વ્યાપક અસહકાર કે વિરાટ લોકઆંદોલન શક્ય બને તો સશસ્ત્ર ઉઠાવને કારણ નથી એવી શ્યામજીની સમજ હતી
શરૂઆત આમ તો ચુનીભાઈ વૈદ્ય – ચુનીકાકાથી કરવાનો ખયાલ હતો. આજે એમને ગયે બરાબર એક વરસ થશે. છેલ્લાં વીસપચીસ વરસમાં ગુજરાતમાં સ્થાપિત રાજકીય પક્ષોથી ઉફરા આપણા એકના એક આંદોલનપુરુષ જેવા એ કદાચ હતા. એમનો એ સ્લોટ આજની તારીખે તો વણપુરાયા જેવો છે. અલબત્ત, આંદોલનપુરુષ કહેતાં સ્વતંત્ર ભારતમાં ગુજરાત સ્તરે હજુ સુધી પ્રતિમાનરૂપ રહેલું નામ ઈન્દુલાલ યાજ્ઞિકનું છે, અને એમના ગયા પછી અક્ષરશ: અણપુરાયેલું, એ જુદી વાત છે.
પણ કાકાને સમરવા કરું ન કરું ત્યાં તો ચિત્તનો કબજો એક નારીએ લીધો. એટલે પહેલાં એ બે નિમિત્તે એકબે મુદ્દા કરીશ. 16મી ડિસેમ્બરે નિર્ભયાને ગયે ત્રણ વરસ થયાં. એને સંભારી આતમઆતશને જલતો રાખવાના એક ઉપક્રમમાં આશાદેવીએ કહ્યું કે નિર્ભયા મારી પુત્રી હતી. એણે એવું કશું નથી કર્યું કે એનું નામ છુપાવવું પડે. આજે અહીંથી હું નિ:સંકોચ, સગૌરવ એનું નામ લઉં છું – જ્યોતિ. આપણે ત્યાં સામાજિક લાજશરમવશ (અને બટ્ટો ન લાગે એ ભયે) રિપોર્ટિંગમાં બલાત્કૃતાનું નામ છુપાવવાનો ચાલ છે. પણ આશાદેવીએ પુત્રીનું નામ લેવું પસંદ કર્યું એમાં વસ્તુત: એક મૂલ્યસ્થાપન રહેલું છે. અને તે મૂલ્ય આ છે: જે બળાત્કારનો ભોગ બને છે તે અપરાધી નથી. અપરાધી, એની સાથે દુષ્કર્મ આચરનાર અને છતાં આબરૂને હંમેશાં બાઈમાણસ જોડે જોડનાર સામાજિક પર્યાવરણ છે.
આ મૂલ્યસ્થાપન (અને પડકાર) પોતાને સ્થાને છે. પણ નિર્ભયા, સૉરી જ્યોતિ ઉદ્યુક્તિ (મોબિલાઇઝેશન)માં એક બીજી વાતે સવિશેષ ખેંચાણ રહેલું છે. ચાલુ દસકો બેસતે દિલ્લીએ અને દેશે બે મોટાં આંદોલનો જોયાં જે કોઈ સ્થાપિત રાજકીય પક્ષના વશની વાત મુદ્દલ નહોતી. એક જો જ્યોતિ ઉદ્યુક્તિનું હતું તો બીજું અણ્ણા આંદોલનનું હતું. વખતોવખત આપણને ભલે એમ લાગતું રહ્યુ હોય કે આવાં આંદોલનો અંતે અફળ રહે છે. પણ તમે જુઓ કે આ તરેહની નાગરિક જાગૃતિ કશીક એવી ભોંય જરૂર તૈયાર કરે છે જેના પર વૈકલ્પિક રાજનીતિ અગર તો રાજકીય વિકલ્પ ભણી જતો દાવ લઈ શકાય. આ પ્રકારની ઉદ્યુક્તિઓ વગર આપ ઘટના (એની સઘળી મર્યાદાઓ છતાં) સરખો અસાધારણ સર્જક ઉદ્રેક કલ્પી શકતો નથી.
જ્યોતિ ઉદ્યુક્તિની સાથે હજુ હમણાં નવમી ડિસેમ્બરે જ જેનું જન્મપર્વ ગયું એ બાંગલાદેશી લેખિકા રુકૈયા સખાવત હુસેનનુંયે સ્મરણ આ દિવસોમાં સતત થતું રહ્યું છે. 1905માં રુકૈયા ‘સુલતાના’ઝ ડ્રીમ’ એ વારતા લઈને આવ્યાં. એમાં એક ભરીબંદૂક કલ્પના છે કે સુલતાનાએ સ્વપ્નમાં જે રાજ્ય જોયું એમાં કદાપિ અશાંતિ નહોતી; કેમ કે પુરુષો માટે મર્દાનખાનાની મર્યાદા નક્કી હતી. એક રીતે, આવડ્યો એવો એ નવ્ય નારીવાદી વિમર્શ હતો અને તે પણ ભારતીય ઉપખંડની એક લેખિકા, તે ય તે પાછી મુસ્લિમ લેખિકા થકી!
જર્મનીમાં ગ્રીન મુવમેન્ટ(અને પાર્ટી)નો જે વિકાસ થયો એ જો તપાસીએ તો એની પાછળ આ પ્રકારની વૈકલ્પિક મથામણો અને વૈકલ્પિક જમાવટોનું એકત્ર આવવું તરત સમજાઈ રહેશે. આપણે ત્યાં મહિલા અભિક્રમથી ચાલેલું ચિપકો આંદોલન પણ રિયોડીજાનેરોથી માંડીને પૅરિસ મથામણ લગીની પર્યાવરણચિંતામાં કશોક ધક્કો નથી આપી ગયું એમ તમે કહી શકતા નથી.
આ જ દિવસોમાં બલકે કલાકોમાં, કાકા લગી પહોંચું તે પૂર્વે જોઉં છું કે શ્યામજી કૃષ્ણવર્માની કાયદાની સનદ રદ થયેલી તે ફેરતાજી કરીને લંડન બારે પોતાની ભૂલ સુધારી લીધી છે, અને એ સનદ માંડીના ક્રાંતિ તીર્થે પહોંચવામાં છે. શરૂમાં જ જેમને યાદ કર્યા, આપણા એકના એક ઈન્દુચાચા, એમણે સરદારસિંહ રાણા પાસેથી આખું દફતર મેળવી શ્યામજીનું અધિકૃત ચરિત્ર આપ્યું અને આપણી ઇતિહાસસ્મૃિત અક્ષત જળવાઈ રહી. આ શ્યામજીને વર્તમાન સત્તાપ્રતિષ્ઠાન સવિશેષ ઉછાળવા ચાહે એમાં નવાઈ નથી, કેમ કે એની પાસે કમનસીબે પોતાના ગાંધીનેહરુપટેલના પ્રાણવાન અને પૂરા કદના પેરેલલ નથી. જો કે, યૌન પ્રશ્નો વિશે દિલખુલાસ ચર્ચા કરતા હેવલોક એલિસના સાહિત્ય પર લંડનમાં સેન્સરસોટી ચાલી ત્યારે વિરોધ સરઘસમાં શ્યામજી પણ સામેલ હતા, એ ઘૂંટડો હાલના સત્તાપ્રતિષ્ઠાનની ચહેતી મૉરલ પોલીસના ગળે ઊતરી નહીં શકે એ એક જુદો મુદ્દો થયો!
આ સત્તાપ્રતિષ્ઠાની શ્યામજીને ક્રાંતિગુરુ તરીકે આગળ ધરે છે અને સશસ્ત્ર ઉઠાવની હિમાયતરૂપે એનું મહિમાગાન કરે છે. પણ એને એ વાતની સુધબુધ નથી કે જો વ્યાપક અસહકાર કે વિરાટ લોકઆંદોલન શક્ય બને તો સશસ્ત્ર ઉઠાવને કારણ નથી એવી શ્યામજીની સમજ હતી. બને કે દક્ષિણ આફ્રિકાના ગાંધીપ્રયોગથી એમને પૂરો સધિયારો ન મળ્યો હોય પણ 1920-21 અને 1930ના આપણે ત્યાંના ગાંધીઘટનાક્રમ પછી કદાચ બોલવાપણું રહેતું નથી. 1930માં શ્યામજી માટે ‘આ જ દેહે, આ જ નૈત્રે’ દાંડી કૂચે જગવેલ અભૂતપૂર્વ ઉદ્યુક્તિ જોવું શક્ય નહોતું.
‘અયોધ્યા’ જેવી કોઈ વિરાટ ચળવળ થઈ નથી એવી ભૂરકીવશ વિચારણાને એ અંદાજ નથી કે નાતજાતકોમથી ઉફરા એવા નજીકના મુદ્દાએ સૌને જોડ્યા હતા અને વિભાજક અયોધ્યાજવર તે એનો કોઈ વિકલ્પ નથી. જેપી પૂર્વે સ્વતંત્ર ભારતમાં જે મોટું આંદોલન આવ્યું, વિનોબાના નેતૃત્વમાં ભૂદાનનું, એ પણ એમાંથી ફોરતી સમતાલક્ષી ને બિનસાંપ્રદાયિક માનવતાએ કરીને ન્યારું હતું. આર્થિક-સામાજિક ન્યાયની આ નવ્ય લડતને, સ્વરાજસંગ્રામના અનુસંધાનમાં, જેપી આંદોલને નવો વળાંક આપ્યો અને એમાંથી બીજું સ્વરાજ આવ્યું.
ભૂદાન આંદોલનને દેશમાં પહેલા જીવનદાની જો જયપ્રકાશ અને બીજા વિનોબા મળ્યા તો ગુજરાતના પ્રથમ જીવનદાની જોગાનુજોગ ચુનીકાકા હતા. પણ ગુજરાતને એમનો પ્રથમ પરિચય (કે પરચો) ત્યારે મળ્યો જ્યારે એમણે કટોકટીરાજ સામે ‘ભૂમિપુત્ર’નો પ્રગટ મોરચો સંભાળ્યો. એ કામગીરી કીર્તિદા રહી – કટોકટી ઊઠ્યા પછી વડોદરામાં એક સામાન્ય ગલીખૂણો શોધતા કુલદીપ નાયર ‘ભૂમિપુત્ર’ની યાત્રાએ આવ્યા હતા. પણ લડાકુ પ્રકૃતિના કાકાએ પત્રકારત્વમાં બંધાઈ રહેવું પસંદ ન કર્યું અને લોકશક્તિ સંગઠનના, લોકસમિતિના કામને અગ્રતા આપી. એમનાં છેલ્લાં વરસોમાં ભૂમિ મુદ્દે એ ખાસું ઝૂઝ્યા ને ઝળક્યા. ગુજરાતમાં ભૂદાન ક્ષેત્રે પ્રથમ જીવનદાની, બીજા સ્વરાજમાં આર્થિક-સામાજિક ન્યાયની દૃષ્ટિએ ‘ગામની જમીન ગામની’ એ સૂત્ર સાથે સરકાર-કોર્પોરેટ સાંઠગાંઠ સામે અવાજ ઉઠાવવામાં ધર્મ જુએ એમાં ઇતિહાસક્રમનું ઔચિત્ય પણ હતું.
કલસરીઆનું મહુવા આંદોલન, લાલજી દેસાઈનું ‘સર’ આંદોલન, આ બધાં નાનાંમોટાં પણ તળ આંદોલનો (માઇક્રો સ્ટરિંગ્ઝ)ને વ્યાપક ધોરણે બાંધતાસાહતાં તો કોક ગાંધી, કોક જેપી આવતાં આવશે. સરસ કહ્યું’તું વિનોબાએ કે મને ચંદ્રે ખંડી લીધેલી ચાંદની રાત કરતાં અમાસનું આકાશ ઝાઝું ખેંચે છે, કેમ કે એમાં તારાઓનું ગણરાજ્ય છે.
સૌજન્ય : ‘ઇતિહાસબોધ’, “દિવ્ય ભાસ્કર”, 19 ડિસેમ્બર 2015
![]()


આઠમા કે નવમા ધોરણમાં ભણતો કોઈ વિદ્યાર્થી ફાંસો ખાઈ મોતને વળગે ત્યારે આપણે સફળતાના જે માપદંડો સ્વીકારી લીધા છે એ અંગે નવેસરથી વિચારવું જોઈએ. ખાસ તો એટલા માટે કે આ કોઈ એકલદોકલ ઘટના નથી. છેલ્લા એક વર્ષમાં આવા અનેક બનાવો નોંધાયા છે જેમાં કાચી વયના કોઈ વિદ્યાર્થીએ અથવા કોલેજમાં ભણતાં કોઈકે આપઘાત કર્યો હોય. જે સમાજમાં ભણતરનો આરંભ હજી હમણાં થયો છે એવાં ગામડાંમાં પણ વિદ્યાર્થીઓએ મોત વહાલું કર્યું હોય એવાં બનાવો અખબારે ચડ્યા છે. ખરેખરો પડકાર આવે એ પહેલાં જ મેદાન છોડી દેવાની આ વૃત્તિ ખતરનાક છે, ખાસ તો એટલા માટે કે જેને સમાજ કે શાળા ‘નિષ્ફળતા’ માને છે એને સમજપૂર્વક સ્વીકારી લેવાની તાલીમ આ બાળકોને મળી જ નથી.