાહિત્યકાર હિમાંશી શેલત

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|29 April 2016

આપણા સાંપ્રતમાં વિરલ એવા સાહિત્યકાર હિમાંશી શેલતને આવતી કાલે શ્રી મનુભાઈ પંચોળી ફાઉન્ડેશન અવૉર્ડથી સન્માનવામાં આવી રહ્યાં છે. તેમણે ટૂંકી વાર્તાઓ થકી એકંદર સ્ત્રીવર્ગની મનોદશા, અનેક રીતે શોષિત-વંચિત સ્ત્રીઓની અવદશા, સ્ત્રીનાં સંઘર્ષ અને શક્તિને વાચા આપી  છે. વળી નવલિકાઓ થકી તેમણે સમાજના હાંસિયા બહાર મૂકાયેલા લોકોના વાસ્તવને, વાચક હચમચી ઊઠે તે રીતે ઉજાગર કર્યું છે. કરમાયેલાં બાળપણને કેન્દ્રમાં રાખીને કરુણા અને સહજતાના સંયોજન સાથેનાં લખાણો પણ હિમાંશીબહેને આપ્યાં છે. હિમાંશીબહેન કદાચ એકમાત્ર ગુજરાતી લેખક છે કે જેમણે તેમની આસપાસની પ્રાણીસૃષ્ટિ સાથેના સ્નેહસંબંધ વિશે માંડીને લખ્યું હોય. તેમણે લાવણ્યમય લલિત નિબંધો અને અસરકારક અખબારી લેખો પણ લખ્યા છે. પોતાનાં કેટલાંક પુસ્તકોમાં નમણાં રેખાંકનો પણ એમણે કર્યાં છે.

અંગ્રેજીના પૂર્વ અધ્યાપક હિમાંશીબહેને પ્લૅટફૉર્મ પર રખડતાં, ઝૂંપડપટ્ટીમાં રહેતાં, રિમાન્ડ હોમ તેમ જ અનાથાશ્રમમાં વસતાં બાળકો સાથે પોતાની રીતે કામ કર્યું છે. તદુપરાંત સુરતમાં દેહવ્યવસાય કરનારી મહિલાઓ સાથે પણ તેમણે કેટલોક વખત કામ કર્યું છે. આસમાની-સુલતાની વખતે તે પીડિતોને વહારે દોડ્યાં છે. સમાજકાર્યના દાવા-દેખાડા વિનાના અનુકંપાપૂર્ણ અનુભવે તેમને લેખન માટેની સામગ્રી પૂરી પાડવા ઉપરાંત તેમના સર્જનને પ્રતીતિજનક બનાવ્યું છે. એમના સર્જનમાં સામાજિક નિસબત અને કલાસૌંદર્યનું દુર્લભ સંતુલન જોવા મળે છે. લેખક તરીકેની તેમની મહત્તામાં  ઉત્કટતા, કળા અને  સામાજિક સભાનતા ઉપરાંત ગદ્ય-પ્રતિભાનો મોટો ફાળો છે. અનેક જાતના અવળા અભરખાના જમાનામાં અંદરથી ઝળાંહળાં અને જાત સાથે ઇમાનદાર એવાં હિમાંશીબહેન આપણને મળતાં મળે એવા સર્જક છે.

હિમાંશીબહેનનું આત્મકથન ‘મુક્તિ-વૃત્તાંત’ (અરુણોદય પ્રકાશન, અમદાવાદ)  હમણાં  ફેબ્રુઆરી મહિનામાં પ્રકાશિત થયું છે. સ્વકથન માટે જરૂરી નિખાલસતા અને નિર્ધાર, પ્રામાણિકતા અને પ્રમાણભાન, આત્મકથાના સ્વરૂપની સમજ અને સભાનતા ‘મુક્તિ-વૃતાંત’ને ગુજરાતી ભાષાની પૂરા કદની, સુરેખ અને સુવાંગ એવી પહેલી મહિલા આત્મકથા બનાવે છે. હિમાંશીબહેને તેમનાં  જન્મથી ( ‘હું મુક્તિ. સુડતાળીસમાં જન્મી એટલે સ્વતંત્રતાને વધાવવા પાડેલું મારું પહેલું નામ. રાશિ-નામ મળ્યું એ પાછળથી.’) છેક હમણાં સુધીના એટલે કે ‘રાજ્યની સાહિત્ય અકાદમી પર સરકારની પકડ’ કે ‘દિલ્હીની હવા અત્યંત દૂષિત બનતી જાય છે’ ત્યાં સુધીના સમયનું પોતાનું જીવન, ધોરણસરની નિખાલસતાથી આલેખ્યું છે. તેની સાથે કેટલાક મહત્ત્વના સામાજિક-રાજકીય બનાવો તરફનો પ્રતિભાવ પણ છે. આખું પુસ્તક તેના લગભગ દરેક પાસામાં ગમી જાય તેવું છે.

હિમાંશીબહેનનાં જન્મ, ઉછેર, શિક્ષણ અને કારકિર્દીનો મોટો હિસ્સો સુરતમાં. ઘણા સભ્યોવાળા પરિવારમાં લાડકોડ અને સુખસલામતીવાળું, કોઈ ખાસ ધાકધમકી કે વડીલશાહી વિનાનું બાળપણ. પત્રકાર દાદા અને આઠ ચોપડી ભણેલાં પણ પોતાની રીતે રસિક, કર્તૃત્વશાળી માતુ:શ્રીની મોટી છાપ છે. વાચન-લેખન માટેના લગાવ, રોજબરોજનાં વાણીવર્તનની સંસ્કારિતાનાં મૂળ પણ ત્યાં. પિતાજીના પરગજુપણાની તેમ જ વીતરાગી વૃત્તિની અસર. ‘જીવનભારતી’ જેવી વિશિષ્ટ શાળા અને એમ.ટી.બી. જેવી જાણીતી કૉલેજ. આ જ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે શીખવવા-શીખવા માટેની નિષ્ઠાપૂર્વકની મથામણ છવ્વીસ વર્ષ ચાલી. તે દરમિયાન ભારતીય મૂળના અંગ્રેજી લેખક વિદ્યાધર નાયપૉલની નવલકથાઓ પર ડૉક્ટરેટ મેળવી. અધ્યાપક તરીકે ‘બે-પાંચ પાણીદાર નાગરિકો તૈયાર કરવા જેવું કામ થયું છે ખરું ?’ એવા ખુદને પૂછેલા સવાલ સાથે કમાઉ, સલામત નોકરીમાંથી રાજીનામું આપ્યું. અલગારી વૃત્તિના, ખુદ્દાર, રસિક અને પરિશ્રમી એકલવીર મેઘાણીપુત્ર વિનોદભાઈ સાથે 1995માં લગ્ન કર્યાં. વલસાડ પાસેનાં અબ્રામામાં વાંકી નદી, ઝાડપાન, ફૂલછોડ, પશુપક્ષીઓના સંગમાં; લેખન-વાચન-સંશોધન, સંગીતકળા, ગરીબ બાળકોને રમાડવા-ભણાવવાની પ્રવૃત્તિથી ભર્યું ભર્યું જીવન શરૂ કર્યું. તે વિનોદભાઈના અવસાન (2009) અને ખુદને 2014માં થયેલા હૃદયરોગના હુમલા પછી પણ યથાશક્તિ ચાલુ છે.

ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનું વિપુલ વાચન, ચિત્ર-સંગીત-નાટ્યકલામાં ઘણો રસ. પહેલો વાર્તાસંગ્રહ આવ્યો ‘અંતરાલ’ (1987). તેમાં લેખક કહે છે: ‘ટૂંકી વાર્તાના સ્વરૂપનું મને ભારે ખેંચાણ રહ્યું છે. અત્યંત મર્યાદિત ફલક પર તીવ્ર અનુભૂતિની ક્ષણોને કલમના લસરકાથી આલેખવાનો પડકાર ઝીલવાનું મને ગમે છે …. ક્લિષ્ટતા, ટેકનિકની વધુ પડતી આળપંપાળ કે ભાષાના આંજી દે તેવા ઝગઝગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી.’ આવી સરળતા કથાસર્જનમાં મોટે ભાગે જળવાઈ છે. ત્યાર બાદ ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ ‘એ લોકો’, ‘સાંજનો સમય’ અને ‘પંચવાયકા’ સંગ્રહો આવે છે. ‘ખાંડણિયામાં માથું’(2003)ની પ્રસ્તાવનામાં હિમાંશી બહેન કહે છે : ‘બે હજાર બેના ગુજરાતને જોયા પછી સમકાલીન વાસ્તવને વાર્તામાં ઝડપી લેવાનો પડકાર ઉપાડવાની મારી તાકાત અંગે ય હું સાશંક બની છું … છતાં વાર્તાએ મને ટકાવી છે.’ ‘સ્ત્રી અને માતૃત્વ સાથે વણાયેલી વાર્તાઓ’ ના સંચય તરીકે ‘ગર્ભગાથા’ જેટલું ખળભળાવી દેનારું ભાગ્યે જ કંઈ વાંચવા મળે. ‘ઘટના પછી’ (2011) સંચય બાદ ચાર વર્ષે આવે છે ‘એમનાં જીવન’.

‘આઠમો રંગ’ (2001) એ વિખ્યાત મનસ્વી ચિત્રકાર અમૃતા શેરગિલને ‘નજીકથી ઓળખવાની અને  જોવાની તીવ્ર ઇચ્છા’ થી લખાયેલી નવલકથા છે ‘સપ્તધારા’ (2012) લઘુનવલમાં યુદ્ધ, કોમી રમખાણો,નાતજાત, માનસિક વિકૃતિઓ, નશાખોરી, ગુનેગારી,બેકારી જેવાં પરિબળોને કારણે છિન્નભિન્ન થતાં બાળપણની વાત નોંધપાત્ર વસ્તુસંકલના સાથે સતત ઊઘડતી રહે છે. નિતાંત સુંદર નિબંધ સંગ્રહ ‘એકડાની ચકલીઓ’ (2004) અને સમકાલીન જાહેરજીવન પરનાં વ્યંગ-કટાક્ષ લેખોનો સંગ્રહ ‘ડાબે હાથે’ (2012) હરગિઝ  ચૂકવા જેવા નથી.

‘પ્લૅટફૉર્મ નંબર ચાર’(1998)માં સુરત રેલવે સ્ટેશને અને અન્યત્ર રઝળતાં તકવિહોણાં બાળકોએ કાર્યકર્તા લેખકને આપેલાં આનંદનું વર્ણન છે. ‘વિક્ટર’ (1999) પુસ્તક ‘પ્રાણી અને મનુષ્યના અતૂટ, ઉત્કટ, રહસ્યમય પ્રેમસંબંધ’ની અનુભવકથાઓ છે. ટીકો-નાની-શાણી-ટપ્પી-પારકો-શ્યામલ (બિલાડાં), લાલુ-નાનકો-જૉલી-રામુ-રાજુ-મોતી-લિઓ-વિક્ટર-સોનુ(કૂતરાં)નાં અને વાનરોના મનભર સહવાસચિત્રો હિમાંશીબહેને નજાકતથી આલેખ્યાં છે. ‘સોનુ અને માઓ’ કૂતરા અને બિલાડીના બચ્ચાની ભાઇબંધી પર બાળકો માટેની કથા છે. ‘રમતાં-ભમતાં’ના બે ભાગમાં દસ બાળવાર્તાઓ અને ‘આનંદે ભજવીએ’ માં છ બાળનાટકો છે. રિમાન્ડહોમના બાળક પરનું નાનકડું પુસ્તક ‘ગણપતની નોંધપોથી’ સહુથી ચોટદાર છે.

હિમાંશીબહેનનાં નવ સંપાદનોમાં પહેલું સંપાદન સ્વામી આનંદ અને મકરંદ દવેનો પત્રવ્યવહાર ‘સ્વામી અને સાંઈ’ (1993). મા-દીકરીના મૈત્રીસંબંધ વિશેના લેખોનો, સહુને ગમી જાય તેવો સંચય તે ‘પહેલો અક્ષર’. પચીસેક વર્ષ સાગરખેડૂ તરીકે વીતાવનાર અનુવાદક અને સંપાદક એવા વિચક્ષણ  વિનોદભાઈની મુસાફરીઓનાં ‘મૌલિક સ્મૃિતચિત્રો’નું ‘ઘુમવા દીગ્દીગંતો’ (2009) નામે  તેમણે સંપાદન કર્યું છે. જયંત પાઠકના ‘દ્રુતવિલંબિત’ કાવ્યસંચયને હિમાંશીબહેન,અંગ્રેજીમાં લઈ ગયાં છે.  સ્વાશ્રયી મહિલા સંગઠન ‘સેવા’ ના સ્થાપક ઈલાબહેન ભટ્ટના  બહુ પ્રસ્તુત  પુસ્તક  ‘વી આર પુઅર બટ સો મેની’ તેમણે  ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં !’  નામે આપ્યું  છે.

હિમાંશીબહેને બે હજાર પાનાંના ત્રણ ગ્રંથોમાં વ્યાપેલા સંપાદનનું ગુજરાતીમાં લગભગ અભૂતપૂર્વ કામ વિનોદભાઈ સાથે કરેલું છે : ‘અંતર-છબિ’ નામે ‘ઝવેરચંદ મેઘાણીનું સંકલિત આત્મવૃત્તાંત’, અને ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન ‘લિ. હું આવું છું’. બે ભાગના પત્રસંગ્રહના ઉંઝા જોડણીમાં લખાયેલા પોતાના નિવેદનમાં હિમાંશીબહેન નોંધે છે કે આ કામ દરમિયાન ‘એક પ્રાણવાન અસ્તીત્વની દીપ્તિમાં તરબોળ’ થવાનો’ ભાવ તેમણે અનુભવ્યો હતો. હિમાંશીબહેનનાં પુસ્તકો વાંચતા પણ આવી લાગણી જન્મે છે.  હિમાંશી શેલતનું સાહિત્યસર્જન માટેના  દર્શક ફાઉન્ડેશન સન્માનથી ગૌરવ કરવામાં આવે તેમાં કલા અને સામાજિક નિસબતના સમન્વયની જરૂરિયાત તેમ જ  સ્વીકૃતિનો નિર્દેશ રહેલો  છે.

28/4/2016

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ગાંધીજી અને નટેસનઃ ગાંધીયુગનું ભૂલાયેલું પ્રકરણ

વિશાલ શાહ|Gandhiana|23 April 2016

મોહનદાસ ઈ.સ. ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા ગયા, ત્યાં તેમણે બે દાયકા રાજકીય-સામાજિક આંદોલનમાં ગાળ્યાં, અને ઈ.સ. ૧૯૧૫માં ૪૬ વર્ષની ઉંમરે ભારત પરત ફર્યા. ગાંધીજી (એ વખતે ગાંધીભાઈ) દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા એ પહેલાં જ અહીંના રાજકીય-સામાજિક અને બૌદ્ધિક વર્તુળોમાં જાણીતા થઈ ગયા હતા. સોશિયલ મીડિયાના ઉદ્ભવની એક સદી પહેલાં ભારતમાં પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરી ચૂકેલા ગાંધીભાઈને જાહેર સમારંભોમાં જોવા-સાંભળવા ઊમટતી ભીડ જોઈને ત્યારના અનેક નેતાઓને આશ્વર્ય થતું. એ વખતે તેઓ ‘મહાત્મા’ તરીકે નહીં પણ દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓના અધિકાર માટે સત્યાગ્રહ કરનારા બારિસ્ટર તરીકે જાણીતા હતા. એક એવા બારિસ્ટર જેમણે સત્ય અને અહિંસાના માર્ગે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. એ પહેલાં વિશ્વએ આવું વિશિષ્ટ પ્રકારનું આંદોલન જોયું ન હતું. હવે સવાલ એ છે કે, ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમના વિચારો ભારતના રાજકીય-સામાજિક અને બૌદ્ધિક વર્તુળોમાં કેવી રીતે પહોંચ્યા હતા? જવાબઃ ભારતીય સમાજમાં પત્રકારત્વ અને પુસ્તકો થકી ગાંધીવિચારનો પ્રચાર-પ્રસાર કરનારી વ્યક્તિ હતી, ગણપતિ અગ્રાહરમ અન્નાદુરાઈ અય્યર નટેસન. દક્ષિણ આફ્રિકા જ નહીં, ભારતીય સ્વતંત્રતા આંદોલનના પણ એ રસપ્રદ પ્રકરણ પર બાઝી ગયેલી ધૂળ ખંખેરવાનો પ્રયાસ કરીએ.

ગણપતિ નટેસન તમિળનાડુના પત્રકાર, લેખક, પુસ્તક પ્રકાશક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમનો જન્મ ૨૫મી ઓગસ્ટ, ૧૮૭૩ના રોજ તમિલનાડુના તાંજોર જિલ્લાના અગ્રાહરમ અન્નાદુરાઈ ગામે થયો હતો. મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતકની પદવી લીધા પછી નટેસને ૨૧ વર્ષની વયે ‘મદ્રાસ ટાઈમ્સ’માં નોકરી શરૂ કરી. ઉદ્યોગસાહસિકતાના ભરપૂર ગુણ ધરાવતા નટેસને ઈ.સ. ૧૮૯૭માં નોકરી છોડીને ‘જી.એ. નટેસન એન્ડ કંપની’ નામે પ્રકાશન સંસ્થા શરૂ કરી. નટેસનની પ્રકાશન કંપનીનું કામ સારું ચાલતું હતું, પરંતુ ઈ.સ. ૧૯૦૦માં તેમણે ‘ધ ઈન્ડિયન રિવ્યૂ’ નામનું અંગ્રેજી માસિક શરૂ કરી, ફરી એકવાર, પત્રકારત્વમાં ઝંપલાવ્યું. આ માસિકમાં નટેસને ધર્મ, રાજકારણ, આર્થિક-સામાજિક પ્રવાહો, અર્થતંત્ર, કૃષિ, સાહિત્યિક સમીક્ષાઓની સાથે ગાંધીજી વિશે પણ ઘણું છાપ્યું. આ સામાયિકના કવરપેજ પર નટેસન ‘તમામ વિષયોની ચર્ચાને વરેલું માસિક’ એ મતલબની જાહેરખબર પણ મૂકતા. ‘ધ ઈન્ડિયન રિવ્યૂ’ના શરૂઆતના અંકો પ્રાપ્ય નથી પણ વર્ષ ૧૯૧૦ અને એ પછીના અંકોમાં ગાંધીજીના અનેક ઉલ્લેખ મળે છે.

‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ની વર્ષ ૧૯૧૫માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું  કવર અને બાજુમાં એ જ પુસ્તકમાં ગાંધીજી અને કસ્તૂરબા સાથે જી.એ. નટેસનની તસવીર

ગાંધીજી ‘ગાંધીભાઈ’ હતા ત્યારથી જ નટેસનનો તેમના સાથે નાતો જોડાઈ ગયો હતો. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં નટેસનનો સૌથી પહેલો ઉલ્લેખ ૩૦મી જુલાઈ, ૧૯૦૯ના રોજ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના આંદોલનમાં તેમના સાથીદાર હેનરી પોલાકને લખેલા પત્રમાં મળે છે. એ પત્રમાં ગાંધીજીએ પોતાના વિચારો અને અભિપ્રાયોનો પ્રચાર કરવા નટેસન સાથે ચોક્કસ પ્રકારની સમજૂતી થાય એવી પોલાક સમક્ષ આશા સેવી હતી. જો કે, ગાંધીજી નટેસનની કામગીરીથી કેવી રીતે પરિચિત થયા એ વિશે માહિતી મળતી નથી, પરંતુ જુલાઈ ૧૯૦૯ પછી નટેસને ગાંધીજીના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવામાં મદદ કરી હતી, એ સાબિતીઓ ગાંધીજીના પત્રો અને લખાણોમાં મળે છે. ગાંધીજીના ભારત આગમન પહેલાં વર્ષ ૧૯૦૯માં નટેસને ‘ધ ઈન્ડિયન્સ ઓફ સાઉથ આફ્રિકા, હેલ્ટોસ વિથિન ધ એમ્પાયર એન્ડ હાઉ ધે ટ્રીટેડ’ નામનું હેનરી પોલાકનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. એ પછીના વર્ષે તેમણે ‘એમ. કે. ગાંધી એન્ડ ધ સાઉથ આફ્રિકા ઈન્ડિયન પ્રોબ્લેમ’ નામનું પ્રાણજીવન જગજીવન મહેતા લિખિત પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકોના કારણે અંગ્રેજી જાણતા-બોલતા ભારતીયો ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના આંદોલનના વધુ નિકટ પરિચયમાં આવ્યા હતા.

ગાંધીજી અને કસ્તૂરબા દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યાં એ જ વર્ષે ૧૭મી એપ્રિલ, ૧૯૧૫ના રોજ મદ્રાસની મુલાકાતે ગયાં, ત્યારે તેમનો ઉતારો નટેસનના ઘરે હતો. ગાંધીજી અને કસ્તૂરબા મદ્રાસ સેન્ટ્રલ સ્ટેશને પહોંચ્યાં ત્યારે તેમને જોવા-સાંભળવા અને તેમનું સ્વાગત કરવા આશરે બે હજાર લોકો ભેગા થયા હતા. ગાંધી દંપતીના મદ્રાસ આગમનનો ‘ધ હિંદુ’માં અહેવાલ છપાયો હતો, જેની નોંધ ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં છે. આ અહેવાલ પ્રમાણે, ‘‘… શ્રી ગાંધી દૂબળા પાતળા દેખાતા હતા. એમણે એક ખૂલતું પહેરણ અને પાયજામો પહેર્યાં હતા, જે બંને ચાર દિવસની સતત મુસાફરીને લીધે મેલાં થઈ ગયાં હતાં. લોકો એ ડબા ઉપર ધસી ગયા અને ભીડ એટલી બધી હતી કે ત્યાં ઊભેલા ડઝનેક પોલીસ એને કાબૂમાં રાખી શક્યા નહીં. એટલે આખરે તેઓ એ ટોળાને એની મરજી પર છોડી દઈ ત્યાંથી હઠી ગયા … ટોળામાંથી ‘ગાંધી દંપતી ઝિંદાબાદ’, ‘અમારા વીર ઝિંદાબાદ’, ‘વન્દે માતરમ’ના પોકારો ગાજી ઊઠ્યા. શ્રી ગાંધીએ નમસ્કાર કરી એ પોકારો ઝીલ્યા. પછી તેમને ઘોડાગાડી નજીક લઈ જવામાં આવ્યા. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. એમણે ગાડીને જોડેલા ઘોડાને છૂટો કરી નાખ્યો અને પોતે ગાડી ખેંચવા આગળ આવ્યા. તેઓ ગાડીને ખેંચીને સુનકુરામ ચેટ્ટી સ્ટ્રીટમાં આવેલા મેસર્સ નટેસન એન્ડ કંપનીના મકાને લઈ ગયા. આખે રસ્તે લોકો શ્રી ગાંધીનો હર્ષનાદથી જયજયકાર કરતા હતા …’’ 

‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ ની ૧૯૨૨માં પ્રકાશિત ત્રીજી આવૃત્તિમાં નટેસને મૂકેલી ગાંધીજીના પુસ્તકની જાહેરખબર. આ જાહેરખબરમાં ‘ઇન્ડિયન રિવ્યૂ’ના ગ્રાહકોને વિવિધ પુસ્તકો પર અપાતા ડિસ્કાઉન્ટની પણ વિગતો જાણવા મળે છે.    

ગાંધીજી અને નટેસનની એ પહેલી મુલાકાત હતી. ગાંધીજી આઠમી મે, ૧૯૧૫ સુધી એટલે કે ત્રણ અઠવાડિયા નટેસનના ઘરે રોકાયા. આ દરમિયાન તેમણે મદ્રાસમાં કેટલાક સ્થળોએ ભાષણો આપ્યા તેમ જ અનેક સંસ્થાઓના આમંત્રણો સ્વીકારીને ત્યાં જાહેર બેઠકો યોજી. ગાંધીજીનો મદ્રાસ જવાનો મુખ્ય હેતુ દક્ષિણ આફ્રિકાથી હદપાર (ડિપોર્ટ) કરાયેલા સત્યાગ્રહીઓને મળવાનો હતો કારણ કે, દક્ષિણ આફ્રિકાના મોટા ભાગના હિંદી વસાહતીઓ દક્ષિણ ભારતીયો હતા. દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલથી હદપાર કરાયેલા દક્ષિણ ભારતીયોને નટેસને ખૂબ મદદ કરી હતી. એ મુદ્દે ગાંધીજીએ ૧૬મી જુલાઈ, ૧૯૧૦ના ‘ઈન્ડિયન ઓપિનિયન’માં નોંધ્યું હતું કે, ‘‘… મિ. નટેસનની સેવાઓની પ્રશંસા કરતા ઘણા પત્રો અમને મળ્યા છે. હદપારીઓની દશા સહ્ય બને તે માટે તેમણે ઘણું ઘણું કર્યું છે. મદ્રાસના વર્તમાનપત્રોએ પણ તેમના વખાણનાં પાનાંના પાનાં ભર્યાં છે. તેમની મહાન લોકલાગણી માટે અમે મિ. નટેસનને અભિનંદન આપીએ છીએ.’’ આમ, દક્ષિણ આફ્રિકાના આંદોલનોથી શરૂ થયેલો ગાંધીજી-નટેસનનો સંબંધ તેમના ભારત આગમન પછી વધારે ગાઢ બન્યો હતો.

એ પછી નટેસને વર્ષ ૧૯૧૮માં ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેના શીર્ષક નીચે ‘ઓથોરાઈઝ્ડ. અપ ટુ ડેટ, કોમ્પ્રિહેન્સિવ.’ એવું ઝીણું લખાણ મૂકાયું હતું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં નટેસને નોંધ્યું છે કે, ગાંધીજીના ભાષણો અને લખાણો ધરાવતું આ સંપૂર્ણ, અધિકૃત અને અપ-ટુ-ડેટ પુસ્તક છે … ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમના વિચારો-અભિપ્રાયો તોડી-મરોડીને રજૂ કરાતા હતા એટલે નટેસને એવું લખાણ રાખ્યું હોઈ શકે! આ જ કારણસર દક્ષિણ આફ્રિકાના આંદોલન વખતે ગાંધીજીને પોતાનું અખબાર હોવું જોઈએ એવો વિચાર આવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ વિવિધ અખબારોમાં લેખો-ચર્ચા પત્રો લખીને તેમ જ ઈન્ટરવ્યૂ આપીને લોકમત ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પ્રયાસ અપૂરતા લાગતા ગાંધીજીએ વર્ષ ૧૯૦૩માં ‘ઈન્ડિયન ઓપિનિયન’ અખબાર શરૂ કર્યું. આ અખબાર અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને તમિળ એમ ચાર ભાષામાં પ્રકાશિત થતું હતું. એટલે એવું અનુમાન થઈ શકે કે, દક્ષિણ આફ્રિકા સ્થિત તમિળભાષીઓ થકી તેમ જ પોતાના વિચારો યોગ્ય રીતે લોકો સુધી પહોંચે એવી મથામણમાંથી ગાંધીજી નટેસનના પરિચયમાં આવ્યા હશે! ગાંધીજીએ તમિળ શીખવાની શરૂઆત કર્યા પછી તમિળમાં સૌથી પહેલો પત્ર નટેસનને લખ્યો હતો, જે આજે ય તમિલનાડુના મદુરાઈસ્થિત ગાંધી મ્યુિઝયમમાં જોવા મળે છે. દિલ્હીના ગાંધી મ્યુિઝયમમાં પણ ગાંધી-નટેસનના સંબંધની અમુક યાદો સચવાયેલી છે, જે નટેસન પરિવારે ભારત સરકારને ભેટ આપી હતી.

‘સ્પિચિઝ ઓન ઇન્ડિયન અફેર્સ બાય મોર્લી’ પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં  ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ’ શ્રેણી હેઠળના પુસ્તકોની જાહેરખબર. આ જાહેરખબરમાં પણ ‘ઇન્ડિયન રિવ્યૂ’ના ગ્રાહકોને વિવિધ પુસ્તકો પર અપાતા ડિસ્કાઉન્ટની વિગતો તેમ જ ‘ઇન્ડિયન રિવ્યૂ’નું વાર્ષિક લવાજમ રૂ. પાંચ હતું અે જાણવા મળે છે.'

ગાંધીજી ભારત આવ્યા એ પછીયે નટેસને ગાંધીવિચારોનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ ૧૯૨૨માં નટેસને ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ પુસ્તક ‘હિંદ સ્વરાજ ઓર ઈન્ડિયન હોમ રૂલ’ નામે અંગ્રેજીમાં પ્રકાશિત કર્યું હતું. એ જ વર્ષે ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ હતી, જેના કવરપેજ પર ‘વિથ એન ઈન્ટ્રોડક્શન બાય સી. એફ. એન્ડ્રુઝ એન્ડ એ બાયોગ્રાફિકલ સ્કેચ’ એવું લખાણ જોવા મળે છે. સી. એફ. એન્ડ્રુઝ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ વતી ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા આવ્યા હતા. ગોપાલકૃષ્ણ ગોખલેએ એન્ડ્રુઝ થકી ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવી જવાનો સંદેશ મોકલ્યો હતો. એ મુદ્દે ગાંધીજીને સમજાવવાનો શ્રેય એન્ડ્રુઝને જાય છે. નટેસને ઈ.સ. ૧૮૯૮માં એટલે કે પ્રકાશન સંસ્થા શરૂ કર્યાના બીજા જ વર્ષે, ‘સ્પિચિઝ ઓફ ધ ઓનરેબલ મિ. જી. કે. ગોખલે’ પુસ્તક પ્રકાશિત કર્યું હતું. શું ગાંધીજી-નટેસનનો પરિચય ગોખલે થકી થયો હશે? વર્ષ ૧૯૩૧માં નટેસનની કંપનીએ હેનરી પોલાકના ‘મહાત્મા ગાંધી, એન એન્લાર્જ્ડ એન્ડ અપ-ટુ-ડેટ એડિશન ઓફ હિઝ લાઈફ એન્ડ ટીચિંગ્સ’ નામના પુસ્તકની નવમી આવૃત્તિ પ્રકાશિત કરી હતી. એક પુસ્તકની આટલી આવૃત્તિઓ પરથી ગાંધીવિચારો ફેલાવવામાં નટેસનનું યોગદાન કેવું હશે, એ સમજી શકાય એમ છે. 

આજે આપણે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ગણપતિ અગ્રાહરમ અન્નાદુરાઈ અય્યર નટેસનને એક ક્રાંતિકારી પુસ્તક પ્રકાશક તરીકે પણ યાદ કરવા જોઈએ. તેમણે ઈ.સ. ૧૯૦૦થી ૧૯૩૦ વચ્ચે ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ’ અને ‘જીવનચરિત્રો’ જેવી શ્રેણી અંતર્ગત મદનમોહન માલવિયા, ગોપાલકૃષ્ણ ગોખલે, મહાદેવ ગોવિંદ રાનડે, સર દિનશા એદલજી વાચ્છા, દાદાભાઈ નવરોજી, જગદીશચંદ્ર બોઝ, સુરેન્દ્રનાથ બેનરજી, રામકૃષ્ણ પરમહંસ, એમિનન્ટ મુસલમાન્સ, લીડર્સ ઓફ બ્રહ્મો સમાજ, ચૈતન્ય ટુ વિવેકાનંદ અને ફેમસ પારસીઝ જેવાં પુસ્તકોની એકથી વધારે આવૃત્તિઓ પ્રકાશિત કરી હતી. નટેસનની કંપનીએ છાપેલાં પુસ્તકોમાં વિષય વૈવિધ્ય, ઓછી કિંમત અને એકથી વધારે આવૃત્તિઓની સંખ્યા ઊડીને આંખે વળગે છે. તેમણે હિંદુ ધર્મ, સંપ્રદાયો, ભારત અને રાષ્ટ્રવાદ, ઇતિહાસ, અર્થતંત્ર, શિક્ષણ, ખેતી, ભારતીય કળા, તેલુગુ લોકસાહિત્ય, શંકરાચાર્ય, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ઈશાન ભારતીયો, ભારતીય ઉત્પાદકો, ઉદ્યોગો, બ્રિટન તેમ જ બ્રિટનની એશિયાઈ કોલોની જેવા વિષયોનાં ઓછી કિંમત ધરાવતાં પુસ્તકો પણ પ્રકાશિત કર્યા હતા. નટેસને પ્રકાશિત કરેલાં પુસ્તકોની રેન્જ શેક્સપિયરથી લઈને તેનાલીરામન સુધીની છે. નટેસને ગાંધીવિચાર જ નહીં, ભારતીય સ્વતંત્રતા આંદોલન વખતે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવા તેમ જ જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવા પુસ્તક પ્રકાશનનું એક ક્રાંતિકારીને છાજે એવું કામ કર્યું હતું.

નટેસને સ્વતંત્રતા આંદોલન વખતે ગાંધીજીને તેમના વિચારો ફેલાવવાની સાથે આર્થિક મદદ પણ કરી હતી. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં નોંધ્યા પ્રમાણે, ૨૮મી મે, ૧૯૧૫ના રોજ ગાંધીજીએ નટેસનને ‘તમારો રૂ. ત્રણ હજારનો ચેક મળી ગયો છે’ એવો ઉલ્લેખ કરતો પત્ર લખ્યો હતો, જે કદાચ તેનો એકમાત્ર અધિકૃત પુરાવો છે.

e.mail : vishnubharatiya@gmail.com

Loading

...102030...3,7273,7283,7293,730...3,7403,7503,760...

Search by

Opinion

  • પ્રેમ પકડવાનું જ નહીં, છોડવાનું પણ નામ છે … 
  • એવરેસ્ટ પરના ‘ગ્રીન બુટ્સ’નું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?
  • વગદાર, શક્તિશાળી, ધનવાન અને આગેવાન કોને કહેવાય? 
  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved