Opinion Magazine
Number of visits: 9552967
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Kaalaan Naanaanni Janani Karchori ke Dhanlolupta ?

આશા બૂચ|Opinion - Opinion|8 September 2015

કાળાં નાણાંની જનની કરચોરી કે ધનલોલુપતા?

આજકાલ ભારતમાં ‘વિદેશી બેંકોમાં મુકાયેલાં કાળાં નાણાં જનતાને ક્યારે મળશે?’ એવા સવાલો સરકારી તંત્રને પુછાઈ રહ્યા છે. હવે માનનીય મોદી સાહેબ એનો જવાબ ક્યાંથી આપે? કોઈ વસ્તુ ક્યાં છે તે ખબર હોય તો શોધીને પાછી આણી શકાય, પણ જેના સગડ ન હોય તેવી જણસ  લાવવી એ તો અસંભવ છે.

ચર્ચાએ ચડેલ આ વિષય પર વિચાર કરતાં સવાલ થયો કે ભાઈ, નાણાંને તે કોઈ રંગ હોતો હશે? તાંબા વર્ણ અને ચાંદી જેવા વર્ણના સિક્કા ચલણમાં છે, પણ કાળા – ધોળા રંગનું નાણું ક્યાં ય અસ્તિત્વમાં હોય તેવું જાણ્યું નથી. જો જો, હો ભાઈ, કોઈ એમ ના કહેશો કે નાણાં એમ તો લીલા, ભગવા, સફેદ કે લાલ રંગના હોય છે! ચાલો સ્વીકારીએ કે બેહિસાબી નાણાંને કાળું નાણું કહેવામાં આવે છે તો બીજો પ્રશ્ન એ ઊઠે કે આનો ઉદ્દભવ ક્યાં અને ક્યારે થયો હશે? આ અનિષ્ટનું મૂળ શોધતાં લાગ્યું કે કાળાં નાણાંની જનની કરચોરી, તેની જનની ધનલોલુપતા, તેની જનની ભૌતિક સંપત્તિનો મોહ, તેની ય જનની દુન્યવી સાધનોમાં સુખને ભાળવાની દ્રષ્ટિ, તેની જનની ……… આમ કેટલી પેઢીનો આંબો બનાવીશું?

કહે છે કે છેલ્લા બાર પંદર વર્ષમાં ભારતમાં કમાણી કરીને જમા કરેલી સંપત્તિમાંથી લગભગ 500 બિલિયન ડોલર જેટલું ધન વિદેશી બેંકોમાં જતું રહ્યું છે. આ હકીકત બે ત્રણ વાતો ઉઘાડી પાડે છે, એક તો એ કે ભારતમાં કરવેરાની વ્યવસ્થા નબળી છે. એક અંદાજ મુજબ દેશની કુલ વસતીના માત્ર 3% લોકો કરવેરા ભરે છે જેનો અર્થ એ હોઈ શકે કે કાં તો મોટા ભાગના લોકો કરવેરા ભરવા જેટલું નાણું કમાતા નથી અથવા કર ચોરી કરે છે. એટલે કે દેશમાં એવા અને એટલા વ્યવસાયો ઉપલબ્ધ નથી જેમાં કમાનાર તેના કુટુંબનું ભારણપોષણ કરવા જરૂરી હોય તેટલી રકમ બાદ કરતાં વધે તેવી રકમ ફાળવી શકે. અને બીજો અર્થ એ પણ થઈ શકે કે સારી એવી સંખ્યા કરચોરી કરે છે. પ્રથમ સ્થિતિ સમગ્ર અર્થવ્યવસ્થા કેવી ખોખલી છે તે દર્શાવે છે અને બીજી સ્થિતિ નીતિમત્તાનાં નબળા ધોરણનો ખ્યાલ આપે છે. બંને સ્થિતિ શરમજનક છે.

કાળાં નાણાંના સંદર્ભમાં જોઈએ તો ધોળું નાણું કાળું કેમ બને? કાયદેસરના નોકરી-ધંધા કરનાર માણસ સરકારે નક્કી કરેલ ધોરણ પ્રમાણે પોતાની આવકમાંથી આવકવેરો અથવા વેચાણવેરો ભરે તો બાકી રહેલી તેની આવક અને બચત ધોળું નાણું ગણાય અને કરચોરી કરી જમા થયેલ રકમ કાળું નાણું બને એવી મારી સાદી સમજ છે. એટલે જ કાળા નાણાંની જનની કરચોરી છે એમ કહી શકાય. માણસ શા માટે કરચોરી કરતો હશે, ભલા? પોતાની આવકમાંથી કુટુંબનું ભરણપોષણ થઈ જાય તેનાથી તેને કે તેના કુટુંબીજનોને સંતોષ ન રહે ત્યારે વધુ કમાણી કરવાના માર્ગ શોધવાને બદલે કરચોરી કરીને એ ધનથી મોજ-શોખની વસ્તુઓ વસાવીને પોતાને મધ્યમમાંથી ઉચ્ચ મધ્યમ વર્ગ તરફ લઈ જઈ શકે.

ગાંધીજીએ કહેલું, ‘There is enough for every body’s need, but not for every body’s greed.’ આથી સાબિત થયું કે કરચોરીને જન્મ આપનાર છે ધનલોલુપતા.

માનવી ધનલોલુપતાનો શિકાર શા કારણે બનતો હશે? એક દોહો છે, ‘ગોધન, ગજધન બાજીધન ઔર રતન ધન ખાન; જબ આવત સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન.’ જો દરેક બાળકને આ મૂલ્યનું મહત્ત્વ સમજાવીને તે મુજબ જીવન જીવવાની ચાવી આપવામાં આવે તો ધન લાલસાનો રોગ લાગુ ન પડે. ધન દ્વારા મળતી ભૌતિક સંપત્તિ માણસને વધુ ને વધુ ધન સંચય તરફ દોરી જાય એથી ભૌતિક સંપત્તિનો મોહ ધનલોલુપતાની માતા છે એ સમજી શકાય.

હવે સવાલ થાય કે ભૌતિક સુખમાં માણસ એવું તે શું ભાળી ગયો કે દિવસ-રાત, બસ, લક્ષ્મી મેળવવા પાછળ ઘેલો થઈને દોડ્યા જ કરે છે? સામાન્ય માનવી એમ માને છે કે ભૌતિક સંપત્તિ તેને સુખ અને આનંદ આપે, ભવિષ્યની સુરક્ષા અને સમાજમાં પ્રતિષ્ઠા આપે. દુન્યવી સાધનોમાં સુખ ભાળવાની દ્રષ્ટિ એ ભૌતિક સંપત્તિ પ્રત્યેના મોહને જન્મ આપે એ સાબિત થઈ જાય છે.

આમ જોઈએ તો સુખની શોધમાં માનવી ભૌતિક સંપત્તિ એકઠી કરવા પ્રયત્નશીલ બને, જે તેને ધનલોલુપ બનાવે. અને ધન એકઠું કરવા તેને કરચોરી કરવાની ફરજ પડે જેનાથી એ કાળાં નાણાંનો સ્વામી બને એ સ્વાભાવિક છે. એટલે કે કાળાં નાણાંનું મૂળ સુખની શોધમાં મળી આવે છે. તો પછી દેશના વડાપ્રધાન વિદેશી બેંકોમાં કાળાં નાણાં શોધી પણ કાઢે તો આ પ્રશ્ન કેવી રીતે હલ થશે? એમ થવાથી તો સામાન્ય જનતાના બેંક ખાતામાં મજૂરી કર્યા વિના, ભણાવ્યા વિના કે ખેતી કર્યા વિના પંદર લાખ રૂપિયા જમા થઈ જશે એટલે એ પણ વધુ ‘સુખી’ થવા કાર, ફ્રીજ, મોબાઈલ ફોન અને કમ્પ્યુટર ખરીદવા ઉત્સુક બનશે. એ તમામ વસ્તુઓ ખરીદવા પંદર લાખ રૂપિયાથી વધુ મિલકત જોઈએ એ લાલસા તેને પોતાની સાધારણ આવકમાંથી ચોરી કરવા પ્રેરશે અને છેવટ ભારતનો દરેકે દરેક નાગરિક કે જે હાલમાં એક પ્રામાણિક નાગરિક છે એ પણ કાળાં નાણાંનો સ્વામી બની જશે. તેનાથી બધા ‘કરચોરી કરીને બનેલ કાળાં નાણાંના સ્વામી’ હોવાને કારણે સમાન બની જશે એ ફાયદો થશે. તો શું આપણને આવી અર્થવ્યવસ્થા જોઈએ છે?

ખરેખર તો કાળાં નાણાં વિદેશમાં શોધવા જવાને બદલે આપણા જ દેશમાં તેના સગડ મેળવવા  કોશિષ કરવી રહી. પેલી વાર્તા જાણીતી છે તે ટાંકું : ત્રણ સોદાગર પોતાના કામ અર્થે ગામે ગામ મુસાફરી કરતા એક ગામની ધર્મશાળામાં રાતવાસો કરવા રોકાયા. એક સોદાગરની બાજુમાં એક ચોર સૂતેલો, જેની નજર આ શાહુકારની દોલત પડાવી પાડવા તરફ ખોડાયેલી હતી. પેલો સોદાગર રાત દરમ્યાન એક કરતાં વધુ વખત કુદરતી હાજતે જવા ઊઠ્યો અને દરેક વખતે પેલો ચોર તેના સામાનને ધનની પોટકી મળી જશે એવી ધારણા સાથે ફેંદી નાખતો. સવાર પડી, પણ ચોરના હાથે કંઈ ન આવ્યું. પોતાને રસ્તે રવાના થતા સોદાગરને ચોરે પૂછ્યું, ‘તમારી પાસે ઘણું નાણું હશે જ, મેં ઘણું શોધ્યું પણ ન મળ્યું, તમે ઘણા ચાલાક લાગો છો, તો ક્યાં સંતાડ્યું હતું તે કહો.’ સોદાગરે હસતાં હસતાં કહ્યું, ‘અરે ભાઈ, મેં તો એ તારા પોતાના ઓશિકા નીચે જ સંતાડ્યું હતું, તો પણ તને ન મળ્યું?’

આપણે કરચોરી થકી એકઠી થયેલ સંપત્તિને પરદેશ શોધવા જઈએ છીએ, પણ પોતાના જ દેશમાં છુટ્ટી છવાયેલ પડેલ ધન-દોલતને ખોળી નથી શકતા. આમ તો ધનની માફક સુખ-શાંતિ પણ બાહ્ય ઉપકરણો અને અન્ય દુન્યવી-ભૌતિક સાધનોમાં શોધીએ છીએ અને પોતાના જ દિલમાં, મનમાં છુપાયેલ સુખ-શાંતિ શોધી કાઢતા નથી. ચાલો, આપણે સહુ આંતર શોધ આદરીએ. વિદેશી પાણી ડહોળવાથી તો કદાચ વિષ પણ નીકળે, જ્યારે અંતરમાં ખોળવાથી માત્ર નિષ્ઠા, પ્રામાણિકતા, આત્મ સંતોષ, સ્વમાન અને ગૌરવ જેવાં પંચરત્નો જ લાધશે.

e.mail : 71abuch@gmail.com

Loading

Englandman Badhun All Right Chhe

ઋતુલ જોષી|Opinion - Opinion|8 September 2015

ઇંગ્લૅંડમાં બધું ઑલરાઈટ છે

’ગ્રેટ બ્રિટન’ – મને હંમેશાં લાગતું કે આ ખરો અહંકારી દેશ છે કે જેણે પોતાના નામમાં જ ’ગ્રેટ’ ઉમેરી લીધું. એ તો ખાંખાંખોળા કરીને ખબર પડી કે ’ગ્રેટ’ અહીં ’ગ્રેટર’ના અર્થમાં છે. ’ગ્રેટ’ બ્રિટન એટલે ’મહાન બ્રિટન’ નહિ પણ બૃહદ્દ‌ બ્રિટન – વિસ્તૃત બ્રિટન કે જેમાં સ્કૉટલૅન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડ આવી જાય છે. પણ શાણા અંગ્રેજોને જરૂર એવું લાગ્યું હશે કે કોઈ ’ગ્રેટર’ને ’ગ્રેટ’ સમજતું હોય તો તેમાં સામે ચાલીને સાચી સ્પષ્ટતા કરવાની જરૂર નથી. સ્પષ્ટતા ન કરીને મહાન થવાતું હોય તો સસ્તામાં પતે છે. જો કોઈ અંગ્રેજોને અહંકારી સમજતું હોય તો તેને ટિપિકલ ઇંગ્લિશ અદામાં સલૂકાઈથી કહી શકાય કે ’અંગ્રેજી તમારી સ્થાનિક ભાષા ન હોવાથી કદાચ તેના સૂક્ષ્મ અર્થવિસ્તારો અંગેની તમારી અણસમજ સમજી શકાય તેવી છે’. અંગ્રેજો આવું કહે ત્યારે સમજી લેવાનું કે એ તમારા અંગ્રેજીના અજ્ઞાનની ફિલમ ઉતારી રહ્યા છે. ઇંગ્લૅંડમાં કોઈ જાહેર જગ્યામાં કોઈ તમને કહે કે ’તમારું બાળક કેટલું ખુશમિજાજી છે!’ ત્યારે પોરસાવાને બદલે એવું તપાસી લેવાનું કે તમારું બાળક બહુ ઘોંઘાટ તો નથી કરી રહ્યુંને! અંગ્રેજી રીતભાત, શિષ્ટાચાર અને સલૂકાઈમાં રહેલો કરપીણ વ્યંગ અને મોટે ભાગે નિર્દોષ તુમાખી સમજતાં મને એકાદ-બે વર્ષ લાગ્યાં.

પીએચ.ડી.ના અભ્યાસ માટે હું બ્રિસ્ટલમાં એક-દોઢ વર્ષ રહ્યો હતો. પછી ત્રણેક વર્ષ સુધી આવવા-જવાનો સિલસિલો ચાલુ રહેલો. આપણે કોઈ એક જગ્યાએ નિયમિત આવન-જાવન કરીએ છીએ ત્યારે, ત્યાં પહોંચતાં પહેલાં જાતને નવા રૂપમાં ઢાળી લઈએ છીએ. મુંબઈ આવવાનું હોય તો બમ્બૈયા થઇ જઈએ અને દિલ્હી આવવાનું હોય તો દિલ્હીવાળા. આને જ કદાચ પરકાયાપ્રવેશ કહેતાં હશે. હીથરૉ કે ગેટવિકના ઍરપોર્ટ પર ઊતરીને મારા અંગ્રેજીમાં બ્રિટિશ એક્સેન્ટની ઝાંય દેખાતી થઈ જાય છે અને અમદાવાદ ઊતરીને ગુજરાતી બોલવા મન તરસતું હોય છે. આ પ્રવાસો દરમિયાન મને અંગ્રેજી કે બ્રિટિશ પ્રજા, તેમનાં ફિતૂર અને ફિતરત નજીકથી જોવાનો અનુભવ સાંપડ્યો છે. તેમાંના કેટલાક અહીં ત્રણ ઝૂમખાંમાં રજૂ કરું છું, ભારત ભણી ત્રાંસી નજર રાખીને.

* * *

સમાજ : લઘુમતીમાં હોવું કે ’એ લોકો’ હોવું એટલે શું?

મારા એક પ્રોફેસરમિત્ર કે જેમના પિતા ભારતીય હતા, તે હંમેશાં મારી સાથે ક્રિકેટની ચર્ચા કરતા. ઇંગ્લૅંડમાં ક્રિકેટ હવે ’હેરિટેજ’ રમત છે. મોટા ભાગના યુવાનોને તેમાં રસ નથી. પણ ક્રિકેટમાં જ્યારે યુવરાજ છ છગ્ગા મારે કે તેંદુલકર બસ્સો રન મારે ત્યારે પેલા પ્રોફેસર મને શોધતાં આવીને ’કૉક’ માટે લઈ જાય છે. ઇંગ્લૅંડમાં ’ડ્રિંક’ એ બહુ શાકાહારી શબ્દ છે. એ લોકો વિવિધ પ્રકારનાં ચા-કોફી ’ડ્રિંક’ સમજીને પીવે છે, આપણા ગુજરાતની જેમ નહીં! જાણે કે આખો દેશ બસો વર્ષ સુધી દુનિયા પર લગભગ એકહથ્થુ શાસન કર્યાનો થાક (તડકો ખીલે ત્યારે) બગીચામાં બેસીને, ચા પીને ઉતારતો જોવા મળે છે.

આપણે ભલે ચા ઉગાડતા હોઈએ, પણ સાદી મસાલા ચા સિવાયની ચા પીવાની રીતો આપણને ’એ લોકો’એ જ શિખવાડી છે.  હા, ’આપણે’ અને ’એ લોકો’ – આપણી આખી દુનિયા આ બે ભાગોમાં વહેંચાયેલી હોય છે. આવા બે ભાગ પાડીને, તેમને ઊંડે સુધી આંકીને આપણે આખું જીવન વિતાવી દઈએ છીએ. કેટલાક લોકોને આ આંકા ઊંડા ને ઊંડા પાડવાની ટેવ હોય છે, જ્યારે બીજા કેટલાયને આ આંકાને ઘસી કાઢીને બુઠ્ઠા કરી દેવાની ટેવ હોય છે. ’આપણે’ અને ’એ લોકો’ વચ્ચે ઊંડા પડેલા આંકા સમાજમાં લાંબા ગાળાના ભંગાણ અને અસમાનતા દર્શાવે છે.

ઇંગ્લૅંડના રહેવાસ દરમિયાન મને પહેલી વાર જ ભાન થયું કે ’લઘુમતી’ કે ’એ લોકો’ હોવું એટલે શું, ગુજરાતમાં જો તમે હિંદુ, પુરુષ, કહેવાતા સવર્ણ, આર્થિક રીતે ઠીક-ઠાક હો, તો પછી બહુ અઘરું હોય છે એ સમજવું કે બીજા લિંગના, બીજા લઘુમતી ધર્મના, દલિત કે ગરીબ હોવું એટલે શું? રોજબરોજની જિંદગીમાં ’એ લોકો’ તરીકેની ઓળખ સાથે જીવવું એટલે શું, લિંગભેદ, રંગભેદ, વર્ણભેદ, ધર્મ કે કોમભેદ વગેરેનાં અનેક છૂપાં સ્વરૂપ હોય છે. કોઈક કારણસર ઇંગ્લૅંડમાં રંગભેદનો મુદ્દો મને ભારતમાં જાતિભેદના મુદ્દા સરીખો લાગ્યો છે. કોઈ મને પૂછે કે ’ઇંગ્લૅંડમાં રંગભેદ વિશે શું લાગે છે? તો હું કહું કે ’ભારતમાં જાતિભેદ વિશે લાગે છે તેવું’. સખત કાયદાઓને લીધે રંગભેદ કે જાતિભેદનાં પ્રત્યક્ષ સ્વરૂપો અદૃશ્ય થયાં હોય તો પણ આ ભેદ કોઈક ને કોઈક રીતે બહાર આવી જાય છે. ક્યારેક હિંસા, ક્યારેક અપમાન, ક્યારેક અન્યાય – મને પોતાને રંગભેદનો કોઈ સીધો, ખરાબ અનુભવ ન થયો હોવા છતાં તેના વિશે સાંભળવા-સમજવા ચોક્કસ મળે છે.

જો કે ભારતમાં અને ઇંગ્લૅંડમાં એક ફરક છે. ઑક્સફર્ડની એક પબ્લિક સ્કૂલમાં વર્ષો સુધી ટીચર રહેલી મિત્રે મને આ વાત કરેલી. શહેરના મધ્ય ભાગમાં આવેલી સ્કૂલમાં પંચરંગી બાળકો ભણે છે – પાકિસ્તાની, ચાઇનીઝ, આફ્રિકન-ઇંગ્લિશ કે કૅરેબિયન ઇંગ્લિશ અને બીજાં ઇંગ્લિશ મધ્યમ વર્ગનાં સંતાનો. ટીચરમિત્રના કહેવા મુજબ, તેમની સ્કૂલમાં કોઈને ’રેસિસ્ટ’ કહેવું તે સૌથી મોટી ગાળ છે. સ્કૂલમાં દાદાગીરી કરતાં છોકરાને પણ કોઈ ’રેસિસ્ટ’ કહે તો તેની આંખમાં આંસુ આવી જાય અને તે ટીચરને ફરિયાદ કરે. શું ભારતમાં જાતિવાદી, કોમવાદી કહેવું તે હજી સુધી ગાળ બની શકી છે? ઘણા લોકો ગર્વથી કહે છે કે ‘અમે તો અમુક જ્ઞાતિના’ અને સાથે-સાથે એ જ શ્વાસમાં કહે કે ’ના રે ના, અમે તો નાત-જાતમાં ન માનીએ’. ઇંગ્લૅંડમાં પણ એવું બોલવાવાળા લોકો મળી જાય કે ’હું રેસિસ્ટ નથી, પણ …’ પછીનું જે બોલવાનું હોય છે તે કંઈક રેસિસ્ટ પ્રકારનું હશે તેની પૂરી ગૅરંટી છે. જો કે ઇંગ્લૅંડમાં બહુમતી વર્ગ માનતો થયો છે કે ’રેસિસ્ટ’ હોવું ખરાબ છે, ‘પૉલિટિકલી ઇનકરેક્ટ’ છે. વિવિધ રાજકીય ઉતાર-ચઢાવને બાદ કરતાં, રાજ્યસત્તા કે સરકાર રંગભેદ અંગે તટસ્થ રહેવાનો અને પોતાની તટસ્થતા સાબિત કરવાનો પ્રયત્ન કરે છે.

લઘુમતીમાં હોવું એટલે જાણ્યે-અજાણ્યે એ અહેસાસ થાય કે તમે બીજા કરતાં અલગ છો, સતત અમુક પ્રકારના, ક્યારેક માની લીધેલા અને ક્યારે સાચા ભય હેઠળ જીવાતું હોય, પોતાના ટોળાને વળગી રહેવાનાં કારણો મળી આવે, પોતાની જાતને અન્યાય તો નથી થતો, તેની સતત જાત-તપાસ ચાલે. સરકાર સાથેના સંવાદમાં, નાગરિક તરીકે હક-ફરજોમાં એક પ્રકારની લઘુતાગ્રંથિ હોય. લઘુમતીઓની પરિસ્થિતિ માટે સરકારની કે કાયદો-વ્યવસ્થાની તટસ્થતા ઉપરાંત બહુમતીમાં રહેલા લોકોનાં વર્તન-વ્યવહાર મહત્ત્વનાં છે. ઉદાહરણ તરીકે, ‘ઇંગ્લિશ ડિફેન્સ લીગ’ નામનું એક રાજકીય અંતિમવાદી, વ્હાઇટ સુપ્રીમિસ્ટ કે નિયો-નાઝી પ્રકારનું ગ્રૂપ છે. આ ગ્રૂપ ઘણીવાર નોન-વ્હાઇટ વિસ્તારોમાં રાજકીય રેલીઓ કાઢે છે, મોટે ભાગે અહિંસક રીતે હિંસક અને રંગભેદી સૂત્રોચ્ચાર કરે છે. મજાની વાત એ છે કે જ્યારે-જ્યારે ’ઇંગ્લિશ ડિફેન્સ લીગ’ રેલીઓ કાઢે છે, ત્યાં જ અને ત્યારે જ ’યુનાઇટેડ અગેન્સ્ટ ફાસીઝમ’ નામનું એક બીજું પંચરંગી ગ્રૂપ પહોંચી જાય છે. તેઓ વળતી રેલી કાઢીને, અહિંસક રીતે વળતો સૂત્રોચ્ચાર કરે છે અને નૉન-વ્હાઇટ લોકોની પડખે ઊભું રહે છે. દક્ષિણ એશિયાઈ મૂળની લઘુમતી પ્રજા માટે આટલું પૂરતું હોય છે કે રાજકીય નફરત ધરાવતાં સ્થાપિત હિતો સામેનો રાજકીય પ્રતિકાર પણ મોજૂદ છે. પછી તે રાજકીય નફરત નહીં, રાજકીય દ્વંદ્વ લાગે છે. તેથી લઘુમતી લોકોની અસલામતીઓનો ભાર વધતો નથી. ભારતમાં પણ લિંગભેદ હોય કે જાતિભેદ કે કોમભેદ, બોલકા રાજકીય પ્રતિકારની જરૂર છે.

* * *

વિજ્ઞાન : તર્ક અને વિવેકબુદ્ધિની લાંબી લીટી

આધુનિકતા અને પ્રગતિશીલતાને વિજ્ઞાન સાથે ઊંડો સંબંધ છે. આપણે ત્યાં અમુક-તમુક લેખક-કમ-ચિંતકોએ ધર્મ, સંસ્કાર અને પરંપરાની ભેળસેળ એવી તો કરી છે કે રોજ-બ-રોજના જીવનમાંથી વૈજ્ઞાનિક અભિગમો ગાયબ થતા જાય છે. અધ્યાત્મને નામે અવૈજ્ઞાનિક અભિગમો લોકપ્રિય થતા જાય છે અને વિજ્ઞાન સામે ધર્મની લીટી લાંબી થતી જાય છે. ઇંગ્લૅંડમાં ટીવી અને રેડિયો પર વિવિધ ધાર્મિક માન્યતાઓ અને મર્યાદાઓ અંગેની ચર્ચાઓ ખુલ્લેઆમ થાય છે, જેની કમી હું અહીં મહેસૂસ કરું છું. બી.બી.સી. પર આવતા કાર્યક્રમો, તેમની એકંદરે નો-નૉનસૅન્સ નીતિ અને નિષ્પક્ષ અભિગમનો હું મોટો ફેન છું. સ્વસ્થ લોકશાહી માટે સંવાદ થવો જરૂરી છે અને ‘સંવાદ’ એટલે ટીવી પર ટોળું ભેગું કરીને બૂમાબૂમ કરવી એમ નહિ. આપણી ટીવી પરની ચર્ચાઓના બહુ જ મર્યાદિત વિષયો હોય છે, જે ઊંડા સામાજિક પ્રવાહો પર કોઈ પ્રકાશ પાડી શકતા નથી.

વિજ્ઞાન, વન્યજીવન, ઇતિહાસ વગેરે પરના કાર્યક્રમો ટીવી પર ભરચક પ્રમાણમાં જોવા મળે છે. રિચાર્ડ ડોકિન્સનો પરિચય મને બી.બી.સી.ના ટીવી-પ્રોગ્રામ પરથી થયો હતો. રિચાર્ડ ડોકિન્સ વૈજ્ઞાનિક છે, લેખક છે, ઑક્સફર્ડના રિટાયર્ડ પ્રોફેસર છે. તેમના વિરોધીઓ તેમને ’ઉગ્રવાદી નાસ્તિક’ કહે છે અને તેમનો ચાહકવર્ગ તેમને એકવીસમી સદીના ફિલસૂફ તરીકે ઓળખાવે છે. રિચાર્ડ ડોકિન્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અંગે સમકાલીન સમજ આપે છે, ડૉક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવે છે, જાહેર ચર્ચામાં ભાગ લે છે અને તેમને મળતાં ’હેઇટ મેઇલ’નું ખુલ્લેઆમ પઠન કરે છે. એવા જ એક બીજા લેખક છે એ. સી. ગ્રેઇલિંગ કે જેમણે પશ્ચિમી ઉદારમતવાદનો ઇતિહાસ લખ્યો છે, ધર્મ પર આધાર ન રાખતી નૈતિકતાની હિમાયત કરી છે અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા આંતરરાષ્ટ્રીય માનવવાદની વિભાવના કરી છે. ’ગાંધી’ ફિલ્મ બનાવનાર રીચાર્ડ એટનબરોના નાના ભાઈ ડેવિડ એટનબરો વર્ષોથી બી.બી.સી. પર વન્યજીવન, પ્રાકૃતિક લેન્ડસ્કેપ અને તેમની વૈજ્ઞાનિક સમજ અંગેના અદ્દભુત પ્રોગ્રામ્સ કરે છે. ડેવિડ એટનબરોની અમુક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મો તો કલેક્ટર્સ આઇટેમ છે.

ઇંગ્લૅંડમાં વિતાવેલા સમયમાં મને સમજાયું કે દરેક વ્યક્તિને બૌદ્ધિક રીતે પગભર થવાનો મોકો આપવો જરૂરી છે. આપણે ત્યાં ધર્મ અને તેની ફિલસૂફીને ધર્મગુરુઓએ હાઇજેક કરેલાં છે. દરેક ધર્મમાં રૂઢિચુસ્તતા, ધર્માંધતા, વૈજ્ઞાનિક સમજનો વિરોધ અને ભ્રષ્ટાચાર સર્વવ્યાપ્ત છે. ઐતિહાસિક રીતે બધા જ ધર્મોએ અલગ-અલગ સમયે થતી વૈજ્ઞાનિક શોધખોળોનો વિરોધ કરેલો છે અને હજી સુધી કરે છે. ક્યારેક દરિયો ઓળંગવો પાપ મનાતું, તો ક્યાંક પૃથ્વીને ગોળ માનવાનો ઇનકાર થતો, તો પછી ક્યારેક દૂરબીન કે બીજાં મશીન વગેરેને અધાર્મિક માનવામાં આવતા. હજી પોતાનો ધર્મ કે સંપ્રદાય બીજા કરતાં કેટલો મહાન છે અને બીજા કેટલા પામર-પાપી-દુષ્ટ છે, તે અંગે વ્યવસ્થિત, સુનિયોજિત જૂઠાણાં ચાલે જ છે.

મૂળ પ્રશ્ન એ છે કે ધર્મો કે તેમનાં સ્થાપિત હિતોના લીધે અસ્તિત્વમાં આવેલી સંકુચિતતાઓ માનવવિકાસ કે વૈજ્ઞાનિક સમજણના સામા છેડે જ કેમ રહી છે? ધાર્મિક સંસ્થાનોને વ્યક્તિના સાર્વત્રિક વિકાસમાં રસ છે કે પછી પોતાનો કક્કો ખરો ઠરાવવામાં? વ્યક્તિમાં આત્મવિશ્વાસ જગાડવો તે ધર્મ છે કે ઈશ્વરના નામે તેને ડરાવી રાખવો, નરકની બીક બતાવવી અને સ્વર્ગની લાલચ બતાવવી તે ધર્મ છે? નાત-જાત જેવા સામાજિક અન્યાય, કોમવાદ, સ્ત્રીઓ કે બાળકોનું શોષણ આખરે તો ધર્મના નામે જ કરવામાં આવે છે. ચાલો માની લઈએ કે આ ધર્મના નામનો દુરુપયોગ છે, જો એમ હોય તો ધર્મગુરુઓ અને તેમનાં સંસ્થાનો આવા સામાજિક ભેદભાવનો કે શોષણનો ખુલીને વિરોધ કેમ નથી કરતાં?

નૈતિકતા માટે ધાર્મિકતા બિલકુલ જરૂરી નથી અને ધાર્મિકતા એ નૈતિકતા ન પણ હોય, તે સમજવા માટે મોટા વિચારક હોવાની જરૂર નથી. ભગવાનમાં માનવું કે ન માનવું તે અંગત બાબત છે, તેનો વિરોધ ન હોઈ શકે. પણ પછી ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે ધાર્મિક દંભ અને આડંબર સહેવો તે આધુનિક સમાજને ન પોસાય. સમાજ-કલ્યાણ અને જાહેર હિત માટે ધાર્મિક માન્યતાઓને અંગત પરિઘમાં રાખવી જરૂરી છે. તકલીફ એ છે કે આપણે ત્યાં આ પ્રકારની ચર્ચાઓ થઈ શકે તેવી સ્પેસ હજી સુધી તો જાહેર માધ્યમો આપી શક્યાં નથી. જાહેર માધ્યમોની સંખ્યા વધતી જાય છે અને ગુણવત્તા ઘટતી જાય છે. એવું નથી કે ઇંગ્લૅંડમાં બધે જ આવું બૌદ્ધિક વાતાવરણ જોવા મળે છે. પણ આ પ્રકારની ચર્ચા ખુલ્લા મને સમજવી હોય તો તે માટેની સ્પેસ મળી રહે છે. યુવાનોને વિવિધ મુદ્દે મોકળાશ ધરાવવાની તક મળતી રહે છે. જો કે તેનો કેટલા યુવાનો યોગ્ય ઉપયોગ કરે છે તે બીજી વાત છે.

ડોકિન્સ કે ગ્રેઇલિંગ કે એટનબરો ખરા અર્થમાં ’પબ્લિક ઇન્ટલેક્‌ચ્યુઅલ’ છે. આ લોકો એવા ધરખમ પ્રતિભાવાન હોય છે કે જે કોઈના બાપની સાડાબારી ન રાખતા હોય. તેમની પાસે મૌલિક વિચારો હોય. તે દુનિયાને ઊંચી-નીચી, આગળ-પાછળ, લાંબી-ટૂંકી કરીને જોતા હોય. તેમનાં ચશ્માં અલગ હોય ને લેન્સ પણ. ક્યારેક તે તમને હસાવી જાય, ગભરાવી જાય, આશ્ચર્યચકિત કરી નાખે અને ક્યારેક તેમનાથી નફરત થઈ જાય. તમને જે ગમતું હોય તેને ગાળો આપે, તમે જેને મહાન માની લીધા હોય તેની બીજી બાજુ બતાવે, તમે જેની ફરતે ફુદરડી ફરતા હો તેની હસ્તી જ છે કે કેમ તેવા સવાલ કરે. એ કોઈનો ’પગાર ન ખાતા હોય’ એટલે તમે આવા માણસને શું કરી શકો? ટૂંકમાં, તમને શાંતિથી જીવવા ન દે, નવા-નવા પડકારો ફેંક્યા જ કરે. ડોકિન્સ કે ગ્રેઈલિંગ કે એટનબરો જેવા લોકોની ઘણી મજબૂત ઓળખાણો હોય છે એટલે તેને માત્ર ’નાસ્તિક’ માનીને (એટલે કે તે રીતે ઉતારી પાડવા) પૂરતું નથી. તેમનાં લખાણોમાં નાસ્તિકતાનો પ્રચાર નથી, પણ આડંબરોનો વિરોધ છે અને વૈજ્ઞાનિક અભિગમ, તર્ક અને વિવેકબુદ્ધિની તરફેણ છે એક પ્રકારની આંતરરાષ્ટ્રીય નૈતિકતાની તરફેણ છે, જે જાતે વાંચવાથી કે તેમના કાર્યક્રમો જોવાથી સમજાઈ જશે.      

* * *

ઇતિહાસ : વિવિધ પાસાં જાળવવાનું શાણપણ

ભારતીય અને અંગ્રેજી પ્રજાના આંતર-સંબંધોનો ત્રણસોથી વધુ વર્ષોનો ઇતિહાસ છે. ઘણા ભારતીયો અંગ્રેજો કે યુરોપિયન લોકોનો સ્વીકાર-સંમતિ ઝંખતા હોય છે તો અંગ્રેજો પણ આવી તક જવા દેતાં નથી. મેં એવી વાયકાઓ સાંભળી છે કે બ્રિટિશ રાજના સમયમાં ઘણાં ભારતીય ઉપખંડના રહેવાસીઓ ઇંગ્લેન્ડના રાણીને 'અમારી રાણી' કહેતાં. પોતાનાં ઘરમાં રાણી વિક્ટોરિયાનો ફોટો જડી રાખતાં. ઇંગ્લેન્ડને પોતાનો દેશ ગણતાં – ભલે પછી ઇંગ્લેન્ડમાં કોઈ તેમની દેશભાવનાની કદર કરે કે ન કરે. તો પછી ઇંગ્લેન્ડ અને ભારતની ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીયો ક્યાં સુધી ભારતનું સમર્થન કરતાં હોય છે અને ક્યારથી ઇંગ્લેન્ડનું સમર્થન કરતાં થાય છે? કેટલાં લાંબા વસવાટ પછી એક દેશની સરહદ ઓળંગીને બીજા દેશની સરહદને અપનાવી લેવામાં આવે છે, કે પછી હંમેશાં બે દેશની વચ્ચે લોલકની સ્થિતિમાં રહેવું સદી જાય છે. શું પાસપોર્ટ કે નાગરિકત્વ બદલવાથી દેશભાવના પણ બદલાઈ જાય છે? નજીકથી જોઈએ તો બે દેશો વચ્ચેની સરહદો બહુ પ્રવાહી હોય છે. 

"Mutiny' or 'War of Independence? – 'The Indian Mutiny' remains a commonly used term in Britain; but this description ignores the scale and wider significance of the uprising. 'The first war of Independence' is favoured by many in India. However, this term implies a unified and organised uprising, ignoring the local complexity of the events. Neither interpretation is adequate. How to describe the violence of 1857-58 is still contested today."


એક મ્યુિઝયમમાં ઉપર મુજબનું લખાણ વાંચ્યું. તે સાથે જ ઇતિહાસ અને તેના નિરૂપણ અંગે વિચારોના ચકડોળે ચઢી જવાયું. ભારતમાં ૧૮૫૭ની ઘટનાઓને 'પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બ્રિટિશ ઇતિહાસકારો તેને લશ્કરમાં થયેલા બળવાની રીતે જુવે છે. ઉપર લખ્યા મુજબ, 'સિપાઈઓના બળવા' તરીકેનું અર્થઘટન બધી ઘટનાઓની વ્યાપકતા, તેમને સુગઠિત કરવાના પ્રયત્નો વગેરેને મહત્ત્વ આપતા નથી. જ્યારે તેને 'પહેલા સ્વતંત્રતા સંગ્રામ'નું અર્થઘટનનો મતલબ એ થાય કે આ બધી ઘટનાઓ કેન્દ્રીય નેતાગીરી દ્વારા દોરવાઈને એક જ રાષ્ટ્રની વિભાવના સાથે થયેલી અને તેમાં સ્થાનિક પ્રશ્નોની જટિલતા કે વિવિધતા ન હતી. તેમાં પણ કેતન મહેતાની ફિલ્મ 'મંગલ પાંડે' તો વળી આખી ઘટનામાં મંગલ પાંડેને કેન્દ્રમાં મૂકીને તેને આખા સંગ્રામના નેતા (તાત્યા ટોપેની જેમ) તરીકે દર્શાવે છે, જે ઐતિહાસિક ઘટનાઓથી ઘણું વેગળું છે. જો બે દેશોમાં ઇતિહાસની અમુક ઘટનાઓના બે અર્થઘટન થવાના હોય તો પછી ઇતિહાસને ભણવો કેવી રીતે? કયું અર્થઘટન વધારે સાચું?

ઇતિહાસના અભ્યાસ અંગે નાગરિકો તરીકે આપણો આગ્રહ શું હોવો જોઈએ? મને ૧૮૫૭ના વિષે પેલા મ્યુિઝયમમાં જે રીતે રજૂઆત થઈ તે ગમ્યું. તે ઐતિહાસિક ઘટનાને કોઈ અર્થઘટન તરીકે નહિ પણ એક વિવાદ કે બે અર્થઘટનો વચ્ચે થતા દ્વંદ્વ તરીકે રજૂ કરે છે. કોઈ પણ ઘટના એક તરફી નહિ પણ બહુ-તરફી હોય છે, બહુ આયામી હોય છે. ઇતિહાસના શિક્ષણની વાત આવે ત્યારે કોઈ પણ ઘટનાનાં વિવિધ અર્થઘટનો બાળકો સામે રજૂ થવા જોઈએ અને તેમને પોતાની સમજ પ્રમાણે, તેમાંના અર્થઘટનો માનવા કે નહિ માનવાની પસંદગીનો અવકાશ હોવો જોઈએ. આ સાચા શિક્ષણની દિશામાં સાચું કદમ હશે. આજે આપણો ઇતિહાસ ડાબેરી, જમણેરી કે કોંગ્રેસી વચ્ચે વહેંચાઈ ગયો છે, જે રાજ્યમાં જે પ્રકારની સરકાર તેમને મનગમતો ઇતિહાસ ભણાવાય છે. જે અત્યંત દુખદ છે. શું શિક્ષણના અભ્યાસક્રમોને રાજકારણથી દૂર ન રાખી શકાય?


બીજું કે, આ વાત એટલા માટે મહત્ત્વની છે કે તે દર્શાવતું મ્યુિઝયમ કોઈ તટસ્થ દેશ કે ભારતમાં નહિ પણ ગ્રીનીચ(લંડન)માં આવેલું નેશનલ મેરીટાઈમ મ્યુિઝયમ છે (http://www.nmm.ac.uk/). તેઓ કદાચ એવું માને છે કે બાળકોને ૧૮૫૭ જેવી ઘટનાની બંને બાજુ ખબર હોવી જોઈએ, તેમના પૂર્વજોનું અર્થઘટન શું હતું અને સામેની પ્રજાનું અર્થઘટન શું હતું, તેની વ્યાપક સમજ બુદ્ધિશાળી બાળકોને હોવી જોઈએ. આવતીકાલે 'ગ્લોબલ સંસ્કૃિત'નો ભાગ બનનાર અને વિવિધ સંસ્કૃિતના લોકો સાથે આંતર-રાષ્ટ્રીય સ્તર પર કામ કરનાર તરીકે, વ્યક્તિ તરીકે એ વિદ્યાર્થીઓને તૈયાર થવાના છે. વિચારોની મોકળાશ અને વિચારવાની સ્વંત્રતા આપી શકે તે શિક્ષણ. તેથી જ તો કોઈ એક ઘટનાના બે વિરોધાભાસી અર્થઘટનો હોઈ શકે તેનો સ્વીકાર તે ઇતિહાસની સાચી સમજની દિશામાં લીધેલું પહેલું પગલું છે. આવો એક પ્રયત્ન ગ્રીનીચના મ્યુિઝયમમાં જોવાનો આનંદ થયો.

તેનાથી એક ડગલું આગળ વધીને નીચેનું અવતરણ પણ ત્યાં જોવા મળ્યું. જે જવાહરલાલ નહેરુએ અંગ્રેજો અને અંગ્રેજીપણા પર કરેલો કટાક્ષ છે કે ‘મહત્ત્વની વાત છે કે આજે એક હિન્દુસ્તાની શબ્દ અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયો છે અને તે શબ્દ છે લૂંટ’. કટાક્ષને હસી કાઢવો એક વાત છે અને તેને પોતાના 'રાષ્ટ્રીય સંગ્રહાલય'માં સ્થાન આપવા માટે 'છપ્પનની છાતી' જોઈએ. એક સ્પષ્ટતા – અહીં મૂળ મુદ્દો 'બ્રિટિશ સમાજ કેટલો સ્વસ્થ/શાલીન/મહાન છે' તે નથી. આવા છૂટાછવાયા ઉદાહરણોથી હું તે અંગેની કોઈ માન્યતા બાંધતો નથી. પણ આવા ઉદાહરણો, ભારત જેવા 'વિવિધતામાં એકતા' જેવા દેશમાં ઇતિહાસનું શિક્ષણ અને સંગ્રહાલયોમાં માહિતીની રજૂઆત અંગે નવા વિચારો જરૂર આપી જાય છે. આખરે, "सा विद्या या विमुक्तये" (Education is that which liberates)નું સૂત્ર ત્યારે જ સાર્થક થાય કે જ્યારે નાત-જાતના અને રાજકીય વાડા ભૂલી જઈને અભ્યાસક્રમોમાં વિચારોની મોકળાશ અને વિચારશીલતાને ઉત્તેજન મળે. શિક્ષણમાં વિમુક્ત કરવાની શક્તિ હોવાની વાત બહુ જાણીતી છે. કોપી-પેસ્ટ, ગોખણપટ્ટી, ટ્યુશન-સંસ્કૃિત જેટલા જ ખતરનાક હોય છે એક-તરફી, સાંકડા-સંકુચિત વિચારો. ઇતિહાસનું શિક્ષણ ભવિષ્યની તૈયારી છે અને સંગ્રહાલયો કે કળાકેન્દ્રો તે ઇતિહાસ વગેરેની રસપ્રદ ઉડાનો હોય છે. આ બે ક્ષેત્રે ઘણા બદલાવો જરૂરી છે. 

* * *

રસેલ પીટર્સ નામક ભારતીય મૂળનો કોમેડિયન કહે છે કે તમારે કોઈ અંગ્રેજનું અપમાન કરવું હોય તો તેને અંગ્રેજીમાં એવું પૂછવું કે, 'આ ઇંગ્લેન્ડ ક્યાં આવ્યું અને લોકો ત્યાં કઈ ભાષા બોલે છે?' દુનિયાની બીજી પ્રજાને જે સામાન્ય સવાલ લાગે તેવું કોઈ અંગ્રેજોને પૂછી જાય તેની કલ્પના પણ તેમણે ન કરી હોય. અંગ્રેજી ભાષા અને અંગ્રેજોને તો બધા જાણતા જ હોય ને! દુનિયા પર બસ્સો વર્ષના આધિપત્યનો ઇતિહાસ ધરાવતાં આ નાનકડા ટાપુએ ક્યારેક ઓળખની કટોકટી અનુભવી નથી. છેલ્લાં પચાસ વર્ષમાં કળા-સંગીત-સંસ્કૃિત, સંશોધનો અને વૈજ્ઞાનિક જ્ઞાનને ક્ષેત્રે ઇંગ્લેન્ડ ઘણું આગળ વધ્યું છે. દુનિયામાંથી એકઠી કરેલી સંપત્તિનો ઉપયોગ અંગ્રેજોએ મહાન સંસ્થાઓ ઊભી કરવામાં કર્યો છે, જે આજે પણ ઇંગ્લેન્ડને માનવ-વિકાસ મૂલ્યાંકન અને વિવિધ સંશોધનોની બાબતમાં દુનિયામાં આગળ પડતું મૂકી દે છે. 

મારા પરિવાર માટે ખૂબ જ પ્રેમથી તેમનું ઘર ખુલ્લું મૂકી દેનાર વયોવૃદ્ધ દંપતી જેસ્સા અને ક્રીસ સાથે ઇંગ્લેન્ડ અને તેના રાજકીય-સામાજિક પ્રવાહો વિષે ડીનર ટેબલ પર ખૂબ જ ચર્ચાઓ થઈ છે. અમે લોકો પોતપોતાના દેશો અને સમાજોના ક્યારેક વખાણ કરતાં તો ક્યારેક કૂથલી. એક ધનાઢ્ય, ઔદ્યોગિક રીતે વિકસિત સમાજના પોતાના પ્રશ્નો હોય છે.

એકવારની અમારી ચર્ચાનું તારણ એ હતું કે પાયાની સુવિધાઓની બાબતમાં ઇંગ્લેન્ડમાં બધું 'ઓરરાઈટ' છે, પણ જે 'ઓરરાઈટ' નથી તે 'ઓરરાઈટ' કરવાનો સંઘર્ષ ચાલુ રહેવો જોઈએ. આ જ કોઈ પણ પ્રગતિશીલ સમાજનું મુખ્ય લક્ષણ છે. 

e.mail : joshirutul@gmail.com

http://charkho.blogspot.co.uk

સૌજન્ય : મહદ્દ પૂર્વાર્ધ "નિરીક્ષક", 01 સપ્ટેમ્બર 2015

Loading

Garibi Aadhaarit Anaamat : Vaartaa re Vaartaa

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|8 September 2015

ગરીબી આધારિત અનામત : વાર્તા રે વાર્તા

દલીલ ખાતર વિચારી જોઈએ કે જ્ઞાતિઆધારિત અનામતને બદલે આર્થિક અનામત લાગુ પાડવામાં આવે તો શું થાય?

અનામત વિશેની ચર્ચામાં છેલ્લા ત્રણેક દાયકાથી ઊભરતો એક મુદ્દો આર્થિક સ્થિતિ આધારિત – ગરીબી આધારિત અનામતનો છે. જ્ઞાતિવાદના વ્યાપથી અજાણ અથવા આંખ આડા કાન કરનારા લોકોને જ્ઞાતિ તથા જ્ઞાતિઆધારિત અનામત અપ્રસ્તુત લાગે છે. આ પ્રકારની અનામત સામે મુખ્ય બે પ્રકારના વાંધા પાડવામાં આવે છે : ૧) દલિતો-પછાતોમાં રહેલો સમૃદ્ધ વર્ગ અનામતનો લાભ લઈ જાય છે. એટલે ખરેખર જરૂરતમંદોને અનામતનો લાભ મળતો નથી. આર્થિક સ્થિતિ આધારિત અનામત કરી નાખવામાં આવે, તો જેમને સૌથી વધુ જરૂર છે એવા ગરીબોને તેનો લાભ મળી શકે. ૨) ગરીબી તો બિનદલિતો – બિનપછાતોમાં પણ છે. તો એમને અનામતનો લાભ શા માટે નહીં? જ્ઞાતિઆધારિત અનામતને કારણે ઉલટા જ્ઞાતિના ભેદભાવ કાયમી બને છે – વેરઝેર વધે છે.

વિશ્વમાં બીજે ક્યાં ય ન હોય એવી વિશિષ્ટ અને પેચીદી જ્ઞાતિપ્રથા ભારતમાં છે. ઊંચ-નીચની અસમાનતા વિશ્વભરમાં છે, પરંતુ ભેદભાવ – અસમાનતાની આટલી ઝીણવટભરી વ્યવસ્થા, તેનો ધર્મમાંથી મેળવી શકાતો આધાર અને થોડા લોકો તળે દબાયેલી બહુમતી — એવી ગોઠવણનો જોટો જડવો મુશ્કેલ છે. થોડા હજાર અંગ્રેજો કરોડો ભારતીયો પર રાજ કરી શક્યા, એ ‘સિદ્ધિ’નો અંગ્રેજોને આપણે વધુ પડતો જશ આપી દઈએ છીએ. તેમના આગમનનાં સેંકડો વર્ષ પહેલાં ભારતની ઉજળિયાત કહેવાતી મુઠ્ઠીભર જ્ઞાતિઓ લાખો ‘શુદ્રો’ પર રાજ ભોગવતી આવી હતી.

તોપ-બંદૂકની તાકાત છતાં અંગ્રેજોનું રાજ માંડ બે સદી પણ ન ચાલ્યું, જ્યારે ઉજળિયાત કહેવાતા સમુદાયોએ માત્ર જન્મની જ્ઞાતિના આધારે ઓછામાં ઓછા એકાદ હજાર વર્ષ સુધી રાજ ચલાવ્યું. હોદ્દા-વિશેષાધિકાર-સ્થાપિત હિતોની અનામત ભોગવી. ગાંધીજી અને તેમના ઘણા સાથીદારોના સુખદ અપવાદને બાદ કરતાં, ઊજળિયાત કહેવાતા વર્ગમાંથી આવતા ભારતના ઘણા મહાન નેતાઓ – સમાજસુધારકો જ્ઞાતિવાદ – જ્ઞાતિદ્વેષના મામલે એકદમ રૂઢિચુસ્ત હતા. (એક ઉદાહરણ : લોકમાન્ય ટિળક અને તેમનું સાથીમંડળ)

આઝાદી પછી બંધારણમાં પહેલી વાર અસ્પૃશ્યતા નાબૂદ થઈ. દલિત-આદિવાસી સમુદાયોને મુખ્ય ધારામાં સામેલ કરવા – તેમને સમાન તક આપવા માટે તેમની વસ્તીના પ્રમાણ જેટલી અનામતની જોગવાઈ કરવામાં આવી. (ત્યાં સુધી શિક્ષણ-નોકરી-રાજકારણમાં ઉપલી ગણાતી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ તેમની વસ્તીના પ્રમાણ કરતાં ઘણું વધારે હતું.) રાજકીય પ્રતિનિધિત્વમાં અનામતની સમીક્ષા દસ વર્ષ પછી કરવાની હતી.

દસ વર્ષમાં સ્થિતિ સંતોષકારક લાગે તો, રાજકીય ક્ષેત્રે અનામત નાબૂદ કરી શકાય એમ હતી. પરંતુ એ વાત શિક્ષણ અને નોકરીની અનામતને લાગુ પડતી ન હતી. કેમ કે, તેની  પાછળનો મુખ્ય આશય આર્થિક ઉદ્ધારનો નહીં, આર્થિક સરખાઈ થકી સામાજિક સમાનતાની દિશામાં સમાજને દોરવાનો હતો. અનામતની જોગવાઈ કરનારાને એવી આશા હતી કે દલિતો-આદિવાસીઓને શિક્ષણ-નોકરીમાં તકો મળતી જશે, તેમ ઊજળિયાત કહેવાતો સમાજ તેમના પ્રત્યેની ખરાબ વર્તણૂંક સુધારશે, તેમને ‘પોતાના જેવા’ ગણતો થશે અને સમાજમાં ધીમે ધીમે એકરૂપતા આવશે.

પરંતુ સદીઓથી હાડમાં ઉતરી ગયેલો જ્ઞાતિવાદ એમ સાઠ-સિત્તેર વર્ષમાં જાય? અનામતનો ફાયદો મેળવીને આર્થિક રીતે બે પાંદડે થયેલા લોકો પ્રત્યે ઊજળિયાત ગણાતા સમુદાયનો દ્વેષ ઓછો થવાને બદલે વધવા લાગ્યો (‘તમારી આટલી ધૃષ્ટતા કે અનામતના જોરે અમારી હરોળમાં આવવાનું વિચારી શકો?’) એ દ્વેષને વાજબી ઠરાવવા માટે મેરિટનું બહાનું શોધી કાઢવામાં આવ્યું. આ જાળમાં ભલભલા અભ્યાસીઓ પણ ફસાયા અને કહેવા લાગ્યા, ‘અનામતથી જ્ઞાતિના ભેદભાવ વધે છે.’ આ તો એવી વાત થઈ કે ઘાયલની દવા કરવાથી તેમને ઇજા પહોંચાડનાર વર્ગ ‘દવા બહુ ગંધાય છે’ એવું બૂમરાણ મચાવે અને ‘દવા લગાડવાથી ઘાયલો પ્રત્યે લોકોની સૂગ વધે છે’ એવું નિદાન કરનારા ‘અભ્યાસીઓ’ પણ મળી આવે.

જ્ઞાતિઆધારિત અનામતમાંથી ‘છૂટકારો’ મેળવવા માટે જોરશોરથી આર્થિક સ્થિતિ આધારિત અનામતની હિમાયત કરવામાં આવે છે. અગાઉ સ્પષ્ટ કર્યું તેમ, અનામતનો આશય ગરીબી નહીં, સામાજિક અસમાનતા ઘટાડવાનો છે. છતાં, દલીલ ખાતર વિચારી જોઈએ કે જ્ઞાતિઆધારિત અનામતને બદલે આર્થિક અનામત લાગુ પાડવામાં આવે તો શું થાય?

‘આર્થિક અનામત’ની વાત કરનારા માને છે કે તેનાથી ગરીબોને ફાયદો થશે. પરંતુ ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું છે, એનો તેમને કોઈ ખ્યાલ છે ખરો? ઊજળિયાત ગણાતા લોકો ‘ગરીબ’ની વાત કરે ત્યારે તેમના મનમાં દેશના નહીં, પોતાના સમુદાયના ગરીબોનો ખ્યાલ હોય છે. તેમને લાગે છે કે આર્થિક અનામત આવી જાય તો ‘ઊજળિયાત ગરીબો’ (‘પીપલ લાઇક અસ’) તેનો લાભ મેળવી શકે. તેમને બિચારાને ઊજળિયાત હોવા છતાં ગરીબીની નામોશી ભોગવવી પડે છે, તેમાંથી એ મુક્ત થાય.

બાકી, વાત ‘ઊજળિયાત ગરીબો’ને બદલે તમામ ગરીબોની હોય તો તેમનું પ્રમાણ કેટલું મોટું થાય? સાવ કાચો અડસટ્ટો માંડીએ તો પણ, અનામતની જોગવાઈને  લાયક હોય એવી (નબળી) આર્થિક સ્થિતિ ધરાવતા લોકોનું પ્રમાણ ભારતની કુલ વસ્તીમાં ૭૫ થી ૮૦ ટકા જેટલું હોય. કેટલાક અભ્યાસીઓએ ગરીબી સાથે જ્ઞાતિનો ઠીક ઠીક પ્રમાણમાં સીધો સંબંધ હોવાનાં તારણ કાઢ્‌યાં છે. (બધી નીચલી જ્ઞાતિવાળા ગરીબ નથી હોતા અને બધા ઉપલી જ્ઞાતિના અમીર નથી હોતા, પણ કુલ ગરીબોમાં બહુમતી લોકો નીચલી ગણાતી જ્ઞાતિઓના હોય છે.) એ ચર્ચા અત્યારે બાજુ પર રાખીએ તો પણ, આર્થિક અનામતના હિમાયતીઓ કેટલા ટકા બેઠકો અનામત રાખશે?

ધારો કે વર્તમાન ધોરણ પ્રમાણે ૪૯ ટકા બેઠકો ગરીબો માટે અનામત રાખવામાં આવે. પરંતુ ગરીબીમાં અનેક સ્તર – પેટાપ્રકાર હોવાના. મજબૂત સંગઠનોનો – વગદાર સમાજનો ટેકો ધરાવનારા ગરીબો હોવાના અને બધી બાજુથી વંચિત એવા ગરીબો પણ હોવાના. અમુક સમાજના ૮૦ ટકા લોકો ગરીબ હોવાના અને અમુક સમાજના ૩૦ ટકા લોકો ગરીબ હોવાના. તેમાંથી કયા સમુદાયના ગરીબોને અનામતનો મહત્તમ ફાયદો મળશે?

દેખીતી વાત છે : જે સમુદાયો પહોંચતા-પામતા હોય તેમના ગરીબોને આ પ્રકારની અનામતનો સૌથી વઘુ લાભ મળવાનો અને તેમની સાથેની હરીફાઈમાં પછાત કે નીચા ગણાતા સમુદાયોના ગરીબો ટકી શકવાના નહીં. એક વર્ગના ગરીબોના માથે ફક્ત ગરીબીનો બોજ હોય, જ્યારે બીજા વર્ગના ગરીબોના માથે ગરીબી ઉપરાંત સામાજિક પછાતપણાનો અને દલિતો માટે સામાજિક તિરસ્કારનો પ્રચંડ બોજ પણ હોવાનો. આર્થિક અનામત માટે એ બધાને સાથે દોડાવીને ‘સમાન તક’ આપી, એવું કહી શકાય?

તાત્પર્ય એટલું કે જાદુઈ લાકડી સમી ભાસતી ‘આર્થિક અનામત’ મુખ્યત્વે થોડા વગદાર – વર્ચસ્વ ધરાવતા વર્ગોના હિત સિવાય બીજા કોઈનું ભલું કરે નહીં. જ્ઞાતિઆધારિત અનામતની ઘણી મર્યાદાઓ છે અને તેમાં સુધારણાને ઘણો અવકાશ છે. પરંતુ આર્થિક અનામત તેનો ન્યાયી વિકલ્પ નથી.

સૌજન્ય : ‘ખયાલી પુલાવ’, “દિવ્ય ભાસ્કર”, 08 સપ્ટેમ્બર 2015

Loading

...102030...3,6953,6963,6973,698...3,7103,7203,730...

Search by

Opinion

  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved