નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે રોજિંદા જીવનમાં ડાયરી-લેખનને સામેલ કરવા જેવું ખરું
ગાંધીવાદી આંદોલનપુરુષ ચુનીભાઈ વૈદ્યના તાજેતરમાં પ્રકાશિત થયેલા સ્મૃિતગ્રંથ ‘અગ્નિપુષ્પ’નાં પાનાં ઊથલાવતાં ઊથલાવતાં તેના તસવીર વિભાગમાં જોયું તો એક પાના પર ચુનીકાકાની બે લાક્ષણિક તસવીરો સાથે એક વાક્ય વાંચવા મળ્યું, ‘કાયમના સંગાથી રોજનીશી અને ચા’. ઈસુના નવા વર્ષમાં આપણે સૌ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે થયું કે ચાલો આજે થોડી રમઝટ રોજનીશી પર થઈ જાય! રોજનીશી માટે ગુજરાતીમાં ઘણાં સુંદર શબ્દો છે, દૈનંદિની, વાસરી કે વાસરિકા, નિત્યનોંધપોથી, સ્મરણપોથી, એક ક્યૂટ શબ્દ છે – દિનકી. જો કે, આપણામાંના મોટા ભાગનાને પારકી ભાષા(અંગ્રેજી)નો ‘ડાયરી’ શબ્દ થોડો વધારે જાણીતો ને પોતીકો (નિયર એન્ડ ડિયર) લાગી શકે!
ડાયરીની સામગ્રી વ્યક્તિની જીવનકથા ઉપરાંત ક્યારેક ઇતિહાસ તો ક્યારેક સાહિત્યનો કાચો માલ પૂરો પાડતી હોય છે. આજે ગાંધીજીનાં કાર્યો અને વિચારોનો વારસો અને અધધ દસ્તાવેજો આપણી પાસે ઉપલબ્ધ છે, જેનું શ્રેય તેમના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈને જાય છે, જેમણે ગાંધીજીના વિચાર-આચારની દાયકાઓ સુધી વ્યવસ્થિત નોંધ રાખીને 23 ગ્રંથો તૈયાર કર્યા, જે ‘મહાદેવભાઈની ડાયરી’ તરીકે વિશ્વની શ્રેષ્ઠ ડાયરીઓમાં સ્થાન ધરાવે છે. મહાદેવભાઈની દૈનિક નોંધ રાખવાની સુટેવનો વારસો બબલભાઈ મહેતાથી લઈને ચુનીભાઈ વૈદ્ય સુધીના અનેક ગાંધીજનોએ પણ જાળવ્યો હતો. આ ડાયરીઓ એ ગાંધીજીના જીવનની જાણકારી ઉપરાંત ગુજરાતના લોકજીવનની 4-D સોનોગ્રાફી જેવી છે! આઝાદી આંદોલન વખતે જેલવાસ દરમિયાન અનેક નેતાઓએ ડાયરીઓ લખી હતી. ભગતસિંહની જેલ ડાયરી તો રાષ્ટ્રપ્રેમનો અમર દસ્તાવેજ ગણાય છે.
ડાયરીની વાત નીકળતાં એન ફ્રેન્કની વિશ્વપ્રસિદ્ધ ડાયરી તરત જ યાદ આવી જાય. અન્ય જાણીતી ડાયરીઓની વાત કરીએ તો વિશ્વપ્રસિદ્ધ લેખિકા વર્જિનિયા વુલ્ફની ડાયરીઓ પણ પ્રખ્યાત છે તો ‘એલીસ ઇન વંડરલેન્ડ’ના લેખક લેવિસ કેરોલની ડાયરી પણ ચર્ચિત છે. અમેરિકાના મોટા ભાગના રાષ્ટ્રપ્રમુખો ડાયરી લખવાની ટેવ ધરાવતા હતા, પણ એમાં હેરી એસ. ટ્રુમેનની ડાયરી યુનિક ગણાય છે. વિશ્વયુદ્ધો દરમિયાન સૈનિકો-અફસરો દ્વારા લખાયેલી ડાયરીઓએ અજાણી ઐતિહાસિક ઘટનાઓને અમર બનાવી છે.
દરેકને ડાયરી લખવાનો આગ્રહ કરનારા ગાંધીજી ડાયરીને જીવનસુધારક ગણતા હતા. તેમણે લખ્યું છે, ‘રોજનીશી લખવાનો નિયમ કર્યા પછી કદી ન છોડવી. એનો લાભ તુરત નહીં તો પાછળથી જણાશે જ. રોજનીશી રાખવાની ટેવ જ ઘણાં દોષોમાંથી આપણને બચાવી લેશે, કેમ કે તે આપણા દોષની સાક્ષીરૂપ રહેશે. તેમાં કરેલા દોષોની નોંધ આવવી જ જોઈએ. તેની ઉપર ટીકા કરવાની કશી આવશ્યકતા ન હોય. ટીકા અધ્યાહાર જ હોય. આજે ‘બ’ ઉપર ક્રોધ આવ્યો, આજે ‘ક’ને છેતર્યો આટલો ઉલ્લેખ બસ છે. આ બહુ ખોટું થયું, રે મન હવે એમ ન કરવું વગેરે લખવાની કશી આવશ્યકતા નથી. પોતાની સ્તુિતનાં વચન લખવાનાં હોય જ નહીં. કરેલાં કામોની ને કરેલા દોષની નોંધ હોય એ બસ છે. બીજાના દોષની નોંધ રોજનીશીમાં હોવી ન ઘટે.’ અલબત્ત, તમે ડાયરીમાં ઇચ્છો તે લખવા સ્વતંત્ર છો, શરત એટલી કે ડાયરી લખવી જોઈએ.
ડાયરી એટલે રોજેરોજ ભરાતો જતો સ્મરણોનો દરિયો. પુસ્તકો આપણા મિત્ર કહેવાય છે, પણ સામાન્ય માનવીથી લઈને સાહિત્યકાર, પત્રકાર, પ્રવાસી, સંશોધક, વિજ્ઞાની, અધિકારી, મેનેજર, ઉદ્યોગપતિ, સમાજસેવક કે રાજનેતા માટે ડાયરી પરમ સાથી તેમ જ પરમ સાક્ષીની ભૂમિકા ભજવી શકે છે. નવા વર્ષને વધાવવાની સાથે રોજેરોજનાં સ્મરણોને એક ડાયરીમાં ટપકાવી લેવાનું સ્વૈચ્છિક વ્રત લેવા જેવું ખરું!
સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 30 ડિસેમ્બર 2015
![]()


ભારતની આઝાદીનો ઇતિહાસ ફરી ફરીને અનુકૂળતા મુજબ તાજો કરીને વર્તમાનમાં વિજય મેળવવાની રાજકીય પક્ષો અને નેતાઓની કોશિશો અખંડ રહી છે. ભાગલા માટે જવાબદાર લેખાવીને ગોળીએ દેવાયેલા મહાત્મા ગાંધીએ તો પોતાના મૃતદેહ પર પણ ભારત અને પાકિસ્તાનના નોખા અસ્તિત્વને નકાર્યું હતું. ભાગલા અનિવાર્ય લાગતા હતા એવા સંજોગોમાં એમણે મહંમદ અલી ઝીણાને પ્રથમ વડાપ્રધાન બનાવવાની ઑફર પણ કરી જોઈ.
રવીન્દ્રનાથ ટાગોરે આર્જેન્ટિનાની વિક્ટોરિયા ઓકામ્પો નામની એક સન્નારીને 'આશંકા' નામનું આ કાવ્ય (અહીં મૂળ બંગાળી કાવ્યના અંગ્રેજી અનુવાદનો ભાવાનુવાદ મૂક્યો છે.) અર્પણ કર્યું હતું. આ કવિતામાં ટાગોર વિક્ટોરિયાને કહે છે કે, હું નિઃશબ્દ થઈ જાઉં એ સારું છે જેથી મને ભૂલી જવામાં તને મદદ કરી શકું. જો કે, ટાગોર અને ઓકામ્પો જીવનના અંત સુધી એકબીજાને ભૂલી શક્યા ન હતાં. ઊલટાનું ટાગોર જીવનનાં અંતિમ ૧૭ વર્ષ વિક્ટોરિયાને લાગણીમય પત્રો લખીને 'લાઈવ કોન્ટેક્ટ'માં રહ્યા હતા.