Opinion Magazine
Number of visits: 9768645
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

NRG, RG અને ગુજરાતી સાહિત્ય

બાબુ સુથાર|Opinion - Literature|25 January 2017

ગુજરાતી સાહિત્ય પર અત્યારે જો સૌથી મોટો ખતરો હોય તો ક્ષમતા વિના સાહિત્યકાર બનવા નીકળી પડેલા NRGઓનો અને એ NRGઓને સાહિત્યકાર બનાવવા નીકળી પડેલા ગુજરાતી સાહિત્યના કેટલાક ફેરિયાઓનો. આ NRGઓ પાસે સાહિત્યસર્જન માટે જોઈએ એવી કોઈ સજ્જતા નથી હોતી. એમનામાં કલ્પનાશક્તિનો ભારોભાર અભાવ હોય છે. એટલું જ નહિ, એમની પાસે જ કંઈ કલ્પનાશક્તિ હોય છે એમાં આપણી વાસ્તવિકતાનું વિશ્લેષણ કે વિવેચન કરવાની કોઈ ક્ષમતા નથી હોતી. એ લોકો મોટે ભાગે તો અગાઉના નીવડેલા સર્જકોની કલ્પનાશક્તિનું નબળું recycling જ કરતા હોય છે. એમને ગુજરાતી સાહિત્યમાં અત્યારે શું ચાલી રહ્યું છે એની ભાગ્યે જ કશી જાણ હોય છે. અભ્યાસનો અભાવ એમના માટે ‘શામળો ધરેણું’ બની ગયું હોય છે. જેમ ગુજરાતમાં છે એમ અહીં પણ ગીતગઝલનો રોગચાળો ફાટી નીકળેલો છે અને એ રોગચાળોમાં જેમ ગુજરાતમાં છે એમ નરસિંહ, બાઈ મીરાં, કબીર ને એવું બધું અર્થાત્ ભેળપુરી જેવું આધ્યાત્મિક તત્ત્વ આવ્યાં કરતું હોય છે. આ લોકોને એ વાતની ખબર જ નથી હોતી કે રમેશ પારેખ, ચિનુ મોદી કે આદિલ પહેલાં પણ ગુજરાતી સાહિત્ય હતું. આ NRGઓના recyclingમાં ગુજરાતી ભાષાને કે ગુજરાતી સાહિત્યને પોષવાની કોઈ ક્ષમતા હોતી નથી. કેમ કે એ પોતે જ પરોપજીવી હોય છે. એને કારણે એ લોકો જે સર્જન કરતા હોય છે એનાથી ગુજરાતી સાહિત્યના ઉકરડાની લંબાઈપહોળાઈ અને ઊંચાઈ સતત વધ્યા કરતી હોય છે.

આ NRGઓના કથાસાહિત્યમાં પણ ન તો સામગ્રીનું ઠેકાણું હોય છે, ન તો આકારનું. એમની મોટા ભાગની સામગ્રી ચીલાચાલુ હોય છે. ક્યારેક એના પર અમેરિકાનું મરચુંમીઠું ભભરાવેલું હોય ખરું. મંછીબેન ગુજરાતમાં હતાં ત્યારે બસસ્ટેશન પર ઊભાં રહેતાં હતાં અને કોઈક મોહનભાઈના પ્રેમમાં પડતાં હતાં (ઊભાં રહે તો પણ પડે!) હવે અહીં એ ગાર્ડનમાં ઊભાં રહેતાં હોય છે. પણ એમનું પડવાનું, અલબત્ત પ્રેમમાં, હજી ચાલું રહ્યું છે. આ લોકો ક્યારેક વિષય નાવિન્ય લાવવા માટે હબસી માણસને પોતાની કથાનો નાયક બનાવે અને એને અને કોઈક ગરવી ગુજરાતણ વચ્ચે પ્રેમ કરાવે. ક્યારેક હબસીને બદલે કોઈક ગોરાને લઈ આવે, ક્યારેક ગરવી ગુજરાતણ વૃદ્ધા પણ હોય. એનાં સંતાનો એની કાળજી ન લેતાં હોય અથવા લેતાં હોય તો પણ એને જીવન એકાકી લાગતું હોય વગેરે વગેરે મસાલા કથાઓમાં આવે છે એવો જ મસાલો આ કથાસાહિત્યમાં પણ. ફરક માત્ર એટલો કે એ મસાલો અમેરિકામાં વેચાયેલો પણ મેઇડ ઇન ચાઇનાની ઘંટીમાં દળેલો હોય છે.

સામગ્રીની વાત તો જાણે સમજ્યા પણ આકાર? એ કઈ બલાનું નામ છે. એક વાર એક આવા NRGની વાર્તા વાંચી મેં કહેલું કે તમે અહીં પ્રથમ પુરુષને બદલે ત્રીજો પુરુષ વાપરો તો તમારી વાત વધારે સ્પષ્ટ બને. તો એ કહે, ‘મેં ક્યાં ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું છે?’ એ સર્જકને એમ જ હતું કે આવી બધી કાળજી ગુજરાતી વિષય સાથે એમ.એ. કરેલા લેખકો જ લે! પછી એમણે એમ પણ ઉમેરેલું કે મેં આ વાર્તા મારા ફેઇસબુક પર મૂકી તો ચારસો માણસોએ Like કરેલું અને તેમ કહો છો કે આ વાર્તા નબળી છે? ફેઇસબુકના જમાનામાં વિવેચકના સ્થાન પર એક અલગ લેખ જ લખવો પડશે. અત્યારે તો એમ લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં, અને કદાચ બીજા સાહિત્યમાં પણ, ફેઇસબુક સંપ્રદાય ફૂલ્યોફાલ્યો છે. એ સંપ્રદાયના મોટા ભાગના સભ્યો પાછા NRG છે.

આ લોકો પાસે કથનશાસ્ત્રની કોઈ સભાનતા નથી હોતી. કોઈક મંછીબેન બગીચામાં ઉદાસ બેઠાં હોય ત્યારે પવન કેમ મંદ મંદ વાતો હશે એવો પ્રશ્ન આપણને થાય. એ વખતે આકાશ પણ સ્વચ્છ હોય. અમેરિકામાં કોયલ નથી એટલે સારું છે. નહીં તો દર બે કે ચાર પાને એકાદ વાર કોયલ બોલતી હોત. એમનું પાત્રાલેખન પણ બીબાંઢાળ. એવું લાગે છે કે આ બધા લેખકોએ બધા મળીને બે કે ચાર જ સ્ત્રીઓ કે બે કે ચાર પુરુષો જ જોયા હશે. હા, આ પાત્રોની નોકરીઓમાં વિવિધતા ઘણી જોવા મળે. પણ, એમાંથી ય જે તે નોકરીઓની વિશિષ્ટતા તો ગાયબ જ હોય.

આ સર્જકોની ભાષાનું વ્યાકરણ જોઈને આત્મહત્યા કરવાનું મન થઈ આવે. જો કે એ બાબતમાં આપણા RG સાહિત્યકારો પણ પાછા પડે એવા નથી એની નોંધ લેવી પડે. આ લોકોનાં લખાણોમાં અનુસ્વાર યાદૃચ્છિક વિહાર કરતાં હોય. આખરે પશ્ચિમની સંસ્કૃિત સ્વતંત્રતામાં માને છે એટલે આ લોકો એનો લાભ અનુસ્વારને પણ આપે. હ્રસ્વ દીર્ઘ સાથે પણ આ લોકો એવો જ વ્યવહાર કરતા હોય છે. અમારા એક મિત્રે કહેલું કે બાબુભાઈ, હું હ્રસ્વ અને દીર્ઘને સરખી તક આપતો હોઉં છું. એક વાર ‘દીપ’ લખું તો બીજી વાર ‘દિપ’ લખું. આ માનવતાવાદ મોટા ભાગના NRGઓનાં લખાણમાં સોળે કળાએ ખીલેલો જોવા મળે. આ લોકોને કર્તા ક્યારે પડતો મૂકી શકાય એ વિશે ખબર નથી હોતી. એમનાં લખાણોમાં આવતો ભૂતકાળ આપણાં છાપાંમાં કે આપણાં અન્ય સમૂહમાધ્યમોમાં આવે એવો હોય છે. એમાં નજીક અને દૂરની ઘટનાઓ વચ્ચે ભાગ્યે જ ભેદ દેખાય. આ લખાણો ક્યારેક તો એટલાં બધાં કૃતક લાગતાં હોય છે કે એમને વાંચવા માટે સહૃદયની નહીં સહિષ્ણુ વ્યક્તિની જરૂર પડે.

ઘણા NRGઓ પાછા પત્રકારો પણ છે અને કટારલેખકો પણ. એમનાં લખાણોમાં કશું ઊંડાણ જોવા ન મળે. એ લોકો મોટે ભાગે તો અમેરિકામાં ઉતરાણ કઈ રીતે ઉજવાઈ કે રાવણદહન કઈ રીતે થયું એવા વિષયો પર લખતા હોય છે અને એ લેખોમાં ઊડતા પતંગ કે ભડ ભડ બળતા રાવણના ફોટાઓને બદલે અમેરિકન ભારતીય સમુદાયના નેતાઓના ફોટા, એ પણ એમની પત્નીઓ સાથે વધારે હોય છે. આવા લેખો છાપતાં સામયિકો અને છાપાં પણ કદાચ એટલું જ બતાવવા માગતાં હશે કે અમેરિકામાં પણ આપણી ભવ્ય સંસ્કૃિત ટકી રહી છે.

આ NRGઓને સાહિત્યકાર બનવું છે. એમાંના કેટલાક નિવૃત્ત થઈ ગયા છે. બીજું કંઈ કામ કરવાનું નથી. એમાંના ઘણા લોકો ગૌરવભેર કહેતા હોય છે કે હવે હું નિવૃત્ત થઈ ગયો છું, મારે બીજું કંઈ કરવાનું નથી એટલે મેં સાહિત્યમાં રસ લેવા માંડ્યો છે. મેં મુક્તકથી શરૂઆત કરી છે અથવા તો મેં હમણાં મારો બ્લોગ શરૂ કર્યો છે. તાજેતરમાં જ મેં ભારતની ભવ્ય સંસ્કૃિતમાં વેદૌપનિષદના સ્થાન પર એક નોંધ લખી છે. તો વળી ઘણા NRG પાસે નવરાશનો સમય વધારે હોય છે. એમણે મૂડી રોકાણ એ રીતે કરેલું હોય છે કે આવકનો પ્રવાહ ચાલુ રહે. એ પોતે ‘નજર રાખે’, કામ બીજા કરે. એ લોકો પણ નવરાબેઠા ગુજરાતી સાહિત્યનું નખ્ખોદ વાળવામાં પોતાનું પ્રદાન કરતા હોય છે. એ પણ લખે પાછા આપણને કહે કે મેં ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું નથી પણ હું લખું છું. કોણ જાણે કેમ આ લોકોના મનમાં એવું ઘુસી ગયું છે કે ગુજરાતી વિષય સાથે એમ.એ. કરે એને જ સાહિત્ય લખતાં આવડે. એ લોકો પણ કાં તો મુક્તકથી, કાં તો લઘુકથાથી, કાં તો વાર્તાથી, કાં તો ગીત કાં તો ગઝલથી શરૂઆત કરે અને પહેલાં બ્લોગ પર જાય. સગાંવહાલાં મિત્રો ત્યાં એમનાં લખાણનાં વખાણ કરે. એ સાથે જ બંગલામાં રહેતા એ NRGઓ છાપરે ચડી જાય. સાલા મેં તો સાહિત્યકાર બન ગયા.

જ્યારે કોઈ મને કહે કે સાહિત્ય મારી ‘હૉબી’ છે ત્યારે મને એના પર અપાર ગુસ્સો આવતો હોય છે. માણસ જાત જે કટોકટીનો સામનો કરી રહી હોય એ કટોકટીના કોઈક એક પાસાને વ્યક્ત કરવાની વાત ‘હૉબી’ કઈ રીતે હોઈ શકે? સાહિત્ય એક ગંભીર પ્રવૃત્તિ છે. એ નવરા બેઠા નખ્ખોદ વાળવાની પ્રવૃત્તિ હોઈ શકે જ નહીં. આ હું લખી રહ્યો છું એ મારી ‘હૉબી’ નથી. હું જોઈ શકું છું કે મારી ભાષામાં એક પ્રકારની કટોકટી પ્રવર્તી રહી છે. એમ હોવાથી મારું કામ એ કટોકટીનું વિશ્લેષણ કરવાનું છે. કોઈને કદાચ આ કટોકટી એક ઓચ્છવ પણ લાગતી હોય. મને એની સામે વાંધો નથી. અલબત્ત, હું એટલી અપેક્ષા જરૂર રાખું કે આ પરિસ્થિતિ કઈ રીતે ઓચ્છવ બને છે એ મને એ સમજાવે. ટૂંકમાં, મોટા ભાગના NRG લેખકો માટે સાહિત્ય નવરા બેઠા કરવાની પ્રવૃત્તિ છે અને એમાંના મોટા ભાગના માને છે કે નવરા બેઠા કરવામાં આવતી આ પ્રવૃત્તિ આપણને સર્જક તરીકેની ઓળખ અવશ્ય અપાવશે. જો નહીં અપાવે તો આપણે એને ‘વેચાતી’ ખરીદી શકીશું.

આ NRGની નબળી સાહિત્યિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપનારા RG સાહિત્યકારોના પણ કોઈ તોટો નથી. હકીકતમાં તો એવા RGઓની એક નાત ઊભી થઈ ગઈ છે. એ અહીં આવતા હોય છે, સાહિત્યકાર બનવા ઉત્સુક NRGઓને મળતા હોય છે અને પછી એમનાં પુસ્તકો પ્રકાશમાં આણવાનું કામ કરતા હોય છે. આ કામ કરતાં પહેલાં એ લોકો જે તે સર્જકની સર્જકતાને ભાગ્યે જ ધ્યાનમાં લેતા હોય છે. એઓ મોટેભાગે તો એમની આર્થિક સદ્ધરતાને વધારે ધ્યાનમાં લેતા હોય છે. એક વાર આવા સર્જકોનાં પુસ્તકો પ્રગટ કરવાનું નક્કી થઈ જાય પછી એ લોકો પુસ્તકની પ્રસ્તાવના લખવાનું કે લખાવવાનું સ્વીકારી લેતા હોય છે. ઘણા લેખકો અમુકતમુક લેખકો પાસે જ પ્રસ્તાવના લખાવવાનો આગ્રહ રાખતા હોય છે અને એ અમુકતમુક લેખકો પણ મોટે ભાગે તો લોભથી ને ક્યારેક પરોપકારવૃત્તિથી પ્રસ્તાવનાઓ લખી આપતા હોય છે. ક્યારેક મને થતું હોય છે કે આપણે પ્રસ્તાવના લેખકોની એક અલગ કોટિ સ્વીકારવી જોઈએ. NRGઓનાં પુસ્તકોની પ્રસ્તાવનાઓનો કોઈકે અભ્યાસ કરવા જેવો ખરો? એ પ્રસ્તાવનાઓ કોણે લખી છે? ક્યારે લખી છે? એમનો આશય શો છે? જેવા પ્રશ્નો પૂછાવા જોઈએ. ઘણા પ્રસ્તાવનાલેખકો ગોળ ગોળ, પોતે પકડાઈ ન જવાય એ રીતે પ્રસ્તાવનાઓ લખતા હોય છે. એવી પ્રસ્તાવનાઓની કોઈકે તપાસ કરવી જોઈએ. એમાં ‘એકંદરે’ જેવા શબ્દોનું વર્ચસ્વ જોવા મળશે. ઘણા પ્રસ્તાવનાલેખકો કવિ મોટલ ચલાવે છે છતાં કવિતા લખે છે, અથવા તો કવિ પોતે ડૉક્ટર છે છતાં એમણે વિદેશી ભૂમિ પર ગુજરાતી ભાષાનું સર્જન કરવાનું સ્વીકાર્યું છે એમ કહીને જે તે કવિનાં વખાણ કરતા હોય છે. આવાં વખાણોમાં propositional truth જવલ્લે જ જોવા મળે. એમાં મોટેભાગે તો સુગંધ વગરનાં પુષ્પો વેરાયેલાં જોવા મળે.

પ્રસ્તાવના અને ક્યારેક તો પ્રસ્તાવનાઓ પછી એ પુસ્તકના પ્રકાશનમાં RGઓનો બહુ મોટો ફાળો હોય છે. કેટલાલ RGઓ આ NRGઓનાં પુસ્તકો પ્રકાશકો પાસે છપાડાવતા હોય છે. આપણા પ્રકાશકો પણ NRGનું પુસ્તક જોતાં જ એને પ્રગટ કરવા તૈયાર થઈ જતા હોય છે કેમ કે એમને ખબર હોય છે કે આવાં પુસ્તકો પ્રગટ કરતા પહેલાં જ વેચાઈ જતાં હોય છે. પેલા NRGઓ એમને જે તે પુસ્તકના ઉત્પાદનનો ખર્ચ અગાઉથી આપી દેતા હોય છે. આવા પ્રકાશકો વાસ્તવમાં તો એમની સામાજિક જવાબદારી ભૂલી જતા હોય છે. એમણે એ વાત વિશે વિચાર કરવો જોઈએ કે પુસ્તક પ્રગટ કરવું મહત્ત્વનું છે કે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવાનું વધારે મહત્ત્વનું છે. આપણા પ્રકાશકો હજી દેશી ઘંટીવાળા જેવા છે. અનાજ દળાવા જાઓ એટલે દળવાના પૈસા તો લે પણ ઉપરથી લોટ પણ કાપી લે. એ લોકોમાં હજી જોઈએ એટલો વ્યવસાયિકતાવાદ આવ્યો નથી. એટલે જ તો જે તે પુસ્તક પ્રગટ કરવા જેવું છે કે નહીં એ બાબતનો નિર્ણય એ લોકો પોતે જ લેતા હોય છે. એમની પાસે કોઈ editorial board જેવું કશું નથી હોતું. એટલું જ નહીં, એમના પ્રૂફ રીડર્સ પણ નબળા હોય છે. એટલું જ નહીં, એમની પાસે કૉપી એડીટર્સ પણ નથી હોતા. એટલે પેલો NRG નબળાં વાક્યો લખે તો એ વાક્યો જેવાં છે એવાં જ છપાઈને બહાર આવી જતાં હોય છે.

આ RG સાહિત્યકારો કેવળ પ્રકાશન કે પ્રસ્તાવના પૂરતા જ મર્યાદિત નથી રહેતા. એ એમના ઘરાકનાંપુસ્તકોનું વિમોચન પણ કરતા હોય છે. જેમ ગુજરાતી સાહિત્યમાં પ્રસ્તાવનાલેખકોની એક નાત છે એમ વિમોચકોની (વિમોચન કરનારી) પણ એક જમાત છે. આ વિમોચકો પણ અદ્ભુત હોય છે. કોઈના પણ પુસ્તકની પ્રશંસા કરતાં એ લોકો શું સાચેસાચ આ પુસ્તકો વાંચીને એમના વિશે બોલતા હશે કે? ઘણા NRGઓ તો વધારે પડતા સાહજિક હોય છે. એ લોકો એમના એક જ પુસ્તકનું ચારેય દિશાના એક એક નગરમાં વિમોચન કરાવતા હોય છે. ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાળી માત. કોઈ રહી જવું ન જોઈએ. હું તો હવે આ NRGઓ એમનાં પુસ્તકોની હાથી પર સવારી કાઢે એની રાહ જોઈ રહ્યો છું. તાજેતરમાં મેં એવું પણ વાંચેલું કે એક જ NRGના એક જ પુસ્તકનું એક જ ઠેકાણે બે કે તેથી વધારે વિમોચકોના હાથે વિમોચન થયેલું! આ NRGઓ ખૂબ ઉદાર હોય છે. કોઈ વિમોચકને ખોટું લાગવું ન જોઈએ.

વિમોચનનું ગોઠવી આપ્યા પછી પેલા RGઓ જે તે પુસ્તકની સમીક્ષાઓનું પણ ગોઠવી આપતા હોય છે. જો કે આ લાભ બધાંને મળતો નથી. બહુ ઓછા NRGઓનાં પુસ્તકોની સમીક્ષા થતી હોય છે. કેમ આવું થતું હશે? એ એક વિચારવા જેવો પ્રશ્ન ખરો.

મને લાગે છે કે આ NRGઓનો અને RGઓનો ખતરો ઘટાડવા આપણે કંઈક કરવું પડશે. આવાં પુસ્તકોની સમીક્ષા કરી એમાં રહેલી નબળાઈઓને પ્રગટ કરવી પડશે. નહીં તો એ નબળાઈઓ જ આપણાં લક્ષણો બની રહેશે. એટલું જ નહીં, સાહિત્યિક સંસ્થાઓએ પણ બને ત્યાં સુધી આવી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાનું બંધ કરવું જોઈએ. NRG સર્જકોને યોગ્ય તાલીમ મળે એની વ્યવસ્થા સંસ્થાઓએ કરવી જોઈએ. આ સર્જકોને ભારતથી આવતા સાહિત્યકારો સાથે મોઢેમોઢ કરવા જોઈએ. એમની સાથે આ લોકોનો સંવાદ થાય એવી વ્યવસ્થા ખાસ કરવી જોઈએ.

જો કે, મારા કહેવાનો અર્થ એવો નથી કરવાનો કે NRGઓએ લખવાનું કે છપાવવાનું બંધ કરી દેવું જોઈએ. ના, હું માનું છું કે દરેક માણસને પોતાની જાતને વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય છે પણ પોતે જે વ્યક્ત કરે છે એનો પૈસાના જોરે કે વગના જોરે એણે સાહિત્યજગતમાં પ્રવેશ કરાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. એમણે એક વાત સમજી લેવી જોઈએ કે નબળી કૃતિઓ પરોપજીવી બનીને ટકી રહેતી હોય છે. જ્યારે વાડ સુકાઈ જાય ત્યારે પેલો વેલો પણ સુકાઈ જાય. જે લોકો સાહિત્યના ફેરિયા બનીને અહીં આવે છે એમાંના મોટા ભાગના વાડ જેવા હોય છે. એ આજે નહીં તો કાલ તો સુકાઈ જ જવાના છે.

સૌજન્ય : ‘ચોતરેથી’, “સન્ધિ”, વર્ષ: 10-2016; અંક: 3; સળંગ અંક: 39; પૃ. 03-09  

Loading

૬૭મા પ્રજાસત્તાક દિવસની આગલી સાંજે થોડું ચિંતન –––– 
દેશની લોકશાહી પક્ષસત્તાક કે પ્રજાસત્તાક!

બિપિન શ્રોફ|Opinion - Opinion|25 January 2017

આપણા દેશે લોકશાહી પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થા પસંદ કરે ૬૬ વર્ષ થઇ ગયાં. આ સમય ગાળો કોઇપણ દેશની રાજ્યવ્યવસ્થાનાં મૂલ્યાંકન માટે પૂરતો ગણાય. પ્રજાસત્તાકનો સામાન્ય અર્થ એ થાય છે કે આ દેશનું રાજ્યસંચાલન પ્રજા તેમના પ્રતિનિધિઓને ચૂંટણી દ્વારા પસંદ કરીને કરે છે. પ્રજા પોતાના સાર્વભૌમ હકનું હસ્તાંતર પોતાના પ્રતિનિધિને ચૂંટીને કરે છે. કયા હિત માટે પ્રજા કે નાગરિકો મતદાર તરીકે પોતાની પવિત્ર ને મહામૂલ્ય નાગરિક સત્તાનું હસ્તાંતર કરે છે? 
  

માનવજાતના ઇતિહાસમાં લોકશાહી પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થાનો ક્રમશ; જે વિકાસ થયો છે તે રાજાશાહી, ધર્મશાહી, સામંતશાહી ને લશ્કરશાહી રાજ્યવ્યવસ્થાઓના અનુભવો અને પરિણામો ભોગવીને થયો છે. બધી જ વ્યવસ્થાઓ માનવ સર્જીત હતી અને માનવ હિત માટે અસ્તિત્વમાં આવેલી હતી. સમય જતાં આ બધી રાજ્ય વ્યવસ્થાઓમાં તેનો સર્જનહાર જે માનવી હતો તેને બાજુ પર મૂકીને કાં તો રાજા,પોપ, પુરોહિત, મૌલવી, જમીનદાર કે લશ્કરી સેનાપતિ પ્રજાના ખભા પર બેસી ગયો અને પ્રજાને બદલે તેના પોતાના હિતો માટે પ્રજાનું જ સર્વ પ્રકારનું શોષણ કરવા માંડ્યો. સાથે તે બધા લોકો પ્રજાને એવી પ્રતીતિ કરાવવામાં સફળ થયા કે તેમના દ્રારા સંચાલિત રાજ્ય વ્યવસ્થા બહુજન સમાજના હિતાર્થે જ છે. આ ઉપરાંત પોતાની યેનકેન પ્રકારે મેળવેલી રાજ્યસત્તા સામે પ્રજા બળવો ન કરે માટે તમામ પ્રકારના લશ્કરી, હિંસક અને અન્ય પ્રકારના સાધનોનો બેફામ ઉપયોગ સદીઓ સુધી કર્યા કર્યો છે. પ્રજાને પોતાની એડી નીચે સર્વ પ્રકારે દબાવેલી રાખી હતી. હજુ કેટલાક દેશોમાં આ બધા સ્થાપિત હિતોની સત્તાઓ બે-રોકટોક ચાલુ છે. જ્યાં નથી ત્યાં લાવવા માટે સીધા કે આડકતારા પ્રયત્નો આધુનિક સાધનોનો જેવા કે ઇન્ટેરનેટ, ટીવી, ફેસબુક, ટ્વીટર અને અન્ય પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરીને મોટા પાયે લાવવા કોશિષ કરવામાં આવે છે.


અઢારમી સદીના છેલ્લા દસકાઓમાં થયેલ ફ્રાંસની ક્રાંતિ સાથે માનવ કેન્દ્રિત રાજ્યવ્યવસ્થાઓના પ્રયોગો શરૂ થયા. રાજ્ય વ્યવસ્થાનું સંચાલન ભગવાન કે તેના પૃથ્વી પરના પ્રતિનિધિઓ માટે નહીં, રાજા માટે નહીં, કોઇ લશ્કરી સેનાપતિ કે જમીનદારનાં હિતો માટે નહીં, પણ જીવતા જાગતા સદેહે બે પગથી ચાલતા ફરતા માણસનાં સુખ, કલ્યાણ માટે રાજ્યવ્યવસ્થા કેવી હોઇ શકે તેના પ્રયોગો જ નહીં, પણ મોટા પાયે અમલ શરૂ થયા. લોક માટેની આ રાજ્યવ્યવસ્થા હોવાથી તે લોકશાહી રાજ્યવ્યવસ્થા તરીકે ઓળખાઇ ને વિકાસ પામી. આધુનિક રાજ્યનો વિસ્તાર પ્રાચીન ગ્રીક નગર રાજ્યો (સીટી સ્ટેટસ) કરતાં અનેક ગણો મોટો બની ગયો છે. આધુનિક રાજ્યની લોકહિતાર્થે કરવાના કામોની યાદી ખૂબ મોટી બની ગઈ છે. તેમ જ આધુનિક રાજ્યની વસ્તી સેંકડો કે હજારોને બદલે લાખ્ખો નહીં પણ કરોડોની સંખ્યામાં થઈ ગઈ છે. લોકોનું સીધું રાજ્યસંચાલન કે સીધી લોકભાગીદારી રાજ્યપ્રથા ને બદલે લોકપ્રતિનિધિવાળી પરોક્ષસ્વરૂપની પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થાઓ વિકસી. નાગરિક તરીકેની લોકોની સાર્વભૌમ સત્તા જે રાજાશાહી, સામંતશાહી કે ધર્મશાહી સામે બળવો કરી મહામહેનતે મેળવેલી તેને પ્રતિનિધિ સ્વરૂપની ચૂંટણી અને મતદાન પ્રથામાં પરોક્ષ રીતે પોતાના પ્રતિનિધોઓમાં પરિર્વતન થઈ ગઈ. પ્રજાસત્તાકના સાર્વભૌમ સિદ્ધાંતનું હસ્તાંતર પરોક્ષ પ્રતિનિધિવાળી રાજ્યવ્યવસ્થામાં થઇ ગયું.


આધુનિક રાજ્યમાં લોકોની સંખ્યા કરોડોમાં થયેલ હોવાથી રાજ્ય સંચાલન માટે લોકપ્રતિનિધિત્વનો દાવો કરનારા રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા. લોકોએ નાગરિક હિતાર્થે જે રાજ્યસત્તા મેળવી હતી તે પરોક્ષરીતે સાવકાઇથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓમાં રૂપાંતર થઈ ગઈ. સમાંયતરે લોકોના મતથી ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પક્ષપ્રતિનિધિઓ બની ગયા છે. તેમનાં મુખ્ય કામો લોક હિતાર્થે ને બદલે પક્ષ હિતાર્થે બની ગયા. પેલા લોકશાહીના હિતેચ્છુ અબ્રેહામ લીંકને જે લોકશાહીની વ્યાખ્યા કરી હતી કે “લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા ને લોકોના મત વડે સત્તામાં આવે તે લોકશાહી”. હવે લોકશાહી એટલે પક્ષશાહી જે પક્ષ માટે, પક્ષ દ્વારા અને ચૂંટણીમાં ચૂંટણી લડતા બધા ઉમેદવારોમાંથી સૌથી વધારે મત મેળવનાર પક્ષીય ઉમેદવારના સરવાળાથી મેળવેલ પક્ષીય બહુમતીની રાજ્ય સત્તા. લોકશાહીમાં લોકોની સત્તા સર્વોપરી કહેવાય પણ લોકોએ પોતાનો મત, રાજકીય પક્ષોએ પસંદ કરેલા પોતાના ઉમેદવારોમાંથી ગમે તે એકને જ આપવાનો હોય છે. પક્ષશાહીમાં નાગરિકોને મત આપવાનો અધિકાર છે, પણ રાજકીય પક્ષોએ પસંદ કરેલા ઉમેદવારોમાંથી જ. આ ઉમેદવારોની પસંદગી જે તે રાજકીય પક્ષોએ કરેલી હોય છે. નાગરિકોએ નહીં.

મને અને તમને સૌને ખબર છે કે આ બધા પક્ષીય ઉમેદવારોને રાજકીય પક્ષો તેમની કઈ કઈ લાયકાતોને આધારે પોતાના પક્ષીય ઉમેદવાર તરીકે પસંદ કરે છે. એક જ વાક્યમાં કહેવું હોય તો એમ કહેવાય કે સામન્ય નાગરિકના બધા હિતો બાજુપર મૂકીને પોતાના ઉમેદવારને, જ્ઞાતિ, ધર્મ, પૈસા, બાહુબળ અને પક્ષીય વફાદારી જેવી લાયકાતોને આધારે પસંદ કરવામાં આવે છે. જે રાજકીય પક્ષ અને તેના નેતાઓ નાગરિકોને ઠાલાં વચનો આપીને, આકાશના તારા હાથની હથેળીમાં બતાવી શકે તે પક્ષ રાજકીય સત્તા મેળવી શકે! દર પાંચ વર્ષે આવતી ચૂંટણીઓમાં દરેક રાજકીય પક્ષ અને તેના નેતાએ મળેલી સત્તા ટકાવી રાખવા વધુ ને વધુ બહેકાવનારા અને લોકરંજન વચનોની લ્હાણી કર્યા સિવાય બીજો કોઈ તેમનો છૂટકો નથી. આવી રીતે મહામૂલી જે નાગરિક સત્તા મેળવી હતી તે રાજકીય પક્ષોના સ્થાપિત હિતોને ગિરવે મુકાઈ ગઈ છે.


આપણા ૬૭મા પ્રજાસત્તાક દિવસે આપણી સમક્ષ ગંભીર પડકાર ઊભો થયો છે કે કેવી રીતે દેશ ને  દુનિયાની લોકશાહી રાજયપ્રથાઓને રાજકીય પક્ષશાહી પ્રથાની પકડોમાંથી છોડાવીને નાગરિક હાથોમાં સલામત રીતે પાછી મૂકવી! આપણે એવી વિચારસરણી વિકસાવી પડશે કે જેના મુખ્ય કેન્દ્રમાં કોઈ ધર્મ, પક્ષ, પ્રદેશ કે રાષ્ટ્ર ને બદલે માનવી હોય! માનવી માટે પક્ષ, ધર્મ કે દેશ હોય. પણ માનવીને કોઈ રાજકીય પક્ષો, ધર્મો કે કલ્પિત રાષ્ટ્રીય સામૂહિક હિતોના ઝનૂન માટે બલી બનવાનો ન હોય! કોઇ પણ સામૂહિક એકમો સમાજ, કુટુંબ, જ્ઞાતિ, ટોળું, રાજકીય પક્ષો, પ્રદેશ કે દેશ વગેરે સુખ કે દુ:ખ અનુભવી શકતા નથી, વિચારી શકતા નથી. આ બધા સામૂહિક એકમો અત્યાર સુધી એક યા બીજા સ્વરૂપે નક્કી કરતા આવ્યા છે કે માનવી માટે સારું શું છે ખોટું શુ છે?

ઘણા સામૂહિક એકમો જેવા કે ધર્મો, તેમના સંપ્રદાયો, રાજકીય પક્ષો કે તે બધાનું સંચાલન કરતી મુઠ્ઠીભર ટોળકીઓ આજ દિન સુધી પોતાના સામૂહિક હિતો માટે વ્યક્તિગત નાગરિકોના વિચારો, સંશોધનો અને સત્યોનો બલી વધેરતા આવ્યા છે. આપણી પાસે સવૈજ્ઞાનિક સત્યોને આધારે પુરાવા છે કે માનવી કોઈ ઇશ્વર, અલ્લાહ કે ગોડનું બનાવેલું સર્જન નથી. માનવી પોતે તેની આસપાસ કુદરતી પરિબળોના સંચાલનના નિયમો સમજીને પોતાનું અસ્તિત્વ તેના જેવા અન્ય માનવીઓનો સહકાર મેળવીને ટકાવી રાખતો અને વિકાસ કરતો આવ્યો છે.

આપણે સૌ માટે નવેસરથી વિચારવાની જવાબદારી ઊભી થઈ ગઈ છે કે કેવી રીતે પેલી ફ્રાંસની માનવ ક્રાંતિએ આપેલાં મૂલ્યો : ’સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારો(બંધુત્વ)’ને આધારે માનવકેન્દ્રી નવી રાજયવ્યવસ્થા પેદા કરવી જેમાં માનવીનો બલી કોઇ ધર્મ, રાજકીય પક્ષ કે રાષ્ટ્ર ન લેતું હોય! આપણને ૨૧મી સદીના જ્ઞાન આધારિત માનવીય વારસામાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ કે વર્તમાનમાં મોટા પાયે ઉપલબ્ધ હાથવગા સાધનોની સરખામણીમાં જ્યારે માનવી પાસે ઘણાં બધાં પ્રકારની મર્યાદાઓ હતી, તેમ છતાં તે બધા સંઘર્ષોમાંથી બહાર નીકળીને અહીં સુધી આવી શક્યો છે. તો આ રાજકીય પક્ષોની ચૂંગાલમાંથી પણ તે ચોક્કસ બહાર નીકળી શકશે. દરેક માનવીય ક્રાંતિ પોતાની સમસ્યો પ્રમાણે ક્રાંતિનાં નવાં સાધનો અને માર્ગદર્શકો શોધી કાઢે છે. આવી માનવીય શક્તિઓમાં વિશ્વાસ રાખી, વર્તમાન પડકારનો રસ્તો શોધી કાઢવામાં જ આપણા સૌનું શ્રેય સમાયેલું છે.

e.mail : shroffbipin@gmail.com

Loading

ટ્રમ્પે આવતાંની સાથે જ ફફડાટ અને ભારત માટે ગભરાટ પેદા કરવાનું શરૂ કરી દીધું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 January 2017

ડોનલ્ડ ટ્રમ્પે ચૂંટણી પહેલાં જ કહ્યું હતું કે તેઓ અમેરિકા ફસ્ર્ટની નીતિમાં માને છે અને સત્તાનો ઉપયોગ બીજાને હડસેલવા માટે કરવાના છે. હવે એની શરૂઆત થઈ ગઈ છે. આમાં ભારતને મોટો માર પડી શકે એમ છે

અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પે સત્તાગ્રહણ કર્યા પછી ભારતની ચિંતામાં વધારો થાય એવાં પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકા ફસ્ર્ટ, બાય અમેરિકન અને હાયર અમેરિકન એવા ત્રિસૂત્રી કાર્યક્રમની તેમણે જાહેરાત કરી છે. આમ જુઓ તો આ કોઈ અચાનક જાહેર કરવામાં આવેલો કાર્યક્રમ નથી. ડોનલ્ડ ટ્રમ્પ ચૂંટણીપ્રચાર વખતે જ આવા અભિગમની વકીલાત કરતા હતા અને એનાથી આકર્ષાઈને જ અમેરિકન મતદાતાઓએ ટ્રમ્પને મત આપીને ચૂંટ્યા હતા. ચૂંટણી પહેલાં પ્રમુખપદના બે મુખ્ય દાવેદાર હિલેરી ક્લિન્ટન અને ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે ત્રણ રાઉન્ડ વન ઑન વન ચર્ચા યોજાઈ હતી જેમાં પણ ટ્રમ્પે અમેરિકન આર્થિક રાષ્ટ્રવાદની હિમાયત કરી હતી. તેઓ ચર્ચામાં હિલેરી ક્લિન્ટનની સર્વસમાવેશક અમેરિકન રાષ્ટ્રવાદની દલીલોનો જવાબ આપી શકતા નહોતા એ જુદી વાત છે, પરંતુ અમેરિકન મતદાતાઓએ નિર્ણય લઈ લીધો હતો કે હવે અમેરિકન રાષ્ટ્રવાદ જ તેમની સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે.

એક યુગ હતો જ્યારે અમેરિકા વૈશ્વીકરણનું હિમાયતી હતું. અમેરિકા અને બીજા સમૃદ્ધ વિકસિત દેશોને એમ લાગતું હતું કે તેમની પાસે મૂડી અને ટેક્નૉલૉજી બન્ને છે એટલે પોતાના વિકાસ માટે જગતભરનાં કુદરતી સંસાધનો પર કબજો જમાવવો હોય તો વૈશ્વીકરણ એ શ્રેષ્ઠ ઉપાય છે. વિકાસની પર્યાવરણીય કિંમત જે-તે દેશો ચૂકવશે. એ વખતે વૈશ્વીકરણની રમત એકપક્ષીય લાગતી હતી. વલ્ર્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનની સ્થાપના એના ભાગરૂપે કરવામાં આવી હતી. ગરીબ દેશોને પણ એમ લાગતું હતું કે વૈશ્વીકરણની રમત સમૃદ્ધ દેશોના હિતમાં એકપક્ષીય છે અને એનો વિરોધ કરવામાં આવતો હતો. બે દાયકા પછી અમેરિકા સહિત સમૃદ્ધ દેશોને એમ લાગવા માંડ્યું છે કે વૈશ્વીકરણને કારણે તેમને ફાયદા કરતાં નુકસાન વધુ થઈ રહ્યું છે.

આનાં બે કારણો આગળ ધરવામાં આવે છે. પહેલું કારણ એ છે કે આર્થિક સમૃદ્ધિ વધી છે, પરંતુ રોજગારીમાં વધારો થયો નથી. ઊલટું રોજગારી વધવાની જગ્યાએ ઘટી છે. બીજું કારણ એ છે કે વૈશ્વીકરણના કારણે સરહદો ઢીલી કરવામાં આવી છે અને એને કારણે મોટી સંખ્યામાં વિદેશી વસાહતીઓ સમૃદ્ધ દેશોમાં ઠલવાવા લાગ્યા છે. વૈશ્વીકરણને સંસ્થાગત સ્વરૂપ આપવામાં આવે તો વસાહતીઓને રોકી શકાય નહીં. પોતાના દેશને આર્થિક સંરક્ષણ આપનારા ઇકૉનૉમિક પ્રોટેક્શનિસ્ટ નૅશનલિઝમ અને ગ્લોબલાઇઝેશન એકસાથે ચાલી શકે નહીં. આ ઉપરાંત કૉર્પોરેટ કંપનીઓ વર્ક આઉટર્સોસ કરાવવા લાગી છે. જે જગ્યાએ કિફાયતી કિંમતે કામ થાય ત્યાં કરાવવાનો કૉર્પોરેટ કંપનીઓને અધિકાર છે. ગ્લોબલાઇઝેશનનું આ પણ એક અંગ છે. માર્કેટ અને રિસોર્સિસનો લાભ કૉર્પોરેટ કંપનીઓને મળી રહ્યો છે, જ્યારે લોકોને તો એની કિંમત જ ચૂકવવી પડે છે.

ગ્લોબલાઇઝેશનના ભાગરૂપે રાજ્યને નબળું પાડવામાં આવ્યું હતું, અંકુશો હટાવવામાં આવ્યા હતા. ગરીબોના કલ્યાણની યોજનાઓ માટેના બજેટ પર કાપ મૂકવામાં આવ્યો છે અને એ અર્થમાં રાજ્ય કલ્યાણરાજ્ય મટી ગયું છે. ગ્લોબલાઇઝેશનના ભાગરૂપે રાજ્યે મૂડીવાદની તરફેણમાં ખસી જઈને રસ્તો કરી આપ્યો હતો અને હવે બે દાયકાનો અનુભવ એવો છે કે મૂડીવાદીઓએ રાજ્ય પર કબજો જમાવ્યો છે. ઑક્સફામ નામની સંસ્થાએ આર્થિક અસમાનતા વિશે જે અહેવાલ તૈયાર કર્યો છે એમાં આ હકીકત પ્રગટ થાય છે. ભારતમાં એક ટકો ધનપતિઓ દેશની ૫૮ ટકા સંપત્તિ ધરાવે છે અને જગતના આઠ કુબેરપતિઓ આખા જગતની અડધોઅડધ સંપત્તિના માલિક છે.

નવમૂડીવાદના આવા સ્વરૂપ વિશે આખા જગતમાં અસંતોષ પેદા થયો છે. સ્વાભાવિકપણે અસમાનતા સામે ઊહાપોહ પેદા થવો જોઈતો હતો, ન્યાયી આર્થિક વ્યવસ્થા માટેની માગણી ઊઠવી જોઈતી હતી, કલ્યાણરાજ્યની પુન: સ્થાપના માટે આંદોલનો થવાં જોઈતાં હતાં, રાજ્યની પ્રજાપ્રતિબદ્ધ રચનાત્મક ભૂમિકા માટે માગણી ઊઠવી જોઈતી હતી. આવી પ્રતિક્રિયા સ્વાભાવિકપણે પેદા થવી જોઈતી હતી, પરંતુ વિશ્વમાં અત્યારે જે પ્રતિક્રિયા પેદા થઈ રહી છે એ સ્વાર્થની થઈ રહી છે. એક પ્રકારના પ્રતિક્રિયાવાદે ઊહાપોહની જગ્યા લઈ લીધી છે. અમેરિકા ફસ્ર્ટ, ઇન્ડિયા ફસ્ર્ટ, બ્રિટન ફસ્ર્ટ વગેરે અભિગમમાં સમસ્યાનું સરળીકરણ નજરે પડી રહ્યું છે. શાસકો નવમૂડીવાદનો મુકાબલો કરવા જેટલું સામથ્યર્‍ ધરાવતા નથી એટલે બે ખાનારાઓ વચ્ચે તેઓ ભેદ કરી રહ્યા છે. તમારો રોટલો એટલા માટે ઝૂંટવાઈ રહ્યો છે કે પેલો એમાં ભાગ પડાવે છે અને તે આપણો નથી, પારકો છે. આમ શાસકો પ્રજાકીય અસંતોષને અંગ્રેજીમાં અસ અને ધે એટલે કે આપણે અને પરાયાનું સ્વરૂપ આપવાનું કામ કરે છે. આ સ્થિતિનો જગત આખામાં સાંસ્કૃિતક રાષ્ટ્રવાદીઓ લાભ લઈ રહ્યા છે અને તેઓ સત્તા સુધી પહોંચી રહ્યા છે અથવા પહોંચવા માટે લોહિયાળ લડાઈ લડી રહ્યા છે.

સમસ્યાનો ઉકેલ ન્યાયઆધારિત અર્થવ્યવસ્થા છે અને પ્રજાભિમુખ જવાબદાર રાજ્ય છે; પરંતુ એ તો જ્યારે થાય ત્યારે, અત્યારે તો પ્રજા બીજાને હડસેલો મારીને પોતાનો સ્વાર્થ સાધી આપે એવા નેતાઓની તલાશમાં છે. ડોનલ્ડ ટ્રમ્પ આવી પ્રજાકીય માનસિકતાના લાભાર્થી છે. તેમણે ચૂંટણી પહેલાં જ કહ્યું હતું કે તેઓ અમેરિકા ફસ્ર્ટની નીતિમાં માને છે અને સત્તાનો ઉપયોગ બીજાને હડસેલવા માટે કરવાના છે. હવે એની શરૂઆત થઈ ગઈ છે. આમાં ભારતને મોટો માર પડી શકે એમ છે. ખાસ કરીને ITના ક્ષેત્રને મોટું નુકસાન થઈ શકે એમ છે, કારણ કે IT (ઇન્ફર્મેશન ટેકનોલૉજી) સેક્ટરનો ૭૫ ટકા ધંધો નિકાસઆધારિત છે જેમાંથી ૬૦ ટકા નિકાસ અમેરિકામાં કરવામાં આવે છે. આ ઉપરાંત આઉટસોર્સિંગ પર પણ એની અસર થશે. IT પછી બીજા ક્રમે મોટી અસર ફાર્માસ્યુિટકલ ઇન્ડસ્ટ્રીને થશે. ડોનલ્ડ ટ્રમ્પ ગરીબોને આરોગ્યકીય રાહત આપનારી ઓબામાકૅર યોજના સમેટી લેવાના છે અને એની જગ્યાએ અમેરિકન ફાર્મા-કંપનીઓ ઘરઆંગણે દવાઓનું ઉત્પાદન કરીને ઓછા ભાવે અમેરિકન બજારમાં વેચે એવો આગ્રહ રાખી રહ્યા છે.

આનો અર્થ એવો નથી કે ટ્રમ્પ તેમની બધી યોજનાઓમાં સફળ થવાના છે. તેમની સામે કાયદાકીય અને આંતરરાષ્ટ્રીય સમજૂતીઓને લગતી મર્યાદાઓ છે, પરંતુ તેમણે ફફડાટ તો જરૂર પેદા કર્યો છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 23 જાન્યુઆરી 2017

Loading

...102030...3,5333,5343,5353,536...3,5403,5503,560...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved