Opinion Magazine
Number of visits: 9690954
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હૃદયકોષે અનિલભાઈ, વિશ્વકોષે દક્ષિણામૂર્તિ’

કેતન રૂપેરા|Opinion - Opinion|17 March 2016

હૃદયકોષે અનિલભાઈ : સંપાદન – રમેશ સંઘવી : પ્રકાશક – ગ્રામદક્ષિણામૂર્તિ ટૃસ્ટ (મુકામ પોસ્ટ આંબલા, વાયા અમરગઢ, જિલ્લો ભાવનગર) : પહેલી આવૃત્તિ : સાઇઝ 5.5 x 8.5 : પાકું પૂઠું : પાનાં 20 + 268 : કિંમત રૂ. 125/-

પહેલવહેલું, વર્ષ ૨૦૦૬માં ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા (તા. સિહોર, જિ. ભાવનગર) જવાનું થયું. પર્યાવરણ અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા હિંદ સ્વરાજમંડળ તરફથી અંદાજિત દોઢ-બે દિવસની એ મુલાકાત હતી. નઈ તાલીમ શિક્ષણના પાયાનાં કેટલાંક પુસ્તકો વાંચ્યાં પછી આ પ્રકારની સંસ્થાઓમાં તે શિક્ષણ કેવી રીતે અપાય છે, તે જોવા-જાણવા-સમજવા માટેનો આ પ્રવાસ હતો. પણ કૌતુકવશ થતાં પ્રવાસમાં આંખ-કાન-મગજ કરતાં કદાચ અન્ય કોઈ તત્ત્વ વધારે સાબદું હોય છે. સમજણ કરતાં અનુભૂતિ વધારે ગહન હોય છે અને પ્રશ્નો પૂછવા કરતાં જે કંઈ અનુભવાય છે, એમાંથી પામવાનું વધારે હોય છે. એ પહેલી મુલાકાતમાં આંબલાની ધરા અને હવામાં ઋષિપરંપરાના ગુરુકુળની અનુભૂતિ થઈ. બેશક, પણ એ ગુરુકુળ પણ ચોપડીમાં ક્યાંક વાંચેલું કે ટીવીમાં ક્યાંક જોયેલું જ હતું, વાસ્તવિક જીવનમાં એની નજીક હોવાની આ પહેલી ઘટના હતી. એની ફેર અનુભૂતિ, વર્ષ ૨૦૦૭માં થઈ પણ તો ય ફેર ફેર અનુભૂતિની ઇચ્છા હજુ મનમાં હતી, એ ગયા માસે થઈ.

તા. ૧૪ ફેબ્રુઆરી ને રવિવારના રોજ કેળવણીકાર અનિલભાઈ ભટ્ટનું અભિવાદન કરતા પુસ્તક ‘હૃદયકોષે અનિલભાઈ’(સં. રમેશ સંઘવી)ના વિમોચન-પ્રસંગે જવાનું થયું. જવાનું થયું એમ કહેવા કરતાં ‘તક મળી કે તુરત જ ઝડપી લીધી’ એમ કહેવું વધારે સાચું કહેવાશે. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, મૂળશંકર મો. ભટ્ટ અને ન. પ્ર. બૂચ સમા કેળવણીકારોએ પોતાનો જીવ રેડીને આકારેલી સંસ્થામાં ફરી પગ મૂકવો એ પોતાનામાં એક ઉપલબ્ધિથી ઓછું નહોતું લાગતું. આ ચારેય શિક્ષણવિદોનો વારસો જાળવતાં અનિલભાઈ ભટ્ટે વિકસાવેલી આ સંસ્થામાં પગ મૂકતાં જ એક અલગ હવા શ્વસી રહ્યા હોવાનું લાગ્યું.

નવ કે દસ વર્ષમાં જાણે કશું જ બદલાયું નહોતું. નઈ તાલીમ શિક્ષણનો બુનિયાદી વિચાર તે  સમૂહજીવન. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગાયેલી પ્રાર્થનાથી લઈને પૂરા પરિસરની સ્વચ્છતા-સુઘડતા અને સજાવટમાં એ આચાર રૂપે વર્તાતો હતો. અમદાવાદની સી.એન. કે ગુજરાત કૉલેજ જેવી, જૂજ શાળા-કૉલેજોમાં જોવા મળતી હરિયાળી અહીં જોવા મળે છે. ફરક એટલો છે કે અહીંના કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે, તો કોઈ પણ છોડ-વેલ-ક્ષુપ-વૃક્ષનું નામ કહી શકે. પરિસરની સ્વચ્છતાથી લઈને રસોડામાં બનતી વાનગીઓની સોડમમાં તો આ વિદ્યાર્થીઓનો ફાળો હોય જ, સૌ જમી લીધા પછી પોતાની થાળી જાતે જ સાફ કરતાં હોય અને એમાંનાં કેટલાંક રસોડામંત્રી, ગૃહકાર્યમંત્રી, પ્રાર્થનામંત્રી, … જેવા વિભાગના મંત્રી નિમાયેલાં હોય, જે નિયમિતપણે ને વારાફરતી પોતાની જવાબદારી નિભાવતાં હોય. સંસ્થામાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે ‘કોડિયું’નું લવાજમ કે પુસ્તકોનાં વેચાણ માટે પણ અહીં બારથી પંદર વર્ષના વિદ્યાર્થીઓ બેઠાં હોય. ખેતી, પશુપાલન અને સ્થાનિક જરૂરિયાતો પર આધારિત ગ્રામોદ્યોગનું શિક્ષણ પણ અહીં અપાય.

સંસ્થાના ખેતર કે અન્ય જગ્યાના નાના ટુકડામાં દરેક વિદ્યાર્થી કે વિદ્યાર્થીવૃંદ પોતાની મેળે ને સ્વતંત્ર રીતે કશુંક ઉગાડે-ઉછેરે ને એ છોડની સાથે કૃષિવિદ્યામાં પોતાનો વિકાસ પણ જાતે જ અવલોકે, ‘વાડોલિયું’ નામે એ પ્રયોગ જ કેવો અદ્‌ભુત. જ્યારે જિજ્ઞાસા ને કૌતુક સોળે કળાએ ખીલેલાં હોય એવી ઉંમરે આપણું વાવેલું કશુંક ઊગી નીકળવું એ ઘટના જ કેટલી આહ્‌લાદક લાગે! (પહેલી વાર જ્યારે આ જાણ્યું ત્યારે મારે કેમ આવી કોઈ બુનિયાદી શાળામાં ભણવાનું ન થયું, એવો અફસોસ મનોમન વ્યક્ત થયો હતો.) આ રીતે બાળકનું કુદરત સાથે થતું સંધાણ જીવનભરનું જ હોય. છોડ ઊગવાની રાહ જોતાં-જોતાં તેનામાં પાલન-પોષણ, કાળજી, ધીરજના ગુણો સહજપણે કેળવાયા હોય, પછી વૃક્ષ તરત કાપી તો નંખાય પણ બીજમાંથી અંકુર ફૂટતાં ને છોડ બનતાં ય મહિનાઓ-વર્ષો લાગે છે, એવી પાયાની સમજણ તો હોય જ હોય. એ પછી મોટા થયે વિદ્યાર્થીઓ ગ્લોબલ વૉર્મિંગ કે ક્લાઇમેટ ચેન્જ વિશે જાણે એ અલગ વાત છે. પણ પ્રકૃતિ સાથે છેડછાડ ના કરાય એ બીજ તો બાળપણમાં જ રોપાઈ જાય. આવા તો અનેક પ્રયોગો અનિલભાઈએ કર્યા હશે જે ‘મુક્તિશીલા કેળવણી’ (લે. અનિલભાઈ ભટ્ટ, સં. રમેશ સંઘવી) અને ‘હૃદયકોષે અનિલભાઈ’માં વાંચવા મળે.

આવી આ સંસ્થામાંથી ઘણાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ લૌકિક દૃષ્ટિએ ઊંચાઈએ કહેવાય એવા સ્થાને પહોંચ્યાં હશે, પણ તેની વધુ મહત્તા, આવી સમજણ સાથે અનેક સામાન્ય માણસો વધારે સંખ્યામાં બહાર નીકળ્યા હશે તેમાં રહેલી છે. એક સમય હતો, જ્યારે એનજીઓ-વીઓની કાર્યશીલતા ગુજરાતમાં ચરમસીમાએ હતી, ત્યારે બહુમતી કાર્યકરો આંબલા, લોકભારતી-સણોસરા ને એવી જ નઈ તાલીમની શાળાઓ કે ગ્રામવિદ્યાપીઠમાંથી તૈયાર થયેલા આવતા.

વળી, મજાની વાત એ કે અહીંનું શિક્ષણ કૃષિ-ગોવિદ્યા અને ગ્રામોદ્યોગમાં પૂરું ન થઈ જાય. જગતના વિકાસની દિશાએ આગળ વધતાં કમ્પ્યૂટર-શિક્ષણ તો જાણે કે હોય જ ‘દેશના સામાજિક, રાજકીય, આર્થિક અને સાંસ્કૃિતક પ્રજાજીવનમાં … ઓછામાં ઓછું તેના પોતાનાં પ્રશ્નો, હકો અને કર્તવ્યોનો બુદ્ધિપૂર્વક અમલ કરી શકાય’ તેને માટેની કેળવણી પણ અહીં મળી રહે. એટલે ભણી લીધા પછી વિદ્યાર્થીઓને જે જગતમાં પ્રવેશવાનું છે ને તેમાં જે જવાબદારી નિભાવવાની છે, તેના ‘પાયલોટ પ્રોજેક્ટ’માંથી પસાર થઈ ગયા હોય. અને આ બધું કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપીએ છીએ, એવાં બણગા ફૂંક્યા વગર અપાય. કેમ કે નઈતાલીમ શિક્ષણમાં જ આ નિહિત છે. આટલામાં કંઈક ખૂટતું હોય, તો તે ગીત-સંગીત-નૃત્ય-ચિત્ર-રંગોળી … મનુભાઈ અને અનિલભાઈના મેળાપથી એ પણ એટલી જ સહજતાથી ગ્રામદક્ષિણામૂર્તિમાં ઉમેરાયું. પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રકાશભાઈ (ન. શાહ) લખે છે તેમ, ‘આંબલા જેવા ગામડામાં, વંચિતબહુલ શાળામાં સૌંદર્યાનુભવ શક્ય બને ત્યારે તે … ગાંધી-રવીન્દ્ર મિલનભૂમિની એક નવી જ મિસાલ કાયમ કરે છે.’

આવી એ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશતાં જ દર્શકની ઐતિહાસિક નવલકથા ‘દીપનિર્વાણ’માંથી ટાંકેલી એક ઉક્તિ તરફ નજર જાય : ‘હે ચક્રવર્તી, આ જગ્યાએ જ્ઞાનની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસનાસ્થાન છે, એટલે અહીંની શાંતિને અભંગ રાખવા માટે તારા સપ્તસિંધુઓનું જલ પીધેલા ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રોનો ભાર અહીં જ રથમાં ઉતારી નાંખજે, ને તારા રાજવી મદમર્દનનો અહંભાવ અહીં જ મૂકીને આ અંતર્વેદીમાં પગ મૂકજે.’ કાર્યક્રમમાં કોઈ ‘ચક્રવર્તી’ની હાજરી નહોતી. એટલે અસ્ત્રશસ્ત્ર ઉતારવાનો તો પ્રશ્ન જ નહોતો ને સંસ્થામાં પ્રવેશનાર હર કોઈને ઉદ્દેશીને તો આ ઉક્તિ નહોતી જ લખાઈ તો ય કાર્યક્રમ અહંશૂન્ય વર્તાતો હતો અને વક્તવ્યો એટલાં સ્વરાજપૂર્ણ હતાં કે ઉત્તમભાઈ પરમાર અને સંજય શ્રીપાદ ભાવેના વક્તા તરીકે પ્રવેશ પહેલાં તો સરકારની વાજબી ટીકાની ગેરહાજરી ને સરકારના હોવાપણાની પણ ગેરહાજરી વર્તાતી હતી. ગાંધીજીના શબ્દોમાં સ્વરાજનો એક અર્થ, ‘સરકારના અંકુશમાંથી મુક્ત થવાનો સતત પ્રયાસ, પછી ભલે તે સરકાર પરદેશી હોય કે દેશની. જો લોકો જીવનની દરેક વિગતના નિયમન માટે સરકાર તરફ જોશે, તો તે સ્વરાજમાં ઝાઝો સાર નહીં હોય.’

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા અને તેના જેવી કેટલીક નઈ તાલીમની શાળાઓ કાળના પ્રવાહમાં ને સરકારના દરમિયાન થવામાં આવતી અનેક અડચણો અને તેનાં કારણે આવી ઊભતી મર્યાદા વચ્ચે ય સ્વરાજ તરફ મીટ માંડતી રહી છે. નાનાભાઈથી લઈને અનિલભાઈ, લાલજીભાઈ (નાકરાણી), અરુણભાઈ દવે જેવા નઈ તાલીમના પુરસ્કર્તાની મથામણ, ફાજલભાઈ, અરુણાબહેન જેવાં શિક્ષકોનાં સમર્પણ અને એ પછીની પેઢીના શિક્ષકોની નઈ તાલીમમાં શ્રદ્ધાના ફળસ્વરૂપે ગ્રામદક્ષિણામૂર્તિ આજે ‘રાષ્ટ્રીય વિરાસત શાળા’ તરીકે ઊભી છે.

દક્ષિણામૂર્તિના વિદ્યાર્થી અને લોકભારતીના પૂર્વઅધ્યાપક યશવંતભાઈ ત્રિવેદી અનિલભાઈ વિશે લખતાં પુસ્તકમાં એ મતલબનું નોંધે છે કે વેડછીમાં દસમું ધોરણ પૂરું કર્યું ત્યાં જ જુગતરામભાઈના પ્રશ્ન ‘મોટા થઈને શું કરવું છે?’નો અનિલભાઈનો ઉત્તર હતો – ‘ગાંધીનું કામ’. પછીનાં વર્ષોમાં ગાંધીનું કામ એટલે નઈ તાલીમ શિક્ષણ એવો ઉત્તર કદાચ તેમને માંહ્યલા પાસેથી મળ્યો હશે. છેક ૧૯૪૫-૪૬ના અરસામાં આ જવાબ આપ્યા પછી ૬૦ વર્ષે – જીવન આખું આ કામમાં ખર્ચી કાઢ્યા પછી – ૨૦૦૭માં ગાંધીજી અને શિક્ષણને સાંકળતા એક પ્રશ્નના જવાબમાં તેમનો ઉત્તર હતો, ‘ગાંધીજીનું સ્વપ્ન ભેદભાવવિહીન અને શોષણવિહીન સમાજરચનાનું હતું. આ માટે તેમણે પ્રયત્નો કર્યા તે બધા શિક્ષણના જ પ્રયત્નો હતા.’ (મુલાકાત : પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષણ-વિચાર, હરિજનબંધુ, ૧૯૩૩થી ૧૯૪૮ સંદર્ભે) અનિલભાઈના આ ટૂંકા જવાબનો વિસ્તાર ઘણો લાંબો-પહોળો છે. ‘… તેમણે પ્રયત્નો કર્યા તે બધા શિક્ષણના જ પ્રયત્નો હતા’, તેમાં ગાંધીજીના સત્યાગ્રહ સમર્પિત જીવનનાં સઘળાં કાર્યો – આ દેશને જાણવા-સમજવા માટે કરેલા ભારતભ્રમણથી લઈને આશ્રમની સ્થાપના, અનેક સત્યાગ્રહો, રચનાત્મક કાર્યો અને જીવનના અંતે નોઆખલીમાંકોમીએકતા માટેનું ભ્રમણ, બધું – સમાઈ જાય છે! અનિલભાઈના મતે આ શિક્ષણનો વ્યાપ છે, આ શિક્ષણનું કાર્ય છે. અભિવાદનના પ્રતિભાવરૂપ વક્તવ્યમાં પણ આ જ વાતનો પડઘો પાડતા હોય તેમ તેમણે, સૈકાઓથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા માટે કેટલાં ય રાજકીય પરિવર્તનો થયાં છતાં ય તેનાં દર્શન થતાં નથી, તેની વાત કરીને કોઈ પણ શિક્ષણસંસ્થામાં પાયાની ત્રણ બાબતોને લક્ષમાં રાખીને શિક્ષણ આપવાની અનિવાર્યતા વ્યક્ત કરી. એ માટે તેમની અનુભવવાણીનો સાર હતો : ૧. વાતાવરણ નિર્ભય બનાવીએ. ૨. સર્જન કરવાની તક દરેકને મળવી જોઈએ, પરાણે નહીં, હોંશે હોંશે સર્જન થવું જોઈએ અને ૩. સંવાદ સાધીએ, સહકારપૂર્ણ સંવાદ સાધીએ. દર્શકે કહ્યા પ્રમાણેના ‘નસેનસ શિક્ષક’ની નમ્રતા દાખવતા તેમણે ‘હૃદયકોષે અનિલભાઈ છે એમ નહીં, વિશ્વકોષે દક્ષિણામૂર્તિ પહોંચાડવા હોય, તો આપણે પ્રેમપૂર્વકનું આચરણ, પ્રેમપૂર્વકનો વ્યવહાર અને પ્રેમપૂર્વકની મૈત્રી શરૂ કરવી પડશે’, એમ કહ્યું.

હાલની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકે વિદ્યાર્થીને કરેલી શારીરિક શિક્ષાથી લઈને અત્યારના યુનિવર્સિટી શિક્ષણમાં પ્રવર્તી રહેલા વાતાવરણમાં અનિલભાઈની હૃદયવાણી, ચોક્કસ જ વિશ્વસ્તરે લઈ જવા જેવી છે.                                    

e.mail : ket.rupera@gmail.com

પુસ્તક વિશે …

‘સવાલાખનો સવાલ એ છે કે માનવજાતના તમામ પ્રશ્નો – મૂંઝવણોનો ઉકેલ જો શિક્ષણ પાસે હોય તો કયું, કેવું, કેમ શિક્ષણ આપવું? જેના મુખ્ય આધારો અનુભવ અને જીવાતા જીવન સાથેનો અનુબંધ છે એવા વૈધિક અને અવૈધિક શિક્ષણના વિવેકપૂર્ણ સમન્વયથી જન્મતા જીવનલક્ષી શિક્ષણ પાસે આવી તાકાત રહેલી છે. આ પ્રકારના શિક્ષણને અખંડદર્શનનું શિક્ષણ કે બુનિયાદી કેળવણી કે પાયાની કેળવણી કે નઈ તાલીમ કે વર્ધા શિક્ષણ કે લાઇફ લૉંગ એજ્યુકેશન કે સ્થાયી વિકાસનું શિક્ષણ કે જીવનલક્ષી કેળવણી કે માનવીય અભિગમ ધરાવતું હકારાત્મક મૂલ્યનિષ્ઠ શિક્ષણ – જે કહેવું હોય તે કહી શકાય. મનુષ્યના મનુષ્યત્વને ઉજાગર કરતું આવું બત્રીસ લક્ષણ શિક્ષણ શું શક્ય છે ખરું? શું ક્યાં ય આવો સફળ પ્રયોગ થયો છે ખરો? શું આવા કોઈ શિક્ષક જોયા – અનુભવ્યા છે ખરા? આ બધાનો જવાબ આ પ્રકાશનમાંથી મળવાની પૂરી ખાતરી હોવાથી અમે એક સંપૂર્ણપણે સદ્‌ભાવથી વિનમ્રતાપૂર્વતા આ પ્રયત્ન કર્યો છે. આશા છે કે વાચકોને અમે નિરાશ નહીં કરીએ.’             

(‘પ્રકાશકનું નિવેદન’માંથી)

*   *   *

‘ગ્રામદક્ષિણામૂર્તિ – આંબલામાં નિત્ય નયી નઈ તાલીમનો પ્રયોગ પાંગર્યો, પ્રસર્યો અને પ્રકાશ્યો. તેની દાસ્તાં કોઈ માંડે તો ‘તોતોચાન’ કે ‘જ્યોત સદાય જલે’ જેવી, કેળવણીના કીમિયાની અફલાતૂન રમણીય – સ્મરણીય – સ્મરણીય સ્મરણગાથા બને. રૉબર્ટ ફ્રોસ્ટની કવિતામાં આવે છે : ‘બે માર્ગમાંથી મેં ઓછો ખેડાયેલો માર્ગ પસંદ કર્યો.’ આંબલાના શિક્ષણનો માર્ગ અને મર્મ બંને નવતર અને ઓછો ખેડાયેલ. પૂર્વપ્રકાશિત આ. અનિલભાઈના લેખસંચય ‘મુક્તશીલા કેળવણી’માં આ માર્ગ અને મર્મની વાત ચિંતનના અને અનુભવના સ્તરે મૂકાઈ છે. હવે આ ‘હૃદયકોષે અનિલભાઈ’માં તે સાથીઓ-વિદ્યાર્થીઓનાં નિજી સ્મરણોથી મુદ્રા સાથે પ્રત્યક્ષ થાય છે અને હવે પછી પ્રકાશ્ય ‘ગોષ્ઠિ’માં તે આ. અનિલભાઈનાં નિજી મુદ્રા અને ભાવ લઈને આવશે.’

(સંપાદકીયમાંથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ. 20- 21

Loading

દીકરીને પત્ર અથવા લોકતંત્રના બાલભોગ્ય બોધપાઠ

આશિષ મહેતા|Opinion - Opinion|16 March 2016

પ્રિય દીકરી,

હમણાં તું મને જે.એન.યુ. પ્રકરણ પૂછી રહી હતી. નવ વર્ષની ઉંમરનું કોઈ બાળક રાજકારણ-સમાજકારણ વિશે પૂછે, તો કોઈને નવાઈ લાગે પણ ખરી. અલબત્ત, તેં આ વાત પૂછી, કારણ કે તને ખબર છે કે જે.એન.યુ. મારી માતૃસંસ્થા છે. જે.એન.યુ. પ્રકરણ વિશે સાદા પ્રશ્નના સાદા જવાબ આપી શકાય એમ છે અને આમે ય ટીવીથી લઈને સોશિયલ મીડિયા સુધી બધે સાદા બાળસહજ જવાબો અને પ્રત્યાઘાતો ચાલી જ રહ્યા છે. પણ આ પ્રકરણમાં ઘણીઘણી વાતો એવી પણ સંકળાયેલી છે જે સમાજકારણનાં મુખ્ય મૂલ્યોને સ્પર્શે છે. માટે મને એમ લાગે છે કે તારા સાદાસીધા પ્રશ્નનો લખીને વિગતવાર જવાબ આપું તો ભવિષ્યમાં તારી સમજ વધે, ત્યારે તું આ વાંચીને વિચારી શકે છે.

આમ તો એવું કહેવાય છે કે માબાપ પોતાનાં અધૂરાં સપનાં સંતાનો પૂરાં કરે એવા અભરખા રાખતા હોય છે. મારી એવી કોઈ ચોક્કસ ઇચ્છા નથી કે એક દિવસ તું જે.એન.યુ.માં જઈને ભાષાવિજ્ઞાન ભણીને પી.એચ.ડી. કરે. તું બીજો કોઈ વિષય, બીજી કોઈ સંસ્થા કે બીજી જ કોઈ કારકિર્દી લઈ શકે છે. અહીં હું વાત જે.એન.યુ.ની કરું છું ત્યારે એટલી આશા રાખું છું કે આ સંસ્થાને વિશિષ્ટ બનાવતી દરેક વાત – લોકશાહી, સમાનતા અને ક્રિટિકલ એટિટ્યૂડ અથવા પ્રશ્નાર્થચિહ્‌નવાળો અભિગમ – દસ વરસ પછી યથાવત્‌ રહ્યો હશે. બહુ વર્ષો પહેલાં જ્યારે તારા નાના સાથે પરિવાર-સંબંધ નહોતો, ત્યારે એમની સમક્ષ જાતપરિચયમાં મેં કહેલું કે જે.એન.યુ.માં ભણું છું. એમણે કહેલું કે આપણે નિરાંતે બેસીને તમારા પિયરની વાત કરવી છે. તો, મૂળે આ પત્ર મારા પિયરની વાત છે.

મને જે.એન.યુ.માં ઍડ્‌મિશન મળ્યું એ પછીના દિવસોમાં ઑફિસમાં બે સાથીમિત્રોએ આ જગ્યા વિશે સલાહસૂચનો આપેલાં. એ બંને કૅમ્પસમાંથી હાલમાં જ બહાર નીકળીને પત્રકારત્વમાં આવેલા. બેમાંથી એકે મને સ્પષ્ટ પૂછેલું કે તું કૉમ્યુિનસ્ટ તો નથીને? આજે એક બહુ મોટા છાપામાં બહુ મોટા પદે પહોંચેલા આ ભાઈની સલાહ હતી કે ડાબેરીઓ અને એમનાં મોરચા સરઘસોથી દૂર જ રહેજે અને બસ મસ્તમજા કરજે. પણ કેમ્પસમાં પહોંચ્યા પછી લાગ્યું કે પોલિટિક્સથી દૂર રહેવું મુશ્કેલ છે. થોડા વખતમાં હું દરેક ધરણા, સરઘસ અને મશાલયાત્રામાં આગળ નહીં, તો છેવાડે પણ ચાલતો થઈ ગયો. અને એની પણ મજા મસ્ત જ હોય છે એવું લાગ્યું.

શરૂઆતના મહિનાઓમાં હું નવોદિતના ઉત્સાહ સાથે દરેક પ્રકારના રાજકીય પ્રસંગમાં પહોંચી જતો. હૉસ્ટેલના વૉટરકુલર પર, ચાના ગલ્લે, બધે જાહેરાતો લગાડેલી હોય કે આજે રાત્રે કઈ હૉસ્ટેલની મેસમાં ડિનર પછી કોણ પ્રવચન આપવા આવવાનું છે. એ.બી.વી.પી. તરફથી ગોવિંદાચાર્ય કે અરુણ શૌરીનું પ્રવચન હોય કે પછી એસ.એફ.આઈ. તરફથી પ્રકાશ કરાત કે સીતારામ યેચૂરીનું પ્રવચન હોય કે એન.એસ.યુ.આઈ. તરફથી મણિશંકર ઐયર કે જયરામ રમેશનું પ્રવચન હોય. ચારે દિશામાંથી સારા વિચારો માટે મેં બારીઓ ખોલી દીધેલી. ત્યાં સુધી હું ડાબેરી-જમણેરી સૌ વિચારધારાઓ સમજવા માટે મોકળા મને તૈયાર હતો. થોડા મહિનામાં એટલી સમજ આવી કે એ.વી.બી.પી.ના પ્રસંગોમાં જવાની જરૂર નથી. આમે ય જમણેરી વિચારધારાઓ (હિંદુ કે અન્ય) બૌદ્ધિક ભાથું બાંધવામાં બહુ વિશ્વાસ રાખતી પણ નથી.

ડાબેરી મોરચે પણ એવું તો નહોતું કે મેં જઈને કોઈ સંસ્થાનું સભ્યપદ લઈ લીધું. એસ.એફ.આઈ. કોઈ મુદ્દા પર ધરણાં કરે અને એ મુદ્દે સંવેદના જણાય તો હું ચોક્કસ ભાગ લેતો. અને એનું રાજકારણ ક્યારેક લોકરંજક લાગે ત્યારે કોમરેડ મિત્રોને એ વિશે સવાલ પૂછતો. ‘આઇસા’ માટે ચંદા-કલેક્શન પણ કરતો અને ક્યારેક એનું રાજકારણ તકવાદી થાય ત્યારે એની સામે પૅમ્ફલેટ છપાવીને વહેંચવા માટે ફાળો પણ આપતો.

આમ તો (ગાંધીજીને બાદ કરીને વાત કરીએ તો) કોઈ પણ વિચારધારા એવી નથી કે જેની મહાનતા સિદ્ધ થઈ ગઈ હોય અને જેની પદ્ધતિમાં કંઈ ટીકા કરવા લાયક ન હોય. ડાબેરીઓ કોઈ દૂધના ધોયેલા તો છે નહીં. ભારતમાં અને બહાર એમનો ઇતિહાસ પણ ભ્રષ્ટાચાર, હિંસા અને શુદ્ધ ટાંગખેંચ રાજકારણથી ભરેલો છે. કોલકાતા કે કેરળમાં તૈયાર થયેલા ડાબેરી વિદ્યાર્થીનેતાઓ એ.બી.વી.પી.ના ‘લૂમ્યન’ નેતાઓથી પાછળ રહી જાય એવા નથી. છતાં – અને અહીં જે.એન.યુ.ની વિશેષતાની વાત આવે છે – આ કેમ્પસમાં એ.બી.વી.પી.ના આગમન પહેલાં હિંસા નહોતી અને પછી પણ મારામારીના કિસ્સામાં ડાબેરીઓએ માર ખાધો છે, હાથ ઉપાડ્યો નથી. ભારતનાં ઘણાં કૅમ્પસમાં અલગ અલગ સમયે હિંસાનું જે વાતાવરણ રહ્યું છે, તેની સામે જે.એન.યુ. અદ્દલ ગાંધીવાદી રહ્યું છે. કારણ કે, જમણેરી વિચારધારાથી ઊલટું, ડાબેરી વિચારધારા કમસેકમ આ એક મર્યાદિત દાયરામાં – તર્ક, સત્ય અને સંવાદમાં માને છે. દાખલો આપું. હું યેચુરીના પ્રવચનના અમુક મુદ્દાની મજાક ઉડાવતો હતો, એ એસ.એફ.આઈ.ના મિત્રોએ એમના નેતાઓ સુધી પહોંચાડી. તો એક દિવસ વહેલી સવારે જ્યારે હું પૂરો જાગ્યો પણ નહોતો ત્યારે પૂરી કમિટી, બધા હોદેદ્દારો આવી પહોંચ્યા અને મને વિનંતી કરી કે એક પછી એક વિવેચન કહેતા જાવ અને અમને ખુલાસો કરવા દો. એ.બી.વી.પી. તરફથી આવી મુલાકાતોના દાખલા ઓછા છે.

જે.એન.યુ. પહેલાં, અમદાવાદમાં, મારે માટે પોલિટિક્સનો અર્થ, રાજકીય પ્રશ્નો સાથે સંકળાવાનો અર્થ બહુ સીમિત હતો : ઑફિસમાં લોકો સાથે મંડલ-કમંડલની ચર્ચાઓ કરવી કે ચા પીતાં-પીતાં શામલાલ ગિરિલાલનાં લખાણોની ચર્ચા કરવી. જે.એન.યુ.માં આવ્યા પછી મને પોલિટિક્સનો એટલે કે રાજકારણ-સમાજકારણના પ્રશ્નો સાથે સંકળાવાનો અર્થ સમજાયો. (આ લાઇનમાં જે.એન.યુ.ની કોઈ ઇજારાશાહી નથી, અલબત્ત બીજાઓને બીજી સંસ્થાઓ અને અભિયાનોમાં એ અર્થબોધ લાધ્યો છે.)

જે.એન.યુ. કદાચ એકમાત્ર એવી સંસ્થા છે જ્યાં સ્ટુડન્ટ્‌સ યુનિયનની ચૂંટણીઓનું પૂરેપૂરું સંચાલન વિદ્યાર્થીઓ જાતે જ કરે છે. દર વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણીની એક પૂરી મોસમ ચાલે છે. એમાં સક્રિય રસ લઈએ ત્યારે પહેલી વાર એવું ભાન થાય છે કે લોકશાહી ખરેખર શું છે. પહેલાં આવે પૅમ્ફ્‌લેટો અને પોસ્ટરો, જેમાં કૅમ્પસની ચાર કે પાંચ પાર્ટીઓ હૉસ્ટેલ, એલોટમેન્ટ કે મેસ ફીથી લઈને અનામત પ્રથા કે અર્થતંત્ર સુધીના બધા મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કરે છે. એ વાંચીને વિદ્યાર્થીઓ અંદરોઅંદર ચર્ચા કરે. પછી શરૂ થાય ચૂંટણી-પ્રવચનો, જેમાં દરેક પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ એમનો પક્ષ રજૂ કરે છે, અને પ્રવચનના અંતે મુક્તપણે સામા પ્રશ્નો થઈ શકે છે. દરમિયાન ઉમેદવારો હૉસ્ટેલોમાં રૂમે રૂમે જઈને રજૂઆતો કરે છે અને સામે પ્રશ્નોના જવાબ પણ આપે છે. પછી છેલ્લે આવે છે ‘પ્રેસિડેન્શિયલ ડિબેટ’, જેમાં દરેક પાર્ટીના મુખ્ય ઉમેદવાર ખુલ્લા મેદાનમાં બધા વિદ્યાર્થીઓ સમક્ષ પોતાનો એજન્ડા રજૂ કરે છે અને તમામ પ્રશ્નોના જવાબ આપે છે. પછી ચૂંટણી, મતગણતરી ઇત્યાદિ, જે વિદ્યાર્થીઓ પોતે જ સંભાળે છે. (અને તેમાં કોઈ ઘાલમેલની કોઈ ફરિયાદ એ.બી.વી.પી. તરફથી પણ આવી નથી.)

ચૂંટણી પછી જીતેલા ઉમેદવારોએ ખરેખર જે એજન્ડાનું વચન આપ્યું હતું, એ પ્રમાણે કામ પણ કરવા લાગે છે. જ્યારે ધાર્યા મુજબનું પરિવર્તન ન આવે, ત્યારે યુનિયનના નેતા કે પછી અન્ય પક્ષો બિલકુલ અહિંસક ઢબે, ધરણાં – સરઘસ દ્વારા લોકઆંદોલન પણ ચલાવે છે. અહીં હૉસ્ટેલની મેસથી માંડીને પ્રોફેસરના મૂલ્યાંકન સુધી દરેક બાબતમાં લોકશાહી ચાલે છે. માટે નેવુના દાયકાના અંતે સર્વોચ્ચ અદાલતે ‘વિશાખા ચુકાદા’ મારફતે જેન્ડર જસ્ટિસ માટેની માર્ગદર્શિકા આપી ત્યારે જે.એન.યુ. ભારતની પહેલી યુનિવર્સિટી હતી, જ્યાં જેન્ડર કમિટી બની. અને કદાચ આજે પણ એ ભારતની એકમાત્ર જેન્ડર કમિટી હશે જેના તમામ સભ્યોની ચૂંટણી થાય છે, નિમણૂક નહીં. (ગુજરાતમાં ૨૦૦૫ સુધી તો મહિલા પંચ પણ નહોતું.) નેવુના દાયકાના અંતે જે.એન.યુ.માં એક આંદોલન ચાલ્યું. ઓ.બી.સી. વિદ્યાર્થીઓ માટે અનામત નહીં પણ પ્રવેશપદ્ધતિમાં વધારાના ગુણાંક આપવા બાબતે ભારે ચર્ચા ચાલી. અંતે નિર્ણય સંસદની જેમ યુનિયને નહોતો લેવાનો, પણ સત્તાના પૂરા વિકેન્દ્રીકરણ સાથે તમામ વિદ્યાર્થીઓએ મત આપીને લેવાનો હતો. એ જ નિર્ણય વિદ્યાર્થીઓએ સાથે મળીને ચર્ચાવિચારણા કરીને લીધો, તે યુનિવર્સિટીએ અમલમાં મૂૂક્યો. આ પછીથી મને ખ્યાલ આવ્યો કે પ્રગતિશીલ લોકશાહી એ ચોપડીઓમાં લખેલો એક વિચાર નથી પણ વાસ્તવિકતા છે.

માટે જ જ્યારે જમણેરી વિચારધારાના કે પછી સરકારની નજીકનાં સજ્જનો જે.એન.યુ. બંધ કરવાની વાત કરે, કરદાતાના પૈસાનો બગાડ જુનવાણી રાજકારણ પર થઈ રહ્યો છે એવી વાત કરે, અહીં દેશવિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે એવી વાત કરે ત્યારે યાદ રાખજે કે એમના દરદનું કારણમૂળ ક્યાં છે. એમનો વાંધો મૂળ એ છે કે ભારતમાં ક્યાં ય નાને પાયે તો નાને પાયે વાસ્તવમાં લોકશાહી, સમાનતા અને પ્રગતિ પાંગરી રહી છે. ક્યાંક બંધારણના ઘડવૈયાઓએ જે દર્શન આપ્યું હતું, તે ગંભીરતાથી લેવાઈ રહ્યું છે. સરકાર માટે આનાથી વધુ ખતરનાક પડકાર શું હોઈ શકે? (દરમિયાન, કરદાતા અને નાગરિક વચ્ચે થોડો ફરક છે. નાગરિક મૂલ્યની વાત કરે છે, સમાજને આપવાની વાત કરે છે, ભવિષ્યની પેઢીઓ માટે સંસ્થાઓનું સર્જન કરે છે. કરદાતા રિબેટની અને કદાચ પ્લાનિંગની ચિંતા કરે છે.)

જે.એન.યુ. જેવી જગ્યા અમુક સત્તાધારીઓ માટે કેવો ખતરનાક પડકાર છે એનો એક દાખલો. નેવુંના દાયકાની શરૂઆતમાં જે.એન.યુ. સ્ટુડન્ટ-યુનિયનનો પ્રમુખ હતો ચંદ્રશેખર પ્રસાદ, જેને સૌ ચંદુ કહેતા હતા. ‘આઇસા’(સીપીઆઈ-એમએલ)માંથી, પણ ચારેકોર લોકપ્રિય હતો. બિહારમાં લાલુરાજ વખતે શોષિતો વતી અવાજ ઉઠાવવા એ ગામેગામ જતો હતો. ૩૧મી માર્ચ, ૧૯૯૭ના રોજ સિવાનમાં ભરબપોરે ભરબજારે એને ઠાર મારવામાં આવ્યો. એક ભારે નામચીન બાહુબલી નેતાના ગુંડાઓએ ગોળી ચલાવેલી. ઘણા વખત સુધી એવું લાગતું હતું કે ગુનેગારો બચી જશે, પણ અંતે એમને સજા થયેલી. હું જ્યારે કૅમ્પસમાં આવ્યો, ત્યારે ૧૯૯૮ પછીનાં વર્ષોમાં મેં એ.બી.વી.પી.થી લઈને પ્રોફેસરો અને મેસકર્મીઓ – સૌમાં ચંદુ માટે જે દિલની લાગણી જોઈ, તે કોઈ રાષ્ટ્રીય સ્તરના રાજકારણી માટે જોઈ નથી. શું ચંદુની આ યાદગીરી – જેમાં આશા પણ છે અને નિરાશા પણ, કરુણાંતિકા પણ છે અને પ્રેરણા પણ – પરથી નથી સમજાતું કે ભા.જ.પ. હોય કે કૉંગ્રેસ, સૌ સરકારોને ‘જે.એન.યુ. ટાઇપ’થી ભય કેમ લાગે છે ?

કારણ કે જે.એન.યુ. અને તેના જેવી બચીખૂચી સંસ્થાઓમાં ભણતર પાઠ્યપુસ્તકથી અને વર્ગખંડથી વિસ્તરીને ઘણું આવરી લે છે. અહીં ભાષાવિજ્ઞાન ભણવામાં માત્ર વ્યાકરણના સિદ્ધાંતો જ નથી ભણવાના, પણ સામાજિક વાસ્તવિકતાને જોતાં શીખવાનું છે. દાખલા તરીકે સાદરી નામની ભાષાનો અભ્યાસ કરવામાં માત્ર એનાં નામરૂપ અને ક્રિયાપદોનું વર્ગીકરણ નથી કરવાનું, પણ જે સાદરી બોલતો છોકરો તમને તમારા સંશોધન માટે એનો સમય આપે તેને સમાન દરજ્જાનું માન આપવાનું છે. ત્યાંથી આગળ વધીને એ શીખવાનું છે કે બધા લોકો અને બધી ભાષાઓ સમાન દરજ્જે જ છે : અંગ્રેજી પાસે આર્થિક તાકાત છે, પણ વ્યાકરણની દુનિયામાં એક આદિવાસી ભાષા અંગ્રેજીથી પછાત નથી. આ ભાષાવિજ્ઞાનનો દાખલો આપ્યો, પણ એ બોધપાઠ અર્થશાસ્ત્રથી લઈને જીવવિજ્ઞાન સુધીની સૌ વિદ્યાશાખાઓમાં જે.એન.યુ.ના વિદ્યાર્થીઓને મળતો જ રહ્યો છે.

અહીંથી ઘણા વિદ્યાર્થીઓ પી.એચ.ડી. માટે કે પોસ્ટ-ડોક માટે અમેરિકા અને યુરોપ જાય છે જ્યાં સવલતો વધુ સારી છે. ત્યાં શિક્ષણ માટે સરકાર સારો ફાળો આપે છે. અહીં જી.ડી.પી.ના પ્રમાણમાં ઘણી નાની રકમ ઉચ્ચશિક્ષણને ફાળવાય છે. એટલે પુસ્તકાલયોમાં જોઈતાં પુસ્તક ન મળે અથવા આગળ સંશોધન માટે નાણાકીય મદદ ન મળે એવી સમસ્યાઓ સામાન્ય છે. (ફેલોશિપ કોઈ નાનીસૂની વાત નથી – જીવનમરણનો સવાલ છે. રોહિત વેમુલા ફેલોશિપના ટેકા વગર વધુ ભણી શકે એમ નહોતો, એટલે તેણે વધુ ન જીવવાનો નિર્ણય લીધો.) આ બધી સમસ્યાઓ છતાં મારી ગાઇડે આગ્રહ રાખ્યો કે ભારત એ ભારત છે અને ભારતીય ભાષાનું સંશોધન ભારતમાં રહીને અને બાકીના ભારતીયો જે સહન કરે તે સહન કરીને જ થઈ શકે. હવે ફેબ્રુઆરીમાં પતિયાલાહાઉસ કોર્ટમાં ભા.જ.પ.ના વિધાનસભ્ય ઓ.પી. શર્મા અને એમના સાગરીતોએ પત્રકારો અને જે.એન.યુ.ના શિક્ષકો પર હુમલો કર્યો તેમાં આ ગાઇડ પર જાતીયસતામણી સાથે હિંસા થઈ હતી. (શર્માએ ટીવી પર કહ્યું હતું કે ભારત વિરોધી વાત કરનારને તો હું ગોળીએ દઈશ. પોલીસ નિષ્ક્રિય હતી. પુરાવા પછી પણ શર્મા સામે કોઈ કાર્યવાહી ના થઈ.)

પુરાવા પરથી યાદ આવ્યું : આખી ઘટનાના પુરાવા તરીકે જે ટીવી ચૅનલની વીડિયોક્લિપ દિલ્હી પોલીસે એફ.આઈ.આર.માં નોંધી છે. તે નકલી હોવાનો ફૉરેન્સિક લૅબનો રિપોર્ટ આવ્યો છે. એ ચૅનલના સંપાદક એક ઉદ્યોગપતિ પાસેથી જાહેરખબર લેવા માટે બ્લૅકમેઇલ કરવાના કેસમાં તિહાર જઈ આવ્યા છે, પણ એમના દેશપ્રેમની સામે આવી ક્ષુલ્લક નબળાઈઓનો ઉલ્લેખ ન કરવો જોઈએ.

જમણેરી તંત્રમાં દેશદાઝના નામે પહેલાં કોઈને ત્રાસવાદી, દેશદ્રોહી જાહેર કરી દેવાય છે, પુરાવા ઊભા કરી દેવાય છે અને અડધી જનતા એ વાત સાચી માની લે છે. એ પછી પુરાવા ખોટા પડે તો પણ કન્હૈયા લોકમાનસમાં દેશદ્રોહી છે. જે સૂત્રોચ્ચાર સામે વાંધો લેવાયો છે, તેમાંથી કાશ્મીરની આઝાદી-તરફી સૂત્રો અને અફઝલ ગુરુ સંબંધી સૂત્રો તો ભા.જ.પ.ની ભાગીદાર પી.ડી.પી. પાર્ટી વર્ષોથી જાહેરમાં લગાવતી આવી છે. જ્યાં સુધી પાકિસ્તાન-તરફી અને ભારતની બરબાદીની વાત કરતાં સૂત્રોનો સવાલ છે, ત્યાં સુધી કહેવું જોઈએ કે જે.એન.યુ.માં ડાબેરી પરંપરામાં આવું કદી બન્યું નથી અને એની પાછળ વીડિયો ડોક્ટરિંગ કામ કરી રહ્યું છે. સૈનિકો જે સરહદે શહીદ થયા છે, તે મોદી સરકારને બચાવવા નહીં પણ ભારતની લોકશાહીને સલામત રાખવા શહીદ થયા છે.

જે.એન.યુ.માં અફઝલ ગુરુની ફાંસીની તારીખે એક પ્રસંગ હતો, પણ એમાં કન્હૈયા નહોતો. એને હાફીઝ સઇદનો કોઈ ટેકો હતો એવું કહેવામાં ગૃહપ્રધાન રાજનાથસિંહ જૂઠું ના બોલતાં હોય તો પછી એમની બૌદ્ધિક ક્ષમતા અંગે શંકા જાય એમ છે (અને ગૃહપ્રધાનને અસલી-નકલી ટિ્‌વટનો ફરક ન ખબર હોય, તો દેશની આંતરિક સુરક્ષા માટે ચિંતા થાય). ભા.જ.પ.નો સાથી પક્ષ અને લોકશાહી ઢબે ચૂંટાયેલા એના નેતા અફઝલ વિષે જેટલું બોલી શકે તેટલું કોઈ શિક્ષણ સંસ્થામાં કોઈ વિદ્યાર્થી બોલે – આટલું તો પરિપક્વ લોકશાહીઓમાં રોજ અવગણાતું હોય છે.

જે.એન.યુ. કૅમ્પસમાં પોલીસ-પ્રવેશનો આ પહેલો પ્રસંગ નહોતો. અને છેલ્લો પણ નહીં હોય. પણ છેલ્લા એકાદ વરસમાં એફ્ટીઆઈઆઈથી શરૂ કરીને એક પછી એક શિક્ષણસંસ્થાને ખતમ કરવાનો કારસો ચાલી રહ્યો છે. સરકારની ટીકા કરવામાં જાનનું જોખમ છે. મને લાગે છે કે ત્રીજા ધોરણમાં પણ તને તારા વર્ગમાં કંઈ બોલતાં પહેલાં માર ખાવાની બીક રાખવી પડતી નથી. હું આશા રાખું કે દસ વર્ષ પછી જે.એન.યુ.માં કે જે.એન.યુ.ની બહાર તારે કશી પણ સાચી વાત બોલતાં પહેલાં વિચારવું ના પડે.

– એ જ

નવી દિલ્હી 

e.mail : ashishm@governancenow.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ. 02-04

Loading

વી આર જે.એન.યુ.

સ્વાતિ જોશી|Opinion - Opinion|16 March 2016

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)ની ઘટનાએ દેશને એક ઐતિહાસિક વળાંક પર લાવીને મૂક્યો છે. દેશને કઈ દિશામાં લઈ જવો એ મોટો પડકાર સૌની સામે ઊભો થયો છે. દેશમાં એક મોટા પાયા પર ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમુક વિચારો કે વિચારધારામાં માનનારા ‘દેશભકતો’ અને એની સાથે સમ્મત ન થનારા અને એનો વિરોધ કરનારાઓ ‘દેશવિરોધી’ કે ‘દેશદ્રોહી’ એ પ્રકારની કૃત્રિમ અને ખતરનાક, વિરોધી છાવણીઓ ઊભી કરવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી બંધારણે બક્ષેલી આપણી મૂળભૂત સ્વતંત્રતાઓ છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે શું બોલવું, શું વિચારવું, શું ખાવું, શું પહેરવું, કોને પરણવું, આ બધા પર નિયંત્રણો લાદવામાં આવે છે અને એનો વિરોધ કરનારને ‘દેશ-વિરોધી’ કહી ડરાવવામાં, ડામવામાં અને મારવામાં પણ, આવે છે. જે.એન.યુ.ની ઘટનાએ બંધારણીય સ્વતંત્રતા પર થતાં આ હુમલાઓના પ્રશ્નને કેન્દ્રમાં લાવીને મૂક્યો છે.

જે.એન.યુ.માં જે બન્યું છે તે જમણેરી તત્ત્વો અને સરકાર દ્વારા યુનિવર્સિટીઓ પર થતાં હુમલાની પહેલી ઘટના નથી. છેલ્લા થોડા સમયથી શિક્ષણક્ષેત્રમાં, ખાસ કરીને ઉચ્ચશિક્ષણમાં, સરકારનો હસ્તક્ષેપ વધ્યો છે. શિક્ષણનું ઝડપથી નિજીકરણ થઈ રહ્યું છે, જેને કારણે મોટી સંખ્યામાં સામાન્ય વર્ગના યુવાનો ઉચ્ચશિક્ષણથી વંચિત રહે છે. જાહેર ફંડોથી ચાલતી યુનિવર્સિટીઓમાં ફંડ પર કાપ મૂકવામાં આવી રહ્યો છે જેમ કે પી.એચ.ડી. અને સંશોધન કરતા  વિદ્યાર્થીઓને  મળતી સ્કૉલરશિપ બંધ કરવામાં આવી છે (જેની સામે કન્હૈયાકુમાર અને જે.એન.યુ.ના તેમ જ અન્ય વિદ્યાર્થીઓ લડી રહ્યા છે), જેને લીધે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવાની તકો બંધ થાય છે. શિક્ષણસંસ્થાઓમાં અમૂક વિચારધારા ધરાવનારી વ્યક્તિઓની, એમની ગુણવત્તા ન હોય તો પણ, નિમણૂક કરવામાં આવે છે, જે પૂનાના ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં બન્યું છે. જામિયા મિલિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીઓનો લઘુમતી દરજ્જો રદ કરવામાં આવ્યો છે અને અલીગઢ યુનિવર્સિટીનાં દેશમાં બીજે ચાલતાં કેન્દ્રોને ‘ગેરકાનૂની’ ઠરાવી એમની ગ્રાન્ટ બંધ કરવામાં આવી છે, જેને કારણે લઘુમતી સમૂહના વિદ્યાર્થીઓની ઉચ્ચશિક્ષણની તકો સંકોચાતી ગઈ છે. આમ ઉચ્ચશિક્ષણમાંથી મોટી સંખ્યામાં નીચલા વર્ગના, વંચિત જાતિઓના અને લઘુમતી સમૂહોના યુવાનો બાકાત રહે એ પ્રકારની નીતિઓ અને નિર્ણયો અમલમાં આવી રહ્યા છે. પરંતુ ખાસ તો  દેશની યુનિવર્સિટીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં છેલ્લા થોડા સમયથી જ્યાંજ્યાં વિદ્યાર્થીઓએ  સામાજિક અને રાજકીય મુદ્દા ઉઠાવ્યા છે, જે શાસનકર્તાઓના વિચારોથી ભિન્ન છે અને સંઘવાદનો વિરોધ કર્યો છે, તેમના પર એ.બી.વી.પી. (આર.એસ.એસ.ની વિદ્યાર્થી પાંખ) તરફથી હુમલાઓ થાય છે અને તેમને દેશવિરોધી કહી ડામવાના અને સજા કરવાના પ્રયત્નો થાય છે. આઈ.આઈ.ટી., મદ્રાસના આંબેડકર-પેરિયાર સ્ટડીગ્રૂપના વિદ્યાર્થીઓ પર સરકાર વિરોધી મંતવ્યો રજૂ કરવા બદલ હુમલા કરવામાં આવ્યા હતા અને એમના પર સંસ્થા તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમૂલા અને એના આંબેડકર સ્ટુડન્ટ્‌સ એસોસિયેશનના સાથીઓની પ્રશ્નો ઉઠાવવા બદલ તેમને  મળતી ગ્ર્રાંટ બંધ કરવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ સ્થાનિક બી.જે.પી. નેતાએ એમને જાતિવાદી, દેશવિરોધી અને ઉગ્રવાદી ગણાવીને માનવસંસાધન વિકાસમંત્રીને ફરિયાદ કરી હતી, જેને પરિણામે એમના મંત્રાલયે યુનિવર્સિટીને આ વિદ્યાર્થીઓને હૉસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. અત્યંત કપરા સંજોગોમાં અભ્યાસ કરી, આંબેડકરના સ્વપ્નને સાકાર કરવાની આશા સાથે શિક્ષણના આ સ્તરે પહોંચેલા રોહિતે આ પરિસ્થિતિમાં પોતાની જિંદગીનો અંત આણ્યો. જે.એન.યુ.માં નવમી ફેબ્રુઆરીએ અફઝલ ગુરુની મૃત્યુિતથિ નિમિત્તે યોજાયેલી સભા અને કહેવાતા દેશવિરુદ્ધ નારાઓના પ્રતિભાવ રૂપે યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ પર ‘રાજદ્રોહ’નો આરોપ મૂકવામાં આવ્યો અને જે.એન.યુ.ના વિદ્યાર્થીસંઘના પ્રમુખ કન્હૈયાકુમાર, જેણે દેશવિરોધી કશું કહ્યું કે કર્યું ન હતું, એની રાજદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી.

આજે એક તરફ ઉચ્ચશિક્ષણને લગભગ ખતમ કરવાનો (જેથી વિરોધની કોઈ શક્યતાઓ જ ન રહે) અને બીજી તરફ જે વિદ્યાર્થીઓ સરકારની નીતિઓ અને વિચારધારા સામે અવાજ ઉઠાવે એમને દેશદ્રોહી કહી એમની સામે લાગણીઓ ઉશ્કેરી સમાજમાં ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. યુનિવર્સિટી એ મુક્તપણે વિચારો અને વિવાદોને વિકસવાનું સ્થાન છે. શિક્ષણનું પ્રયોજન કેવળ વર્ગમાં થતાં અભ્યાસ પૂરતું જ સીમિત નથી હોતું, પરંતુ આ અભ્યાસને વિદ્યાર્થી પોતાની આસપાસના પ્રશ્નોને સમજવા કેવી રીતે કરે છે એ છે. વિચાર, વિવાદ અને વિરોધ એ એક જીવંત યુનિવર્સિટીના અસ્તિત્વના પુરાવા છે અને અભ્યાસ અને જ્ઞાનને વધારવાનાં સાધનો છે. દેશના અને દુનિયાના, સામાજિક, આર્થિક અને રાજકીય પ્રશ્નોની ચર્ચા યુનિવર્સિટીઓમાં નહીં થાય તો ક્યાં થશે? આવી ચર્ચાઓમાંથી જ નવા વિચારો પ્રગટે છે અને સામાજિક અને રાજકીય પરિવર્તનની શક્યતાઓ અને વિકલ્પો બહાર આવે છે. દુનિયાના દેશોના ઇતિહાસ આ બાબતની સાક્ષી પૂરે છે કે સામાજિક અને રાજકીય પરિવર્તનનાં, ક્રાંતિનાં બીજ વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં રોપાય છે અને એમાંથી નવા સમાજની શક્યતાઓ ઊભી થાય છે. ૧૯૭૧માં વિશ્વભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ઉમાશંકર જોશીએ દુનિયા પર તોળાઈ રહેલા સંકટના સંદર્ભમાં કહ્યું હતું કે દરેક સંવેદનશીલ વ્યક્તિ આ સંકટ વિશે સભાન હોય છે અને દુનિયાના યુવાનો તો સૌથી વધારે સભાન હોય છે, ખાસ કરીને કેમ્પસ પરના યુવાનો – વિદ્યાર્થીઓ.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર હુમલો આ વૈકલ્પિક શક્યતાઓને રૂંધવાનો અને તોડવાનો પ્રયાસ છે. એક રીતે આ કાયરતાની નિશાની છે. પરંતુ આ આપખુદશાહીની પણ નિશાની છે. કાયર લોકો જ આપખુદ બને છે, કેમ કે તેમની પાસે વિચાર કે વિવાદ કરવાની પ્રતિબદ્ધતા નથી હોતી અને કેવળ હિંસક બળનો ઉપયોગ જ એ જાણે છે. ખરું જોતાં આર.આર.એસ.ની શિક્ષણપદ્ધતિમાં સ્વતંત્ર વિચારના વિકાસને કે વિરોધને સ્થાન જ નથી અને એ વિદ્યાર્થી પાસે પૂર્ણ આજ્ઞાંકિતતા માંગે છે. સંઘપરિવારના ઉચ્ચશિક્ષણ સામેના વિરોધનો આ સંદર્ભ છે. બી.જે.પી.ના એક જવાબદાર પ્રવક્તાએ એક રાષ્ટ્રીય ચૅનલ પર કહ્યું કે ‘અમને (આર.આર.એસ.ની) શાખાઓમાં રાષ્ટ્રનું જે કોઈ સન્માન ના કરે એને મૂંહતોડ જવાબ આપવાનું શિખવાય છે.’ આ વિધાનમાં હિંસક ભાષાનો ઉપયોગ ચિંતાજનક છે. અને ‘રાષ્ટ્ર’ શું છે? રાજ્ય, રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ, એ સંકુલ વિચારો છે. એક દેશનો અને એક સમયનો રાષ્ટ્રવાદ બીજા દેશથી અને બીજા સમયથી જુદો હોય છે. રાષ્ટ્રવાદનો ઐતિહાસિક સંદર્ભ હોય છે જે બદલાતો હોય છે. ૧૭મી સદીથી ૨૧મી સદી દરમિયાન રાષ્ટ્રવાદનાં અનેક સ્વરૂપો દુનિયામાં પ્રગટ થયાં છે. રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ વિશે ભારત અને દુનિયાના અનેક વિદ્વાનોએ (ટાગોરે સુધ્ધાં) અનુભવ, સંશોધન અને પુરાવાને આધારે ઘણા વિચારો રજૂ કર્યા છે અને યુનિવર્સિટી આ વિચારો પર ચર્ચા કરવાનું સૌથી યોગ્ય સ્થળ છે. પરંતુ આર.આર.એસ.ની શિક્ષણપદ્ધતિમાં આવી ચર્ચાઓને અવકાશ જ નથી અને એની રાષ્ટ્ર વિશેની વ્યાખ્યા ખૂબ સીમિત, હિન્દુરાષ્ટ્ર પૂરતી જ છે. જો રાષ્ટ્રની અને રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા અબૌદ્ધિક અભિગમ પર મંડાઈ હોય, તો વિચારશીલ લોકોને રાષ્ટ્રવિરોધી થવાની કદાચ ફરજ પડે! સંઘપરિવારનો વિરોધ કોઈ વિચારધારા સામે જ નહીં પરંતુ વિચારમાત્ર સામે, સ્વતંત્ર મંતવ્ય ધરાવવાની શક્તિ સામે છે. સ્વાભાવિક છે કે સરકારની લોકવિરોધી નીતિઓનો ખૂબ અસરકારક રીતે વિરોધ કરતાં રોહિત કે કન્હૈયા જેવા તેજસ્વી વિદ્યાર્થીઓને દેશદ્રોહી કહી ચૂપ કરવાનો પ્રયત્ન કરવો અને શિક્ષણનીતિઓ દ્વારા આવા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચશિક્ષણના રસ્તાઓ બંધ કરવા એ સંસ્કાર ધ્યેય છે.

જે.એન.યુ. એ દેશની આગળ પડતી યુનિવર્સિટીઓમાંની એક છે. એની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ એણે ભૌતિક રીતે સફળ કારકિર્દી ધરાવતા, કૉર્પોરેટ દુનિયામાં સ્થાયી થયેલા વિદ્યાર્થીઓ પેદા કર્યા  એ નથી પરંતુ સામાજિક પ્રશ્નોની સમજની સજ્જતા અને જવાબદારી સાથે એમને તૈયાર કરવામાં છે, જેથી તેઓ પોતપોતાના ક્ષેત્રમાં અર્થપૂર્ણ ફાળો આપી શકે. જે.એન.યુ.ની આ બૌદ્ધિક પરંપરા છે, જેમાં શિક્ષણ એક બંધ ઓરડામાં સીમિત ન રહેતા વિદ્યાર્થીઓની સ્વતંત્ર વિચારશક્તિને પ્રોત્સાહન આપે છે અને સમાજ સાથે અનુસંધાન સાધવાની તક આપે છે, જેથી નવા વિચારો અને વિકલ્પો વિકસે. એને કારણે આજે દુનિયાભરના બુદ્ધિજીવીઓ, શિક્ષણવિદો, લેખકો અને યુનિવર્સિટીઓએ જમણેરી તત્ત્વોના એના પરના હુમલાનો અને પોલીસનો એની સ્વાયત્તતા પર હસ્તક્ષેપનો વિરોધ કર્યો છે અને તેઓ જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પડખે ઊભાં છે.

જે.એન.યુ.ને કૉમ્યુિનસ્ટોના અડ્ડા તરીકે ઓળખાવી એને બદનામ કરવાનો પ્રયત્ન થાય છે. જે.એન.યુ.માં વિદ્યાર્થીઓ વામપંથી વિચારધારા તરફ કેમ વળે છે? જે.એન.યુ.ની એ ખાસિયત છે કે એની પ્રવેશનીતિમાં વંચિત સમૂહોમાંથી આવતાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે એનું ખાસ ધ્યાન રખાય છે. આ વિદ્યાર્થીઓ ગરીબ, સામાન્ય કુટુંબોમાંથી આવે છે. જેઓ યુનિવર્સિટીમાં શિક્ષણ પામનારા પોતાના કુટુંબના કદાચ પહેલી પેઢીના સભ્યો છે. જ્યારે આવા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે, ત્યારે પોતાના ગામના, પ્રદેશના, સમૂહના, પ્રશ્નો વિષે સજાગ થાય છે અને શા માટે તેઓ વંચિત છે, એ અન્યાય સામે સંઘર્ષ કરવા તૈયાર થાય છે. આ ઇચ્છા એમને માર્ક્સ અને લેનિન તરફ લઈ જાય છે, જેમના અભ્યાસથી પોતાની પરિસ્થિતિને રેશનલ રીતે વિચારવાની મદદ મળે છે. આ વિદ્યાર્થીઓ કટ્ટર વામપંથી નથી હોતા કે નથી કોઈ વામપંથી વિચારધારા કે પક્ષનું આંધળૂકિયું અનુકરણ કરતા. આ ઉપરાંત, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ વિદ્યાર્થીઓમાં સામાજિક રીતે વંચિત સમૂહોના વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. આને પરિણામે કેવળ માર્ક્સ જ નહીં, પરંતુ આંબેડકરના વિચારો તરફ પણ તેઓ વળ્યા છે. આને પરિણામે એક નવો વિમર્શ ઊભો થયો છે, જે કેવળ વામપંથી વિચારધારા પૂરતો જ સીમિત નથી, પરંતુ એમાં વામપંથી અને આંબેડકરની  વિચારધારાઓનો સુંદર સમન્વય થયો છે. કન્હૈયાકુમારે જમાનત પર છૂટ્યા પછી જે.એન.યુ.માં કરેલા ભાષણમાં કહ્યું તેમ આ આ વિમર્શ કેવળ રાજકીય લોકતંત્ર પર જ કેન્દ્રિત નથી, પરંતુ આંબેડકરના શબ્દોમાં ‘સામાજિક લોકતંત્ર’ પર ભાર મૂકે છે અને સમાજના વંચિત સમૂહો – દલિત, આદિવાસી, અલ્પસંખ્યકો અને સ્ત્રીઓ -ની સ્વતંત્રતા અને સમાનતા માટે લડે છે અને આ મેળવવામાં આવતા તમામ અવરોધો – પૂંજીવાદ, મનુવાદ, સંઘવાદ, જાતિવાદ વગેરે -નો સખત વિરોધ કરે છે.

આ સંદર્ભમાં કન્હૈયાકુમારનો વિદ્યાર્થીનેતા તરીકેનો ઉદય પણ સમજવા જેવો છે. એ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફેડરેશન (એઆઇએસએ), જેની સ્થાપના ૧૯૩૬માં થઈ હતી અને જેણે દેશની આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો, એનો સભ્ય છે. એ રાજકીય પક્ષ સી.પી.આઈ.ની વિદ્યાર્થીપાંખ છે. બધા ડાબેરી પક્ષોમાં સી.પી.આઈ. એ સૌથી વધુ ‘રાષ્ટ્રવાદી’ પક્ષ છે. અલગતાવાદનું એની વિચારધારામાં કોઈ સ્થાન નથી. જે.એન.યુ.માં એ.આઈ.એસ.એફ.ની હાજરી, બીજા ડાબેરી પક્ષોની વિદ્યાર્થીપાંખો – એસ.એફ.આઈ. (સીપીએમ) અને એ.આઈ.એસ.એ (સીપીએમ-એલ)ના પ્રમાણમાં નહિવત્‌ છે. કન્હૈયાકુમાર જે.એન.યુ.ની વિદ્યાર્થીસંઘની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભારે બહુમતિથી ચૂંટાયો. જે વિદ્યાર્થીઓ વામપંથી પક્ષોના સભ્યો કે તરફેણમાં ન હતા અને જે વિદ્યાર્થીઓ બી.જે.પી.ની તરફેણમાં હતા, એ સૌએ એને મત આપ્યો. આ એક નવી ઘટના છે કે પક્ષીય રાજકારણથી ઉપરવટ જઈ સમસ્યાઓના સંઘર્ષ માટે લડનાર વ્યક્તિ વિદ્યાર્થીઓનો પ્રતિનિધિ બને છે. કન્હૈયાકુમાર આમ વિદ્યાર્થી રાજકારણના બદલાતા સંદર્ભનો પ્રતિનિધિ છે. સામાજિક સ્વતંત્રતા મેળવવા માટે આ વિમર્શ બંધારણને સર્વોપરી માને છે. સામાજિક સ્વતંત્રતા મેળવવાનું એક માત્ર સાધન બંધારણનું અક્ષરશઃ પાલન છે.  આ નવી વિચારધારામાં, દેશના ટુકડા કરવાનું, હિંસાનું, સ્થાન નથી. કન્હૈયાકુમારે એક નવું સૂત્ર આપ્યુંઃ ‘દેશથી નહીં, પરંતુ દેશમાં આઝાદી’ એ આ સંઘર્ષનું ધ્યેય છે.

આ નવા વિમર્શનો જન્મ અને વિકાસ કેવળ યુનિવર્સિટીમાં જ થઈ શકે, જ્યાં વિદ્યાર્થીઓની પોતાના આસપાસના પ્રશ્નોને સમજવાની પ્રક્રિયા એમને એક નવા વૈચારિક માળખા તરફ લઈ જાય છે. બંધારણના માળખામાં રહી સમાજપરિવર્તનની નવી શક્યતાઓનો વિચાર અને વિકાસ કરવાની તક પૂરી પાડવી એ જે.એન.યુ.ની ઓળખ છે. આ કોઈ પણ યુનિવર્સિટીની સાચી ઓળખ છે. એન.ડી.ટી.વી.ના રવીશકુમારે જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ સાથે કરેલી વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓએ કહ્યું કે જે.એન.યુ. વિદ્યાર્થીઓને વિચારતાં, બોલતાં કરે છે. આ બધા વિદ્યાર્થીઓ કન્હૈયાકુમારની જેમ સાધારણ કુટુંબોમાંથી આશા સાથે જે.એન.યુ.માં ઉચ્ચ શિક્ષણ લેવા આવ્યા છે. એમની આશા ધન કમાઈને સફળ અંગત કારકિર્દી બનાવવી એ નહીં, પરંતુ પોતાના દેશને બહેતર બનાવવાની છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ અંગ્રેજી પૂરું બોલી પણ શકતા નથી. એક વિદ્યાર્થીએ કહ્યું કે એક ટોળામાં એ પાછળ સંતાઈને ઊભો હોત પણ જે.એન.યુ.એ એને નીડર થઈ આગળ આવી માઇક સામે પોતાના વિચારો રજૂ કરવાની હિમ્મત આપી. આમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ સક્રિય રાજકારણમાં નથી, પરંતુ જે.એન.યુ. પર જે રીતે પોલીસ અને સરકાર ત્રાટક્યા એના વિરોધમાં યુનિવર્સિટીની સ્વાયત્તતાનું રક્ષણ કરવા અને કન્હૈયાકુમારના તેમ જ ઉમર ખાલિદ અને અન્ય વિદ્યાર્થીઓએ, જેમના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો છે તેમના સમર્થનમાં ભેગા થયા છે.

વિદ્યાર્થીઓની આ નવી પેઢી સામાજિક રીતે બહુ જાગૃત છે. આ મધ્યમ કે ઉચ્ચ વર્ગના, અંગ્રેજી ભણેલા, પશ્ચિમી વૈશ્વિકીકરણની સંસ્કૃિતના ભાગ બનેલા શહેરી યુવાનો નથી. પરંતુ ભારતનાં ગામડાંના, આ દેશની ધરતી સાથે જોડાયેલા, વૈશ્વિકીકરણના ભોગ બનેલા યુવાનો છે. પોતાના અધિકાર માટે વિચારવા, બોલવા અને નીડરતાથી લડવા  માટે એ સજ્જ છે. એ પોતાના અભ્યાસ વિષે જવાબદાર છે અને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. કન્હૈયાકુમાર, ઉમર ખાલીદ  અને અનીર્બાનના શિક્ષકો જાહેરમાં તેમના સમર્થનમાં આવ્યા છે. વાંચન, સંશોધન અને રેશનલ અભિગમથી એમણે વિદ્યા હાંસલ કરી છે. આ વિદ્યાનો ઉપયોગ દેશની સમસ્યાઓ અને અન્યાય સામે લડવા માટે કરવો એ દેશવિરોધી છે?

વિદ્યાર્થીસમૂહનો આ વિમર્શ શાસકપક્ષની લોકવિરોધી નીતિઓ અને ફાસીવાદી વિચારધારાને એક મોટો પડકાર છે. જે.એન.યુ. આ વિમર્શનું એક મુખ્ય કેન્દ્ર છે. એને નાબૂદ કરવા એથી જમણેરી તત્ત્વો અને સરકાર તરફથી સુયોજિત પ્રયત્નો થઈ રહ્યા છે. જે.એન.યુ.ની ઘટના આ સંદર્ભમાં જોવી જોઈએ. ઘટના વિશે મીડિયાના અમુક ભાગના, પોલીસના અને શાસકપક્ષના પ્રતિભાવો ચિંતા ઉપજાવનારા છે, જેનો મુખ્ય આશય લોકોની કોમવાદી લાગણી ઉશ્કેરવી અને સમાજમાં ધ્રુવીકરણ કરવું એ જણાય છે. પ્રમાણભાન ગુમાવીને વિદ્યાર્થીઓ પર રાજદ્રોહનો આરોપ લગાવવાના સરકારના પ્રતિભાવમાં રાજદ્રોહના કાયદા વિષેનું એનું અજ્ઞાન છતું થાય છે અને આપખુદશાહીની ગંધ આવે છે. ગૃહમંત્રી અને માનવસંસાધન વિકાસમંત્રીના ‘ભારતમાતા’નું રક્ષણ કરવાનાં અને કોઈ વિરોધ સાંખી નહીં લેવાનાં વિધાનો એ સૂચવે છે કે આ નિર્ણય સરકારના ઉચ્ચતમ સ્તરે લેવામાં આવ્યો હતો. સરકારનો, રાષ્ટ્રવાદ એ પોતાનો માની લીધેલો ઇજારો છે એ દાવો અને એનું જાહેરમાં હિંસક પ્રદર્શન કરી દેશને વિભાજિત કરવાનો અને બંધારણીય સ્વતંત્રતાને કચડવાનો પ્રયત્ન એ જે.એન.યુ.ના વિદ્યાર્થીઓએ જે કર્યું, એના કરતાં વધારે ખતરો દેશને માટે છે. બનાવટી પુરાવા ઊભા કરી નિર્દોષ લોકોને દોષી ઠેરવવા અને આ ખોટા પુરાવાનો મીડિયા દ્વારા ઝડપથી પ્રચાર કરી દેશમાં કોમવાદનું ઝેર ફેલાવવું ને સમાજનું ધ્રુવીકરણ કરવું; ટોળાંઓ દ્વારા છડેચોક લોકો પર શાબ્દિક અને શારીરિક હિંસક હુમલાઓ કરવા; પોલીસની આ બધામાં સંમતિ અને ભાગીદારી; શાસકપક્ષના જવાબદાર નેતાઓનો દેશના લોકોને જૂઠી માહિતીથી ગુમરાહ કરી તેમની લાગણીઓ ઉશ્કેરવાનો પ્રયત્ન કરવો; આ બધાં ફાસીવાદનાં લક્ષણો છે.

પરંતુ શું વિદ્યાર્થીઓના નવા વિમર્શને રોકવો શક્ય છે? ૧૮મી ઑગસ્ટે જે.એન.યુ. ઘટનાક્રમને પગલે દિલ્હીના હાર્દ સમા મંડીહાઉસ વિસ્તારમાં ૧૫થી ૨૦,૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, કલાકારો, બુદ્ધિજીવીઓ અને દિલ્હીના નાગરિકો સડક પર ઊતરી આવ્યાં, કન્હૈયાકુમારની ધરપકડના વિરોધમાં અને યુનિવર્સિટીની સ્વાયત્તતાના સમર્થનમાં. હું આ રેલીમાં હાજર હતી. આ રેલીમાં હાજર દરેક વ્યક્તિ માટે ત્યાં હોવું એ જરૂરિયાત હતી. દેશ પર સંકટના વધતા જતા ભય સામે ઊભા રહેવાની અને એની સામે ઊભેલાઓમાં ગણાવાની આટલી મોટી સંખ્યામાં ઉમટેલા લોકો કોઈ કટ્ટર કર્મશીલો કે રાજકીય પક્ષના સભ્યો ન હતા પરંતુ સામાન્ય વિદ્યાર્થીઓ અને નાગરિકો હતા, જે કોઈ પણ સંજોગોમાં વિચારસ્વાતંત્ર્યના માનવ-અધિકાર પરના હુમલાને સહી લેવા તૈયાર ન હતા. આ જુવાન વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત હતું અને આંખોમાં વિશ્વાસ અને દ્રઢનિશ્ચય હતા. આગલા દિવસે, ૧૭મીએ, ટોળાએ કન્હૈયાકુમાર પર અને તે પહેલાં ૧૫મીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પત્રકારો પર થયેલા હિંસક હુમલાના જવાબમાં અહી ગુલાબનાં ફૂલો વહેંચવામાં આવી રહ્યાં હતાં જેમાં અહિંસક પ્રતિકારનો સંકેત હતો. ‘હું કન્હૈયાકુમાર છું’, ‘હું ઉમર ખાલીદ છું’નાં પોસ્ટરો સાથે તેઓ આગેકૂચ કરી રહ્યા હતા. રોહિત વેમુલાના પોસ્ટરો પણ હતા. કન્હૈયાકુમાર, ઉમર ખાલિદ કે રોહિત વેમૂલા તેમને માટે વ્યક્તિગત વિદ્યાર્થીઓ નહીં, પરંતુ સ્વતંત્ર વિચાર ધરાવતા અને ન્યાય માટે, બહેતર ભારત માટે, ઝઝૂમતા જુવાન તેજસ્વી વિદ્યાર્થીના પ્રતીકો હતા.

જાણે ખરેખર આ બધા વિદ્યાર્થીઓ કન્હૈયાકુમાર હતા! દિલ્હીના રસ્તા પર ‘સ્ટૅન્ડ વિથ જે.એન.યુ.’ અને ‘વી આર જે.એન.યુ.’ના નારા ગાજી ઊઠ્યા. ‘વી આર જે.એન.યુ.’નાં પોસ્ટરોમાં લખ્યું હતુંઃ ‘વી ડિબેટ, વી ડિસેંટ, વી એગ્રી’ – અમે વિમર્શ કરીએ છીએ, અમે વિરોધ કરીએ છીએ, અમે સંમત થઈએ છીએ. જે.એન.યુ. એ દિલ્હીમાં મુનિરકા વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીનું જ નામ કેવળ નથી. જે.એન.યુ. એ સ્વતંત્ર વિચાર અને વિવાદને મુક્તપણે વિકસવાની વૈચારિક ભૂમિનું નામ છે. જે.એન.યુ. એ બંધારણીય સ્વતંત્રતા અને સમાનતા માટેના સંઘર્ષનું નામ છે. જે.એન.યુ. એક આંદોલનનું નામ છે. દિલ્હીમાં ઘણી રેલીઓ યોજાય છે, કોઈ ખાસ પ્રશ્નના વિરોધમાં, કોઈ ચોક્કસ માંગણીના સમર્થનમાં. પરંતુ આ રેલીનો અંદાજ કંઈક અલગ હતો. ભારતની લોકશાહીનો આ ઉત્સવ હતો. જુવાન વિદ્યાર્થીઓના હાથમાં દેશનું ભાવિ ઉજ્જવળ છે એ આશાનો અને શ્રદ્ધાનો સૂર એમાંથી નીકળતો હતો. દેશની લોકશાહી હજુ જીવે છે અને અને બંધારણમાં કંડારેલી સ્વતંત્રતા અને સમાનતાને વાસ્તવમાં ઉતારવાનો સંઘર્ષ ચાલુ રહેશે, એ આ રેલીનો મુખ્ય સંદેશ હતો. ત્રીજી માર્ચે જમાનત પર છૂટ્યા પછી મોડી રાતે જે.એન.યુ.માં જંગી મેદની સમક્ષ કરેલા કન્હૈયાકુમારના ભાષણનો પણ આ જ સંદેશ હતો.

e.mail : svati.joshi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ. 05-07

‘વી આર જે.એન.યુ.’નું સૂત્ર

સ્વાતિ જોશી 

મારા ‘વી આર જે.એન.યુ.’ લેખમાં, ૧૮મી ફેબ્રુઆરીની રેલીમાં, ’વી આર જે.એન.યુ.’ના પોસ્ટરની વિગતોનો ઉલ્લેખ છે, જેમાં એક અક્ષમ્ય નજરચૂક થઈ છે. અર્થ અને લય/અનુપ્રાસ બંનેની દ્રષ્ટિએ સ્પષ્ટ દેખીતું છે કે ‘વી એગ્રી’ નહીં, પરંતુ ‘વી ડિસેગ્રી’ શબ્દો પોસ્ટરમાં હોવા જોઈએ. આખું સૂત્ર છે –  ‘વી આર જે.એન.યુ. : વી ડિબેટ, વી ડિસેંટ, વી ડિસેગ્રી’  ‘અમે જે.એન.યુ. છીએઃ અમે વિવાદ કરીએ છીએ, અમે વિરોધ કરીએ છીએ, અમે અસમ્મત થઈએ છીએ’. 

જે.એન.યુ. એ એક વૈચારિક પ્રક્રિયાનું નામ છે જેમાં ચર્ચા, વિવાદ અને વિરોધને પૂરો અવકાશ છે; જેમાં ખુલ્લા મને વિચાર કરવાની અને અસમ્મત થવાની દરેકને સ્વતંત્રતા છે. જ્યાં અસમ્મતિ છે ત્યાં નવા વિચારો પ્રગટવાની અને વિકસવાની શક્યતા છે. અસમ્મતિમાં અભિપ્રેત છે વિચારવાની સ્વતંત્રતા, જુદી રીતે વિચારવાની સ્વતંત્રતા, જે આજે જોખમમાં છે.                                 

e.mail : svati.joshi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 06

Loading

...102030...3,6513,6523,6533,654...3,6603,6703,680...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved