Opinion Magazine
Number of visits: 9691261
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિવાળીબહેન ભીલ મુખ્ય સિંગર અને અનુરાધા પૌડવાલ કોરસમાં

રશ્મિન શાહ
|Opinion - Opinion|21 May 2016

જેસલ તોરલનાં ‘ગીત પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે…’માં … દિવાળીબહેન ભીલ મુખ્ય સિંગર અને અનુરાધા પૌડવાલ કોરસમાં

ગુરુવારે અવસાન પામેલાં આ મહાન લોકગાયિકાને પદ્મશ્રી ઉપરાંત બીજા ૧૦૦ કરતાં વધુ અવૉર્ડ મળ્યા હતા

૮૩ વર્ષની જૈફ વયે ગુરુવારે લોકગાયિકા દિવાળીબહેન ભીલનું જૂનાગઢમાં અવસાન થયું. પદ્મશ્રીનો ખિતાબ મેળવનારાં દિવાળીબહેન લાંબા સમયથી બીમાર હતાં. લગભગ વીસેક વર્ષથી તો તેમણે ગાયકીનું ક્ષેત્ર છોડીને નિવૃત્ત જીવન શરૂ કરી દીધું હતું. થોડા સમય પહેલાં રાજકોટ આવ્યાં ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘સામાન્ય રીતે ફિલ્મી ગાયનો પર લોકસંગીતની અસર જોવા મળે, પણ હવે ઊલટું થઈ ગયું છે; લોકસંગીત પર ફિલ્મી ગાયનોની અસર દેખાય છે. આ જ કારણે મેં મોટા ભાગના લોકગાયકોના કાર્યક્રમો સાંભળવાના જ બંધ કરી દીધા છે. દેખવું શું અને દાઝવું શું? જોઈને જીવ બાળવો એના કરતાં આ લાઇનથી કપાઈ જવામાં માલ છે.’

દિવાળીબહેન ભીલે ક્યારે ય કલ્પના પણ નહોતી કરી કે તે લોકગાયક બનશે અને ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગ દરમ્યાન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડશે. દિવાળીબહેન ભીલની મહેનત અને તેમની સક્સેસનો મોટામાં મોટો પુરાવો એ છે કે ’૭૦ના દશકમાં રિલીઝ થયેલી ‘જેસલ તોરલ’નું સતી તોરલનું બહુ જાણીતું લોકગીત ‘પાપ તારું પરકાશ જાડેજા…’નાં લીડ સિંગર તે હતાં, જ્યારે અનુરાધા પૌડવાલ એ ગીતનાં કોરસ સિંગર હતાં. દિવાળીબહેન ભીલ માટે જાણીતા લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ કહ્યું હતું, ‘ફૂલ બે પ્રકારનાં હોય. એક, એવું ફૂલ જેની બહુ માવજત કરીને છોડને ઉછેરવામાં આવે અને એ ઊગે અને બધાને એ ગમી જાય. બીજું, એવું ફૂલ કે જે વગડામાં કોઈ જાતની માવજત વિના, દરેક જાતની મોસમનો માર સહન કરીને ઊગે અને બધાનું દિલ જીતી લે. દિવાળીબહેન આ બીજાં પ્રકારનાં ફૂલ જેવાં હતાં. અથાગ મહેનત કરવામાં ક્યાં ય કસર ન છૂટે. મેં તેમની સાથે જ્યારે પણ કાર્યક્રમો કર્યા છે, ત્યારે જે કોઈ સૂચનો આપ્યાં હોય એ સૂચનોને તે પ્રેમપૂર્વક આવકારે અને પછી કાર્યક્રમમાં એનો અમલ પણ ખૂબી સાથે કરે. માના દેહાંત પછી જેમ બાળક લાચાર થઈ જાય, એમ દિવાળીબહેનના અવસાન પછી હવે લોકસાહિત્ય લાચાર થઈ ગયું છે, રાંક થઈ ગયું છે. હવે ગુજરાતી લોકકલાએ પોતાની રીતે અને પોતાની જાતે મોટા થવાનું છે.’

ત્રણ ધોરણ સુધી ભણેલાં દિવાળીબહેન ભીલની એક આગવી ઓળખ હતી. ચહેરાનો પાક્કો કાળો રંગ, માથા પર સાડી અને કપાળે મોટો લાલ રંગનો ચાંદલો. ૧૯૩૪ની બીજી જૂને જન્મેલાં દિવાળીબહેને પોતાનું આ રૂપ ક્યારે ય છોડ્યું નહીં અને ક્યારે ય દેખાદેખીમાં પડ્યાં નહીં. ૧૦ વર્ષની ઉંમરે પણ તે આ જ રીતે જૂનાગઢની ગરબીઓમાં ગરબા ગાવા જતાં અને નવરાત્રિ સિવાયના દિવસોમાં ઘરનું કામ કરતાં. તેમના પિતા પૂંજાભાઈ દરખાણિયા જૂનાગઢના નવાબી રાજમાં ગીરના ફૉરેસ્ટ ઑફિસર હતા એટલે દિવાળીબહેનને જંગલમાં ફરવા જવા મળતું. જંગલમાં ચારણ અને સાધુઓ પાસેથી તે લોકગીતો સાંભળતાં અને સાંભળેલાં એ લોકગીતો ગાવાની ઘરે આવીને પ્રૅક્ટિસ કરતાં.

માત્ર બે દિવસનાં લગ્ન

દિવાળીબહેનનાં લગ્ન રાજકોટ થયાં હતાં, પણ લગ્નના ૪૮ કલાક પછી દિવાળીબહેનના પપ્પા અને સસરાને મતભેદ થયા અને સસરાએ દિવાળીબહેનના પપ્પાને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું. દિવાળીબહેનના પપ્પા ઘરની બહાર નીકળતા હતા, ત્યારે તેમની પાછળ દિવાળીબહેન પણ પહેરેલાં કપડે સાસરું છોડીને નીકળી ગયાં અને એ પછી તે ક્યારે ય સાસરે પાછાં ગયાં નહીં અને આખી જિંદગી ભાઈઓ સાથે રહ્યાં. બીજી વખત મૅરેજ માટે જ્યારે પણ તેમને સમજાવવામાં આવ્યાં ત્યારે તેમણે એક જ વાત કહી કે હવે પછીની આખી જિંદગી ભગવાનની રહેશે. દિવાળીબહેનનાં મૅરેજ જેમની સાથે થયાં હતાં તેમનું અવસાન થઈ ગયા પછી પણ દિવાળીબહેને માથા પર ચાંદલો કરવાનું ચાલુ રાખ્યું હતું.

દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી

દિવાળીબહેન ભણ્યાં ન હોવાથી ભાઈને આર્થિક રીતે મદદ કરી શકાય એ માટે નાની-મોટી નોકરી કરતાં હતાં તેમ જ ડૉક્ટરને ત્યાં દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી હતી. ભણ્યાં ન હોવા છતાં દિવાળીબહેન દવાખાનાનું તમામ કામ કરી જાણતાં હતાં.

દિવાળીબહેનના અવાજને આકાર આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે હેમુ ગઢવી હતા. રાજકોટમાં આકાશવાણી રેડિયો-સ્ટેશન શરૂ થયા પછી, હેમુ ગઢવી સારા લોકકલાકારને શોધતા હતા. આઠ મહિનાની શોધ પછી પણ તેમને કોઈ સારી મહિલા-કલાકાર ન મળી એટલે તેમણે મહિલા-કલાકાર વિના જ કેટલાક પ્રોગ્રામ શરૂ કરી દીધા, પણ એ પછી તેમને દિવાળીબહેનના અવાજ વિશે સાંભળવા મળ્યું એટલે તે જૂનાગઢ ગયા. નવરાત્રિના દિવસો ચાલતા હતા. રાતના સમયે હેમુ ગઢવી વણજારી ચોકની ગરબીમાં દિવાળીબહેનને સાંભળવા બેઠા. એક પછી એક ગરબા શરૂ થયા અને હેમુ ગઢવી આફરીન પોકારી ગયા. એ સમયે દિવાળીબહેનની ઉંમર માત્ર ૧૫ વર્ષની હતી. દિવાળીબહેન સાથે અનેક ફિલ્મોમાં ગીતો ગાનારા જાણીતા લોકગાયક પ્રફુલ્લ દવે કહે છે, ‘એ સમયે હેમુભાઈએ કહ્યું હતું દિવાળીબહેન લોકગાયકીની દિવાળી છે, તે જ્યાં સુધી સ્ટેજ પર રહેશે ત્યાં સુધી લોકગાયકીને કાળીચૌદસ જોવા મળવાની નથી. હું કહીશ કે આજે દિવાળી ગઈ, હવે નવી દિવાળીની રાહ જોવાનું શરૂ કરવાનું છે.’

ગુજરાતના વિશ્વવિખ્યાત ભજનિક પ્રાણલાલ વ્યાસે ગરબી મંડળમાં સાંભળ્યાં ત્યારે તેમને દિવાળીબહેનની ઉંમર નાની લાગી હતી, પણ જ્યારે તેમને ખબર પડી કે દિવાળીબહેન રાજકોટ રેડિયો-સ્ટેશનનાં આર્ટિસ્ટ પણ બની ચૂક્યાં છે ત્યારે તે દંગ રહી ગયા હતા. પ્રાણલાલ વ્યાસે તેમને પોતાની સાથે કાર્યક્રમોમાં લઈ જવાનું શરૂ કર્યું અને દિવાળીબહેનની ડિમાન્ડમાં ઉછાળો આવ્યો. પ્રાણલાલ વ્યાસે જે-તે સમયે દિવાળીબહેન ભીલ માટે કહ્યું હતું, ‘હું જ્યારે તેને સાંભળું ત્યારે મને ઈર્ષ્યા થાય કે ઈશ્વરે મારા ગળામાં આવી સરસ્વતીનો વાસ કેમ નથી આપ્યો? દિવાળીબહેનના કંઠની બુલંદી અને એ બુલંદીમાં રહેલી પ્રામાણિકતા ભલભલા પથ્થર હૃદયને પણ રડાવી શકવાને સમર્થ છે.’

’૭૦નો દશક ગુજરાતી ફિલ્મો માટે સુવર્ણ સમય સમાન હતો. એ સમય દરમ્યાન દિવાળીબહેન ભીલે ગુજરાતી ફિલ્મો માટે ગાવાનું શરૂ કર્યું. ‘મારે ટોડલે બેઠો મોર કાં બોલે’, ‘હું તો કાગળિયાં લખી-લખી થાકી કાનુડો મારા મનમાં નથી’, ‘આપણા મલકના માયાળુ માનવી’, ‘જોડે રે’જો રાજ’, ‘રામનાં બાણ વાગ્યાં, હરિનાં બાણ વાગ્યાં’ … જેવાં અનેક સુપરહિટ ગીતોથી દિવાળીબહેને ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળને ચાર ચાંદ લગાવી દીધા. જો કે એ પછી પણ તેમણે સ્ટેજ-શો બંધ કર્યા નહીં. અરે, સ્ટેજ-શો શું, છેક ’૭૦ના દશક સુધી તેમણે વણજારી ચોકની ગરબીમાં પણ ગાવાં જવાનું ચાલુ રાખ્યું હતું. કામનું ભારણ વધી ગયાં પછી દિવાળીબહેને નિયમ રાખ્યો હતો કે નવરાત્રિના નવમાંથી એક દિવસ તો તે જ્યાં પણ હશે ત્યાંથી ગરબીએ જઈને ગરબા ગાઈને માની આરાધના કરશે. દિવાળીબહેન ભીલ કહેતાં, ‘જે મન થાય એ કરવું. મને રૂપિયા કમાવાનું મન નથી થતું એટલે હું એ નથી કરતી. જે દિવસ એવી ઇચ્છા થશે ત્યારે એ ય કરીશ, પણ અત્યારે તો મને માતાજીને ભજવાં ગમે છે એટલે એના પર જ ધ્યાન આપું છું.’

૧૯૯૦માં દિવાળીબહેનને રાષ્ટ્રપતિ આર. વેન્કટરમનના હસ્તે પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવ્યો. ૭૦૦થી વધુ લોકગીતો કંઠસ્થ રાખનારાં અને ૧૦૦થી વધુ ફિલ્મી ગીતો ગાનારાં દિવાળીબહેન એ અવૉર્ડ પછી રડ્યાં હતાં. આ અવૉર્ડ દિવાળીબહેને તેમના ભાઈઓને આપ્યો હતો અને આપતી વખતે મીડિયાની હાજરીમાં કહ્યું હતું, ‘જો આ કોઈનો સહકાર ન હોત તો ક્યારે ય હું મારું કામ કરી શકી ન હોત. જે સમયે દીકરીને ઘરની બહાર ન જવા દે એ સમયે મારા ભાઈઓ અને બાપુજીએ મારા પર વિશ્વાસ રાખીને મને બહાર જવા દીધી. પદ્મશ્રીના ખરા હકદાર તો આ સૌ છે.’ ૧૫ જેટલા દેશમાં પ્રોગ્રામ કરનારાં દિવાળીબહેન ભીલને પદ્મશ્રી ઉપરાંત પણ ૧૦૦થી વધુ અવૉર્ડ મળ્યા હતા.

સૌજન્ય : ‘સ્પેશ્યલ સ્ટોરી’ નામક કોલમ, ‘સેટરડે સ્પેિશયલ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 21 મે 2016

http://www.gujaratimidday.com/features/saturaday-special/saturday-special-21052016-10

Loading

સાંધ્યતેજ

સુશીલા સૂચક|Opinion - Opinion|20 May 2016

તપસ્વીઓ સામસામા મળે ત્યારે પૂછે, नमो नम: |  किं वर्धते तप: | આવા વધી રહેલાં તપયુક્ત તપસ્વીનું નામાભિધાન 'તાપોવૃધ' થાય. વિદ્વદ્દવર્યને 'જ્ઞાનવૃદ્ધ' કહીએ. જીવનના સંઘર્ષો અને અવરોધોનો સામનો કરીને પક્વ થયેલા, અનુભવ અને જ્ઞાનસહિત વયના સોપાનો વટાવી ગયા તે ‘વયોવૃદ્ધ’! પર્યાય રૂપે ‘અનુભવવૃદ્ધ’ પણ કહી શકીએ. વયની સમાંતર અનુભવની વૃદ્ધિ થતી જ રહે છે. વ્યક્તિએ વ્યક્તિએ પોતાના અનુભવનો અંગત ખજાનો સ્મૃતિમંજૂષામાં સંગોપાઈને પડ્યો હોય છે. નિત્ય નવીન રંગપૂર્તિથી અનુપમ સ્વરૂપ ધારણ કરતી ઢળતા સૂરજની સંધ્યા સમાન વૃદ્ધોની વયની, અનુભવસમૃદ્ધિની રંગોળીની-સાંધ્યતેજની વાત કરવી છે.

સંસાર સાગરના નાનાવિધ તરંગો, ભરતી અને ઓટ જેવા પ્રસંગોની ભરમારમાં વહેતા રહ્યા. આડે અવરોધોને અતિક્રમીને કે ક્યારેક તેને આધીન થઈને, સુખદુખ, આનંદ-વિષાદનાં દ્વંદ્વને અનુભવતાં અનુભવતાં કિનારાની સમીપની સ્થિતિએ તો પહીંચી ગયા. વયાનુસાર શૈથિલ્ય અને કાર્યક્ષમતામાં ક્ષીણતા તો સહજ જ આવે. અનેક કાર્યો એકસાથે કરી શકતા, હવે એ વિષે વિચાર કરતા ય જાણે શ્રમ પડે છે. પરંતુ નિષ્ક્રિયતા તો ન જ પાલવે. નિષ્ક્રિયતા આરામ નહીં પરંતુ અનેક તકલીફોનું કારણ બની શકે. આપણે અનુભવોનાં સ્મરણોનો પટારો ખોલીએ. આપણે જ આપણા માર્ગદર્શક બનીએ. ઊંધું માથું ઘાલીને કામકાજની ચુંગાલમાં સપડાઈને કેટકેટલી મનીષાને ધરબી દીધી હતી ? આવડત હોવા છતાં સમયાભાવે કેટકેટલી મનગમતી પ્રવૃત્તિથી દૂર રહ્યા છીએ અથવા તો ક્યાં ક્યાં પ્રવાસે નહોતા જઈ શક્યા? મનસા, વાચા કર્મણાથી સમાજમાં અભાવયુક્ત અને યાતનાગ્રસ્ત માણસોને જોઈ દ્રવિત તો થવાયું અને તેના માટે કંઈક કરવાની ઈચ્છા માત્ર ‘મનસા’થી જ અટકી જવાયું. ફંફોસતા ફંફોસતા તો કંઈક કેટલું ય જડશે. એક કહેવત અનુસાર “મોતી સર્વે વેરાઈ ગયા ને હીરલો લાગ્યો છે હાથ” આવી હીરા જેવી એક પ્રવૃત્તિ મળી જાય તો ય અતિ ઉત્તમ ! હીરલાને જેમ પાડીએ કે પડાવીએ તો જીવન શણગારાઈ જાય, ભર્યું ભર્યું થઇ જાય.

સર્વસામાન્ય રીતે કેટલીક વાતો એવી છે કે જે દરેકના અનુભવમાં બની હોય. કૌટુંબિક જીવનમાં બાળકો ભણીગણી વ્યવસાયે વળગ્યા હોય અને પોતાના ગૃહસ્થાશ્રમમાં વ્યસ્ત હોય ત્યારે દ્રષ્ટાભાવ કે સાક્ષીભાવથી કેળવી શબ્દકોષ બની જવું. અર્થાર્થી બાળકોને સામેથી પ્રશ્ન લઇ આવે તો આવવા દેવા. બાળકો દૂર હોય કે સાથે વસતા હોય, બન્ને સ્થિતિમાં સમભાવ કેળવી શકીએ તો સાર્થક. પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રી સાથે સ્નેહસેતુ વધુ પ્રબળ રીતે બંધાતો હોય છે. આપણા બાળકોને  સમય ન આપી શકવાનું સાટુ એમના બાળકોને સાચવી લેવામાં વળી જાય. આપણને પણ બાળક બની જઈ આનંદ મળે એ વધારામાં. જેમ અન્ય સંબંધોમાં એક લક્ષ્મણરેખા હોય તેમ અહીં પણ ખરી જ. માબાપ અને દાદાદાદીની રીતિ-નીતિમાં એક સૂક્ષ્મ અંતરપટનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે. એની ઋજુતાને જરા ય ઠેસ ન પહોંચે તો ભયોભયો !

જીવનમાં મૈત્રી એ અગત્યનું અને અનિવાર્ય પાસુ છે. બાલ્યાવસ્થાથી માંડી વૃદ્ધાવસ્થા પર્યંત જુદાજુદા તબક્કે મિત્રતા અને મિત્રોમાં પણ વિવિધતા પ્રવર્તતી હોય. શાળાના, કોલેજકાળના, વ્યાવસાયિક સમયના, વૈવાહિક જીવનકાળના સર્વ કાળખંડોમાં મિત્રોનું વૈવિધ્ય સ્વાભાવિક હોય છે. બાળપણથી વૃદ્ધાવસ્થા સુધીના આ વિવિધ સ્તરોની મિત્રતા જીવનભર ટકી રહે તેવું જવલ્લે જ કોઈ વિરલાના જીવનમાં જ બનતું હશે. અકારણ, સકારણ કે ગેરસમજને લીધે મિત્રતામાં તડ પડતા વાર લાગતી નથી. ક્યારેક સમજની કે બૌદ્ધિક સ્તરની અસમાનતા વગેરેથી પણ મિત્ર કે મિત્રતા સીમિત બની જતી હોય છે. મિત્રતા એ વૃદ્ધાવસ્થાની મોટી મૂડી છે. આપણી ક્ષમતાની, ક્ષતિઓની, અતીત વાગોળતી અને ક્યારેક ગાંડી ઘેલી વાતોને સાંભળવા આ વ્યસ્ત સમાજમાં મિત્ર સિવાય કોણ નવરું હોય ? ખોટું કરતાં વારનાર પણ મિત્ર જ ! મિત્રની વ્યાખ્યા કરતું સુંદર સુભાષિત છે.

पापान्निवारयति योजयते हिताय
गुह्यं च गुहति गुणान्प्रकटी करोति |
आपद्गतं च न जहाति ददाति काले
सन्मित्रलक्षणमिदं प्रवदन्ति संत: |    

પાપમાંથી છોડાવે, હિતાર્થ કાર્ય કરે, ખાનગી વાતોને ગુપ્ત રાખે, દુ:ખ સમયે છોડી ન દે, જરૂર પડ્યે સહાય કરે એને સત્પુરુષો સન્મિત્ર કહે છે. સૌને આવા સન્મિત્ર મળે એવી શુભ ભાવના રાખીએ.

अतिपरिचयात अवज्ञा | એ ન્યાયની વાત કરીએ. આ પરિસ્થિતમાં ઘરમાં જ ઉપેક્ષા થતી અનુભવાય એ અતિ દુખ:દ હોય છે સહન કરવું સહેલું નથી. અહીં આંતરખોજ કરતાં રહેવું જોઈએ. ઘરની વ્યક્તિઓનો પ્રેમ અને આપણી અપેક્ષા એ બેમાં આપણી અપેક્ષાનું પલડું ભારી તો નથી થઇ જતું ને ? આવા અવરોધના ઉંબરા ધીરે ધીરે પર્વત થઇ જતા પ્રશ્નો માટે ચાલશે, ફાવશે, ગમશે આ ત્રણ જડીબુટ્ટીનો પ્રયોગ અકસીર ઈલાજ છે. શ્રીમદ્દ ગીતામાં દર્શાવેલ ઉદાસીનવૃતિ કે સ્થિતપ્રજ્ઞતા કેળવવી એ જ પ્રાજ્ઞ લોકોનું કામ છે.

વળી, નિરામય રહેવા પણ પ્રયત્ન કરતાં રહેવું જોઈએ. મીતાહાર, ક્ષમતાનુસાર ચાલવું, વ્યાયામ, યોગાસનોને અપનાવીએ. આમ છતાં લાંબી મજલ કાપી ચૂકેલું દેહયંત્ર મોટી કે લાંબી માંદગીમાં પટકાય તો અવગણનાનો ખાસ અવકાશ રહે. આ સમયે સમતા વૃતિ જ સાથ આપે. सदा मे समत्वं | ‘जातस्य हि ध्रुवो मृत्यु’  પ્રમાણે જીવનસંધ્યા સમયે બેમાંથી એક તારલો ખરી પડે ત્યારે એકલતાનો ખાલીપો સહ્ય થઇ શકે તે માટે આપણી કોઈ ગમતી પ્રવૃતિમાં પરોવાવાની પહેલેથી તૈયારી આવશ્યક છે. ધ્રુવ તારો આકાશમાં એકલપંથી હોવા છતાં સ્વયં પ્રકાશના બળે અન્યનો પણ પથદર્શક બની રહે છે ને !

આદિ શંકરાચાર્ય કહે છે ને કે काल:क्रीडति गच्छति आयु, तदपि न मुञ॒चति आशावायु | વળી એમ પણ કહેવાયું છે કે कालो न याति वयमेव याता |  કાળ સરતો નથી પરંતુ આપણે જ અંત તરફ ગતિમાન હોઈએ છીએ. કાળની ક્રીડાના પ્રવાહમાં આયુ વહી જાય છે. જીવન અને આશાનો અવિનાભાવિ સંબંધ છે. પરંતુ આશાને ય પોતાના અનેકવિધ રંગો છે. જેમ સૂર્ય સંધ્યા સમયે પોતાના રંગોની ઝોળી ખાલી કરી, આકાશને રંગથી ભર્યું ભર્યું બનાવી દે છે તેમ અને ધરતી પરથી તેને જોનારના હૃદયને પણ રંગમય બનાવી દે છે. એવી જ રીતે વૃદ્ધાવસ્થાની ઝોળીમાં સાચવીને રાખેલાં રંગોને લૂંટાવી, ગમતાનો ગુલાલ કરી, નિર્ભાર થઇ, એય … ને હાલતા થવું.

એ રામ રામ ……

તા.૧૨.૦૨.૨૦૧૬

e.mail : Sushila.suchak@gmail.com

Loading

રે, જળશોષ!

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|20 May 2016

તમે ગુજરાત થયા તેથી શું થયું, એફિડેવિટ રજૂ ન કરો તે કેમ ચાલે : હજુ ગયે મહિને જ સ્વરાજ અભિયાનની ડ્રાઉટ કહેતાં જળશોષ (કર્ટ્‌સી ચંદ્રકાન્ત ટોપીવાળા, વાયા રોહિત શુક્લ) વિષયક જનહિત યાચિકા સંદર્ભે સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને ઘઘલાવી હતી. હવે સુનાવણી પૂરી થઈ અને સર્વોચ્ચ અદાલતે જ આદેશવચનો ઉચ્ચાર્યાં છે તે મુજબ રાજ્ય સરકાર જળશોષ મોરચે ઊંઘતી ઝડપાયા જેવી છે, અને પાંચ જિલ્લા મળી આખાં ૯૯૪ ગામોમાં અછત કે અર્ધ અછત જાહેર કરી તે રાહત રાહત રમે છે. આ અછત અને અર્ધ અછત, સર્વોચ્ચ અદાલતના દો ટૂક શબ્દોમાં રાજ્ય સરકાર ગેરમાર્ગે દોરી શકતા શબ્દછળથી વિશેષ નથી.

બે શબ્દો પાડવા તો હતા કથિત ‘અચ્છે દિન’ સરકારની બેવરસી નિમિત્તે, પણ સર્વોચ્ચ અદાલતનાં જળશોષ નિરીક્ષણોનું સ્મરણ સ્વાભાવિક જ પ્રાથમિકતાને ધોરણે થઈ આવ્યું. યોગેન્દ્ર યાદવ અને પ્રશાન્ત ભૂષણના સ્વરાજ અભિયાને ડિસેમ્બર ૨૦૧૫ અધવચ આ જનહિત યાચિકા કરી હતી અને સાડા ચાર મહિનાના વિક્રમ ગાળામાં, ખાસા ચાલીસ કલાક ફાળવીને સર્વોચ્ચ અદાલતે ચોક્કસ નિર્દેશો આપ્યા છે. સંસદ અને વિધાનગૃહોએ મળીને આ સાડા ચાર મહિનામાં જળશોષને લગતી ચિંતા અને ચર્ચામાં ખરચેલા કુલ કલાકો કરતાં સર્વોચ્ચ અદાલતે ફાળવેલો સમય વધુ છે. આ બે વિગતોની સહોપસ્થિતિ પછી આપણા રાજકારણની ભળતીસળતી પ્રાથમિકતાઓ વિશે જુદેસર કહેવાનું રહેતું નથી.

સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે રાજ્યોને સાવધ કરવાની જવાબદારી કેન્દ્રની હતી જે પળાઈ નથીઃ બે વરસને અંતે ‘ગવર્નન્સ’નાં ધોરણો વિશે આ એક મુખર વિગત અવશ્ય છે. ગુજરાતમાં વરસોવરસ આ પ્રશ્ન છેલ્લા દોઢ દાયકા દરમિયાન ઉગ્ર બનતો આવે છે. જે ગુજરાત મોડલ વેચી વેચીને મે ૨૦૧૪માં કેન્દ્ર સરકાર બની એનું આ દુર્દૈવ વાસ્તવ છે.

ગુજરાત સરકારનું આ વર્ષોનું સરવૈયું ઉપરાછાપરી ઈવેન્ટ ઉજવણાંનું રહ્યું છે. નેતૃત્વયોગની પરિભાષા હવે કર્મેષુ કૌશલમ્‌ નહીં પણ ઇવેન્ટેષુ કૌશલમ્‌ રૂપે ઉભરી રહી છે, ઈવેન્ટ મેનેજમેન્ટ તે કશું વાસ્તવમાં સિદ્ધ કર્યાની ઉજવણી કરતાં વધુ તો ઉજવણી પોતે જ એક સિદ્ધિ લેખાય એવો એક મનોવૈજ્ઞાનિક બેત અહીં અજમાવાતો રહ્યો છે.

ઈવેન્ટ મેનેજમેન્ટને અતિક્રમતી કોઈ વિશેષ ઓળખ અગર લબ્ધિ હાલની કેન્દ્ર સરકારને નામે જમે બોલતી જણાતી નથી. ચિત્ર ગયે વરસે અરુણ શૌરીએ ‘કૉંગ્રેસ વત્તા ગાય’ એ શબ્દઝુમખામાં આબાદ મૂક્યું હતું એના કરતાં વિશેષ જુદું નથી.

હમણેના દિવસોમાં ‘ઇન્ડિયા ટુડે’ માટે કરણ થાપર સાથે વાત કરતાં શૌરીએ હાલના નેતૃત્વને નાર્સિસસિસ્ટ (આત્મરતિયુક્ત), રિમોર્સલેસ (પ્રશ્ચાત્તાપશૂન્ય) અને મેકિયાવેલિયન (કૂડકપટશાઈ) કહેતાં સંકોચ નથી કર્યો. જ્યાં સુધી કાર્યશૈલીનો સવાલ છે, શૌરીના નિરીક્ષણ મુજબ આપણે એક એવી પ્રમુખશાહી સરકાર ભણી ખેંચાઈ રહ્યા છીએ, જેમાં કોઈ અંકુશ અને સમતુલાની મુદ્દલ સોઈ નથી. સરવાળે, બાકીનાં ત્રણ વરસ નીચેથી ઉપર હર સ્તરે ધાક અને ભીતિનાં, નાગરિક અધિકારોના સતત સંકોચનનાં અને અણગમતા અવાજોને રૂંધવાની કોશિશનાં બની રહેશે.

વડાપ્રધાનપદ માટે એક તબક્કે મોદીની હિમાયતમાં જેમની અગ્રભૂમિકા રહી હતી તે શૌરીનાં આ નિરીક્ષણોમાં શું વાંચીશું ? એમની પ્રખર બુદ્ધિમત્તા, સરકારમાં ને અન્યથા જાહેર કાર્યાનુભવ જો જમાપક્ષે છે તો સત્તાની બહાર મૂકાયેલા તરીકે એમની પ્રતિક્રિયામાં સંમિશ્રતા જોવાનોયે અવકાશ છે. પણ એના કેટલાક ટકા માનો કે બાદ કરીએ તો પણ પેલો સવાલ તો ઊભો જ રહે છે, અચ્છે દિન ક્યાં? ક્યારે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 01

Loading

...102030...3,6253,6263,6273,628...3,6403,6503,660...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved