Opinion Magazine
Number of visits: 9552338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે વૃક્ષની વાત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 September 2015

બે વૃક્ષની વાત

આજે ‘નાઇન ઇલેવન’ના દિવસે સ્મરણ થાય છે એ વૃક્ષનું જેનાં હજુ થોડા દિવસ પર જ, ૨૦૦૧માં તહસનહસ ટિ્વન ટાવર્સની ધરતી પર દર્શન કરવાનું બન્યું હતું.’

એ આતંકી ઘટના તો ઘટતાં ઘટી, પણ ધ્વસ્ત, ઉદ્ધ્વસ્ત, ભસ્મીભૂત એવા એ માહોલમાં પણ એક વૃક્ષ મૃતઃપ્રાય છતાં જીવતા જેવું બચી ગયું હશે. લોકે એને જાળવ્યું, જીવાડ્યું ને મૂળસોતું અહીં જ પાછું રોપ્યું. એને જોવાનું થયું, થતું ગયું અને ચેતનાને જાણે સંજીવની સ્પર્શ અનુભવતો રહ્યો.

સંહાર વચ્ચે  જીવનનું સ્થાપન … નાની વાત તો નથી એ!

આ વૃક્ષને પીતો હતો અને ચિત્તમાં એક બીજું વૃક્ષ લહેરાતું હતું. થોડાં વરસ પર એને વિશે વાંચ્યું હતું. નૃશંસ નાઝી અત્યાચારના દિવસોમાં એન ફ્રેન્કે ભોમભીતર ભંડકિયા જેવી જે ઓરડીમાં આશરો લીધો હતો એની એક નહીં સરખી બારીમાંથી દેખાતું એ વૃક્ષ હતું. આશંક્તિ, આતંકિત ઉદાસીન કમરાકેદ જિંદગાનીમાં નહીં સરખી બારીમાંથી દેખાતું એ વૃક્ષ, અને હવે તો એની ફૂટતી આવતી ટગલી ડાળ, એનના આર્ત અંતરને સારુ જાણે વિસામો હતી, સધિયારો હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી એનનો એ અંતરવિસામો વિશ્વવિશ્રુત બની રહ્યો હતો. અને હવે સાઠે વરસે એ ઝાડ સડું સડું પડું પડું અનુભવાતું હતું. પણ વિશ્વમતની જાગતી જ્યોતે એનેય સાચવી લીધું.

આ જાણ્યું ત્યારે થયું’તું કે એની એક ડાળખી લાવી ગાંધી આશ્રમમાં વાવું, કે પછી ગુલબર્ગ સોસાયટીના સૂચિત મ્યુિઝયમના પ્રાંગણમાં.

બોધિવૃક્ષનો મહિમા હું જાણું છું. ક્યારેક એનું એક ડાળખું લઈ મહેન્દ્ર ને સંઘમિત્રા શ્રીલંકા સંચર્યાં હશે એ ખ્યાલે રોમાંચિત પણ થઈ ઊઠું છું.

છતાં ખેંચાણ ચિત્તવૃત્તિની શાંતિના એના સંદેશનું નહીં એટલું એ પ્રતિકાર ને સંઘર્ષ વચ્ચે ઊભવાના સંદેશનું છે જે ન્યુયોર્કની ધ્વસ્ત મિનારભૂમિ પર ખડા વૃક્ષનો કે એન ફ્રેન્કના અંતરવિસામારૂપ વૃક્ષનો છે.

૧૧-૯-’૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 01

Loading

Samagra Meghani Sahitya, Jayantbhaina SampaadanmaM

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|17 September 2015

સમગ્ર મેઘાણી સાહિત્ય, જયંતભાઈના સંપાદનમાં

શુક્રવારે (28 અૉગસ્ટ 2015) આવતી મેઘાણી જયંતીના અવસરે, ઝવેરચંદ મેઘાણીના ચિરંજીવી જયંત મેઘાણીનાં દૃષ્ટિપૂર્ણ સંકલન-સંપાદન હેઠળ, ગુજરાત સાહિત્ય અકાદમીની ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ના પ્રકાશનની યોજનાની નોંધ લેવી ઘટે. તેમાં ગયાં છ વર્ષમાં બહાર પડેલાં પંદર પુસ્તકોનાં સવા સાત હજાર પાનાં પર સિત્તોતેર વર્ષના જયંતભાઈની સતત મહેનત અને માવજતની મુદ્રા છે.

આ યોજનામાં મેઘાણીનાં પંચ્યાશી પુસ્તકોને ચાર વિભાગ હેઠળ વીસ ગ્રંથોમાં ગોઠવવામાં આવ્યાં છે.  સર્જનાત્મક સાહિત્યના પહેલા વિભાગમાં, સમગ્ર  કવિતા અને નાટકોના એક એક ગ્રંથ અને નવલિકાઓના બે ગ્રંથ બહાર પડ્યા છે. ‘પરિભ્રમણ’ના બે ખંડોમાં સામયિકોમાં વિખરાયેલાં આસ્વાદ, વિવેચન, પ્રસ્તાવનાઓ અને પુસ્તક-સંસ્કૃિતને લગતી નોંધો એમ સાડા પાંચસો લખાણો છે.  

લોકસાહિત્યના વિભાગમાં ‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘સોરઠી બહારવટિયા’ અને ‘બહારવટિયા કથાઓ’ છે. તેની સાથે લોકકથા અને લોકગીતના સંચયો તેમ જ ‘રઢિયાળી રાત’ છે. આ ઉપરાંત ‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’, ‘લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય : વ્યાખ્યાનો અને લેખો’ , તેમ જ ‘સંતો અને ‘સંતવાણી’ પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. ‘લોકસાહિત્ય : સંશોધન અને ભ્રમણ’નાં પ્રૂફ વંચાઈ રહ્યાં છે.

ચાર નવલકથાઓના બે ખંડ આ યોજના હેઠળ આવવાના બાકી છે. સાહિત્યેતર લેખનના વિભાગ હેઠળ નાનાં ઇતિહાસ પુસ્તકો અને જીવનચરિત્રોના અલગ ગ્રંથો બનશે. વળી, અગ્રંથસ્થ પત્રકારત્વ, કટાક્ષલેખો  અને પ્રકીર્ણ લેખોનું  એક પુસ્તક થશે. ‘મેઘાણી-સંદર્ભ’ નામના વિશિષ્ટ ગ્રંથમાં  જીવનક્રમ, છબિઓ, સૂચિઓ, રચનાક્રમ આલેખ અને મેઘાણીના જીવનકાર્ય સંબંધિત નકશા હશે. બીજું એક મોટું આગામી આકર્ષણ છે તે અંગ્રેજી લેખોના સંચયનું. તે અંગે જયંતભાઈ માહિતી આપે છે કે રવીન્દ્રનાથના અજોડ અનુસર્જક મેઘાણીએ શાંતિનિકેતનમાં માર્ચ 1941માં લોકસાહિત્ય પર આપેલાં વ્યાખાનોના બે લેખો ‘વિશ્વભારતી ક્વાર્ટર્લી’માં અને બીજા ત્રણ લેખો ગુજરાત રિસર્ચ સોસાયટીના જર્નલમાં પ્રસિદ્ધ થયાં હતાં. એમણે ‘રઢિયાળી રાત’માંથી ‘ચાળીસ-પિસ્તાળીસ ગીતોનો બહુ સરસ અનુવાદ’ પણ કર્યો છે. આ સામગ્રી ‘પરિભ્રમણ’ના અનેક લખાણોની જેમ પહેલવહેલી વાર પુસ્તક તરીકે પ્રસિદ્ધ થશે.

જો કે અકાદમીની ‘સમગ્ર મેઘાણી’ યોજના હેઠળનાં બધાં ગ્રંથો પહેલવારકા નથી. તેમાંથી કેટલાક આ પૂર્વે, જયંતભાઈના જ પ્રસાર પ્રકાશને લેખકના કુટુંબ તરફથી થયેલી મેઘાણી જન્મશતાબ્દી પ્રકાશન શ્રેણી હેઠળ બહાર પડી ચૂક્યા છે. ‘લેખકના સાહિત્યની પ્રમાણભૂત વાચના’ની આ શ્રેણીની પરિકલ્પના ખુદ મેઘાણીભાઈના ‘બંટુ’ અને સ્વામી આનંદના ‘બંટુદોસ્ત’ જયંતભાઈની હતી. તેનું પહેલું પ્રકાશન તે ‘સોના-નાવડી’ નામે મેઘાણીની સમગ્ર કવિતાનું પુસ્તક. તેમાં જયંતભાઈની સંપાદક તરીકેની સાહિત્યિક સૂઝ-સમજ અને પ્રકાશક-મુદ્રક તરીકેની સૌંદર્યદૃષ્ટિ પાનેપાને જોવા મળે છે. તેમાં થોડીક રચનાઓ મેઘાણીનાં હસ્તાક્ષરમાં પણ છે. ‘વિદાય’ અને ‘કોઈનો લાડકવાયો’ સહિત ચાર અનુકૃતિઓની મૂળ અંગ્રેજી કવિતાઓ મૂકવામાં આવી છે. મૂળ સંચયોનાં મુખપૃષ્ઠો ઉપરાંત તમામ આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ સહિત તમામ પ્રકાશન-વિગતો મળે છે. વિખ્યાત ચિતારાઓનાં ચિત્રોની લઘુકૃતિઓ વિષય મુજબ સંયમથી સુશોભનો બની છે. આ બધી વિશેષતાઓ નવલિકાઓના ગ્રંથોમાં પણ જળવાઈ છે. આ સંપાદનો પુસ્તક રસિકને વિશેષ મુગ્ધ કરી દેનારાં છે. 

જયંતભાઈના સંપાદનની એક ખાસિયત સૂચિઓ છે. મેઘાણી સમગ્રમાં પરંપરાગત સૂચિઓ ઉપરાંત તેમણે  આપેલી કેટલીક વિશિષ્ટ સૂચિઓ આ મુજબ છે : ‘રઢિયાળી રાત’માં સ્મરણપંક્તિ, ‘સૌરાષ્ટ્રની રસધાર’ના પાંચેય ભાગની સંકલિત આવૃત્તિમાં કથા, સવાબસો વ્યક્તિનામો અને લગભગ તેટલાં જ સ્થળનામો, ‘પરિભ્રમણ’માં લેખ તેમ જ શબ્દ, લોકસાહિત્યમાં ઉલ્લેખ સૂચિ. ‘સોરઠી સંતો અને સંતવાણી’માં ભજનસૂચિ ગજબની છે. તેમાં એક જ લીટીમાં ભજનની પહેલી પંક્તિ, તેના કર્તા, તેની કથા અને તેના સંગ્રહનું નામ બધું જ આવી જાય છે ! રસધારમાં સોરઠી બોલી સાડા આઠસો શબ્દો અને ત્રણસો રૂઢિપ્રયોગોના અર્થ આપ્યા છે. પૂર્ણતાના આગ્રહી જયંતભાઈના કામની ક્વાલિટિઝ સ્વતંત્ર અભ્યાસનો વિષય છે. વળી તેમનું કામ  સંપાદનકાર્યમાં જાણે એક માપદંડ બનીને અકાદમીના કેટલાક સંપાદકોમાં સાહિત્યકાર સંપાદકોએ કરેલી કામચોરીને ધ્યાન પર લાવે છે. મેઘાણી સાહિત્યનું પરિશીલન 1972થી કરતાં રહેલા જયંતભાઈ માત્ર ‘સોના નાવડી’ અને ‘પરિભ્રમણ’માં જ ખુદને સંપાદક ગણાવે છે. બીજા બધા ગ્રંથોમાં તે પોતાને સંકલનકાર કહે છે. એટલું જ નહીં બધા ગ્રંથોમાં પોતાનું નામ બને એટલી અછતી રીતે આવે તે રીતે મૂકે છે.

ભાવનગરની ગાંધી સ્મૃિત લાઇબ્રેરીના એક યાદગાર ગ્રંથપાલ રહી ચૂક્યા છે. પછી એક સુરુચિસંપન્ન પુસ્તકભંડાર સર્જ્યો. તેમાંથી અળગા થઈને હવે સમગ્ર મેઘાણી અને રવીન્દ્રનાથના ગુજરાતી અનુવાદમાં તરબોળ છે. તે ગુજરાતના એક વિરલ ગ્રંથજ્ઞ અથવા ‘બુકમૅન’ એટલે કે જાણતલ પુસ્તકપ્રેમી છે. વૉશિંગ્ટન ખાતેના, દુનિયાના સહુથી મોટા ગ્રંથાલય ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ માટે ગુજરાતી પુસ્તકોની પસંદગી કરવાનું કામ વર્ષો લગી જયંતભાઈ ભાવેણાથી કરતા. જયંતભાઈની મહત્તા તેમની નમ્રતા અને શાલિનતા હેઠળ હંમેશા ઢંકાતી રહી છે. ઉમાશંકર જોશીએ મેઘાણીભાઈને એક પત્રમાં લખેલું : ‘આટલીક જિંદગીમાં તમારે હાથે લખાયેલાની નકલ કરતાં પણ બીજાની કેટલીય જિંદગી ચાલી જાય.’ પણ તે વિપુલ સાહિત્યરાશિનો  શબ્દેશબ્દ એક કરતાં વધુ વખત વાંચવામાં જયંતભાઈ એમની  જિંદગીને લેખે લગાડી રહ્યા છે.

24 ઑગસ્ટ, મધ્યરાત્રી

[હકીકત એ છે કે ગુજરાત સાહિત્ય અકાદમીની સમગ્ર મેઘાણી સાહિત્ય યોજના હેઠળ ગયાં છએક વર્ષમાં બાર ગ્રંથો બહાર પડી ચૂક્યા છે, અને આઠ ગ્રંથો પર જયંતભાઈ મેઘાણીનું કામ ચાલી રહ્યું છે.]

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 16 સપ્ટેમ્બર 2015

Loading

Gaanthe Baandhavaani Haqiqat : Joieye Chee, Saachun Kahenaaraa – Saambhadnaaraa

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|15 September 2015

ગાંઠે બાંધવાની હકીકત : જોઈએ છે, સાચું કહેનારા-સાંભળનારા

સચ્ચાઈ ‘બજાર’ની ચીજ નથી એ સાચું, પણ તેને માગ અને પૂરવઠાનો નિયમ લાગુ પાડી શકાય છે.

પાટીદારોના અનામત આંદોલન મુદ્દે પાટીદાર ધારાસભ્યો – મંત્રીઓની હાલત કફોડી થઈ છે. એક તરફ પક્ષની શિસ્ત, બીજી તરફ સમાજના મોટા સમૂહનું દબાણ. જાયે તો જાયે કહાં? આવી બાબતમાં અને ખરેખર તો મોટા ભાગની બાબતોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશા ભેદ હોતા નથી. (જેમને એ હજુ ન સમજાયું હોય, તેમને ક્યારે સમજાશે?) પાટીદાર અનામતના મુદ્દે કોંગ્રેસનું શું વલણ છે? કોંગ્રેસના કોઈ મોટા નેતાએ પાટીદારોને અનામત કેમ મળવી અથવા ન મળવી જોઈએ, એ વિશે ખોંખારીને કશું કહ્યું? કે કાયદો – વ્યવસ્થાનો કકળાટ કરીને, સરકારનું રાજીનામું માગવાની ઠાલી ઔપચારિકતા નિભાવીને શટર પાડી દીધું?

વાત ફક્ત પટેલ અનામતની નથી. દલિત સહિતના બીજા સમુદાયોના નેતાઓનું ઉદાહરણ લઈએ. એ પોતપોતાના સમાજના બાહ્ય તેમ જ આંતરિક પ્રશ્નો વિશે કેટલું બોલે છે? કેટલા સવાલ કરે છે? પૂછવાના પ્રશ્નો બન્ને પ્રકારના હોય : સમાજ માટે અને સમાજ સામે. સમાજ માટે પ્રશ્નો ઉઠાવવા જરૂરી છે, પરંતુ વ્યાપક દેશહિત માટે હાનિકારક એવી પોતાના સમાજની રીતરસમો સામે સવાલ ઊભા કરવાનું એટલું જ — કે જરા વધારે — જરૂરી નથી? પોતાના સમાજને બે કડવી વાત કહી શકાતી ન હોય, તો ‘સમાજના’ હોવાનો અર્થ જ્ઞાતિવાદી હોવાથી વિશેષ શો રહ્યો? પરંતુ સાચું સમજવાની અને સમજ પડે તો પણ એ કહેવાની હિંમત રાજકીય કે આધ્યાત્મિક આગેવાનોમાં છે? અને જો નથી, તો તેમને આગેવાન – નેતા શી રીતે કહેવાય? આવા વખતે બે-પાંચ હજાર વર્ષ પહેલાં થયા હોય એવા લાગતા એક નેતા યાદ આવે છે : ગાંધી. તેમણે લોકપ્રિયતાની પરવા કર્યા વિના દેશહિત – સમાજહિતમાં જે સાચું લાગે તે કહેવાની પરંપરા ઊભી કરી — પછી ‘લોક ભલે નિંદો કે વંદો.’ (ગાંધીજી) 

ગાંધીજીએ ૧૯૨૧માં અસહકાર આંદોલન પાછું ખેંચ્યું, ત્યારે તેમનાં પગલાંની આકરી ટીકા થઈ હતી. પરંતુ ગાંધીજીને સમજાઈ ગયું હતું કે પ્રજા આઝાદી માટે તૈયાર નથી. ચૌરીચૌરાનો બનાવ મુખ્ય કારણ નહીં, ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું હતો. અન્ના હજારેની ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ કે પાટીદારોના અનામતમાગણી આંદોલન કરતાં સો ગણી વધારે પ્રભાવશાળી રાષ્ટૃીય ચળવળ ચરમસીમાએ પહોંચી હોય અને આઝાદી હાથવેંતમાં લાગતી હોય, ત્યારે એ ચળવળ પાછી ખેંચવાની નૈતિક હિંમત જેનામાં હોય, તેને નેતા કહેવાય. એવો નેતા, જે પ્રજાને રીઝવવા હવાતિયાં મારતો ન હોય ને તેમની પૂંઠે ઘસડાતો ન હોય, પણ લોકોને કહેવા જેવી વાત કહેતો હોય, કડવી દવા પાતો હોય અને ‘મારી નેતાગીરીનું શું થશે’ એની પરવા કરતો ન હોય. 

સતત દુષ્પ્રચારને કારણે ઘણા લોકો ગાંધીજીને મુસ્લિમતરફી તરીકે કાઢી નાખે છે. એ ગાંધીજીએ એક વાર કોઈ આરબ દેશમાં થતી ‘સંગસારી’ની (પથ્થરો મારીને ગુનેગારનું મોત નીપજાવવાની) પ્રથાને અન્યાયી ગણાવતો લેખ લખ્યો. તેમણે લખ્યું કે આવી સજાને કુરાનનું સમર્થન ન જ હોય અને ધારો કે કુરાનનું સમર્થન હોય તો પણ એ વાજબી ન કહેવાય. એ વાંચીને એક મુસ્લિમ વાચકે ગાંધીજીને ઠપકો આપતાં લખ્યું કે આવું કહેતાં પહેલાં (‘કુરાનનો વિરોધ’ કરતાં પહેલાં) ઇસ્લામી જગતમાં તમારા મોભા વિશે તમારે વિચારવું જોઈતું હતું … ગાંધીજીએ તેમને જવાબ લખ્યો કે ઇસ્લામી જગતમાં તમે કહો છો એવો મારો મોભો સાચું કહેવાથી જતો રહેવાનો હોય, તો એવો મોભો હું કાણી કોડીની કિંમતે પણ ન ખરીદું. 

કયો રાજનેતા ને કયો આધ્યાત્મિક નેતા પોતાના અનુયાયીગણને કે સમર્થકોને આવું કહેવા જેટલી નૈતિક તાકાત ધરાવે છે? ગાંધીજીને દલિતોના મત લેવાના ન હતા. છતાં, અમદાવાદના રૂઢિચુસ્તોની ખફામરજી વહોરીને તેમણે દલિત પરિવારને આશ્રમમાં વસાવ્યું. તેના કારણે આર્થિક મદદ મળતી બંધ થઈ અને આશ્રમ સંકેલી લેવો પડે એવી સ્થિતિ આવી, પણ તે અડગ રહ્યા. (અણીના સમયે અંબાલાલ સારાભાઈએ તેમને ગુપ્ત અને મોટી આર્થિક મદદ કરતાં આશ્રમ ચાલુ રહ્યો.) અસ્પૃશ્યતા સામેની ઝુંબેશ બદલ છેક ૧૯૩૪માં સનાતની હિંદુઓએ પૂનામાં ગાંધીજીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. છતાં, ગાંધીજી કદી ટોળાંથી દોરવાયા નહીં કે પોતાને જે સાચું લાગે તે કહેતાં અચકાયા નહીં. પીડાતા વાછરડાને મૃત્યુદાન આપતાં તેમને ‘હિંદુઓની લાગણી દુભાશે’ એવો ખચકાટ ન થયો. કેમ કે, તેમના માટે નેતાગીરી એટલે લોકલાગણીના મોજા પર તરી જવાનું નહીં, લોકોનું ઘડતર કરવાનું કામ હતું. આચાર્ય કૃપાલાણી, (ઘણે અંશે) સરદાર પટેલ જેવા ગાંધીજીના સાથીદારો પણ લોકપ્રિયતાની પરવા કર્યા વિના સાચું કહેનારા તરીકે જાણીતા થયા. 

સરદારના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનો રાજકીય અભિગમ ગાંધીજી – સરદાર કરતાં અલગ. પરંતુ સાચું લાગે તે કહેવાની બાબતમાં એ જરા ય જુદા ન હતા. અંગ્રેજી રાજમાં (લોકસભા સમકક્ષ) કેન્દ્રિય ધારાસભાના પહેલા ભારતીય અધ્યક્ષ વિઠ્ઠલભાઈ ૧૯૨૭માં લંડન ગયા, ત્યારે ત્યાંના ‘પટેલ વિદ્યાર્થી મંડળ’ તરફથી તેમના માનમાં હોટેલ સેસિલમાં સ્વાગત સમારંભ યોજાયો. એ સમારંભમાં,આગળ જતાં સરદાર પટેલના વિશ્વાસપાત્ર અધિકારી બનેલા – જનતા સરકારમાં નાણાંમંત્રીનો હોદ્દો શોભાવનાર એચ.એમ. પટેલ વિદ્યાર્થી તરીકે હાજર હતા. તેમની નોંધ પ્રમાણે, વિઠ્ઠલભાઈએ પટેલ મંડળના વિદ્યાર્થીઓને ઠપકો આપતાં કહ્યું હતું, ‘માદરેવતનથી છ હજાર માઈલ દૂર લંડન શહેરમાં પણ તમે જ્ઞાતિની ગણતરી કે મર્યાદા છોડી શકતા નથી, એ મારે મન આશ્ચર્યનો વિષય છે. ભારતે એક રાષ્ટ્ર તરીકે માથું ઊંચું રાખીને જીવવું હશે તો જુવાન ભારતીયોએ (જ્ઞાતિની) મર્યાદાઓથી પર થવું પડશે.’

સાચું બોલનારા અને સાચું સાંભળનારા બન્ને દુર્લભ છે, એવી કહેણી જૂની છે. ગુજરાતની વાત કરીએ તો, તેના દેખીતા વિકાસ પાછળ રહેલા અંધારાની વાતો અનેક વાર, અનેક રીતે થઈ ચૂકી છે. ઉદાહરણ તરીકે, તાતાને ‘નેનો’ પ્લાન્ટ માટે કેવી અસાધારણ ઉદાર શરતોએ જમીન આપવામાં આવી તેની સાચી વિગતો જાહેર થઈ હતી. છતાં, તત્કાલીન મુખ્ય મંત્રીએ ‘એક એસ.એમ.એસ. કર્યો ને તાતા આવી ગયા’ એવું જૂઠાણું ચલાવ્યું, ને લોકોએ હોંશેહોંશે પી લીધું. આવી ઘણી બાબતોમાં સચ્ચાઈ બતાવનારાને ‘ગુજરાતવિરોધી’ની ગાળો ખાવાની થઈ. કોમી હિંસાની ન્યાયપ્રક્રિયામાં સત્યશોધનના નામે કેવા ગોટાળા થયા, તેની સિલસિલાબંધ વિગતો અંગ્રેજી પત્રકાર મનોજ મિત્તાએ ‘ધ ફિક્શન ઓફ ફેક્ટ ફાઇન્ડિંગ : મોદી એન્ડ ગોધરા’ પુસ્તકમાં આપી.

છતાં, બહુમતીએ જાણે સાચું સાંભળવા માટે આંખ-કાન બંધ કરી દીધાં હતાં. અક્ષરધામ કેસમાં ખોટેખોટા સંડોવી દેવાયેલા મુફ્‌તીએ સર્વોચ્ચ અદાલતમાંથી નિર્દોષ છૂટ્યા પછી ગુજરાત પોલીસ અને તેમના સાહેબોનાં કરતૂતો વિશે સ્પષ્ટ ભાષામાં લખ્યું. છતાં, એન્કાઉન્ટરબાજોને ‘જાંબાઝ’ અને ‘હીરો’ ગણાવનારા ધરાર સચ્ચાઈ સ્વીકારવા માગતા નથી. સચ્ચાઈ ‘બજાર’ની ચીજ નથી એ સાચું, પણ તેને માગ અને પૂરવઠાનો નિયમ લાગુ પાડી શકાય છે. એ હકીકત નાગરિકોનું ઘડતર કરતા આગેવાનો અને આગેવાનો પેદા કરતા નાગરિક સમાજો ભૂલી જાય, તો એ જ થાય જે અત્યારે થઈ રહ્યું છે.

http://www.divyabhaskar.co.in/news/ABH-knot-bind-fact-should-be-true-nowhere-listeners-5113659-NOR.html

સૌજન્ય : ‘ગાંઠે બાંધવાની હકીકત’, “દિવ્ય ભાસ્કર”, 15 સપ્ટેમ્બર 2015

Loading

...102030...3,6903,6913,6923,693...3,7003,7103,720...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved