Opinion Magazine
Number of visits: 9689596
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્હાઇટલૅશ (શ્વેત પ્રતિઘાત)?

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|14 December 2016

ડેમોક્રસીની એક વ્યાખ્યા એવી છે કે ‘વ્હેર ડેમોસ (પ્રજા) ગો ક્રેઝી’. નવમી નવેમ્બરે અમેરિકી પ્રમુખપદની ચૂંટણીનું જે અનપેક્ષિત પરિણામ આવ્યું તેમાં આવું જ બન્યું. ટ્રમ્પ સઘળી રાજકીય ધારણાઓથી વિરુદ્ધ ઇલેક્ટોરલ કૉલેજમાં બહુમત જીત્યા.

ચૂંટણીની ઉમેદવારીની જાહેરાતથી માંડી પરિણામની સાંજ સુધી તેમણે જે કાંઈ ઘેલાં કાઢ્યા તે બધું તેમને પ્રમુખ તરીકે ગેરલાયક ઠરાવવા પૂરતું હતું. અમેરિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બે-ત્રણ વર્તમાનપત્રોને બાદ કરતાં અન્ય સર્વેએ ટ્રમ્પ વિરુદ્ધ તંત્રીલેખ લખ્યા અને હિલેરી ક્લિન્ટનનું સમર્થન એટલાન્ટિક જેવા સામયિકે-જેણે તેના ૧૫૯ વર્ષના અસ્તિત્વનાં કેવળ બે વાર – એક વાર એબ્રહામ લિંકન અને બીજી વાર લિન્ડન જહોનસનનું સમર્થન કરેલું તેણે હિલેરીનું સમર્થન કર્યું તેણે-લખ્યું કે ટ્રમ્પ પ્રમુખ થવાને સંપૂર્ણ અયોગ્ય અને કપાત્ર છે. સાર્વત્રિક ધારણા હતી કે અમેરિકી પ્રજા ટાંકણે શાણપણ બતાવશે ને ટ્રમ્પને જાકારો દેશે. પણ આમ ના બન્યું.

૨૦૧૬ની પ્રમુખીય ચૂંટણી કેવળ તેના પરિણામને કારણે નહીં પરંતુ જે રીતે સમગ્ર રાજકીય ને સંસ્થાકીય પ્રક્રિયાઓ ચાલી તેના કારણે ય લાંબો સમય ચર્ચામાં રહેશે.

આ લખી રહ્યો છું ત્યારે સાર્વત્રિક મત ગણતરીમાં હિલેરી ટ્રમ્પ કરતાં ૧૭ લાખ મતે આગળ છે. ટ્રમ્પના ૪૭ ટકા સામે હિલેરીને ૪૯ ટકા મત મળ્યાં છે. ૧૭૮૭થી માંડીને ૨૦૦૦ સુધીની ચૂંટણીઓમાં ક્યારે ય મત અને ઇલેક્ટોરલ કૉલેજની બેઠકવારી વચ્ચે આવી વિસંગતિ નહોતી. સૌ પ્રથમ વિસંગતિ નોંધાઈ જ્યોર્જ બુશ અને અલ ગોર વચ્ચેની ૨૦૦૦ની ચૂંટણીમાં, જ્યારે બહુમતી છતાં ગોર હાર્યા. આ વર્ષે હિલેરીને ઘણા વધુ મત મળ્યા પણ ઇલેક્ટોરલ કૉલેજમાં ૩૮ બેઠકોની ખાધ પડી.

આપણે ત્યાં પણ લોકસભા ચૂંટણીઓમાં મત-બેઠક વિસંગતિઓ રહી છે. કૉંગ્રેસને વર્ષો સુધી ઓછા મતે લોકસભામાં વધુ બેઠકો મળતી. કૉંગ્રેસ સામેના અનેક વિપક્ષો વચ્ચે મત વહેંચાઈ જતા. હજુ પણ એવું જ બને છે. અમેરિકામાં દરેક રાજ્યને વસતી પ્રમાણે ઇલેક્ટોરલ કૉલેજમાં બેઠકો ફાળવાઈ છે અને બે રાજ્યોને બાદ કરતાં બાકીનાં સર્વ રાજ્યોમાં નિયમ છે કે ઉમેદવારને જે તે રાજ્યમાં બહુમત મળે તેને જે તે રાજ્યના ઇલેક્ટોરલ કૉલેજના બધાં મત મળે. ઇતિહાસકારો કહે છે કે ટ્રમ્પ જેવા લોકરંજક ને અયોગ્ય નેતા ના ચૂંટાય તેની તકેદારી માટે આ વ્યવસ્થા કરાઈ’તી. તેમને ખ્યાલ નહીં કે આધુનિક ચૂંટણી પ્રથા સાવ જ બદલાઈ ગઈ છે. આ કારણસર ચૂંટણી પરિણામ પછી ઇલેક્ટોરલ કૉલેજની પ્રથા નાબૂદ કરવાની માંગ ઊઠી છે. આ પિટિશનમાં અત્યાર સુધી છ લાખ સહીઓ ભેગી થઈ ચૂકી છે.

ઇલેક્ટોરલ પદ્ધતિની બીજી એક ખામી છે, ઘણી રીતે તે અમેરિકાના લોકતાંત્રિક અને સમવાયી માળખા માટે અહિતકારી છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી અમેરિકાનો રાજકીય નકશો ‘રેડ’ (રિપબ્લિકન) અને ‘બ્લૂ’ (ડેમોક્રેટિક) રંગો વચ્ચે વહેંચાઈ ગયો છે અલાબામા,  મિસિસિપી, સાઉથ કેરોલિના ઇત્યાદિ ‘રેડ’ રાજ્યો છે. આ રિપબ્લિકન ગઢ છે. કેલિફોર્નિયા, માસાચુસેટ્સ, વર્મોન્ટ વગેરે બ્લુ રાજ્યો ડેમોક્રેટિક પક્ષના ગઢ છે. કેટલાંક ‘ગ્રે’ રાજ્યો છે જે ક્યારેક ડેમોક્રેટિક બાજુ ઢળે તો ક્યારેક રિપબ્લિક બાજુ – પેન્સિલવેનિયા, ફ્લોરિડા, મિશિગન ઇત્યાદિ આવાં રાજ્યો છે. ચૂંટણી વ્યૂહમાં જે તે પક્ષ ને ઉમેદવાર એવી વ્યવસ્થા ગોઠવે કે અમુક ચૂંટેલાં રાજ્યોમાં જ પ્રચાર કરે ને બાકીનાને અવગણે જેમ કે હિલેરીએ લાખો ડૉલર ફ્લોરિડા, નોર્થ કેરોલિના, કોલોરાડો, પેન્સિલવેનિયા ને મિશિગનમાં વાપર્યા ને કેટલાંકને કાં તો અવગણ્યાં અથવા તો એ પોતાના ગજવામાં જ છે, તેમ માન્યું અને રાજ્યોમાં ઇલેક્ટોરલ કૉલેજની બેઠકોના જાદુઈ આંકડે પહોંચવામાં સરળતા રહે. નોંધવું જોઈએ કે કોલોરાડોને બાદ કરતાં બાકીનાં રાજ્યો હિલેરીએ ગુમાવ્યાં તેનાં કારણો આગળ વિગતવાર ચર્ચ્યા છે.

ઇલેક્ટોરલ કૉલેજ પદ્ધતિની અન્ય એક ખામી એ છે કે તેનાથી કેટલાંક રાજ્યોને સમવાયી માળખામાં અન્યાય થતો લાગે. આ વખતે કેલિફોર્નિયામાં કેટલાક લોકોને લાગ્યું કે આના કરતાં સમવાયતંત્રથી અલગ થઈ જવું સારું.

આપણે ત્યાં એક સમયે નાની પાલખીવાલા સહિત અનેકે પ્રમુખ પદ્ધતિની હિમાયત કરેલી. તેમનું કહેવું હતું કે ‘જુઓ અમેરિકાની પ્રથા કેવી સારી ચાલે છે.’ આ અમેરિકામાં એક રિયાલિટી ટીવી સ્ટારને ચૂંટાતા જોયા પછી કોઈ ઇચ્છતું હશે તોયે બોલવાનું માંડી વાળશે.

આ ચૂંટણીની બીજી વિશેષતા એ રહી કે અમેરિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર બંને મુખ્ય રાજકીય પક્ષોએ એવા ઉમેદવાર નક્કી કર્યા જેમનો અણગમાનો આંક ખાસ્સો ઊંચો હતો. આ આંકડો સતત બદલાતો રહ્યો પણ સરેરાશ ૫૫ ટકા મતદારોને ટ્રમ્પ પ્રત્યે અણગમો હતો તો ૫૦ ટકાને હિલેરી પ્રત્યે. ચૂંટણી પત્યા પછીની મોજણીમાં એક નોંધપાત્ર વાત એ જાણવા મળી કે હિલેરીને મત આપનારામાં ૭૭ ટકા મતદારોએ ટ્રમ્પ પ્રત્યેની નાપસંદગીને કારણે તેમને મત આપ્યો. તેવી જ રીતે ટ્રમ્પના ૮૦ ટકા મતદારોએ હિલેરી પ્રત્યેના અણગમાને કારણે ટ્રમ્પને મત આપ્યો હતો. એટલે કે ૭૦થી ૮૦ ટકા લોકોએ નકારાત્મક મતદાન કર્યું. પ્રથમ વાર અમેરિકાની ચૂંટણીમાં આટલી હદે અણગમાનું ધ્રુવીકરણ થયું.

આવું જ ધ્રુવીકરણ ગ્રામીણ અને શહેરી તથા અલ્પશિક્ષિત અને સુશિક્ષિત વચ્ચે જોવા મળ્યું. છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકાના ગ્રામીણ મતદારો જે મોટા ભાગના અલ્પશિક્ષિત છે તે રિપબ્લિકન પક્ષને મત આપે છે, અને સુશિક્ષિત શહેરી પ્રજા ડેમોક્રેટિક પક્ષને મત આપે છે. શહેરોમાં ટ્રમ્પના ૨૮ ટકા સામે હિલેરીને ૫૪ ટકા મત મળ્યા જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ટ્રમ્પના ૫૩ ટકા સામે હિલેરીને ૩૩ ટકા મત મળ્યાં. હિલેરીએ માર ખાધો ઉપનગરીય વિસ્તારમાં-તેમની અપેક્ષાથી ખાસ્સા ઓછા મત (૪૨ ટકા) મળ્યા જ્યારે ટ્રમ્પને અપેક્ષાથી ઘણા વધારે (૩૭ ટકા) મત મળ્યા.

યાદ રહે કે અમેરિકાની ગ્રામીણ વસતીના ૭૮ ટકા વસ્તી શ્વેત છે. વળી તેમાંના મોટા ભાગના ૪૦ વર્ષથી ઉપરની વયના છે. ગ્રામીણ વિસ્તારોમાં કેવળ નવ ટકા હિસ્પેિનકસ અને આઠ ટકા અશ્વેત છે. ગ્રામીણ વસતીના ૭૨ ટકા શ્વેત મત ટ્રમ્પને મળ્યા. જ્યારે કેવળ ૨૩ ટકા હિલેરીને અપેક્ષાથી ખાસ્સુ વિરુદ્ધ ૫૩ ટકા ગ્રામીણ સ્ત્રીઓએ ટ્રમ્પને મત આપ્યા જ્યારે હિલેરીને ૪૭ ટકા મળ્યા. આ ચૂંટણીમાં આજે ‘વ્હાઈટલૅશ-બેકલૅશની જેમ-પ્રતિઘાત’ ફિનોમીનન છે. તેણે ટ્રમ્પને મોટા ઇલેક્ટોરલ મતથી જીતાડ્યાં.

શહેરી વિસ્તારોમાં હિલેરીને ૮૮ ટકા અશ્વેતો અને ૭૪ ટકા હિસ્પેિનક્સના મતો મળ્યા. ગ્રામીણ અને ઉપનગરીય શ્વેત મતો સામે તે ઓછા પડ્યા.

અમેરિકામાં જેને રસ્ટબેલ્ટ કહેવાય છે તેવા મિડવેસ્ટનાં રાજ્યોમાં વિશેષ શ્વેત પ્રતિઘાત જોવા મળ્યો. આ એવાં રાજ્યો છે કે જ્યાં એક સમયે મોટાં ઔદ્યોગિક કારખાનાઓ હતાં અને હજારો શ્વેત કામદારોને કામ મળતું. વૈશ્વિકીકરણના કારણે અનેક કારખાનાઓ બંધ થયાં અને મેક્સિકો કે ચીન જતાં રહ્યાં. ટ્રમ્પનો ‘મેઈક અમેરિકા ગ્રેટ અગેઈન’ સંદેશ આ સમૂહને સ્પર્શી ગયો.

ટ્રમ્પની આ ઉદ્યોગોને પાછા લાવવાની અને અને મેક્સિકોના માલ પર વધુ જકાત નાખવાની જાહેરાત આ વિસ્તારમાં અસરકારક નીવડી વળી ગેરકાનૂની ઇમિગ્રેશન સામે આત્યંતિક રીતે કડક થવાની જાહેરાતો જે લગભગ ગાંડપણની હદ સુધી પહોંચી તે પણ અસરકારક નીવડી. નોંધનીય છે કે એક સમયે આ જ કામદાર વર્ગ ડેમોક્રેટિક પક્ષનો પાયો હતો. આ શ્રમજીવી વર્ગને હિલેરી વૉલ સ્ટ્રીટના હિતેચ્છુ અને તેમનાથી વિરુદ્ધ લાગ્યાં.

અમેરિકાનાં ચૂંટણી પરિણામોએ એ પણ બતાવ્યું કે સ્ત્રીઓ વધારે સંખ્યામાં ડેમોક્રેટિક પક્ષને મત આપે છે. હિલેરીના ૫૪ ટકા સામે ટ્રમ્પને ૪૨ ટકા મળ્યા. તેવી જ રીતે સુશિક્ષિત વર્ગમાં હિલેરીના ૫૨ ટકા સામે ટ્રમ્પને ૪૩ ટકા મત મળ્યા.

અમેરિકાના મતદારોમાં શહેરી-ગ્રામીણ, સ્ત્રી-પુરુષની જેમ વયનું ધ્રુવીકરણ પણ નોંધનીય છે. ટ્ર્મ્પ ૪૫થી ઉપરના અને હિલેરી ૪૫ વર્ષથી નાની ઉંમરના મતદારોમાં જીત્યા. કેટલાંક સમાજશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે ક્રોધિત શ્વેત મતદારોના પ્રતિઘાતનાં આ છેલ્લાં હવાતિયાં છે. ક્રમશઃ શ્વેત પ્રજાની સંખ્યા ઘટતી જાય છે અને જેમ જેમ હિસ્પેિનકસ, અને એશિયન પ્રજાની સંખ્યા વધશે તેમ તેમ રિપબ્લિકન પક્ષની મુશ્કેલીઓ વધશે.

(લેખક ૧૯૭૪-૭૭નાં વર્ષોમાં જેપી આંદોલનના યુવા સૈનિક રહ્યા છે. રાજ્યશાસ્ત્રના અનુસ્નાતક પદવીધર થયા પછી હાલ તે ફ્લોરિડામાં કાર્યરત છે. “નિરીક્ષક”ના આગામી અંકમાં તેઓ અમેરિકાના રાજકીય પક્ષોના બદલાતા સ્વરૂપ સંદર્ભે ચર્ચા કરશે. – “નિરીક્ષક” તંત્રી)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 07-08

Loading

‘ટાઇમ’ટાણું અને સંવતપુરુષ ટ્રમ્પ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 December 2016

આંબેડકર એકસો પચીસીનો ખાસો શોર મચાવતી સરકારને આંબેડકરને સાઠમી નિર્વાણ તિથિ ખાસ સાંભરી નહીં

વાત આજે તો બેલાશક માનવ અધિકાર દિવસની કરીશું, અને યુનાઇટેડ નેશન્સે ચાલુ વર્ષે આ દિવસ માટે વસ્તુ વિશેષરૂપે સૂચવી છે તે પણ મજાની : ચાલો, આપણે એકમેકના અધિકારોનો આદર કરતાં શીખીએ. દેશ અને સમાજના નાનામોટા વર્ગો, સીમાપારથી કામધંધા અંગે આવતા કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોજીરોટીને નસીબ અજમાવવા આવતા, નાતજાતગત વંચિત સમુદાયો, આદિવાસી ને લઘુમતી સમુદાયો, દેશાન્તરિત-સ્થળાન્તરિત સૌનો આદર, એ આ વરસનું વસ્તુ છે. વસ્તુને મજાનું (કે મજાની) કેમ કહું છું? એનું રહસ્ય ખાસ છાનું ન હોવું જોઈએ. જે જોગાનુજોગ છે, અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પની ફતેહનો – અને વળી ‘ટાઇમ’ સામયિકમાં પર્સન ઑફ ધ ઇયર (સંવતપુરુષ) તરીકે ઉભરવાનો, તે જોતાં સર્વ સમુદાયોના અધિકારો પરત્વે સમાદરનો સંદેશ વિપળવાર પણ વહેલો નથી.

ટ્રમ્પે અમેરિકાના ગોરા ભાઈબહેનો બાદ કરતાં બાકી બધા સમુદાયો સામે ચૂંટણી ઝુંબેશમાં થૂંક ઉરાડવામાં કોઈ કસર છોડી નહોતી. અમેરિકાની તો એક વરભૂમિ (પ્રોમિસ્ડ લૅન્ડ) તરીકે આબરૂ જ એ વાતે રહી છે કે પ્રમુખ કેનેડીના યાદગાર શબ્દોમાં ‘આ તો પરદેશી નાગરિકોનો દેશ છે.’ લિંકનના નેતૃત્વમાં ગોરી ફોજ બીજી એક ગોરી ફોજ સામે કાળી પ્રજા(આફ્રિકન-અમેરિકન)ની મુક્તિ માટે લડી હતી, એવી અનેરી અમેરિકિયતની એ દાસ્તાં છે. ટ્રમ્પે જે ઝુંબેશ કીધી તે આ અમેરિકિયતને છાંડીને કીધી હતી. અણિયાળા ધ્રુવીકરણે (ત્યાંની વિશિષ્ટ ચૂંટણી પ્રથા મુજબ) ટ્રમ્પને વિજય પણ અપાવ્યો. આ વિજય કેવો હતો તે ‘ટાઇમ’ સપ્તાહિકે એમને સંવતપુરુષ જાહેર કરતાં નોંધ્યું પણ ખરું કે આ તો ભૈ ડિવાઇડેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના વરાયેલા પ્રમુખ છે. નોંધ્યું તમે? યુનાઇટેડ સ્ટેટ્સ નહીં પણ ડિવાઇડેડ સ્ટેટ્સ. વરવી રીતે ધ્રુવીકૃત ફતેહનો ઘરઆંગણનો દાખલો મે 2014નો છે.

એક રીતે, ટ્રમ્પની વિજયકૂચમાં નમો નીતિનું અનુસરણ (અને સમર્થન) જોતા રાજનાથસિંહ જેવાને સારુ આ ‘ટાઇમ’ટાણું એક સાથે રાજીપાનું ને રંજનું છે એમ જ કહેવું જોઈશે. નમો નીતિવ્યૂહને અનુસરતા જણની જીત છે એટલે રાજીપો અને ખુદ નમો સંવતપુરુષ તરીકે ઉભરતે ઉભરતે રનર્સ અપે પણ ન પહોંચ્યા એટલે રંજ. રક્તરંજિત કોમી ધ્રુવીકરણનો અનુભવ દેશને સ્વરાજ આવવામાં હતું ત્યારે કેવો ને કેટલો થયો હતો! ઝીણાએ અને મુસ્લિમ લીગે ‘ડાઇરેક્ટ એક્શન’નું એલાન કર્યું હતું અને દેશ આખાએ પોતાને રક્તનીંગળતો અનુભવ્યો હતો. મુસ્લિમ લીગના મતે હિદુંવાદી અને હિંદુ મહાસભાના મતે મુસ્લિમ તરફી એવી કૉંગ્રેસ માટે એ રોકવું મુશ્કેલ બની ગયું હતું. ભારત એક રાષ્ટ્ર નથી, એમાં ઓછામાં ઓછું બે રાષ્ટ્ર તો છે જ – હિંદુ અને મુસ્લિમ – એવી સાવરકરી ભૂમિકા અને મુસ્લિમ લીગનો પાકિસ્તાનનો ઠરાવ, આ બંને પછી બાજી કદાચ હાથમાં રહી જ નહોતી. વિધિવત્ પાકિસ્તાન માટેના ઠરાવ અને ‘ડાઇરેક્ટ એક્શન’નાયે પૂર્વે ઝીણા એક વિલક્ષણ દલીલ કરવા લાગ્યા હતા કે ભારતમાં હિંદુ બહુમતી છે એ જોતાં અમે કદાપિ સત્તામાં આવી શકવાના નથી.

ઇંગ્લંડમાં તો આજે કોન્ઝર્વેટિવ તો કાલે લેબર પાર્ટી એવો અવકાશ છે. અહીં તો આજે પણ હિંદુઓ અને કાલે પણ હિંદુઓ એવો ઘાટ છે. દેખીતી રીતે જ એમણે ધર્મ અને પક્ષ વચ્ચે સેળભેળની રીતે આખી ચર્ચાને ગોટવી નાખી હતી. આ ઝીણા ક્યારેક હિંદુમુસ્લિમ એક્તાના એલચી તરીકે ઓળખાતા હતા, મુસ્લિમ ગોખલેરૂપે એક લિબરલ ભૂમિકાએ ઠરવા કરતા હતા,  કદીક લોકમાન્યનો કેસ પણ લડ્યા હતા, કોણ માનશે? છતાં, એક નવયુગી નાગરિક સંસ્કારનો એમને પાસ તો લાગેલો હતો. એટલે તો પાકિસ્તાનના બંધારણની ચર્ચા કરતી વખતે એમણે ગૃહમાં એ હદે કહી નાખ્યું હતું કે તે અમલમાં આવશે એ દિવસથી દેશમાં ન તો કોઈ મુસ્લિમ હશે, ન તો કોઈ હિંદુ હશે – સૌ પાકિસ્તાની હશે. મતલબ, ધર્મને ધોરણે તો તમે મુસ્લિમ કે શીખ કે હિંદુ હશો પણ નાગરિક તરીકે તો પાકિસ્તાની ને પાકિસ્તાની જ હશો. કમનસીબે, ડાઇરેક્ટ ઍક્શન પછીના ઝીણાને નવા મુલકમાં કોઈ ખરીદાર નસીબ ન હોતું.

આજે ટ્રમ્પ, પરિણામ પછી, કંઈક રાગ બદલવાની ફિરાકમાં માલૂમ પડે છે, જેમ તાજેતરનાં વરસોમાં તમે નમો બાબત પણ કહી શકો. ટ્રમ્પે ચોક્કસ ગોરી બહુમતીને ધોરણે ધ્રુવીકૃત પ્રચાર વંટોળ જગવ્યો હતો. ગુજરાતમાં 2002, 2007ની ચૂંટણી લગી હિંદુત્વ અને પ્રાદેશિક અસ્મિતાની કોકટેલથી રોડવવાનું વલણ હતું. જયલલિતાનું રાજકારણ તમે જુઓ તો એમાં સ્વતંત્ર રાષ્ટ્ર્ની હદે પ્રાદેશિક અને ભાષિક અસ્મિતાનો ગાજોવાજો ખાસો હતો. હવે મોદી એન.ડી.એ. એમના અનુગામી સાથે વિશેષ નાતો વિકસાવવા ઇચ્છે છે, કે કાશ્મીરમાં પી.ડી.પી. સાથે એણે ગોઠવ્યું છે, તે શું સૂચવે છે? એમાં જે સંદેશો પડેલો છે તે સીધોસાદો એ છે કે એકબીજાના સમાદર વગર આટલો મોટો ઉપખંડ શો દેશ ચલાવી શકાય તેમ નથી. દેખીતી રીતે જ નમોપંથી ટ્રમ્પ અગર તો એમના રનર્સ અપે પહોંચતે પહોંચતે રહી ગયેલા નમો ખુદ હવે પોતાની ધ્રુવીકૃત રાજનીતિને સમીનમી કર્યા વિના ચાલી શકે એમ નથી.

આ પૃષ્ઠભૂ પર જોઇએ તો યુનાઇટેડ નેશન્સે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે ચાલુ વર્ષે નિર્ધારેલું વિષયવસ્તુ અત્યંત નોંધપાત્ર બની રહે છે. રાષ્ટ્રવાદની સાંકડી, ઝનૂની, જીર્ણમતિ વ્યાખ્યાથી હટીને કોઈ ધર્મકોમ કે વર્ણમાં બંધાયા વગર સહજીવનની એક સહિયારી ભૂમિકા વિકસાવવાપણું છે. સગવડ ખાતર તમે એને ચાહો તો બંધારણીય રાષ્ટ્રવાદ કહી શકો, એક એવો રાષ્ટ્વાદ જેમાં કોઈ પણ સાંકડી ઓળખ ઉપર કે પછી એક જ ઓળખ ઉપર એવો બુલડોઝર અગર સ્ટીમ રોલર શો ભાર નથી કે બાકી સૌને આપોપું અળપાતું ને ઓઝપાતું લાગે. સન સુડતાલીસમાં સ્વરાજ સાથે કૉંગ્રેસે સુવાંગ પોતાની સરકાર નહીં રચતાં જે વ્યાપક અભિગમ ગાંધીનેહરુપટેલ એ સ્વરાજત્રિપુટી વાટે લીધો જેમાં કૉંગ્રેેસથી સામે અને ઉફારાટે રાજનીતિ કરનારા હિંદુવાદી શ્યામાપ્રસાદ મુખર્જી અને દલિત નેતા આંબડકર પણ હોઈ શકે એનો મરમ અને માયનો અપરિભાષિતપણે પણ આ પાયાની સમજમાં પડેલો હતો. આંબેડકરના યોજકત્વમાં જે બંધારણ શક્ય બન્યું એમાં રાષ્ટ્રવાદની આ નરવી સમજ પડેલી હતી.

આંબેડકર એકસો પચીસીનો ખાસો શોર મચાવતી સરકારને આંબેડકરને સાઠમી નિર્વાણ તિથિ ખાસ સાંભરી નહીં એમાં ધરબાયેલી વિગત એ છે કે છઠ્ઠી ડિસેમ્બરના કથિત શૌર્ય દિવસથી હટી સર્વસમાવેશી ને સર્વના અધિકારો પરત્વે સમાદરવાળી નવી રાજનીતિ હજુ હાડમાં પચી નથી. આ અંતર કાપવું કેવી રીતે? પ્રશ્ન આ છે – તમે સત્યની એસી કી તેસીનું રાજકરણ ખેલવાથી કિનારો કરી શકો છો? આજે તો જે પણ ગોપુચ્છ વૈતરણી પાર કરવા સારુ હાથવગું અને મોંવગું છે એ કેવળ ને કેવળ ‘પોસ્ટ ટ્રુથ’ છે … માનવ અધિકાર દિવસના સંદેશ પરનો ભાર, આ અનવસ્થાના વારણ અને નિવારણ વાસ્તે સ્તો છે!

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘વિચારવાજોગ’, “દિવ્ય ભાસ્કર”, 10 ડિસેમ્બર 2016

Loading

ગુજરાતનાં પાંચ આંદોલનોના સંદર્ભમાં નાગરિક અધિકારો વિશેનો મહત્ત્વનો અભ્યાસ

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|13 December 2016

આ શનિવાર, દશમીએ માનવઅધિકાર દિન નિમિત્તે એક નવા અંગ્રેજી સંશોધન ગ્રંથનો પરિચય …

‘પ્રોટેસ્ટ મૂવ્હમેન્ટસ એન્ડ સિટિઝન્સ રાઈટ્સ ઇન ગુજરાત 1970-2010’ એ વર્ષા ભગત-ગાંગુલીનું દળદાર અંગ્રેજી પુસ્તક તાજેતરમાં વાંચવા મળ્યું. તેમાં ખંતીલા સમાજશાસ્ત્રી વર્ષાબહેને ગુજરાતનાં પાંચ આંદોલનોનું દસ્તાવેજીકરણ અને વિશ્લેષણ કરીને નાગરિક અધિકારોના પરિપ્રેક્ષ્યમાં તેમનું મૂલ્યાંકન કર્યું છે.

સંશોધનના આ વિષય અને તેના વ્યાપ એમ બંનેની રીતે પહેલવહેલું ગણી શકાય તેવું આ પુસ્તક સંશોધકે સિમલાની પ્રતિષ્ઠિત વિદ્યાસંસ્થા ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડિઝ’ની અભ્યાસવૃત્તિ (ફેલોશીપ) હેઠળ લખ્યું છે. સંશોધકે ઊંડાણપૂર્વક તપાસેલાં પાંચ આંદોલનો છે : નવનિર્માણ (1973-74),  અનામતની જોગવાઈ વિરુદ્ધનાં બે આંદોલનો (1981 અને 1985), નર્મદા યોજનાના વિરોધના વિરોધમાં ગુજરાત-મધ્યપ્રદેશની સરહદે થયેલું ફેરકુવા આંદોલન (1990-91) અને સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૂચિત સિમેન્ટ ફૅક્ટરીની સામે થયેલું મહુવા આંદોલન (2009-2015).

લેખક પહેલા પ્રકરણમાં જણાવે છે કે આ આંદોલનોને પંપરાગત કામદાર ચળવળો કે નવી સામાજિક ચળવળોની રીતે મૂલવી શકાય તેમ નથી. પણ ગુજરાતના લોકોએ તેમના અધિકારો માટે કરેલી ‘કલેક્ટિવ ઍક્શન્સ’ તરીકે તે ખૂબ મહત્ત્વનાં છે.  ‘આ આંદોલનો ગુજરાતમાં નાગરિક અધિકારો, નાગરિક સમાજ અને આ બંનેની સામેના પડકારો તેમ જ સામાજિક બદલાવ તરફ જોવા માટેની બારી પૂરી પાડે છે’ એમ લેખક માને છે. તેમણે અહીં વિરોધ ચળવળ, નાગરિક અધિકાર અને તેની પ્રાદેશિકતા સહિતનો ગુજરાતનો નાગરિક-સમાજ એ ત્રણ બાબતોને સાંકળી છે. લેખક કહે છે : ‘ ગુજરાતનો નાગરિક-સમાજ નાગરિકતા અને લોકશાહી બંધારણના સંદર્ભમાં કેવો છે તે સમજવાની કોશિશ આ અભ્યાસમાં કરવામાં આવી છે.’

લેખકને ગુજરાત બે રીતે વધુ રસપ્રદ લાગે છે. એક, ગુજરાત ‘હિન્દુત્વની પ્રયોગશાળા’ અને ‘ડેવલપમેન્ટ મૉડેલ’ એવી પરસ્પર  વિરોધાભાસી છાપ ધરાવે છે. બીજું, આ એવું રાજ્ય છે કે જેમાં વાટાઘાટો-બાંધછોડ-સમજૂતીથી કામ ચાલે છે, વિવાદ તેમ જ વિરોધ એ કેવળ નાછૂટકે અંતિમ માર્ગ તરીકે અપનાવવામાં આવે છે. લેખકે અહીં ‘નાગરિક અધિકાર તેમ જ નાગરિક ઘડતરની પ્રક્રિયાની રૂપરેખા’ તપાસવાનો પ્રયત્ન કર્યો છે. વળી આંદોલનોને પરિવર્તનાત્મક રાજકારણ, સમાવેશક વિકાસની દિશા, સમાનતા તરફની ગતિ અને ન્યાયતંત્રના પ્રતિભાવની દૃષ્ટિએ પણ તપાસવામાં આવ્યાં છે. સંશોધનના ધ્યેયોનો આ રીતે નિર્દેશ કરવા ઉપરાંત લેખકે વિરોધનો અધિકાર તેમ જ નાગરિક-સમાજ એ વિભાવનાઓ વિશેની સિદ્ધાન્ત ચર્ચા અને પ્રસ્તુત અભ્યાસ માટે તેમણે અપનાવેલી સંશોધન પદ્ધતિનું વિવરણ પહેલા પ્રકરણમાં કર્યું છે.

બીજાથી પાંચમા પ્રકરણોમાંથી દરેક પ્રકરણ એક આંદોલનની એથનોગ્રાફી, એટલે કે તેના તમામ પાસાંની વિગતો સાથેનો આલેખ આપે છે. લેખકે  પુસ્તકના નામ સિવાય બધે જ ‘આંદોલન’ શબ્દ અંગ્રેજી લખાણમાં પણ એમ જ રાખ્યો છે તે સમાજવિદ્યાઓની પરિભાષાના સંદર્ભમાં નોંધપાત્ર બાબત છે. દરેક પ્રકરણમાં ત્રણ ભાગ છે :

1. આંદોલનની પાર્શ્વભૂમિ, એની ઉત્પત્તિ, વિરોધ માટે હાથ ધરવામાં આવેલા કાર્યક્રમો, વિરોધમાં જોડાનાર વ્યક્તિઓ તેમ જ સંગઠનોનો પરિચય, સરકાર સાથે વાટાઘાટો અને આંદોલનનાં પરિણામ

2. આંદોલનની સામેના પડકાર તેમ જ અત્યારના સંદર્ભમાં તેમની પ્રસ્તુતતા

3. આંદોલનની ભૂમિ  તરીકે  શેરીઓ અને અદાલતો તેમ જ આંદોલન દ્વારા માંગવામાં આવેલા અધિકારો.

આ એથનોગ્રાફી પુસ્તકને એક મહત્ત્વનો સંદર્ભગ્રંથ બનાવે છે. સંશોધકે ટાંકેલી નવી જૂની મુદ્રિત સામગ્રીમાંપુસ્તકો, સંદર્ભગ્રંથો, પુસ્તિકાઓ,સામયિકોના પાછલા અંકો, નાનામોટા સમાચારો, પત્રિકાઓ જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે. મૌખિક સામગ્રીમાં ચળવળોનાં નારા, ગીતો અને કવિતાઓ ઉપરાંત એકવીસ જાણકારોની મુલાકાતો છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટ સોર્સીસ પણ નોંધાયા જ હોય એવું કહેવાની ભાગ્યે જ જરૂર રહે. જો કે એવું ચોક્કસ કહી શકાય કે પાંચ આંદોલન માટેની રજેરજ માહિતી આ પ્રકરણની અંદરના વિવરણ તેમ જ તેના માટેની સંદર્ભ સામગ્રીની યાદીમાંથી મળે છે. એટલે આ વિષયના કોઈ પણ અભ્યાસી માટે પુસ્તક અનિવાર્ય  સ્રોત બને છે.

લેખક દરેક આંદોલનનાં પરિણામો આપણી સામે મૂકે છે. નવનિર્માણ આંદોલને લોકશાહી મૂલ્યો, રાઇટ ટુ રિકૉલ, રાઇટ ટુ ઇન્ફર્મેશન, અને રાઇટ ટુ ફૂડનું પ્રતિપાદન કર્યું. અદાલતના બારણે મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યુરિટી અ‍ૅક્ટ(મિસા)ના દુરુપયોગને પડકારાયો. લોકપ્રતિનિધિઓ બંધારણની બાબતે જાગૃત થયા. પહેલા અનામત આંદોલનને પરિણામે ‘કૅરિ ફૉરવર્ડ’ અને ‘ઇન્ટર  ચેઇન્જેિબલિટી’ એવી અનામતની બે રક્ષણાત્મક જોગવાઈઓ સરકારે દૂર કરી, મેડિકલ અને ઇજનેરી કૉલેજોમાં અનુસ્નાતક કક્ષાએ બિનઅનામત બેઠકો વધારી. બીજા અનામત આંદોલનને પરિણામે અનામત ક્વોટામાં વધારો પાછો ખેંચાયો અને રોસ્ટર સિસ્ટમ નાબૂદ થઈ. લેખકના મતે આ બંને આંદોલનો અનામત નીતિની ફેરગોઠવણમાં સફળ નીવડ્યા કે સમાજિક ન્યાયની પ્રક્રિયાને અવરોધવામાં કામયાબ થયા એ ચર્ચાનો વિષય છે. ફેરકુવા આંદોલન અને તેને પગલે નર્મદા યોજના અંગે સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાને કારણે પુનર્વસન (રિહૅબિલિટેશન) અને પુન:વસવાટ (રિસેટલમેન્ટ) તેમ જ મોટા બંધોને લગતી આખી ય જાહેર વિચારણને નવી દિશા મળી. મહુવા આંદોલને ઔદ્યોગિક વિકાસની સામે ખેતીના વિકાસનું મહત્ત્વ, જાહેર સુનાવણી, ભૂગર્ભજળમાં ખરાશ અટકાવીને પર્યાવરણનું રક્ષણ, કુદરતી જળસંચયોની જાળવણી અને જમીનનો  સિમેન્ટ ઉત્પાદનને બદલે આજિવિકા માટે ઉપયોગ જેવા મુદ્દા પ્રકાશમાં આવ્યા.  અલબત્ત તે પહેલાં, અનામત અને ફેરકુવા આંદોલનોથી નાગરિક સમાજ વહેંચાઈ ચૂક્યો હતો અને સંપન્ન અગ્રવર્ગો એકજૂટ રીતે સત્તાધારી પક્ષ સાથે રહીને સમાનતા, સામાજિક ન્યાય અને સમાવેશક  વિકાસના અધિકારોના વિરોધી બની ચૂક્યા હતા. તેમણે ભય અને બળના ઉપાયોગથી હાંસિયા બહારના લોકોનો અવાજ પણ દબાવી દીધો હતો. આ નિરીક્ષણો પુસ્તકના આઠમા પ્રકરણ પ્રોટેસ્ટ અ‍ૅન્ડ રાઇટ્સ : ટ્રેન્ડસ, ઇમ્પૅક્ટ અ‍ૅન્ડ ચૅલેન્જેસ’ માં મળે છે. સિમલાની જ વિદ્યાસંસ્થાએ ઑક્ટોબર 2015માં પ્રકાશિત કરેલા આ પુસ્તકના છેલ્લા પ્રકરણમાં લેખકે જુલાઈ-ઑગસ્ટ 2015માં પટેલોએ અનામતની માગણી કરવા માટે ચાલવેલા આંદોલન વિશે લખ્યું છે. તેમના મતે પટેલોએ ઉચ્ચ શિક્ષણ અને રોજગારી માટેની તકો અનામત બેઠકોની પ્રાપ્તિમાં જોઈ છે અને  તેમાં ગુજરાતના વિકાસ મૉડેલની નિષ્ફળતા પણ સમાયેલી છે.

આમ તો ગયાં ચારેક દાયકામાંગુજરાતનાં સામાજિક-રાજકીય સ્થિત્યંતરો વિશે અંગ્રેજીમાં  અચ્યુત યાજ્ઞિક, અમીતા બાવિસ્કર, ઇન્દિરા હિરવે, ગિરીશ પટેલ, ઘનશ્યામ શાહ, જૅન બ્રેમન, જૉન આર. વૂડ, ડેવિડ હાર્ડીમન, પ્રવીણ શેઠ, સુજાતા પટેલ, સુદર્શન આયંગર, હૉવર્ડ સ્પૉડેક અને બીજાં અભ્યાસીઓએ લખ્યું છે. આ યાદીમાં વર્ષા ભગત-ગાંગુલી પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેઓ અત્યારે નિરમા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લૉમાં પ્રોફેસર છે. તે પહેલાં તેઓ મસૂરીની લાલ બહાદુર શાસ્ત્રી નૅશનલ અ‍ૅકેડેમી ઑફ પબ્લિક અ‍ૅ ડમિનિસ્ટ્રેશનમાં હતાં. ગુજરાતની મહિલાઓ, વિધવાઓ અને માલધારીઓની સ્થિતિ પરના તેમના અભ્યાસો જાણીતા છે. આઇડેન્ટિટી અને કોમવાદી હિંસા તેમ જ જમીન અધિકારના વિષયો પર પણ તેમણે પુસ્તકો લખ્યાં છે. પ્રસ્તુત પુસ્તકના અનુસંધાને તેમનાં બરના વિદ્વાન પાસેથી દલિત અને આદિવાસી સમૂહોનાં આંદોલનો પરનાં ગ્રંથની અપેક્ષા રહે છે.

7 ડિસેમ્બર 2016

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...3,5303,5313,5323,533...3,5403,5503,560...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved