Opinion Magazine
Number of visits: 9843336
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રપિતા

નારાયણ દેસાઈ|Gandhiana|3 May 2025

નેતાજી સુભાષચંદ્ર બોઝને ગાંધીજી સાથે ઘણા મતભેદ હતા. મુખ્ય મતભેદ એમની કાર્યપદ્ધતિ અંગે હતો, દેશને સ્વતંત્ર કરવા બીજા દેશની મદદ મળે તો તે લેવી જાઈએ એમ સુભાષ બાબુ માનતા હતા. ગાંધીજી એમ માનતા હતા કે બીજા દેશની મદદથી જો સ્વતંત્રતા આવે તો એક દેશની ગુલામીને બદલે બીજા દેશની ગુલામી આવી શકે. હિંસા-અહિંસાના મુખ્ય મતભેદ ઉપરાંત આ બીજો મતભેદ હતો. ગાંધીજી અને સુભાષ બાબુ વચ્ચે બીજાયે મતભેદો હતા પણ તે છતાં ય તેમણે ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ કેમ કહ્યા હશે? કારણ તેઓ રાષ્ટ્રભક્ત હતા અને ગાંધીજીને તેમણે રાષ્ટ્રને ઘડતા જોયા જાણ્યા હતા. ગાંધીજી રાષ્ટ્રના ઘડવૈયા હતા.

દેશ એની ભૌગોલિક કે રાજનૈતિક સીમાથી બને છે. રાષ્ટ્ર માત્ર એના ઇતિહાસથી નહીં, પણ એની ભાવનાત્મક એકતાથી બને છે. કેટલાક દેશોને એની ભાવનાત્મક એકતા એની ભાષા આપે છે. બાંગ્લાદેશનું ઉદાહરણ આપણી પડોશમાં જ છે. કેટલાક દેશો ધર્મની એકતાને પોતાના રાષ્ટ્રનો પાયો બનાવે છે. પાકિસ્તાન એનું ઉદાહરણ છે. કેટલાક દેશોને રાષ્ટ્રત્વ ત્યાંના રાજવીને લીધે મળે છે. નેપાળ એનો દાખલો છે. આપણા દેશમાં અનેક ભાષાઓ હતી. આપણા દેશને રાષ્ટ્રત્વ સાંપડ્યું એની ભાવનાત્મક એકતાથી. આ દેશ ગુલામ છે, એને સ્વતંત્રતા મળવી જોઈએ એ વાત કહેનાર ગાંધીજી કોઈ પહેલા માણસ નહોતા. ગાંધીજીના જેટલો જ સ્વતંત્રતાનો પ્રેમ એમના પહેલાંયે ઘણાઓને હતો અને ગાંધીજીની હયાતી દરમિયાન પણ ઘણાને હતો. તો ગાંધીજીની એવી તે કઈ વિશેષતા હતી કે જેને લીધે સ્વતંત્ર દેશની સંસદે તેમને જ રાષ્ટ્રપિતા કહ્યા?

તે વિશેષતા એ હતી કે એમણે આવડા મોટા અને આટલી બધી વિવિધતાવાળા દેશને રાષ્ટ્રીયતાની એક ભાવનાથી જોડ્યો કે ઘડ્યો. એમણે અલગ અલગ પુષ્પો એક સૂત્રમાં બાંધી માત્ર એક માળા જ ન બનાવી પણ તેનો એક ગુલદસ્તો રચ્યો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એ રાષ્ટ્રને માનવોનો મહાસાગર કહ્યો હતો. સાગર-જલમાં જેમ બધી નદીઓ એકરૂપ થઈ જાય છે, તેમ અહીં બધી વિભિન્નતાઓ, એકતામાં સમાઈ જાય છે.

ગાંધીજીનો પુરુષાર્થ આ દેશને આવી એકતા આપવાનો હતો. તેથી તેમને સુભાષ બાબુએ ‘રાષ્ટ્રપિતા’ કહ્યા. એમના એ શબ્દે આખા દેશના અવાજનો પડઘો પાડ્યો હતો.

[સૌના ગાંધી-9]
Pradyot Priyadarshiની વોલ પરથી આભાર સહ.
03 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 303

Loading

ચશ્માં

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|2 May 2025

“પપ્પા.”

 “હા, બેટા.”

 “દાદાજીનાં ચશ્માં મારાથી તૂટી ગયાં.” 

“કેવી રીતે તૂટી ગયાં? ધ્યાન રાખવું જોઈએને.”

 “દાદાજીને હું ચશ્માં દેવા જતો હતો, હાથમાંથી છૂટી ગયાં ને તૂટી ગયાં.” “દાદાજીએ તને શું કામ ચશ્માં આપવાનું કહ્યું. તેમને હાથે લઈ લેવા જોઈએ ને.”

“દાદાજીને મેં જ ઊભા થવાની ના પાડી હતી. દાદાજી પડી જાય તો વાગી જાય ને, એટલે. પપ્પા, કાલે દાદાજીનાં ચશ્માં લેતા આવજો.”

 “તારા દાદાજીને ચશ્માંની શું જરૂર છે? છાપું વાંચે કે ટી.વી. જુએ, આંખો બગડી જાય અને મારી પાસે અત્યારે તારા દાદાજીનાં ચશ્માનાં પૈસા નથી.”

 “પપ્પા, મારે આવતા અઠવાડિયે પિકનીકમાં જવાનું છે. તેના સાતસો રૂપિયા ભરવાના છે. મેં એ પિકનીકનું સ્થળ જોયું છે, હું નહીં જાઉં તો એ રૂપિયા બચશે, તેમાંથી દાદાજીનાં ચશ્માં લેતા આવો.” 

“હવે દાદાની વકીલાત કરતો જા, દાદાજીને ચશ્માંની કોઈ જરૂર નથી, સમજ્યો.”

“દાદાજી, તમારાં ચશ્માં, મારાથી તૂટી ગયાં એટલે તમને બહુ તકલીફ પડે છે ને? પણ, પપ્પા માનતા નથી.”

 “બીટ્ટુ, તારા પપ્પા સાચું કહે છે. હવે મારે છાપું વાંચીને કે ટી.વી. જોઈને શું કરવાનું. મને કોઈ તકલીફ નથી.” પણ બીટ્ટુ રોજ જોતો હતો કે દાદાજીને છાપું વાંચ્યા વગર ચેન પડતું નહોતું. જોવામાં પણ તકલીફ થતી એટલે ઘણી વખત ક્યાંક ને ક્યાંક અથડાઈ જતા. બીટ્ટુ, દુઃખી થવા સિવાય બીજું કંઈ કરી શકે તેમ નહોતો.

“જો તો બીટ્ટુ બહાર કાર ઊભી રહેવાનો અવાજ આવ્યો, કોણ આવ્યું છે?” “એ તો હું છું, તારો મિત્ર મનુ.”

 “આવ, ભાઈ, આવ, ઘણા દિવસે ભૂલો પડ્યો.”

 “આ બાજુથી ચેતન જતો હતો એટલે થયું લાવ તને મળી લઉં. ચેતન અને તેનો દીકરો પિન્ટુ પણ સાથે આવ્યા છે.”

 “કેમ છે, કાકા?” 

“મજામાં, દીકરા.”

બીટ્ટુ અને પિન્ટુને ભાઈબંધી થઈ ગઈ. “દાદા, તમને હું દાદાજી કહી શકું?” 

“ચોક્કસ, પણ હું, તારા પપ્પાનો કાકો એટલે તારે મને કાકા દાદાજી કહેવાનું.” બીટ્ટુ અને પિન્ટુ બંને ખુશ થઈ ગયા.

“અરે! અમુલખ તને કહેવાનું તો રહી જ ગયું કે તું તારાં, બીજી જોડ ચશ્માં મારે ઘરે ભૂલી ગયો હતો.” હમણાં તારી ભાભીએ સાફસૂફી કરી તેમાં હાથમાં આવ્યાં અને મને ભાઈબંધનું ધ્યાન નથી રાખતા, એવો ઠપકો પણ તારી ભાભી તરફથી મળ્યો, લે આ તારાં ચશ્માં.” 

“સારું થયું તું આપવા આવ્યો, ચશ્માં વગર મને બહુ તકલીફ પડે છે.” બીટ્ટુ આ વાત સાંભળી ખુશ થઈ ગયો કે હવે દાદાજીને છાપું વાંચી શકાશે અને ટી.વી. પણ જોઈ શકાશે.

સમયનું ચક્ર ફરતું ચાલ્યું. મયૂરભાઈ, બીટ્ટુના પપ્પા અને અમૂલખભાઈના દીકરા એંશી વર્ષની ઉંમરે પહોંચી ગયા. “બેટા, મારાં ચશ્માં તૂટી ગયા છે નવા લેતો આવજે ને?”

“પપ્પા, હવે તમારે ચશ્માંનું શું કરવું છે? સારું થયું, છાપું વાંચવાથી અને ટી.વી. જોવાથી આંખો બગડે, હવે તમે આરામ કરો.” 

“કેમ એમ બોલે છે?” “પપ્પા, તમને યાદ છે? મને તો બધું જ યાદ છે. તમે દાદાજીને નવાં ચશ્માં નહોતા લાવી આપ્યાં અને દાદાજીએ જે મુશ્કેલી સહન કરી તે મેં નજરે જોઈ છે. સારું થયું કે મનુદાદા, દાદાજીને બીજી જોડ ચશ્માંની આપી ગયા એટલે વાંધો ન આવ્યો પણ તમારે તો મનુદાદા જેવો કોઈ મિત્ર નથી કે બીજી જોડ ચશ્માંની આપી જશે.”

મયૂરભાઈ, ભૂતકાળમાં કરેલા કર્મનાં ફળ ભોગવતા હોય એવી લાગણી અનુભવી રહ્યા હતા પણ સમય હાથથી નીકળી ચુક્યો હતો.

“લો, પપ્પા આ તમારાં ચશ્માં.” મયૂરભાઈએ જોયું તો બીટ્ટુ હાથમાં ચશ્માં લઈને ઊભો હતો. 

“પપ્પા, હું તમારો દીકરો છું, પણ અમુલખદાદા જેવા પવિત્ર માણસનો પૌત્ર છું એટલે તમારી જેમ વર્તન ન કરી શકું.” મયૂરભાઈ હાથમાં ચશ્માંને જોતા રહ્યા અને બીટ્ટુ સડસડાટ તેના રૂમમાં ચાલ્યો ગયો.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 May 2025

રવીન્દ્ર પારેખ

એમ લાગે છે કે દેશમાં જૂથબંધીનું રાજ ચાલે છે. નાનાં મોટાં જૂથો, તંત્રો પર દબાણ લાવીને ધારેલું કરે છે. આ ઠીક નથી. લોકશાહી એ કૈં લોકો પર ફેરવી દીધેલી શાહી નથી કે એકાદ બે જૂથો ઘણા મોટા વર્ગને સારીનબળી બાબતોથી વંચિત રાખે. 

ગુરુવાર, 1 મેના ગુજરાત રાજ્ય સ્થાપના દિને સાંજે 6.45 કલાકે ‘ગોડસેને ગાંધી કો ક્યોં મારા?’ નામનો ‘વાચિકમ’નો ચોથો પ્રયોગ ડો. આત્મન શાહ અને પ્રો. હેમંતકુમાર શાહ, પ્રાર્થના સંઘ અને મૈત્રી ટ્રસ્ટને ઉપક્રમે, રોટરી હૉલ, જીવનભારતી મંડળ, સુરતમાં થવાનો હતો, પણ જીવનભારતીના એક ટ્રસ્ટીએ પ્રાર્થના સંઘના ઉપપ્રમુખ કિશોર દેસાઈને ફોન કરીને બુધવારે રાત્રે જણાવ્યું કે ટ્રસ્ટની ઓફિસ પર પોલીસ રૂબરૂ આવીને કહી ગઈ છે કે આ કાર્યક્રમ થશે તો ટ્રસ્ટીઓને પકડી લેવામાં આવશે. પોલીસ, ટ્રસ્ટીઓને કેમ પકડી જવાની હતી તેનો ખુલાસો તો નથી થયો, પણ આશ્ચર્ય એ વાતનું છે કે આ કાર્યક્રમનું આમંત્રણ કિશોર દેસાઇએ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને 23 એપ્રિલે આપ્યું હતું. તે વખતે પોલીસને કશું વાંધાજનક ન લાગ્યું ને કાર્યક્રમની આગલી રાત્રે જ ટ્રસ્ટીઓને પકડી જવાની વાત કરે તે અકળ છે. કોઈ જૂથનું દબાણ પોલીસ પર વધ્યું હોય ને પોલીસે કાર્યક્રમ બંધ કરાવ્યો હોય એમ બને. એ નોંધનીય છે કે ઐતિહાસિક દસ્તાવેજોના આધારે, ગાંધીહત્યા પાછળની હકીકતો દર્શાવવા હેમંત શાહ અને આત્મન શાહ કાર્યક્રમ કરવાના હતા. વડોદરાના ત્રીજા પ્રયોગ સુધી કોઈને પણ વાંધો ન પડ્યો હોય ને એ જ પ્રયોગ માટે પોલીસને સુરતમાં વાંધો પડે ને કાર્યક્રમ ન થવા દે તે આઘાતજનક છે. એમ લાગે છે કે લોકશાહીનો ઠેકો હવે નાનાં મોટાં જૂથોએ લઈ લીધો છે. હવે વાણી સ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, જૂથ આપે તેના પર આધારિત છે. તેને લાગે કે અમુક કાર્યક્રમ નથી થવા દેવો તો, તે પોલીસ પર દબાણ લાવીને એ સ્થિતિ ઊભી કરે કે કાર્યક્રમ થાય જ નહીં ! 

તાજેતરમાં વિવાદ ‘ફૂલે’ ફિલ્મ માટે પણ થયો. 25 માર્ચ, 2025ને રોજ માત્ર ટ્રેલર આવ્યું કે બ્રાહ્મણ સમાજને વાંધો પડ્યો. તેમનું કહેવું હતું કે ફિલ્મમાં બ્રાહ્મણોને જાણીબૂઝીને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. એક દૃશ્યમાં બ્રાહ્મણ બાળકો સાવિત્રીબાઇ ફૂલે પર પથ્થર ને કચરો ફેંકતા બતાવાયાં છે, તો એક દૃશ્યમાં શૂદ્રોને ઝાડૂ બાંધીને ચાલતા બતાવાયા છે. ફિલ્મ પર એવો આરોપ છે કે આવાં દૃશ્યો સમાજમાં ખોટો મેસેજ મોકલે છે. એ ફિલ્મમાં સેન્સર બોર્ડે પણ, કેટલાંક શબ્દો ને દૃશ્યો બદલવાનું સૂચવ્યું. બોર્ડની સૂચના મુજબ ફેરફારો પણ કર્યા. એને લીધે ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી, તે 25 એપ્રિલ પર ઠેલાઈ. આ વિવાદમાં જાતિવાદ ખતમ થઈ ગયો છે એવું વડા પ્રધાનને નામે ટોળમાં કહીને અનુરાગ કશ્યપે ઝુકાવ્યું, તો એનો ય વંટોળ ઊઠ્યો. ફિલ્મ નિર્દેશક અનંત મહાદેવને કહ્યું કે આજે પણ આપણો સમાજ માનસિક રીતે એટલો જ સંકુચિત છે, જેટલો સો વર્ષ પહેલાં હતો. તેમણે એમ પણ કહ્યું કે ફિલ્મ કોઈને પણ નીચા દેખાડવા માટે નહીં, પણ યુવાનોને એવી સચ્ચાઈ બતાવવા બનાવી છે કે સામાજિક પરિવર્તન, કેવા સંઘર્ષોથી શક્ય બને છે ! 

ફિલ્મ વિષે જેટલો વિરોધ છે, એટલું જ સમર્થન પણ છે. ફિલ્મ રિલીઝ થતાં વડા પ્રધાન અને યુ.પી.ના સી.એમ. યોગીએ જોઈ અને એમણે ફિલ્મની ભારે પ્રશંસા કરી ને એવો આગ્રહ રાખ્યો કે ફિલ્મને કોઈ પણ કાપકૂપ વગર દર્શાવવી જોઈએ. ફિલ્મ જોઈને બહાર આવેલા પ્રેક્ષકોએ પણ ફિલ્મને મન મૂકીને વખાણી છે. વડા પ્રધાન અને સી.એમ. યોગીએ આ ફિલ્મનાં વખાણ કર્યા એ પછી પ્રેક્ષકોનું વલણ બદલાયું ને આ ફિલ્મ હવે બધે જ રિલીઝ થાય એમ બને. કહેવાનું એ છે કે લોકશાહીમાં જૂથબંધી વધુ પ્રભાવી થઈ રહી છે. કોઈને કાર્યક્રમ કે ફિલ્મ જોયાં પહેલાં જ વાંધો પડે છે ને તે જેમને જોવાની સ્વતંત્રતા છે, તેમની સ્વતંત્રતા પર, કાર્યક્રમ કે ફિલ્મ રોકીને સીધી તરાપ મારે છે. કોઈને લાગે છે કે ફિલ્મ બાન થવી જોઈએ, પણ વડા પ્રધાન કે સી.એમ. એને વખાણે છે, તો વિરોધની ધાર બુઠ્ઠી થવા લાગે છે. 

જો ભણેલા હોય તો આજના સાંસદો અને ધારાસભ્યો કે કોર્પોરેટરો મોગલ, મરાઠા, અંગ્રેજનો ઇતિહાસ ભણ્યા જ હશે. એ વખતની કાઁગ્રેસી સરકારોએ લઘુમતીની તરફેણમાં નિર્ણયો લીધા ને તે મુજબનો ઇતિહાસ ભણાવ્યો. આવું તો ઘણું ખરુંખોટું આપણે શીખતાં આવ્યાં છીએ. જેમ કે, વાલ્મીકિ વિષે આપણે એ ગોખી કાઢ્યું છે કે વાલિયો લૂંટારો હતો, પણ હકીકત એ છે કે વાલ્મીકિ લૂંટારા ન હતા. તે બ્રહ્માના માનસપુત્ર પ્રચેતસના પુત્ર છે. એવું તો ઘણું ખરુંખોટું ચાલ્યું, પણ તેને અભ્યાસમાંથી કાઢવાનું થયું નથી. વાલ્મીકિ રામાયણ છે, એમ જ તુલસીદાસનું રામચરિત માનસ પણ છે ને આપણે બંનેનો આદર કરીએ છીએ. વ્યાસનું મહાભારત છે એમ જ અન્ય પણ છે. આજે તો કલ્પી ન શકાય એટલાં મંદિરો રાધાકૃષ્ણનાં છે, પણ કે.કા. શાસ્ત્રી જેવા પ્રખર વિદ્વાન રાધાને કવિઓની કલ્પના માત્ર ગણે છે. ભારતમાં રામાનુજ ને બીજા સંપ્રદાયો રાધાની નિંદા કરે છે. આજની તારીખે પણ રાધાનાં ઐતિહાસિક અસ્તિત્વ વિષે પ્રશ્નો જ છે. આવું હોવા છતાં રાધાના નકારની કલ્પના પણ થઈ શકતી નથી. એ રીતે ભારતીયો સહિષ્ણુ છે. રાધાનો નકાર છે, તો સ્વીકાર પણ છે ને બંને મતને સમર્થન પણ છે. 

એ જ રીતે મુસ્લિમોનો નકાર હોય ને હિન્દુત્વનો મહિમા હોય એવી સ્થિતિ પણ સમાંતરે દેશમાં છે, પણ શાસકો વધુ સંકુચિત અને એકાંગી થતાં જાય છે. સુરતના ચોકબજાર ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લાનું બે ફેઝમાં રિસ્ટોરેશન પૂરું થયું. સુરત મ.ન.પા.ના શાસકોએ એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવાનું આયોજન પણ કર્યું. કોર્પોરેશનના એક અધિકારીએ થોડાં વર્ષો પર એની સ્ક્રિપ્ટ લખવાનું કામ આ લખનારને સોંપ્યું હતું. એ સ્ક્રિપ્ટ તૈયાર થઈ, પણ તે પછી ન તો શાસકોએ કે ન તો અધિકારીએ તે જોવાની તસ્દી લીધી. તે પછી 29 એપ્રિલના રોજ ખબર પડી કે શો માટેની ફિલ્મ બનાવવાનું તો 2021માં બીજે સોંપાઈ ગયું હતું ને સિસ્ટમ ઊભી કરવા 10 કરોડનો ખર્ચ પણ કરાયો હતો. સિસ્ટમ તો ઊભી થઈ, પણ શોમાં દર્શાવાનારી દસ દસ મિનિટની ત્રણ ફિલ્મને મંજૂરી મળતી નથી. ફિલ્મ અંગે શાસકોને વાંધો એ છે કે તેમાં ‘મુઘલકાળ’નું જ બધું બતાવાયું છે. શાસકોએ ફિલ્મ બતાવનાર અધિકારીઓને સોંસરું પૂછ્યું પણ છે, ‘અત્યારે પણ આપણે મુઘલકાળમાં જીવી રહ્યા છે?’

આ ફિલ્મને બદલે શાસકોએ નવી ફિલ્મ બનાવવાનું કહ્યું છે ને ‘મુઘલસરાય’ જેવો શબ્દ હટાવી દેવાની સૂચના પણ આપી છે. પ્રોબ્લેમ એ છે કે આ કામ હેરિટેજ વિભાગને સોંપાયું હતું, એટલે દેખીતું છે કે એ શાસકોને વફાદાર રહેવાને બદલે, ઇતિહાસને વધારે વફાદાર રહેવાનું સ્વીકારે. શાસકોમાં કોઈ ઇતિહાસવિદ ન હોય તે સમજી શકાય, પણ ઇતિહાસની જાણકારી મેળવવાનું પ્રતિબંધિત નથી. સાહેબો થોડો ઇતિહાસ જાણી લે તો કિલ્લો ખુદાવંદખાને 1540-1541માં બંધાવેલો તે સમજાશે. એ બાંધવા ત્રણ જગ્યાઓ જોવાયેલી, પણ સુલતાન બહાદુરશાહને નદી કિનારાવાળી જગ્યા પસંદ પડી ને કિલ્લો ત્યાં જ બંધાયો. તે એટલો મજબૂત હતો કે અકબર જેવાને પણ તેના પર કાબૂ મેળવતા દોઢ મહિનો લાગેલો. કિલ્લાની ફિલ્મમાં તો આવો જ ઇતિહાસ હોય ને ! કિલ્લાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય તો કિલ્લાની નહીં, તો શેની વાત આવે? એ ખરું કે આજે ‘મોઘલકાળ’માં કોઈ જીવતું નથી, પણ કિલ્લાનો કાળ ‘મોઘલકાળ’ જ હોય તો વાત એની નહીં તો કોની થાય?

શાહજહાંએ એની દીકરી જહાંઆરાને સુરત બંદરની જકાત અને મહેસૂલની પંદરેક લાખની આવક ખર્ચ પેટે લખી આપેલી. એનો હિસાબ રાખવા જહાંઆરાએ ઇશાકબેગ યઝદીની નિમણૂક કરેલી જે પાછળથી હકીકતખાન તરીકે ઓળખાયો. એણે 1644માં એક મુસાફરખાનું બાંધ્યું. તે ‘મુઘલસરાઈ’ તરીકે ઓળખાયું. હવે હેરિટેજવાળા તેને ‘મુઘલસરાઈ’ તરીકે નહીં, તો ‘ભાજપ’સરાઈ તરીકે ઓળખાવે? 

એવી જ માથાકૂટ NCERTએ ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી મુગલ સલ્તનત અને દિલ્હી સલ્તનતના પ્રકરણો દૂર કરીને કરી છે. તેને બદલે મહાકુંભ, ‘મેક ઇન ઈન્ડિયા’, ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ જેવા વિષયો ઉમેરવામાં આવ્યા છે. નવું ઉમેરાય તેનો તો વાંધો જ નથી, પણ તે જૂનું કાઢીને ઉમેરાય તો બરાબર નથી. આમાંના કોઈ મોગલ સાથે આ લખનારને લેવા દેવા નથી કે નથી કોઈ રાજકીય પક્ષનું સભ્ય પદ પણ ! નથી કાઁગ્રેસ જોડે કોઈ સંબંધ કે નથી ભા.જ.પ. સાથે કોઈ શત્રુતા, પણ અગાઉના શાસકોએ ઇતિહાસ મચડ્યાનો વાંધો પડતો હોય, તો આજના શાસકોની મુગલ શાસકો માટેની નફરત ફેર વિચારણા માંગે, એવું ખરું કે કેમ? મુગલકાળને પાઠ્યપુસ્તકમાંથી કાઢવાથી તાજમહાલ, લાલકિલ્લો, ફતેહપુર સિક્રી … નીકળી જશે? સંભાજીનું મૃત્યુ કેવી રીતે થયું એ કોઈ જાણવા માંગશે તો ઔરંગઝેબને બદલે ખોટું નામ દઇશું? કે પછી શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી એવું જ કર્યા કરીશું? 

વિચારીએ –                                                                                                                                                                                                                                                                                                               000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 મે 2025

Loading

...102030...351352353354...360370380...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved