અંગ્રેજો સંસ્કૃત શિક્ષણ માટે કૉલેજ સ્થાપે, પૂર્વના વિદ્વાનોને એકઠા કરે, પાશ્ચાત્ય શિક્ષણપદ્ધતિ મુજબ એને ઢાળે, દેશભરમાંથી હસ્તપ્રતો એકઠી કરવામાં આવે, હસ્તપ્રતોની શુદ્ધ વાચના તૈયાર કરવા વિદ્વાનોને રોકવામાં આવે, એને છપાવવા માટે અંગ્રેજો શિલાપ્રેસ અને લિથોપ્રેસ ભારતમાં લઈ આવે, ભારતમાં ઓરિયેન્ટલ બુક પબ્લિકેશનની શરૂઆત કરાવે એ ઓછું મોટું યોગદાન છે?
ગયા અઠવાડિયે [14 ફેબ્રુઆરી 2016] આપણે જોયું કે હિન્દુઓ, મુસલમાનો અને સિખોને એમ ત્રણેયને મૅકોલેના વિકલ્પે પૌર્વાત્ય શિક્ષણપદ્ધતિ અને શિક્ષણસંસ્થા સ્થાપવામાં સફળતા નહોતી મળી. તેમને પૂર્વ અને પશ્ચિમનો સમન્વય કરવામાં પણ સફળતા નહોતી મળી અને હદ તો ત્યારે થઈ કે પશ્ચિમ સામે થોડું પૂવર્નું આચમનરૂપે જળવાઈ રહે એમાં પણ સફળતા નહોતી મળી.
આખો થાળ તો છોડો, આચમન પણ નહીં? સમાન બળિયા તરીકે બાથ ભીડ્યા પછી એક લંગોટ પણ ન બચાવી શકાય એવું કેમ બન્યું?
આનું કારણ એજન્ડા હતો. હિન્દુને હિન્દુ તરીકે સંગઠિત કરવાનો અને મુસલમાનો સામે, ઈસાઈઓ સામે અને સિખો સામે ઊભો કરવાનો એજન્ડા હતો. મુસલમાનો મુસલમાનને સંગઠિત કરવા માગતા હતા અને બીજા સામે ઊભો રાખવા માગતા હતા. આવું જ સિખોનું હતું. મદન મોહન માલવિયા આક્રમક નહોતા પણ મવાળ હિન્દુ હતા એટલે તેઓ હિન્દુને સંગઠિત કરીને અન્ય સંસ્કૃિતથી બચાવવા માગતા હતા. ઉદ્દેશ બીજાને ધકેલવાનો હોય કે પોતાની જગ્યા બચાવવાનો હોય, પણ એજન્ડા તો હતો જ.
હવે સમસ્યા એ હતી કે સંગઠિત થવું હોય તો સમાન ભૂમિકા જોઈએ અને વિવિધ સંપ્રદાયમાં અને ફીરકાઓમાં વહેંચાયેલા હિન્દુઓ અને મુસલમાનોમાં સમાન ભૂમિકા બનતી નહોતી. સનાતનીઓને અને આર્યસમાજીઓને દીઠ્યે નહોતું બનતું. આર્યસમાજીઓ સિખોને પણ પરધર્મી ગણાવીને તેમનું શુદ્ધીકરણ કરતા હતા. શિયાઓ અને સુન્નીઓને દીઠ્યે નહોતું બનતું. દેવબંદીઓ અને બરેલવીઓ મળીને બન્નેને સ્વીકાર્ય હોય એવું ધર્મશિક્ષણનું પાઠ્યપુસ્તક તૈયાર નહોતા કરી શકતા. શ્રમણ (બૌદ્ધ અને જૈન) અને બ્રાહ્મણ વચ્ચે સમન્વય કરવો અઘરો હતો. ભૌતિકવાદી ‘લોકાયત દર્શન’ પણ અંતે એક દર્શન હતું અને એનો સ્વીકાર કરવો કે કેમ એ પ્રશ્ન હતો. હિન્દુઓમાં વેદાંતીઓની શાખા-ઉપશાખાઓના પોતાના આગ્રહો હતા. આ ઉપરાંત અસ્પૃશ્યતાના અને એકંદરે વર્ણવ્યવસ્થાના પ્રશ્નો હતા. પરંપરામાં સ્ત્રીઓના સ્થાન વિશે પ્રશ્નો હતા. ‘મનુસ્મૃિત’ જેવાં ધર્મશાસ્ત્રોનું શું કરવું એ પ્રશ્ન હતો. એનો બચાવ કરવો કે પછી એનો અસ્વીકાર કરવો? સાંપ્રદાયિક અને ધર્મ આધારિત સામાજિક વિભાજન હોય ત્યાં વચલો રસ્તો કાઢવો મુશ્કેલ શું, અસંભવ હોય છે. આ ઉપરાંત બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપનામાં મદદ કરનારા રાજવીઓ મદન મોહન માલવિયાનો બ્રાહ્મણો માટેનો પક્ષપાત જોઈને પીછેહઠ કરવા લાગ્યા હતા.
અહીં જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાનો પત્ર યાદ આવે છે. હિન્દુઓને સંગઠિત કરવાના મિશનમાં મદન મોહન માલવિયા અને લાલા લજપત રાયને મદદ કરનારા ઘનશ્યામદાસ બિરલાએ ગાંધીજીને પત્ર લખીને વ્યથા ઠાલવી હતી કે વિચારો અને વલણમાં ફેર ધરાવનારા એ બે નેતાઓ વચ્ચે મેળ બેસાડવાના પ્રયત્નો કરીને હવે તેઓ થાકી ગયા છે. ૨૦ સદીના હિન્દુિહતના સૌથી મોટા પેટ્રન ઘનશ્યામદાસ બિરલા હાંફી જાય તો હિન્દુ યુનિવર્સિટી હિન્દુ ન બની શકે એમાં કોઈ આશ્ચર્ય ખરું?
પરંતુ આનો અર્થ એવો નથી કે આધુનિક યુગમાં પરંપરાનો અભ્યાસ થયો નથી. હિન્દુ સહિત બધી જ ભારતીય પરંપરાનો અભ્યાસ થયો છે અને ખૂબ ઊંડો અભ્યાસ થયો છે. બે ધારાના લોકો હતા જેમાં એક પરંપરાવાદી લોકો હતા અને બીજાં પાશ્ચાત્ય અભિગમ સાથે પરંપરાનો અભ્યાસ કરનારા સ્વતંત્ર વિદ્વાનો હતા. દેવબંદની દારુલ ઉલૂમે ઇસ્લામના અભ્યાસમાં જેટલું યોગદાન આપ્યું છે એટલું અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું નથી. જે-તે શાખાના વેદાંતીઓએ, જૈનોએ, બૌદ્ધોએ પોતપોતાની રીતે પોતપોતાની પરંપરાને વિશદ કરવાના પ્રયત્નો કર્યા છે. પરંપરાવાદીઓ વધારે મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શક્યા છે એનું કારણ એ છે કે તેઓ પોતાની પરંપરાને સમૃદ્ધ કરવા માગતા હતા, હિન્દુને સંગઠિત કરવાનો કોઈ એજન્ડા નહોતો. બનારસની જ વાત કરીએ તો બનારસ હિન્દુ યુનિવર્સિટી કરતાં બનારસમાં આવેલા બૌદ્ધોના તિબેટન શોધ સંસ્થાનનું કે શાંકરવેદાંતીઓના દક્ષિણામૂર્તિ મઠનું પરંપરાના અભ્યાસમાં મોટું યોગદાન છે.
લૉર્ડ મૅકોલેનું એક જાણીતું કથન વારંવાર ટાંકવામાં આવે છે જે ખરું જોતાં સંદર્ભ તોડીને ટાંકવામાં આવે છે. મૅકોલેની મિનિટ્સમાં મૅકોલેને એમ કહેતાં ટાંકવામાં આવ્યા છે કે પૂવર્નું ચિરંજીવ મૂલ્ય ધરાવતું સાહિત્ય જો એકઠું કરવામાં આવે તો આપણે ત્યાંની લાઇબ્રેરીમાંનો એક કબાટ પણ નહીં ભરાય. આમાં મૅકોલેનું ભારત વિશેનું અજ્ઞાન પ્રગટ થાય છે અને એ સમયે આવું અજ્ઞાન ધરાવનારા અનેક લોકો યુરોપમાં હતા. એ સમયે યુરોપમાં ભારતને જોવાના ત્રણ અભિગમ હતા. એક ઈસાઈ ધર્મની સર્વોપરિતાવાળો જે પૂર્વના દર્શનને તુચ્છ લેખતો હતો. બીજો પાશ્ચાત્ય સભ્યતાની સર્વોપરિતાવાળો જે પૂર્વના સાંસ્કૃિતક વારસાને ઓછો આંકતો હતો અને ત્રીજો તટસ્થ વિદ્વાનોનો જે કોઈ પણ પ્રકારના એજન્ડા વિના કેવળ જિજ્ઞાસાથી પૂવર્ને જોતા હતા.
તમને આશ્ચર્ય થશે, પણ લૉર્ડ મૅકોલેનો જન્મ પણ નહોતો થયો એના નવ વર્ષ પહેલાં ૧૭૯૧માં લૉર્ડ જૉનાથન ડંકને બનારસમાં ગવર્નમેન્ટ સંસ્કૃત કૉલેજની સ્થાપના કરી હતી જે આજે સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. લૉર્ડ મૅકોલેનો જન્મ થયો એના ૧૬ વર્ષ પહેલાં ૧૭૮૪માં જૉન વિલ્સન નામના ખ્રિસ્તી મિશનરી અને ભાષાશાસ્ત્રીએ કલકત્તામાં રૉયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી હતી. આ ઉપરાંત મૅક્સમુલરથી લઈને ડાયના એક સુધીના સેંકડો પાશ્ચાત્ય વિદ્વાનોએ શિક્ષણસંસ્થાઓ દ્વારા કે વ્યક્તિગત રીતે ભારતીય પરંપરાનો અભ્યાસ કર્યો છે. દર્શન, ન્યાય, ભાષા, વ્યાકરણ, સાહિત્ય, સંગીત, રસશાસ્ત્ર, આયુર્વેદ, શિલ્પશાસ્ત્ર, સ્થાપત્ય એમ એવી કોઈ વિદ્યાશાખા નહીં હોય જેમાં પશ્ચિમના વિદ્વાનોએ પાશ્ચાત્ય અભિગમ સાથે અભ્યાસ ન કર્યો હોય.
શું છે આ પાશ્ચાત્ય અભિગમ? નિર્ભેળ જ્ઞાનસંપાદન વૃત્તિ અને તટસ્થતા. દરેક ધર્મની પરંપરાનો, સંપ્રદાયોનો, સ્કૂલ્સ ઑફ થૉટનો કોઈ પક્ષપાત વગર તેમણે અભ્યાસ કર્યો હતો. આપણે ત્યાં આ ચીજ ખૂટતી હતી. પરા કોટીનો શાંકરવેદાંતી વિદ્વાન રામાનુજને ન્યાય નથી આપતો એ આપણી જ્ઞાનવ્યાપારની ઊણપ છે. હિન્દુઓને સંગઠિત કરવાનો તેમનો કોઈ એજન્ડા નહોતો એટલે પરાણે સમન્વય કરવાનો બોજો તેમના પર નહોતો. એક જ શિક્ષણસંસ્થામાં ઉપર કહી એવી જ્ઞાનશાખાઓનું શિક્ષણ આપી શકાતું હતું. એક જ સંસ્થામાં પરસ્પર વિરોધી સંપ્રદાયોના તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપી શકાતું હતું. એક જ પાઠ્યપુસ્તકમાં અલગ-અલગ વિચારશાખાઓનું શિક્ષણ આપી શકાતું હતું. એ પછી તો આ પરિપાટી અપનાવીને આપણે ત્યાં પણ એસ. એન. દાસગુપ્તા અને ડૉ. રાધાકૃષ્ણન જેવા વિદ્વાનો થયા છે. આ તટસ્થતાયુક્ત પાશ્ચાત્ય અભિગમ છે, પૌર્વાત્ય સાંપ્રદાયિક નથી.
તો આ હતો અંગ્રેજો પાસેથી મળેલો ચોથો અભિગમ જેમાં સફળતા મળી છે. એટલે તો હિન્દુ પરંપરાને સમજવામાં અને એને નવા સંદર્ભોમાં રજૂ કરવામાં બનારસ હિન્દુ યુનિવર્સિટીનું યોગદાન છે એના કરતાં બનારસની સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીનું હજારગણું મોટું યોગદાન છે. પ્લીઝ નોટ; હજારગણું એ અતિશયોક્તિ નથી, વાસ્તવિકતા છે. અંગ્રેજો સંસ્કૃત શિક્ષણ માટે કૉલેજ સ્થાપે, પૂર્વના વિદ્વાનોને એકઠા કરે, પાશ્ચાત્ય શિક્ષણપદ્ધતિ મુજબ એને ઢાળે, દેશભરમાંથી હસ્તપ્રતો એકઠી કરવામાં આવે, હસ્તપ્રતોની શુદ્ધ વાચના તૈયાર કરવા વિદ્વાનોને રોકવામાં આવે, એને છપાવવા માટે અંગ્રેજો શિલાપ્રેસ અને લિથોપ્રેસ ભારતમાં લઈ આવે, ભારતમાં ઓરિયેન્ટલ બુક પબ્લિકેશનની શરૂઆત કરાવે એ ઓછું મોટું યોગદાન છે?
એ પછી પણ અંદાજે સાડાત્રણ કરોડ હસ્તપ્રતો અંગત સંગ્રહમાં કે સંસ્થાનોમાં વિદ્વાનોની રાહ જોતી પડી છે. કોઈ એને વાંચનાર, ઉકેલનાર અને શુદ્ધ વાચના કરી આપનાર મળતું નથી. એ ઉપરાંત પાઠાંતરભેદ અને શંકાઓ દૂર કરનાર સંપાદકની જરૂર છે. વિદ્વાનો મળતા નથી એટલે હસ્તપ્રતો ર્જીણ થઈને નાશ પામી રહી છે. જો અંગ્રેજોની જેમ રાજકીય અને સાંપ્રદાયિક એજન્ડા વિના જ્ઞાનવ્યાપાર કરવામાં આવ્યો હોત અને હજી પણ કરવામાં આવે તો આ સાડાત્રણ કરોડ હસ્તપ્રતોનો ઉદ્ધાર થઈ શકે એમ છે. એક કરોડ હસ્તપ્રતો તો એકલી બનારસની સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી પાસે પડી છે. કલ્પના કરો કે આપણો કેટલો સમૃદ્ધ જ્ઞાનવારસો છે. એ સાંપ્રદાયિક પક્ષપાતનો ભોગ ન બનવો જોઈએ.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામલ લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 21 ફેબ્રુઆરી 2016
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-21022016-9