Opinion Magazine
Number of visits: 9456622
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત સરકાર માતૃભાષાને મૃતભાષા કરવા માંગે છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|18 November 2024

રવીન્દ્ર પારેખ

‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ..’ જેવી પંક્તિ આદિ કવિ નરસિંહ મહેતાએ આપી ને તેણે સેંકડો વર્ષ પહેલાં ‘અખિલ બ્રહ્માંડ’ની કલ્પના ગુજરાતીમાં કરી એ ગુજરાતી, ગુજરાતની માતૃભાષા જ ન રહે એની મહેનત ગુજરાતનો શિક્ષણ વિભાગ કરી રહ્યો છે. આમ પણ ગુજરાતી માધ્યમની સ્કૂલો વિદ્યાર્થી નથી મળતા એવા બહાને બંધ થઈ રહી છે ને અંગ્રેજી માધ્યમની સ્કૂલો માટે વિદ્યાર્થીઓની ખોટ નથી, એટલે નવી સ્કૂલો ખૂલતી જાય છે. પરપ્રાંતીયોનાં આક્રમણને નામે, ગુજરાતી ભૂંસાતી જઈ રહી છે એવી ફરિયાદ છે, પણ મૂળ ગુજરાતીઓને પણ ગુજરાતી પારકી અને અંગ્રેજી પોતાની ભાષા લાગતી હોય તો અન્યોનો શો વાંક કાઢવો? આજકાલ તો ગુજરાતી ન બોલવાની ફેશન થઈ પડી છે, તેવામાં ગુજરાતીની આવરદા ઘટે તે સમજાય એવું છે. એવે વખતે ગુજરાતીનું મહત્ત્વ ઓછું આંકવાનું શિક્ષણ વિભાગનું વલણ અત્યંત ઘાતક છે. 

અમદાવાદની વાત કરીએ તો 1 લાખ બાળકોએ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો છે ને 89 હજાર ક્યાં છે તેની ખબર નથી. રાજ્યની વાત કરીએ તો ગુજરાતનાં 6.58 લાખ બાળકોએ અધવચ્ચે અભ્યાસ છોડ્યો છે. એમાં પણ 6.17 લાખ વિદ્યાર્થીઓની કોઈ માહિતી નથી. સરકાર એવા અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો સરવે કરવાની છે, પણ એ ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારવા જેવું છે. શિક્ષણમાં અનેક અખતરા કરીને સરકારે ખતરા જ વધાર્યા છે. એને લીધે થવાં જોઈતાં કામ થતાં નથી. પરિપત્રો અને ડેટા પર જીવતો શિક્ષણ વિભાગ વાસ્તવિક ચિત્ર પામી શકે એમ નથી. પામવાની કદાચ ઈચ્છા પણ નથી. તેને તો ખરો-ખોટો ડેટા મળે એટલું પૂરતું છે. આ સ્થિતિ હોય ત્યાં નવી શિક્ષણ નીતિ-2020નો શો મતલબ રહે તે વિચારવાનું રહે. ભારતના 18 ટકા લોકો અભણ છે ને ગુજરાતનાં 15 ટકા બાળકોને સાદા સરવાળા-બાદબાકી પણ આવડતાં નથી. ગુજરાતની માતૃભાષા ગુજરાતી છે, પણ બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં હજારો વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આર્થિક સ્થિતિ નબળી હોય ને બાળકોનો અભ્યાસ છૂટે એ એક કારણ ખરું, પણ આજે તો સ્થિતિ સંપન્ન બાળકો પણ ભણવા બહુ રાજી નથી. મોબાઈલ અને સોશિયલ મીડિયાનાં ઓડિયો-વિઝ્યુઅલ્સનું ખેંચાણ એવું છે કે ભણવાની ઈચ્છા ભાગ્યે જ થાય. બીજી તરફ ભણવાનું કૌટુંબિક દબાણ એવું હોય છે કે બાળક આ અને તે ટ્યૂશન ક્લાસ વચ્ચે જ ખપતું રહે. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલે તેવું ઓછું જ થાય છે ને નાનેથી જ સ્માર્ટનેસને નામે બાળક કોઈને મૂર્ખ બનાવી શકે કે ગણતરીબાજ બને કે કમાણી સિવાય કશું વિચારી જ ન શકે એવી વાતોનો મહિમા ઘરમાં કે બહાર વધારે થાય છે. આવું હોય ત્યાં સંવેદનાનું નહીં, પણ વેદનાનું જ મહત્ત્વ વધે એમ બને. આવામાં શિક્ષકોની ઘટ હોય તો શિક્ષણ કે ભાષાનો દાટ વળે તેમાં નવાઈ નથી.       

ગુજરાત સરકાર ને તેની સ્કૂલો માતૃભાષા દિન તો રંગેચંગે ઊજવે છે, પણ એ ઊંજણ એ દિવસ પૂરતું પણ માંડ રહે છે. શિક્ષણમાં નવી નીતિ કેટલી ઘૂસી તે તો નથી ખબર, પણ રાજનીતિ ને રાજકારણ તો ઠેર ઠેર ઘૂસી ગયાં છે ને અંગત લાભ અને સ્વાર્થ સિવાય કશાનું મહત્ત્વ રહ્યું નથી. સાચું તો એ છે કે માતૃભાષા મરવા નથી માંગતી, પણ તેને મારવા અનેક રાજકીય ધુરંધરો મેદાને પડ્યા છે, ત્યારે એ કેટલું ટકશે તે પ્રશ્ન જ છે. 

નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાને વધારે મહત્ત્વ આપવાની વાત છે. એ સાચું હોય તો 100 ટકા શિક્ષક ભરતી થાય તો પણ, ગુજરાતીમાં 817 જગ્યાઓ ખાલી રહે એમ છે. ગુજરાતીના શિક્ષકોનો જ દુકાળ રહેવાનો હોય તો માતૃભાષાનો કેટલો ને કેવો મહિમા થશે તે પ્રશ્ન જ છે. ખરેખર તો ભરતીનું સમય પત્રક જ એવું જાહેર થયું છે કે એમાં માતૃભાષાનું મહત્ત્વ વધવાને બદલે ઘટે. રાજ્યમાં 1,603 વિદ્યા(નિ)સહાયકોની ભરતી સામે ઉચ્ચતર માધ્યમિકમાં 467 અને માધ્યમિકમાં 319 જેટલી ખૂબ જ ઓછી જગ્યાઓ અન્ય વિષયની તુલનામાં ફાળવવામાં આવી છે. ગુજરાતીના વિષયમાં બોર્ડમાં લાખેક વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, ત્યારે ગુજરાતી ભાષા ભણાવનારા શિક્ષકો જ પૂરતી સંખ્યામાં ન હોય તો માતૃભાષા મરવા વાંકે જ જીવે કે બીજું કૈં? માતૃભાષાના શિક્ષકોની પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં સરકારને ક્યાં ચૂંક ઊપડે છે એ નથી સમજાતું. આ અંગે માતૃભાષાના ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે, પણ આ ઉમેદવારોનો જન્મારો રજૂઆતો કરવામાં જ જાય એમ બને. 

વાત શિક્ષકોની ભરતીની જ નથી, GPSCની ભરતી પરીક્ષાને મામલે પણ એ જ દરિદ્રતા દેખાય છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી-સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી-વર્ગ-2ની પોસ્ટ માટેની ભરતીની જાહેરાત મે, 2023માં થઈ. તેની પરીક્ષાનું આયોજન 6 ઓગસ્ટ, 2023 ને રોજ થયું. 22 એપ્રિલ, 2024 ને રોજ પાત્રતા ધરાવતા 150 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી. એ પછી કોઈ કાર્યવાહી આગળ થઈ નથી. ભરતીની જાહેરાતને દોઢ વર્ષ થવા આવ્યું છતાં ઇન્ટરવ્યૂ નીકળ્યા નથી. નોકરી માટે મહિનાઓની સખત મહેનત પછી પણ, નોકરીની રાહ જોતાં ઉમેદવારોને GPSC જેવામાં પણ સમયસર પરિણામ ન મળે એ કેવું? 2023ની ભરતીનું ઠેકાણું પડ્યું નથી, ત્યાં GPSCએ વર્ગ 1 અને 2ની 605 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. તેમાં જણાવ્યું છે કે 2025થી પ્રાથમિક કસોટી શરૂ થશે ને તેનાં અંત સુધીમાં ભરતી પૂરી કરવાનો આયોગનો અંદાજ છે, મતલબ કે 2025નાં અંત સુધીમાં પણ ભરતી પૂરી થાય જ એની ખાતરી નથી. 605 જગ્યાની ભરતી માટે પંદરેક મહિના પણ ઓછા પડે તો સવાલ એ થાય કે આયોગ એવા તે કેવા વેદ ભણે છે કે વરસ દોઢ વરસ સુધી હજારો ઉમેદવારોને આશા પર ટાંગી રાખવા પડે? ને આટલા લાંબા સમય પછી થતી ભરતી યોગ્યતાને ધોરણે જ થાય છે એવું પણ ક્યાં છે? 

આ અને આવી પરીક્ષાઓ છાશવારે લેવાતી રહે છે. તેની પરીક્ષાઓનું આયોજન મફત તો નહીં જ થતું હોય. એ ખર્ચ પરીક્ષાર્થીઓ પાસેથી જ વસૂલાતો હશે. એમાંથી એજન્સીઓ કમાતી હશે, પણ લૂંટાવાનું તો ઉમેદવારોને જ થાય છે. આવી લૂંટ માટે જ આયોજનો થતાં હોય તો નવાઈ નહીં ! શિક્ષણ ને નોકરીની બાબતમાં સરકાર દ્વારા થતી આવી ઉપેક્ષા અસહ્ય છે. રજૂઆત, વિરોધ, હડતાળ, આંદોલન વગર સરકાર સમજી જાય તો કેવો આનંદ થાય ! પણ આનંદી સરકાર બીજાની ચિંતા કરે એવું બહુ બનતું નથી. 

વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે ગુજરાતી ઉચ્ચતર માધ્યમિકમાં 836 શિક્ષકોની ભરતી સામે 467ની અને માધ્યમિકમાં 767 જ્ઞાન સહાયકની સામે 319 જગ્યા જ મંજૂર થઈ છે. બીજા શબ્દોમાં 1,603 જ્ઞાન સહાયકોની સામે 817 જગ્યાઓ ખાલી રહે તેમ છે. વળી ગુજરાતીના જૂના શિક્ષકોની બદલી થતાં ઉચ્ચતર માધ્યમિકમાં 483 અને માધ્યમિકમાં 418 જગ્યાઓ ખાલી પડી છે. આ 901 જગ્યાઓનો પણ ભરતીમાં સમાવેશ કરવાનો રહે. 31 ઓક્ટોબરે ધોરણ 9થી 12માં ગુજરાતીના શિક્ષકો નિવૃત્ત થતાં તેમની જગ્યાએ પણ શિક્ષણ સહાયકોની ભરતી કરવાની રહે. શિક્ષકો સંદર્ભે ભરતી કરવાને મુદ્દે શિક્ષણ વિભાગ ઓટ અને ખોટમાં જ રહેતો આવ્યો છે. 2017થી શિક્ષકોની ભરતીનો મુદ્દો ઊઠ્યો છે, પણ 2024 નવેમ્બર સુધીમાં પણ એનો સંતોષકારક ઉકેલ આવતો નથી તે શરમજનક છે. વાત શિક્ષકોની જ નથી, ગુજરાતની ચારેક યુનિવર્સિટીઓમાં કુલપતિની નિમણૂકનાં પણ ઠેકાણાં નથી ને ઇન્ચાર્જ કુલપતિઓથી કારભાર ચાલે છે. આવું હોય તો કેટલા ય મહત્ત્વના નિર્ણયો લેવાય જ નહીં ને ત્યારે પરિસ્થિતિ કેવી કથળે તેની કલ્પના જ કરવાની રહે.         

અત્યારે શિક્ષણ વિભાગમાં કામ કરતાં મંત્રીઓ, તેના અધિકારીઓ, તેનો સ્ટાફ, તેના શિક્ષણાધિકારીઓ, તેની શિક્ષણ સમિતિઓનો સરવે કરવા જેવો છે કે એના કેટલા સભ્યો કાયમી નોકરીમાં છે ને નિવૃત્તિ પછી પેન્શન વગેરેના લાભો લેવાના છે? મોટેભાગના કાયમી હોય ને નિવૃત્તિ પછીના લાભો મેળવવાના હોય તો 42 હજાર કાયમી શિક્ષકોની ઘટ પૂરવાને બદલે જ્ઞાન સહાયકોની નિમણૂક 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર એટલા માટે જ થાય છેને કે તેમને ઇન્ક્રિમેન્ટ કે નિવૃત્તિના લાભો આપવા ન પડે? આ બધી રીતે અન્યાયી છે. આ રીતે વર્તીને શિક્ષણ વિભાગ ગુજરાતની પ્રજાને એવો મેસેજ આપવા માંગે છે કે નોકરિયાતોને કાયમી કોઈ લાભ બને ત્યાં સુધી ન આપવા ને તેમનું ફિક્સ પગારે સૂક્ષ્મ રીતે શોષણ કરવું. એ ખરું કે નોકરીમાં છે તેઓ પણ સંસ્થાઓને કેમ ચૂનો લગાવવો તે જાણે છે. એવાઓને સરકારે શું કામ મદદ કરવી જોઈએ એવું કોઈ કહે તો તે સાવ ખોટું છે એવું નથી. ઘણાં શિક્ષિતો કામ ચોર હોઈ શકે છે, પણ એવું તો સરકારમાં ય ક્યાં નથી?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 નવેમ્બર 2024

Loading

‘હિન્દુ ખતરામાં નથી, એમની પાર્ટી ખતરામાં છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|17 November 2024

—1—

પ્રસિદ્ધ આદિવાસી એક્ટિવિસ્ટ હિમાંશુ કુમાર રાજઘાટ-દિલ્હીથી લઈ મુંબઈની તલોજા જેલ સુધીની સાયકલ યાત્રા કરી રહ્યા છે, તે દરમિયાન તેઓ 15 નવેમ્બર 2024ના રોજ ગુજરાતમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે યૂટ્યૂબર જ્યોત્સ્ના આહિરે તેમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. આ વિચારપ્રેરક ઈન્ટરવ્યૂ દરેક આદિવાસી / દલિત / OBC / જાગૃત નાગરિકોએ સાંભળવાની / સમજવાની જરૂર છે. આ ઇન્ટરવ્યૂના મુખ્ય અંશો જોઈએ :

જ્યોત્સના : “હિમાંશુજી, આ સાયકલ યાત્રાનો હેતુ શું છે?”

હિમાંશુકુમાર : “હું સામાજિક / માનવ અધિકાર કાર્યકર્તા છું. મેં મારું જીવન આદિવાસીઓની સેવામાં ગાળ્યું છે. સામાજિક ન્યાયના મુદ્દા પર / જાતિવાદના વિરોધમાં / રાજકીય કારણોસર જેમને જેલમાં પૂરેલ છે તેમના માટે કામ કરું છું. આ બધાં મુદ્દાઓ લઈને 2 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીજીની સમાધિ રાજઘાટ-દિલ્હીથી સાયકલ યાત્રા શરૂ કરી છે અને નવી મુંબઈમાં તલોજા જેલ છે, જ્યાં સામાજિક / રાજકીય / સાંસ્કૃતિક કાર્યકર્તાઓને ખોટા કેસોમાં જેલમાં પૂરેલ છે, ભીમા કોરેગાંવ કેસમાં ફસાવ્યા છે, તેમાં દલિત એક્ટિવિસ્ટ છે, માનવ અધિકાર વકીલ છે, પત્રકાર છે, સામાજિક કાર્યકર્તા છે. ત્યાં આ યાત્રા જશે.”

જ્યોત્સના : “હમણાં જ સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર ફટકાર લગાવી છે. શું સૌથી પહેલાં બુલડોઝર એક્શન આપની પર લેવાયેલ?”

હિમાંશુકુમાર : “2005માં છત્તીસગઢમાં BJP સરકાર હતી. તે સમયે 650 આદિવાસી ગામોમાં સરકારે આગ લગાડી હતી. આદિવાસીઓના ઘરોને સળગાવ્યા. આદિવાસીઓની હત્યાઓ કરવામાં આવી. આદિવાસી મહિલાઓ પર સુરક્ષા દળો દ્વારા બળાત્કાર થયાં. તે અભિયાનનું નામ સલવા જુડૂમ હતું. અમે અદાલતો / મીડિયા સમક્ષ અવાજ ઊઠાવ્યો. અમારી સાથીદાર નંદિની સુંદર સુપ્રીમ કોર્ટ ગઈ. સુપ્રીમ કોર્ટે 2007માં આદેશ કર્યો કે જે પોલીસ / સુરક્ષા દળોએ આવા કૃત્ય કર્યા છે તેની સામે FIR કરો. દરેક ગામ ફરી વસાવો. દરેકને વળતર આપો. પણ સરકારે કંઈ ન કર્યું. 2011માં સુપ્રીમ કોર્ટે સલવા જુડૂમને ગેરબંધારણીય ઘોષિત કર્યું. આ વિરોધના કારણે 2009માં BJP સરકારે અમારા 18 વરસ જૂના, 16 એકરના ગાંધીવાદી આશ્રમ પર બુલડોઝર ફેરવી દીધું ! અમારી ડિસ્પેન્સરી / લાઈબ્રેરી / ટ્રેનિંગ સેન્ટર / રહેણાંક / ઓફિસ બધું જ તોડી નાખ્યું.”

જ્યોત્સના : “હાલ બટેંગે તો કટેંગેનો નેરેટિવ ચાલી રહ્યો છે. શું આપને લાગે છે કે હિન્દુ ખતરામાં છે?”

હિમાંશુકુમાર : “BJP, RSSનું બાળક છે. RSSનો હેતુ એ છે કે ભારતમાં જે પરંપરાગત શાસક વર્ગ રહ્યો છે, જે પરિશ્રમથી દૂર રહેલ છે, જેમણે પોતાની ઊંચી જાતિ ઘોષિત કરેલ છે, જે બીજાની મહેનત પર અમીર બનતા રહ્યા, જેમની પાસે રાજકીય સત્તા પણ રહી, તેમનું બનેલું સંગઠન છે, જે હંમેશાં પોતાનું વર્ચસ્વ બનાવી રાખવા માંગે છે. RSS/BJP ક્યારે ય ન ઈચ્છે કે સમાજમાં સમાનતા આવે, આર્થિક ન્યાય આવે, સામાજિક અને રાજકીય ન્યાય આવે. એટલે તે હંમેશાં સમાજને એ રીતે તોડે છે, જેથી સમાજ અંદરોઅંદર લડતો રહે, અને ક્યારેક સમાનતા / ન્યાય તરફ સમાજનું ધ્યાન ન જાય. એટલે હંમેશાં હિન્દુઓને મુસ્લિમો સામે, જાતિઓને જાતિઓ સામે, મહિલાઓ સામે પુરુષોને ઊભા કરે છે. BJPના IT Cellના સવારમાં જ મેસેજ આવી જાય છે કે સમાનતાની વાત કરનારી મહિલાઓ ખરાબ છે. તે પુરુષોને મહિલાઓ સામે ઊભા કરે છે. Ambedkariteને / સામાજિક ન્યાયની વાત કરનારાને ગંદી ગાળો આપે છે, જે જાતિવાદ સામે કામ કરે છે તે હિન્દુધર્મના વિરોધી છે. હિંદુઓને મુસ્લિમોથી ડરાવે છે. મુસ્લિમો વસ્તી વધારી રહ્યા છે તેવો જૂઠો નેરેટિવ ચલાવે છે. RSS નફરતની રાજનીતિ કરે છે. એ ઈચ્છે છે કે યુવાનો દંગાઈ બની જાય. નફરતમાં ડૂબી જાય. જેથી તે ક્રિટિકલ થિંકિંગ ન કરી શકે. સરકારને સવાલ ન કરે. આ રીતે સરકાર પૂંજીવાદ / સાંપ્રદાયિકતા / ફાસીવાદ માટે કામ કરે છે. હિંદુ ખતરાઓ નથી, એમની પાર્ટી ખતરામાં છે ! RSS/BJP જેને હિન્દુ કહે છે, તેમની પર એટેક કરે છે. કોરોના-લોકડાઉન સમયે મોટા પૂંજીપતિઓનાં દબાણના કારણે વડા પ્રધાને ટ્રેનો કેન્સલ કરાવેલ, જેથી મજદૂર જતાં ન રહે. જેથી મજૂરોને હજાર-હજાર કિલોમીટર ચાલતા જવું પડેલ. કેટલાંયનો જીવ ગયો. શું એ મજદૂર હિન્દુ ન હતા? કોર્પોરેટ કંપનીઓના હિતમાં, કિસાનો વિરુદ્ધના ત્રણ કાનૂન લાવ્યા, એક વરસ સુધી આંદોલન ચાલ્યું, 700 કિસાનોના જીવ ગયા, શું તે હિન્દુ ન હતા? રોડ પર ખીલા નાખ્યા જેથી કિસાન આગળ જઈ ન શકે, શું તેઓ હિન્દુ ન હતા? મજૂરોના અધિકારો ખતમ કરી નાખ્યા છે. પહેલાં 8 કલાકની શિફ્ટ હતી હવે 12 કલાકની શિફ્ટ કરી નાખી ! પણ પગાર ન વધ્યો. લઘુતમ વેતન ચૂકવાતું નથી. શું મજૂરો હિન્દુ નથી? મહિલાઓ પર બળાત્કાર થાય છે, તેમાં BJP નેતાઓ સંડોવાયેલા છે. પીડિતાને ઘસડવામાં આવે છે, તેમના પરિવારના સભ્યની હત્યા થાય છે. કુલદીપસિંહ સેંગર / ચિન્મયાનંદ / બ્રિજભૂષણ સિંહનો શિકાર બનેલ મહિલાઓ હિન્દુ ન હતી? મહિલા પહેલવાનોને રોડ પર ઢસડવામાં આવી, શું તે હિન્દુ ન હતી? એક તરફ હિન્દુઓને કચડી રહ્યા છે, તેમના અધિકારો છીનવી રહ્યા છે, ગરીબીમાં ધકેલી રહ્યા છે, તેમને લૂંટી રહ્યા છે અને બીજી તરફ કહે છે કે હિન્દુ ખતરામાં છે ! આ તો છળકપટવાળું સ્લોગન છે. ખોટાં કામો / બેરોજગારી / મોંઘવારી / ભ્રષ્ટાચારથી લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ છે.”

—2—

‘તમારું કામ ધર્મની રક્ષા કરવાનું નથી, ખુદની રક્ષા કરવાનું છે !’

જ્યોત્સના : “ભારતનું ભવિષ્ય કેવું લાગે છે?”

હિમાંશુકુમાર : “જૂઓ, ભવિષ્ય ક્યારે ય ખરાબ ન હોય. ભવિષ્ય હંમેશાં સારું હોય છે. રોજ નવાં બાળકોનો જન્મ થાય છે. બાળકોને જિંદગી જોઈએ. બાળકોને ભોજન / કપડાં જોઈએ. પ્રેમ કરવા લાયક માહોલ જોઈએ. આ લોકો તો પ્રેમના દુ:શ્મન છે. શાંતિના દુ:શ્મન છે. હિન્દુ-મુસ્લિમ અથવા એક જાતિનાં છોકરાં-છોકરી બીજી જાતિનાં છોકરાં-છોકરીથી પ્રેમ કરે તો હત્યા કરાવી દે છે. નવી પેઢીને પ્રેમ કરવાનો માહોલ જોઈએ છે, શાંતિ જોઈએ છે. તે હંમેશાં એવી દુનિયા બનાવવાની કોશિશ કરશે. પરંતુ RSS/BJPના લોકો આવું ઈચ્છતા નથી. થોડા દિવસનો તેમનો ખેલ છે. નફરત લાંબો સમય ટકતી નથી. અલ્લાહબાદમાં યુવાનો BJP સરકારની લાઠીઓ ખાય છે, ડરતા નથી અને વિરોધ કરે છે. યુવાનો / નવી પેઢી નફરતને રિજેક્ટ કરશે. એટલે ભવિષ્ય સારું છે. મને લાગે છે કે આપણે સૌએ યુવાનોને સાચી દિશા બતાવતા રહેવું પડશે, ક્રિટિકલ થિંકિંગ માટે પ્રેરિત કરતા રહેવું પડશે. તેમની સાથે લગાતાર સંવાદ કરતા રહેવો પડશે. સ્કૂલ-કોલેજમાં જઈને તેમની સાથે વાત કરવી જોઈએ. સાંપ્રદાયિકતાનું ઝેર BJP IT Cell દ્વારા WhatsApp પર  લગાતાર ફેલાવવામાં આવી રહ્યું છે, એટલે યુવાનોને સાચી વાત કહેતી રહેવી પડશે. જેથી આ સાંપ્રદાયિકતા અને આર્થિક લૂંટનું ષડયંત્ર છે, તેને જલદી ખતમ કરી શકીએ.”

જ્યોત્સના : “નવી પેઢીને પણ ધર્મ / જાતિ / હિન્દુત્વના નશાના ઈન્જેક્શન અપાઈ રહ્યા છે. શું નફરત મૂળ સુધી પહોંચી ગઈ હોય એવું નથી લાગતું?”

હિમાંશુકુમાર : “બિલકુલ. અમારા પરિવારમાં બહેનો છે / કઝીન છે, તેઓ પણ જાતિવાદી / સાંપ્રદાયિક / નફરતવાળી વાતો કરે છે. મેસેજ ફોરવર્ડ કરે છે. હું જ્યારે તેમની સાથે સમાનતાની / નૈતિકતાની વાત કરું તો મને WhatsApp ગૃપમાંથી દૂર કરી દે છે. અમને કહેવામાં આવે છે કે તમે અર્બન નક્સલ છો, દેશ વિરોધી છો, હિન્દુધર્મ વિરોધી છો. આવો માહોલ તો છે જ. પણ આપણે તેનો સામનો કરવો પડશે. લડવું પડશે અને સુધારો કરવો પડશે.”

જ્યોત્સના : “શું હિન્દુરાષ્ટ્ર બનશે? જો બને તો મહિલાઓ / યુવાનો / દલિતો / આદિવાસીઓની શું ભૂમિકા રહેશે?”

હિમાંશુ કુમાર

હિમાંશુકુમાર : “હિન્દુરાષ્ટ્રની સંભાવના નથી. ભારતનું બંધારણ એની મંજૂરી આપતું નથી. એક તરફ કોઈ ખાલિસ્તાનની વાત કરે તો સરકાર તેને જેલમાં પૂરે છે. બીજી તરફ કોઈ હિન્દુરાષ્ટ્રની વાત કઈ રીતે કરી શકે? હિન્દુરાષ્ટ્રની વાત પણ ખાલિસ્તાની વાત જેટલી જ ગેરકાનૂની વાત છે. ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર ઘોષિત કરેલ છે. પરંતુ BJPના મોટામોટા નેતાઓ મંચ પરથી હિન્દુરાષ્ટ્રની ઘોષણા કરે છે. તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. તે ચિંતાજનક / આપત્તિજનક બાબત છે. દલિતો હિન્દુરાષ્ટ્રની વાત કરે છે. પરંતુ હિન્દુધર્મમાં જાતિ છે. કોઈ હિન્દુ એવો નથી કે તેની કોઈ જાતિ ન હોય. જાતિ કાં તો નીચી હશે કે કાં તો ઊંચી હોય ! કોઈ બે જાતિ સમાન / સરખી નથી. હિન્દુનો અર્થ એ થાય કે તેમાં ઊંચનીચ છે, ભેદભાવ છે. નફરત છે. દલિતો સાથે ભેદભાવ કરવામાં આવે છે, નફરત કરવામાં આવે છે. એટલે જો દલિતો પોતાના પ્રત્યે ભેદભાવ / નફરત ચાલુ રાખવા ઈચ્છતા હોય તો મને લાગે છે કે તેમને ખબર જ નથી કે તેઓ શું કરી રહ્યા છે ! દલિતોને આજે પણ ભાડે મકાન મળતું નથી. ઊંચી જાતિના લોકોની વચ્ચે આજે પણ મિલકત ખરીદી શકતા નથી. આદિવાસીઓની હાલત પણ આવી છે. સરદાર પટેલના સ્ટેચ્યુ માટે જમીન લેવામાં આવી, તે તડવી આદિવાસીઓની હતી. પહેલા તો તેમની વચ્ચે ધર્મ ઘૂસાડવામાં આવ્યો. પછી તેમને કહેવામાં આવ્યું કે ‘તમે આદિવાસી નથી, હિન્દુ છો ! હિન્દુ ધર્મ ખતરામાં છે ! ધર્મની રક્ષા માત્ર BJP કરી શકે છે !’ એટલે BJP સરકારે તેમની જમીન લઈ લીધી તો આદિવાસી વિરોધ કરી શક્યા નહીં ! આદિવાસીઓએ માન્યું કે આ તો આપણા ધર્મની રક્ષા કરનાર પાર્ટી છે ! અને જમીન જતી રહી ! આમ ધર્મનો ઉપયોગ આદિવાસીઓ સામે થયો. આદિવાસીઓનો ધર્મ તો ખૂબ સારો છે. એ સમાનતા આધારિત છે. તે પ્રકૃતિનું સન્માન કરે છે. જેને હિન્દુધર્મ કહેવામાં આવે છે તે વાસ્તવમાં બ્રાહ્મણધર્મ છે. તેમાં જાતિવાદ છે, ભેદભાવ છે, ઊંચનીચ છે. આદિવાસી સમાનતાનો ધર્મ છોડીને ઊંચનીચવાળા ધર્મમાં શા માટે જઈ રહ્યા છે? ત્યાં તો તેમને નીચ સમજવામાં આવે છે !”

જ્યોત્સના : “મહિલાઓને હિન્દુ કોડથી શું હક્કો મળ્યા તેની ખબર નથી, પણ તેમને વ્રતકથાઓની ખબર છે. કથાકારો / બાબાઓ સામે શ્રોતા તરીકે મહિલાઓ વધુ હોય છે. જો મહિલાઓને પોતાના ભવિષ્યની ચિંતા ન હોય તો આ કામ મુશ્કેલ નથી લાગતું?”

હિમાંશુકુમાર : “આપણે મહિલાઓને દોષ આપી શકીએ નહીં. તેમને સદીઓ સુધી શિક્ષણથી વંચિત રાખવામાં આવી. બીજું તે પિતૃસત્તાકની પકડમાં છે. પિતૃસત્તાક સાથે એડજસ્ટ કરીને પોતાનું અસ્તિત્વ બચાવે છે. પોતા માટે જગ્યા બનાવી શકે છે, એવું એને લાગે છે. એને લાગે છે તે પિતૃસત્તાક સામે લડી નહીં શકે, વિદ્રોહ નહીં કરી શકે. જે રીતે દલિતો ભેદભાવવાળા ધર્મને મહત્ત્વ આપે છે તેવી સ્થિતિ મહિલાઓની પણ છે.  પરંતુ જેમ જેમ એમની વચ્ચે વધુ કામ કરીશું, સાચી જાણકારી આપીશું તેમ તેમ પિતૃસત્તાકને સમજશે. પિતૃસત્તાક સામેના મહિલા આંદોલનને વેગ મળશે. અને મહિલાઓની હાલત બદલાશે.”

જ્યોત્સના : “ગુજરાતના આદિવાસી / દલિતોને શું સંદેશ આપવા ઈચ્છો છો?”

હિમાંશુકુમાર : “હું કહેવા ઈચ્છું છું કે આદિવાસીઓની જળ / જંગલ / જમીન ખતરામાં છે. એટલે તેમની પ્રથમ જવાબદારી છે કે જળ / જંગલ / જમીન બચાવે. દલિતોએ સામાનતા / ગૌરવ મળે તેવા સમાજ નિર્માણ માટે કામ કરવું પડશે. આદિવાસી / દલિત / OBCનું આરક્ષણ ખતમ થઈ રહ્યું છે. ‘Not found suitable’ કહીને ઊંચી જાતિને ગોઠવવામાં આવે છે. ખાનગીકરણ વધી રહ્યું છે, પ્રાઈવેટ સેક્ટરમાં આરક્ષણ હોતું નથી. ધીરે ધીરે આદિવાસી / દલિત / OBC આરક્ષણ ખતમ કરવામાં આવી રહ્યું છે. નોકરીઓ છીનવાઈ રહી છે. દલિત / આદિવાસી / OBCમાં ભયાનક બેરોજગારી ફેલાયેલી છે. એક તરફ તેમનું આરક્ષણ હિન્દુત્વવાદીઓ ખતમ કરી રહ્યા છે. બીજી બાજુ તેઓ કહે છે કે આપણો ધર્મ ખતરામાં છે અને તમે એના માટે લડો ! આ ષડયંત્રકારી સ્થિતિ છે. એટલે આદિવાસી / દલિત / OBCએ અનામત બચાવવાની છે, પોતાની સામાજિક / આર્થિક / રાજકીય સ્થિતિ સુધારવાની છે. તમારું કામ ધર્મની રક્ષા કરવાનું નથી, ખુદની રક્ષા કરવાનું છે !”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વૈશ્વિક શૈક્ષણિક સંસ્થા ક્યારે સર્જી શકાય ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 November 2024

રમેશ ઓઝા

લગભગ સાડા પાંચ દાયકા પછી સર્વોચ્ચ અદાલતે તેનો ૧૯૬૭ની સાલનો ચુકાદો ઊલટાવીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી શિક્ષણ સંસ્થાનો દરજ્જો બહાલ કર્યો છે. સાત જજોની બેન્ચમાં ચાર જજોએ યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો બહાલ કરવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ત્રણ જજોએ વિરુદ્ધમાં. અહી સર્વોચ્ચ અદાલતના ચુકાદાની યોગ્યતા-અયોગ્યતાની વાત નથી કરવી, પણ વિશેષ દરજ્જો અને શિક્ષણની ગુણવત્તા વચ્ચેના સંબંધની કરવી છે. ખાસ કોમ માટે ખાસ ઉદ્દેશથી સ્થાપવામાં આવેલી સંસ્થાઓના શૈક્ષણિક-સાંસ્કૃતિક યોગદાનની કરવી છે.

આપણે ઘણીબધી ચીજોનું માફક આવે એ રીતે સરળીકરણ કરી લઈએ છીએ અને પછી એ સરળીકરણને સત્ય માનીને શંકા કર્યા વિના માથે લઈને જીવીએ છીએ. આવું એક જાણીતું સરળીકરણ લોર્ડ મેકોલે વિષે છે. આપણે એમ સ્વીકારીને ચાલીએ છીએ કે થોમસ બેબિંગ્ટન મેકોલેએ ભારતીય પ્રજા પર પાશ્ચાત્ય શિક્ષણ માથે માર્યું હતું અને આપણે ગુલામ હતા એટલે તેનો નાછૂટકે સ્વીકાર કરવો પડ્યો હતો. ઘણાં દેશપ્રેમીઓ પોતાને મેકોલેનાં સંતાન તરીકે ઓળખાવીને શરમાય છે.

પણ આ સંપૂર્ણ સત્ય નથી. પહેલી વાત તો એ કે અંગ્રેજોએ લગભગ ત્રણ દાયકા સુધી ચર્ચા કરી હતી કે ભારતની પ્રજાને તેની પરંપરા અનુસાર તેમની ભાષામાં શિક્ષણ આપવું જોઈએ કે પછી અંગ્રેજી ભાષામાં પાશ્ચાત્ય શિક્ષણ આપવું જોઈએ. તેમની વચ્ચે ક્યારે ય એકમતી બની નહોતી. ભારતની જે તે પ્રજાને તેમની પરંપરા અનુસાર શિક્ષણ આપવું જોઈએ એમ માનનારા અંગ્રેજો પણ મોટી સંખ્યામાં હતા અને ઊંચા હોદ્દા પર હતા. આ બાજુ ભારતીય પ્રજામાં પણ શિક્ષણનાં સ્વરૂપ અને ભાષાકીય માધ્યમ વિષે ચર્ચા થતી હતી. તેમની ચિંતા એ વાતની હતી કે જો શુદ્ધ પાશ્ચાત્ય શિક્ષણ આપવામાં આવશે તો આપણી પરંપરાનો વારસો આગળ જશે નહીં અને તે સુકાઈ જશે. તેમની ચિંતા એ વાતની પણ હતી કે જો પાશ્ચાત્ય શિક્ષણને સમૂળગું નકારવામાં આવશે તો આપણે આધુનિક નહીં બની શકીએ, આધુનિકતાના લાભ નહીં લઈ શકીએ, આપણી પ્રજાને યુગાનુરૂપ તૈયાર નહીં કરી શકીએ અને જાગૃત નહીં થઈ શકીએ. ખોટનો સોદો સાબિત થશે.

શાસક તરીકે અંગ્રેજો અને પ્રજા તરીકે હિંદુઓ અને મુસલમાનો આ બાબતે મલ્લીનાથી કરતા હતા અને તેમાં શાસકોએ અંગ્રેજી માધ્યમમાં પાશ્ચાત્ય આધુનિક શિક્ષણની તરફેણમાં પોતાનો નિર્ણય લઈ લીધો હતો. હવે ભારતીય પ્રજાએ નક્કી કરવાનું હતું કે તેઓ શું કરે? જે લોકો પોતાનાં સંતાનને પરંપરાગત શિક્ષણ આપવા માગતા હતા તેમને માટે વિકલ્પ ખુલ્લો હતો. તેઓ બ્રાહ્મણ શાસ્ત્રી પાસે પાઠશાળામાં અને મૌલવી પાસે મદરસામાં પોતાનાં સંતાનને ભણાવી શકતા હતા. ઘણાં લોકોએ પાશ્ચાત્ય શિક્ષણને સમૂળગું નકાર્યું હતું અને પોતાનાં સંતાનને પાથશાળા કે મદરસામાં મોકલતા હતા. નકારનારાઓમાં મુસલમાનો અગ્રેસર હતા. હિંદુઓમાં નકારનું પ્રમાણ ઓછું હતું અને બહુજન સમાજ અને દલિતોને તો પાશ્ચાત્ય શિક્ષણમાં મુક્તિ નજરે પડવા લાગી હતી.

નિર્ણય આસાન નહોતો. આધુનિકતાના લાભ પણ છોડવા નહોતા અને પરંપરા પણ છોડવી નહોતી. ગાલીબે બહુ સરસ રીતે એ સમયના ધર્મસંકટને વાચા આપી છે : ईमाँ मुझे रोके है जो खींचे मुझे कुफ्र, काबा मेरे पीछे है कलीसा मेरे आगे. સમગ્ર ભારતમાં પરંપરાપ્રેમીઓ ગાલીબી ધર્મસંકટ અનુભવતા હતા.

આનો ઉપાય હતો; સમન્વય. આપણે એવું શિક્ષણ ન આપી શકીએ જેમાં આપણી પરંપરા પણ જળવાય અને આધુનિક પણ થઈ શકાય? એન્ગલો ઇન્ડિયન; અંગ્રેજી અને ભારતીય બને. પણ નહીં, હિંદુઓમાં જે વધારે પરંપરાપ્રેમી હતા એમણે કહ્યું ના, એન્ગલો ઇન્ડિયન નહીં, એન્ગલો હિંદુ અને પરંપરાપ્રેમી મુસલમાનોએ કહ્યું એન્ગલો ઇન્ડિયન નહીં, એન્ગલો મુસ્લિમ કે એન્ગલો મોમેડિયન. એન્ગલો સામે કોઈને ય વાંધો નહોતો, ઇન્ડિયન સામે વાંધો હતો. અંગ્રેજો બે પ્રજાને લડાવી મારે અને પરિણામે એક દિવસ ભારતનું વિભાજન થાય એમાં આશ્ચર્ય ખરું? હિંદુ અને મુસલમાનોના લગભગ નવસો વરસના સહઅસ્તિત્વએ પેદા કરેલી ભારતીયતાને તેઓ નકારતા હતા, પણ માંડ પાંચ દાયકા જૂની અંગ્રેજિયત(એન્ગલો)નો સ્વીકાર કરતા હતા.

ખેર, ૧૯મી સદીમાં અને એ પછીનાં વર્ષોમાં આધુનિકતા અને પરંપરા વચ્ચે સન્તુલન કરવા દેશભરમાં શૈક્ષણિક આંદોલન થયાં. કોઈએ એન્ગલો ઇન્ડિયનનો માર્ગ અપનાવ્યો, કોઈએ એન્ગલો હિંદુનો માર્ગ અપનાવ્યો અને કોઈએ એન્ગલો મોમેડિયનનો માર્ગ અપનાવ્યો. જે અભ્યાસી જીવ હોય તેમણે આ ત્રણ દિશાના પ્રયોગનું તુલનાત્મક અધ્યન કરવું જોઈએ. અનેક પ્રયોગ થયા અને અનેક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. અહીં એક વાત ફરી સ્પષ્ટ કરી દેવી જોઈએ કે અંગ્રેજોએ આ પ્રકારનાં પ્રયોગ કરવામાં કોઈ પ્રકારની બાધા પેદા કરી નહોતી. એવું નહોતું કહ્યું કે તમારે મેકોલેનાં સંતાન જ બનવું પડશે. અનેક લોકોએ અનેક પ્રયોગ કર્યા, અનેક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી, પરંતુ અહીં સંક્ષેપમાં બે-ચાર દાખલા તપાસીએ. રવીન્દ્રનાથ ટાગોરનું શાંતિનિકેતન એક રીતે એન્ગલો ઇન્ડિયનનો પ્રયોગ હતો. અલબત્ત મર્યાદિત અર્થમાં, કારણ કે તેમને તો એન્ગલો અને ઇન્ડિયન એમ બને સામે વાંધો હતો અને એક મૌલિક પ્રયોગ કર્યો હતો. પણ એ છતાં આપણે શાંતિનિકેતનને એન્ગલો ઇન્ડિયનના ઉદાહરણ તરીકે મૂકીએ. સર સૈયદ અહમદ ખાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી જેનું શરૂઆતનું નામ  એન્ગલો મોમેડિયન કોલેજ હતું. મહામના મદનમોહન માલવિયાએ બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના કરી. એની બેસન્ટે સેન્ટ્રલ હિંદુ કોલેજની સ્થાપના કરી. આર્યસમાજીઓ પોતાને હિંદુ કરતાં વૈદિક ધર્મ પાળનારા આર્ય કહેવડાવવાનું વધારે પસંદ કરે છે એટલે તેમણે દયાનંદ એન્ગલો વૈદિક શિક્ષણસંસ્થાઓ સ્થાપી. અને આવી તો બીજી અનેક સંસ્થાઓ સ્થપાઈ અને સ્થપાઈ રહી છે.

આઝાદી પછી તો રાફડો ફાટ્યો, કારણ કે સંસદીય લોકશાહીમાં તેમને નાગરિક કરતાં મતદાતાની વધારે જરૂર હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૧૪ હજાર જેટલી શાળા-કોલેજો ધરાવે છે, મુસલમાનોની હજાર – બે હજાર સંસ્થાઓ હશે. હવે તો જે તે સંપ્રદાયના લોકો, ધર્મગુરુઓ, બાપુઓ અને બાવાઓ પોતપોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા લાગ્યા છે, જાણે કે તેમની પાસે કોઈ વિશેષ શૈક્ષણિક દર્શન હોય. કોઈને મતદાતા જોઈએ છે અને કોઈને અનુયાયી. ટૂંકમાં સર સૈયદ અહમદ ખાન(ઈ.સ. ૧૮૧૭-૧૮૯૮)થી લઈને આજકાલના સદ્દગુરુઓ કે ધર્મના ઠેકેદારો સુધી કોઈને ય એન્ગલો સામે વાંધો નથી, પણ તેમને ભારતીય સામે અચૂક વાંધો છે. તેઓ ભારતીયની જગ્યાએ પોતાની ઓળખ આગળ કરવા માગે છે અને આજકાલ ધર્મગુરુઓ તો પોતાની બ્રેન્ડ આગળ કરી રહ્યા છે.

ને હવે નિષ્કર્ષની વાત. હમણાં કહ્યું એમ કોઈ અભ્યાસી જીવે તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. કયા શૈક્ષણિક માર્ગને વધારે સફળતા મળી? એન્ગલોને? એન્ગલો ઇન્ડિયનને કે પછી એન્ગલો ઉપરાંત પોતપોતાની બ્રેન્ડીંગ ધરાવતી શિક્ષણ સંસ્થાઓને? લગભગ એક લાખ કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ ત્રીજા વર્ગમાં આવે છે એમાંથી એક શિક્ષણ સંસ્થાનું નામ આપો જે દેસભરમાં અને વિદેશમાં ખ્યાતિ ધરાવતી હોય. એક પણ નથી સાહેબ, એક પણ નથી. નાલંદા અને તક્ષશિલામાં વિદેશમાંથી વિદ્યાર્થી ભણવા આવતા હતા અને તમારું વિશેષ શિક્ષણ કોઈ ગણનામાં નથી. એક સમયે તેજસ્વી વિદ્યાર્થી શાંતિનિકેતન તરફ નજર દોડાવતો અને આજે સેન્ટ સ્ટીફન પર નજર દોડાવે છે. લાખ-બે લાખમાં એવી એક પણ શિક્ષણ સંસ્થા નથી જેની વાત થતી હોય!

આનું કારણ? કારણ બહુ સ્પષ્ટ છે. જેનું નિશાન ટૂંકું હોય એ મોટાં પરિણામ ન સર્જી શકે. જ્યાં  સ્વીકાર કરતાં નકાર મોટો હોય ત્યાં ગુરુદેવ, એન્ડ્રુઝ અને ગાંધીનાં ત્રિવેણી તીર્થ ન રચાય. એ શાંતિનિકેતનમાં રચાય.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 નવેમ્બર 2024

Loading

...102030...350351352353...360370380...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved