Opinion Magazine
Number of visits: 10030971
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારા શિરચ્છેદના સમયે

તસ્લીમા નસરીન [અનુવાદ : બિપિન શ્રોફ]|Opinion - Opinion|18 July 2016

અનુવાદકની નોંધ : તાજેતરમાં બાંગ્લાદેશના પાટનગર ઢાકા મુકામે ‘હેલી આર્ટિઝન બૅકરી’માં આઇ. એસ.ના ત્રાસવાદીઓએ ફક્ત ૨૦ મિનિટમાં ૨૦ બંધકોનો શિરચ્છેદ કરી નાંખ્યો હતો. ત્યાર બાદ ભારતમાં નિર્વાસિત તરીકે સ્થાયી-અસ્થાયી જીવન પસાર કરતી, ઇસ્લામ સામે વર્ષોથી બગાવત કરતી બાંગ્લાદેશી ક્રાંતિકારી લેખિકા તસ્લીમા નસરીનને આ અમાનવીય ઘટના પછી મોતની ધમકીઓ મળવા માંડી છે. ભારતના કેરાલા રાજ્ય સ્થિત આઈ.એસ.આઈ.એસ. પુરસ્કૃત ‘અન્સાર ખિલાફત’ સંસ્થા તરફથી મોતની ધમકી મળી છે. જો આ ત્રાસવાદી સંગઠનના ત્રાસવાદીઓને આઈ.એસ.આઈ.એસ. દ્વારા તાલીમ આપવામાં આવી હશે, તો ‘મારું તારણ છે કે તેઓને બંધકોનો શિરચ્છેદ કરવાની ઉત્તમમાં ઉત્તમ તાલીમ આપવામાં આવી હશે.’

હું ખૂબ જ નાજુકાઈથી વારંવાર મારા ગળા પર હાથ ફેરવું છું. હું વારંવાર મારા માથા પાછળ પણ હાથ ફેરવું છું. પછી હું એ વિચાર કરું છું કે જ્યારે તે લોકો મારો શિરચ્છેદ કરતા હશે, ત્યારે મારા મનની સ્થિતિ કેવી હશે! મારી ઇચ્છા તો એવી છે કે તે લોકો મને બંધક બનાવે પછી બંદૂકની ગોળી મારા માથામાં મારીને જ મને મારી નાંખે. મેં મારા વિચારોને કારણે ‘જીવતેજીવ’ અસહ્ય સહન કર્યું છે અને હજુ પણ સહન કરું જ છું. મારે મારા મૃત્યુ સમયે બિલકુલ રિબાવું નથી. મારે મૃત્યુ બિલકુલ ક્ષણિક કે ત્વરિત જ જોઈએ છે. પણ જેના તાબામાં હું બંધક બનીશ, તે લોકો મારી અંતિમ ઇચ્છા સાંભળશે ખરાં? હું જિંદગીભર માનવમૂલ્યોના સંવર્ધન માટે ઝઝૂમી રહી છું, તો પછી મને તેઓ કેવી રીતે મારી નાંખે, તે માટે હું ભીખ શા માટે માગું? તે માટે આજીજી શા માટે કરું? મારો જીવ બચાવવા દયાની માંગણી તો હું બિલકુલ નહીં જ કરું. હું વિચારું છું કે મારા શિરચ્છેદના સમયે હું મારી આંખો બંધ કરીને રવીન્દ્રસંગીતમાંની મારી પ્રિય ધૂનો મનમાં ગણગણીશ. મારી પાસે તે સમયના દુઃખને નિવારવા માટેનો બીજો વિકલ્પ મને સૂઝતો નથી.

… ફરાઝહુસેને કુરાનની આયાતો પઢી … તેને બંધક તરીકે મુક્ત કરવામાં આવ્યો … પણ તે ગયો નહીં … ફરાઝ હુસેન સદીમાં (૧૦૦ વર્ષમાં) કદાચ એક જ જન્મે છે …

આ માનવસંહાર સમયે બધા બંધકોમાંથી ફરાઝહુસેનને બંધક તરીકે મુક્ત કરવામાં આવ્યો. પણ તે તેના બંધક બનેલા મિત્રોને આતંકવાદીઓ મુક્ત ન કરે, તો તે મુક્ત થવા માંગતો ન હતો. આતંકવાદીઓ પાસેથી મળેલી સ્વતંત્રતા તેણે સ્વીકારી નહીં.

તસ્લીમા નસરીન કહે છે કે, હું તો ખૂબ જ લાગણીશીલ માનવી છું.  હું તો હરહંમેશ લોકકલ્યાણની જ વાતો કરું છું. ચિંતા કરું છું. મેં મારી જિંદગી તે માટે ન્યોચ્છાવર કે સમર્પિત કરી દીધી છે. પણ મને જો માનવશિરચ્છેદ કરનારાઓની ટોળકીમાંથી સહીસલામત માર્ગ આપવામાં આવે તો હું માનું છું કે હું ચોક્કસ પાછું જોયા વિના, અરે કોઈની પણ રાહ જોયા વિના નાસી જાઉં. મારા મત પ્રમાણે કોઈ પણ જાતની સ્વસ્થતા મેળવ્યા સિવાય આપણે બધા જ આવી સ્થિતિમાં ‘આમ જ કરીએ’ ફક્ત ફરાઝે તેવું ન કર્યું! ફરાઝ જેવાઓ કદાચ સદીમાં એકાદ જ જન્મતા હશે. (Only Faraaz didn’t. Faraazs are perhaps born only once in a century.)

આપણે આતંકવાદના મૂળનો અંત લાવ્યા સિવાય. આતંકવાદીઓને ગોળીઓથી મારી નાંખવાથી આતંકવાદનો ખાતમો બોલાવી શકવાના નથી. (“You cannot uproot terrorism by killing terrorists. You need to uproot terrorism at source to end terrorism.”)

આતંકવાદીને કોણ તૈયાર કરે છે?

આતંકીઓ જે ઇચ્છતા હતા, તે મળી ગયું. તેઓના પોતાના ઘાતકી કૃત્યથી વિશ્વને એક આંચકો આપવો હતો, તે આપી શક્યા. તેઓને ગેરમુસ્લિમની હત્યા કરીને ધાર્મિક પુણ્ય કમાવવું હતું જે કદાચ તે બધાને મળ્યું હશે. તેઓ આટલાં બધાં જુવાન સ્ત્રી-પુરુષોનો એકીસાથે શિરચ્છેદ પહેલી જ વાર કરી શક્યા. આ પહેલાં આવું કૃત્ય તે બધાએ ક્યારે ય કર્યું ન હતું. કેવી રીતે તેઓ એક કે બે નહીં પણ ૨૦ બંધકોનો શિરચ્છેદ કરી શક્યા? મારું તારણ છે કે માન્યતાઓ અને ખાસ કરીને ધાર્મિક માન્યતાઓ તે બધાને અશક્ય લાગતાં કૃત્યો કરવા કટિબદ્ધ બનાવે છે. મને ખબર પડતી નથી કે આવા આતંકવાદીઓની નિષ્ઠુર, બેરહમ, અમાનવીય માનસિકતા કોણ અને કેવી રીતે તૈયાર કરતું હશે?

પણ આતંકીઓનાં મગજમાં વૈચારિક રીતે જે ભાથું ભરવામાં આવતું હશે, તેને આ બધાના પોતાના મનમાં સંશય કર્યા સિવાય કે પ્રશ્નો પૂછ્યા સિવાય કેવી રીતે સ્વીકારી લેવામાં આવતું હશે? આ બધા ભણેલા ‘સ્માર્ટ’ યુવાનો હતા, પણ તે બધાની પાસે જે વૈચારિક રીતે મૂકવામાં આવતું હતું, તેને બૌદ્ધિક અને તાર્કિક કે રેશનલી મૂલ્યાંકન કરવાની ક્ષમતા તેમનામાં દેખાતી ન હતી. તેઓએ સ્વીકારી લીધેલું હતું કે ‘ધર્મ સત્ય છે; પોતાના ધર્મનું ધાર્મિક પુસ્તક સત્ય છે.’ ધાર્મિક પુસ્તકની રચના તો ધર્મના સ્થાપકે પોતે જ કરેલી હતી, તેથી તેમાં જે લખેલું છે તેને તો વગર દલીલે સ્વીકાર્યા સિવાય બીજો માર્ગ કેવી રીતે હોઈ શકે? (હિંદુધર્મના પુસ્તક ગીતામાં તેના રચયીતા કૃષ્ણે આ જ વાત કરી છે : મૂળ સ્રોતના તંત્રી.) ટૂંકમાં, ધાર્મિક સત્યોને જ્ઞાન આધારિત માહિતી કે મૂલ્યાંકનોને આધારે ચકાસાય કે પડકારાય નહીં. તે ઉપદેશોને તો અમલમાં જ મૂકવા પડે, તો જ ઉપદેશોનું પાલન કરનારાને મોક્ષ મળે.

આ બધા ધર્મના ઠેકેદારો અને તેમના અનુયાયીઓ પુરાણા ધાર્મિક ગ્રંથોને આધુનિક માહિતી, જ્ઞાન અને વૈજ્ઞાનિક તારણોને આધારે તપાસવા કે મૂલ્યાંકન કરવા બિલકુલ તૈયાર નથી. તર્કવિવેકશક્તિનાં પરિણામોને તેમને ‘બાપે માર્યું વેર’ છે. જો ધાર્મિક પુસ્તકોમાં લખવામાં આવ્યું હોય કે નાસ્તિકો, કાફર, કે નિરીશ્વરવાદીઓને (નોન-બિલીવર્સ) અને વિધર્મીઓને મારી નાંખવા, તૌ બૌદ્ધિક રીતે મગજ વિહોણા આ ઉગ્રવાદીઓ ધાર્મિક ફરજ સમજીને આવા લોકોને મારી નાખવામાં સહેજ પણ રંજ નથી પણ દૈવી અનુભતિનો આનંદ અનુભવે છે અને મોતને ભેટે છે. ધાર્મિક પુસ્તકોનાં લખાણોનાં તેઓ બીજો કોઈ અર્થ જ કાઢતા નથી.

જ્યાં આખો સમાજ ધર્મના ઘેનમાં જીવતો હોય, ત્યાં બાળકોના મનને ધાર્મિક ઘેલછામાં જોડવાનું કામ તેમના જન્મની સાથે જ શરૂ થઈ જાય છે. આ મગજ બંધ થઈ ગયેલા ધાર્મિક ઉન્માદોમાં રાચતા યુવાનો જન્મથી જ ઘર, નિશાળો, કૉલેજો, રમતનાં મેદાન, શેરીઓ, ટ્રેઇન અને બસ- ટ્રાન્સપોર્ટ, ટેલિવિઝન, રેડિયો, ચલચિત્રો કે સિનેમાઓ વગેરેમાં, તે બધાનું ધાર્મિક માનસિકતાની તરફેણમાં બ્રેઇન વૉશિંગ સતત ચાલુ થઈ જાય છે.

તે બધાને ઢોલ પીટીને કહેવામાં આવે છે કે ધર્મના ઉપદેશો પ્રમાણે જીવનારાને મોક્ષ મળશે. પણ જો તમે ધર્મની આજ્ઞાઓ અને ઉપદેશોનું ઉલ્લંઘન કરશો તો નર્કમાં જશો. તે બધાને બધા પ્રશ્નોના ઉકેલો આપ્યા હોવાથી ધાર્મિકોએ પોતાના પ્રશ્નો માટે ધાર્મિક પુસ્તકો બહાર ઉકેલ શોધવાના પ્રયત્નો જ ન કરવા જોઈએ. ધર્મ પોતે જ જ્ઞાન છે. ધર્મ જ વિજ્ઞાન છે અને ધર્મનું બીજું નામ જ શાંતિ છે. સતત આવા વિચારો અને ઉપદેશોનો ધોધ બાળપણથી તમારા મન પર ઠોકી બેસાડવામાં આવતો હોય, તો તે તમારા અર્ધજાગૃત મનનો એક ભાગ બની જાય છે. તે આપણા બધાનો એક મજબૂત પણ વૈચારિક ધાર્મિક પાયો બની જાય છે, જેના ઉપર સહેલાઈથી આત્યંતિક ધાર્મિકતાનો મહેલ બનાવી તેના પરથી કૂદકો મારી આપઘાત કરવા યુવાનોને તૈયાર કરી શકાય છે.

માનવીને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે ધર્મના ઉપાયો વૈજ્ઞાનિક સંશોધનોનો માટેના કોયડાઓ અને ગણિત-ભૂમિતિના કૂટપ્રશ્નો વગેરેના ઉકેલો કરતાં સરળ અને સહેલા લાગ્યા છે. માટે જ ધર્મ અભણ, શ્રમજીવી અને વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓને સંમોહી શકે છે. કારણ કે વિજ્ઞાનને સમજવું ધર્મ જેટલું સહેલું નથી.                      

ગુજરાતી અનુવાદ : બિપિન શ્રોફ

(સદર મૂળ લેખ બંગાળી ભાષામાં લખાયો હતો, જેનો અંગ્રેજી ભાવાનુવાદ સંઘમિત્રા મજમુદારે ઇન્ડિયન એક્સપ્રેસ માટે કરેલો. અમે તે બધાના આભારી છીએ.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 04 & 19

Loading

સંઘર્ષ ‘ભારત-ભાષ્ય’નો

અચ્યુત યાજ્ઞિક|Opinion - Opinion|18 July 2016

સાંપ્રતસમયમાં સંઘર્ષ થઈ રહ્યો છે બે ‘ભારત-ભાષ્ય’ વચ્ચે. પ્રાચીન સમયથી પ્રસ્થાપિત સમાવેશક ભારતની સામે સમરસ ભારતનું ઘર્ષણ છેલ્લાં બે વર્ષથી સંઘર્ષનું સ્વરૂપ લઈ રહ્યું છે. સમાવેશક ભારત માને છે સત્ય સહસ્રમુખી છે અને સમરસ ભારત માને છે સત્ય એકમુખી છે. અનેકાંતવાદની સામે એકાંતિવાદ!

જ્યારથી સંઘપરિવારની, ભાજપની સરકારે, સત્તાનાં સૂત્રો હસ્તગત કર્યાં ત્યારથી સમરસ ભારતનું નિર્માણ કરવા કટિબદ્ધ વર્ગ પોતાનું ભાષ્ય અર્થાત્ હિંદુત્વ-ભાષ્યને એકમાત્ર ભાષ્ય માને છે. આ હિંદુત્વ-ભાષ્યમાં સમાજના વૈવિધ્યનો નહીં, પરંતુ એકવિધતાનો મહિમા કરવામાં આવી રહ્યો છે. આ ભાષ્યમાં ભારતીય સંસ્કૃિત એટલે કેવળ હિંદુ-સંસ્કૃિત. જો ભારતમાં સદીઓથી વસતા કે વિકસેલા અન્યોન્ય ધર્મો કે પંથો – ઈસાઈ, ઇસ્લામ, આદિ – સહિયારી સંસ્કૃિતની, સમાવેશક સંસ્કૃિતની વાત માંડે તો આ હિંદુ-સંસ્કૃિતવાદીઓ સમરસતાની વાત માંડી અન્યને પોતાની આગવી પરંપરા કે આગવો રંગ અળગાં કરવાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૂચવે છે.

હિંદુ-સંસ્કૃિતની દુહાઈ દેનારા જે હિંદુ પરંપરાની કે હિંદુધર્મની માંડણી કરે છે, તે ખરેખર તો પરંપરાનું અત્યંત સંકુચિત ભાષ્ય છે. ઋગ્વેદથી જ શરૂ કરીએ તો તેમાં સત્યને વિપ્રો બહુધા વદે છે, તેવું ઉચ્ચારવામાં આવે છે ત્યારે અનેકાંતવાદનો કે બહુવિધતાનો જ મહિમા થાય છે. મહાભારતમાં પણ આ જ ઉપદેશ ધેનુની એટલે કે ગાયની ઉપમા દ્વારા ઘોષિત થાય છે : ‘ભિન્ન-ભિન્ન રંગોવાળી ગાયો હોય, પણ તેઓના દૂધનો રંગ તો એક જ હોય, તેવું જ ધર્મવૈવિધ્ય છે, પણ પરમ તત્ત્વ તો એક જ છે.’

મધ્યકાળની ભક્તિ-પરંપરા વારંવાર ભજનમાં, પદમાં કે દોહામાં અનેકાંતવાદનો જ પુરસ્કાર કરે છે. આધુનિક યુગમાં શ્રીમદ્ રાજચંદ્ર એક દોહરા દ્વારા આ પ્રાચીન પરંપરાને વ્યક્ત કરે છે :

ભિન્ન-ભિન્ન મત દેખિયે, ભેદ દૃષ્ટિનો એહ,
એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માનો તેહ.

શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ ગણતા ગાંધીજી પણ ‘સર્વધર્મસમભાવ’ને કેન્દ્રવર્તી બનાવી નરસિંહ મહેતાએ પ્રબોધેલી ‘સમદૃષ્ટિ’ને ચરિતાર્થ કરે છે. ઋગ્વેદથી આરંભી ગાંધીજી સુધી જે પરંપરા અખંડ રહી છે, તેનાથી વિપરીત હિંદુત્વવાદીઓ અત્યારે ‘ભારતમાતા કી જય’ તથા ‘ગૌમાતા’ના સીમિત દાયરામાં ધર્મપરંપરાને સાંકળી ભારત-ભાષ્યને સંકીર્ણ બનાવી રહ્યા છે.

હિંદુત્વવાદીઓમાં જે સંગઠનો હિંસાનો પુરસ્કાર કરવામાં નાનમ નથી સમજતાં તેમણે છેલ્લાં બે વર્ષમાં દાભોલકર, પાનસરે તથા કલબુર્ગી જેવા બુદ્ધિશાળીઓ તથા રૂઢિભંજકોની હત્યા કરી છે તે જાણીતું છે. હિંસાનો માર્ગ અપનાવનાર એ વીસરી ગયા કે ભારતમાં પ્રાચીન સમયથી બુદ્ધિવાદ તથા ભૌતિકવાદની પરંપરા રહી છે, તેમ જ તેના પક્ષધરો સાથે વાદ-વિવાદ થયા છે પણ તેમને વીંધી નાંખવામાં નથી આવ્યા. બે હજાર વર્ષ પૂર્વે પણ લોકાયતની કે ચાર્વાકની પંરપરા હતી જેને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તર્કપ્રધાન દર્શન તરીકે નોંધે છે. આ તર્કપ્રધાન પરંપરા ભૌતિકવાદી હતી તેમ જ તેમાં આત્મા કે પરમાત્મા કે પરલોકનો સ્વીકાર નહોતો પણ ઇહલોકનો જ સ્વીકાર હતો. આ દાર્શનિક પરંપરાનો ઉલ્લેખ આઠમી સદીમાં ચિતોડના મહાન જૈન આચાર્ય હરિભદ્ર તેમના ‘ષડ્દર્શન સમુચ્ચય’માં વિગતવાર કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકાયત કે ચાવાર્કનું દર્શન જે ભૌતિકવાદનું દર્શન ગણાય છે, તે ભારતીય પરંપરાનું અભિન્ન અંગ રહ્યું છે. અલબત્ત, એ નાસ્તિક દર્શન ગણવામાં આવ્યું છે.

આજે જે વિચારકો કે સાહિત્યકારો નાસ્તિક કે સંદેહવાદનો પુરસ્કાર કરે છે, તેઓ મૂર્તિપૂજાનો વિરોધ પણ કરે છે. છેલ્લાં બે વર્ષોમાં મૂર્તિપૂજાના વિરોધીઓને પણ હિંદુત્વવાદીઓ નિશાન બનાવે છે, ત્યારે એ ભૂલી જાય છે કે ભારતની ધર્મપરંપરામાં સાકારવાદની સાથે નિરાકારવાદ પણ સમાંતરે વહેતો રહ્યો છે. મધ્યકાળના ભક્તિ-આંદોલનમાં કબીર અને નાનક નિરાકાર પરમ તત્ત્વનો મહિમા કરે છે અને ધર્મ તથા જાતિના ભેદભાવને નકારે છે. ગુજરાતમાં રવિ-ભાણની સંતપરંપરા આ જ સંદેશ આગળ લઈ જાય છે, તેમની અલખ વાણીમાં. પરંતુ હિંદુત્વને પક્ષધારો માત્ર સાકારવાદનો ડગલે ને પગલે આક્રમક પ્રચાર કરીને મધ્યકાળના ભક્તિ-આંદોલનમાં પાયામાં જે વ્યાપકતા રહેલી છે. તેનો છેદ ઉડાવી દે છે.

સંત રવિદાસ તેમના એક પદમાં કહે છે :

‘પતપ તીરથ વેદપુરાણને શું પઢવાનું કામ!
સઘન જોગ કલ્પના છૂટી સઘળે સરખા સામ!

સંતવાણી અનુસાર ઘટઘટમાં રામ વ્યાપેલા છે, પરંતુ હિંદુત્વવાદીઓ તો અયોધ્યામાં રામમંદિર બનાવવા છેલ્લા ત્રણ દાયકાથી પાસાં નાંખી રહ્યાં છે! ગાંધીજીએ રામનામનો સદાય મહિમા કર્યો અને જીવનભર રટણ કર્યું, પરંતુ એમની પ્રાર્થનામાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ’માં ‘ઈશ્વરઅલ્લા તેરો નામ’ ગવાય ત્યારે એમના ભારત-ભાષ્યનું જ સમૂહગાન થાય છે.

ભારતનાં છેલ્લાં દોઢસો વર્ષ ઉપર દૃષ્ટિપાત કરીએ છીએ, ત્યારે એ વિડંબના નજરે પડે છે કે રાષ્ટ્ર, રાષ્ટ્રીય અને રાષ્ટ્રવાદ શબ્દો પ્રચલિત થયા બ્રિટનના પ્રભાવને લીધે, પરંતુ તેને ચરિતાર્થ કરવા માટે બે વિરોધી વિચારધારાઓ પ્રગટી. કૉંગ્રેસના નામકરણમાં ‘રાષ્ટ્રીય’ શબ્દ આવે છે અને સંઘના નામકરણમાં પણ ‘રાષ્ટ્રીય’ શબ્દ આવે છે. પરંતુ કૉંગ્રેસનો રાષ્ટ્રવાદ સંસ્થાનવાદ સામેના પ્રતિઘોષને વ્યક્ત કરે છે, જ્યારે સંઘનો રાષ્ટ્રવાદ ધર્મ સાથે સાંકળીને હિંદુ રાષ્ટ્રવાદ બની રહે છે. આજે જ્યારે સંઘ-પરિવારના સમર્થકો અન્ય ધર્માનુયાયીને રાષ્ટ્રદ્રોહી કે દેશદ્રોહી કહી પાકિસ્તાન જવાનું કહે છે, ત્યારે ભારતનું સંકીર્ણ ભાષ્ય વ્યક્ત થાય છે. એ વીસરી શકાય તેવું નથી કે કૉંગ્રેસનો કે રાષ્ટ્રીય મહાસભાનો જન્મ ઓગણીસમી સદીના નવમા દાયકામાં થાય છે અને રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘનો જન્મ તેનાં ચાલીસેક વર્ષ પછી વીસમી સદીના ત્રીજા દાયકામાં થાય છે. આજના કૉંગ્રેસપક્ષને અંગે તેની ઘટતી જતી લોકપ્રિયતા અંગે ચર્ચા થઈ શકે છે, પરંતુ તેના પાયામાં જે ભારત-ભાષ્ય, અનેકાંતવાદી ભાષ્ય રહેલું છે તે આજે પણ વિવિધ રીતે પ્રગટે છે. સંઘ-પરિવાર ઇતિહાસને મરોડવા કટિબદ્ધ છે અને પરિણામે ‘સહિષ્ણુ’ તથા ‘અસહિષ્ણુ’નો વાદ-પ્રતિવાદ તાજેતરમાં થયો અને થતો રહેશે.

અનેકાંતવાદી ભારત-ભાષ્ય સાંપ્રત સમયમાં પણ અણધારી રીતે કે દિશાએથી વ્યક્ત થયા કરે છે, તેનું ઉદાહરણ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના ડિસેમ્બર, ૨૦૧૫ના વક્તવ્યમાં પ્રગટ થાય છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી તીરથરામ ઠાકુરે એમના ભાષણમાં જણાવ્યું કે ‘મેં ગીતા સંસ્કૃતમાં નથી વાંચી, પરંતુ ઉર્દૂ અનુવાદમાં વાંચી છે અને આ અનુવાદ મુસલમાન વિદ્વાને કરેલો છે.’ શ્રી ટી.એસ. ઠાકુરના આ વક્તવ્યમાં ભારતની અનેકાંતવાદી પરંપરા થોડાક શબ્દોમાં જ ખીલી ઊઠે છે.

આગામી વર્ષોમાં સમાવેશક ભારતના પક્ષધરો અને સમરસ ભારતના પુરસ્કર્તાઓ વચ્ચેનો સંઘર્ષ વધુ ને વધુ તીવ્ર બનશે તેવા એંધાણ વરતાય છે. સંઘ-પરિવાર સત્તાધારી બન્યો તે પછી સાંસ્કૃિતક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે તેમ જ માધ્યમો દ્વારા જે પહેલ થઈ રહી છે, તે સૂચવે છે કે સત્તા અને સંસ્કૃિતનું નવું સમીકરણ રચાઈ રહ્યું છે. સમાવેશક ભારતના પક્ષધરો સામે પડકારો એ છે કે તેઓ સંયુક્ત રૂપે સામનો કરે છે અને અનેકાંતવાદી પરંપરાને અખંડ રાખે.                      

e.mail setumail@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 05 & 07

Loading

ગુજરાત ફાઇલ્સ : ફરી વાગોળવાની વેળા

પાર્થ ત્રિવેદી|Opinion - Opinion|18 July 2016

રાણા અયુબના પુસ્તક ‘ગુજરાત ફાઈલ્સ-એનાટોમી ઑફ અ કવરઅપ’નું વિમોચન ૨૬મી જૂનના રોજ અમદાવાદમાં આવેલા કૉન્ફલિક્ટૉરિયમમાં યોજાયું. પુસ્તકનું વિમોચન બાબા મુકુલ સિન્હાને યાદ કરી નિર્ઝરી સિન્હાને હસ્તે થયું. પુસ્તક જે વ્યક્તિઓને અર્પણ કરવામાં આવ્યું છે, તેમાંના એક મુકુલ સિન્હા છે. અમદાવાદમાં આ પુસ્તકના વેચાણ પર જ્યારે અઘોષિત પ્રતિબંધ હોય ત્યારે તેનું વિમોચન યોજાય તે મહત્ત્વની ઘટના છે. પુસ્તકની વિગતો અને ચર્ચાયેલા મુદ્દાઓની વાત કરીએ તે પહેલાં ગગન શેઠીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું તે બદલ ધન્યવાદ આપવા ઘટે.

રાણા અયુબ ‘તહેલકા’માં પત્રકાર હતાં, ત્યારે ગુજરાતમાં શોધ – પત્રકારિતાના ભાગ રૂપે તેમણે જે પડકારરૂપ કામ કર્યું, તેની વિગતોનું પુસ્તક એટલે ગુજરાત ફાઇલ્સ. તહેલકા સ્ટિંગ ઑપરેશન અને શોધ – પત્રકારિતા અંગે વિ(કુ)ખ્યાત છે. ૨૦૧૦માં તહેલકા અંતર્ગત રાણા અયુબ દ્વારા ગુજરાતમાં સ્ટિંગ ઑપરેશન કરી ગુજરાતની ઘટનાઓ અને અધિકારીઓની ભૂમિકા અંગેની વિગતો મેળવવાનું નક્કી થયું.

છવ્વીસ વર્ષની ઉંમરે રાણાએ આ પડકાર ઝીલી લીધો. રાણાએ પોતાની ‘મૈથિલી ત્યાગી’ કે જે અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ બાદ ગુજરાતના વિકાસ અંગે જાણવા-સમજવા આવનાર ફિલ્મમેકર છે તેવી ઓળખ ઊભી કરી. ગુજરાતના ફિલ્મનિર્માણ સાથે જોડાયેલા કલાકારોના સંપર્ક દ્વારા તેમને બીજા અધિકારીઓ અને રાજકારણીઓનો સંપર્ક કર્યો. આઠ માસના સમયગાળામાં મૈથિલીએ ગુજરાતમાં બનેલા ૨૦૦૨ના હત્યાકાંડ, ફેક ઍન્કાઉન્ટર અને હરેન પંડ્યા-હત્યા વગેરે સાથે જોડાયેલા અધિકારીઓ અને રાજકારણીઓનું સ્ટિંગ ઑપરેશન કર્યું, જેની વિગતો એટલે કે સ્ટિંગના સંવાદો સ્ટિંગ કર્યા પહેલાં અને પછીના સંદર્ભ સાથે પુસ્તકમાં છે. સ્ટિંગ કરવા માટેની પૂર્વતૈયારી, પોતાની ઓળખ બદલી નવું વ્યક્તિવ (મૈથિલી ત્યાગી) કઈ રીતે જીવવું, સ્ટિંગ કરવા દરમિયાન અનુભવેલા પડકારો, પકડાઈ જવાનો ભય અને બચાવ પ્રયુક્તિઓ, અધિકારીઓ પાસેથી મળતી માહિતી વગેરે વિશે વધુ જાણવા પુસ્તક વાંચવું રહ્યું. પુસ્તક એક વાર વાંચવાનું શરૂ કરીએ, તો અંત સુધી જિજ્ઞાસા જળવાઈ રહે તે રીતે લખાયું છે. પુસ્તકમાં જે સંવાદોનું લખાણ છે, તેની વીડિયો ક્લિપ્સ રાણા પાસે છે, જે સંવાદોને પુરાવારૂપ પીઠબળ પૂરું પાડે છે. ઑનલાઇન બુકસ્ટોર ઍમેઝોન પર પણ ૨૯મી મે દરમિયાનના બેસ્ટ સેલર પુસ્તકમાંનું એક ગુજરાત ફાઇલ્સ છે. ગુજરાત જ્યારે આ ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે કિશોરાવસ્થામાં રહેલી આજની યુવા પેઢીએ આ પુસ્તક ખાસ વાંચવા જેવું છે.

પુસ્તકની વિગતો, પત્રકારિતાના માધ્યમ તરીકે સ્ટિંગ અને પત્રકારની નિસબત વગેરે મુદ્દાઓની ચર્ચા કરવી જરૂરી લાગે છે. ‘તહેલકા’માં રાણા તે સમયે કામ કરતાં હતાં છતાં, તેના તંત્રી શોમા ચૌધરી અને તરુણ તેજપાલે આ વિગતો છાપવા નનૈયો ભણ્યો. વળી, કેટલાકે તેને મહત્ત્વહીન સહજ સંવાદોમાં પણ ખપાવ્યા. છેલ્લાં પાંચ વર્ષમાં રાણાએ સંપર્ક કરેલી ન્યુઝચેનલ્સ કે પબ્લિકેશન સંસ્થાનોમાંથી પણ કોઈએ પુસ્તક પ્રકાશિત કરવાની તૈયારી ન બતાવી, જે પુસ્તકની ગંભીરતા બતાવે છે. રાણાની પુસ્તક પ્રકાશિત કરવા પાછળની પાંચ વર્ષની જદ્દોજહદ અને તે પછી પણ સ્વયંપ્રકાશિત કરવું પડ્યું, તે પુસ્તકની અલગ જ સફર છે. વળી, આપણા માધ્યમોમાં સ્વતંત્રતા અને નિસબત કેટલાં જળવાયેલાં છે તેની સાક્ષી પણ છે. રાણાએ સ્ટિંગ કરવા પાછળ જે ધીરજ અને બહાદુરી બતાવી તેના કરતાં અનેક ગણી ધીરજ સ્ટિંગ થયા બાદ પુસ્તક પ્રકાશિત થયા સુધીનાં પાંચ વર્ષમાં રાખી હશે. પત્રકાત્ત્વ-વર્તુળમાં આ સ્ટિંગ અંગેનો ખ્યાલ હોવાથી રાણાને બીજે પત્રકાર તરીકે પણ નોકરી ન મળી. છતાં પાંચ વર્ષો સુધી મથ્યા રહેવાનું અઘરું કામ રાણાએ કર્યું.

સરકારી અધિકારીઓ અને રાજકારણીઓનાં સ્ટિંગ બાદ તે સમયના મુખ્યપ્રધાન સુધી પહોંચવાની શક્યતા ઊભી થઈ અને એક મુલાકાત પણ ગોઠવાઈ. પરંતુ તે પછી આગળ સ્ટિંગ ન કરવા ‘તહેલકા’ના તંત્રીઓએ જણાવતા સ્ટિંગ ઑપરેશન ત્યાં પડતું મૂકાયું. જે વ્યક્તિ આઠ મહિનાથી ઊંડાં ઉતરી કામ કરતી હોય તેના માટે, તેને મળેલા કહેતા ઊભા કરેલા અવસરને છોડી સ્ટિંગ ઑપરેશન પડતું મૂકવું કેટલો ધક્કો આપનારું હોય તે કલ્પવું સહેલું પણ જીરવવું અઘરું હોય છે.

પોતે મુસ્લિમ હોઈ હિન્દુ ઓળખ ધારણ કરી, ગુજરાતમાં સરકારી અધિકારીઓ અને રાજકારણીઓનું સ્ટિંગ કરવું તે ઘણી જ બહાદુરીનું કામ છે. સાથે જોડાયેલો બીજો મુદ્દો છે રાણાનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો. તનાવ અને નિરાશાને કારણે મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર લેવી. રાત્રે ઊંઘ લાવવા માટે દવાઓનું સેવન અને બંધાણ. વ્યક્તિ જ્યારે સરકારી માળખાં સામે ઝીંક ઝીલી, જે તીવ્રતા અને નિસબતથી પોતાની વાત મૂકે છે, તેની પાછળ તેનાં મનોવૈજ્ઞાનિક પરિબળો કેટલી અસરકારક ભૂમિકા ભજવે છે, તેનો ખ્યાલ આપણને આવે છે. અંગત મિત્રો અને પરિવારનો સહકાર ન હોય, તો આવી વ્યક્તિની સ્થિતિ શું થાય તે વિચારવું રહ્યું. વળી, અનેક પ્રકારનાં માધ્યમોથી ઇરાદાપૂર્વકની હેરાનગતિઓ અને લાલચોમાં ફસાવાની પ્રયુક્તિઓમાંથી બચીને અને ઝઝૂમીને ટકી રહેવા માટે પણ માનસિક રીતે ઘણું જ મજબૂત હોવું અનિવાર્ય છે.

માધ્યમ તરીકે સ્ટિંગનો ઉપયોગ કરવો કે નહીં તેની ચર્ચા પણ આ પુસ્તકથી જાહેર વિમર્શમાં કરવી રહી. રાણાએ દરેક અધિકારીઓ સાથે એક વિશેષ સંબંધ ઊભો કર્યો જેથી માહિતી મળી શકે. બધાના પરિવારો સાથે થયેલા ઘરોબા બાદ પણ વ્યાપક નાગરિક-નિસબત માટે અધિકારીઓના સ્ટિંગકાર્યની વાત કરતાં રાણાનો ખચકાટ, તેની આંતરિક ગ્લાની કહેતા સૂક્ષ્મ રીતે પણ વિશ્વાસઘાત કર્યાની ભાવના હશે તેમ માની શકાય.

સ્ટિંગની પોતાની એક મર્યાદા એ છે કે ટૂંકા ગાળામાં તેનો ઉપયોગ કોઈ કરી શકતું નથી. વળી, માહિતીને વધુ ગોપનીય રાખવાના રસ્તાઓ માટે સરકાર અને અધિકારીઓ પ્રયત્નશીલ બને છે. તેમ જ જે મર્યાદાઓનો લાભ લઇ સ્ટિંગ ઑપરેશન શક્ય બન્યું હોય તેને નિષ્ક્રિય બનાવતા પગલાં લેવાય તેમ પણ બને. આમ, ફરી વાર સ્ટિંગથી સત્ય બહાર લાવવું અઘરું ચોક્કસ છે, પણ અશક્ય નથી. વળી, પત્રકારિતા માટે સ્ટિંગ વ્યાપક રીતે ઉપયોગમાં લઈ શકાય કે નહીં તે પણ વિચારવાનો મુદ્દો છે.

ગુજરાતને કેન્દ્રમાં રાખીને લખાયેલું આ પુસ્તક જરા વ્યાપક વિમર્શના મુદ્દાઓને પણ ખોલી આપે છે. અધિકારીઓ અને રાજકારણની ભાગીદારી અને કેટલીક વખત અધિકારીઓનો હાથા તરીકે થતો ઉપયોગ, વ્યક્તિ તરીકે અધિકારીઓ સારા હોય પરંતુ તંત્રના ભાગ રૂપે, તેમાં ટકી રહેવા અને લાભ મેળવવા કરવા પડતાં સમાધાનો, સરકારને સાચું કહેવાની હિંમત અને તે પછીનાં પરિણામો ભોગવવાની તૈયારી, વળી જે વિગતો રાણા સાથેની અંગત વાતમાં તેમણે જણાવી તે જ વિવિધ તપાસ પંચો સમક્ષ કેમ ન કહી તે ન્યાયનો પ્રશ્ન તો ઊભો જ છે. તદુપરાંત, ગુજરાત સિવાય પણ જ્યાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે, તેમાં સરકારનું ચારિત્ર્ય સમાન છે. ફક્ત ગુજરાતમાં કદાચ તે ઘટનાઓનો રાજકીય લાભ જેટલો સરળતાથી લેવાયો અને જે ઊંચાઈએ પહોંચ્યો, તે બીજે લેવાયો નથી.

અંતે તો એટલું જ કે સ્ટિંગ ઑપરેશનથી મળતી માહિતી આપણને સત્યની વધુ નજીક ચોક્કસપણે લઈ જાય છે, પણ લોકતંત્રમાં જ્યાં સુધી તેને લોકમતના ઘડતર સુધી વિસ્તારીને લઈ જવામાં ન આવે ત્યાં સુધી તેનું અસરકારક પરિણામ આપણને મળી ન શકે. આ સાથે જ જ્યારે આપણે ટોળાનો કે તંત્રનો ભાગ હોઈએ, ત્યારે અંગત હિતને બાજુ પર રાખી વ્યાપક હિતમાં સાચું બોલી અથવા જે સાચું બોલે છે તેને પડખે ઊભા રહેવાની હિંમત વિકસાવી શકીએ ખરાં? કારણ કે હિંસા કરવામાં ભાગીદાર બન્યા બાદ પસ્તાવો કરવો અથવા કોઈનો હાથો બન્યાનો ભાવ સેવવો કોઈ રીતે યોગ્ય નથી. આ ઘટનાઓ આપણને માણસજાત તરીકે ઘસાયાનો ભાવ ચોક્કસ ઉપજાવે છે, પણ આપણે ઊજળા થઈએ છીએ ખરાં? આ લખાણના પ્રારંભે કહ્યું તેમ, આ પુસ્તકનાં વેચાણ પર જ્યારે અઘોષિત પ્રતિબંધ હોય ત્યારે તેવું વિમોચન યોજાય તે મહત્ત્વની ઘટના છે. પંરતુ કાર્યક્રમ દરમિયાન આયોજક કે અન્યો દ્વારા લાંબા અને ઓછા સંગત પ્રશ્નો પૂછીને ચર્ચાને પુસ્તકથી વિમુખ કરી, જેથી નિરસતા ઊભી થઈ. તો વળી પ્રશ્નોત્તરીમાં પણ કેટલાક અતિ ઉત્સાહી પ્રેક્ષકોએ પોતાની વિદ્વત્તા અને નિસબત બતાવવાનું ચાલુ રાખ્યું, જેથી રાણા અયુબને ઉત્તર આપવાનો અવકાશ ઘટ્યો કે નહીં તેની ખબર નથી. પરંતુ શ્રોતા તરીકે વક્તાને મન ભરીને સાંભળી ન શકાય તે તો ન જ ગમ્યું.

e.mail : parth.trivedi18@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 06-07

Loading

...102030...3,6763,6773,6783,679...3,6903,7003,710...

Search by

Opinion

  • પ્રેમ પકડવાનું જ નહીં, છોડવાનું પણ નામ છે … 
  • એવરેસ્ટ પરના ‘ગ્રીન બુટ્સ’નું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?
  • વગદાર, શક્તિશાળી, ધનવાન અને આગેવાન કોને કહેવાય? 
  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved