Opinion Magazine
Number of visits: 9689903
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોનમ વાંગચુક ‘થ્રી ઈડિયટ્સ’નો અસલી ઈડિયટ

વિશાલ શાહ|Opinion - Opinion|12 December 2016

તમને 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મમાં છેલ્લે આવતો ફૂનસૂક વાંગડુ યાદ હશે! ફિલ્મના અંતિમ દૃશ્યોમાં આમિર ખાનને લદાખમાં અનોખી સ્કૂલ ચલાવતા ભેજાબાજ એન્જિનિયર ફૂનસૂક વાંગડુ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફૂનસૂક વાંગડુ અને એમની સ્કૂલનું દૃશ્ય એ ફિલ્મી કલ્પના નહીં, પણ સત્ય ઘટના છે. જો કે, ફિલ્મમાં ક્યાં ય આ વાતનો ઉલ્લેખ નથી આવતો. અત્યારે પણ ફૂનસૂક વાંગડુ લદાખમાં એવી જ સ્કૂલ ચલાવે છે. વાંગડુ મૂળ લદાખના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિક્ષક અને ઈનોવેટર છે. ૧૬મી નવેમ્બરે વાંગડુએ પોતે જ ટ્વિટ કરીને સમાચાર આપ્યા ત્યારે ભારતમાં મોટા ભાગના લોકોને જાણ થઈ કે, તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત રોલેક્સ એવોર્ડનું સન્માન મળ્યું છે.

બાય ધ વે, ફૂનસૂક વાંગડુનું અસલી નામ સોનમ વાંગચુક છે. લદાખમાં પાણીની અછત ધરાવતા ગામોમાં 'આઈસ સ્તૂપ'નો આઈડિયા આપવા બદલ તેમને રોલેક્સ એવોર્ડ મળ્યો છે. રોલેક્સ એવોર્ડ એકસાથે અનેક લોકોનું જીવન બદલી નાંખવા સક્ષમ હોય એવા ઈનોવેટિવ પ્રોજેક્ટ પર કામ કરનારાને અપાય છે. આ એવોર્ડ સાથે એક લાખ સ્વિસ ફ્રાંક(આશરે રૂ. ૬૭.૬૮ લાખ)નું રોકડ ઈનામ પણ મળે છે. આ વર્ષે રોલેક્સ એવોર્ડ માટે ૧૪૪ દેશમાંથી ૨,૩૩૨ અરજી આવી હતી, પરંતુ દર વર્ષે ફક્ત પાંચ જ બ્રેવ હાર્ટ્સને આ સન્માન અપાય છે.  

પણ આઈસ સ્તૂપ શું છે? એનાથી અનેક લોકોનું જીવન કેવી રીતે બદલાય? જરા, વિગતે વાત કરીએ.

આઈસ સ્તૂપ, એક ક્રાંતિકારી વિચાર

૮૬,૯૦૪ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા લદાખમાં ૮,૮૫૮થી ૧૩ હજાર ફૂટ ઊંચાઈએ અનેક ગામ આવેલા છે. અહીંના મોટા ભાગના વિસ્તાર બર્ફીલા રણ છે, જેથી ખેતીવાડી માટે તો ઠીક ઘરેલુ જરૂરિયાત માટે પણ ખૂબ ઓછું પાણી મળે છે.

સોનમ વાંગચુકની ટ્વિટ

લદાખમાં શિયાળામાં તાપમાન માઈનસ ૩૦ ડિગ્રીએ પહોંચે અને આખા વર્ષનો વરસાદ માંડ ચાર ઈંચ પડે છે. એપ્રિલ-મે મહિનામાં ઠંડી ઘટતા જ ખેડૂતો ખેતી શરૂ કરે ત્યારે તેમને પાણીની ભારે અછત પડે છે. બર્ફીલા રણમાંથી પાણી ઓગાળીને લાવી શકાય. પણ કેવી રીતે? આ પ્રકારના 'તુક્કા' આપવા સહેલા છે, પણ અમલ અઘરો. સિંચાઈ માટે એ અકસીર ઉપાય નથી એ વાત સાબિત થઈ ગઈ છે.

હા, ઠંડી ઘટતા હિમનદીઓ એટલે કે ગ્લેિશયર પીગળવાનું શરૂ થઈ જાય છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે ગ્લેિશયર પીગળવાનો સમય બદલાઈ ગયો છે, વહેણ બદલાઈ ગયા છે અને પાણીનો પ્રવાહ પણ ઓછો થઈ ગયો છે. આ સ્થિતિમાં પણ ખેડૂતો ગ્લેિશયરનાં પાણીનો જ ખેતીકામમાં ઉપયોગ કરે છે, પરંતુ મોટા ભાગનું શુદ્ધ પાણી પહાડી ઢોળાવોનાં કારણે ખૂબ ઝડપથી સિંધુ ખીણમાં વહી જાય છે. કારણ કે, મહાકાય ગ્લેિશયર રહેણાક વિસ્તારો નજીક નહીં, અત્યંત દુર્ગમ પહાડી વિસ્તારોમાં ઊંચાઈ પર આવેલા હોય છે.

સોનમ વાંગચુકનો આઈડિયા અહીંથી શરૂ થાય છે. કુદરત કંઈ માણસને જોઈએ ત્યાં ગ્લેિશયર ના બનાવે પણ આપણે તો બનાવી શકીએ ને?

ભેજાબાજ એન્જિનિયરની 'યુરેકા મોમેન્ટ'

મે મહિનાના ઉનાળાના દિવસોમાં સોનમ વાંગચુક લદાખની વાદીઓમાં ટહેલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક પુલ નીચે બરફ જામેલો જોયો અને તેમને 'યુરેકા મોમેન્ટ'(મળી ગયું, મળી ગયું)નો અનુભવ થયો. વાંગચુકને આઈડિયા આવ્યો કે, પુલના પડછાયામાં સૂર્યપ્રકાશ નહીં પડવાથી બરફ પીગળ્યો નથી. જો આપણે શિયાળામાં પસંદગીના સ્થળોએ કૃત્રિમ ગ્લેિશયરો બનાવી દઈએ તો? તો એ ગ્લેિશયર પણ ઉનાળા સુધી પીગળે નહીં અને એનું પાણી પાઈપલાઈનથી સીધું ખેતરોમાં પહોંચાડી શકાય. પિરામિડ જેવા આકાર ધરાવતા બર્ફીલા પહાડોની સપાટી મજબૂત બરફથી જામેલી હોય પણ અંદર શુદ્ધ પાણી હોય એ વાત વાંગચુક જાણતા હતા.

સોનમ વાંગચુક

જો કે, આ વાત સાંભળવામાં જેટલી સરળ લાગે છે એટલી જ અઘરી છે. કોઈ જગ્યાએ બરફનો ઢગલો કરો એટલે કૃત્રિમ ગ્લેિશયર ના બની જાય! એ માટે પાણીનો સતત પ્રવાહ જોઈએ. પાણી તો છે નહીં! તો શું કરી શકાય? વાંગચુકે વિચાર્યું કે, ગ્લેિશયરનું વેડફાઈ જતું લાખો લિટર પાણી જ પાઈપલાઈનની મદદથી પસંદગીના સ્થળે લાવીને કૃત્રિમ ગ્લેિશયર બનાવી શકાય!

આ વિચારને સાકાર કરવા વાંગચુકે જાન્યુઆરી ૨૦૧૪માં તેમની સ્કૂલ નજીક એક ખુલ્લી જગ્યા પસંદ કરી કૃત્રિમ ગ્લેિશયરનો પ્રયોગ શરૂ કર્યો. એ માટે તેમણે લેહ ખીણ વિસ્તારનો દરિયાઈ સપાટીથી સૌથી નીચો (ઊંચાઈ પર ઠંડી વધુ હોય એટલે) અને સૂર્યપ્રકાશથી ભરપૂર વિસ્તાર પસંદ કર્યો હતો. આવો વિસ્તાર પસંદ કરવાનું કારણ એટલું જ કે, જો અહીં કૃત્રિમ ગ્લેિશયર ટકી જાય તો લદાખના કોઈ પણ વિસ્તારમાં તે ટકી શકે અને પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય. એટલું જ નહીં, અરુણાચલ પ્રદેશથી લઈને છેક અફઘાનિસ્તાન સુધીના પહાડી વિસ્તારોમાં હાડમારીભર્યું જીવન જીવતા લોકોને ખેતી સહિતની જરૂરિયાતો માટે ઓછામાં ઓછા ખર્ચે પાણી આપી શકાય!

… અને ઉનાળાની ગરમીમાં જાદુ થઈ ગયો

એ સ્થળે વાંગચુક સ્કૂલ કેમ્પસમાંથી પાણીની એક પાઈપલાઈન ખેંચી લાવ્યા અને પચાસેક ફૂટની ઊંચાઈએથી જમીન પર પાણીનો ધીમો પ્રવાહ આપવાનું શરૂ કર્યું. એકાદ મહિના પછી ત્યાં ૨૨-૨૩ ફૂટ ઊંચું ગ્લેિશયર બની ગયું. આટલી ઊંચાઈ અને ૬૦ ફૂટ જેટલો ઘેરાવો ધરાવતા કૃત્રિમ ગ્લેિશયરમાં એક કરોડ લિટર જેટલું પાણી સંઘરાયેલું હોય! વાંગચુકે વિચાર્યું કે, જો મે મહિનામાં પણ આ 'મેડ ઈન લદાખ' ગ્લેિશયર પીગળે નહીં તો જાદુ થઈ જાય! અને ખરેખર એવું જ થયું!

વાંગચુકની સ્કૂલ નજીક તૈયાર થયેલું કૃત્રિમ ગ્લેિશયર

ગ્લેિશયર બનવા અને નહીં પીગળવા પાછળ અનેક પરિબળો જવાબદાર હોય છે. આપણે જેમ ઊંચાઈએ જઈએ તેમ સૂર્યના કિરણોની શક્તિ ઘટે અને હવા પણ પાતળી થાય. ખૂબ ઊંચાઈએ આવેલા કુદરતી ગ્લેિશયરને પણ આ નિયમ લાગુ પડે, એટલે તે કૃત્રિમ ગ્લેિશયર જેટલા ઝડપથી પીગળે નહીં. લદાખ દરિયાઈ સપાટીથી ૯,૮૦૦ ફૂટ ઊંચાઈ પર છે. મે મહિનામાં લદાખમાં દિવસનું તાપમાન ૧૬ ડિગ્રી અને રાત્રિનું ત્રણ ડિગ્રી હોય છે. આ ઉપરાંત હિમાલયના બર્ફીલા અને શુદ્ધ પવનો પણ ત્યાં સતત વહેતા હોય છે.

ટૂંકમાં, અમદાવાદનું તાપમાન ૧૬ ડિગ્રી જેટલું નીચું જાય તો પણ કૃત્રિમ ગ્લેિશયર ના બને. અમદાવાદ તો ઠીક, માઉન્ટ આબુ જેવા સ્થળે પણ ગમે એટલી ઠંડીમાં ગ્લેિશયર ના બને! જો કે, વાંગચુકે સર્જેલું કૃત્રિમ ગ્લેિશયર પહેલી મેએ પણ દસ ફૂટ ઊંચું હતું અને પાણી આપવા સક્ષમ હતું. એટલું જ નહીં, આ ગ્લેિશયર છેક ૧૮મી મેએ આખું પીગળ્યું અને ત્યાં સુધી પાણી આપતું રહ્યું. એ ખરેખર જાદુ હતો.

કૃત્રિમ ગ્લેિશયરનો પ્રયોગ સફળ થતા જ વાંગચુકે ઓક્ટોબર ૨૦૧૪માં ક્રાઉડ ફન્ડિંગની મદદથી આ યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ક્રાઉડ ફન્ડિંગ એટલે ઈન્ટરનેટની મદદથી વિશ્વને તમારી યોજના જણાવો અને દાન ઉઘરાવો. કૃત્રિમ ગ્લેિશયરને વાંગચુકે બૌદ્ધ સ્તૂપ પરથી આઈસ સ્તૂપ નામ આપ્યું છે. જો કે, અસલી ગ્લેિશયર કરતાં તેનું કદ ઘણું નાનું હોય છે. આ આઈડિયાના આધારે વાંગચુક લદાખના સૂકાભઠ વિસ્તારોને ફરી ગાઢ લીલોતરીથી આચ્છાદિત કરવાનું પણ સપનું જોઈ રહ્યા છે.

થોડી જાણકારી, સોનમ વાંગચુક વિશે

સોનમ વાંગચુકનો જન્મ (પહેલી સપ્ટેમ્બર, ૧૯૬૬) માંડ પાંચ ઘર ધરાવતા ઉલેય ટોકપો નામના અંતરિયાળ ગામમાં થયો હતો. આ ગામમાં સ્કૂલ તો ક્યાંથી હોય! એટલે વાંગચુક સાડા આઠ વર્ષ સુધી ઘરમાં માતા સાથે જ ભણ્યા. એ પછી વાંગચુક પરિવારે તેમને નજીકના નુબ્રા ગામની સ્કૂલમાં મૂક્યા, પરંતુ વાંગચુકને છ મહિનામાં બે સ્કૂલ બદલવી પડી અને છેવટે લેહની સ્કૂલમાં ભરતી થયા. જો કે, શિક્ષકોએ વાંગચુકની પ્રતિભા પારખીને તેમને સીધેસીધા ત્રીજા ધોરણમાં બેસવાની મંજૂરી આપી.

આઈસ સ્તૂપમાંથી છૂટી રહેલી પાણીની જાદુઈ ધારા  

જમ્મુ કાશ્મીરથી અરુણાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં શિક્ષણની આવી મુશ્કેલીઓ છે. વિચાર કરો, સોનમ વાંગચુકના પિતા તો રાજ્ય સરકારમાં મંત્રી હતા, છતાં સોનમ વાંગચુકની આ સ્થિતિ હતી. જો કે, વાંગચુક અનેકવાર જાહેરમાં ગૌરવથી કહી ચૂક્યા છે કે, હું મોટી કહી શકાય એવી ઉંમર સુધી માતા પાસે વાંચતા-લખતા શીખ્યો અને એ પણ માતૃભાષામાં. એટલે જ હું સ્વતંત્ર રીતે કુદરત સાથે ઓતપ્રોત થઈને શક્ય હતું એટલું સારું શિક્ષણ લઈ શક્યો …

આ દરમિયાન નવ વર્ષની ઉંમરે વાંગચુકને પિતા સાથે શ્રીનગર જવું પડ્યું. એટલે વાંગચુકનો અભ્યાસ શ્રીનગરની સ્કૂલમાં ચાલુ થયો અને તેમના માટે એ નવી મુશ્કેલી હતી. કારણ કે, શ્રીનગરમાં ઉર્દૂ અને કાશ્મીરી ભાષામાં જ શિક્ષણ અપાતું એટલે વાંગચુક કશું જ સમજી નહોતા શકતા. આ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વાંગચુકને 'ઈડિયટ' સમજતા. વાંગચુકે કહ્યું હતું કે, એ મારા જીવનના સૌથી અંધકારમય દિવસો હતા …

છેવટે ૧૯૭૭માં ૧૧ વર્ષની વયે સોનમ વાંગચુક જાતે જ દિલ્હી આવીને વિશેષ કેન્દ્રિય વિદ્યાલયના પ્રિન્સિપાલને મળ્યા. ભારતના સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સરકાર કોઈ જ ફી લીધા વિના આવી રેસિડેન્શિયલ સ્કૂલો ચલાવે છે. આ સ્કૂલના શિક્ષકોએ વાંગચુકને સતત અને સખત પ્રોત્સાહન આપીને ભણાવ્યા. વાંગચુકે પણ અભ્યાસ, એક્સ્ટ્રા-કરિક્યુલમ એક્ટિવિટીઝમાં મન પરોવી દીધું અને ૧૯૮૩માં નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી-શ્રીનગરમાં મિકેનિકલ એન્જિનિયર બનવા સરળતાથી પ્રવેશ પણ મેળવ્યો.

પહાડી જિંદાદિલીથી આગળ વધ્યા

જો કે, સોનમ વાંગચુકની મુશ્કેલીઓનો અંત ન હતો. તેમના પિતા ઈચ્છતા હતા કે, સોનમ મિકેનિકલ નહીં સિવિલ એન્જિનયર બને. આ જીદના કારણે તેમણે વાંગચુકને ફી ભરવાના પૈસા ના આપ્યા. જો કે, જિંદાદિલ વાંગચુકે દસમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા વેકેશન બેચ શરૂ કરીને પૈસા કમાવવાનું શરૂ કર્યું અને એન્જિનિયરિંગ અભ્યાસનો ખર્ચ જાતે જ ઉઠાવ્યો. દસમા ધોરણના ટ્યૂશન કરતી વખતે વાંગચુકે અનુભવ્યું કે, અનેક હોશિયાર વિદ્યાર્થીઓ ભાષાની મુશ્કેલીઓ કે સામાજિક પ્રશ્નોના કારણે અમુક વિષયોમાં નાપાસ થઈ જાય છે અને જીવનભર એના ભાર તળે જીવે છે. એટલે વાંગચુકે શૈક્ષણિક સુધારા કરવાની ગાંઠ વાળી લીધી.

ફે ગામમાં સેમકોલ સ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ

વાંગચુક ૧૯૮૭માં મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કરીને લદાખ પાછા ફર્યા અને બીજા જ વર્ષે ૧૯૮૮માં સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદાખ (સેકમોલ) નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી. આ સંસ્થાનો હેતુ 'એલિયન એજ્યુકેશન સિસ્ટમ'નો ભોગ બનેલા લદાખી વિદ્યાર્થીઓમાં ફરી એકવાર આત્મવિશ્વાસનો સંચાર કરવાનો છે. આ આખી ઈન્સ્ટિટયુટના તમામ ઉપકરણો વીજળીથી નહીં, સૂર્ય ઊર્જાથી ચાલે છે, જેની પાછળ વાંગચુક અને બીજા વિદ્યાર્થીઓની મહેનત છે.

વર્ષ ૧૯૯૪માં કેન્દ્ર સરકાર, સિવિલ સોસાયટી અને ગ્રામ્ય આગેવાનોએ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધારવા 'ઓપરેશન ન્યૂ હોપ' શરૂ કર્યું હતું. આ યોજનામાં પણ વાંગચુક ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. એક સમયે લદાખમાં ધોરણ ૧૦માં માંડ પાંચ ટકા વિદ્યાર્થી પાસ થતા હતા, પરંતુ આ આંદોલન પછી સફળતાની ટકાવારી ૭૫ ટકાએ પહોંચી ગઈ છે!

***

મહાન વિચારક ચાણક્યે કહ્યું હતું કે, ''શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ …'' આ વાત ચાણક્યએ સોનમ વાંગચુકને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરનારા અને ખુદ સોનમ વાંગચુક જેવા 'અસાધારણ' શિક્ષકો માટે કરી હશે!

—-

e.mail : vishnubharatiya@gmail.com

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.in/

Loading

ડુડિયા

સરોજબહેન ન. અંજારિયા|Opinion - Opinion|12 December 2016

થોડાએક વર્ષોથી અલગ અલગ ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા સારાયે વિશ્વમાં વધતી જાય છે એવું હું અનુભવું છું. ધર્મના ફાંટાઓ પણ એકબીજાને સહન કરી શકતા નથી. અને તેમાં આજે અન્ય ધર્મો પ્રત્યેનો આદર લગભગ લુપ્ત થતો જાય છે. મારા બાળપણની વાત યાદ આવે કે અમે અમારા મિત્રોને કોઈ દિવસ પૂછ્યું નહોતું કે તું કઈ નાતનો છે, કે કયા ધર્મનો છે. ત્યારે આજે બાળકને પણ ખબર પડે છે કે મારો ધર્મ મારા મિત્ર કરતાં જુદો છે કારણ કે સર્વધર્મસમાનત્વની વાત કયારે ય પણ શાળા-મહાશાળાઓમાં શીખવાડવામાં આવી નથી.

જાન્યુઆરી 2016માં બોસ્નિયામાં 1992માં થયેલ સામૂહિક હત્યાકાંડની વિગત મારા જાણવામાં આવી. ત્યાંની વિષમ પરિસ્થિતિથી ત્રસ્ત થયેલ કેટલાક લોકો યુનાઇટેડ કિંગ્ડમ આવેલા તેમાંની એક મહિલા ડુડિયા મને માન્ચેસ્ટરમાં મળવા આવેલી જેની વિગત વાચકો સમક્ષ મુકવા ધારું છું.

બોસ્નિયાના પાટનગર સારાયેવોથી 50 કિલોમીટર દૂર આવેલ ઓલોવો નામના ગામમાં એક સાધારણ કુટુંબમાં ડુડિયાનો જન્મ. પ્રાથમિક શિક્ષણ મેળવીને 19 વર્ષની ઉંમરે લગ્ન થયાં. પતિ એક બાંધકામની કંપનીમાં નોકરી કરે. બંને જણા માર્શલ ટીટોના સામ્યવાદી શાસન દરમ્યાન જન્મેલા અને રોજી રોટી કમાઈને સુખેથી રહેતાં. ડુડિયા એક કાપડની મિલમાં રસોડામાં રસોઈ કરવાનું કામ કરતી.  રોજ 800 કામદારોની રસોઈ તેને હાથે થતી. તેણે કહ્યું કે બોસ્નિયામાં કેથલિક, ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન અને મુસ્લિમો હળીમળીને સદીઓથી રહેતા હતા. લગભગ 48% લોકોએ તો આંતર્ધર્મી લગ્ન પણ કરેલાં. એ પોતે કયા ધર્મની અનુયાયી છે તે વિષે સભાન પણ નહોતી.

ઈ.સ. 1992માં ડુડિયાની પાડોશણ કે જે સર્બિયન હતી તેણે અચાનક કહ્યું, “હું જાઉં છું, આ લે મારા ઘરની ચાવી, જે જોઈએ તે લઈ લેજે, પણ મારો પતિ જો વર્દીમાં દેખાય તો તારાં બાળકોને લઈને આ ઘર અને ગામ છોડીને જતી રહેજે.” ડુડિયાને આ વાત માન્યામાં ન આવી. બીજે દિવસે નોકરી પર ગઈ ત્યારે વર્દીમાં સજ્જ થયેલ એ જ પાડોશીએ ડુડિયાને કહ્યું કે તું કામ પર નહીં જઈ શકે. સારાયેવોનો કબજો સર્બિયન લશ્કરે લઈ લીધો છે. ડુડિયાના પતિ તે વખતે રશિયામાં કામ કરતા હતા. બાજુના નાનકડા ગામમાં પોતાના પાંચ વર્ષના દીકરા, અઢી વર્ષની દીકરી અને બહેનની સાત વર્ષની દીકરીને સંભાળીને રહેતી પોતાની મા પાસે જઈને આ સ્ફોટક પરિસ્થિતિની વાત કરી. તેની માએ કહ્યું, “મેં તો જિંદગી જીવી લીધી, આ સર્બિયન લશ્કરના સૈનિકો બહુ બહુ તો મારા પર બળાત્કાર કરશે કે મને મારી નાખશે, તો શું થયું? પણ તું આ ત્રણેય બાળકોને લઈને અહીંથી સલામત જગ્યાએ જતી રહે.” ભારે હૃદયે પોતાની માને ઝાઝેરા જુહાર કરીને ત્રણ બાળકોને આંગળીએ વળગાડી ચાલતી નીકળી પડી.

માર્શલ ટીટોના રાજ્યમાં યુગોસ્લાવિયા પ્રમાણમાં સુખ શાંતિમાં જીવતું. પછી છ રાજ્યોમાં વિભાજન થતાં અશાંતિ વધી. સર્બિયાને રાજ્ય વિસ્તાર કરવાની ઘેલછાનું ભૂત વળગ્યું અને બોસ્નિયા સ્થિત મુસ્લિમ પ્રજાનો સંહાર કરી તે પ્રદેશને મુસ્લિમ વિહોણું બનાવી નાખવા સંહાર આદર્યો. ડુડિયા એક કાપડ લઈ જતી લોરીમાં બેસી ક્રોએશિયાના પાટનગર ઝાગ્રેબ પહોંચી, જ્યાં એક ઓરડામાં 30 નિરાશ્રિતો સાથે રહી. દિવસો સુધી સુવાની અને નાહવા-ધોવાની સુવિધા વિના અનિશ્ચિત દશામાં રહ્યાં. ત્યાર બાદ રેડક્રોસની સહાયથી તેમને યુનાઇટેડ કિંગ્ડમ લઈ જવામાં આવ્યાં. ડુડિયા માન્ચેસ્ટર આવી. થોડા સમય પછી તેની બે બહેનો પણ આવી.

માન્ચેસ્ટર આવી, ઈંગ્લીશ ભાષાના વર્ગોમાં ભરતી થઈ. એડલ્ટ એડ્યુકેશનની કોલેજમાં રસોયણ તરીકે નોકરી મેળવી, બંને બાળકોને શાળા-કોલેજનું શિક્ષણ અપાવ્યું. આજે તેનો પુત્ર બોલ્ટનની શાળામાં શિક્ષક છે અને પુત્રી પીએચ.ડી.નો અભ્યાસ કરે છે. તે દરમ્યાન તેના પતિ કે જે રશિયામાં હતા તેની બીમારી અને છેવટ મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા. ડુડિયાનો વલોપાત હવે તેના જ શબ્દોમાં: “મેં કોઈ ગુનો કર્યો હોય તેમ લાગે છે. મને વિચાર આવે કે મારા પતિ ભૂખ્યા રહ્યા હશે, તેને છેવટે પાણી કોણે પાયું હશે? હું મારી માને પણ એકલી મૂકીને આવી છું અને બાર વર્ષ પછી ફરી બોસ્નિયા ગઈ.” એમ કહી મારો હાથ પકડીને ખૂબ રડી અને મને પણ રડાવી.

મારું મન વિચારે ચડ્યું. શું ધર્મ આવો ક્રૂર હોઈ શકે? શું વિધર્મીઓ પ્રત્યે આવો અનાદર? હજારો નિર્દોષ લોકોની વિના કારણ હત્યા કરવામાં હાથ ધ્રૂજે નહીં?  માનવતા સાવ આમ મરી પરવારી? એક વિચાર એવો પણ આવ્યો કે ભારતમાં પણ જુદા જુદા ધર્મના લોકો એકબીજાને પરાયા ગણે તો હિંસા ફાટી નીકળવામાં વાર શી લાગે?  

આ વાતચીતને અંતે અમે બંને એકબીજાને સવાલ પૂછતાં રહ્યાં બોસ્નિયા અને અન્યત્ર આવા સંહાર શા માટે થયા કરે છે? એ સવાલ લાજવાબ રહ્યો. ડુડિયા મારી મિત્ર બની ગઈ. દેશ, ધર્મ અને ભાષાના વાડા તૂટી ગયા અને માત્ર માનવતા અમને બાંધી રહી. આ રહી એ મીઠડી મહિલાની તસ્વીર.

Loading

પુરુષ કરતાં સ્ત્રી શ્રેષ્ઠ : મહાત્મા જોતીરાવ ફુલેના જીવનકાર્યનો એક મુખ્ય વિચાર

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|25 November 2016

આદ્ય નારીવાદી ચિંતકો અને કર્મશીલોમાં અગ્રણી મહાત્મા ફુલેની પુણ્યતિથિ સોમવારે છે …

ડૉ. બાબાસાહેબ આંબેડકરે જેમને બુદ્ધ અને કબીરની સાથોસાથ પોતાના ગુરુ ગણ્યા હતા તે અગ્રણી સમાજસુધારક મહાત્મા જોતીરાવ ફુલે(1827-1890)ની પુણ્યતિથિ સોમવાર અઠ્ઠ્યાવીસ નવેમ્બરે છે. જોતીરાવ અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલે(1831-1897)એ અસ્પૃશ્યતા વિરુદ્ધ જાગૃતિ લાવવાનું પાયાનું કામ કર્યું. એના માટે તેમને પ્રતિગામી મનુવાદી ઉચ્ચવર્ગ સામે બળવો પોકાર્યો. અલબત્ત ફુલે દંપતીએ સંઘર્ષ સાથે નવરચનાનાં પણ કામ કર્યાં. તેમણે ‘સત્યશોધક સમાજ’ નામનું સંગઠન સ્થાપ્યું. તેના થકી શૂદ્ર ગણાતા સમૂહોનું પુરોહિતો દ્વારા થતું દમન-શોષણ અટકાવવા, તેમનામાં ખુદના માનવઅધિકારો માટે જાગૃતિ લાવવા અને શાસ્ત્રોએ લાદેલી ધાર્મિક તેમ જ માનસિક ગુલામગીરીમાંથી દલિતોને મુક્ત કરવાની દિશામાં બહુ વિશિષ્ટ ઉપક્રમો હાથ પર લીધા. સત્યશોધક સમાજે ઉપાધ્યાય અને તેના સંસ્કૃત કર્મકાંડ બંનેને દૂર કરતી લગ્ન પદ્ધતિ પ્રચલિત બનાવી. સમાજની જાહેર સભાઓ તેમ જ તેના મુખપત્ર ‘દીનબંધુ’ દ્વારા સાક્ષરતા, સમાનતા, વૈજ્ઞાનિક અભિગમ, ખેડૂતોની સ્થિતિ, દુષ્કાળ સહાય જેવી બાબતો અંગે જાગૃતિ ઊભી કરી.

સ્ત્રીજીવનમાં સુધારણા એ ફુલે દંપતીનાં કામનું એક મહત્ત્વનું પાસું છે. જોતીરાવે અતિશૂદ્ર ગણાતા પરિવારોની કન્યાઓ માટેની ભારતની પહેલવહેલી શાળા 1848માં પૂનામાં શરૂ કરી. તેમાં સાવિત્રીબાઈ ભણાવતાં. બાળલગ્ન થયાં ત્યારે જે અભણ હતી તે સાવિત્રીને જોતીરાવે ભણાવી. સાવિત્રીબાઈ શાળાએ ભણાવવાં જતાં ત્યારે સ્ત્રી શિક્ષણને અનિષ્ટ ગણનારા રૂઢિચુસ્ત વર્ગના કેટલાક લોકો તેમની પર કાદવ અને છાણ ફેંકતા. પજવણી અને પ્રતિરોધ છતાં ફુલે દંપતીએ કન્યાકેળવણીનું કામ ચાલુ રાખ્યું. સમયાંતરે બધા વર્ગોની છોકરીઓ માટે બે નિશાળ અને 1855માં શ્રમજીવીઓ માટેની રાત્રિશાળા શરૂ કરી. એ પછીના જ વર્ષે વિરોધીઓએ એક રાત્રે ઉંઘતા જોતીરાવને ખતમ કરવા માટે મારાઓ મોકલ્યા હતા. પણ જાગી ગયેલા જોતીરાવની સાથેની વાતચીતમાં તેમનું હૃદય પરિવર્તન થયું અને તે આ સુધારકના આજીવન અનુયાયી બની ગયા.

ફુલેના કાર્યકાળ એવી ઓગણીસમી સદીમાં વિધવાઓનું જીવન દોજખ હતું. બાળલગ્નો અને ઊંચા મૃત્યુદરને કારણે બધી જ ઉંમરની વિધવાઓની સંખ્યા પણ ઘણી મોટી હતી. અનેક વિધવાઓ પુરુષોની વાસનાનો ભોગ બનીને સગર્ભા બનતી અને પછી જિંદગી ટૂંકાવી દેતી. આવી મહિલાઓ માટે ફુલેએ 1873માં પૂનામાં બાળહત્યાપ્રતિબંધક ગૃહની સ્થાપના કરી. તેની માહિતી આપતાં ભીંતપત્રો શહેરમાં ચોંટાડ્યાં. તેમાં લખાતું : ‘વિધવાઓ તમે અહીં છૂપી અને સલામત રીતે સુવાવડ કરાવો. બાળકને લઈ જવું કે રાખવું એ તમારી મરજીની વાત રહેશે. એ બાળકોની સંભાળ અમારો અનાથાશ્રમ લેશે.’ ફુલે યુગલને સંતાન ન હતું. તેમણે 1873માં બાળહત્યા પ્રતિબંધક ગૃહમાં કાશીબાઈ નામનાં વિધવાએ  જે બાળકને જન્મ આપ્યો તેનો પોતાના પુત્ર યશવંત તરીકે ઉછેર કર્યો. મહારાષ્ટ્રમાં 1840થી ચાલતી વિધવા વિવાહની ચળવળના પણ જોતીરાવ અગ્રણી ટેકેદાર હતા. વિધવાઓ પર થતા અનેક જુલમોમાં તેમના વાળ મૂંડાવવાનો પણ સમાવેશ થતો હતો. સત્યશોધક સમાજે વાળંદભાઈઓને સમજાવીને આ બદી સામે ઝુંબેશ ચલાવી. તેને પરિણામે મુંબઈમાં ચૌદ એપ્રિલ 1890ના રોજ ભરાયેલી વાળંદોની જંગી સભામાં વિધવાઓના વાળ વાળંદો નહીં ઊતારે એવું નક્કી કરવામાં આવ્યું. આ સમાચાર ઇન્ગ્લેન્ડમાં પહોંચ્યા. ત્યાંની કેટલીક મહિલાઓએ ભારતમાંથી નીકળતાં ‘બૉમ્બે ગૅઝેટ’ અખબારને એક પત્ર લખ્યો હતો. સત્તરમી જૂન 1890ના અંકમાં છપાયેલા આ પત્રમાં વાળંદોને તેમના નિર્ણય માટે ધન્યવાદ આપીને  વિધવાઓ માટે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી હતી.

મહિલાઓ માટે ફુલે દંપતીએ જે વિશિષ્ટ કામ કર્યું તેના પાયામાં પાછળ સ્ત્રી-પુરુષ સમાનતા અને સ્ત્રી-મુક્તિના ખૂબ પ્રગતિશીલ ખ્યાલો હતા. તે જોતીરાવના ‘સત્સાર’ અને ‘સાર્વજનિક સત્યધર્મ’ નામના ચિંતનાત્મક લેખનમાં મળે છે. સંવાદના સ્વરૂપમાં લખાયેલી ‘સત્સાર’ (1885) નામની બે પુસ્તિકાઓમાં મુખ્યત્વે ઉચ્ચ વર્ગોની પકડની વાત છે. સાથે બીજા એક મહત્ત્વના મુદ્દા તરીકે તેમાં જોતીરાવે આધુનિક ભારતના એક વિચક્ષણ બૌદ્ધિક પંડિતા રમાબાઈ(1858-1922)ના ધર્માંતરણનો બચાવ કર્યો છે. આ મુદ્દે વર્તમાન પત્રોમાં રમાબાઈ પર પસ્તાળ પાડનારા રૂઢિચુસ્તોની જોતીરાવ વ્યંજનાભરી ભાષામાં ખબર લીધી છે. પંડિતા રમાબાઈનો આ રીતે બચાવ ભાગ્યે જ બીજા કોઈ બિનખ્રિસ્તી ધર્મસુધારકે કર્યો છે. આ જ રીતે તારાબાઈ શિંદે(1850-1910)ની સાથે પણ ફુલે રહ્યા હતા. સત્યશોધક સમાજના કાર્યકર્તા બાપુજી શિંદેના પુત્રી તારાબાઈએ ‘સ્ત્રી-પુરુષ તુલના’ (1882) નામનું એક નાનું પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે બાળવિવાહ, વિધવાવિવાહની મનાઈ, પતિના વ્યાભિચાર અને જુલમો, પુરાણકથાઓમાં જોવા મળતો સ્ત્રી પરનો અન્યાય જેવી બાબતો વિરુદ્ધ તેજાબી ભાષામાં લખ્યું છે. આ પુસ્તકનો મેનકા જાધવે કરેલો ગુજરાતી અનુવાદ ’તથાપી’ સામયિકમાં  2010-11 દરમિયાન પ્રસિદ્ધ થયો છે. તારાબાઈ અને તેમના વિચારો વિશે અનુચિત લખાણો કરનારા એક સંપાદકની પણ ફુલેએ ઝાટકણી કાઢી હતી. 

ફુલે ‘સત્સાર 2’ની પ્રસ્તાવનામાં ‘પીડાયેલી સ્ત્રીઓને અંગ્રેજ બહાદુરોના પ્રતાપે આછું-પાતળું લખતાં-વાંચતાં આવડ્યું’ એમ જણાવે છે. આગળ તે લખે છે : ‘… આર્ય ધૂર્તજનો થકી એકંદર બધી સ્ત્રીઓની બધી રીતે રિબામણી થતી અને થઈ રહી છે. એ બધા પુરુષોની ઠગાઈ સ્ત્રીઓની નજર સામે લાવવા અહીં પ્રયત્ન કર્યો છે.’ એ અનુસાર, પુસ્તકમાં વેશ્યાગમન કરતા કે એક કરતાં વધુ સ્ત્રીઓને પરણતા પુરુષોનો ધિક્કાર છે. નાલાયક પતિના સકંજામાં ફસાયેલી સ્ત્રીને બીજા પુરુષ સાથે લગ્ન કરવાનો અધિકાર શાસ્ત્રોએ આપ્યો નથી એ વાત લેખકને કઠે છે. વિલાસી પુરુષોની લંપટલીલાનું ટૂંકું શબ્દચિત્ર ફુલે આપે છે. વળી, દાવા-દલિલો-દાખલા સાથે એ સાબિત કરે છે કે ‘સ્ત્રીઓ કરતાં પુરુષો જ વધુ દગાબાજ, ઠગ, ક્રૂર અને નિતનવાં ભયંકર દુષ્કર્મો કરનારા છે.’ અહીં તે દુનિયાના યુદ્ધોના સંદર્ભ આપે છે. અમેરિકામાં ગુલામીનાં દૂષણનો સ્ત્રીઓ પરના જુલમની બાબતે ઉલ્લેખ કરીને ‘અંકલ ટૉમ્સ કેબિન’ (1852) નવલકથાની અમેરિકન લેખિકા હૅરિયટ બીચર સ્ટોની સિદ્ધિની વાત કરે છે. પુસ્તકના અંતે ફુલે એક વિધવાના જીવનનું હૃદયદ્રાવક વર્ણન કરે છે.

ફુલેના છેલ્લા પુસ્તક ‘સાર્વજનિક સત્યધર્મ’(1891)માં સ્ત્રી-પુરુષ સમાનતાના વિચારો છે. એમાં લેખકે લગભગ બધી જગ્યાએ ‘સર્વ એકંદર સ્ત્રી-પુરુષ’ એવો શબ્દપ્રયોગ કર્યો છે. સમાજશાસ્ત્રી ગેલ ઑમ્વેટ નોંધે છે કે ‘માણસ’ શબ્દમાં સ્ત્રી અને પુરુષ એવી વિભાવના સ્પષ્ટ થાય જ છે એવી ધારણા ફુલે સ્વીકારતા નથી, એટલા માટે તે ‘સર્વ એકંદર સ્ત્રી-પુરુષ’ એવો શબ્દસમૂહ પ્રયોજે છે. આ પુસ્તક સ્ત્રીઓની અનેક પ્રકારની ક્ષમતાઓનું ગૌરવ કરે છે. આ ક્ષમતાઓ છતાં સ્ત્રીઓને ગુલામગીરી વેઠવી પડે છે તે માટે કુદરતી કારણો કરતાં સામાજિક પરિબળો કેવી રીતે જવાબદાર છે તેની ફુલે છણાવટ કરે છે. તેમના નારીવાદના કેન્દ્રસ્થાને ‘પુરુષ કરતાં સ્ત્રી શ્રેષ્ઠ’ એવી માન્યતા છે. એ માન્યતા કેટલી સાચી છે તે  ભારતીય નારીના રોજબરોજના જીવનમાં ડગલે ને પગલે ચાલતા સંઘર્ષથી લઈને મંદિર પ્રવેશ માટેની કે ટ્રિપલ તલાક સામેની લડત સુધી, બધે જ સમજાય  છે.

23 નવેમ્બર 2016          

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...3,5323,5333,5343,535...3,5403,5503,560...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved