Opinion Magazine
Number of visits: 9767887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય દુરસ્તતા અભિયાન

રોહિત શુક્લ|Opinion - Opinion|5 May 2017

તમે આપણા ચોથેશ્વર ઉર્ફે ચોથિયાને તો ઓળખોને! આમ તો બહુ ભલો માણસ. તમે એને ચોથિયો કહો તો ય વાંધો નહીં. એ તો કહેશે, ‘ભાઈ, એ તો જેવું કૂવામાં હોય તેવું જ આવેને! મારે તો શા લેવા અને શા દેવા’. અને પછી પેલા પીળચકા દાંત દેખાડીને, અડધું-પડધું હસતો હસતો કો’ક જાણતલ જોશીડાની જેમ પૂછી નાંખે ‘જેવા મિજાજ અને જેવા વિવેક હોય તેવું બધા બોલે. એમાં આપણું હું જાય?’ પણ ચોથિયાના ગૌરવના રખેવાળ એવા ચોથેશ્વરીને આ ગમે નહીં. લાલ ટશિયાફૂટી આંખે અને કાનના ખૂણા ઊંચા કરીને તે આ સાંભળી તો લેતા, પણ જેવો પેલો આગંતુક વિદાય થતો કે તરત ચોથિયાને તે ઝપટમાં લેતા. ‘લ્યા જરા તો લાજ. આ આજકાલના વૈણસંકર જેવા તને ‘ચોથિયો’ શીના કે’? અને તું ય તે પાછો હસતો રહીને વેઠી લે છે?’ ‘લ્યો ત્યારે તમે ય ઉતાવળા જ થયા કે’વાવને.’ ચોથિયાએ ચોથેશ્વરીના ગહન ગાંભીર્યને ટપારતાં કહ્યું. ‘મેં કીધું જ ને કે ‘કૂવામાં હોય તેવું આવે’ – તેનો માયનો શો ? માયનો ઇ કે તેના વંશમાં કોઈએ વિવેક ભાળ્યો હોય, તો વાણીમાં અવતરેને! મતલબ કે ઘરના કોઈને ય કેમ બોલાય કે હળાય મળાય તેની ગતાગમ નથી અને તેથી જ ભચડે રાખે છે. અમે તો શીખેલા કે ‘આવડે તેટલું બોલીએ નહીં અને ભાવે તેટલું ખાઈએ નહીં.’ અને હાવ હાચું કૌ – આ જમાનો જ જાળવી જવા જેવો છે.’ ચોથિયાએ ફળફળતો નિહાહો મેલીને કહ્યું. ચોથેશ્વરીના સદ્ભાવભર્યા ચહેરાથી નજર હટાવી લઈને દૂર આથમતા સૂરજ તરફ જોતાં-જોતાં ઉમેર્યું. પછી તો ભૈ, ચોથિયાએ ડૂબતા સૂરજ સામે જોયું એટલે ચોથેશ્વરીએ પણ જોયું. અને ચોથેશ્વરીએ જોયું, એટલે શ્વેતકેશી, રક્તાક્ષ, એકદંતગૂમ, યપ્પી અને તાજેતરમાં જ મહેમાન બનીને આવેલા શ્વેતકર્ણ અને શ્યામકર્ણે પણ નજરું નોંધી. હવામાં આકડાનાં ફૂલ વહે તે રીતે બધાની નજર આ સૂર્યાસ્ત જોનારા ઉપર પડતી અને એમ કરતા-કરતા સમગ્ર વાનરસમૂહો આથમતા સૂરજ તરફ જોતા થઈ ગયા. પોતાની માના મોંઢા તરફ જોવું કે પછી મા જે તરફ જોઈ રહી છે, તે જોવું – સમગ્ર વાનરજાતના દૃષ્ટિસમાગમબિંદુ સમાન આથમતા સૂરજ તરફ જોવું તે નક્કી નહીં કરી શકનાર એક વાનરબાળે હળવેથી પૂછ્યું. ‘મમ્મા, આપણે બધા આથમતા સૂરજને કેમ તાકી રહ્યાં છીએ?’ એમાંથી કોઈક ફળફળાદિનો રથ આવવાનો છે?’

‘આથમતા સૂરજમાં પણ ફળફળાદિના રથની આશા રાખનાર હે બાલવાનર તું ધન્ય છે’, ચોથિયાએ કહ્યું. તારા જેવાં બાળકો જન્મતાં રહેશે, ત્યાં સુધી આ વાનરજાતનો જયવારો જ થવાનો.’ વાનરબાળની ભૂરી-ભૂરી પ્રશંસા કરતાં ચોથિયાએ કહ્યું.

‘જો ચોથિયા, બીજી બધી આડીઅવળી વાતો પડતી મેલ – અમને કહે કે આથમતા સૂરજ અને આશાના રથના મેળાપનો મુદ્દો શો છે?’

‘ચોથેશ્વરી, વાતનો ફોડ તો હું પાડું, પણ પછીનો કોયડો ઉકેલવાનું મારું કોઈ ગજું નથી. હું તો ભાઈ મારા વાઇફાઇમાં ઝિલાતાં મોજાંનો અહેવાલ, ગીતાના સંજયની જેમ આપવાનો ચાકર. પણ પછીની વાત મારી નહીં’ એમ કહીને ચોથિયાએ વાત માંડી. ‘આ છેલ્લાં અઢી વરસથી આ દેશની આબોહવામાં પલટો આવ્યો છે તે જૂઓ છો ? જૂઓ થોડાક નમૂના પેશ કરુંઃ’

૧. હૈદ્રાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીના રોહિત વેમુલાથી શરૂ કરીને જે.એન.યુ.ના કન્હૈયાકુમાર થઈને રામજસ કૉલેજ સુધી પહોંચો.

૨. મહંમદ અસફાકથી આરંભી ઊના થઈને કુલ અગિયાર સ્થાનોએ થઈને અલવર સુધી પહોંચો.

૩. નોટબંધીથી લઈને ખેડૂતોની આત્મહત્યા થઈને ગબડતા અર્થતંત્ર અને રઝળતા બેકાર યુવાધન સુધી પહોંચો.

૪. ખેડૂતોની જમીનો અને પાણી ઝૂંટવી જનારાં ઉદ્યોગગૃહોની કુરનિસમાં ખડેપગે રહેતા તંત્ર સામે નજર નોંધી ‘વિકાસ’ની આભા નીરખો.

૫. મનરેગા, આધારકાર્ડ અને જી.એસ.ટી.ના અત્યાર સુધીના સાવ વિરોધી એવા મહાન નેતાના તાજેતરના ઉદ્ગારો કેટલી ઝડપથી બદલાઈ ગયા છે તે જુઓ.

૬. શિક્ષણની બેહાલી, ઊંચી ફીની નફાખોરી કરતી સંસ્થાઓ તરફ સરકારી રહેમનજર, ગુણવત્તાના નામે મસમોટું મીંડું અને ગરીબો ભણી જ ના શકે તેવાં પરોક્ષ કાવતરાંની ખાંચાખૂંચી જુઓ.

૭. ભ્રષ્ટાચાર વગર કામ થતું નથી, તેવો લોક-અનુભવ અને સામે પડતા સરકારી દાવા વચ્ચેના સાંકળિયાની રમત નીરખો.

આવી આવી ઘણીબધી બાબતો જોવા જેવી છે – પણ હવે થોડી બીજી વાત. નવી નવેલી વહુવારુઓની જેમ નવી સરકારને ય હૈયામાં હોંશ તો હોય જને! અને આ તો પછી સાત ખોટની! આઝાદીની લડતમાં ભાગ ન લેવાનો તેનો ભવ્ય ભૂતકાળ છે. લોકસભામાં બે બેઠકોથી શરૂ કરો તો અત્યાર સુધીમાં કેટકેટલાં તોફાનો, આંદોલનો અને દાવપેચ પછી સત્તા સાંપડી છે તે તો જુઓ. એમનામાંના કેટલાકના કહેવા પ્રમાણે લગભગ પાંચેક લાખ વરસ પહેલાં જન્મેલા અને અગિયાર હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને અવતારકાર્ય દીપાવનારા ભગવાન શ્રીરામ માટે આખરે દેશવ્યાપી(?) રથયાત્રા કાઢી. પણ જેમણે રથ દોડાવ્યો, તેમના ગળામાં સત્તાનો હાર આવવાને બદલે ‘વેઇટિંગ’નો ખિતાબ આવી પડ્યો.

પણ હવે તો અમારો વિચાર આ દેશની દુરસ્તીનો જ છે. આખેઆખા દેશને દુરસ્ત કરવો રહ્યો. એ તો અમારું યુગકાર્ય છે. અમારા ‘રાષ્ટ્રીય દુરસ્તતા અભિયાન’માં અમે સૌથી મોખરે ગૌ-માતાને રાખવા માંગીએ છીએ. સઘળા પુરાણો, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર જેવા, મહાનતમ આદર્શોના આધારે આ હિંદુસ્તાન અને નહીં કે ભારત નામના દેશની નવરચના કરવા માંગીએ છીએ. ગાયોની વાત લો. તેને સમજવા કે તેના મહત્ત્વને પિછાનવામાં તમારી આધુનિક કેળવણી આડી આવે છે. છતાં અમે વિદેશી યુનિવર્સિટીઓનું શિક્ષણ તો જોગવવાના જ. તમને અહીં આધુનિકતા અને પછાતપણા વચ્ચે ઘર્ષણ થતું દેખાય છે? તો એનો રસ્તો કરીએ. શહેરી, ઉચ્ચ વર્ગના ઉપલા મધ્યમવર્ગના સમૂહો માટે ભલે પશ્ચિમી કેળવણી જોગવાય – પણ આપણી ધરોહરની ઓળખ સમા ગામડાના ગરીબ લોકો માટે તો આપણી ભવ્ય સંસ્કૃિતની ઓળખ જ પૂરતી છે. ગાયો પણ ખરી અને ઉપગ્રહો પણ ખરા.’

પણ આખી વાતનો મરમ નહીં જાણનારા શ્વેતકર્ણે મોટો ડખો ઊભો કર્યો. ‘તે હેં ભઈ, આ પવિત્ર પણ વસૂકી ગયેલી ગાયોને આપણા દેશની સર્વશ્રેષ્ઠ ગણાય તેવી આઈ.આઈ.એ.મો કે આઈ.આઈ.ટી.ઓનાં પરિસરોમાં રાખવાની ફરજ પડાય તો કેવું હેં. એયને બધી ફૅકલ્ટી મહાન અને મોટા પ્રોફેસરો સવાર-સવારમાં છાણ-વાસીદું કરીને સ્વચ્છતા-અભિયાનથી રાષ્ટ્રભક્તિ સાથેની ગૌભક્તિથી દિવસનો પ્રારંભ કરે!’ છાણ-વાસીદું કરતા જાય અને ગણિત અને હોટલથી હૉસ્પિટલો અને બૅંકોથી બજાર સુધીનું સંચાલન પણ શીખવતા જાય. આપણી મહાનતા અને ભવ્યતા. ઉત્તમતા અને ઉદાત્તતા. વીરતા અને પટુતા એમ બધ્ધાના સંસ્કારો અને નૈતિકતા આપણે ગૌસેવા કરતાં કરતાં જ શીખીએ. પછી તો છેને તે દુનિયાભરની શ્રેષ્ઠ એવી હાર્વર્ડ. (‘હાર્ડ વર્ક’ નહીં હોં!) કૅમ્બ્રિજ કે ઑક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓમાં, જગતગુરુના નાતે. અમે પણ વસૂકી ગયેલી ગાયોના પાલન થકી પ્રાપ્ત થનાર ઉત્તમ જ્ઞાન વડે વિશ્વના જ્ઞાનસમુચ્ચયમાં ચિરંજીવ પ્રદાન કરી શકીશું.’

પણ જ્યારે જ્યારે શ્વેતકર્ણ કંઈ પણ બોલે ત્યારે-ત્યારે શ્યામકર્ણને પણ ઝુકાવ્યા વગર ચેન પડતું નહીં. બંને વચ્ચે જાણે કે કોઈક જુગલબંધી હોય તેવું જ સમજોને. શ્યામકર્ણે લાગલું જ ઉમેર્યું, ‘હાસ્તો વળી, એમ થશે, ત્યારે પેલી જે.એન.યુ.ઓ કે રામજસોનાં વિદ્યાક્ષેત્રોમાં જે જ્ઞાનદીપો પ્રગટશે તેની રોશની થકી ‘સામ્યવાદ કે સમાજવાદ’ જેવા વિચારોનો પણ (પડોશી દેશમાં) દેશનિકાલ થઈ શકાશે. આપણે સૂત્ર બનાવીએ – ‘દેશ-દુરસ્તી કાજે દેશનિકાલ’.

‘પણ એ તો કહો કે કોનો કોનો દેશનિકાલ તમે કરશો ?’ ‘શ્વેતકેશીએ સહેજ પોરસાવતા હોય તેમ પૂછ્યું.’ કેમ વળી, એટલું ય સમજતા નથી? સમાજવાદ અને સામ્યવાદનો દેશનિકાલ, માનવવાદ અને વિજ્ઞાનવાદનો દેશનિકાલ, ગાયોની સેવા ન કરનારાનો દેશનિકાલ … ’યપ્પીએ તક ઝડપી દેતાં ઠેકડો મારીને પડમાં આવતાંની સાથે કહ્યું. પણ અતિ ઉત્સાહમાં આ કૂંડાળામાં કૂદી પડવાથી તાલીમમાં ગોખાવાયેલા અન્ય ઠૂમકા લગાવવાનું તે વીસરી ગયો. જરાક ઓઝપાઈને પણ જરા ય હેબતાયા વગર તેણે દંતાવલી દાખવતાં કહ્યું, ‘ધ્યાન રાખજો, આ દેશમાં રહેવું હોય તો સરખા થઈને રહેજો. તમને ઊનાથી અલવર સુધીની મુસાફરી વારેવારે કરાવવી પડે તે ઠીક નહીં.’ શ્વેતકેશીને આવા સંજોગોમાં ચૂપ રહેવાનું ફાવતું નહીં. તેમણે હળવે રહીને પૂછ્યું. ‘ભાઈલા, ઊનામાં તો તમે દલિતો ઉપર કારમો જુલમ ગુજાર્યો. ખરુંને ? અને અલવરમાં તો તમારી સામે એક મુસલમાન હતા. તમે હવે દલિતો અને મુસલમાનો બધાને દેશનિકાલ કરી દેશો ? તમારો આ દલિત અને મુસ્લિમ બંનેનો એક સમાન અને સાવ સહિયારો દેશનિકાલી કાર્યક્રમ સમજાતો નથી, તેથી જાણવા ખાતર પૂછું છું હોં બાપા ખોટું ના લગાડતાં. ‘વાતને આડે કાં ચડાવો? અમે તો માત્ર ગાયને પવિત્ર માનીએ છીએ અને તેમાં આડે આવનાર કોઈને ય અમે છોડીશું નહીં.’ યપ્પીએ ઘૂરકાટ સાથે કહ્યું. ‘ઠીક ભાઈ, એ વાત તો તમારી બરાબર. પણ હવે ગાયો પાળશે કોણ? તમારા ધાર્મિક અખાડા, સંસ્થાઓ, પાંજરાપોળ વગેરેમાં ગાયોનો પાળવા વાસ્તે હવે અનુદાન-સબસિડી આપવાની શરૂઆત કરો. જે ઉદ્યોગોને તમે મફતના ભાવે જમીનો આપી કે બીજા તરસ્યાનું ઝૂંટવીને પાણી આપ્યું તે ઉદ્યોગોને પણ હવે પાંચસો-હજાર ગાયો ભળાવો. આ ગાયો પણ વસૂકી ગયેલી હોવી જોઈએ. એ જ રીતે તમે જે યુનિવર્સિટીઓ કે નિશાળોને મફતના ભાવે જમીનો આપી છે, તેમને પણ હવે ભણવામાં ગો-પાલન, ગોરક્ષ અને ગો-સંવર્ધનના અભ્યાસક્રમો ચલાવવા કહો. હા, આ બધું ભણાવવા માટે કોઈ પણ ધર્મ કે મજહબના નીવડેલા ગોપાલકોને સાતમા પગારપંચના ધોરણે પ્રોફેસર તરીકે પણ રાખવા રહ્યા. ગાયોની બાબતની આપણી પેઢીગત ‘સ્કિલ’ને હવે ‘ડેવલપ’ કરીને સાચવવી પડશેને.’ શ્વેતકેશીને આજકાલ અતિ ગંભીર પ્રકારના પ્રશ્નોની અતિ સરળ ઉકેલો ભળાવા માંડ્યા હતા.

‘ઉદ્યોગોને તો આવી બધી વાતોમાં ભેરવવાનું છોડી જ દેજો હોંકે’, ગળે ટૂંપો દેતી ટાઈનો કાંઠલો ઠીક કરતાં રક્તાક્ષે કહ્યું. ‘અમે કારખાનામાં ગાયો પાળીને ધર્માદા કરવા બેસીએ તો પછી, અમારા ધંધા-ધાપાનું શું? આવા એકમોના હરીફાઈ અને કાર્યક્ષમતાઓ જેવા આર્થિક માપદંડોનું શું? અને તમે તો નવી આર્થિક ફિલસૂફી અનુસાર ગરીબોને પણ સબસિડી આપવાના વિરોધી છો. અમે વસૂકી ગયેલી ગાયો પાળીએ, તો તે માટે તમે બજેટમાં સબસિડીની જોગવાઈ કરવાના છો? તમે તો ભાઈ વાતને વિચિત્ર વાઘા પહેરાવવાના. એમ કરીને – જરાક ગાયોની વધુ સેવા કરીને આવા પ્રશ્નોનો વધારે સારો ઉકેલ શોધી લાવોને!’ ઉદ્યોગપતિ જે બોલે તે હંમેશા વજૂદવાળું જ હોય, એમ માનનારા પાંચ-દસ વાનરોએ એકમેકની સામે સંમતિસૂચક માથાં હલાવ્યાં.

ચોથેશ્વરીએ હવે વાતને પાછી વાળતા કહ્યું, દેશ સામેનો સૌથી મોટો સવાલ ગરીબી અને બેકારીનો ગણાય. તેને સર્વસમાવેશી સ્વરૂપે વિચાર્યા અને ઉકેલ્યા વગર – માત્ર કોમવાદી પ્રતીકો અને માનસિકતાઓને આગળ કરતાં રહીને આ પ્રાણપ્રશ્નોનો ઉકેલ આણી ન શકાય. સમાજજીવનના પ્રાણવાન પ્રવાહો આ દેશમાં સદીઓથી વહેતા આવ્યા જ છે. તમે તેને ગંગાનાં નીર ગણી શકો. વિવિધતા આ દેશનું સામર્થ્ય પણ છે અને સૌંદર્ય પણ છે. સદીઓને પોતાનાં હાડમાંસમજ્જામાં સંગોપિત રાખીન ઊભેલા આદેશમાં આજ લગી તો કોઈએ આત્યંતિકતા આચરીને કોઈને દેશનિકાલની વાતો કરી નથી. આવી વાતો નથી આ દેશના ધર્મ સાથે કે નથી તેના સંસ્કાર સાથે સુસંગત. હું તો એટલું જ કહું, આ દેશની ચિંતા એટલે તેના ગરીબો અને વંચિતોની ચિંતા. આ ચિંતાનાં ધોરણોમાંથી જ તો સમાજવાદ પાંગર્યો છે. દેશના ધર્મ અને સંસ્કારો પણ સમાજવાદી જ છે. જો તમે આ ઉકેલ આણો, તો આ આથમતો સૂરજ પણ કાલે સોનાનો થઈને ઊગી શકે. એ સૂરજ માત્ર મારા તમારા ઘરનો જ થઈને નહીં રહે – એ તો ગામેગામ અને ઘરેઘરનો સૂરજ હશે. દેશને ભાગાકાર નહીં પણ સરવાળાની જરૂર છે, હોંકે.’

અને જેવું તમે આ દેશદુરસ્તીને બદલે વિચાર-દુરસ્તીનું વિચારવા માંડશો, એટલે તરત તમારા રોહિત વેમુલા કે જે.એન.યુ. ખેડૂતોની આત્મહત્યા કે શિક્ષણની અનવસ્યા ઉદ્યોગોને અપાતાં મફત જમીન-પાણી અને ઉદ્યોગ સામે ખેતી સાથેના ઓરમાની વ્યવહાર એમ બધાંની ગાંઠો ખૂલતી જશે. એ જ માર્ગ, થોડી ધીરજ અને સમજ સાથે આગળ વધશો, તો ગરીબી અને બેકારીની સમસ્યાઓના ઉકેલની દિશા પણ દેખાવા માંડશે. ભળભાખરું આપોઆપ જ થતું હોય છે – તેને કોઈ આયોજનો કે સારવારની જરૂર હોતી જ નથી. સવારના કૂણા તડકા તરફ પ્રયાણ પણ આપોઆપ જ – આ ધરતીને ગતિ વડે જ થઈ રહેશે. પેલા ગાંધીબાપુએ આ જ તો શીખ આપી છે. સાદું જીવો – વહેંચીને ખાવ, મહેનત કરો અને સૌમાં રામ જુઓ. રસ્તો તો આ જ છે, પણ જો તમારે સત્તા અને પૈસાની તાબેદારી કરતા રહેવું હોય તો એ વાત તો તમારી અને તમારા ભગવાન વચ્ચેની જ કહેવાય.’ ચોથેશ્વરીએ વાત આટોપી.

આથમતા સૂરજની તામ્રવર્ણી તડકો ચોથેશ્વરીના ચહેરાને ચમકાવતો હતો. તેથી અભિભૂત થયો હોય કે ગમે તેમ – ચોથિયાને લાગ્યું કે ચોથેશ્વરીની વાતમાં આવી જવા જેવું તો હતું જ.

E-mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 05-06 

Loading

ગરમીથી નહીં, ગરીબીથી મરે છે લોકો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 May 2017

ઠંડી અને વરસાદને કુદરતી આપત્તિ માનતી સરકારો ગરમીને કે હીટ વેવને કુદરતી આપત્તિ માનતી નથી

અખબારી ભાષામાં આકાશમાંથી અગન વરસી રહી છે. મે મહિનો એટલે ભીષણ ગરમીનો મહિનો. 2016નું વરસ ગયા સો-સવાસો વરસોમાં સૌથી ગરમ વરસ હતું. 2017નો ઉનાળો પણ આકરો છે એવા એંધાણ બહુ આરંભથી જ વર્તાઈ રહ્યાં હતાં.

માનવશરીર આમ તો બદલાતી ઋતુઓ સાથે સંતુલન સાધી લેતું હોય છે. પરંતુ તીવ્ર ઠંડી-ગરમી-વરસાદ સામે ગરીબી અને અભાવોમાં જીવતા લોકો ઝીંક ઝીલી શકતા નથી. હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ 2016ના વરસમાં ખરાબ હવામાનને કારણે 1600થી વધુ લોકોનાં મોત નિપજ્યા હતાં. તેમાં 40 ટકા મોત ગરમીના કારણે થયા હતાં. દેશમાં 700 લોકો ગત વરસની ગરમીને લીધે મરણ પામ્યા હતાં. સામાન્ય રીતે ગરમીને કારણે ઉત્તર ભારતનાં ગરીબ અને પછાત રાજ્યોમાં વધુ મોત થતાં હોય છે, પરંતુ 2016ના વરસમાં ગરમીથી થયેલાં 700 મોતમાં અડધા કરતાં વધુ હિસ્સો આંધ્ર-તેલંગણાનો છે. આ બે રાજ્યોના 400 લોકો ગયે વરસે ગરમીમાં માર્યા ગયાં હતા. ગુજરાતમાં ગરમીને કારણે 87 અને મહારાષ્ટ્રમાં 43 મોત થયાં હતા.

આ વરસે એપ્રિલ માસના અંત સુધીમાં દેશમાં 50 વ્યક્તિઓનાં મોત ગરમી અને લૂના કારણે થઈ ચૂક્યાં છે. કાતિલ હીટ વેવથી છેલ્લા ચાર વર્ષમાં 4620 લોકોનાં મોત થયાં છે. માત્ર ગરમીથી જ નહીં, ઠંડી અને વરસાદથી થતાં મોતનો આંકડો પણ ઘણો મોટો છે. પૂર, ભારે વરસાદ અને વીજળી પડવાથી 2016ના વર્ષમાં 415 લોકોને મરણને શરણ થવું પડ્યું હતું. હાડ થીજવતી ઠંડીએ 56 લોકોનાં જીવનનો ભોગ લીધો હતો. આટઆટલાં મોત છતાં આ કોઈ રાજકીય ચર્ચાનો મુદ્દો બનતો નથી.

ગરમીથી બફાઈને, ઠંડીથી ઠુંઠવાઈને કે પૂરમાં તણાઈને થતાં મોતના ખબર વાંચતા-સાંભળતા રહીએ છીએ. આ માટે હવામાનની વિષમતા જવાબદાર હોવાનું કારણ અપાતું રહે છે કે કુદરત આગળ માનવી લાચાર હોવાની દુહાઈ દેવાય છે, પરંતુ વાસ્તવમાં આ મોત માટે આપણી સામાજિક આર્થિક અનવસ્થા અને અસમાનતા જવાબદાર હોય છે તે આબાદ રીતે ભૂલાવી દેવાય છે. જ્યાં સૌથી વધુ ઠંડી-ગરમી-વરસાદ હોય ત્યાં મૃત્યુ આંક ઓછો હોય અને અન્યત્ર મૃત્યુઆંક વધુ હોય એવું બને છે. એટલે ઉષ્ણતામાનમાં અસાધારણ વધારો-ઘટાડો થવાથી લોકો મરતા નથી, પરંતુ આની પાછળ સામાજિક- આર્થિક કારણો કામ કરે છે. 

આ સમસ્યા માત્ર હવામાનની વિષમતાની નથી. આપણા સામાજિક આર્થિક ભેદભાવ ખરી સમસ્યા છે. વાસ્તવમાં આ મોત ઠંડી-ગરમીને કારણે નહીં, રોટી-કપડાં-મકાનની પ્રાથમિક જરૂરિયાતના અભાવને કારણે થતાં હોય છે. જે લોકોનાં મોત થાય છે તેમાં ગરીબ-અશક્ત-વૃદ્ધ-બીમાર-લાચાર લોકો અને બાળકો હોય છે. તેમના મોતનું ખરું કારણ કુપોષણ, નબળું શરીર, ગરીબી અને અભાવગ્રસ્ત જિંદગી અને પહેરવાનાં કપડાં કે રહેવાના મકાનનો અભાવ છે — નહીં કે ગરમી-ઠંડી. જેમની પાસે રહેવાં કાચાં ઝૂપડાં કે ફૂટપાથ છે, અંગ ઢાંકવાનાં કપડાં માંડ છે તેમને માટે રક્ષણ મેળવવું શક્ય નથી. દેશનો 90થી 95 ટકા અસંગઠિત શ્રમિક વર્ગ ધોમધખતા તાપ, કાતિલ ઠંડી અને સાંબેલાધાર વરસાદ વચ્ચે રોજી રળતો હોય છે. તે જ ભોગ બને છે.

હવામાનની વિષમ સ્થિતિથી થતાં મોત માટે સરકારો બાપડી શું કરે, એવો નાદાન સવાલ પણ થતો હોય છે. તો સરકારો શું કરે છે તે જાણીને રંજ અને રમૂજ પણ થાય છે. ઠંડી અને વરસાદને કુદરતી આપત્તિ માનતી સરકારો ગરમીને કે હીટ વેવને કુદરતી આપત્તિ માનતી નથી. તેથી વરસાદ કે ઠંડીને કારણે મરનારને જે સરકારી રાહત મળે છે તે ગરમીને કારણે મરનારને મળતી નથી. સરકારે હીટ વેવનો માપદંડ તો નક્કી કર્યો છે પણ ગરમીથી થતાં મોત નક્કી કરવાં મુશ્કેલ ગણીને આપદાપ્રબંધનના નિયમ-કાયદામાંથી ગરમીને બાદ કરી દેવામાં આવી છે.

સરકારો ગરમી સામે લડવા જે પગલાં લઈ રહી છે કે લોકોને જે પગલાં લેવા જણાવી રહી છે તે ગરીબોની ક્રૂર મજાક સમાન છે. મોટા ભાગની રાજ્ય સરકારો અને નાનાં-મોટાં વહીવટીતંત્રો લોકોને બપોરના 12થી 4 ઘરની બહાર ન નીકળવા, છાંયડામાં જ રહેવા, તરસ ન હોય તો પણ ભરપૂર પાણી પીવાં, છાસ, લીંબુ, શરબત અને લસ્સી જેવાં ઘરનાં પીણાં પુષ્કળ માત્રામાં પીવાં, લાઇટ કલરનાં, ખુલતાં સુતરાઉ કપડાં પહેરવાં, માથે ટોપી, છત્રી કે ભીનું કપડું રાખવાં સલાહ આપે છે. જે દેશનો મોટો કામદાર-કિસાન વર્ગ ભરબપોરે મહેનત-મજૂરી કરતો હોય તેને છાંયડામાં રહેવા કે બપોરે આરામ કરવાનું કહેવું કેટલું વાજબી છે? જો સરકારોને તેના નાગરિકના ક્ષેમકુશળની ખરેખર ફિકર હોય, તો તેણે આ ઉનાળામાં કમ સે કમ ‘મનરેગા’ના મજૂરોને પગાર સહિત બપોરના આરામની સવલત આપવી જોઈએ. 

આમ ન કરતાં તંત્રોની બપોરે આરામ ફરમાવવાની સલાહ તેમની મજાક જ ગણાશે. દેશમાં પાણીની તીવ્ર તંગી હોય, લોકોને પીવાના પાણી માટે બે-પાંચ કિલોમીટર દૂર જવું પડતું હોય અને માંડમાંડ તરસ મિટાવી શકાતી હોય ત્યારે ગરમી સામે રક્ષણના ઉપાય તરીકે વગર તરસે ભરપૂર પાણી પીવાની સલાહ સંવેદનહીન લાગે છે. આપણા આપદાપ્રબંધકો અને નીતિનિર્માતાઓ સામાન્ય માણસની વાસ્તવિક સ્થિતિથી કેટલા વિમુખ છે તે આવા માર્ગદર્શન થકી જણાઈ આવે છે. આવી જ સલાહ કપડાં વિશેની પણ છે. ખરેખર તો લોકોને રહેવા યોગ્ય ઘર અને ઠંડીગરમી સામે ટકી શકે તેવો ખોરાક મેળવી શકે તેવી રોજીની જરૂર છે તે ખરો ઉપાય કેમ દેખાતો નથી?અગાઉનાં વર્ષો કરતાં હવે વધુ ઠંડી કે ગરમી કેમ પડે છે અને વરસાદ કેમ ઘટી ગયો છે તે શોધવાનું ખરું અગત્યનું કામ કોઈ કરતું નથી. 

એ હકીકત જગજાહેર છે કે શહેરોમાં બંધાયેલી ઇમારતોમાં કાચ અને લોખંડનો ભરપૂર વપરાશ થાય છે અને પછી ગરમીથી બચવા એરકંડિશનરોનો વિપુલ માત્રામાં ઉપયોગ કરીએ છીએ. તેણે આપણાં શહેરોને ગરમ બનાવી દીધાં છે, પરંતુ શહેરી આયોજનમાં સુધાર કરવાનું આપણને સૂઝતું નથી. આ વરસે અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રએ ગરમીથી ગરીબોને બચાવવાના ઉપાય તરીકે ચાલીઓ અને ઝૂંપડાંઓનાં છાપરાં પર સફેદ ચૂનો લગાવ્યો છે. હજી શહેરમાં, રાજ્યમાં અને દેશમાં લાખો-કરોડો લોકો કેમ આવી અવસ્થામાં રહે-જીવે છે તે સવાલ વિસારે પાડીને ગરમીથી બચાવવા છાપરે ચૂનો લગાવવાનો ઉકેલ વાસ્તવિકતાને ચૂનો લગાવવા બરાબર છે. આ આપત્તિ કુદરતસર્જિત નથી તેટલી માનવસર્જિત છે. ગરમીનો કાળો કેર સામાજિક-આર્થિક ભેદભાવને ઉઘાડા પાડે છે, તેને ઢાંકવા છાપરે ચૂનો લગાવવાથી તે ઢંકાશે નહીં.

ચંદુ મહેરિયા, લેખક સામાજિક-રાજકીય પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે

સૌજન્ય : ‘વ્યાખ્યાની વિચિત્રતા’, “દિવ્ય ભાસ્કર”, 04 મે 2017

Loading

સૌ ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી : ટર્કીના પ્રમુખ એર્ડવાને ભારતને સલાહ આપતાં પહેલાં એક નજર ઘરઆંગણે કરવી જોઈએ

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|3 May 2017

પાકિસ્તાન દાયકાઓથી કાશ્મીરના પ્રશ્નને આંતરરાષ્ટ્રીય કરવા માગે છે, પણ અત્યાર સુધી એને ધારી સફળતા નથી મળી. હવે અમેરિકા, યુરોપના બીજા દેશો અને ચીને પણ રસ લેવાનું બંધ કરી દીધું છે એટલે પાકિસ્તાને ટર્કી પર નજર દોડાવી હોય. મુસ્લિમ વિશ્વના બીજા કેટલાક દેશોનો પાકિસ્તાન કરતાં ભારત સાથે વધારે મોટો સ્વાર્થ છે એટલે એ પણ આમાં પડવા નથી માગતા

સૌ ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી એમ ટર્કીના પ્રમુખ રેસેપ તાઇલીપ એર્ડવાને ભારત સરકારને સલાહ આપી હતી કે ભારત અને પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન અન્ય દેશોની હાજરીમાં બહુરાષ્ટ્રીય મંચ પર ઉકેલવો જોઈએ. તેઓ બે દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા એના આગલા દિવસે તેમણે આવું સૂચન કર્યું હતું અને ઉમેર્યું હતું કે તેમણે આ વિશે પાકિસ્તાનના વડા પ્રધાન સાથે વાતચીત કરી છે. તેમનું આવું સૂચન આશ્ચર્યજનક છે અને ગંભીર પણ છે. છેલ્લા ઘણા સમયથી અમેરિકા સહિત જગતનો કોઈ દેશ કાશ્મીરના પ્રશ્ને મધ્યસ્થી કરવાનું સૂચવતો નથી કે નથી એને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાની સલાહ આપતો.

પહેલી વાત તો એ કે ટર્કી મધ્યસ્થી કરવાની કોઈ નૈતિક લાયકાત ધરાવતું નથી કે નથી એવી કોઈ રાજકીય વગ ધરાવતું. ટર્કી દાયકાઓથી ઉત્તર ટર્કીમાં વસતા કુર્દોને સતાવે છે. કુર્દોને નાગરિક અધિકારો આપવામાં નથી આવતા અને તેમની સાથે એટલા અત્યાચાર થઈ રહ્યા છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. લગભગ ત્રણ કરોડ જેટલી વસ્તી ધરાવતી કુદર્‍ પ્રજા ટર્કી, ઈરાન, ઇરાક, સિરિયા, અને મધ્ય એશિયાના બીજા દેશોમાં વહેંચાયેલી પ્રજા છે. આ પ્રજાનો વાંક એટલો છે કે એ કબીલાઈ પ્રજા છે અને કહેવાતા સભ્ય મુસલમાનોને એમ લાગે છે કે તેઓ અધૂરા મુસલમાનો છે. માત્ર ટર્કી નહીં, ઉપર ગણાવ્યા એમાંનો કોઈ દેશ કુર્દોને ન્યાય નથી આપતો. આમ કુદર્‍ સમસ્યા પોતે જ એક બહુરાષ્ટ્રીય સમસ્યા છે, પરંતુ ટર્કીને એમ નથી લાગતું કે કુર્દોનો પ્રશ્ન બહુરાષ્ટ્રીય ધોરણે વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.

આ લેખના પ્રારંભમાં સૌ ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી એવી કહેવત વાપરી છે એનું બીજું કારણ સાયપ્રસ છે. સાયપ્રસ ભૂમધ્ય સમુદ્રનો એક ટાપુ છે અને ઉત્તર સાયપ્રસ પર ટર્કીએ ચાર દાયકાથી કબજો જમાવ્યો છે. સાયપ્રસમાં ગ્રીક સિપ્રિયોટ અને ટર્કી સિપ્રિયોટ એમ બે વંશની પ્રજા છે અને તેમની વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ટર્કીએ ઉત્તર સાયપ્રસ પર કબજો જમાવ્યા પછી લગભગ દોઢ લાખ ગ્રીક સિપ્રિયટોને ત્રાસ આપીને તગેડી મૂક્યા છે. નૈતિકતા અને સભ્યતા અનુસરવા માટેનાં મૂલ્યો છે, સલાહ આપવા માટેનાં નથી.

ટર્કીમાં પ્રમુખ એર્ડવાને લોકમત લેવાનું નાટક ભજવ્યું હતું એ તાજી ઘટના છે એટલે વાચકોને યાદ હશે. એ લોકમત બ્રિટનમાં બ્રેક્ઝિટના મુદ્દે લેવામાં આવેલા લોકમત જેવો લોકતાંત્રિક નહોતો. લોકમત પહેલાં અને એ પછીથી એર્ડવાનની સરકારે નિષ્ફળ નીવડેલા બળવામાં ભાગ લેનારા કે સહાનુભૂતિ ધરાવનારા લગભગ એક લાખ વિરોધીઓને જેલમાં નાખ્યા હતા અને બીજી અનેક રીતે સતાવ્યા હતા અને હજી આજે પણ સતાવી રહી છે. લોકમત તો સરકાર દ્વારા કરવામાં આવતા અત્યાચારોને પ્રજાકીય સમર્થન છે એમ બતાવવા માટેનું એક નાટક હતું. ૫૦ કરતા વધુ પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અને અનેક મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક આમ ટર્કી કાશ્મીરની સમસ્યા બહુરાષ્ટ્રીય ધોરણે ઉકેલવાની ભારતને સલાહ આપવાની કોઈ નૈતિક લાયકાત ધરાવતો નથી.

ટર્કી એવી કોઈ રાજકીય વગ પણ ધરાવતું નથી. જે દેશો રાજકીય વગ ધરાવે છે એ દેશો પણ હવે કાશ્મીરની સમસ્યા બહુરાષ્ટ્રીય ધોરણે ઉકેલવાની સલાહ આપતા નથી. ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરની સમસ્યા વકરેલી હતી ત્યારે પાકિસ્તાને અમેરિકાને અને બીજા દેશોને મધ્યસ્થી કરવાની વિનંતી કરી હતી. અમેરિકાએ કહ્યું હતું કે જો બન્ને દેશોને અમેરિકાની મધ્યસ્થી કબૂલ હોય તો જ એ મધ્યસ્થી કરશે. ભારત સરકારે કોઈ ત્રીજા દેશની મધ્યસ્થીની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે કાશ્મીરની સમસ્યા ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષી પ્રશ્ન છે અને દ્વિપક્ષી રીતે ઉકેલવામાં આવશે. અમેરિકાના પ્રમુખ જ્યૉર્જ બુશે તો સાફ શબ્દોમાં પાકિસ્તાનને સલાહ આપી હતી કે એ ભારત સાથે ચર્ચા કરે અને કાશ્મીર સહિતના જે કોઈ પ્રશ્ન હોય એ દ્વિપક્ષી ધોરણે ઉકેલે. બીજા તો ઠીક, પાકિસ્તાનની જેની સાથે ગાઢ દોસ્તી છે એ ચીન પણ માને છે કે ભારત અને પાકિસ્તાને કાશ્મીરનો પ્રશ્ન દ્વિપક્ષી ધોરણે વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.

તો પછી ટર્કીએ કૂદી પડવાની શી જરૂર પડી? જરૂર આમાં કોઈ એજન્ડા છે. પાકિસ્તાન દાયકાઓથી કાશ્મીરનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય કરવા માગે છે, પણ અત્યાર સુધી તેને ધારી સફળતા મળી નથી. હવે અમેરિકા, યુરોપના બીજા દેશો અને ચીને પણ રસ લેવાનું બંધ કરી દીધું છે એટલે પાકિસ્તાને ટર્કી પર નજર દોડાવી હોય. મુસ્લિમ વિશ્વના બીજા કેટલાક દેશોનો પાકિસ્તાન કરતાં ભારત સાથે વધારે મોટો સ્વાર્થ છે એટલે એ પણ આમાં પડવા નથી માગતા. ઘણું કરીને એર્ડવાનનું દોઢડહાપણ પાકિસ્તાનની ચડામણીનું પરિણામ છે. કદાચ બીજો કોઈ દેશ ટર્કીના સૂરમાં સૂર પુરાવે તો કાશ્મીરનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ શકે.

ભારત સરકારે ભારતની મુલાકાતે આવેલા ટર્કીના પ્રમુખને સાફ શબ્દોમાં કહી દીધું છે કે કાશ્મીર અને બીજા જે કોઈ પ્રશ્નો છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષી પ્રશ્નો છે અને ભારત પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી વાતચીતના અંતે એર્ડવાને જે નિવેદન બહાર પાડ્યું છે એમાં કાશ્મીરનો અને મધ્યસ્થીનો કોઈ ઉલ્લેખ નથી. ત્રાસવાદનો ઉલ્લેખ છે, પણ એ નક્સલવાદીઓની હિંસાના સંદર્ભમાં છે. તેમણે તેમના નિવેદનમાં પાકિસ્તાનમાં રહીને ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરનારાઓનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. એર્ડવાનની ભારતની મુલાકાતથી કોઈ મોટી ફળશ્રુતિ હોય તો એટલી છે કે તેમણે ભારતના યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદના દાવાને સમર્થન આપ્યું છે. આટલું પણ ઘણું છે, બાકી તેમના દોઢડહાપણને ભારત સરકારે ઠેકાણે લાવી દીધું છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 મે 2017

Loading

...102030...3,4593,4603,4613,462...3,4703,4803,490...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved